સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહે ભરપૂર આશીર્વાદ આપ્યો

યહોવાહે ભરપૂર આશીર્વાદ આપ્યો

મારો અનુભવ

યહોવાહે ભરપૂર આશીર્વાદ આપ્યો

ફેય કીંગના જણાવ્યા પ્રમાણે

મારા માબાપ બહુ પ્રેમાળ હતા. પરંતુ, ઘણા લોકોની જેમ તેઓને પણ ધર્મમાં બહુ રસ ન હતો. મારી મમ્મી કહેતી: “પરમેશ્વર તો છે, નહિતર આવાં સુંદર ઝાડપાન કોણ બનાવે?” બસ, તેને ધર્મમાં આટલો જ રસ હતો.

મારા પપ્પા ૧૯૩૯માં મરણ પામ્યા. એ સમયે હું ફક્ત ૧૧ વર્ષની હતી. હું અને મારી મમ્મી ઇંગ્લૅંડ, માન્ચેસ્ટરની દક્ષિણે આવેલા સ્ટોકપોર્ટમાં રહેતા હતા. પરમેશ્વર વિષે વધારે જાણવાની મારી બહુ ઇચ્છા હતી. જોકે, હું બાઇબલ વિષે કંઈ જાણતી ન હતી છતાં, એને માન આપતી હતી. તેથી, હું કંઈક શીખી શકું માટે મેં ચર્ચ ઑફ ઇંગ્લૅંડમાં જવાનું નક્કી કર્યું.

ચર્ચમાં જે વિધિઓ કરવામાં આવતી હતી એમાં મને કંઈ રસ ન હતો. ચર્ચમાં બાઇબલ વાંચવામાં આવતું હતું. એમાંના ઈસુના શબ્દોમાંથી મને ખાતરી થઈ કે બાઇબલ જ સાચું છે. હું પાછલા દિવસો યાદ કરું છું ત્યારે મને મારા પોતા વિષે નવાઈ લાગે છે કે બાઇબલમાં સત્ય હોવા છતાં મેં એ વાંચ્યું નહિ! અરે, મારી બહેનપણીએ મને “નવો કરાર” આપ્યો કે જે સમજવો સહેલો હતો. એ પણ વાંચવાનો મારી પાસે સમય ન હતો.

વર્ષ ૧૯૫૦માં કોરિયામાં અંદરોઅંદર લડાઈ ફાટી નીકળી એના લીધે હું વિચારવા લાગી, શું બીજા વિશ્વયુદ્ધની જેમ આ લડાઈઓ પણ ચારેબાજુ ફેલાઈ જશે? જો એમ બને તો, કઈ રીતે હું ઈસુએ આપેલી આજ્ઞા પાળી શકીશ? તેમણે આજ્ઞા આપી હતી કે, તમારા દુશ્મનોને પણ પ્રેમ કરો. પરંતુ દુશ્મનો મારા દેશ પર ચઢી આવે તો, શું મારે કંઈ ન કરવું જોઈએ? જો હું કંઈ જ ન કરું તો હું મારી જવાબદારીથી દૂર ભાગી રહી છું. હું બહુ જ મૂંઝવણમાં મૂકાઈ ગઈ હતી. તેમ છતાં, મને ખાતરી હતી કે મારા બધા જ પ્રશ્નોના જવાબ બાઇબલમાં છે. જોકે મને એ ખબર ન હતી કે એ જવાબો કેવી રીતે અને ક્યાંથી મેળવવા.

ઑસ્ટ્રેલિયામાં સત્યની શોધ કરવી

વર્ષ ૧૯૫૪માં મેં અને મમ્મીએ મારી બહેન, જીનને ત્યાં રહેવા જવાનું નક્કી કર્યું. મારી બહેન જાણતી હતી કે મને બાઇબલમાં રસ છે અને હું ચર્ચમાં જાઉં છું. તેથી થોડા વર્ષો પછી, તેણે યહોવાહના સાક્ષીઓને કહ્યું મને મળે. મારી બહેન જાણવા ઇચ્છતી હતી કે તેઓ વિષે હું શું વિચારું છું. તેણે કહ્યું, “મને ખબર નથી કે તેઓ સાચી સમજણ આપે છે કે નહિ. પરંતુ તેઓ ચર્ચ કરતાં તો સારી સમજણ આપે છે.”

બીલ અને લીન્ડા સ્કીનડર નામનું એક યુગલ મારી મુલાકાત લેવા આવ્યું. તેઓ બહુ મળતાવડા હતા. તેઓની ઉંમર લગભગ ૬૫થી ૭૦ની વચ્ચે હશે. તેઓ બહુ લાંબા સમયથી યહોવાહના સાક્ષી હતા. તેઓ ઓસ્ટ્રેલિયાના અડાલેઈડ શહેરમાં ચાલતા યહોવાહના સાક્ષીઓના રેડિયો સ્ટેશન પર કામ કરતા હતા. પરંતુ, વિશ્વયુદ્ધ બે દરમિયાન ઓસ્ટ્રેલિયામાં પ્રચાર કાર્ય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે, તેઓ પૂરા સમયના પ્રચાર કાર્યમાં જોડાયા. જોકે, બીલ અને લીન્ડા પાસેથી મને ઘણી મદદ મળતી હોવા છતાં હું બીજા ધર્મોમાં આમતેમ ફાંફાં મારતી હતી.

મારી સાથે કામ કરતી એક સ્ત્રી એક દિવસ મને ઉપદેશક બીલી ગ્રેહામની સભામાં લઈ ગઈ. એ સભામાં આવેલા ઘણા લોકો પાદરીને પ્રશ્ન પૂછવા ગયા. મેં પણ લાંબા સમયથી મારા મનમાં ઘૂંટાતો પ્રશ્ન પૂછ્યો: “કઈ રીતે એક ખ્રિસ્તી પોતાના દુશ્મનોને પ્રેમ કરી શકે? અને એ જ સમયે યુદ્ધમાં જઈને તેઓને મારી શકે?” ત્યાં બેઠેલા બધા અંદરોઅંદર ગુસપુસ કરવા લાગ્યા. કેમ કે દરેકના મનમાં પણ આવો જ પ્રશ્ન ઘૂંટાતો હતો. થોડા સમય પછી પાદરીએ કહ્યું: “મને એનો જવાબ ખબર નથી. હું પણ એના વિષે વિચારું છું.”

એ દરમિયાન, બીલ અને લીન્ડા સાથે મારો બાઇબલ અભ્યાસ ચાલુ જ હતો. તેથી સપ્ટેમ્બર ૧૯૫૮માં મેં બાપ્તિસ્મા લીધું. મેં મને બાઇબલ શીખવનાર યુગલના પગલે ચાલવાનું નક્કી કર્યું. તેથી, ૧૯૫૯ના ઑગસ્ટ સુધીમાં મેં નિયમિત પાયોનિયર તરીકે મારું નામ નોંધાવ્યું. આઠ મહિના પછી મને ખાસ પાયોનિયર બનાવવામાં આવી. મારી બહેન જીને પણ બાઇબલ અભ્યાસમાં પ્રગતિ કરીને બાપ્તિસ્મા લીધુ. એ જાણીને મને બહુ આનંદ થયો.

વધારે સેવા કરવાની તક

હું સીડનીના એક મંડળમાં સેવા આપતી હતી. હું ઘણા લોકોને બાઇબલમાંથી શીખવતી હતી. એક દિવસ હું ચર્ચ ઑફ ઇંગ્લૅંડના એક નિવૃત્ત પાદરીને મળી. મેં તેમને પૂછ્યું, ‘જગતના અંત વિષે ચર્ચ શું શીખવે છે?’ જોકે તેમણે મને કહ્યું કે પોતે છેલ્લા ૫૦ વર્ષથી ચર્ચમાં શીખવતા હતા. તેમ છતાં, તેમનો જવાબ સાંભળીને હું ચોંકી ગઈ: “મને એનો જવાબ શોધવામાં સમય લાગશે કારણ કે હું યહોવાહના સાક્ષીઓની જેમ બાઇબલથી સારી રીતે પરિચિત નથી.”

થોડા સમય પછી મને જાણવા મળ્યું કે, પાકિસ્તાનમાં થોડા જ યહોવાહના સાક્ષીઓ હોવાથી ત્યાં પ્રચારકોની જરૂર છે. આથી, મેં પણ અરજી કરી. જોકે, મને ખબર ન હતી કે ફક્ત કુંવારા ભાઈઓ કે યુગલોને જ મોકલવામાં આવે છે. મારી અરજી અમેરિકાના, બ્રૂકલિનમાં આવેલા યહોવાહના સાક્ષીઓની હેડ ઑફિસમાં મોકલવામાં આવી. એના થોડા જ સમય પછી ૧૯૬૨માં મને પત્ર મળ્યો કે મુંબઈમાં તમારી જરૂર છે, જો તમે ચાહો તો ત્યાં જઈ શકો. હું ૧૮ મહિના મુંબઈમાં રહી પછી અલાહાબાદમાં ગઈ.

ભારતમાં આવતાની સાથે જ મેં હિંદી શીખવાનું શરૂ કર્યું. હિંદી જે રીતે બોલવામાં આવે છે એ જ રીતે લખવામાં આવે છે. તેથી હિંદી શીખવું બહુ અઘરું ન હતું. તેમ છતાં, ઘરમાલિક મને હિંદીના બદલે અંગ્રેજીમાં બોલવાનું કહેતા ત્યારે, હું નિરાશ થઈ જતી. પરંતુ, આ નવા દેશમાં ઘણા ઉત્તેજન આપતા પડકારો હતા. હું ઓસ્ટ્રેલિયાથી આવેલા ખ્રિસ્તી ભાઈબહેનોની સંગતનો પણ આનંદ માણતી હતી.

મારા યુવાનીનાં વર્ષોમાં હું લગ્‍ન વિષે વિચારતી હતી. પરંતુ, બાપ્તિસ્મા પામી ત્યારથી, હું યહોવાહની સેવા કરવામાં એટલી વ્યસ્ત હતી કે બીજા કશા વિષે વિચારવાનો સમય ન હતો. પરંતુ, હવે મને લાગતું હતું કે મને જીવન-સાથીની જરૂર છે. જોકે, હું મારી મિશનરી સોંપણી છોડવા માંગતી ન હતી. તેથી, મેં યહોવાહને એના વિષે પ્રાર્થના કરી અને પછી બધુ તેમના હાથમાં છોડી દીધું.

અણધાર્યા આશીર્વાદ

એ સમયે ભારતમાં, યહોવાહના સાક્ષીઓની બ્રાન્ચની દેખરેખ ભાઈ એડવીન સ્કીનર રાખતા હતા. તેમણે બીજા ઘણા ભાઈઓ સાથે ૧૯૪૬માં વોચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડના આઠમાં ક્લાસમાં હાજરી આપી હતી. એમાં હેરોલ્ડ કીંગ અને સ્ટેન્લી જોન્સ હતા કે જેઓને ચીનમાં પ્રચાર કરવાની સોંપણી આપવામાં આવી હતી. * વર્ષ ૧૯૫૮માં હેરોલ્ડ અને સ્ટેન્લી શાંગહાઈમાં પ્રચાર કરતા પકડાયા તેથી તેઓને જેલ થઈ. પરંતુ, તેઓને જેલમાં બીજા કેદીઓથી અલગ પૂરવામાં આવ્યા હતા. વર્ષ ૧૯૬૩માં હેરોલ્ડને છોડવામાં આવ્યા ત્યારે, ભાઈ એડવીને તેમને પત્ર લખ્યો. ભાઈ હેરોલ્ડે યૂનાઈટેડ સ્ટેટ્‌સ અને બ્રિટનની મુલાકાત પછી હૉંગકૉંગમાં પાછા ફર્યા બાદ પત્રનો જવાબ આપ્યો. એમાં તેમણે જણાવ્યું કે તેમને લગ્‍ન કરવા છે. તેમણે ભાઈ એડવીનને કહ્યું કે તેમણે જેલમાં એના વિષે પ્રાર્થના કરી હતી. વળી, તેમણે ભાઈ એડવીનને એ પણ પૂછ્યું કે તેમને ગમે એવી કોઈ કન્યા છે કે કેમ!

ભારતમાં મોટા ભાગનાં લગ્‍નો માબાપ ગોઠવતા હોય છે. આથી, ભાઈ એડવીનને અવારનવાર આવી ગોઠવણ કરવાનું કહેવામાં આવતું. પરંતુ, તે કંઈ કરતા નહિ. તેમણે ભાઈ હેરોલ્ડનો પત્ર બહેન રૂથ મક્કેને આપ્યો, કેમ કે તેના પતિ હોમર પ્રવાસી નિરીક્ષક હતા. છેવટે, રૂથે મને પત્ર લખીને જણાવ્યું કે ઘણા સમયથી સત્યમાં છે એવા એક મિશનરી ભાઈ જે લગ્‍ન કરવા માટે કન્યા શોધી રહ્યા છે. તેણે મને કહ્યું કે ‘તું તેમને પત્ર લખીશ?’ પરંતુ, એ ભાઈ વિષે તેમણે તો મને કંઈ પણ જણાવ્યું ન હતું.

આથી, હું ના પાડવાનું વિચારતી હતી. પરંતુ, પછી મને થયું કે, મેં જીવન-સાથી માટે પ્રાર્થના કરી હતી. વળી, યહોવાહ સિવાય બીજા કોઈને મેં જણાવ્યું ન હતું. તોપણ હું જેમ જેમ વધારે વિચારતી ગઈ તેમ હું એ નિષ્કર્ષ પર આવી કે આપણે વિચારીએ છીએ એ રીતે કંઈ યહોવાહ પ્રાર્થનાનો જવાબ આપતા નથી. તેથી, મેં રૂથને લખીને જણાવ્યું કે હું એ ભાઈ સાથે લગ્‍ન કરીશ જ એવું કહેતી નથી. તેમ છતાં એ ભાઈને કહેજે કે મને પત્ર લખે. હેરોલ્ડે બીજો પત્ર મારા પર મોકલ્યો.

ચીનની જેલમાંથી છૂટ્યા પછી ઘણાં છાપાઓ અને મૅગેઝિનોમાં હેરોલ્ડના ફોટા છાપવામાં આવ્યા હતા અને તેમના વિષે લખવામાં આવ્યું હતું. આ સમય સુધીમાં, તે આખા જગતમાં પ્રખ્યાત બની ગયા હતા. પરંતુ, પરમેશ્વરની સેવામાં તેમણે બતાવેલી વફાદારીની મારા પર ઘણી અસર થઈ. તેથી, પાંચ મહિના સુધી અમે એકબીજાને પત્ર લખતા રહ્યા. ત્યાર પછી હું હોંગકોંગ ગઈ. પછી અમે ઑક્ટોબર ૫, ૧૯૬૫માં લગ્‍ન કર્યું.

અમે બંને પૂરા સમયની યહોવાહની સેવા કરવા માંગતા હતા. અમારા બંનેની ઉંમર વધતી ગઈ તેમ તેમ, અમને એકબીજાના સહારાની વધારેને વધારે જરૂર પડવા લાગી. મારા પતિ હેરોલ્ડને હું વધારેને વધારે પ્રેમ કરવા લાગી. વળી, અમારી મિશનરી સેવામાં હું જોઈ શકી કે મુશ્કેલીઓ ઊભી થતી ત્યારે તે લોકો સાથે કેવી રીતે વર્તતા. એ જોઈને તેમના માટે મારું ખૂબ જ માન વધ્યું. અમે ૨૭ વર્ષ સુધી લગ્‍ન જીવનનો આનંદ માણ્યો અને યહોવાહે અમને ઘણો આશીર્વાદ આપ્યો.

ચીનના લોકો બહુ જ મહેનતુ હોવાથી મને ખૂબ ગમે છે. હોંગકોંગમાં કેન્ટોનીઝ ભાષા બોલવામાં આવે છે. મેંડરીન ભાષા કરતાં ચાઈનીઝ ભાષાની આ બોલી અલગ અલગ અવાજથી બોલાતી હોવાથી એ શીખવી બહુ અઘરી હતી. મેં અને હેરોલ્ડે યહોવાહના સાક્ષીઓની બ્રાન્ચ ઑફિસના મિશનરી ઘરમાં આમારા લગ્‍ન જીવનની શરૂઆત કરી. ત્યાર પછી અમે હોંગકોંગના વિવિધ ભાગોમાં જઈને પ્રચાર કર્યો. અમે અમારા કાર્યમાં ઘણા જ ખુશ હતા. પરંતુ, વર્ષ ૧૯૭૬માં મારી તબિયત બહુ લથડી ગઈ.

બીમારીઓનો સામનો

છેલ્લા થોડા મહિનાઓથી મને સતત રક્તસ્રાવ થતો હતો એના લીધે મારા રક્તકણો બહુ જ ઓછા થઈ ગયા. સર્જરી કરવાની જરૂર હતી. પરંતુ, હૉસ્પિટલના ડૉક્ટરોએ મને કહ્યું કે લોહી આપ્યા વગર તેઓ મારું ઑપરેશન કરશે નહિ, કારણ કે એનાથી મારા જીવનને ખતરો હતો. એક દિવસ ડોક્ટરો મારા કેસની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે, નર્સોએ મને ફોસલાવવાનો પ્રયત્ન કર્યો. તેઓ મને કહેતી કે, ‘શા માટે તું તારા જીવનને આ રીતે ટૂંકાવી દે છે?’ એ દિવસે ૧૨ ઑપરેશનનું શેડ્યુલ કરવામાં આવ્યું હતું એમાંથી ૧૦ તો ગર્ભપાતના હતા. પરંતુ, મેં જોયું કે કોઈએ પણ જઈને એ સ્ત્રીઓને કહ્યું નહિ કે શા માટે તમે તમારાં બાળકોને મારી નાખો છો.

છેવટે, હેરાલ્ડે હૉસ્પિટલને પત્ર લખીને આપ્યો કે કંઈ પણ થશે તો એ મારી જવાબદારી હશે. આથી, ડૉક્ટરો ઑપરેશન કરવા તૈયાર થયા. મને ઑપરેશન રૂમમાં લઈ જવામાં આવી અને એનેસ્થિયા આપવાની તૈયારી જ કરતા હતા. છેલ્લી ઘડીએ એનેસ્થિયા આપતા ડૉકટરે ના પાડી અને મને હૉસ્પિટલમાંથી ઘરે જવાનું કહેવામાં આવ્યું.

અમે દવાખાનામાં કામ કરતા સ્ત્રી રોગના નિષ્ણાતને મળ્યા. મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે એ જાણ્યા પછી, તે ઓછી કિંમતે મારું ઑપરેશન કરવા તૈયાર થયા. પરંતુ અમારે કોઈને કહેવાનું ન હતું કે અમારી પાસેથી કેટલા પૈસા લેવામાં આવ્યા છે. ડૉક્ટરે કરેલું ઑપરેશન સફળ થયું. તેમણે લોહી આપ્યા વગર ઑપરેશન કર્યું. આ ખાસ સમયે હેરોલ્ડ અને મેં યહોવાહની કૃપા અને પ્રેમાળ કાળજી અનુભવી.

વર્ષ ૧૯૯૨માં હેરોલ્ડ સખત બીમાર પડ્યા. અમે બંને બ્રાન્ચ ઑફિસમાં ગયા અને ત્યાં અમારી ખૂબ કાળજી રાખવામાં આવી. પરંતુ, ૧૯૯૩માં ૮૧ વર્ષની વયે મારા વહાલા પતિએ પોતાનું પૃથ્વી પરનું જીવન પૂરું કર્યું.

ઇંગ્લેન્ડમાં પાછા ફરવું

હોંગકોંગ બેથેલ પરિવાર સાથે હું બહુ ખુશ હતી. પરંતુ, ગરમી અને ભેજવાળા વાતાવરણને લીધે મને ખૂબ જ તકલીફ પડતી હતી. બ્રુકલિનથી મારા માટે પત્ર આવ્યો કે હું મારી તબિયતને કારણે જ્યાં વધારે સારી સારવાર મળતી હોય એવા દેશમાં જઈને રહું. એનાથી મને ખૂબ આશ્ચર્ય થયું. તેથી, વર્ષ ૨૦૦૦માં હું ઇંગ્લેન્ડમાં, લંડનના બેથેલ પરિવાર સાથે જોડાઈ. એ ગોઠવણ મારા માટે ખૂબ સારી હતી. લંડનમાં મારું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. અહીં અલગ અલગ કામ કરવાની મને ખૂબ મજા આવે છે. હું બેથેલ પરિવારની લાયબ્રેરી અને એના ૨,૦૦૦ પુસ્તકોની કાળજી રાખું છું.

હું લંડનમાં ચાઈનીઝ ભાષાના મંડળમાં જાઉં છું. હવે, લોકો હોંગકોંગથી નહિ પણ મેઈનલેન્ડ ચાઈનાથી આવે છે. તેઓ મેંડરીન ભાષા બોલે છે. એનાથી પ્રચાર કાર્યમાં નવા નવા પડકારોનો સામનો કરવો પડે છે. આખા દેશમાંથી આવતા રિપોર્ટમાંથી જોવા મળે છે કે ચીનમાંથી ઘણા વિદ્યાર્થીઓ ભણવા આવે છે. તેઓ બાઇબલ અભ્યાસ પણ કરે છે. તેઓ બહુ મહેનતું હોય છે અને જે કંઈ બાઇબલ સત્ય શીખે છે એની કદર પણ કરે છે. તેઓને મદદ કરવી એ ખૂબ આનંદની બાબત છે.

નવા ઘરમાં હું એકલી પડું છું અને મારા જીવન વિષે વિચારું છું ત્યારે યહોવાહે બતાવેલી કૃપાથી આશ્ચર્ય પામું છું. તેમની કૃપા મારા જીવનના દરેક પાસામાં જોવા મળે છે. તે મારી જે કાળજી રાખે છે એ માટે હું તેમનો ખૂબ આભાર માનું છું.—૧ પીતર ૫:૬, ૭.

[ફુટનોટ]

^ આ બે મિશનરીઓનો અનુભવ જુલાઈ ૫, ૧૯૬૩ના વૉચટાવરના પાન ૪૩૭-૪૨ અને ડિસેમ્બર ૧૫, ૧૯૬૫ના પાન ૭૫૬-૬૭ પર જોવા મળે છે.

[પાન ૨૪ પર ચિત્ર]

ભારતમાં સેવા આપી

[પાન ૨૫ પર ચિત્ર]

વર્ષ ૧૯૬૩માં હેરોલ્ડ કીંગ અને ચીનમાં ૧૯૫૦ના દાયકામાં સેવા આપી

[પાન ૨૬ પર ચિત્ર]

ઑક્ટોબર ૫, ૧૯૬૫ અમારા લગ્‍ન દિવસે હોંગકોંગમાં

[પાન ૨૬ પર ચિત્ર]

હોંગકોંગ બેથેલ પરિવાર સાથે, લાએન્ગસ વચ્ચે, જમણી બાજુ ગાનાવે