સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણી જરૂરિયાતો યહોવાહ પૂરી પાડે છે

આપણી જરૂરિયાતો યહોવાહ પૂરી પાડે છે

આપણી જરૂરિયાતો યહોવાહ પૂરી પાડે છે

‘ચિંતા કર્યા કરશો નહિ. બધી વસ્તુઓની તમને જરૂર છે એ તમારા ઈશ્વરપિતા જાણે છે.’—લુક ૧૨:૨૯, ૩૦, પ્રેમસંદેશ.

૧. યહોવાહ કઈ રીતે પક્ષીઓને ખોરાક પૂરો પાડે છે?

 શું તમે પક્ષીઓને ધૂળમાંથી કંઈક ચણતા જોયા છે? તમને લાગે કે ‘ધૂળમાં તો વળી શું ચણવાનું હોય?’ ઈસુએ પહાડ પરના ઉપદેશમાં જણાવ્યું કે યહોવાહ સર્વ પક્ષીઓને ખોરાક પૂરો પાડે છે. તેમણે કહ્યું: “આકાશનાં પક્ષીઓને જુઓ; તેઓ તો વાવતાં નથી, ને કાપતાં નથી, ને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારો આકાશમાંનો બાપ તેઓનું પાલન કરે છે; તો તેઓ કરતાં તમે અધિક નથી શું?” (માત્થી ૬:૨૬) ખરેખર, યહોવાહ કેવી અદ્‍ભુત રીતે સર્વને ખોરાક પૂરો પાડે છે!—ગીતશાસ્ત્ર ૧૦૪:૧૪, ૨૧; ૧૪૭:૯.

૨, ૩. ઈસુએ શીખવેલી પ્રાર્થનામાંથી આપણે શું શીખી શકીએ?

તો પછી, શા માટે ઈસુએ નમૂનાની પ્રાર્થનામાં આમ કહ્યું: “દિવસની અમારી રોટલી આજ અમને આપ”? (માત્થી ૬:૧૧) આમાંથી આપણે શું શીખી શકીએ? સૌ પ્રથમ, એ કે યહોવાહ આપણી જરૂરિયાતો પૂરી પાડે છે. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૫, ૧૬) આપણે છોડને રોપીએ, પાણી પાઈએ, પણ વૃદ્ધિ તો યહોવાહ જ આપે છે. (૧ કોરીંથી ૩:૭) આપણે જે કંઈ ખાઈએ કે પીએ એ યહોવાહ તરફથી ભેટ છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૭) તેથી, આપણે રોજબરોજની ચીજવસ્તુઓ માટે પ્રાર્થના કરીને, શું બતાવીએ છીએ? એ કે આપણે યહોવાહની ખૂબ કદર કરીએ છીએ. જોકે, આપણે રોજની જરૂરિયાત માટે પ્રાર્થના કરીને, હાથ પર હાથ મૂકીને બેસી ન રહીએ. પરંતુ, આપણાથી બનતી બધી જ મહેનત કરીએ.—એફેસી ૪:૨૮; ૨ થેસ્સાલોનીકી ૩:૧૦.

બીજું, ‘દિવસની રોટલી આજ અમને આપ’ પ્રાર્થના કરીને, આપણે એમ પણ બતાવીએ છીએ કે આપણે ભવિષ્યની વધારે પડતી ચિંતા કરતા નથી. ઈસુએ કહ્યું હતું: “અમે શું ખાઈએ, અથવા શું પીઈએ, અથવા શું પહેરીએ, એમ કહેતાં ચિંતા ન કરો. કારણ કે એ સઘળાં વાનાં વિદેશીઓ શોધે છે; કેમકે તમારો આકાશમાંનો બાપ જાણે છે કે એ બધાંની તમને અગત્ય છે. પણ તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે. તે માટે આવતી કાલને સારૂં ચિંતા ન કરો, કેમકે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે.” (માત્થી ૬:૩૧-૩૪) ખરેખર, ‘દિવસની રોટલી આજ અમને આપ,’ એવી પ્રાર્થના કરીને આપણે ‘સંતોષ સહિતના ભક્તિભાવ’ સાથે સાદું જીવન જીવીશું.—૧ તીમોથી ૬:૬-૮.

રોજ મળતું યહોવાહનું જ્ઞાન

૪. ઈસુ અને ઈસ્રાએલીઓના જીવનના કયા અનુભવો યહોવાહના જ્ઞાનનું મહત્ત્વ સમજાવે છે?

દિવસની રોટલીની પ્રાર્થના આપણને યહોવાહના જ્ઞાનની ભૂખની પણ યાદ અપાવે છે. ચાલીસ દિવસના ઉપવાસ પછી ઈસુ ઘણા ભૂખ્યા હતા ત્યારે, શેતાને તેમને પથ્થરમાંથી રોટલી બનાવવા લલચાવ્યા. પરંતુ ઈસુએ કહ્યું: “એમ લખેલું છે, કે માણસ એકલી રોટલીથી નહિ, પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.” (માત્થી ૪:૪) અહીં ઈસુ, પ્રબોધક મુસાના શબ્દો વાપરે છે. મુસાએ ઈસ્રાએલીઓને કહ્યું હતું: “[યહોવાહે] તને નમાવ્યો, ને તને ભૂખ્યો રહેવા દીધો, ને તું નહોતો જાણતો તેમજ તારા પિતૃઓએ પણ નહોતું જાણ્યું એવા માન્‍નાથી તને પોષ્યો; એ સારૂ કે તે તને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવતું નથી, પણ યહોવાહના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી માણસ જીવે છે.” (પુનર્નિયમ ૮:૩) યહોવાહે ઈસ્રાએલીઓને જે રીતે માન્‍ના પૂરું પાડ્યું, એનાથી તેઓની ભૂખ જ મટી ન હતી, પરંતુ તેઓ ઘણું શીખ્યા પણ હતા. ઈસ્રાએલીઓએ ફક્ત એક જ “દિવસનો હિસ્સો ભેગો” કરવાનો હતો. જો તેઓ એના કરતાં વધારે ભેગું કરે, તો વધારાના માન્‍નામાં કીડા પડતા અને ગંધાઈ ઊઠતું. (નિર્ગમન ૧૬:૪, ૨૦) પરંતુ, છઠ્ઠા દિવસે સાબ્બાથના દિવસ માટેનું માન્‍ના પણ ભેગું કરતા ત્યારે, એમાં કીડા પડતા ન હતા. (નિર્ગમન ૧૬:૫, ૨૩, ૨૪) આમ, માન્‍નાથી તેઓ પરમેશ્વરની આજ્ઞા પાળવાનું શીખ્યા. તેમ જ, તેઓ એ પણ શીખ્યા કે તેઓનું જીવન ફક્ત માન્‍ના પર નહિ પણ, “યહોવાહના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચન” પર આધાર રાખે છે.

૫. યહોવાહ આપણને કઈ રીતે પોતાનું જ્ઞાન આપે છે?

એવી જ રીતે, આજે આપણને યહોવાહ, ઈસુ દ્વારા પોતાનું જ્ઞાન પૂરું પાડે છે. આપણને એ વખતસર મળે એટલે, ઈસુએ વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરની ગોઠવણ કરી છે. (માત્થી ૨૪:૪૫) આ વિશ્વાસુ ચાકર આપણને બાઇબલની સમજણ આપે છે. સાથે સાથે આપણને રોજ બાઇબલ વાંચવાનું પણ ઉત્તેજન આપે છે. (યહોશુઆ ૧:૮; ગીતશાસ્ત્ર ૧:૧-૩) ઈસુની જેમ આપણે પણ રોજ યહોવાહની ઇચ્છા જાણીને એ પ્રમાણે જ જીવીએ.—યોહાન ૪:૩૪.

પાપોની માફી

૬. આપણે શાની માફી માંગવી જોઈએ અને આપણે શું કરીશું તો યહોવાહ આપણાં પાપને ભૂંસી નાખશે?

પછી ઈસુ બીજી એક વિનંતી કરતા શીખવે છે: “જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તું અમારાં ઋણો અમને માફ કર.” (માત્થી ૬:૧૨) શું ઈસુ અહીં દેવાદારની વાત કરે છે? બિલકુલ નહિ! તે આપણાં પાપોની માફીની વાત કરે છે. લુકની સુવાર્તામાં નોંધેલી આ જ પ્રાર્થના જણાવે છે: “અમારાં પાપ અમને માફ કરો, કેમ કે, અમે પોતે પણ અમારા અપરાધીઓને માફ કરીએ છીએ.” (લુક ૧૧:૪, IBSI) તેથી આપણે પાપ કરીએ ત્યારે, જાણે યહોવાહના ઋણી બનીએ છીએ. પરંતુ, એની માફી માટે આપણે સાચા દિલથી પસ્તાવો કરીએ. તેમ જ, ખ્રિસ્તના બલિદાનમાં પૂરો વિશ્વાસ મૂકીને પાપની માફી માંગીએ. આપણા પ્રેમાળ પિતા યહોવાહ આપણાં પાપોને ‘ભૂંસી નાખવા’ એટલે કાયમ માટે ભૂલી જવા તૈયાર છે.—પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯; ૧૦:૪૩; ૧ તીમોથી ૨:૫, ૬.

૭. શા માટે આપણે દરરોજ પ્રાર્થનામાં માફી માંગવી જોઈએ?

આપણે યહોવાહના ન્યાયી ધોરણો કે નિયમોને તોડીએ ત્યારે, પાપ કરીએ છીએ. આપણને વારસામાં પાપ મળ્યું છે. એટલે આપણે બોલવા-ચાલવામાં, અરે વિચારવામાં પણ ઘણી વાર પાપ કરી બેસીએ છીએ. (સભાશિક્ષક ૭:૨૦; રૂમીઓને પત્ર ૩:૨૩; યાકૂબ ૩:૨; ૪:૧૭) આમ, એક જ દિવસમાં જાણે-અજાણે આપણાથી કંઈક કેટલાય પાપ થાય છે. તેથી, રોજ પ્રાર્થનામાં આપણાં પાપોની માફી માંગવી કેટલી જરૂરી છે!—ગીતશાસ્ત્ર ૧૯:૧૨; ૪૦:૧૨.

૮. માફી માટે પ્રાર્થના કર્યા પછી, આપણે શું કરવું જોઈએ અને એનાથી શું મદદ મળશે?

પાપની માફી માટે પ્રાર્થના કર્યા પછી, આપણે પસ્તાવો કરવો જ જોઈએ. વળી, ઈસુના બલિદાન પર વિશ્વાસ રાખીને પાપની કબૂલાત કરવી જોઈએ. (૧ યોહાન ૧:૭-૯) સાચા દિલથી પ્રાર્થના કરીને આપણે ‘પસ્તાવાને છાજે [શોભે] એવા કાર્યો દ્વારા’ પાપની માફી માંગવી જોઈએ. (પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨૦) આપણને પૂરો ભરોસો હોવો જોઈએ કે યહોવાહ આપણાં પાપ જરૂર માફ કરશે. (ગીતશાસ્ત્ર ૮૬:૫; ૧૦૩:૮-૧૪) આ રીતે આપણે “દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે” એ મેળવીશું. એ આપણાં “હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.” (ફિલિપી ૪:૭) પરંતુ, આપણા પાપની માફી મેળવવા બીજું કંઈ પણ કરવાની જરૂર છે. ચાલો હવે એ વિષે શીખીએ.

માફી મેળવવા બીજાઓને પણ માફ કરો

૯, ૧૦. (ક) ઈસુએ બીજું શું શીખવ્યું અને એ શાના પર ભાર મૂકે છે? (ખ) આપણે બીજાને માફી આપવી જોઈએ એ વિષે ઈસુએ કયું ઉદાહરણ આપ્યું?

“અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તું અમારાં ઋણો અમને માફ કર.” ઈસુએ આ વિનંતી કરતા શીખવ્યું. તેમણે એની સમજણ પણ આપતા કહ્યું: “જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો, તો તમારો આકાશમાંનો બાપ તમને પણ માફ કરશે. પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહિ કરો, તો તમારો બાપ તમારા અપરાધ પણ તમને માફ નહિ કરશે.” (માત્થી ૬:૧૪, ૧૫) આમ, ઈસુએ બતાવ્યું કે આપણે બીજાઓને માફ કરીશું તો જ, યહોવાહ આપણાં પાપ માફ કરશે.—માર્ક ૧૧:૨૫.

૧૦ બીજા એક પ્રસંગે એની સમજણ આપતા ઈસુએ ઉદાહરણ આપ્યું. તેમણે એક રાજાની વાર્તા કહી. એક રાજાએ પોતાના ચાકરનું ઘણું બધું દેવું માફ કર્યું. પરંતુ, આ ચાકર પોતાના સાથી ચાકરનું થોડું દેવું પણ માફ કરતો નથી. રાજાને આ વાતની ખબર પડી ત્યારે, તેમણે આ ચાકરને સખત સજા આપી. ઈસુએ અંતે કહ્યું: “એ જ પ્રમાણે તમે તમારા ભાઈઓને ખરા દિલથી માફ નહિ કરો તો સ્વર્ગમાંના મારા પિતા તમને પણ એમ જ કરશે.” (માત્થી ૧૮:૨૩-૩૫, IBSI) આમાંથી શું શીખવા મળે છે? એ જ કે કોઈએ આપણી સામે અપરાધ કર્યો હોય, એનાથી સો ગણા વધારે અપરાધ યહોવાહ આપણને માફ કરે છે. તો પછી, શું આપણે આપણા ભાઈ-બહેનોને માફ ન કરવા જોઈએ?

૧૧. પાઊલે શું સલાહ આપી અને એને પાળવાથી શું લાભ થશે?

૧૧ પ્રેષિત પાઊલે લખ્યું: “તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં દેવે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો.” (એફેસી ૪:૩૨) હા, માફી આપવાથી એકબીજામાં શાંતિ ફેલાય છે. પાઊલે અરજ કરી: “પવિત્ર તથા વહાલાઓ, દેવના પસંદ કરેલાને ઘટે તેમ, દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો. એકબીજાનું સહન કરો, ને જો કોઇને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો, જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો; વળી એ સઘળાં ઉપરાંત પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો.” (કોલોસી ૩:૧૨-૧૪) આ સર્વ વાતો ઈસુએ શીખવેલી પ્રાર્થનામાં આવી જાય છે: “અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તું અમારાં ઋણો અમને માફ કર.”

મન લલચાય ત્યારે શું કરી શકીએ?

૧૨, ૧૩. (ક) પ્રાર્થનાની આ વિનંતીનો અર્થ શું નથી થતો? (ખ) આપણને કોણ લલચાવે છે? ‘પ્રલોભનમાં પડવા ન દો’ એનો શું અર્થ થાય છે?

૧૨ ઈસુએ પછી આમ વિનંતી કરતા શીખવ્યું: “અમને પ્રલોભનમાં ન પડવા દો.” (માત્થી ૬:૧૩, IBSI) તો શું એનો અર્થ એમ થાય કે યહોવાહ આપણા પર પ્રલોભનો, અથવા લાલચો લાવે છે? ના, કેમ કે ઈશ્વર ભક્ત યાકૂબે લખ્યું: “જો કોઈ ભૂંડું કરવા લલચાય તો યાદ રાખો કે તેને ભૂંડું કરવા લલચાવનાર તે ઈશ્વર નથી, કારણ કે ઈશ્વર ભૂંડું કરવા કોઈને લલચાવતા નથી.” (યાકૂબ ૧:૧૩ IBSI) વધુમાં ગીતશાસ્ત્રના એક લેખકે લખ્યું: “હે યાહ, જો તું દુષ્ટ કામો ધ્યાનમાં રાખે, તો, હે પ્રભુ, તારી આગળ કોણ ઊભો રહી શકે?” (ગીતશાસ્ત્ર ૧૩૦:૩) આપણે ક્યારે ભૂલ કરીએ એવી યહોવાહ રાહ જોતા નથી. તેમ જ, તે આપણને ભૂલો કરવા લલચાવતા પણ નથી. તો પછી, ઈસુએ કહ્યું એનો શું અર્થ થાય છે?

૧૩ આપણને ખોટા માર્ગમાં ફસાવનાર ખુદ શેતાન છે. તે આપણું જીવન બરબાદ કરવા માંગે છે. (એફેસી ૬:૧૧) આપણને લલચાવવા પાછળ તેનો મોટો હાથ છે. (૧ થેસ્સાલોનીકી ૩:૫) તેથી, આપણે યહોવાહને વિનંતી કરીએ છીએ કે આપણે શેતાનની લાલચનો શિકાર બની ન બનીએ, એ માટે તે આપણને મદદ કરે. જેથી, આપણે દુષ્ટ ચાલાકીઓમાં ન ફસાઈએ અને ‘શેતાન ફાવી ન જાય.’ (૨ કોરીંથી ૨:૧૧) બીજા ભાઈ-બહેનોની જેમ આપણે પણ, યહોવાહની સત્તા સ્વીકારીને ‘તેમની છાયામાં’ રહેવા પ્રાર્થના કરીએ છીએ. જેથી, આપણને તેમનું રક્ષણ મળે.—સ્તોત્રસંહિતા ૯૧:૧-૩, સંપૂર્ણ બાઇબલ.

૧૪. પ્રેષિત પાઊલ આપણને કઈ ખાતરી આપે છે?

૧૪ આપણે સાચા દિલથી પ્રાર્થના કરીને એ પ્રમાણે જ જીવીશું તો, યહોવાહ આપણને ક્યારેય છોડી દેશે નહિ. પ્રેષિત પાઊલે ખાતરી આપી: “માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી. વળી દેવ વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.”—૧ કોરીંથી ૧૦:૧૩.

“અમને શેતાનથી બચાવો”

૧૫. ‘શેતાનથી બચાવો,’ એવી પ્રાર્થના શા માટે બહુ મહત્ત્વની છે?

૧૫ ગ્રીક શાસ્ત્રવચનોના સૌથી જૂના લખાણ પ્રમાણે, નમૂનાની પ્રાર્થના આ શબ્દોથી પૂરી થાય છે: “અમને શેતાનથી બચાવો.” * (માત્થી ૬:૧૩, પ્રેમસંદેશ) આપણે છેલ્લા દિવસોમાં જીવીએ છીએ, એટલે શેતાનથી રક્ષણ બહુ જરૂરી છે. શેતાન અને તેના ભૂતો, આજે યહોવાહના ભક્તોનું નામ-નિશાન મિટાવી દેવા લડી રહ્યા છે, કેમ કે તેઓ “દેવની આજ્ઞા પાળે છે, અને ઈસુની સાક્ષીને વળગી રહે છે.” (પ્રકટીકરણ ૭:૯; ૧૨:૯, ૧૭) પ્રેષિત પીતરે ચેતવણી આપી: “સાવચેત થાઓ, જાગતા રહો; કેમકે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. તમે વિશ્વાસમાં દૃઢ રહીને તેની સામા થાઓ.” (૧ પીતર ૫:૮, ૯) શેતાનને જરાય ગમતું નથી કે આપણે પ્રચાર કરીએ. તે પૃથ્વી પરના પોતાના ચેલાઓ દ્વારા આપણને ડરાવવાનો પ્રયત્ન કરે છે. તેમ છતાં, આપણે મક્કમ રહીશું તો યહોવાહ આપણને છોડાવશે. યાકૂબે લખ્યું: “તમે દેવને આધીન થાઓ; પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.”—યાકૂબ ૪:૭.

૧૬. યહોવાહ પોતાના સેવકોને કઈ રીતે મદદ કરે છે?

૧૬ યહોવાહે ઈસુનું પરીક્ષણ થવા દીધું હતું, પણ ઈસુને એકલા છોડી દીધા નહિ. દાખલા તરીકે, ઈસુએ પરમેશ્વરનાં વચનથી શેતાનનો બરાબર સામનો કર્યો. પછી, યહોવાહે પોતાના દૂતો મોકલી ઈસુને હિંમત આપી. (માત્થી ૪:૧-૧૧) એવી રીતે, આપણને પણ દૂતો દ્વારા યહોવાહ મદદ કરે છે. પરંતુ, એ માટે આપણે પૂરા ભરોસાથી યહોવાહને પ્રાર્થના કરવી જોઈએ. (ગીતશાસ્ત્ર ૩૪:૭; ૯૧:૯-૧૧) પ્રેષિત પીતરે લખ્યું: “પ્રભુ આપણને આપણી આજુબાજુના પરીક્ષણોથી બચાવવા સમર્થ છે. વળી અંતિમ ન્યાયચુકાદાનો દિવસ આવે ત્યાં સુધી તે અધર્મી માણસોને શિક્ષા હેઠળ રાખી મૂકવાનું જાણે છે.”—૨ પીતર ૨:૯.

થોડા જ સમયમાં પૂરેપૂરો છુટકારો

૧૭. નમૂનાની પ્રાર્થનામાં ઈસુએ કઈ કઈ બાબતો જણાવી?

૧૭ નમૂનાની પ્રાર્થનામાં ઈસુએ બતાવ્યું કે આપણા જીવનમાં શું મહત્ત્વનું હોવું જોઈએ. સૌથી પહેલાં આપણને યહોવાહના મહાન નામને પવિત્ર કરવાની ચિંતા હોવી જોઈએ. ફક્ત ઈસુ વડે યહોવાહના રાજ્ય દ્વારા જ પરમેશ્વરનું નામ પવિત્ર થશે. તેથી, આપણે પ્રાર્થના કરીએ છીએ કે યહોવાહનું રાજ્ય જલદી આવે અને સર્વ સરકારોનો નાશ કરે. જેથી સ્વર્ગની જેમ પૃથ્વી પર પણ પરમેશ્વરની ઇચ્છા પૂરી થાય. આપણે યહોવાહના પવિત્ર નામને રોશન કરીએ અને તેમને જ વિશ્વના માલિક તરીકે સ્વીકારીએ. આમ, પૃથ્વી પર આવનાર સુખ-શાંતિમાં રહેનારામાં આપણે પણ હોઈશું. આ બધા વિષે આપણે પહેલા પ્રાર્થના કરીએ. પછી, પ્રાર્થનામાં આપણે રોજની બાબતો, પાપોની માફી, લાલચોથી છુટકારો અને શેતાનથી રક્ષણ માટે પણ જણાવી શકીએ.

૧૮, ૧૯. ઈસુની પ્રાર્થના કઈ રીતે આપણને સાવધ રહેવા અને ‘ભરોસાને અંત સુધી પકડી રાખવા’ મદદ કરે છે?

૧૮ શેતાન અને તેની દુષ્ટ પકડમાંથી આપણો છુટકારો બહુ જ નજીક છે. શેતાન સારી રીતે જાણે છે કે હવે તેના માટે “થોડો જ વખત રહેલો છે.” તેથી, તે ખાસ કરીને યહોવાહના સેવકો પર ઘણો “કોપાયમાન થયો છે.” (પ્રકટીકરણ ૧૨:૧૨, ૧૭) ઈસુએ ‘જગતના અંતની નિશાની આપતા’ ઘણા બનાવો વિષે જણાવ્યું હતું. એમાંના અમુક હજુ પૂરા થઈ રહ્યા છે. (માત્થી ૨૪:૩, ૨૯-૩૧) એ જોઈને આપણી આશા હજુ વધારે દૃઢ થાય છે. ઈસુએ જણાવ્યું: “આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચાં કરો; કેમકે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે, એમ સમજવું.”—લુક ૨૧:૨૫-૨૮.

૧૯ આપણે જોયું કે ઈસુએ પોતાના શિષ્યોને સરસ રીતે પ્રાર્થના કરતા શીખવ્યું. આપણે એ પણ શીખ્યા કે શાને વિષે પ્રાર્થના કરી શકાય. તો પછી, ચાલો આપણે આ જગતના અંતની નજીક જઈ રહ્યાં છીએ તેમ પ્રાર્થના કરતા રહીએ. આપણે ખાતરી રાખીએ કે અંત સુધી યહોવાહ આપણને જરૂરી હોય, એ બધું જ પૂરું પાડશે. પ્રાર્થના કરતા રહેવાથી, આપણે ‘જે ભરોસો પ્રથમ રાખ્યો હતો એને ચોકસાઈથી અંત સુધી પકડી રાખવામાં’ પણ મદદ મળશે.—હેબ્રી ૩:૧૪; ૧ પીતર ૪:૭.

[ફુટનોટ]

^ અમૂક જૂના બાઇબલમાં આ નમૂનાની પ્રાર્થનાને અંતે પરમેશ્વરની સ્તુતિનું ગીત જોવા મળે છે પરંતુ જેરોમ બિબ્લીકલ કોમેન્ટરી જણાવે છે: ‘મોટા ભાગના જૂના લખાણોમાં નમૂનાની પ્રાર્થનાને અંતે એ ગીત જોવા મળતું નથી.’

આપણે શું શીખ્યા?

• “દિવસની અમારી રોટલી આજ અમને આપ,” એટલે શું?

• “અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તું અમારાં ઋણો અમને માફ કર,” એનો શું અર્થ થાય છે?

• અમને લાલચોમાં ન પડવા દો, એવી વિનંતી યહોવાહને કરવાનો શું અર્થ થાય છે?

• શા માટે યહોવાહને એવી પ્રાર્થના કરવી જોઈએ કે, “શેતાનથી અમને બચાવો?”

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્ર]

આપણે માફી મેળવવા બીજાઓને માફ કરવા જ જોઈએ

[પાન ૧૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Lydekker