ચર્ચમાં જનારાઓમાં ઉછાળો
ચર્ચમાં જનારાઓમાં ઉછાળો
ન્યૂઝવીક મૅગેઝિનમાં બતાવવામાં આવ્યું, “દક્ષિણ કોરિયામાં હવે અમેરિકા કરતાં ચાર ગણા પ્રેસબીટરીયન ચર્ચ જોવા મળે છે.” આ વાંચીને કેટલાક લોકોને આશ્ચર્ય થયું હશે. કેમ કે મોટા ભાગના લોકો માને છે કે કોરિયામાં કન્ફ્યુશિયસ અને બૌદ્ધ ધર્મના લોકો વધારે છે. પરંતુ, આજે, મુલાકાતીઓને મોટા ભાગે “ખ્રિસ્તી” દેવળો જોવા મળે છે કે જેના પર લાલ લાઈટવાળો ક્રોસ હોય છે. દર રવિવારે, બે-બે કે ત્રણ-ત્રણના ગ્રૂપમાં લોકોને હાથમાં બાઇબલ પકડીને દેવળમાં જતા જોવા મળે છે. વર્ષ ૧૯૯૮ના સર્વે અનુસાર, લગભગ ૩૦ ટકા કોરિયાના લોકો કૅથલિક કે પ્રોટેસ્ટંટ ધર્મના છે. આ સંખ્યા બૌદ્ધ ધર્મમાં માનનારાઓની સંખ્યા કરતાં વધારે છે.
મોટા ભાગના લોકો નિયમિત રીતે ચર્ચમાં જાય છે. પરંતુ, કોરિયામાં જ નહિ, એશિયાના બીજા દેશોમાં, તેમ જ આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં પણ, હજારો લોકો નિયમિત રીતે ચર્ચમાં જાય છે. જોકે, આજકાલ લોકોનો ધર્મમાં રસ ઓછો થતો જાય છે. તો પછી, શા માટે હજારોને હજારો લોકો ઈશ્વરમાં માનવા લાગ્યા છે? શા માટે તેઓ ચર્ચમાં જાય છે?
કોરિયામાં કરવામાં આવેલા એક સર્વેએ બતાવ્યું કે જેઓ ચર્ચમાં જાય છે, તેઓમાંના પચાસ ટકાથી વધુ લોકો મનની શાંતિ મેળવવા જાય છે. ત્રીજા ભાગના લોકો મરણ પછી અમર જીવન મેળવવા જાય છે. જ્યારે કે ૧૦માંથી ૧ વ્યક્તિ સારી તંદુરસ્તી, ધન અને સફળતા મેળવવાની લાલચે ચર્ચમાં જાય છે.
ચીનમાં ઘણા લોકો ચર્ચમાં જાય છે. કારણ કે પહેલા તેઓ સમાજવાદમાં માનતા હતા અને હવે તેઓ મૂડીવાદમાં માને છે. આથી, પોતાના જીવનમાં આવેલી આધ્યાત્મિક ઉણપને દૂર કરવા જાય છે. વર્ષો પહેલાં, માઓ સમાજવાદના એક આગેવાન હતા. તેમણે એક નાના લાલ પુસ્તકમાં પોતાની ફિલસૂફીઓ લખી. આ પુસ્તક આખા ચીનમાં વહેંચાયું અને લોકોએ એને ફરજિયાત વાંચવાનું હતું. હવે, ચીનમાં દર વર્ષે બાઇબલની લાખો પ્રતો છાપીને એનું વિતરણ કરવામાં આવે છે. આજે, લોકો બાઇબલને માઓના નાના પુસ્તકના જેમ ખૂબ ઉત્સાહથી વાંચે છે.
બ્રાઝિલના કેટલાક કૅથલિક યુવાનોને તો ભાવિમાં નહિ, પરંતુ હમણાં જ બધા આશીર્વાદો જોઈએ છે. મૅગેઝિન ટૂડોએ બતાવ્યું: ‘વર્ષ ૧૯૭૦ના દાયકામાં ચર્ચની એવી માન્યતા હતી કે લોકોને દરેક પ્રકારના અન્યાયથી સ્વતંત્રતા મળે. આથી, લોકો ચર્ચમાં જતા હતા. પરંતુ, આજે ચર્ચમાં જનારાઓ ધન મેળવવા પાછળ પડ્યા છે.’ બ્રિટનમાં એક સર્વેમાં ચર્ચમાં જનારાઓને પૂછવામાં આવ્યું કે ‘તમને શા માટે ચર્ચમાં જવાનું ગમે છે?’ મોટા ભાગના લોકોએ કહ્યું કે ચર્ચમાં જવાથી તેઓ પોતાના મિત્રોને મળી શકે છે.
આ બધું બતાવે છે કે ઘણા લોકો પરમેશ્વરમાં માને છે પણ તેઓને પરમેશ્વરની કંઈ પડી નથી. કેમ કે તેઓ ભવિષ્યને નહિ, પણ પોતાના વર્તમાન જીવનને વધારે મહત્ત્વ આપે છે. પરંતુ, પરમેશ્વરમાં શા માટે માનવું જોઈએ? એ વિષે તમે શું વિચારો છો? આ બાબતમાં બાઇબલ શું કહે છે? એનો જવાબ હવે પછીના લેખમાં જોવા મળશે.