સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ટીવી કાર્યક્રમથી પરમેશ્વરનો મહિમા

ટીવી કાર્યક્રમથી પરમેશ્વરનો મહિમા

રાજ્ય પ્રચારકોનો અહેવાલ

ટીવી કાર્યક્રમથી પરમેશ્વરનો મહિમા

પ્રેષિત પાઊલે કહ્યું, “કેટલાક અદેખાઈ તથા વિરોધથી શુભસંદેશનો પ્રચાર કરે છે. જ્યારે બીજા કેટલાક સારા હેતુથી તેનો પ્રચાર કરે છે.” (ફિલિપી ૧:૧૫, પ્રેમસંદેશ) અમુક વખતે, કેટલાક યહોવાહના લોકોની શાખ ધૂળમાં મેળવી દેવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ, તેમના એવા વલણથી નમ્ર દિલના લોકો સત્ય તરફ આકર્ષાયા છે.

નવેમ્બર ૧૯૯૮માં ફ્રેંચ નેશનલ ટીવી પર લવાર શહેરના યહોવાહના સાક્ષીઓના બેથેલ વિષે એક કાર્યક્રમ હતો. જોકે આ કાર્યક્રમથી દરેક વ્યક્તિ પર અલગ અલગ અસરો પડી. તેમ છતાં, એનાથી અમુક સારાં પરિણામો આવ્યાં.

આ કાર્યક્રમ જોનારાઓમાં ઍના-પૉલા નામની સ્ત્રી પણ હતી. તે ફ્રાંસ બેથેલથી ફક્ત ૬૦ કિલોમીટર દૂર રહેતી હતી. આ છૂટાછેડા પામેલી સ્ત્રીના બે દીકરાઓ પણ છે અને તે નોકરી શોધતી હતી. આથી, તેણે બીજે દિવસે સવારે બેથેલમાં ફોન કરીને તપાસ કરી કે તેને ત્યાં નોકરી મળશે કે કેમ. તેણે કહ્યું, “ટીવીના એ પ્રોગ્રામથી હું પ્રભાવિત થઈ હતી કે એ ખૂબ સારી જગ્યા છે, અને ત્યાં ઘણું સારું કામ કરવામાં આવે છે.” તેને ખબર પડી કે બેથેલમાં સર્વ સ્વેચ્છાએ કામ કરે છે ત્યારે તેને ઘણી નવાઈ લાગી! ફોન પર યહોવાહના સાક્ષીઓના કાર્યો પર થોડી ચર્ચા કર્યા પછી, તે સાક્ષીઓ સાથે ઘરે વધુ વાત કરવા રાજી થઈ ગઈ.

મંડળમાં પૂરા સમયનું પાયોનિયરીંગ કરતી લીનાએ ઍના-પૉલાના ઘરે જઈને લાંબી ચર્ચા કરી. પછી તેણે ઍના-પૉલાને જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે * પુસ્તક આપ્યું. લીના બીજી વાર તેના ઘરે ગઈ ત્યાં સુધીમાં ઍના-પૉલાએ આખું પુસ્તક વાંચી કાઢ્યું હતું. તેને એમાંથી ઘણા પ્રશ્નો પણ હતા. તે તરત જ બાઇબલનો અભ્યાસ કરવા માટે તૈયાર થઈ ગઈ. ઍના-પૉલાએ કહ્યું: “મેં ક્યારેય બાઇબલ જોયું ન હતું. મને પહેલી વાર પરમેશ્વરનાં વચનની શોધ કરવાની તક મળી.”

જાન્યુઆરી ૧૯૯૯માં ઍના-પૉલાએ બેથેલની મુલાકાત લીધી. એ પછીના અઠવાડિયે તે પહેલી વાર મિટીંગમાં ગઈ. એ પછી જલદી જ તેણે પોતાનાં બાળકો સાથે બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો. વળી, તેણે પોતાના મિત્રોને પણ સાક્ષી આપવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, “બાઇબલમાંથી હું જે શીખું છું એ બીજાઓને કહ્યા વગર હું રહી શકતી નથી. હું લોકોને બાઇબલનું સત્ય જણાવી તેઓને દિલાસો આપવા માગું છું.” ઍના-પૉલા પોતાની ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને પણ નિયમિત મિટીંગમાં આવવા માંડી. તેણે ઝડપથી પ્રગતિ કરી અને મે ૫, ૨૦૦૨માં બાપ્તિસ્મા લીધું.

ઍના-પૉલાનાં સારાં ઉદાહરણ અને તેના જોશીલા પ્રચાર કાર્યને લીધે તેની મમ્મીએ પણ બાઇબલ અભ્યાસ શરૂ કર્યો અને જલદી જ બાપ્તિસ્મા લીધું. ઍના-પૉલા કહે છે, “યહોવાહે મને તેમની સેવા કરવાનો મોકો આપ્યો. તેમ જ, તેમણે મને જે આશીર્વાદ આપ્યા એ માટે હું તેમનો ઘણો આભાર માનું છું. હું એટલી ખુશ છું કે હું એને શબ્દોમાં કહી શકતી નથી.”

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત.

[પાન ૮ પર ચિત્ર]

ઉપર: ઍના-પૉલા

નીચે: ફ્રાંસ બેથેલનું પ્રવેશદ્વાર