તેઓએ જીવનનો માર્ગ પસંદ કર્યો
તેઓએ જીવનનો માર્ગ પસંદ કર્યો
લગભગ ૫૫૦ વર્ષ પહેલાંની વાત છે. આજે જે ચેક રિપબ્લિક કહેવાય છે, એના પ્રાગ અને ક્લાતોવી જેવા શહેરોમાંના ખ્રિસ્તીઓના નાના નાના ગ્રૂપ પોતાનાં ઘરો છોડીને ચાલી નીકળ્યા. તેઓ કુનવાલ્ટ નામના ગામની નજીક રહેવા લાગ્યા. આ ગામડું બોહીમિયાના ઉત્તર-પૂર્વમાં ખીણમાં આવેલું હતું. ત્યાં આ લોકોએ ઘરો બાંધ્યાં, જમીન ખેડી અને બાઇબલ વાંચતા હતા. તેઓએ પોતાને ભાઈઓની એકતા અથવા યુનિટી ઑફ બ્રેધ્રન નામ આપ્યું.
આ ગ્રૂપમાં ખેડૂતો, અભણ અને ભણેલા, અમીર અને ગરીબ, માણસો અને સ્ત્રીઓ, વિધવાઓ અને અનાથો એમ બધા જ હતા. તેઓ બધાને એક જ વાત ગમતી હતી, જે વિષે તેઓએ લખ્યું: “અમે પ્રાર્થનામાં પરમેશ્વરને વિનંતી કરીએ છીએ કે દરેક બાબતમાં તે અમને તેમના હેતુઓ વિષે જણાવે. અમે ફક્ત પરમેશ્વર કહે, એમ જ કરવા માંગીએ છીએ.” ખરેખર, આ ગ્રૂપ જે ભાઈઓની એકતા કહેવાયું, તેઓએ ‘જે માર્ગ જીવનમાં પહોંચાડે છે અને સાંકડો છે’ એ શોધ્યો. (માત્થી ૭:૧૩, ૧૪) તેઓએ બાઇબલનું કયું અમૂલ્ય જ્ઞાન શોધી કાઢ્યું? એ સમયમાં, તેઓની માન્યતા બીજાઓ કરતાં કઈ રીતે જુદી પડી? વળી, આપણે એમાંથી શું શીખી શકીએ છીએ?
તેઓ એકના બે ન થયા
લગભગ ૧૫મી સદીમાં અમુક પંથોમાંથી આવેલા લોકોએ આ ભાઈઓની એકતા નામનું ગ્રૂપ શરૂ કર્યું. એમાંનો એક પંથ હતો વાલ્ડૅન્સીસ જે બારમી સદીમાં શરૂ થયો હતો. જો કે, વાલ્ડૅન્સીસ તો પહેલાં રોમન કૅથલિક ધર્મ પાળતા હતા,
જે મધ્ય યુરોપનો ધર્મ હતો. તેથી, હજુ પણ તેઓ અમુક કૅથલિક સિદ્ધાંતોને વળગી રહ્યા હતા. જ્યારે કે, બીજો પંથ હસાઈટ્સનો હતો જેઓ જૉન હસના સિદ્ધાંતોને માનનારા હતા. ચેક દેશના મોટા ભાગના લોકો એ જ ધર્મ પાળતા હતા. પરંતુ, હસાઈટ્સમાં જરાય એકતા ન હતી. તેઓમાંથી અમુક સમાજ માટે લડ્યા જ્યારે કે બીજાએ રાજકારણમાં આગળ વધવા ધર્મનો ઉપયોગ કર્યો. વળી, ભાઈઓની એકતા નામના ગ્રૂપને, ૧,૦૦૦ વર્ષના જીવનમાં માનનારા અને દેશ-વિદેશના બાઇબલ સ્કોલરોની પણ અસર થઈ.
પીટર કેલ્ઝેસ્કી (૧૩૯૦-૧૪૬૦) ચેકનો બાઇબલ સ્કોલર અને ધર્મ સુધારક હતો. તે વાલ્ડૅન્સીસ અને હસાઈટ્સનું શિક્ષણ બરાબર જાણતો હતો. તેણે હસાઈટ્સના શિક્ષણનો વિરોધ કર્યો કારણ કે તેઓ ધીરે ધીરે હિંસા કરવા તરફ વળી ગયા હતા. તેમ જ, તેણે વાલ્ડૅન્સીસના શિક્ષણનો પણ વિરોધ કર્યો, કારણ કે તેઓ બાઇબલના શિક્ષણને ભૂલી રહ્યા હતા. પીટરે યુદ્ધ પ્રત્યે સખત વિરોધ બતાવ્યો કે ખ્રિસ્તીઓ કદી યુદ્ધ કરતા નથી. તેનું માનવું હતું કે દરેક ખ્રિસ્તીએ ‘ખ્રિસ્તના નિયમ’ પ્રમાણે જ જીવવું જોઈએ, પછી ભલેને ગમે તે થાય. (ગલાતી ૬:૨; માત્થી ૨૨:૩૭-૩૯) વર્ષ ૧૪૪૦માં પીટરે પોતાના સિદ્ધાંતો એક પુસ્તકમાં લખ્યા જેનું નામ હતું નેટ ઑફ ધ ફેઈથ (અંગ્રેજી).
પ્રાગના ગ્રેગરીને પીટરનું શિક્ષણ એટલું તો ગમતું હતું કે તેણે હસાઈટ્સનું શિક્ષણ છોડી દીધું અને પીટરનો શિષ્ય બની ગયો. ગ્રેગરીએ ૧૪૫૮માં
હસાઈટ્સના લોકોમાંથી અમુકને ચેકમાં પોતાના ઘરો છોડી દેવા માટે રાજી કરી લીધા. આ તેઓ હતા જેઓ કુનવાલ્ટના ગામડાંમાં જઈને વસ્યા અને નવા ધર્મની શરૂઆત કરી. થોડા વખત પછી, ચેકથી અમુક લોકો અને જર્મનના વૉલ્ડેન્સીસ લોકો પણ તેઓ સાથે જોડાયા.તેઓ શું માનતા હતા?
આ નવા નવા ગ્રૂપે ૧૪૬૪થી ૧૪૬૭ સુધીમાં કુનવાલ્ટના ગામડામાં ઘણી મિટીંગો કરી. તેમ જ, તેઓએ ઘણા સિદ્ધાંતો પણ બનાવ્યા. એ સિદ્ધાંતો તેઓએ ઘણી મહેનતથી લખી લીધા, જેના અમુક પુસ્તકો બન્યાં. એ પુસ્તકો હજી પણ મળી આવે છે. આ પુસ્તકો તેઓની માન્યતાઓ વિષે સારી રીતે જણાવે છે. આ પુસ્તકોમાં પત્રો, તેઓના પ્રવચનો અને તેઓના ઝઘડા પણ મળી આવે છે.
તેઓની માન્યતા વિષે પુસ્તકો જણાવે છે: “અમે નિર્ણય કર્યો છે કે ફક્ત બાઇબલ જ વાંચીશું. તેમ જ, પ્રભુ અને પ્રેષિતોએ બેસાડેલા દાખલા પર મનન કરીશું. અમે નમ્રતા અને ધીરજ કેળવીશું. તેમ જ દુશ્મનોને ચાહીને તેઓનું ભલું કરીશું. અરે અમે તેઓ માટે પ્રાર્થના પણ કરીશું.” એ પુસ્તકો એમ
પણ બતાવે છે કે આ લોકો પહેલા પ્રચાર કરતા હતા. તેઓ બબ્બેની જોડમાં જતા હતા, જેઓમાં સ્ત્રીઓ વધારે સફળ થતી. આ ભાઈઓએ રાજકારણમાં કોઈ જ ભાગ ન લીધો. કોઈ વચનો લીધા નહિ, મિલિટરીમાં જોડાયા નહિ કે પછી તેઓએ કોઈ હથિયાર લીધા નહિ.કઈ રીતે તેઓની એકતા તૂટી
પરંતુ થોડા વર્ષો પછી તેઓ પોતાના સિદ્ધાંતોને વળગી રહ્યા નહિ. તેઓમાં ઝઘડો થવા માંડ્યો કે તેઓના સિદ્ધાંતોને કેટલી હદે વળગી રહેવું જોઈએ. એમાંને એમાં ૧૪૯૪માં તેઓમાં બે ભાગ પડી ગયા. એક મોટું ગ્રૂપ અને બીજું નાનું ગ્રૂપ. મોટું ગ્રૂપ ધીમે ધીમે ઠંડું પડવા માંડ્યું. જ્યારે કે નાના ગ્રૂપે હિંમત હાર્યા વગર પ્રચાર કર્યો કે આ દુનિયા અને રાજકારણમાં કોઈ ભાગ લેવો ન જોઈએ.—“મોટા ગ્રૂપનું શું થયું?” એ બૉક્સ જુઓ.
દાખલા તરીકે, નાના ગ્રૂપના એક વ્યક્તિએ લખ્યું: ‘જે લોકો બે મનના છે તેઓ કદી દેવના માર્ગમાં ચાલી શકતા નથી. તેઓ ભાગ્યે જ દેવની
ઇચ્છા પ્રમાણે ભોગ આપવા તૈયાર હોય છે. મોટા ભાગે તેઓ પોતાની મરજી પ્રમાણે જ કરતા હોય છે. પરંતુ, જેઓ મક્કમ મનના છે અને જેઓ ઈસુ ખ્રિસ્તના પગલે, સાંકડા માર્ગે ચાલવા માંગે છે તેઓમાંના એક અમે ગણાવા માંગીએ છીએ.’નાના ગ્રૂપના લોકો પવિત્ર આત્માને ઈશ્વરની શક્તિ માનતા હતા. તેઓ માનતા હતા કે આદમે પાપ કર્યું હોવાથી ઈસુએ સંપૂર્ણ માનવ તરીકે પૃથ્વી પર જન્મ લીધો અને આપણા માટે બલિદાન આપ્યું. તેઓ ઈસુની મા મરિયમની ભક્તિ કરતા ન હતા. વળી, પાદરીઓએ કુંવારા રહેવું જોઈએ, એવા શિક્ષણને પણ તેઓએ ખોટું પાડ્યું. તેઓએ દરેકને પ્રચાર કરવાનું ઉત્તેજન આપ્યું અને જે કોઈ પાપ કરતું જ રહે, તેને ધર્મમાંથી કાઢી મૂકવાનું નક્કી કર્યું. તેઓએ રાજકારણ કે મિલિટરીમાં જરાય ભાગ ન લીધો. (“નાના ગ્રૂપના ભાઈઓ શું માનતા હતા” એ બૉક્સ જુઓ.) આ નાનું ગ્રૂપ મક્કમ રીતે પોતાના સિદ્ધાંતોને વળગી રહ્યું તેથી તેઓ માનતા હતા કે તેઓ સાચા હતા.
નાના ગ્રૂપની ખૂબ સતાવણી થઈ
આ નાના ગ્રૂપે બીજા ધર્મોનો, અરે મોટા ગ્રૂપનો પણ વિરોધ કર્યો. એ વિષે તેઓએ લખ્યું કે, ‘તમે પાદરી દિયોનિસીયસના કહેવામાં આવીને નાના નાના છોકરાઓને બાપ્તિસ્મા આપો છો. તેઓને તો હજુ વિશ્વાસ શું એ પણ ખબર નથી. દિયોનિસીયસ તો અમુક મૂર્ખ લોકોના કહેવામાં આવીને નાના છોકરાઓના બાપ્તિસ્માને ઉત્તેજન આપે છે. એવું જ દરેકે દરેક ટીચરો અને ડૉકટરો પણ માને છે. તેમ જ, મોટું ગ્રૂપ પણ તેઓમાં ભળી ગયું છે.’
જો કે નાના ગ્રૂપની પછી ખૂબ જ સતાવણી થઈ. તેઓના એક અધિકારી યાન કાલેનેકને ૧૫૨૪માં ચાબુકથી માર મારીને સળગાવી દેવામાં આવ્યો. પછીથી એ ગ્રૂપના બીજા ત્રણ સભ્યોને જીવતા બાળી નાખવામાં આવ્યા. આમ ૧૫૫૦માં, આ નાના ગ્રૂપના છેલ્લા આગેવાનના મરણ પછી, તેઓ ધીરે ધીરે ભૂલાઈ ગયા.
તેમ છતાં, આ નાનું ગ્રૂપ પોતાની છાપ મધ્ય યુરોપના અમુક ધર્મો પર છોડી ગયું. જો કે, એ સમયમાં એટલી “જ્ઞાનની વૃદ્ધિ” થઈ ન હતી. તેથી, તેઓ ઈશ્વરના જ્ઞાનના અંધકારને દૂર કરી શક્યા નહિ. (દાની. ૧૨:૪) તોપણ, આટલી બધી સતાવણી થઈ છતાં તેઓએ જીવનના માર્ગની શોધ ચાલુ જ રાખી. ખરેખર, તેઓ પાસેથી આજે આપણે ઘણું શીખી શકીએ છીએ.
૬૦માંથી ૫૦ બોહીમિયન (ચેક) પુસ્તકો ૧૫૦૦-૧૫૧૦માં છપાયાં. કહેવાય છે કે એ ભાઈઓની એકતા ગ્રૂપના લોકોના છે
[પાન ૧૧ પર બોક્સ]
મોટા ગ્રૂપનું શું થયું?
મોટા ગ્રૂપનું શું થયું? નાનું ગ્રૂપ છૂટું પડી ગયું ત્યાર પછી, ભાઈઓની એકતા નામના ગ્રૂપ તરીકે મોટા ગ્રૂપે તેમનું કામ ચાલુ જ રાખ્યું. પરંતુ, ધીરે ધીરે તેઓ પોતાની માન્યતાઓમાં ફેરફારો કરવા માંડ્યા. તેઓ ૧૬મી સદીના અંતે ચેકના લ્યૂથરન ધર્મો સાથે ભળી ગયા. * જો કે આ લોકો બાઇબલ અને બીજા ધાર્મિક પુસ્તકોનું ભાષાંતર કરવામાં બીઝી રહ્યા. હકીકતમાં, તેઓના પુસ્તકની શરૂઆતમાં જ યહોવાહના નામના ચાર હેબ્રી મૂળાક્ષરો જોવા મળે છે.
પરંતુ, ૧૬૨૦માં ચેક દેશને રોમન કૅથલિક ચર્ચે પોતાની સત્તા હેઠળ લઈ લીધું. તેથી, મોટા ગ્રૂપના ઘણા આ દેશ છોડીને વિદેશ ચાલ્યા ગયા અને ત્યાં તેઓએ પોતાનું કામ ચાલુ રાખ્યું. પછીથી આ ગ્રૂપ (ચેકના એક શહેર મોરેવિયા પરથી) મોરેવિયન ચર્ચ તરીકે જાણીતું બન્યું, જે આજે પણ જોવા મળે છે.
[ફુટનોટ]
^ આ ગ્રૂપ જ્યારે કૉમુનિયો લેવાનું થાય ત્યારે ચર્ચમાં દારૂ અને રોટલી એમ બંને આપતા. જ્યારે કે રોમન કૅથલિક ચર્ચમાં પાદરીઓ ફક્ત રોટલી જ આપતા હતા.
[પાન ૧૨ પર બોક્સ]
નાના ગ્રૂપના લોકો શું માનતા હતા
નીચેના મુદ્દા નાના ગ્રૂપની માન્યતાઓ બતાવે છે, જે ૧૫ અને ૧૬મી સદીમાં તેઓનાં પુસ્તકોમાં લખી લેવામાં આવ્યા હતા. અહીં લખવામાં આવેલા અમુક સિદ્ધાંતો નાના ગ્રૂપે લખ્યા છે, જે સીધેસીધા મોટા ગ્રૂપ વિષે જણાવે છે.
ત્રૈક્ય: “ઘણા લોકો માને છે કે દેવ ત્રૈક્ય છે. પણ બાઇબલમાં ક્યાંય એવું લખ્યું નથી કે ત્રણ જુદી જુદી વ્યક્તિઓ એક છે.”
પવિત્ર આત્મા: “પવિત્ર આત્મા તો દેવની શક્તિ છે, જે દિલાસો આપનાર અને દેવ તરફથી ભેટ છે. પિતા ફક્ત તેઓને જ પવિત્ર આત્મા આપે છે જેઓ ખ્રિસ્તના પગલે ચાલે છે. બાઇબલમાં કોઈ જગ્યાએ લખ્યું નથી કે પવિત્ર આત્મા દેવ કે વ્યક્તિ છે. અરે, પ્રેષિતો પણ એવું શીખવતા નથી.”
પાદરી: “તેઓ ખાલી નામના જ ‘પાદરી’ છે. જો એ ખિતાબ કે નામ તેઓ પાસેથી લઈ લેવામાં આવે, તો તેઓ પણ સામાન્ય માણસો જ છે. સંત પીતરે કહ્યું કે દરેક ખ્રિસ્તી યાજક કે પાદરી છે અને તેઓએ પવિત્ર બલિદાનો ચઢાવવા જોઈએ. (૧ પીતર ૨)”
બાપ્તિસ્મા: “ઈસુ ખ્રિસ્તે પોતાના પ્રેષિતોને કહ્યું: આખા જગતમાં જઈને, જે કોઈ સાંભળે એ બધાને સુવાર્તા પ્રગટ કરો. (માર્ક ૧૬) જેઓ વિશ્વાસ કરે તેઓને બાપ્તિસ્મા આપો જેથી તેઓનું તારણ થાય. જ્યારે કે, તમે તો નાના છોકરાઓને બાપ્તિસ્મા આપો છો જેઓ વિશ્વાસ શું છે એ પણ જાણતા નથી.”
યુદ્ધમાં ભાગ ન લેવો: ‘અગાઉના ભાઈઓએ મિલિટરીમાં જોડાવાની મના કરી. તેમ જ, કોઈને મારી નાખવા કે હથિયારો લઈને રસ્તા પર ચાલવું એને ખરાબ ગણ્યું. પરંતુ તમને તો એ સારું લાગે છે. તેથી, અમને લાગે છે કે બીજા શિક્ષકોની જેમ તમને પણ પ્રબોધકોએ જે કહ્યું એની પૂરી સમજણ નથી: તે બાણ કે તલવાર કે દરેક પ્રકારના હથિયારને ભાંગીને ભૂકો કરી નાખશે. (ગીતશાસ્ત્ર ૭૫) તેમ જ ફરીથી તેઓ મારા પવિત્ર પર્વતને નુકસાન પહોંચાડશે નહિ અને પરમેશ્વરની આ પૃથ્વી તેમના જ્ઞાનથી ભરપૂર થશે. (યશાયાહ ૧૧)’
પ્રચાર: ‘અમે જાણીએ છીએ કે કોઈ પણ બિશપ કે પાદરી કરતાં સ્ત્રીઓએ ઘણા બધા લોકોને પસ્તાવો કરવા મદદ કરી છે. હવે પાદરીઓ તો તેમને મળેલા સુંદર ઘરોમાં આરામથી રહે છે. પરંતુ, તેઓ આ સૌથી મોટી ભૂલ કરે છે. જાઓ આખા જગતમાં જઈને લોકોને પ્રચાર કરો.’
[પાન ૧૦ પર નકશા]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
જર્મની
પોલૅન્ડ
ચેક રિપબ્લિક
મોરેવિયા
કુનવાલ્ટ
વિલેમોવ
ક્લાતોવી
કેલ્સીસ
પ્રાગ
બોહીમિયા
એલ્બે નદી
વિતાવા નદી
દાબે નદી
[પાન ૧૦, ૧૧ પર ચિત્રો]
ડાબે: પીટર કેલ્ઝેસ્કી; નીચે: “નેટ ઑફ ધ ફેઈથ” (અંગ્રેજી) પુસ્તકનું પાન
[પાન ૧૧ પર ચિત્ર]
પ્રાગનો ગ્રેગરી
[પાન ૧૩ પર ચિત્ર]
ચિત્રો: S laskavým svolením knihovny Národního muzea v Praze, C̆esko