સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘હું યહોવાહને શું અર્પણ કરું?’

‘હું યહોવાહને શું અર્પણ કરું?’

મારો અનુભવ

‘હું યહોવાહને શું અર્પણ કરું?’

મારિયા કેરાસીનીસના જણાવ્યા પ્રમાણે

હું ૧૮ વર્ષની હતી ત્યારે મારા માબાપ મારાથી બહુ નારાજ હતા. મારા કુટુંબમાં જાણે હું એકલી પડી ગઈ હતી. મારા ગામના લોકો પણ મારી ઠેકડી ઉડાવતા હતા. હું યહોવાહની ભક્તિ કરવાનું છોડી દઉં એ માટે લોકો મને વિનંતી કરતા, બળજબરી કરતા અરે ધમકીઓ પણ આપતા. પરંતુ, આમાંથી કંઈ પણ કામમાં આવ્યું નહિ. મને પાક્કી ખાતરી હતી કે બાઇબલ સત્યને વળગી રહેવાથી પરમેશ્વરનો આશિષ મળશે. હું ૫૦ વર્ષથી યહોવાહની સેવા કરું છું, પરંતુ જ્યારે પાછળ ફરીને વિચાર કરું છું ત્યારે હું પણ ગીતકર્તાની જેમ પૂછું છું: “યાહવેએ મારા હકમાં જે સર્વ કર્યું છે તે બદલ હું તેમને શું અર્પણ કરું?”—ગીતશાસ્ત્ર ૧૧૬:૧૨, IBSI.

મારો જન્મ ૧૯૩૦માં અગ્ગેલોકાસ્ટ્રો ગામમાં થયો હતો. આ ગામડું કોરીંથના ઇસમસની પૂર્વમાં આવેલા ક્રેંક્રિઆ બંદરેથી ૨૦ કિલોમીટરે આવેલું છે. પ્રથમ સદીમાં અહિંયા એક ખ્રિસ્તી મંડળ સ્થાપિત કરવામાં આવ્યું હતું.—પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૧૮; રૂમીઓને પત્ર ૧૬:૧.

અમારું સુખી કુટુંબ હતું. મારા પપ્પા ગામના મુખી હતા અને સર્વ લોકો તેમને બહુ માન આપતા. પાંચ ભાઈબહેનોમાં મારો નંબર ત્રીજો હતો. મારા માબાપ ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચના સભ્યો હતા. આથી, હું પણ દર રવિવારે માસમાં જતી. મૂર્તિ સમક્ષ પાપનો પસ્તાવો કરતી. વળી, દેવળમાં જઈને મીણબત્તી સળગાવતી. તેમ જ, ઉપવાસ પણ કરતી હતી. હું હંમેશાં નન (સાધ્વી) બનવાનું વિચારતી. પરંતુ, ભાઈબહેનોમાંથી મારા માબાપને નારાજ કરનાર હું પહેલી હતી.

બાઇબલ સત્ય મેળવવું

હું લગભગ ૧૮ વર્ષની હતી ત્યારે, મને જાણવા મળ્યું કે મારા એક બનેવીની બહેન કટીના, યહોવાહના સાક્ષીઓના પ્રકાશનો વાંચતી હતી. અને હવે તે ચર્ચમાં પણ જતી ન હતી. આ સાંભળીને મને બહુ દુઃખ થયું. કટીના મારા નજીકના ગામમાં રહેતી હોવાથી મેં તેને ઠીક કરવાનું નક્કી કર્યું. તે મારા ઘરે આવી ત્યારે, મેં તેને ફરવાના બહાને પાદરીના ઘરે લઈ જવાની ગોઠવણ કરી. પાદરીને પહેલેથી યહોવાહના સાક્ષીઓ પર બહુ ગુસ્સો હતો. આથી, તેણે સાક્ષીઓ વિષે જેમ-તેમ બોલવાનું શરૂ કર્યું. તેણે સાક્ષીઓ વિષે કહ્યું કે એ ખતરનાક પંથે કટીનાને ગેરમાર્ગે દોરી છે. ચર્ચા લગભગ ત્રણ દિવસ ચાલી. પાદરી જે કંઈ જૂઠા આરોપો મૂકતા એનો કટીના બાઇબલમાંથી જવાબ આપી તેની બોલતી બંધ કરી દેતી. છેવટે, પાદરીએ કટીનાને કહ્યું કે તું કેટલી સુંદર અને હોંશિયાર છોકરી છે. તારે તો તારી યુવાનીનો ભરપૂર આનંદ લેવો જોઈએ અને તું ઘરડી થાય ત્યારે, ધર્મની બાબતોમાં રસ લેવો જોઈએ.

મેં આ ચર્ચા વિષે મારા માબાપને કંઈ પણ કહ્યું નહિ. પરંતુ, ત્યાર પછીના રવિવારે હું ચર્ચમાં ગઈ નહિ. આથી, બપોરે પાદરી સીધા અમારી દુકાને આવ્યા. ચર્ચમાં નહિ આવવાનું કારણ પૂછ્યું ત્યારે, મેં બહાનું કાઢ્યું કે મારા પપ્પા સાથે દુકાનમાં રહેવું બહુ જરૂરી હતું.

પરંતુ, પાદરીએ મને પૂછ્યું, “શું એ જ કારણ છે કે પછી પેલી છોકરીના રંગમાં રંગાઈ ગઈ છે?”

મેં પણ તેમના મોઢા પર ચોપડી દીધું કે, “ચર્ચ કરતાં સાક્ષીઓ સારું શીખવે છે.”

મારા પપ્પા તરફ ફરીને પાદરીએ કહ્યું: “મિ. ઈકોનોમસ, તમારા સંબંધીને તમારા ઘરમાંથી તરત જ કાઢી મૂકો; તેણે તમારા ઘરમાં આગ લગાવી દીધી છે.”

મારું કુટુંબ મારી વિરુદ્ધ

ગ્રીસમાં લગભગ ૧૯૪૭ના સમય પછી અચાનક યુદ્ધ ફાટી નીકળ્યું. ગોરીલાઓ મને ખેંચી લઈ જશે એ બીકે મારા પપ્પાએ, મને બાજુના ગામમાં મારી બહેનના ઘરે મોકલી દીધી. કટીના પણ આ જ ગામમાં રહેતી હતી. હું બે મહિના ત્યાં રહી. અમુક વિષયો પર બાઇબલ શું કહે છે એ વિષે મેં બાઇબલ સમજણ મેળવી. મને એ જાણીને પણ બહુ દુઃખ થયું કે, ઑર્થોડોક્સ ચર્ચમાં એવી ઘણી બાબતો શીખવવામાં આવે છે કે જે બાઇબલ પ્રમાણે નથી. મને એ પણ શીખવા મળ્યું કે મૂર્તિપૂજાને પરમેશ્વર સ્વીકારતા નથી. વળી, અલગ અલગ ધાર્મિક વિધિઓ જેમ કે ક્રોસનું ચિહ્‍ન કરવું વગેરે ખ્રિસ્તી શિક્ષણ નથી. પરંતુ પરમેશ્વરને ખુશ કરવા માટે “આત્માથી તથા સત્યતાથી” તેમનું ભજન કરવું જોઈએ. (યોહાન ૪:૨૩; નિર્ગમન ૨૦:૪, ૫) આ ઉપરાંત હું એ પણ શીખી કે ભાવિમાં હંમેશ માટે જીવવાની એક સરસ આશા બાઇબલમાં આપવામાં આવી છે! બાઇબલનું આ મૂલ્યવાન સત્ય ખરેખર યહોવાહ પાસેથી મેળવેલો આશિષ હતો.

એ સમયમાં, મારી બહેન અને બનેવીએ જોયું કે હું ખાવાના સમયે ક્રોસ ચિહ્‍ન નથી કરતી કે મૂર્તિઓ આગળ પ્રાર્થના નથી કરતી. તેથી, એક દિવસ બંને જણાએ મને ખૂબ મારી. બીજા દિવસે હું તેઓનું ઘર છોડીને મારી માસીના ઘરે રહેવા ગઈ. મારા બનેવીએ મારા પપ્પાને એ વિષે ખબર આપી. એના થોડા સમય પછી મારા પપ્પા આવ્યા અને હાથ જોડીને મને મનાવવા લાગ્યા કે હું મારા નિર્ણયમાં ફેરફાર કરું. મારા બનેવીએ પણ ઘૂંટણે પડીને માફી માંગી અને મેં તેમને માફ કરી દીધા. છેવટે, તેઓએ મને ચર્ચમાં પાછી આવવા કહ્યું, પરંતુ હું મક્કમ રહી.

હું મારા પપ્પા જોડે ઘરે પાછી ગઈ, પરંતુ ચર્ચમાં જવાનું દબાણ ચાલુ જ રહ્યું. હું કટીનાથી વિખૂટી પડી ગઈ હતી, અરે મારી પાસે વાંચવા માટે કોઈ સાહિત્ય કે બાઇબલ પણ ન હતું. પરંતુ, એક દિવસે મારા કાકાની છોકરીએ મને મદદ કરી ત્યારે હું બહુ ખુશ થઈ ગઈ. તે કોરીંથ ગઈ ત્યારે તેણે સાક્ષીઓને શોધ્યા અને તેમની પાસેથી “લેટ ગોડ બી ટ્રુ” પુસ્તક અને ગ્રીક શાસ્ત્રવચનની એક પ્રત લઈ આવી. મેં ખાનગીમાં એ વાંચવાનું શરૂ કર્યું.

જીવનમાં આવેલો અચાનક ફેરફાર

ત્રણ વર્ષ સુધી મારો સખત વિરોધ થતો રહ્યો. હું એક પણ યહોવાહના સાક્ષીનો સંપર્ક કરી શકતી ન હતી. તેમ જ હું તેઓ પાસેથી કોઈ પણ સાહિત્ય મેળવી શકતી ન હતી. જોકે, મારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો હતો એ વિષે મને સ્વપ્નેય ખ્યાલ ન હતો.

એક દિવસે અચાનક મારા પપ્પાએ મને કહ્યું કે તારે તારા મામાના ઘરે થેસ્સાલોનીકીમાં જવાનું છે. થેસ્સાલોનીકીમાં જતા પહેલાં, હું કોટ સિવડાવવા દરજીની દુકાને ગઈ. અરે, કટીનાને ત્યાં કામ કરતા જોઈને મને ખૂબ આનંદ થયો! લાંબા સમય પછી અમે એકબીજાને મળ્યા હોવાથી બંને ખુશીથી ઉછળી પડ્યા. અમે બંને દુકાનમાંથી બહાર નીકળ્યા ત્યારે, અમે એક ફૂટડા યુવાનને મળ્યા. તે કામ પતાવીને સાઇકલ પર ઘરે જઈ રહ્યો હતો. તેનું નામ ચારાલામ્બોસ હતું. એકબીજાને બરાબર જાણ્યા પછી, અમે લગ્‍ન કરવાનું નક્કી કર્યું. જાન્યુઆરી ૯, ૧૯૫૨માં મેં બાપ્તિસ્મા લઈને યહોવાહને મારું સમર્પણ કર્યું. અને માર્ચ ૨૯, ૧૯૫૨માં અમે લગ્‍ન કર્યા.

જોકે ચારાલામ્બોસે બાપ્તિસ્મા લીધેલું હતું. તેમનો પણ તેમના ઘરમાં ઘણો વિરોધ થયો હતો. પરંતુ, ચારાલામ્બોસ બહુ ઉત્સાહી હતા. તે મંડળમાં સહાયક સેવક તરીકે સેવા આપતા હતા. વળી, તેમની પાસે ઘણા બાઇબલ અભ્યાસો હતા. તેમના ભાઈઓએ પણ બહુ જલદી સત્ય સ્વીકાર્યું. આજે તેમના કુટુંબના મોટા ભાગના લોકો યહોવાહની સેવા કરે છે.

મારા પપ્પાને ચારાલામ્બોસ બહુ ગમતા હતા, તેથી તેમણે લગ્‍ન માટે હા પાડી. પરંતુ, મારી મમ્મીને મનાવવી થોડું અઘરું હતું. અમારા લગ્‍નમાં ફક્ત મારો મોટો ભાઈ અને મારા કાકાનો દીકરો આવ્યા હતા. ચારાલામ્બોસ મારા માટે ખરેખર આશીર્વાદરૂપ હતા. કેમ કે તેમનો સાથ હોવાથી હું યહોવાહની સેવામાં વધારે કરી શકી.

ભાઈબહેનોને ઉત્તેજન આપવું

વર્ષ ૧૯૫૩માં, મેં અને ચારાલામ્બોસે એથેન્સમાં જવાનું નક્કી કર્યું. પ્રચાર કાર્યમાં વધારે ભાગ લઈ શકીએ એ માટે તેમણે કુટુંબના ધંધામાંથી રાજીનામું આપ્યું અને પાર્ટ-ટાઈમની નોકરી મેળવી. અમે બપોરે સાથે પ્રચાર કાર્ય કરતા અને ઘણા બાઇબલ અભ્યાસો કરતા.

ત્યાં પ્રચાર કાર્ય પર પ્રતિબંધ હોવાથી, અમારે બહુ સંભાળીને પ્રચાર કરવો પડતો હતો. દાખલા તરીકે, મધ્ય એથેન્સમાં મારા પતિ ચા-નાસ્તાની દુકાનમાં પાર્ટ-ટાઈમ કામ કરતા હતા. અમે બારી પર ચોકીબુરજ મૅગેઝિન રાખવાનું નક્કી કર્યું. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ અમને કહ્યું કે એ મૅગેઝિન પર પ્રતિબંધ છે. તેમ છતાં, તેમણે કહ્યું કે તમે આ મૅગેઝિનની એક પ્રત આપો હું સિક્યુરિટિ ઑફિસમાં એના વિષે તપાસ કરી જોઈશ. ત્યાંથી તેમને જાણવા મળ્યું કે એ મૅગેઝિન કાયદેસરનું છે ત્યારે, તેમણે અમને પણ જણાવ્યું. પોતાની દુકાન હતી એવા ભાઈઓએ સાંભળ્યું ત્યારે, તેઓ પણ પોત પોતાની દુકાનની બારી પર ચોકીબુરજ મૂકવા લાગ્યા. એક માણસે અમારી દુકાન પરથી ચોકીબુરજ લીધું હતું, પછી તે સાક્ષી બન્યા અને હવે વડીલ તરીકે સેવા આપે છે.

મારો નાનો ભાઈ બાઇબલ અભ્યાસ કરે છે એ જાણીને અમને ખૂબ આનંદ થયો. તેણે નૌકાસૈન્યની કૉલેજ માટે એથેન્સમાં આવવું પડતું હતું. અમે તેને અમારી સાથે સંમેલનમાં લઈ ગયા. એ વખતે સંમેલનો ખાનગી રીતે જંગલોમાં રાખવામાં આવતા હતા. તેણે ત્યાં જે સાંભળ્યું એ ગમ્યું. પરંતુ, થોડા જ સમય પછી તેને પાછું જવાનું થયું. એક વખતે તેને આર્જેન્ટિનાના બંદરે રોકાવાનું થયું. ત્યાં એક મિશનરિ વહાણમાં પ્રચાર કરતા હતા. મારા ભાઈએ તેમની પાસેથી મૅગેઝિનો લીધા. અમને તેનો પત્ર વાંચીને ખૂબ આનંદ થયો. એમાં તેણે લખ્યું હતું: “મને બાઇબલ સત્ય મળ્યું છે. મારું પણ લવાજમ ભરો.” આજે, તે અને તેનું આખું કુટુંબ યહોવાહની સેવા કરે છે.

વર્ષ ૧૯૫૮માં મારા પતિને પ્રવાસી નિરીક્ષક તરીકે કામ કરવાનું જણાવવામાં આવ્યું. આપણા કામ પર પ્રતિબંધ હતો અને સંજોગો પણ સારા નહિ હોવાના લીધે પ્રવાસી નિરીક્ષકો પોતાની પત્નીઓને લઈ જતા ન હતા. પરંતુ, ઑક્ટોબર ૧૯૫૯માં, અમે બ્રાંચમાં આગેવાની લેતા ભાઈઓને પૂછ્યું કે શું હું તેમની સાથે જઈ શકું કે કેમ. તેઓએ ‘હા’ પાડી. અમારે સેન્ટ્રલ અને ઉત્તર ગ્રીસના મંડળોની મુલાકાત લઈને ભાઈબહેનોને ઉત્તેજન આપવાનું હતું.

જોકે, એ સમયમાં મુસાફરી કરવી કંઈ રમતની વાત ન હતી. કેમ કે, મોટા ભાગે કાચા રસ્તાઓ જ હતા. અમારી પાસે કાર નહિ હોવાથી, અમે સામાન્ય રીતે જાહેર પરિવહનમાં જતા. અથવા ઘણી વાર ટ્રકમાં જતા કે જેમાં મરઘાં કે બીજો સામાન રહેતો હતો. અમે કાદવ-કીચડવાળા રસ્તાઓ પર ચાલી શકીએ એ માટે રબરના બૂટ પહેરતા. દરેક ગામડાંમાં લશ્કર રહેતું હોવાથી, અમારે રાતના અંધારામાં ગામમાં જવું પડતું હતું, જેથી તેઓ અમારી પૂછપરછ ન કરે.

ભાઈબહેનોએ આ મુલાકાતોની બહુ કદર કરી. જોકે, દરેક જણ પોતાના કામમાં સખત મહેનત કરતા હતા. તેમ છતાં, તેઓ અલગ અલગ ઘરોમાં રાખવામાં આવતી મોડી સભાઓમાં આવવા પૂરો પ્રયત્નો કરતા. ભાઈબહેનો ઘણા ગરીબ હતા છતાં, તેઓ અમારી આગતા-સ્વાગતા કરતા. એટલું જ નહિ, તેઓ પોતાની પાસે જે કંઈ હોય એમાંથી સૌથી સારું આપતા. અમુક સમયે અમે આખા કુટુંબ સાથે એક જ રૂમમાં સૂતા. પરંતુ, ભાઈબહેનોનો વિશ્વાસ, ધીરજ અને ઉત્સાહ એ અમારા માટે એક આશીર્વાદ સમાન હતા.

અમારા સેવાકાર્યમાં વધારો

ફેબ્રુઆરી ૧૯૬૧માં અમે એથેન્સની બ્રાંચ ઑફિસની મુલાકાત લેતા હતા. એ સમયે અમને પૂછવામાં આવ્યું કે અમે બેથેલમાં સેવા આપી શકીએ કે કેમ. અમે યશાયાહના શબ્દો વાપરીને કહ્યું: “હું આ રહ્યો; મને મોકલ.” (યશાયાહ ૬:૮) બે મહિના પછી, અમને પત્ર મળ્યો કે જેમ બને તેમ જલદી અમે બેથેલ સેવામાં જોડાઈએ. આથી, મે ૨૭, ૧૯૬૧માં અમે બેથેલમાં સેવા કરવાનું શરૂ કર્યું.

અમને બેથેલમાં ખૂબ જ ગમતું હતું, આથી અમને તરત જ ઘર જેવું લાગવા માંડ્યું. મારા પતિ સર્વિસ અને લવાજમ વિભાગમાં કામ કરતા હતા. પછીથી તેમણે થોડા સમય માટે બ્રાંચ કમિટી તરીકે સેવા આપી. હું અલગ અલગ કામ કરતી હતી. એ સમયે બેથેલ કુટુંબમાં ૧૮ સભ્ય હતા. પરંતુ બેથેલમાં વડીલો માટેની સ્કૂલ રાખવામાં આવતી હોવાથી લગભગ પાંચ વર્ષ સુધી કંઈક ૪૦ લોકો હતા. સવારમાં, હું વાસણ ધોતી, રસોઈમાં મદદ કરતી અને બપોરના જમવા માટે ટેબલ પણ સેટ કરતી હતી. પછી હું ૧૨ જણા માટે પથારી કરતી. બપોરે, કપડાંને ઈસ્ત્રી કરતી અને ટોયલેટ અને રૂમ સાફસફાઈ કરતી. અઠવાડિયામાં એક વાર લોન્ડ્રીમાં પણ કામ કરતી. ત્યાં પુષ્કળ કામ હતું, પરંતુ હું ખૂબ ખુશ હતી.

અમે બેથેલ સેવામાં અને પ્રચાર કાર્યમાં ખૂબ વ્યસ્ત રહેતા. ઘણી વાર અમે સાત બાઇબલ અભ્યાસો લેતા. શનિ-રવિ મારા પતિ અલગ અલગ મંડળોમાં ટોક આપવા જતા ત્યારે હું તેમની સાથે જતી. અમે હંમેશાં સાથે જ રહેતા.

અમે એક ખૂબ ધાર્મિક ગ્રીક ઓર્થોડોક્સ યુગલ સાથે બાઇબલ અભ્યાસ કરતા હતા. એક પાદરી તેમનો પાક્કો દોસ્ત હતો. આ પાદરી ચર્ચના શિક્ષણની વિરુદ્ધમાં જતી વ્યક્તિઓને શોધતી એજન્સીનો આગેવાન હતો. તેઓના ઘરમાં, એક રૂમમાં ચારેબાજુ મૂર્તિઓ હતી કે જ્યાં સતત ધૂપ બાળવામાં આવતો. વળી ત્યાં બાઇઝંટાઈ ભજનો ગાવામાં આવતા હતા. અમુક સમય સુધી અમે બાઇબલ અભ્યાસ માટે ગુરુવારે જતા. તેઓનો પાદરી શુક્રવારે મળવા આવતો. એક દિવસે, તેઓએ અમને આગ્રહ કરીને તેમના ઘરે આવવાનું કહ્યું. કારણ કે તેઓ અમને કંઈક બતાવવા માંગતા હતા. અમે તેમના ઘરે ગયા ત્યારે, તેઓ તરત જ અમને એક રૂમમાં લઈ ગયા. એ રૂમ પહેલાં મૂર્તિઓથી ભરેલો રહેતો હતો. પરંતુ, અમને એ જોઈને ખૂબ નવાઈ લાગી કે તેઓએ સર્વ મૂર્તિઓ કાઢી નાખી હતી! ત્યાર પછી આ યુગલે પ્રગતિ કરીને બાપ્તિસ્મા લીધું. અમે કુલ ૫૦ વ્યક્તિઓને યહોવાહના સેવકો બનવામાં મદદ કરી.

અભિષિક્ત ભાઈઓ સાથેની સંગતનો પણ મેં આનંદ માણ્યો. નૉર, ફ્રાન્ઝ અને હેન્શલ જેવા ગવર્નિંગ બોડીના ભાઈઓની મુલાકાતથી પણ અમને ખૂબ જ ઉત્તેજન મળ્યું હતું. લગભગ ૪૦ કરતાં વધારે વર્ષોથી, મને હજુ પણ એવું લાગે છે કે બેથેલમાં સેવા કરવી એક મોટો અને અદ્‍ભુત લહાવો છે.

માંદગી અને મરણ

વર્ષ ૧૯૮૨માં મારા પતિને એલઝાઈમરનો રોગ થયો. તેથી, ૧૯૯૦ સુધીમાં તો તેમની તબિયત ઘણી બગડી ગઈ. આથી, મારે રાત-દિવસ તેમનું ધ્યાન રાખવું પડતું હતું. તેમની જિંદગીના છેલ્લા આઠ વર્ષ દરમિયાન, અમે બેથેલમાંથી જરાય બહાર નીકળી શકતા ન હતા. બેથેલ કુટુંબના ઘણા ભાઈબહેનો અમને મદદ કરતા હતા. તેઓની આટલી મદદ હોવા છતાં, મારે તો ચોવીસ કલાક તેમની પાસે જ રહેવું પડતું હતું. અમુક સમયે તો તબિયત એટલી બધી ખરાબ થઈ જતી હતી કે રાતોની રાત તેમની પાસે બેસી રહેવું પડતું હતું.

જુલાઈ ૧૯૯૮માં મારા વહાલા પતિ મને એકલી મૂકીને હંમેશ માટે ઊંઘી ગયા. જોકે મને તેમની ખોટ બહુ સાલે છે. પરંતુ મને એ જાણીને દિલાસો મળે છે કે બીજા લાખો લોકોની સાથે યહોવાહ તેમને ફરી સજીવન કરશે.—યોહાન ૫:૨૮, ૨૯.

યહોવાહના આશીર્વાદો માટે આભારી

જોકે મારા જીવન સાથીના મરણ પછી હું એકલી પડી હતી છતાં, હું એકલી ન હતી. હું હજુ પણ બેથેલમાં યહોવાહની સેવા કરું છું અને આખું બેથેલ પરિવાર મારી ખૂબ પ્રેમાળ કાળજી રાખે છે. તેમ જ મારું કુટુંબ પણ ખૂબ મોટું છે, એમાં આખા ગ્રીસના મારા ભાઈબહેનોનો પણ સમાવેશ થાય છે. હવે હું ૭૦ વર્ષની છું છતાં, હજુ પણ હું રસોડું અને ડાઈનીંગ હૉલમાં પૂરો દિવસ કામ કરી શકું છું.

વર્ષ ૧૯૯૯માં મેં બ્રુકલિનના મુખ્ય બ્રાંચની મુલાકાત લીધી ત્યારે મારું સ્વપ્નું સાકાર થયું. હું વર્ણવી શકતી નથી કે મને કેટલું સારું લાગ્યું. એ ઉત્તેજન આપનાર અને કદી ભૂલી ન શકાય એવો અનુભવ હતો.

હું વિચારું છું ત્યારે, મને ખૂબ જ સંતોષ થાય કે મેં મારા જીવનનો સૌથી સારો ઉપયોગ કર્યો. યહોવાહની પૂરા સમયની સેવા કરવી એ સૌથી સારું કૅરિયર છે. હું ખાતરીપૂર્વક કહી શકું છું કે મને કદી કશાની ખોટ પડી નથી. યહોવાહે મારી અને મારા વહાલા પતિની આત્મિક અને ભૌતિક રીતે કાળજી રાખી છે. મારા પોતાના અનુભવ પરથી, મને સમજાયું કે શા માટે ગીતકર્તાએ આમ કહ્યું: “યાહવેએ મારા હકમાં જે સર્વ કર્યું છે તે બદલ હું તેમને શું અર્પણ કરું?”—ગીતશાસ્ત્ર ૧૧૬:૧૨, IBSI.

[પાન ૨૬ પર ચિત્ર]

ચારાલામ્બોસ અને હું હંમેશાં સાથે જ રહેતા

[પાન ૨૭ પર ચિત્ર]

મારા પતિ બ્રાંચમાં તેમની ઑફિસમાં

[પાન ૨૮ પર ચિત્ર]

બેથેલ સેવા મારા માટે બહુ મોટો લહાવો છે