સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“આભારી બનો”

“આભારી બનો”

“આભારી બનો”

‘ખ્રિસ્ત જે શાંતિ આપે છે તે તમારાં હૃદયમાં રાજ કરે. વળી આભારી બનો.’ —કોલોસી ૩:૧૫, પ્રેમસંદેશ.

૧. આજે મંડળમાં અને શેતાનના જગતમાં કેવો તફાવત જોવા મળે છે?

 આખી દુનિયાના યહોવાહના સાક્ષીઓના ૯૪,૬૦૦ મંડળોના ભાઈબહેનો યહોવાહના આભારી છે. યહોવાહનો આભાર માનવા માટે દરેક મિટિંગની શરૂઆત અને અંતમાં ગીત ગાઈને પ્રાર્થના કરવામાં આવે છે. વળી, આપણી સંગતમાં નાનાં-મોટાં દરેક લોકો પાસેથી આપણને “થેંક યુ” કે “યુ આર વેલકમ” જેવા શબ્દો સાંભળવા મળે છે. (ગીતશાસ્ત્ર ૧૩૩:૧) પરંતુ, આજે દુનિયામાં લોકો ઘણા સ્વાર્થી થઈ ગયા છે. આથી, તેઓ ‘દેવને ઓળખતા નથી અને સુવાર્તા માનતા નથી.’ (૨ થેસ્સાલોનીકી ૧:૮) આજે દુનિયાના લોકો કશી બાબતનો આભાર માનતા નથી. જોકે એમાં કોઈ નવાઈની વાત નથી. કેમ કે આ જગતનો દેવ શેતાન પણ સ્વાર્થી છે. અને એવું જ વલણ લોકોમાં પણ ફેલાયું છે.—યોહાન ૮:૪૪; ૨ કોરીંથી ૪:૪; ૧ યોહાન ૫:૧૯.

૨. આપણે કઈ ચેતવણીને ધ્યાન આપવાની જરૂર છે અને આપણે કયા પ્રશ્નોનો વિચાર કરીશું?

શેતાન આ જગત પર રાજ કરતો હોવાથી, આપણે તેના જેવું વલણ ન બતાવીએ એ માટે કાળજી રાખવી જોઈએ. પ્રથમ સદીમાં, પ્રેષિત પાઊલે એફેસીઓના ખ્રિસ્તીઓને યાદ કરાવ્યું: “તમે દુનિયાના દુષ્ટ માર્ગ પ્રમાણે ચાલતા હતા; તમે અવકાશમાંની આત્મિક સત્તાઓના અધિકારીને, એટલે ઈશ્વરને આધીન નહિ રહેનારા લોકો પર કાબૂ ધરાવનાર આત્માને આધીન રહેતા હતા. હકીક્તમાં તો આપણે સૌ તેમના જેવા જ હતા અને આપણી દુર્વાસનાઓ પ્રમાણે જીવતા હતા. અને આપણી શારીરિક અને માનસિક ઇચ્છા પ્રમાણે વર્તતા હતા. બીજા સર્વની માફક આપણે પણ સ્વાભાવિક રીતે જ ઈશ્વરના કોપને માટે લાયક હતા.” (એફેસી ૨:૨, ૩, પ્રેમસંદેશ) આજે ઘણા લોકો માટે આ એકદમ સાચું છે. તો પછી, આપણે કઈ રીતે હંમેશાં આભાર બતાવી શકીએ? યહોવાહે આપણને કઈ મદદ પૂરી પાડી છે? કઈ રીતે આપણે બતાવી શકીએ કે આપણે યહોવાહના આભારી છીએ?

આભાર માનવા માટેનાં કારણો

૩. આપણે શા માટે યહોવાહનો આભાર માનવો જોઈએ?

યહોવાહ પરમેશ્વરે આપણને જીવન આપ્યું છે. તેમ જ તેમણે ઉદારતાથી આપણને અઢળક ભેટો આપી છે. એ માટે આપણે તેમના આભારી છીએ. (યાકૂબ ૧:૧૭) આપણે જીવતા છીએ એ માટે પણ આપણે દરરોજ તેમનો આભાર માનવો જોઈએ. (ગીતશાસ્ત્ર ૩૬:૯) યહોવાહે બનાવેલા સૂર્ય, ચંદ્ર અને તારાઓ આપણે જોઈએ છીએ. વળી, યહોવાહે બનાવેલી પૃથ્વીમાં પુષ્કળ ખોરાક અને જીવવા માટે હવા છે. તેમ જ તેમણે નાનાં-મોટાં જીવજંતુઓ પણ બનાવ્યા છે. આ બધા પુરાવાઓ બતાવે છે કે આપણા પિતા કેટલા પ્રેમાળ છે. શું એ માટે તેમનો આભાર માનવો ન જોઈએ? દાઊદ રાજાએ લખ્યું: “હે યહોવાહ મારા દેવ, તારાં આશ્ચર્યકારક કાર્યો, તથા અમારા સંબંધી તારા વિચારો એટલાં બધાં છે, કે તેઓને તારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહિ; જો હું તેઓને જાહેર કરીને તેઓ વિષે બોલું, તો તેઓ અસંખ્ય છે.”—ગીતશાસ્ત્ર ૪૦:૫.

૪. મંડળોમાં ભાઈબહેનોની આનંદી સંગત માટે આપણે શા માટે યહોવાહનો આભાર માનવો જોઈએ?

જોકે, આજે દુનિયાની ખરાબ પરિસ્થિતિને લીધે આપણે સુખચેનમાં રહી શકતા નથી. પરંતુ યહોવાહની ભક્તિમાં આપણને ઘણી રીતે સુખ અને શાંતિ મળે છે. કિંગ્ડમ હૉલમાં અને અનેક સંમેલનોમાં ભાઈબહેનોમાં આપણને પવિત્ર આત્માનાં ગુણો જોવા મળે છે. નાસ્તિક કે ધર્મમાં બહુ માનતા ન હોય એવા લોકોને પ્રચાર કરતા, અમુક સાક્ષીઓ સૌથી પહેલાં “દેહનાં કામ” પર ધ્યાન દોરે છે. આમ, સાક્ષીઓ ઘરમાલિકને ગલાતીના પત્રમાં પાઊલે જે કહ્યું એ જણાવે છે. પછી તેઓ સાંભળનારને પૂછે છે કે ‘શું તમે એવું જોયું છે?’ (ગલાતી ૫:૧૯-૨૩) મોટા ભાગના લોકો સહમત થાય છે કે આજે દુનિયામાં આવું જ જોવા મળે છે. પછી, તેઓને પરમેશ્વરના પવિત્ર આત્માનાં ફળો બતાવવામાં આવે છે. તેથી, જ્યારે ઘરમાલિક કિંગ્ડમ હૉલમાં આવે છે ત્યારે, તેઓ પોતે કહે છે: “તમારી વચ્ચે સાચે જ ઈશ્વરની હાજરી છે.” (૧ કોરિંથી ૧૪:૨૫, IBSI) ફક્ત કિંગ્ડમ હૉલમાં જ આવું વલણ જોવા મળતું નથી. પરંતુ, આપણે આખી દુનિયાના કોઈ પણ ખુણામાં યહોવાહના સાક્ષીઓને મળીશું તો, આપણને એવું જ આનંદી વલણ જોવા મળશે. ખરેખર, ભાઈબહેનોની સંગતથી આપણને જે ઉત્તેજન મળે છે, એ માટે પણ આપણે યહોવાહના આભારી થવું જોઈએ. કેમ કે, યહોવાહ ભાઈબહેનોને આશીર્વાદ આપે છે.—સફાન્યાહ ૩:૯; એફેસી ૩:૨૦, ૨૧.

૫, ૬. પરમેશ્વરે આપેલી સૌથી મહાન ભેટ માટે આપણે કઈ રીતે આભારી બની શકીએ?

યહોવાહે પોતાના વહાલા દીકરાનું બલિદાન આપીને આપણને સૌથી મોટી અને કીમતી ભેટ આપી છે. પ્રેષિત યોહાને લખ્યું, “જો દેવે આપણા પર એવો પ્રેમ રાખ્યો, તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ.” (૧ યોહાન ૪:૧૧) ઈસુએ આપેલા બલિદાનની કદર કરીને આપણે કઈ રીતે આભાર બતાવી શકીએ? આપણે યહોવાહને પૂરા દિલથી પ્રેમ કરવો જોઈએ. એટલું જ નહિ, આપણા પડોશીઓ પ્રત્યે પણ પ્રેમ બતાવવો જોઈએ.—માત્થી ૨૨:૩૭-૩૯.

યહોવાહ અને ઈસ્રાએલીઓ વચ્ચેના સંબંધમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. યહોવાહે મુસા દ્વારા નિયમો આપીને, પોતાના લોકોને ઘણા પાઠ શીખવ્યા હતા. ‘જ્ઞાન તથા સત્યના સ્વરૂપ નિયમશાસ્ત્રમાંથી’ આપણે પણ ઘણું શીખી શકીએ. એ આપણને પાઊલની આ સલાહ પાળવા મદદ કરશે: ‘આભારી બનો.’—રૂમીઓને પત્ર ૨:૨૦; કોલોસી ૩:૧૫, પ્રેમસંદેશ.

મુસાના નિયમમાંથી ત્રણ બોધપાઠ

૭. ઈસ્રાએલીઓ યહોવાહને આભાર બતાવી શકે એની પહેલી રીત કઈ છે?

મુસાને નિયમ આપીને યહોવાહે ઈસ્રાએલીઓને બતાવ્યું કે તેઓ ત્રણ રીતોથી તેમની ભલાઈ માટે આભાર બતાવી શકે છે. સૌ પ્રથમ, તેઓએ દશમો ભાગ દાનધર્મ તરીકે આપવાનો હતો. ભૂમિના સર્વ ઉપજના દશમા ભાગની સાથે ‘ઢોર તથા ઘેટાંબકરાંનો દશાંશ’ પણ ‘યહોવાહને સારૂ પવિત્ર ગણાતો.’ (લેવીય ૨૭:૩૦-૩૨) ઈસ્રાએલીઓએ યહોવાહની આજ્ઞા પાળી ત્યારે, તેમણે તેઓને અઢળક આશીર્વાદ આપ્યો. “દશાંશો ભર્યાપૂરા ભંડારમાં લાવો, જેથી મારા મંદિરમાં અન્‍નની છત રહે, અને એમ કરીને મારૂં પારખું તો લઈ જુઓ, કે હું તમારે સારૂ આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગા નહિ હોય, એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહિ! એવું સૈન્યોનો દેવ યહોવાહ કહે છે.”—માલાખી ૩:૧૦.

૮. દશમો ભાગ આપવા અને દાન કરવા વચ્ચે શો તફાવત હતો?

બીજું, દશમો ભાગ આપવા ઉપરાંત યહોવાહે ઈસ્રાએલીઓ રાજી-ખુશીથી દાન આપે એવી ગોઠવણ પણ કરી હતી. તેમણે મુસાને સૂચના આપી કે ઈસ્રાએલીઓને કહે: “જે દેશમાં હું તમને લઈ જાઉં છું તેમાં જ્યારે તમે આવો, ત્યારે એમ થાય, કે જ્યારે તમે દેશની રોટલી ખાઓ, ત્યારે તમારે યહોવાહને ઉચ્છાલીયાર્પણ ચઢાવવું.” તેઓએ પેઢી દરપેઢી સુધી ‘ઉચ્છાલીયાર્પણને સારૂ પ્રથમ લોંદાની પોળી ચઢાવવાની’ હતી. નોંધ કરો કે અહીં દાનનો કોઈ ચોક્કસ આંકડો આપ્યો નથી. (ગણના ૧૫:૧૮-૨૧) ઈસ્રાએલીઓએ રાજી ખુશીથી ઉચ્છાલીયાર્પણ ચઢાવ્યા ત્યારે, તેઓને યહોવાહે ઘણો આશીર્વાદ આપ્યો. હઝકીએલે પણ સંદર્શનમાં મંદિરને લગતી બાબતોમાં આવી ગોઠવણ જોઈ. આપણે વાંચીએ છીએ: “સર્વ વસ્તુઓનાં પ્રથમફળોમાંનું સહુથી શ્રેષ્ઠ, તથા દરેક વસ્તુનું અર્પણ, તમારાં સર્વ અર્પણોમાંથી, યાજકોના જ ખપમાં આવે; તમારા લોટના લોંદાનો પણ પ્રથમ ભાગ તમારે યાજકને આપવો, એ સારૂ કે તારા ઘર પર આશીર્વાદ રહે.”—હઝકીએલ ૪૪:૩૦.

૯. યહોવાહે કાપણી કરવાની ગોઠવણથી શું શીખવ્યું?

ત્રીજું, તેઓએ કઈ રીતે કાપણી કરવી એ વિષે પણ યહોવાહે સૂચનો આપ્યાં હતાં. પરમેશ્વરે કહ્યું: “જ્યારે તું તારા પાકની કાપણી કરે, ત્યારે ખેતરના ખૂણાઓ પરથી લણીશ નહીં, અને ઘઉંની કાપણીનો મોડ વીણી લઈશ નહીં. એ જ પ્રમાણે તારી દ્રાક્ષાની ઉપજનું પણ કર. દ્રાક્ષાવાડીની દરેક દ્રાક્ષા તું ન વીણી લે અને જમીન ઉપર પડેલી દ્રાક્ષા ન વીણી લે. ગરીબો તથા મુસાફરો માટે તે રહેવા દે, કેમ કે હું યાહવે તારો ઈશ્વર છું.” (લેવીય ૧૯:૯, ૧૦, IBSI) અહીં પણ કોઈ પ્રકારનો ચોક્કસ આંકડો જોવા મળતો નથી. ઈસ્રાએલીઓએ પોતે નિર્ણય કરવાનો હતો કે તેઓએ કાપણીમાંથી કેટલું રહેવા દેવું જોઈએ. રાજા સુલેમાને કહ્યું: “ગરીબ પર દયા રાખનાર યહોવાહને ઉછીનું આપે છે, તે તેને તેના સુકૃત્યનો બદલો આપશે.” (નીતિવચનો ૧૯:૧૭) આમ, યહોવાહે ઈસ્રાએલીઓને શીખવ્યું કે ગરીબો અને મુસાફરોનો પણ વિચાર કરવો જોઈએ અને દયા બતાવવી જોઈએ.

૧૦. ઈસ્રાએલીઓ યહોવાહનો આભાર માનવામાં પાછા પડ્યા ત્યારે શું પરિણામ આવ્યું?

૧૦ ઈસ્રાએલીઓએ દશમો ભાગ આપ્યો, રાજીખુશીથી દાનો આપ્યા તેમ જ, ગરીબોને ખોરાક આપ્યો ત્યારે, યહોવાહે તેઓને ભરપૂર આશીર્વાદ આપ્યો. પરંતુ, ઈસ્રાએલીઓ યહોવાહનો આભાર માનવામાં પાછા પડ્યા ત્યારે, તેઓએ યહોવાહનો આશીર્વાદ ગુમાવ્યો. એ કારણે તેઓ પર મુશ્કેલીઓ આવી અને આખરે તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવ્યા. (૨ કાળવૃત્તાંત ૩૬:૧૭-૨૧) ઈસ્રાએલીઓ પાસેથી આપણે શું શીખી શકીએ?

આપણે કઈ રીતે આભાર માનવો જોઈએ?

૧૧. આપણે યહોવાહની આભાર સ્તુતિ કઈ રીતે કરી શકીએ?

૧૧ આપણે પણ “અર્પણ” ચઢાવીને યહોવાહનો આભાર માનવો જોઈએ. જોકે, આજે આપણે મુસાના નિયમ હેઠળ નથી કે આપણે પ્રાણીઓનું બલિદાન કે પશુનું અર્પણ ચઢાવવું પડે. (કોલોસી ૨:૧૪) તો પછી, આપણે કઈ રીતે અર્પણો ચઢાવી શકીએ? ધ્યાન આપો કે પ્રેષિત પાઊલે હેબ્રી ખ્રિસ્તીઓને શું આજીજી કરી: “આપણે દેવને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ.” (હેબ્રી ૧૩:૧૫) આપણે તન-મન-ધનથી યહોવાહની ભક્તિ કરીને તેમનો આભાર માનવો જોઈએ. આપણે પ્રચાર કરતા હોઈએ કે પછી આપણા ભાઈબહેનો સાથે “જનસમૂહમાં” હોઈએ ત્યારે, યહોવાહનો આભાર માની શકીએ. (ગીતશાસ્ત્ર ૨૬:૧૨) ઈસ્રાએલીઓએ જે રીતે યહોવાહનો આભાર માનવાનો હતો, એમાંથી આપણે શું શીખીએ છીએ?

૧૨. દશમો ભાગ આપવાની ગોઠવણથી આપણે ખ્રિસ્તી જવાબદારી વિષે શું શીખીએ છીએ?

૧૨ સૌ પ્રથમ આપણે જોયું કે ઈસ્રાએલીઓએ ફરજિયાત દશમો ભાગ આપવાનો હતો. એવી જ રીતે, પ્રચાર અને મિટિંગમાં જવાની આપણી પણ ફરજ બને છે. એમાં આપણી કોઈ પસંદગી નહિ ચાલે. જગતના અંત વિષેની ભવિષ્યવાણીમાં ઈસુએ ભાર મૂકતા કહ્યું: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારૂ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.” (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) મિટિંગ વિષે પ્રેષિત પાઊલે લખ્યું: “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. જેમ કેટલાએક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દહાડો પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.” (હેબ્રી ૧૦:૨૪, ૨૫) આપણે પ્રચાર કરવા અને લોકોને સત્ય શીખવવાને એક જવાબદારી સમજીએ છીએ. તેમ જ, દરેક મિટિંગમાં જઈને ભાઈબહેનોને મળવું પણ એક લહાવો છે. આમ, આપણે યહોવાહનો આભાર માનીએ છીએ.

૧૩. રાજીખુશીથી દાન કરવાની અને કાપણીની ગોઠવણમાંથી આપણે શું શીખી શકીએ?

૧૩ આપણે રાજીખુશીથી દાન આપવા અને કાપણી કરવા વિષે પણ જોયું હતું. એમાંથી પણ કંઈ શીખી શકીએ છીએ. જોકે દશમો ભાગ આપવું ફરજિયાત હતું. પરંતુ, રાજીખુશીથી કેટલું દાન આપવું કે કેટલો પાક ખેતરમાં રહેવા દેવો એ ઈસ્રાએલીઓએ પોતે નક્કી કરવાનું હતું. આથી, યહોવાહ પ્રત્યે વ્યક્તિને કેટલી કદર છે, એનાથી પ્રેરાઈને તે દાન કરતી. એવી જ રીતે, યહોવાહના સેવકો તરીકે આપણી ફરજ છે કે આપણે દરેક મિટિંગમાં જઈએ અને પ્રચાર કરીએ. પરંતુ, આપણે પોતાને પૂછવું જોઈએ કે ‘શું હું એ પૂરા દિલથી કરું છું? યહોવાહે મારા માટે જે કંઈ કર્યું છે એની પૂરા દિલથી હું કદર કરું છું? શું મિટિંગ કે પ્રચારમાં જવું મારા માટે એક બોજ છે? કે પછી એમાં આનંદ માણું છું?’ પ્રેષિત પાઊલે કહ્યું: “દરેક માણસે પોતાની રહેણીકરણી તપાસી જોવી, અને ત્યારે તેને કોઈ બીજા વિષે નહિ, પણ કેવળ પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે.”—ગલાતી ૬:૪.

૧૪. આપણે યહોવાહની સેવા કરીએ ત્યારે તે શાની આશા રાખે છે?

૧૪ યહોવાહ પરમેશ્વર આપણા સંજોગોને સારી રીતે જાણે છે. આપણે તેમની સેવામાં કેટલું કરી શકીએ છીએ એ પણ તે સારી રીતે જાણે છે. તેથી, આપણે રાજીખુશીથી નાનાં મોટાં જે અર્પણો કરીએ છીએ એને તે મૂલ્યવાન ગણે છે. તે એવી આશા રાખતા નથી કે આપણે સર્વ એકસરખું અર્પણ કરીએ. દાનધર્મ કરવા વિષે પ્રેષિત પાઊલે કોરીંથના ખ્રિસ્તીઓને લખ્યું: “જો તમે દાન આપવા આતુર હો, તો તમારી પાસે જે નથી તેને આધારે નહિ, પણ તમારી પાસે જે છે તેને આધારે ઈશ્વર તમારી ભેટ સ્વીકારશે.” (૨ કોરીંથી ૮:૧૨, પ્રેમસંદેશ) જોકે, આ સિદ્ધાંત યહોવાહની ભક્તિ કરવામાં પણ લાગુ પડે છે. યહોવાહ એ નથી જોતા કે આપણે તેમની સેવામાં કેટલું કરીએ છીએ. પરંતુ, તે જુએ છે કે આપણે કેવા દિલથી તેમની સેવા કરીએ છીએ.—ગીતશાસ્ત્ર ૧૦૦:૧-૫; કોલોસી ૩:૨૩.

પાયોનિયરો જેવી હોંશ બતાવો

૧૫, ૧૬. (ક) આભાર માનવાની બીજી રીત કઈ છે? (ખ) પાયોનિયરીંગ કરી શકતા નથી તેઓ કઈ રીતે પાયોનિયરો જેવી હોંશ બતાવી શકે?

૧૫ યહોવાહનો આભાર માનવામાં આપણે પૂરા સમયના સેવક પણ બની શકીએ. યહોવાહનો પ્રેમ અને તેમની કૃપા ચાખીને ઘણા સાક્ષીઓએ પોતાના જીવનમાં મોટા ફેરફાર કર્યા છે, જેથી તેઓ સેવામાં વધુ કરી શકે. અમુક લોકો નિયમિત પાયોનિયરીંગ કરે છે. તેઓ દર મહિને લગભગ ૭૦ કલાક પ્રચાર કરીને લોકોને સત્ય શીખવે છે. બીજાઓ, પોતાના સંજોગોને કારણે નિયમિત પાયોનિયરીંગ તો કરી શકતા નથી, પણ કોઈક વાર સહાયક પાયોનિયરીંગ કરતા હોય છે.

૧૬ પરંતુ, યહોવાહના ઘણા સેવકો આજે નિયમિત કે સહાયક પાયોનિયરીંગ કરી શકતા નથી, તેઓ વિષે શું? તેઓ પાયોનિયર જેવો ઉત્સાહ રાખીને યહોવાહનો આભાર માની શકે છે. એ કઈ રીતે? તેઓ પાયોનિયરીંગ કરી શકતા હોય એવા લોકોને ઉત્તેજન આપી શકે. તેમ જ, માબાપ પોતાનાં બાળકોને પાયોનિરીંગ જેવા પૂરા સમયના સેવક બનવાનું ઉત્તેજન આપી શકે. એટલું જ નહિ, તેઓ પોતાના સંજોગો પ્રમાણે પૂરા દિલથી પ્રચાર કાર્યમાં ભાગ લઈને પાયોનિયર જેવો ઉત્સાહ બતાવી શકે. યહોવાહે આપણા માટે જે કર્યું છે એ વિષે વધારે વિચાર કરીશું તેમ, આપણે પૂરા દિલથી તેમની સેવામાં વધારે કરવા પ્રેરાઈશું.

“દ્રવ્યથી” યહોવાહનો આભાર માનવો

૧૭, ૧૮. (ક) આપણે “દ્રવ્યથી” કઈ રીતે યહોવાહનો આભાર માની શકીએ? (ખ) વિધવાએ દાન આપ્યું એ વિષે ઈસુએ શું કહ્યું અને શા માટે?

૧૭ નીતિવચનો ૩:૯ કહે છે, “તારા દ્રવ્યથી, તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાહનું સન્માન કર.” યહોવાહના સેવકોએ દશમો ભાગ આપવાની જરૂર નથી. પરંતુ, પાઊલે કોરીંથના મંડળને શું લખ્યું એને ધ્યાન આપો: “દરેકે અગાઉથી પોતાના મનમાં નક્કી કર્યા પ્રમાણે દાન આપવું. દાન આપનાર જેટલું આપવા માગતો હોય તેનાં કરતાં તે વધારે આપે એવો આગ્રહ કરવો નહિ. કેમ કે જેઓ ખુશીથી આપે છે તેઓ ઈશ્વરની દૃષ્ટિમાં પ્રશંસાપાત્ર છે.” (૨ કોરિંથી ૯:૭, IBSI) આખી દુનિયામાં પ્રચાર કામને ટેકો આપવા માટે રાજીખુશીથી દાન કરીને પણ આપણે યહોવાહનો આભાર માની શકીએ છીએ. આપણે પૂરા દિલથી યહોવાહનો આભાર માનીશું તો, આપણે નિયમિત દાન કરીશું. કદાચ આપણે પ્રથમ સદીના ખ્રિસ્તીઓની જેમ દર અઠવાડિયે દાન કરી શકીએ.—૧ કોરીંથી ૧૬:૧, ૨.

૧૮ યહોવાહનો આભાર માનવા માટે ફક્ત દાન કરવું જ પૂરતું નથી. પરંતુ, આપણે કેવા દિલથી આપીએ છીએ એ મહત્ત્વનું છે. ઈસુએ પણ એવું જ કહ્યું હતું. આ બનાવનો વિચાર કરો. મંદિરની દાન પેટીમાં લોકો દાન નાખતા હતા ત્યારે, ઈસુએ જોયું કે એક વિધવાએ “દાનપેટીમાં બે નાના સિક્કા નાખ્યા.” ત્યારે તેમણે કહ્યું: “સાચે જ આ ગરીબ વિધવાએ પૈસાદાર લોકોની સરખામણીમાં ઘણું વધારે આપ્યું છે. કારણ, તેઓએ પોતાની જરૂરિયાત કરતાં જે વધારાનું હતું તેમાંથી આપ્યું છે, પણ આ ગરીબ સ્ત્રીએ પોતાની પાસે જે હતું તે બધું જ આપી દીધું છે.”—લૂક ૨૧:૧-૪ IBSI.

૧૯. યહોવાહનો આભાર માનવામાં આપણે શાના પર વિચાર કરવો જોઈએ?

૧૯ આ લેખમાં આપણને જોવા મળ્યું કે આપણે અનેક રીતોથી યહોવાહનો આભાર માની શકીએ. તેથી, આપણે વિચારવું જોઈએ કે યહોવાહનો આભાર માનવા આપણે પ્રચાર અને મિટિંગમાં બીજું શું કરી શકીએ. તેમ જ આખી દુનિયાના પ્રચાર કામ માટે શું આપણે રાજીખુશીથી વધારે દાન આપી શકીએ છીએ? આપણે યહોવાહનો આભાર માનવા પૂરા દિલથી બનતું બધું કરીએ તો, આપણે ખાતરી રાખી શકીએ કે આપણા પ્રેમાળ પિતા, યહોવાહ જરૂર ખુશ થશે.

શું તમને યાદ છે?

• આપણે શા માટે યહોવાહનો આભાર માનવો જોઈએ?

• દશમો ભાગ આપવો, રાજીખુશીથી દાન આપવું અને કાપણી કરવામાંથી આપણે શું શીખી શકીએ?

• આપણે પાયોનિયર જેવી હોંશ કઈ રીતે બતાવી શકીએ?

• આપણે “દ્રવ્યથી” કઈ રીતે યહોવાહનો આભાર માની શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્ર]

“દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે”

[પાન ૧૬ પર ચિત્ર]

મુસાના નિયમમાં કઈ ત્રણ બાબતો શીખવા મળે છે?

[પાન ૧૮ પર ચિત્ર]

આપણે કેવા અર્પણો કરી શકીએ?