સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આવતી કાલની ચિંતાને કાબૂમાં રાખવી

આવતી કાલની ચિંતાને કાબૂમાં રાખવી

આવતી કાલની ચિંતાને કાબૂમાં રાખવી

“ચોક્કસ!” “પાક્કુ!” “ગેરેંટી!” આવા શબ્દો તમે ઘણી વાર સાંભળ્યા હશે. આપણા જીવનમાં બધી બાબતોની આપણને પાક્કી ખાતરી હોતી નથી. કાલે શું થશે એની પણ આપણને ખબર હોતી નથી. તેથી, આપણે હંમેશા વિચારીએ છીએ કે જીવનમાં એવું કંઈક છે જેની આપણને ખાતરી હોય કે એ ચોક્કસ થશે જ. જીવન અચોક્કસ હોવાથી આપણે હંમેશાં કાલની ચિંતા કરતા હોઈએ છીએ. એ આપણા જીવનનો એક ભાગ છે.

મોટા ભાગના લોકો પોતાના પરિવાર માટે સુખ સલામતીવાળા જીવનની ઇચ્છા રાખે છે. તેઓને લાગે છે કે માલ-મિલકતથી જ સુખ અને સલામતી મળે છે. તેથી, તેઓ એ મેળવવા, રાત-દિવસ મહેનત કરે છે. પરંતુ, ધરતીકંપ, વાવાઝોડું, અકસ્માત કે પછી હિંસાનો શિકાર બને છે ત્યારે, તેઓની માલમિલકત આંખના પલકારામાં ધૂળમાં મળી જાય છે. ગંભીર બીમારી, છૂટાછેડા કે નોકરી ગુમાવવાના લીધે રાતોરાત જીવન બદલાઈ જઈ શકે. જોકે, તમારા જીવનમાં આવું કંઈ બન્યું ન હોય તોપણ, કાલ કેવી હશે એવા વિચારથી પણ વ્યક્તિ દુઃખી અને નિરાશ થઈ શકે છે. પરંતુ, આ એક જ કંઈ મુશ્કેલી નથી.

આપણે અચોક્કસ હોઈએ ત્યારે અમુક શંકા ઊભી થાય છે. એ કારણથી યોગ્ય નિર્ણય લેવામાં મુશ્કેલી પડે. તમારા મનનું નિયંત્રણ કરવું (અંગ્રેજી) પુસ્તક પ્રમાણે, “કોઈ જરૂરી કામમાં શંકા કરવાથી ચિંતા થાય છે.” શંકાને દૂર કરવામાં ન આવે તો, ચિંતા થઈ શકે, ચીડ અને ગુસ્સો પણ આવી શકે છે. વળી, ખોટી ચિંતા કરવાથી આપણા મન અને શરીર પર પણ ખરાબ અસર પડી શકે.

આ બાબતમાં કેટલાક લોકોનું વલણ બિલકુલ અલગ જ હોય છે. તેઓ બ્રાઝિલના યુવાનની જેમ વિચારે છે: “શા માટે કાલની ચિંતા કરવી? આજે ફક્ત આજનું વિચારો. કાલ કોણે જોઈ છે?” પરંતુ, આવું વિચારવું ખતરનાક છે. આપણે એવું વિચારીએ કે ‘ખાઈએ, પીઈએ’ કાલનું શું વિચારવાનું, તો સમય જતાં આપણે જ નિરાશ બની જઈ શકીએ અથવા વહેલું જીવન પણ ગુમાવી શકીએ. (૧ કોરીંથી ૧૫:૩૨) આપણા સરજનહાર, યહોવાહ પરમેશ્વર પાસેથી સલાહ માંગવામાં આપણું જ ભલું છે. યહોવાહ વિષે બાઇબલ કહે છે, “તેમનામાં કોઈ ફેરફાર થતો નથી કે ફરવાથી પડછાયો પડતો નથી.” (યાકૂબ ૧:૧૭, પ્રેમસંદેશ) પરમેશ્વરનું વચન, બાઇબલ તપાસવાથી, આપણને જીવનની ચિંતાઓ ઓછી કરવા માટે સલાહ અને માર્ગદર્શન મળશે. તેમ જ, એ પણ સમજવામાં મદદ મળશે કે શા માટે આપણે કાલની ચિંતા કરીએ છીએ.

કાલની ચિંતાના મુખ્ય કારણો

બાઇબલ, જીવનનું સાચું ચિત્ર આપે છે. તેમ જ આપણને કાલની ચિંતાઓ અને જીવનની પરિસ્થિતિમાં આવતા ફેરફારોને યોગ્ય રીતે જોવામાં મદદ કરે છે. પરિવાર, સામાજિક હોદ્દો કે મોભો, જ્ઞાન, સારી તંદુરસ્તી અને બીજી વાતોથી આપણે અમુક હદ સુધી સલામતી અનુભવી શકીએ. પરંતુ, બાઇબલ કહે છે કે એ બધું કાયમ માટે રહેશે એવો આપણે ભરોસો રાખી શકતા નથી. વળી, આપણે એવી આશા પણ રાખી શકતા નથી કે જીવન હંમેશા ખુશીઓના ફૂલોથી ભરેલું રહેશે. રાજા સુલેમાને કહ્યું: “શરતમાં વેગવાનની અને યુદ્ધમાં બળવાનની જીત થતી નથી, તેમ જ વળી બુદ્ધિમાનને રોટલી મળતી નથી, ને વળી સમજણાને દ્રવ્ય પણ મળતું નથી, તેમ જ ચતુર પુરુષો પર રહેમનજર હોતી નથી.” શા માટે? કેમ કે, દરેકના જીવનમાં અણધારી બાબતો બને છે. સુલેમાન રાજાએ સલાહ આપી: “જેમ માછલાં ક્રૂર જાળમાં સપડાઈ જાય છે, અને જેમ પક્ષીઓ ફાંદામાં ફસાય છે, તેમ જ ભૂંડો સમય માણસો ઉપર એકાએક આવી પડે છે, અને તેમને ફસાવે છે.”—સભાશિક્ષક ૯:૧૧, ૧૨.

ઈસુ ખ્રિસ્તે પણ એક એવી પેઢી વિષે ભાખ્યું કે જેઓએ ચિંતા અને જીવનની અનિશ્ચિતાનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું: “સૂરજ, ચંદ્ર તથા તારાઓમાં ચિહ્‍નો થશે; પૃથ્વી ઉપર પ્રજાઓ સમુદ્ર તથા મોજાઓની ગર્જનાથી ત્રાસ પામીને ગભરાશે; અને પૃથ્વી ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની વકીથી માણસો નિર્ગત થશે; કેમકે આકાશમાંનાં પરાક્રમો હાલી ઊઠશે.” જોકે, તેમણે નમ્ર લોકો માટે ઉત્તેજન આપનારી વાત પણ કહી: “તેમજ તમે પણ આ સઘળાં થતાં જુઓ ત્યારે જાણજો કે દેવનું રાજ પાસે છે.” (લુક ૨૧:૨૫, ૨૬, ૩૧) તેથી, પરમેશ્વર પર વિશ્વાસ રાખવાથી આપણે કાલની ચિંતા કરીને ગભરાઈશું નહિ. પરંતુ, ભવિષ્યમાં આપણને શાંતિ અને સલામતી મળશે એવી ખાતરી રાખીશું.

‘આશા પરિપૂર્ણ થવી’

જોકે, આપણે સાંભળેલી, જોયેલી, વાંચેલી દરેક બાબતો પર ભરોસો રાખી શકતા નથી. પરંતુ, પરમેશ્વર પર પૂરો ભરોસો રાખવાનું આપણી પાસે ઠોસ કારણ છે. યહોવાહ, પરમેશ્વર છે એટલું જ નહિ, તે પ્રેમાળ પિતા પણ છે. તેથી, તે પૃથ્વી પરના તેમનાં બાળકોની કાળજી રાખે છે. પરમેશ્વરે પોતે પોતાનાં વચન વિષે કહ્યું: “મેં જે ચાહ્યું છે તે કર્યા વિના, ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના, તે ફોકટ મારી પાસે પાછું વળશે નહિ.”—યશાયાહ ૫૫:૧૧.

ઈસુ ખ્રિસ્તે લોકોને પરમેશ્વરનું સત્ય શીખવ્યું હતું. તેમને સાંભળનારાઓમાંથી ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો. દાખલા તરીકે, સમરૂની સ્ત્રીએ પહેલા ઈસુનો ઉપદેશ સાંભળ્યો હતો, તેને નમ્ર દિલના સમરૂનીઓએ કહ્યું: “હવે અમે એકલા તારા કહેવાથી વિશ્વાસ નથી કરતા; કેમકે અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે જે જગતનો ત્રાતા તે નિશ્ચે એજ છે.” (યોહાન ૪:૪૨) એવી રીતે, આજે આપણે કપરી હાલતમાં જીવી રહ્યા છીએ ત્યારે, આપણે જે માનીએ છીએ એ વિષે ગૂંચવાઈ જવાની જરૂર નથી.

ધાર્મિક માન્યતાની વાત આવે છે ત્યારે ઘણા લોકો શું કરે છે? તેઓ એને સમજવાનો પ્રયત્ન કરવાને બદલે આંખો બંધ કરીને માની લે છે. પરંતુ, બાઇબલના લેખક લુકનો વિચાર કરો. તેમણે સંશોધન કરીને પોતાનાં પુસ્તકમાં ખરી જાણકારી આપી. શા માટે? કેમ કે તેમણે જે લખ્યું છે એ બાબતોની બીજાઓને પૂરી “ખાતરી થાય.” (લુક ૧:૪, પ્રેમસંદેશ) આપણું પરિવાર કે મિત્રો આપણા કરતાં અલગ ધર્મ પાળતા હોય તો, તેઓને એક જાતનો ડર હોઈ શકે કે આપણે જે માનીએ છીએ એનાથી આપણને નિરાશા જ મળશે. તેથી, તેઓને આપણા ધર્મ વિષે સાચી સમજણ આપવી ખૂબ જ જરૂરી છે. (૧ પીતર ૩:૧૫) આપણા ધર્મ વિષે વધારે જાણવાથી આપણે બીજાઓને પરમેશ્વર પર ભરોસો રાખવામાં મદદ કરી શકીએ છીએ. બાઇબલ યહોવાહનું વર્ણન કરતા કહે છે: “તે તો ખડક છે, તેનું કામ સંપૂર્ણ છે; કેમકે તેના સર્વ માર્ગો ન્યાયરૂપ છે; વિશ્વાસુ તથા સત્ય દેવ, તે ન્યાયી તથા ખરો છે.”—પુનર્નિયમ ૩૨:૪.

“તે ન્યાયી તથા ખરો છે” એ માનવા માટે આપણી પાસે શું પુરાવો છે? પ્રેષિત પીતરને આ સત્ય પર પૂરો ભરોસો હતો. તેમણે રૂમી અધિકારી અને તેના ઘરનાને કહ્યું: “હું ખચીત સમજું છું કે દેવ પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) શા માટે પીતર આવું કહી શક્યા? કેમ કે તેમણે થોડા સમય પહેલા જોયું કે કઈ રીતે પરમેશ્વરના માર્ગદર્શનથી એક બિનયહુદી પરિવારનો તેમણે સ્વીકાર કર્યો. જોકે બિનયહુદીઓને પહેલાં અશુદ્ધ સમજવામાં આવતા હતા. આજે આપણે જોઈએ છીએ છે કે ૨૩૦થી વધારે દેશોમાંથી છ લાખ કરતાં વધારે લોકોની “મોટી સભા” ભેગી થઈ રહી છે. તેઓ પોતાના રીતરિવાજો છોડીને હવે પરમેશ્વરના માર્ગમાં ચાલે છે. (પ્રકટીકરણ ૭:૯; યશાયાહ ૨:૨-૪) આ જોઈને આપણને પણ પીતરની જેમ ખાતરી થાય છે કે પરમેશ્વર ન્યાયી છે અને પક્ષપાત કરતા નથી.

આપણે સાચા ખ્રિસ્તીઓ હોવાથી અભિમાની કે કઠોર ન બનવું જોઈએ. એના બદલે નમ્ર અને સમજદાર બનવું જોઈએ. તેમ છતાં ભાવિમાં શું બનશે એ વિષે આપણે જરાય ગૂંચવણમાં નથી, કેમ કે આપણે જાણીએ છીએ કે શું બનશે. પ્રથમ સદીના ખ્રિસ્તીઓને પ્રેષિત પાઊલે લખ્યું: “અમે અંતઃકરણપૂર્વક ઇચ્છા રાખીએ છીએ કે તમારામાંનો દરેક તમારી આશા પરિપૂર્ણ થવાને માટે, એવો જ ઉત્સાહ અંત સુધી દેખાડે.” (હેબ્રી ૬:૧૧) બાઇબલમાં આપેલા સુસમાચારે આપણને “આશા” આપી છે. આ આશાનો ઠોસ આધાર, પરમેશ્વરનું વચન છે. તેથી, પાઊલે પણ બતાવ્યું કે “આશા આપણને નિરાશ કરતી નથી.”—રૂમીઓને પત્ર ૫:૫, સંપૂર્ણ બાઇબલ.

એ ઉપરાંત, આપણને પૂરો વિશ્વાસ છે કે બીજાઓને બાઇબલમાંથી શુભસંદેશો જણાવવાથી તેઓનો વિશ્વાસ પણ વધશે. તેમ જ, પરમેશ્વર સાથેનો તેમનો સંબંધ દૃઢ થશે. એટલું જ નહિ, તેઓને મનની શાંતિ અને સારી તંદુરસ્તી મળશે. આપણે પાઊલની જેમ કહી શકીએ: “અમે તમારી પાસે માત્ર શબ્દોમાં જ નહિ, પણ સામર્થ્ય, પવિત્ર આત્મા અને પૂર્ણ ખાતરી સહિત શુભસંદેશ લાવ્યા હતા.”—૧ થેસ્સાલોનીકી ૧:૫.

પરમેશ્વરની સેવાથી મળતા આશીર્વાદો

આજે આપણે એવી આશા રાખી શકતા નથી કે આપણી પર કોઈ મુશ્કેલીઓ નહિ આવે. પરંતુ, અમુક પ્રમાણમાં સલામતીમાં રહેવા આપણે થોડું-ઘણું કરી શકીએ છીએ. દાખલા તરીકે, સભાઓમાં આપણને ખરા સિદ્ધાંતો અને નિયમો શીખવવામાં આવે છે. તેથી, સભાઓમાં ખ્રિસ્તી ભાઈબહેનો સાથે સંગત રાખવાથી પણ આપણે સલામતી અનુભવી શકીએ છીએ. પાઊલે લખ્યું: “આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે, કે તેઓ અહંકાર ન કરે, અને દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ જે દેવ આપણા ઉપભોગને સારૂ ઉદારતાથી સર્વ આપે છે તેના પર આશા રાખે.” (૧ તીમોથી ૬:૧૭) ઘણા લોકો ધનદોલત કે સુખ-વિલાસને બદલે યહોવાહ પર ભરોસો રાખવાનું શીખ્યા છે. એ કારણે તેઓને ચિંતા અને ડિપ્રેશનમાંથી રાહત મળી છે.—માત્થી ૬:૧૯-૨૧.

મંડળમાં આપણને ભાઈબહેનોનો પ્રેમ મળે છે. તેઓ ઘણી રીતે આપણને મદદ કરીને ટેકો પણ આપે છે. દાખલા તરીકે, પ્રેષિત પાઊલનો વિચાર કરો. એક વાર પાઊલ અને તેમના સાથીઓને પ્રચારમાં મુશ્કેલી ઊભી થઈ. એ તેઓને “અતિશય ભારે” લાગી કે તેઓએ “જીવવાની પણ આશા છોડી” દીધી. આવી પરિસ્થિતિમાં પાઊલને ક્યાંથી રાહત અને મદદ મળી? ખ્રિસ્તી ભાઈબહેનોએ તેમને ઉત્તેજન આપ્યું, દિલાસો આપ્યો અને તેમને મદદ કરી. વળી, યહોવાહ પરનો તેમનો ભરોસો ક્યારેય ડગ્યો નહિ. (૨ કોરીંથી ૧:૮, ૯; ૭:૫-૭) આજે ભૂકંપ, તોફાન કે મુશ્કેલી આવી પડે છે ત્યારે, કોણ મદદે દોડી આવે છે? ચોક્કસ, સૌથી પહેલા ખ્રિસ્તી ભાઈબહેનો દોડી આવે છે. તેઓ પોતાના ભાઈબહેનો અને બીજાઓને ખોરાક કે કપડાં આપે છે. તેમ જ, યહોવાહમાં અતૂટ વિશ્વાસ કેળવવા જરૂરી સાહિત્ય પણ પૂરાં પાડે છે.

કાલની ચિંતાઓ દૂર કરવામાં પ્રાર્થના પણ મદદ કરે છે. આપણા પર મુસીબતનો પહાડ તૂટી પડે ત્યારે, આપણે આપણા પ્રેમાળ પિતા પાસે મદદ માંગી શકીએ. “વળી યહોવાહ દુઃખીઓને કિલ્લારૂપ થશે, તે સંકટસમયે ગઢ થશે.” (ગીતશાસ્ત્ર ૯:૯) માબાપ પોતાનાં બાળકોનું રક્ષણ કરવામાં નિષ્ફળ જઈ શકે. પરંતુ, પરમેશ્વર આપણને બીક કે આવતી કાલની ચિંતાઓ દૂર કરવામાં મદદ માટે હંમેશા તૈયાર હોય છે. તેથી, આપણે પ્રાર્થનામાં આપણી ચિંતાઓ અને બોજો યહોવાહ પર નાખવો જોઈએ. તેમ જ ખાતરી રાખવી જોઈએ કે તે “આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં, આપણે સારૂ પુષ્કળ કરી શકે છે.”—એફેસી ૩:૨૦.

શું તમે પરમેશ્વરને નિયમિત પ્રાર્થના કરો છો? શું તમને ખાતરી છે કે યહોવાહ તમારી પ્રાર્થનાઓ સાંભળે છે? સાઓ પાઊલોમાં રહેતી એક યુવાને કહ્યું: “મારી મમ્મીએ મને કહ્યું કે મારે પરમેશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. પરંતુ મને પોતાને પ્રશ્ન થયો: ‘હું જેને જાણતી નથી એવી વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરું?’ પરંતુ, નીતિવચનો ૧૮:૧૦માંથી મને સમજણ મળી કે આપણને પરમેશ્વરની મદદની જરૂર છે. આપણે પ્રાર્થનામાં તેમની પાસે મદદ માંગવી જોઈએ.” આ કલમ કહે છે: “યહોવાહનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન તેમાં નાસી જઇને સહીસલામત રહે છે.” સાચે જ, યહોવાહ સાથે આપણે નિયમિત વાત નહિ કરીએ તો, આપણે કેવી રીતે તેમના પર ભરોસો અને વિશ્વાસ મૂકી શકીશું? પરમેશ્વરના આશીર્વાદોનો આનંદ માણવા આપણે દરરોજ પૂરા દિલથી તેમને પ્રાર્થના કરવી જોઈએ. ઈસુએ કહ્યું: “પણ હર વખત જાગતા રહો, અને વિનંતી કરો, કે આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.”—લુક ૨૧:૩૬.

બીજું કે આપણે પરમેશ્વરના રાજ્યમાં મળનાર આશીર્વાદોની પણ પાક્કી ખાતરી રાખી શકીએ. દાનીયેલ ૨:૪૪માં લખવામાં આવેલા આ શબ્દો પર ધ્યાન આપો: “આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહિ; પણ તે આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે.” આ આશા પાક્કી છે અને એ જરૂર પૂરી થશે એવો આપણે ભરોસો રાખી શકીએ છીએ. માણસો વચન પાળી શકતા નથી. પરંતુ, પરમેશ્વરનાં વચનો પર હંમેશા ભરોસો રાખી શકીએ છીએ. પરમેશ્વર ખડક જેવા હોવાથી આપણે તેમનો સહારો લઈ શકીએ છીએ. આપણે દાઊદ જેવું અનુભવવું જોઈએ: “મારા ખડકનો દેવ, હું તેના પર ભરોસો રાખીશ; તે મારી ઢાલ તથા મારા તારણનું શિંગ, મારો ઊંચો બુરજ તથા મારૂં આશ્રયસ્થાન છે; હે મારા ત્રાતા, તું મને જુલમમાંથી બચાવે છે.”—૨ શમૂએલ ૨૨:૩.

તમારા મનનું નિયંત્રણ કરવું (અંગ્રેજી) પુસ્તક આગળ કહે છે: “જે વ્યક્તિ ભયંકર ઘટના બનશે એવી શંકા કરતી હોય છે તેના જીવનમાં એવું થવાની શક્યતા વધારે છે. એનો કઈ રીતે સામનો કરવો એ વિષે વધારે વિચાર કરવાથી વ્યક્તિ ગુંચવાઈ જાય છે.” તોપછી, કાલે શું થશે એની વધારે પડતી ચિંતા અને શંકા કરીને શા માટે પોતાને ભાર હેઠળ દાબી દેવા? આપણે આ દુનિયાની વસ્તુઓ કરતાં પરમેશ્વર પર પૂરો ભરોસો રાખવો જોઈએ. યહોવાહનાં વચનો પર મજબૂત વિશ્વાસ રાખવાથી આપણને ખાતરી મળે છે: “જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તે નિરાશ થશે નહિ.”—રૂમીઓને પત્ર ૧૦:૧૧, પ્રેમસંદેશ.

[પાન ૨૯ પર બ્લર્બ]

પરમેશ્વરનું વચન ખાતરી આપે છે કે ભવિષ્યમાં મનુષ્યોને આશીર્વાદ મળશે

[પાન ૩૦ પર બ્લર્બ]

“જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તે નિરાશ થશે નહિ”

[પાન ૩૧ પર ચિત્ર]

યહોવાહના રાજ્યનો શુભસંદશો લોકોને ચિંતાઓ દૂર કરવા મદદ કરી શકે