‘પરમેશ્વર હાથે બાંધેલાં મંદિરોમાં રહેતા નથી’
‘પરમેશ્વર હાથે બાંધેલાં મંદિરોમાં રહેતા નથી’
પ્રેષિત પાઊલે ઘણી મુસાફરી કરી હતી. તે જે જે શહેરોમાં ગયા ત્યાં બધે જ તેમણે એથેનાના મંદિરો જોયાં. તેથી, તે આ મંદિરો વિષે ઘણું જાણતા હતા. ધી એન્સાયક્લોપીડિયા બ્રિટાનીકા પ્રમાણે, એથેના ફક્ત યુદ્ધ અને જ્ઞાનની જ દેવી ન હતી. પણ તે “કલા-કારીગરી અને ધંધા-રોજગારની” પણ દેવી હતી.
એથેન્સ શહેરનું નામ, આ એથેના દેવીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ શહેરમાં એથેના દેવીનું સૌથી પ્રખ્યાત પાર્થેનોન નામનું મંદિર બાંધવામાં આવ્યું હતું. એ જમાનાનું આ સૌથી મોટું મંદિર ગણાતું હતું. પાર્થેનોનમાં, સોના અને હાથીદાંતની ૧૨ મીટર ઊંચી એથેનાની મૂર્તિ મૂકેલી હતી. પાઊલે એથેન્સની મુલાકાત લીધી ત્યારે તે જોઈ શક્યા કે, આ આરસનું મંદિર કંઈક પ૦૦ વર્ષથી આ શહેરમાં જાણીતું હતું.
તેથી આ પાર્થેનોન મંદિરનું ઉદાહરણ લઈને, પાઊલે એથેન્સના લોકોને જણાવ્યું કે ઈશ્વર હાથે બાંધેલા મંદિરમાં રહેતા નથી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૩, ૨૪) જોકે, લોકોના મન પર તો ફક્ત એથેના દેવી જ રાજ કરતી હતી. તેથી, તેઓના મનમાં આ ભવ્ય મંદિર અને મૂર્તિનો એટલો પ્રભાવ હતો કે, ખરા અદૃશ્ય ઈશ્વર વિષે જાણવાની તેઓને જરાય પડી ન હતી. પરંતુ, પાઊલે જણાવ્યું તેમ, આપણે એમ ન ધારવું જોઈએ કે આપણા સરજનહાર પરમેશ્વર ‘માણસોની કારીગરીથી કોતરેલા સોના, રૂપા કે પથ્થરના જેવા છે.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૯.
એથેના જેવા દેવ-દેવીઓના મંદિર અને એનો પ્રભાવ મૂર્તિ સુધી જ રહ્યો છે. તેઓ તો આજે છે અને કાલે નથી. પાર્થેનોનમાંથી એથેનાની મૂર્તિ ઈસવીસન પાંચમી સદીમાં ગાયબ થઈ ગઈ. હવે તો ફક્ત ભાગ્યું-તૂટયું મંદિર જ રહ્યું છે. અત્યારે તો એથેના કોણ હતી એ કોને યાદ છે?
પરંતુ, યહોવાહ તો એકદમ અલગ જ દેવ છે. તે તો “સનાતન” પરમેશ્વર છે જેમને કદી કોઈએ જોયા નથી. (રૂમીઓને પત્ર ૧૬:૨૬, પ્રેમસંદેશ; ૧ યોહાન ૪:૧૨) કોરાહના દીકરાઓએ યહોવાહ માટે લખ્યું: ‘આ દેવ આપણો સનાતન દેવ છે; તે આપણો દોરનાર થશે.’ (ગીતશાસ્ત્ર ૪૮:૧૪) તેથી, જો આપણને યહોવાહનું માર્ગદર્શન જોઈતું હોય, તો આજે જ બાઇબલમાંથી શીખીએ અને એની સલાહ પ્રમાણે જીવીએ.