સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુનું કુટુંબ કેવું હતું?

ઈસુનું કુટુંબ કેવું હતું?

ઈસુનું કુટુંબ કેવું હતું?

ઈસુ જે કુટુંબ સાથે ૩૦ વર્ષ સુધી રહ્યા, એ કુટુંબ કેવું હતું? બાઇબલ તેઓ વિષે શું કહે છે? એ કુટુંબ વિષે જાણવાથી આપણે શું શીખી શકીએ છીએ?

શું ઈસુ અમીર કુટુંબમાં જન્મ્યા હતા? ના. તેમના દત્તક પિતા યુસફ જેમની સાથે કોઈ લોહીનો સંબંધ ન હતો, એ સુથાર હતા. તેથી, યુસફને સખત મહેનત કરવી પડતી, અરે લાકડાં પણ જાતે જ કાપવા પડતા હતા. ઈસુ ૪૦ દિવસના હતા ત્યારે, તેમના માબાપ અર્પણ ચઢાવવા યરૂશાલેમ ગયા. તેઓએ શાનું અર્પણ કર્યું? શું એક ઘેટું અને કબૂતરનું અથવા હોલાનું અર્પણ કર્યું? ના, તેઓ તો ગરીબ હતા. એટલે નિયમ પ્રમાણે, યુસફ અને મરિયમે ‘બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાંનું’ અર્પણ આપ્યું.—લુક ૨:૨૨-૨૪; લેવીય ૧૨:૬,.

અહીં આપણે જોઈ શકીએ કે ભાવિમાં રાજા બનનાર ઈસુ ખ્રિસ્ત, એક ગરીબ ઘરમાં જન્મ્યા હતા. તેઓએ રોજ-બ-રોજની ચીજ-વસ્તુઓ માટે પરસેવો પાડવો પડ્યો હતો. યુસફની જેમ ઈસુ પણ સુથાર બન્યા. (માત્થી ૧૩:૫૫; માર્ક ૬:૩) બાઇબલ કહે છે કે સ્વર્ગમાં “તે [ઈસુ] તો ધનવાન હતા,” પણ આપણા માટે તે “ગરીબ બન્યા.” પૃથ્વી પર તે એક સામાન્ય ગરીબ કુટુંબમાં મોટા થયા. (૨ કોરીંથી ૮:૯, પ્રેમસંદેશ; ફિલિપી ૨:૫-૯; હેબ્રી ૨:૯) ઈસુ અમીર ન હોવાથી, લોકો તેમની પાસે આવતા અચકાતા ન હતા. તેમની પાસે કોઈ સત્તા ન હતી કે લોકો તેમનાથી ગભરાઈને દૂર રહે. પરંતુ, ઈસુનું શિક્ષણ લોકોના દિલમાં ઊતરી ગયું. વળી, તેમનો સ્વભાવ લોકોને ગમી ગયો. ઈસુએ લોકોનું ભલું જ કર્યું. (માત્થી ૭:૨૮, ૨૯; ૯:૧૯-૩૩; ૧૧:૨૮, ૨૯) હવે આપણે સમજી શકીએ કે શા માટે યહોવાહે ઈસુને એક ગરીબ કુટુંબમાં જન્મવા દીધા.

ચાલો આપણે જોઈએ કે ઈસુના મા-બાપ, અને ભાઈઓ કેવા હતા. તેમ જ, તેઓ પાસેથી આપણે શું શીખી શકીએ છીએ.

યુસફ ભલો માણસ હતો

યુસફ અને મરિયમની ફક્ત સગાઈ થઈ હતી. એ સમયમાં સગાઈ થાય એટલે એ લગ્‍ન બરાબર ગણાતી. તેથી, યુસફને જ્યારે ખબર પડી કે મરિયમ મા બનવાની છે, ત્યારે તેના દિલના ટૂકડે ટૂકડા થઈ ગયા! યુસફ અને મરિયમના હજુ લગ્‍ન પણ થયા ન હતા અને “તેઓનો મિલાપ” પણ થયો ન હતો. યુસફને લાગ્યું હશે કે ‘મરિયમ ખોટે રસ્તે ચડી ગઈ છે.’ જો એ સાચું હોય તો, મરિયમે પાપ કર્યું હતું એટલે તેને પથ્થરે મારી નાખવામાં આવે. પરંતુ, યુસફ મરિયમના પ્રેમમાં હતો, એટલે કોઈને જાણ ન થાય એ રીતે તેણે સગાઈ તોડી નાખવાનો વિચાર કર્યો.—માત્થી ૧:૧૮; પુનર્નિયમ ૨૨:૨૩, ૨૪.

પછી એક સ્વર્ગદૂતે યુસફને સ્વપ્નમાં કહ્યું: “તારી વહુ મરિયમને તેડી લાવવાને બી મા; કેમકે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે. અને તેને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે; કેમકે જે પોતાના લોકોને તેઓનાં પાપથી તારશે તે એજ છે.” યુસફ તરત જ મરિયમ સાથે લગ્‍ન કરીને તેને પોતાના ઘરે લઈ આવે છે.—માત્થી ૧:૨૦-૨૪.

ખરેખર, યુસફ મરિયમને ખૂબ જ ચાહતો હતો. તે જાણતો હતો કે મરિયમનો પહેલો દીકરો તેનો પોતાનો દીકરો નહિ કહેવાય. તેમ છતાં, યુસફ યહોવાહની પૂરા દિલથી સેવા કરતો હતો. તેણે એ આશીર્વાદ ગણ્યો કે મસીહ પોતાના કુટુંબમાંથી આવશે. આમ, તેણે યહોવાહની આ ભવિષ્યવાણીને પૂરેપૂરો સાથ આપ્યો: “જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્ર જણશે, અને તેનું નામ તે ઈમ્માનૂએલ પાડશે.”—યશાયાહ ૭:૧૪.

મરિયમે ઈસુને જન્મ આપ્યો ત્યાં સુધી યુસફે સુહાગ-રાત મનાવી નહિ. (માત્થી ૧:૨૫) યુસફ માટે આ બહુ મુશ્કેલ હતું. મરિયમ તેની પત્ની હતી અને તે તેને બહુ જ ચાહતો હતો. પરંતુ, આ રીતે તેણે સાબિત કરી આપ્યું કે ઈસુના પિતા યહોવાહ હતા, પોતે નહિ. ખરેખર, યુસફે આપણા માટે કેવો સરસ દાખલો બેસાડ્યો! યુસફે સ્વાર્થી બનવાને બદલે યહોવાહની ઇચ્છા પહેલા નંબરે મૂકી.

ઈસુને મોટા કરવા વિષે પણ સ્વર્ગ દૂતે ચાર વખત યુસફને માર્ગદર્શન આપ્યું. એમાંથી ત્રણ વખત સપનામાં જણાવ્યું કે ઈસુને ક્યાં લઈ જવું, કેમ કે તેમનું જીવન જોખમમાં હતું. યુસફે ત્રણેય વખત દૂતના કહ્યા પ્રમાણે જ કર્યું. હેરોદના પંજામાંથી ઈસુને બચાવવા, યુસફ કુટુંબને લઈને ઈસ્રાએલથી મિસર નાસી છૂટ્યા. પછી, તેઓ ફરી પાછા ઈસ્રાએલ આવ્યા. આમ ઈસુ વિષેની ભવિષ્યવાણીઓ પૂરી થઈ. તેમ જ, એમાં યુસફે પૂરેપૂરો સાથ આપ્યો.—માત્થી ૨:૧૩-૨૩.

વિચારો કે યુસફ કેવા પિતા હતા? યુસફે ઈસુને સુથારી કામ શીખવ્યું, જેથી તે જાતે મહેનત કરી શકે. એટલે જ ઈસુ ફક્ત ‘સુતારના દીકરા’ નહિ, પણ પોતે “સુતાર” કહેવાયા. (માત્થી ૧૩:૫૫; માર્ક ૬:૩) ઈસુએ બધાની જેમ જ મહેનત મજૂરી કરી અને પસીનો પાડ્યો. તેથી, પ્રેષિત પાઊલે લખ્યું કે ઈસુ પણ ‘આપણી જેમ બધી કસોટીઓમાંથી પસાર થયાં છે.’—હિબ્રૂ ૪:૧૫, પ્રેમસંદેશ.

બાઇબલ બતાવે છે કે યુસફ યહોવાહની સેવા માટે કંઈ પણ કરવા તૈયાર હતા. એ સમયમાં પાસ્ખા પર્વ માટે ફક્ત પુરુષોએ જ યરૂશાલેમ જવાનું હતું. જો કે યુસફ પોતાના કુટુંબને “વરસોવરસ” ત્યાં લઈ જતા હતા. તેઓએ નાઝરેથથી યરૂશાલેમ જવા માટે લગભગ ૧૦૦ કિલોમીટર ચાલવું પડતું હતું. એક વખતે પાસ્ખા પર્વ પછી, ઘરે પાછા આવતા ઈસુ તેઓ સાથે ન હતા. શું ઈસુ ખોવાઈ ગયા હતા? ના, તે તો મંદિરમાં ધર્મગુરુઓની સાથે વાતચીત કરતા મળી આવ્યા. જો કે ઈસુ ફક્ત ૧૨ વર્ષના હતા પણ તેમને શાસ્ત્રનું કેવું સરસ જ્ઞાન હતું. એ જ બતાવે છે કે ઈસુના માબાપે તેમને યહોવાહનું સરસ શિક્ષણ આપ્યું હતું. (લુક ૨:૪૧-૫૦) આ બનાવ પછી બાઇબલ યુસફ વિષે કંઈ જણાવતું નથી. એટલે લાગે છે કે આ પછી યુસફ મરણ પામ્યા હોય શકે.

યુસફે પોતાના કુટુંબની સારી રીતે સંભાળ રાખી. વળી, તેમણે પોતાના કુટુંબનું મન પણ યહોવાહની સેવામાં જ પરોવ્યું. શું તમે પણ યુસફની જેમ જ, યહોવાહની સેવા જીવનમાં પ્રથમ રાખો છો? (૧ તીમોથી ૨:૪, ૫) શું તમે બાઇબલની દરેક આજ્ઞા પાળવા તૈયાર છો? શું તમે તમારાં બાળકોને યહોવાહ સાથે દોસ્તી કરતા શીખવો છો?

ઈશ્વર-ભક્ત મરિયમ

સ્વર્ગદૂત ગાબ્રીએલે મરિયમને જણાવ્યું કે તે એક બાળકને જન્મ આપશે ત્યારે, તેને ઘણી નવાઈ લાગી. તેણે પૂછ્યું કે ‘એમ કઈ રીતે બની શકે? હું તો કુંવારી છું.’ પરંતુ, સ્વર્ગદૂતે તેને જણાવ્યું કે આ બાળક પવિત્ર આત્મા દ્વારા જન્મશે. ત્યારે તેણે કહ્યું: “હું તો ઈશ્વરની સેવિકા છું, તમારા કહ્યા પ્રમાણે મને થાઓ.” (લુક ૧:૩૦-૩૮, પ્રેમસંદેશ) મરિયમે એ આશીર્વાદ માન્યો કે બધી સ્ત્રીઓમાંથી ઈશ્વરે તેને પસંદ કરી. અરે, ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા તે કોઈ પણ મુશ્કેલી ઉઠાવવા તૈયાર હતી.

જો કે ઈશ્વરના કહ્યા પ્રમાણે કરીને મરિયમનું આખું જીવન બદલાઈ ગયું. ઈસુના જન્મ પછી, મરિયમ અર્પણ ચઢાવવા યરૂશાલેમ ગઈ. યહોવાહના સેવક, શિમઓને તેને કહ્યું: “તારા પોતાના જીવને તરવાર વીંધી નાખશે.” (લુક ૨:૨૫-૩૫) અહીં શિમઓન શું કહેવા માગતા હતા? તે કહેતા હતા કે બધા લોકો ઈસુ પર વિશ્વાસ નહિ કરે અને અમુક તો ઈસુને સ્તંભ પર ખીલા ઠોકીને મારી નાખશે. આ બધું જોઈને જાણે મરિયમનો જીવ તરવારથી વીંધાય જશે.

જો કે યુસફની જેમ મરિયમ પણ યહોવાહની દિલથી સેવા કરતી હતી. તેણે ઈસુના જીવનને લગતી ભવિષ્યવાણીઓ જાણે મનમાં છાપી દીધી હતી. દાખલા તરીકે, ગાબ્રીએલે કહ્યું હતું કે “તે [ઈસુ] મોટો થશે, ને પરાત્પરનો દીકરો કહેવાશે; અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઊદનું રાજ્યાસન આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે, ને તેના રાજ્યનો અંત આવશે નહિ.” (લુક ૧:૩૨, ૩૩) ઈસુના જીવનમાં જે બન્યું, એ ‘સર્વ વાતો મનમાં રાખીને મરિયમ તે વિષે વિચાર કરતી.’ (લુક ૨:૧૯, ૫૧) બધી તકલીફો છતાં, મરિયમે મસીહની મા બનવાને યહોવાહ તરફથી એક આશીર્વાદ ગણ્યો.

મરિયમ એલીઝાબેથને મળી ત્યારે તેણે જાણ્યું કે, તે પણ યહોવાહના આશીર્વાદથી મા બનવાની હતી. એ જોઈને મરિયમે યહોવાહની ભક્તિ કરતા ગીત ગાયું. જેમાં તેણે કદાચ ૧ શમૂએલની હાન્‍નાહે કરેલી પ્રાર્થના અને બીજાં હિબ્રુ શાસ્ત્રવચનોના વિચાર લીધા હોય શકે. આ જ બતાવી આપે છે કે તે ઈશ્વર ભક્ત હતી અને તે સારી રીતે શાસ્ત્ર જાણતી હતી. તેમ જ, ઈસુને યહોવાહના માર્ગમાં મોટા કરવા, પોતાના પતિ યુસફને તે પૂરો સાથ આપવાની હતી. એટલે જ યહોવાહે તેને મસીહની મા બનવા પસંદ કરી હતી.—ઉત્પત્તિ ૩૦:૧૩; ૧ શમૂએલ ૨:૧-૧૦; માલાખી ૩:૧૨; લુક ૧:૪૬-૫૫.

મરિયમને પૂરેપૂરી ખાતરી હતી કે ઈસુ જ મસીહ છે. પોતાના વહાલા પુત્રનું આવું કરુણ મોત જોઈને, મરિયમના દિલના ટૂકડે ટૂકડા થઈ ગયા હશે. તેમ છતાં, ઈસુના મરણ પછી પણ તેણે પોતાનો વિશ્વાસ ઠંડો પડવા દીધો નહિ. ઈસુ સજીવન થયા અને સ્વર્ગમાં ચઢી ગયા પછી, મરિયમ બીજા વિશ્વાસુ સેવકો જોડે પ્રાર્થનામાં જોડાઈ.—પ્રેરિતોનાં કૃત્યો ૧:૧૩, ૧૪.

મરિયમ પાસેથી આપણે શું શીખી શકીએ? શું તમે મરિયમની જેમ કોઈ પણ સંજોગોમાં દુઃખ સહન કરીને યહોવાહની સેવા કરવા તૈયાર છો? યહોવાહની સેવાનું તમને કેટલું મહત્ત્વ છે? મરિયમની જેમ શું તમે પણ બાઇબલ સારી રીતે જાણો છો? શું તમે પણ યહોવાહ વિષે છૂટથી વાતો કરો છો? શું તમને ઈસુમાં સો ટકા ભરોસો છે? ઈસુએ જે કહ્યું એની સાથે આજના બનાવો સરખાવીને, શું તમે ‘તે વિષે વિચાર કરો છો?’—માત્થી ૨૪ અને ૨૫; માર્ક ૧૩; અને લુક ૨૧.

ઈસુના ભાઈઓનું દિલ પીગળી ગયું

ઈસુ જીવતા હતા ત્યારે તેમના કોઈ ભાઈઓએ તેમના પર વિશ્વાસ કર્યો નહિ. ઈસુના સગાં-વહાલાંને પણ તેમની જરાય પડી ન હતી. અરે, માન આપવાની વાત તો બાજુએ રહી, તેઓ કહેતા કે, ‘તે તો પાગલ થઈ ગયો છે!’ (માર્ક ૩:૨૧, પ્રેમસંદેશ) દુઃખની વાત છે કે ઈસુના મરણ વખતે તેમના ભાઈઓમાંથી કોઈ જ ત્યાં ન હતું. એટલે જ ઈસુએ મરિયમની સંભાળ રાખવાનું યોહાનને સોંપ્યું. આવા સંજોગોમાં તમને કેવું લાગ્યું હોત? જ્યારે આપણાં સગાં-વહાલાં યહોવાહ વિષે ન સાંભળે અને મજાક ઉડાવે ત્યારે આપણને કેટલું દુઃખ થાય છે! પણ ચિંતા ન કરો કેમ કે ઈસુ તમારી હાલત સમજી શકે છે.

જો કે ઈસુ સજીવન થયા અને સ્વર્ગમાં ચઢી ગયા પછી, ધીરે ધીરે તેમના ભાઈઓનું દિલ પીગળ્યું. તેઓ પણ ઈસુ પર વિશ્વાસ કરવા માંડ્યા. જ્યારે મરિયમ અને બીજા વિશ્વાસુ સેવકો પ્રાર્થના કરવા યરૂશાલેમમાં ભેગા મળ્યા ત્યારે ઈસુના ભાઈઓ પણ ત્યાં હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૧૪) આખરે, તેઓ પણ ઈસુના શિષ્યો બન્યા. આમાંથી આપણે શું શીખી શકીએ? કદી પણ આપણી આશાનો દીપ બુઝાવા ન દઈએ કે આપણાં સગાં-વહાલાં સત્યમાં નહિ આવે. ઈસુના ભાઈઓની જેમ તેઓનું પણ દિલ પીગળી શકે છે.

ઈસુ સ્વર્ગમાં ચઢી ગયા પછી, તેમના ભાઈઓ યાકૂબ અને યહુદાએ મંડળમાં ઘણું કામ કર્યું હતું. યહોવાહની પ્રેરણાથી યાકૂબે પત્ર પણ લખ્યો. એનાથી ભાઈ-બહેનોને વિશ્વાસ જાળવી રાખવા ઘણી મદદ મળી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૬-૨૯; ૧ કોરીંથી ૧૫:૭; ગલાતી ૧:૧૮, ૧૯; ૨:૯; યાકૂબ ૧:૧) તેમ જ યહુદાએ પણ પત્ર લખ્યો, જેનાથી ભાઈ-બહેનોને વિશ્વાસ દૃઢ રાખવા મદદ મળી. (યહુદા ૧) યાકૂબ અને યહુદાએ ઈસુ સાથેના સંબંધનો ખોટી રીતે ઉપયોગ કર્યો નહિ. તેઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું નહિ કે ‘અમારું સાંભળો, અમે તો ઈસુના ભાઈઓ છીએ!’ ખરેખર, તેઓ ઈસુની જેવા જ ભલા અને નમ્ર હતા.

આપણે ઈસુના કુટુંબ પાસેથી શું શીખ્યા? (૧) ભલેને જીવનમાં ગમે એવા સુખ-દુઃખ આવે, આપણે હંમેશાં યહોવાહને માર્ગે જ ચાલતા રહેવું જોઈએ. (૨) આપણે યહોવાહની સેવા માટે કંઈ પણ કરવા તૈયાર રહેવું જોઈએ. (૩) આપણાં બાળકોને નાનપણથી યહોવાહનો માર્ગ શીખવીએ. (૪) કદી પણ આપણી આશાનો દીપ બુઝાવા ન દઈએ કે આપણાં સગાં-વહાલાં ચોક્કસ સત્યમાં આવશે. (૫) જો કોઈ જવાબદાર ભાઈ તમારા ઓળખીતા હોય તો, બડાઈ ન મારો. ખરેખર, ઈસુના કુટુંબ પાસેથી આપણે ઘણું બધું શીખ્યા. એ આપણને યહોવાહ અને ઈસુના હજુ વધારે પાક્કા મિત્રો બનાવે છે.

[પાન ૪ પર ચિત્ર]

યુસફે મરિયમ સાથે લગ્‍ન કર્યા અને મસીહની ભવિષ્યવાણીઓ પૂરી કરવામાં સાથ આપ્યો

[પાન ૬ પર ચિત્ર]

યુસફ અને મરિયમે પોતાનાં બાળકોને પરમેશ્વરનું જ્ઞાન આપ્યું અને કામ પણ શીખવ્યું

[પાન ૭ પર ચિત્ર]

ઈસુ સ્વર્ગમાં ચઢી ગયા પછી તેમના ભાઈઓએ તેમનામાં વિશ્વાસ કર્યો

[પાન ૮ પર ચિત્ર]

ઈસુના ભાઈઓ યાકૂબ અને યહુદાએ ભાઈ-બહેનોને ખૂબ ઉત્તેજન આપ્યું