સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરનું જ્ઞાન અને તમારી તંદુરસ્તી

ઈશ્વરનું જ્ઞાન અને તમારી તંદુરસ્તી

ઈશ્વરનું જ્ઞાન અને તમારી તંદુરસ્તી

તમે તમારી તબિયતનું ધ્યાન રાખવા સારો એવો સમય ફાળવો છો. દરરોજ, આઠ કલાકની ઊંઘ કાઢો છો. અમુક કલાકો ખોરાક રાંધવામાં અને ખાવામાં લો છો. આઠ કે એનાથી વધારે કલાક તમે નોકરીમાં આપો છો. એમાંય વળી જો પાછા બીમાર પડો તો, તમે ડૉક્ટર કે આયુર્વેદિક દવા કરવામાં સમય અને પૈસા ખર્ચો છો. તમે તમારું ઘર સાફ કરવામાં, નહાવામાં, નિયમિત કસરત કરવામાં સમય આપો છો. શા માટે? જેથી, તમે તંદુરસ્ત રહો.

તેમ છતાં, ફક્ત શારીરિક જરૂરિયાતો પર ધ્યાન આપવાથી જ સ્વાસ્થ્ય સારું રહે છે એમ નથી. હા, સારા સ્વાસ્થ્ય માટે બીજી એક બાબત પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. તબીબી સંશોધન બતાવે છે કે તમારા સ્વાસ્થ્ય અને તમારી ધાર્મિકતા વચ્ચે સીધો સંબંધ છે.

તંદુરસ્તી અને ધર્મભાવ

ઓસ્ટ્રેલિયાની મલબર્ન યુનિવર્સિટીના પ્રોફેસર હિડ્‌લે જી. પીચ કહે છે, “ધાર્મિકતા અને સારી તંદુરસ્તી પર કરવામાં આવેલા સંશોધન પરથી તેઓને જાણવા મળ્યું કે એ બે વચ્ચે સીધેસીધો સંબંધ છે.” આ વિષે ટીકા આપતા ધ મેડિકલ જરનલ ઑફ ઑસ્ટ્રેલિયા મૅગેઝિને બતાવ્યું: ‘ધર્મમાં રસ હોય એવી વ્યક્તિઓમાં લો બ્લડ પ્રેશર, કોલસ્ટ્રોલ ઘટી જવાનું કે મોટા આંતરડાના કેન્સરનું જોખમ બહુ ઓછું હોય છે.’

એવી જ રીતે, યૂનાઈટેડ સ્ટેટ્‌સમાં ૨૦૦૨માં યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયાએ ૬,૫૪૫ વ્યક્તિ પર કરેલા અભ્યાસે બતાવ્યું, “જે લોકો ધાર્મિક વિધિમાં ભાગ નથી લેતા એના કરતાં અઠવાડિયામાં એક વાર ધાર્મિક વિધિમાં ભાગ લેનારાઓ લાંબુ જીવે છે.” બારકલીસ્‌ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના મુખ્ય પ્રાધ્યાપક લેખક ડેગ ઓમેને કહ્યું: “અમે તો લોકોના રોજીંદા જીવનની પણ નોંધ લીધી કે તેઓ પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખે છે કે નહિ, ધૂમ્રપાન કરે છે કે નહિ વગેરે, તેમ છતાં અમને આ તફાવત જોવા મળ્યો.”

ધાર્મિક વ્યક્તિઓના જીવન પર થતા બીજા લાભો વિષે ધ મેડિકલ જરનલ ઑફ ઑસ્ટ્રેલિયા કહે છે: “ઑસ્ટ્રેલિયામાં કરવામાં આવેલા અભ્યાસે બતાવ્યું કે ધાર્મિક વ્યક્તિઓનું લગ્‍ન જીવન ટકી રહે છે, તેઓ દારૂ અને ડ્રગ્સનો ઓછો ઉપયોગ કરે છે, તેઓ આત્મહત્યા વિષે વિચારતા નથી, તેઓમાં ચિંતા અને ડિપ્રેશન ઓછા પ્રમાણમાં હોય છે અને ધાર્મિક વ્યક્તિઓ સ્વાર્થી નથી હોતા.” વધુમાં, ધ બ્રિટીશ મેડિકલ જરનલ અહેવાલ આપે છે: “ધર્મમાં ઊંડો રસ હોય તેઓ કોઈ સગા વહાલાના મરણના શોકમાંથી બહુ જલદી બહાર આવે છે, જ્યારે કે નાસ્તિક લોકોને એ શોકમાંથી બહાર આવતા વધુ સમય લાગે છે.”

ખરેખર ધર્મ શું છે એ વિષે લોકોના અલગ અલગ મંતવ્યો છે. તોપણ, તમે ધાર્મિક છો કે નહિ એની તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ઘણી અસર થાય છે. આ બાબત ઈસુ ખ્રિસ્તે લગભગ ૨,૦૦૦ વર્ષો પહેલા જે કહ્યું હતું એની સાથે સહમત થાય છે. તેમણે કહ્યું: “પોતાની આત્મિક [ધાર્મિક] જરૂરિયાત જાણનાર લોકોને ધન્ય છે.” (માત્થી ૫:૩, પ્રેમસંદેશ) આમ, ધાર્મિકતાથી તમારી તંદુરસ્તી સારી રહે અને તમે સુખી થઈ શકો. તેથી, આ જાણવું જરૂરી છે: ‘ભરોસો મૂકી શકાય એવું ધાર્મિક માર્ગદર્શન હું ક્યાંથી મેળવી શકું? અને ધાર્મિક વ્યક્તિ એટલે શું?’