યહોવાહે બનાવેલાં વૃક્ષો ઊંચા અને ઘટાદાર છે
યહોવાહની સુંદર રચના
યહોવાહે બનાવેલાં વૃક્ષો ઊંચા અને ઘટાદાર છે
શું તમે કદી જંગલમાં ગયા છો? ત્યાં ઊંચાં ઊંચાં વૃક્ષોમાંથી પસાર થતા સૂર્યનાં કિરણો તમે જોયાં છે? વળી, પવનથી ડોલતાં પાંદડાંનો સળવળાટ તમે સાંભળ્યો છે?—યશાયાહ ૭:૨.
અમુક જંગલોમાં, વર્ષના અમુક સમયે ઘણાં વૃક્ષોનાં પાંદડાં લાલ, પીળા કે બદામી જેવા રંગમાં બદલાઈ જાય છે. એવું લાગે કે જાણે વનમાં આગ ન લાગી હોય! બાઇબલ કહે છે: “હે પર્વતો, વન તથા તેમાંનાં સર્વ ઝાડ, તમે ગાયન કરવા માંડો.”—યશાયાહ ૪૪:૨૩. *
આ પૃથ્વી પરનો લગભગ ત્રીજો ભાગ જંગલ છે. ખરેખર, આ જંગલો પોતાના સર્જનહાર, યહોવાહ પરમેશ્વરનો જયજયકાર કરે છે. એટલે જ એક કવિએ કહ્યું: ‘ફળવૃક્ષો તથા સર્વ દેવદારો તમે યહોવાહની સ્તુતિ કરો.’—ગીતશાસ્ત્ર ૧૪૮:૭-૯.
એક પુસ્તક વૃક્ષો વિષે જણાવે છે: “વૃક્ષો વાતાવરણની સુંદરતા વધારે છે. તેમ જ માનવીની જરૂરિયાતો પૂરી પાડે છે.” વળી, વૃક્ષો આપણને ચોખ્ખું પાણી અને શુદ્ધ હવા પૂરા પાડવામાં પણ ભાગ ભજવે છે. તેમ જ, પ્રકાશ સંશ્લેષણ (ફોટોસિન્થિસિસ) નામની અજાયબ પ્રક્રિયા દ્વારા પાંદડાંના કોષો કાર્બન ડાયૉક્સાઇડ, પાણી, ખનીજો અને સૂર્ય પ્રકાશને ઑક્સિજન અને પોષણ આપતા તત્ત્વોમાં ફેરવી નાખે છે.
ખરેખર, જંગલો તો સુંદરતા અને કારીગરીનો એક અદ્ભુત નમૂનો છે. એમાંય વળી જંગલોના ઘટાદાર વૃક્ષો પરથી તો નજર હટાવવાનું મન પણ ન થાય. જંગલમાં તો ઝીણા ઝીણા પાનવાળા નાના નાના કુમળા છોડ, શેવાળો, વેલાઓ, અને ઝાડી ઊગતા હોય છે. આ પ્રકારના છોડ વૃક્ષોની છાયા અને જંગલોની ભેજવાળી જમીન પર જ ઊગે છે.
વળી, અમુક જંગલોમાં તો પાનખર ઋતુમાં એક એકર જમીન પર કંઈક ૧ કરોડ જેટલાં પાંદડાં ખરતા હોય છે. એ પાંદડાંનું પછી શું થાય છે? જીવજંતુઓ, ફૂગ, કીડાઓ અને બીજી અનેક જીવાતો આ ખરેલાં પાંદડાંનું ખાતર બનાવી દે છે, જે જમીન માટે ખૂબ જ ઉપયોગી છે. આ રીતે કશાનો બગાડ થયા વિના, એ બીજા છોડ ઉગાડવા માટે જમીનને તૈયાર કરે છે.
વળી, આ ખરી પડેલાં પાંદડાં નીચે ઘણી જાતના જીવ-જંતુઓ હોય છે. એક પુસ્તક જંગલો વિષે જણાવે છે: ‘પાંદડાંની ફક્ત એક ચોરસ ફૂટ અને એક ઈંચ નીચેની જગ્યા કંઈક ૧,૩૫૦ જીવજંતુઓનું ઘર હોય છે. એટલું જ નહિ, પણ ફક્ત માઈક્રોસ્કોપથી જ જોઈ શકાય, એવી તો અબજોને અબજો જીવાત એમાં રહેતી હોય છે.’ વળી, જંગલોમાં બીજા કંઈ કેટલાયે પ્રાણીઓ, પક્ષીઓ, અને જીવજંતુઓ રહેતા હોય છે. આ બધું કોણ કરી શકે? એના રચનાર સિવાય બીજું કોણ હોય શકે! એટલે જ તે પોતે કહે છે: “અરણ્યનું દરેક પશુ તથા હજાર ડુંગરો ઉપરનાં જનાવર મારાં છે.”—ગીતશાસ્ત્ર ૫૦:૧૦.
અમુક પ્રાણીઓને એ રીતે બનાવવામાં આવ્યા હોય છે કે તેઓ સખત ઠંડીમાં પણ જીવી શકે. તેમ જ લાંબાં સમય સુધી ખોરાક વગર રહી શકે. પરંતુ, બધા જ પ્રાણીઓ એક સરખા હોતા નથી. જેમ કે, શિયાળામાં હરણ આમથી તેમ ઠેકડા મારતું દેખાશે. તેઓ ઠંડીમાં પોતાનું રક્ષણ કરી શકતા નથી કે ખોરાક પણ ભેગો કરી શકતા નથી. તેઓ હંમેશાં ખોરાકની શોધમાં રહેતા હોય છે. અહીં જર્મનીના એક ચિત્રમાં બતાવ્યું છે તેમ, હરણ ઝાડની કુમળી ડાળીઓ અને ફૂલની કળીઓ ચાવ્યા કરતા હોય છે.
બાઇબલમાં ફૂલ-ઝાડ વિષે ઘણું જણાવવામાં આવ્યું છે. જેમ કે, બાઇબલમાં લગભગ ૧૩૦ જેટલા અલગ અલગ છોડવાં અને ૩૦ જાતનાં વૃક્ષો વિષે જણાવ્યું છે. ફૂલ-ઝાડ વિષે માઈકલ ઝોહરી કહે છે: “બાઇબલમાં જેટલાં ફૂલ-છોડવાં વિષે જણાવ્યું છે એટલું તો બીજા કોઈ પુસ્તકમાં જણાવ્યું નથી.”
ખરેખર, વૃક્ષો અને જંગલો તો પરમેશ્વરે આપેલી એક અમૂલ્ય ભેટ છે. જો તમે કદી જંગલમાં ગયા હશો, તો ચોક્કસ તમે પણ આવું અનુભવશો: “યહોવાહનાં ઝાડ, એટલે લબાનોનનાં દેવદારો જે તેણે રોપ્યાં હતાં, તેઓ ધરાએલાં છે. ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે.”—ગીતશાસ્ત્ર ૧૦૪:૧૬, ૧૭.
[ફુટનોટ્સ]
^ યહોવાહના સાક્ષીઓનું કૅલેન્ડર ૨૦૦૪ (અંગ્રેજી)માં જાન્યુઆરી/ફેબ્રુઆરી જુઓ.
[પાન ૯ પર બોક્સ/ચિત્ર]
મધ્ય પૂર્વમાં બદામનું ઝાડ ખૂબ જ જાણીતું છે. શિયાળા પછી આ જ એક એવું ઝાડ છે જેને જલદી ફૂલ આવે છે. એટલે જ પહેલાના હેબ્રીઓ એને ફૂલોની શરૂઆત કરતું ઝાડ કહે છે. આ ઝાડ ગુલાબી અને સફેદ રંગના ફૂલોથી ભરાઈ જાય છે. —સભાશિક્ષક ૧૨:૫.
લગભગ ૯,૦૦૦ અલગ અલગ જાતનાં પક્ષીઓમાં, કંઈક ૫,૦૦૦ જાતનાં પક્ષીઓ ગીત ગાતા હોય છે. તેઓનાં ગીતથી આખું જંગલ ગૂંજી ઊઠે છે. (ગીતશાસ્ત્ર ૧૦૪:૧૨) દાખલા તરીકે, ચકલી ચીં ચીં ગાય છે. તો રંગ-બેરંગી વૉર્બલર નામનું નાનકડા પક્ષીના ગીતમાં દર્દનો રાગ હોય છે. અહીં ચિત્રમાં બતાવ્યું છે તેમ, એ રાખોડી, પીળા અને આછા લીલા રંગનું પક્ષી છે.—ગીતશાસ્ત્ર ૧૪૮:૧, ૧૦.
[પાન ૯ પર ચિત્ર]
ફ્રાંસ, નૉર્મેન્ડીમાં આવેલું જંગલ