અરે, આટલો મોટો હોજ!
અરે, આટલો મોટો હોજ!
લગભગ ૩,૦૦૦ વર્ષ પહેલાં યરૂશાલેમમાં, રાજા સુલેમાનના રાજમાં યહોવાહ પરમેશ્વરનું મંદિર બંધાયું હતું. એ મંદિરની બહાર તાંબાંનો એક મોટો ગોળ હોજ બનાવીને મૂકવામાં આવ્યો હતો. આ હોજનું વજન ૩૦ ટનથી પણ વધારે હતું. એમાં લગભગ ૪૦,૦૦૦ લિટર પાણી ભરી શકાતું હતું. એને તેઓ પિત્તળનો મોટો હોજ કે કૂંડ કહેતા હતા. (૧ રાજાઓ ૭:૨૩-૨૬) એક્સપર્ટ ઍલ્બર્ટ ઝોય્ડોફ, તેમના પુસ્તક, બિબ્લિકલ આરકીઓલોજીસ્ટમાં કહે છે: “એ સમયે હિબ્રુ દેશમાં પહેલી વાર આવું ભવ્ય કામ કરવામાં આવ્યું હતું.”
એ હોજને કેવી રીતે બનાવવામાં આવ્યો? બાઇબલ કહે છે: “યરદનના સપાટ પ્રદેશમાં સુક્કોથ તથા સારથાનની વચ્ચે ચીકણી માટીની જમીનમાં રાજાએ તે [પિત્તળનાં વાસણો] ઢાળ્યાં.” (૧ રાજાઓ ૭:૪૫, ૪૬) ઍર્લ્બટ આગળ જણાવે છે: ‘આ હોજને એક ખાસ રીતે બનાવવામાં આવ્યો હતો. એ રીત આજે કાંસાના મોટા મોટા ઘંટ બનાવવા વપરાતી ‘લોસ્ટ વેક્સ’ પદ્ધતિને મળતી આવે છે. સૌ પ્રથમ મીણનો હોજ બનાવી, એને અંદર-બહારથી સુંદર ઘાટ આપવામાં આવ્યો. પછી એના ઉપર પ્લાસ્ટર ઓફ પેરીસ જેવો ભીનો પદાર્થ લગાવવામાં આવ્યો. પછી એને સૂકાવા દીધો. આમ, છેલ્લે બીબું તૈયાર થઈ ગયા પછી, તેઓએ એને ગરમ કરીને ઓગળેલા મીણને બહાર કાઢી લીધું. પછી કાંસાને પિગાળીને એ હોજના બીબામાં રેડ્યું.’
ખરેખર, આ હોજ કદ અને વજનમાં ઘણો જ મોટો હતો. એને બનાવવા માટે ઘણી મહેનત અને આવડતની જરૂર પડી હશે. આ હોજને વચ્ચેથી અને અંદર-બહાર એ રીતે ઘાટ આપવામાં આવ્યો કે, જ્યારે એના બીબામાં એકધારું આશરે ૩૦ ટન પિગાળેલું તાંબું રેડવામાં આવ્યું તોપણ એ એનું ભારે વજન ખમી શક્યું. તેમ જ, હોજમાં કોઈ જાતની તિરાડો ન પડે કે હોજ તૂટે નહિ એ રીતે એને રેડવામાં આવ્યું. વળી, એક સામટી ઘણી ભઠ્ઠીઓ સળગતી હતી, જેથી પિગાળેલા તાંબાને વચ્ચે અટક્યા વગર બીબામાં રેડવું સહેલું બને. ખરેખર, એ કેટલું મોટું કામ હશે!
આ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે, રાજા સુલેમાને પ્રાર્થનામાં એનો જશ પરમેશ્વર યહોવાહને આપ્યો: “તું પોતાને મુખે બોલ્યો, ને તે તેં પોતાને હાથે પૂરૂં કર્યું છે.”—૧ રાજાઓ ૮:૨૪.