સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભરોસો મૂકી શકો એવાં વચનો

ભરોસો મૂકી શકો એવાં વચનો

ભરોસો મૂકી શકો એવાં વચનો

પરમેશ્વરના એક પ્રબોધક મીખાહ જાણતા હતા કે માણસના વચનોમાં ભરોસો રાખી ન શકાય. અરે, જિગરી દોસ્ત પણ પોતાનું વચન પાળશે એવો ભરોસો કરી ન શકાય. તેથી મીખાહે ચેતવણી આપી: “મિત્રનો ભરોસો ન કર, જાની દોસ્તનો વિશ્વાસ ન રાખ; તારી સોડમાં સુનારીથી તારા મુખનાં દ્વાર સંભાળી રાખ.”—મીખાહ ૭:૫.

આવા સંજોગોમાં શું મીખાહે બધી આશા છોડી દીધી? શું તેમના મનમાં એવી શંકા જાગી કે હવે એક પણ વચનો પૂરા નહિ થાય? ના, એવું ન હતું. એના બદલે, તેમણે યહોવાહ પરમેશ્વરનાં વચનો પર પૂરો ભરોસો રાખ્યો. એટલા માટે તેમણે કહ્યું: “હું તો યહોવાહ તરફ જોઈ રહીશ; હું મારૂં તારણ કરનાર દેવની વાટ જોઈશ.”—મીખાહ ૭:૭.

શા માટે મીખાહને યહોવાહમાં પૂરો ભરોસો હતો? તે જાણતા હતા કે યહોવાહ હંમેશાં પોતાનાં વચનો પાળે છે. મીખાહ જાણતા હતા કે યહોવાહે તેમના બાપદાદાઓને જે વચનો આપ્યાં, એ બધા જ પૂરાં કર્યા હતાં. (મીખાહ ૭:૨૦) યહોવાહ કદી વચનો આપીને ફરી ગયા નહિ. એ જોઈને, મીખાહનો વિશ્વાસ પાક્કો થયો કે યહોવાહ ભવિષ્યમાં પણ પોતાનાં વચનો ચોક્કસ પાળશે.

‘યહોવાહનું એકેય વચન નિષ્ફળ ગયું નથી’

મીખાહ એ પણ જાણતા હતા કે યહોવાહે કઈ રીતે ઈસ્રાએલીઓને મિસરની ગુલામીમાંથી છોડાવ્યા હતા. (મીખાહ ૭:૧૫) એ સમયે, યહોશુઆએ ઈસ્રાએલીઓને ઉત્તેજન આપ્યું કે ઈશ્વરમાં જ ભરોસો રાખો. તેથી, યહોશુઆએ કહ્યું: “તમારાં અંતઃકરણમાં ને તમારાં મનમાં તમે સહુ જાણો છો, કે જે સારાં વચનો તમારા દેવ યહોવાહે તમારા વિષે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી; તે સર્વ તમારા સંબંધમાં ફળીભૂત [પૂરાં] થયાં છે, તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી.”—યહોશુઆ ૨૩:૧૪.

અરે, ઈસ્રાએલીઓને પણ અનુભવ હતો કે યહોવાહે તેઓને કેવી અદ્રભુત રીતે મદદ કરી હતી. દાખલા તરીકે, યહોવાહે ઈબ્રાહીમને વચન આપ્યું હતું કે આકાશના તારાઓ જેટલા તેમના સંતાન થશે અને તેઓ કનાન દેશનો વારસો પામશે. યહોવાહે ઈબ્રાહીમને એમ પણ જણાવ્યું કે તેમના વંશજો ૪૦૦ વર્ષ સુધી પરદેશમાં ગુલામી કરશે. પરંતુ, “ચોથી પેઢીમાં” યહોવાહ તેઓને પાછા કનાન દેશ લાવશે. હા, આ એકેએક બાબતો સાચી પડી.—ઉત્પત્તિ ૧૫:૫-૧૬; નિર્ગમન ૩:૬-૮.

યાકૂબના દીકરા યુસફ મિસરમાં હતા, ત્યારે ઈસ્રાએલીઓ સુખ-ચેનમાં રહેતા હતા. પણ થોડા સમય પછી, તેઓને ગુલામ બનાવી દેવાયા. તેમ છતાં, ઈસ્રાએલીઓ મિસરમાં ગયા ત્યાર પછીની ચાર પેઢીઓ બાદ તેઓનો છુટકારો થયો. હા, યહોવાહે વચન આપ્યું હતું તેમ ઈબ્રાહીમનાં આ વંશજોને મિસરની ગુલામીમાંથી છોડાવ્યાં. *

ઈસ્રાએલીઓને ત્યાર પછીનાં ૪૦ વર્ષોમાં એવા ઘણા અનુભવો થયા કે, યહોવાહ પોતાનાં વચનો ચોક્કસ પાળે છે. જેમ કે, અમાલેકીઓએ ઈસ્રાએલીઓ ઉપર અચાનક આક્રમણ કર્યું ત્યારે, યહોવાહ તેઓ માટે લડ્યા અને રક્ષણ કર્યું. એટલું જ નહિ, પણ ઈસ્રાએલીઓ અરણ્યમાં ૪૦ વર્ષ સુધી રહ્યાં ત્યારે, તેઓની બધી જ જરૂરિયાતો યહોવાહે પૂરી પાડી. એમ ધીરે ધીરે યહોવાહ તેઓને વચનના દેશમાં લઈ ગયા. એ બધું યાદ કરતા યહોશુઆ કહી શક્યા: “યહોવાહે ઇસ્રાએલના સંતાનને જે જે સારાં વચનો આપ્યાં હતાં તેમાંથી એકે નિષ્ફળ ગયું નહિ; સર્વ ફળીભૂત [પૂરાં] થયાં.”—યહોશુઆ ૨૧:૪૫.

યહોવાહનાં વચનોમાં પૂરો ભરોસો રાખો

મીખાહ અને યહોશુઆની જેમ આપણે યહોવાહના વચનોમાં કઈ રીતે પૂરો ભરોસો રાખી શકીએ? ચાલો આપણે એક દાખલો લઈએ. જરા વિચારો, તમે તમારા જિગરી દોસ્ત પર કઈ રીતે ભરોસો મૂકશો? તેની સાથે તમે દોસ્તી બાંધશો અને બની શકે એટલું તેના વિષે જાણશો, બરાબર ને! દાખલા તરીકે, તમે ગાઢ દોસ્તીથી જોશો કે તે પોતાનાં વચનો પાળે છે કે કેમ. આમ, જેમ જેમ તમે તેને ઓળખશો, તેમ તેમ તેના માટે તમારો ભરોસો વધશે. એ જ રીતે, તમે યહોવાહ વિષે વધુ જાણીને, તેમનાં વચનો પરનો ભરોસો વધારી શકો.

પણ યહોવાહ વિષે આપણે વધારે કઈ રીતે જાણી શકીએ? એક રીત એ છે કે તેમણે બનાવેલા વિશ્વનો વિચાર કરવો. હા, વિશ્વ, એમાંની ચીજ-વસ્તુઓ, જેમ કે આપણી પૃથ્વી, ચંદ્ર અને સૂર્યનો તથા એની પાછળ રહેલા નિયમોનો વિચાર કરો. એ નિયમો એટલા ભરોસાપાત્ર છે કે વૈજ્ઞાનિકો પણ એના આધારે જ શોધખોળ કરી શકે છે. ફક્ત એક નિયમનો વિચાર કરો: એક કોષમાંથી અબજોના અબજો કોષો પેદા થાય છે, જેમાંથી શરીર બને છે! આ તો થઈ ફક્ત શરીરની વાત. એ જ રીતે આખું વિશ્વ એના નિયમો પ્રમાણે ચાલે છે. તો શું તમે એ નિયમો આપનાર પર ભરોસો નહિ મૂકો? ચોક્કસ, તમે વિશ્વના નિયમો પર ભરોસો મૂકતા હોવ તો, એ નિયમો આપનારમાં ભરોસો મૂકો છો.—ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪-૧૬; યશાયાહ ૪૦:૨૬; હેબ્રી ૩:૪.

મીખાહના સમયમાં યશાયાહ પણ પ્રબોધક હતા. તેમના દ્વારા યહોવાહે બીજું એક ઉદાહરણ વાપર્યું. જેમ ઋતુઓ નિયમ પ્રમાણે જ કામ કરે છે, એટલી જ ચોકસાઈથી યહોવાહ પોતાનાં વચનો પાળશે. દાખલા તરીકે, દર વર્ષે વરસાદ પડે છે અને જમીનને ભીની કરે છે. એનાથી ખેડૂત બી વાવીને, સહેલાઈથી પાક લણી શકે છે. તેથી, યહોવાહ જણાવે છે: “જેમ વરસાદ તથા હિમ આકાશથી પડે છે, અને ભૂમિને સિંચ્યા વિના, ને તેને સફળ તથા ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનારને અન્‍ન આપ્યા વિના ત્યાં પાછાં ફરતાં નથી; તે પ્રમાણે મારૂં વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે; મેં જે ચાહ્યું છે તે કર્યા વિના, ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના, તે ફોકટ મારી પાસે પાછું વળશે નહિ.”—યશાયાહ ૫૫:૧૦, ૧૧.

આ પૃથ્વી સુંદર બનશે

વિશ્વ અને આ પૃથ્વીની સુંદર રચના પર મનન કરવાથી યહોવાહમાં આપણો ભરોસો દૃઢ થાય છે. વળી, ‘તેમના મુખમાંથી નીકળતા વચનો’ કયા છે, એ જાણવા માટે બાઇબલનું જ્ઞાન લેવાની જરૂર છે. એ લેવાથી તમે જાણી શકશો કે યહોવાહના હેતુઓ શું છે, અને તે માનવીઓ સાથે કેવો વહેવાર રાખે છે. એ વિષે શીખીને તમે યહોવાહમાં પૂરો ભરોસો રાખી શકશો.—૨ તીમોથી ૩:૧૪-૧૭.

પ્રબોધક મીખાહને યહોવાહમાં પૂરો ભરોસો હતો. આજે આપણી પાસે યહોવાહનાં બધાં જ વચનો લખાણમાં છે, જ્યારે મીખાહ પાસે થોડાં જ વચનો હતાં. જેમ જેમ તમે બાઇબલ વાંચશો, તેમ તેમ યહોવાહનાં વચનો પર તમારો ભરોસો વધતો જશે. આ વચનો ફક્ત ઈબ્રાહીમનાં સંતાનો માટે જ નહિ, પણ આપણા બધા માટે છે. યહોવાહે પોતાના ભક્ત ઈબ્રાહીમને વચન આપ્યું: “તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે; કેમકે તેં મારૂં કહ્યું માન્યું છે.” (ઉત્પત્તિ ૨૨:૧૮) ઈબ્રાહીમના “વંશમાં” સૌ પ્રથમ ઈસુ ખ્રિસ્ત આવે છે.—ગલાતી ૩:૧૬.

યહોવાહ ઈસુ ખ્રિસ્ત દ્વારા દરેક મનુષ્ય પર આશીર્વાદ વરસાવશે. વળી, યહોવાહે આપણા વિષે કયું વચન આપ્યું છે? મીખાહ ૪:૧, ૨ જણાવે છે: “પાછલા દિવસોમાં યહોવાહના મંદિરના પર્વતની સ્થાપના પર્વતોના શિખર પર થશે, ને તેને બીજા ડુંગરો કરતાં ઊંચો કરવામાં આવશે; અને લોકોનાં ટોળેટોળાં ત્યાં ચાલ્યાં આવશે. ઘણી પ્રજાઓ કહેશે, કે ચાલો, આપણે યહોવાહના પર્વત ઉપર તથા યાકૂબના દેવને મંદિરે જઈએ; તે આપણને તેના માર્ગો વિષે શિખવશે, ને આપણે તેના પંથમાં ચાલીશું.”

જે લોકો યહોવાહના નિયમો શીખશે, તેઓ “પોતાની તરવારોને ટીપીને હળની કોશો બનાવશે, ને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે.” યુદ્ધનું નામ-નિશાન મટી ગયું હશે. આ પૃથ્વી નેક દિલના લોકોથી ભરાઈ જશે અને કોઈ કોઈથી ગભરાશે નહિ. (મીખાહ ૪:૩, ૪) હા, યહોવાહ વચન આપે છે કે ઈસુ ખ્રિસ્તના રાજમાં, તે આ પૃથ્વી પરથી દરેક દુષ્ટલોકોનો વિનાશ કરશે.—યશાયાહ ૧૧:૬-૯; દાનીયેલ ૨:૪૪; પ્રકટીકરણ ૧૧:૧૮.

પરંતુ, જેઓ પરમેશ્વરની ખાતર દુઃખ સહી-સહીને મરી ગયા છે તેઓનું શું? આ પૃથ્વી પર સદાને માટે જીવવા યહોવાહ તેઓને સજીવન કરશે! (યોહાન ૫:૨૮, ૨૯) જગતમાં ચારે બાજુ દુષ્ટતા ફેલાવનાર શેતાન અને તેના દૂતોનો, જલદી જ યહોવાહ વિનાશ કરશે. તેમ જ, ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા આદમે કરેલાં પાપને પણ સદાને માટે મિટાવી દેવામાં આવશે. (માત્થી ૨૦:૨૮; રૂમીઓને પત્ર ૩:૨૩, ૨૪; ૫:૧૨; ૬:૨૩; પ્રકટીકરણ ૨૦:૧-૩) પરંતુ, યહોવાહના ભક્તોનું શું થશે? તેઓને સુંદર બગીચા જેવી પૃથ્વી પર સદાને માટે સુખી જીવન આપવામાં આવશે.—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧; લુક ૨૩:૪૩; પ્રકટીકરણ ૨૧:૩-૫.

ખરેખર, કેટલું સરસ વચન! પરંતુ, શું આપણે એના પર ભરોસો મૂકી શકીએ? શું તમે એના પર ભરોસો કરો છો? હા ચોક્કસ, કેમ નહિ! આ કંઈ માનવીઓનાં વચન નથી, જે સારું કરવા તો માંગે છે પણ કરી શકતા નથી. આ તો સર્વશક્તિમાન પરમેશ્વરનાં વચનો છે જે કદી જૂઠું બોલતા નથી અને “પોતાના વચન સંબંધી વિલંબ [મોડું] કરતા નથી.” (૨ પીતર ૩:૯; હેબ્રી ૬:૧૩-૧૮) બાઇબલમાં આપેલા એકેએક વચનો પર તમે સો ટકા ભરોસો રાખી શકો છો, કારણ કે એ ‘સત્યના દેવ, યહોવાહ’ આપે છે.—ગીતશાસ્ત્ર ૩૧:૫.

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓનું ઈન્સાઈટ ઓન ધ સ્ક્રિપ્ચર્સ વૉલ્યુમ ૧, પાન ૯૧૧-૧૨ જુઓ.

[પાન ૬ પર બ્લર્બ]

“જે સારાં વચનો તમારા દેવ યહોવાહે તમારા વિષે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી.”—યહોશુઆ ૨૩:૧૪.

[પાન ૪ પર ચિત્ર]

યહોવાહે લાલ સમુદ્ર પાસે અને અરણ્યમાં ઈસ્રાએલીઓને જે વચનો આપ્યાં, એ પાળ્યાં

[પાન ૭ પર ચિત્ર]

યહોવાહે ઈબ્રાહીમને આપેલું વચન પાળ્યું. તેમના વંશજ ઈસુ ખ્રિસ્ત, સર્વ મનુષ્યો પર આશીર્વાદો વરસાવશે