ઈસુનું કુટુંબ
ઈસુનું કુટુંબ
ડિસેમ્બરના મહિનામાં આપણને ઈસુના જન્મ દિવસનું દૃશ્ય જોવા મળશે. તેમાં તમને નાનકડો ઈસુ, મરિયમ, અને ઈસુના દત્તક પિતા યુસફ જોવા મળશે. ભલે તમે ખ્રિસ્તી હોવ કે ન હોવ, આવા દૃશ્યથી આ કુટુંબમાં તમારો રસ જાગ્યો હોય શકે. તો ચાલો આપણે જોઈએ કે બાઇબલ ઈસુ, મરિયમ, અને યુસફ વિષે શું જણાવે છે.
ઈસુનું જીવન અજોડ હતું. બાઇબલ આપણને જણાવે છે કે ઈશ્વરની શક્તિથી તેમનું જીવન સ્વર્ગથી લેવામાં આવ્યું અને મરિયમના ગર્ભાશયમાં મૂકવામાં આવ્યું. (લુક ૧:૩૦-૩૫) પરંતુ મરિયમ તો કુંવારી હતી. તેની અને યુસફની ફક્ત સગાઈ થયેલી હતી. તેથી ઈસુ અને યુસફ વચ્ચે લોહીનો કોઈ સંબંધ ન હતો.
શું ઈસુ, યુસફ અને મરિયમનો એકનો એક જ દીકરો હતો? ના, તેઓના બીજા દીકરા-દીકરીઓ પણ હતા. તેથી નાઝરેથ નામના શહેરના લોકોએ ઈસુ વિષે પૂછ્યું: “શું એ સુતારનો દીકરો નથી? એની માનું નામ મરિયમ નથી શું? અને શું યાકૂબ તથા યુસફ તથા સીમોન તથા યહુદાહ તેના ભાઈઓ નથી? અને શું એની સઘળી બહેનો આપણી પાસે નથી?” (માત્થી ૧:૨૫; ૧૩:૫૫, ૫૬; માર્ક ૬:૩) તો આ બતાવે છે કે ઈસુના કુટુંબમાં તેમના મા-બાપ હતા અને ઓછામાં ઓછા ૪ ભાઈઓ તેમ જ ૨ બહેનો હતા.
તેમ છતાં ઘણા માને છે કે ઈસુના એ ભાઈ-બહેનો યુસફ અને મરિયમનાં બાળકો ન હતાં. દાખલા તરીકે, ન્યુ કૅથલિક એન્સાયક્લોપેડિયા પ્રમાણે “ચર્ચ શીખવે છે કે મરિયમ તો કાયમ કુંવારી માતા હતી. તેથી, મરિયમને બીજાં બાળક હોય જ ન શકે.” એ જ પુસ્તક જણાવે છે કે, ભાઈ કે બહેન કોઈને પણ કહી શકાય, પછી ભલેને એ કાકા-મામાના છોકરા હોય. અથવા તો એ એક જ ધર્મના વ્યક્તિ હોય શકે.
શું એ ખરું છે? અમુક કૅથલિક પંડિતો માને છે કે ઈસુના સગા ભાઈ-બહેન હતા. જોન પોલ મિએર કૅથલિક બાઇબલ અસોસીએશન ઑફ અમેરિકાના પ્રેસિડન્ટ હતા. તેમણે જણાવ્યું: “નવા કરારમાં ભાઈ માટે બતાવેલો ગ્રીક શબ્દનો અર્થ ભાઈ જ થાય છે.” * ખરેખર, ઈસુના ભાઈ-બહેનો હતા જેઓ યુસફ અને મરિયમનાં બાળકો હતાં.
તો ચાલો આપણે ઈસુના કુટુંબ વિષે વધારે જાણીએ. વળી, નોંધ કરીએ કે આપણે તેઓના દાખલાથી શું શીખી શકીએ.
[ફુટનોટ]
^ “ઈસુના ભાઈ-બહેનો વિષે બીજા ધર્મોની માન્યતા,” જોન પોલ મિએર, ધ કૅથલિક બીબ્લીકલ ક્વાર્ટરલી, જાન્યુઆરી ૧૯૯૨, પાન ૨૧.