સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જોજો, તમારા દિલ પર ડાઘ ન પડે!

જોજો, તમારા દિલ પર ડાઘ ન પડે!

જોજો, તમારા દિલ પર ડાઘ ન પડે!

“પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ; કેમકે તેમાંથી જ જીવનનો ઉદ્‍ભવ છે.”—નીતિવચનો ૪:૨૩.

 કોઈની પાસે એવું પેઇન્ટિંગ હોય, જે સાવ જૂનું જૂનું લાગે. ઘરમાં પણ કોઈને ગમતું નથી. એટલે એ સાવ નકામું બની જાય, કોઈને એની કંઈ કિંમત નથી. આખરે, એનો માલિક ફક્ત ૨૯ ડૉલરમાં એને દુકાનમાં વેચી દે છે. પરંતુ, થોડાં વર્ષો બાદ, એ જ પેઇન્ટિંગની કિંમત લગભગ દસ લાખ ડૉલરે જઈ પહોંચે છે! આ તો ખરેખર કીમતી મોતી નીકળ્યું. જરા વિચારો તો ખરા, કે પહેલાં એ જેની પાસે હતું, તેની શું હાલત થઈ હશે!

એવું જ આજે ઘણી વાર લોકોના સારા સંસ્કારનું થાય છે. ઘણાને લાગે છે કે ‘સારા સંસ્કાર અને આજની દુનિયામાં! તમે તો સાવ જુનવાણી નીકળ્યા!’ એવા લોકો સારા સંસ્કાર કે શુદ્ધ અને પવિત્ર જીવનને સાવ સસ્તું ગણે છે. અમુક તો પલ બે પલની મોજ-મસ્તી માટે પોતાની ઇજ્જત જતી કરે છે. જ્યારે કે અમુકને લાગે છે કે એ રીતે બીજાને ખુશ કરવાથી પોતાના દોસ્તોની નજરમાં તેનું માન વધી જશે!—નીતિવચનો ૧૩:૨૦.

ઘણાને બહુ મોડે મોડે ખબર પડે છે કે પોતાની ઇજ્જત કે આબરૂ કેટલી અનમોલ હતી! બાઇબલ જણાવે છે કે જેની-તેની સાથે શરીર સંબંધ બાંધવાની અસર ‘વિષ જેવી કડવી’ હોય છે. (નીતિવચનો ૫:૩, ૪) આજની દુનિયામાં તમે કઈ રીતે તમારી આબરૂ જાળવી રાખશો? આવો આપણે ત્રણ રીતો પર ધ્યાન આપીએ.

તારા હૃદય પર પહેરો રાખ

૪. હૃદય કે દિલ શું છે, અને આપણે કેમ એની બહુ જ સંભાળ રાખવી જોઈએ?

આપણી ઇજ્જત જાળવી રાખવા, ખાસ કરીને આપણે પોતાના હૃદયની સંભાળ રાખવાની જરૂર છે. બાઇબલ જણાવે છે: “પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ; કેમકે તેમાંથી જ જીવનનો ઉદ્‍ભવ છે.” (નીતિવચનો ૪:૨૩) જોકે અહીં આપણા શરીરમાં ધબકતા હૃદયની વાત થતી નથી. એ તો આપણામાં જે વિચારો અને લાગણીઓ જન્મે છે એ હૃદયની કે દિલની વાત થાય છે. બાઇબલ કહે છે કે, “યહોવાહ તારા દેવ પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રીતિ કર.” (પુનર્નિયમ ૬:૫) ઈસુએ તો એ આજ્ઞાને સૌથી મહાન કહી છે. (માર્ક ૧૨:૨૯, ૩૦) ખરેખર, આપણું દિલ કંઈ સસ્તું નથી. ના, એ તો બહુ કીમતી છે! એટલે જ કોઈ પણ કિંમતે આપણા દિલ પર ડાઘ પડવા ન દઈએ.

૫. કઈ રીતે હૃદય બહુ કામનું છે, પણ એના પર કાબૂ ન રાખીએ તો આફતો લાવી શકે?

પરંતુ, બાઇબલ ચેતવણી પણ આપે છે કે “હૃદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે.” (યિર્મેયાહ ૧૭:૯) એ કઈ રીતે? એક કારનો દાખલો લો. કોઈ વાર કાર બહુ જ ઉપયોગી, અરે જીવન બચાવનાર પણ સાબિત થઈ શકે. પણ, જો ડ્રાઇવર કાર કંટ્રોલમાં ન રાખે, તો કોઈ પણ ઘડીએ એ જ કાર મોત સાબિત થઈ શકે છે. એ જ રીતે, જો તમે તમારા દિલ પર કાબૂ ન રાખો, તો પછી તમે એને ગમશે એમ જ કરશો. પછી, કાર કાબૂમાં ન રહેવાથી એક્સિડન્ટ થાય અને એનું નુકસાન સહેવું પડે, એમ હૃદયને ઇશારે નાચવાથી તમારું જીવન પણ ઝેર બની જશે. બાઇબલ સલાહ આપે છે: “જે માણસ પોતાના હૃદય પર ભરોસો રાખે છે તે મૂર્ખ છે; પણ જે કોઈ ડહાપણથી વર્તે છે તેનો બચાવ થશે.” (નીતિવચનો ૨૮:૨૬) તેથી, જેમ અમુક દેશોમાં મુસાફરીએ જતા પહેલાં, લોકો નકશો તપાસે છે તેમ, જો તમે બાઇબલની સલાહ માનશો તો ઘણી આફતોથી બચી જશો.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫.

૬, ૭. (ક) પવિત્રતા એટલે શું? યહોવાહના ભક્તો માટે એ કેમ મૂલ્યવાન ગુણ છે? (ખ) શા માટે કહી શકાય કે આપણે યહોવાહને પગલે ચાલી શકીએ છીએ?

જોકે આપણે દિલને એ પ્રમાણે કેળવવું પડશે, એ આપોઆપ એવું બનશે નહિ. એક રીત એ છે કે એ કેટલું મૂલ્યવાન છે, એનો વિચાર કરીએ. સારા સંસ્કાર હોવાથી જ પવિત્રતાનો સદ્‍ગુણ કેળવાય છે. પવિત્રતાનો અર્થ થાય શુદ્ધ, પવિત્ર, પાપથી અલગ. યહોવાહ પરમેશ્વર પોતે પવિત્ર છે. એટલે જ બાઇબલ વારંવાર યહોવાહની ઓળખ એ રીતે આપે છે. બાઇબલ કહે છે: ‘યહોવાહ તો પવિત્ર દેવ છે.’ (યહોશુઆ ૨૪:૧૯) પરંતુ, આવા ઊંચા સદ્‍ગુણને આપણા જેવા અપૂર્ણ મનુષ્યો સાથે શું લાગે-વળગે છે?

યહોવાહ પોતે આપણને ઉત્તેજન આપે છે: “હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ.” (૧ પીતર ૧:૧૬) તો પછી, આપણે જરૂર યહોવાહનો આ ગુણ કેળવી શકીએ છીએ. આપણે તેમની નજરમાં શુદ્ધ રહીને સારા સંસ્કાર પાળી શકીએ છીએ. જો આપણે ગંદા, પાપી કામો અને વિચારોથી દૂર દૂર ભાગતા હોઈએ, તો ઘણું જ સારું કહેવાય. આ રીતે આપણે મહાન પરમેશ્વરને પગલે પગલે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. (એફેસી ૫:૧) આપણે એમ ધારી લેવું ન જોઈએ કે ‘મારાથી એવું કદી નહિ થાય.’ ના, કેમ કે યહોવાહ દયાળુ છે અને તે આપણી પાસે કંઈ પણ બળ-જબરીથી કરાવતા નથી. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩, ૧૪; યાકૂબ ૩:૧૭) ખરું કે આજે પવિત્ર કે શુદ્ધ રહેવા સખત મહેનત કરવી પડશે. પણ પ્રેષિત પાઊલે કહ્યું હતું કે આપણું મન ભ્રષ્ટ ન થાય એ માટે ‘ખ્રિસ્તમાં નિખાલસ તથા પવિત્ર’ રહેવું જ જોઈએ. (૨ કોરીંથી ૧૧:૩) શું આપણે યહોવાહ અને ઈસુ ખ્રિસ્ત માટે સારા સંસ્કાર પાળીને પવિત્ર ન રહી શકીએ? તેઓએ તો આપણને એટલો બધો પ્રેમ બતાવ્યો છે, જે આપણે કદી પણ પાછો વાળી આપી શકીશું નહિ. (યોહાન ૩:૧૬; ૧૫:૧૩) તેથી, આ તો આપણો લહાવો છે કે આપણે શુદ્ધ, પવિત્ર જીવન જીવીને આપણી કદર બતાવીએ. આના પર મનન કરવાથી આપણા હૃદય પર પહેરો રાખવા આપણને મદદ મળશે.

૮. (ક) આપણે પોતાના હૃદયમાં કેવી માહિતી ભરવી જોઈએ? (ખ) આપણી વાતો પરથી શું દેખાઈ આવશે?

આપણે પોતાનું દિલ શાનાથી ભરીએ છીએ, એ પણ જોવું જોઈએ. આપણે આપણા દિલો-દિમાગમાં એવી માહિતી ભરીએ, જેનાથી આપણે આમ-તેમ નહિ, પણ યહોવાહના રાજ્ય પર મન લગાડી શકીએ. (કોલોસી ૩:૨) અરે, આપણી વાતોમાં પણ એ જ દેખાવું જોઈએ. જો આપણી છાપ ગંદા જૉક્સ કહેનાર કે એવી જ વાતો કરનાર તરીકેની હોય, તો એ બતાવે છે કે આપણું હૃદય શાનાથી ભરેલું છે. (લુક ૬:૪૫) એને બદલે, આપણી છાપ હંમેશાં સારી અને ઉત્તેજન આપનાર વાતો કરનાર તરીકેની હોય તો કેવું સારું! (એફેસી ૫:૩) વળી, આપણા દિલને સલામત રાખવા માટે અમુક જોખમોથી પણ આપણે સાવધ રહેવું જોઈએ. ચાલો, એમાંનાં બે જોખમો વિષે આપણે જોઈએ.

વ્યભિચારથી નાસો

યહોવાહે પાઊલને એ વિષે લખવા પ્રેરણા આપી. એ સલાહ પાળીને ઘણાએ પોતાના દિલની સંભાળ રાખી છે અને શુદ્ધ રહ્યા છે. પાઊલે લખ્યું: “વ્યભિચારથી નાસો.” (૧ કોરીંથી ૬:૧૮) તેમણે ફક્ત એમ ન કહ્યું કે “વ્યભિચાર ન કરો.” પરંતુ, જેમ કોઈ જીવ બચાવવા નાસી છૂટે, તેમ આપણે પાપથી દૂર દૂર નાસી છૂટવાનું છે. જો આપણે એ સલાહ ન માનીએ, તો પેટ ભરીને પસ્તાવાનો વારો આવશે. એટલું જ નહિ, આપણે ઈશ્વરની કૃપા પણ ગુમાવી બેસીશું.

૧૦ દાખલા તરીકે, મમ્મી પોતાના લાડલા દીકરાને સરસ મજાનો તૈયાર કરે છે. તેઓ કોઈ મોટી પાર્ટીમાં જવાના છે. પણ દીકરાને જરા વાર રમવા જવું છે. મમ્મી કહે છે: ‘સારું જા. પણ જોજે, પાણી પાસે રમતો નહિ. કપડાં પર ગંદા છાંટા પાડ્યા, તો માર પડશે.’ પણ શું થાય છે? મમ્મીએ જોયું કે દીકરો તો પાણી પાસે જ રમી રહ્યો છે. જોકે હજુ તેનાં કપડાં પર ગંદા પાણીના છાંટા ઊડ્યા નથી. પરંતુ, કઈ ઘડીએ તેના ચોખ્ખાં કપડાં બગડશે, એની કોઈ ગેરંટી નથી. તેથી, મમ્મીનું કહેવું ન માનવાથી તેને માર તો પડશે જ. (નીતિવચનો ૨૨:૧૫) આજે યુવાનિયા હોય કે મોટા હોય, ઘણાએ એવી જ ભૂલ કરી છે. ચાલો આપણે જોઈએ કે કઈ રીતે.

૧૧ આજે દુનિયામાં લોકો ‘પોતાની વાસના સંતોષવા’ કંઈ પણ કરે છે. વેપાર-ધંધામાં પણ એનો જોર-શોરથી પ્રચાર થાય છે: શરીરની ભૂખ કે વાસના સંતોષવા કંઈ પણ કરો, એમાં કંઈ ખોટું નથી. (રોમનો ૧:૨૬, ૨૭, પ્રેમસંદેશ) તમે મૅગેઝિનો કે પુસ્તકો વાંચો, વિડીયો કે ઇન્ટરનેટ જુઓ, સેક્સ અને ગંદા ચિત્રો પાછળ લોકો પાગલ છે. જો લોકો એને વાંચવાનું કે જોવાનું પસંદ કરતા રહે, તો શું ખરેખર તેઓ વ્યભિચારથી નાસી રહ્યા છે? ના, તેઓ તો જાણી-જોઈને બાઇબલની સલાહ માનતા નથી અને જાણે એ ‘ગંદા પાણીની પાસે’ રમી રહ્યા છે. તેઓ પોતાના દિલને શુદ્ધ રાખવાને બદલે, એમાં ગંદકી ફેલાવી રહ્યા છે. તેઓ એના પર ગંદા પાણીના એવા છાંટા ઊડવા દે છે, જેને કાઢતા કાઢતા નાકે દમ આવી જશે. (નીતિવચનો ૬:૨૭) ચાલો આપણે ઈશ્વરભક્ત અયૂબનો દાખલો વિચારીએ. તેમણે પોતાની આંખો સાથે કરાર કર્યો હતો. હા, એવો કરાર કે આંખોથી એવું કશું ન જોવું જે તેમને પાપમાં ફસાવે. (અયૂબ ૩૧:૧) ખરેખર, આપણે તેમને પગલે જ ચાલવું જોઈએ, ખરું ને!

૧૨. લગ્‍ન પહેલાં સાથે હરતા-ફરતા યુગલો કઈ રીતે ‘વ્યભિચારથી નાસી’ શકે છે?

૧૨ “વ્યભિચારથી નાસો,” આ સલાહ ખાસ કરીને જ્યારે છોકરા-છોકરીઓ લગ્‍ન પહેલાં સાથે હરતા-ફરતા હોય, ત્યારે તો ખાસ પાળવી જોઈએ. એ સમય આમ તો આનંદનો હોવો જોઈએ અને એની મીઠી યાદો રહી જવી જોઈએ. પરંતુ, ઘણા યુવાનો અધીરા બનીને વાસના સંતોષવા એના પર જાણે ગંદા પાણીના છાંટા ઉડાડી દે છે. એના ડાઘ તેઓના દિલ પર લગ્‍ન પછી પણ રહે છે. એમ કરીને તેઓ પ્રેમ બતાવતા નથી અને ધીરજ પણ રાખતા નથી. વધુમાં, તેઓએ યહોવાહની આજ્ઞા તોડી હોવાથી તેઓના દિલ પર ડાઘ પડી જાય છે. એક યુગલ લગ્‍ન પહેલાં સાથે હરતું-ફરતું હતું. તેઓએ અધીરા બનીને પોતાની શરીરની વાસના સંતોષી. હવે લગ્‍ન પછી પત્ની કબૂલે છે, કે તેનું દિલ એટલું ડંખતું હતું કે પોતાના લગ્‍ન દિવસનો આનંદ પણ તે માણી શકી નહિ. તે કહે છે: ‘હું ઘણી વાર યહોવાહ પાસે માફીની ભીખ માગું છું. પણ સાત સાત વર્ષો વીતી ગયા છતાં, મારું પોતાનું જ દિલ મને માફ કરતું નથી.’ ખરેખર, જે ભાઈ-બહેનો એવા પાપમાં ફસાયા હોય, તેઓએ વડીલોની મદદ લેવાની જરૂર છે. (યાકૂબ ૫:૧૪, ૧૫) જોકે યહોવાહના ભક્તોમાં મોટા ભાગના યુગલો પહેલેથી જ ચેતીને ચાલે છે. (નીતિવચનો ૨૨:૩) લગ્‍ન પહેલાં સાથે હરતા-ફરતા, તેઓ વહાલ બતાવવા અધીરા થઈ જતા નથી. તેમ જ, તેઓ એકાંતમાં મળતા નથી. વળી, તેઓ એકલા એકલા ફરવાને બદલે, સાથે ત્રીજી વ્યક્તિને લઈ જાય છે.

૧૩. યહોવાહની ભક્તિ ન કરતા હોય તેઓ સાથે શા માટે લગ્‍ન ન કરવા જોઈએ?

૧૩ જ્યારે કોઈ ભાઈ કે બહેન, યહોવાહની ભક્તિ ન કરતા હોય એની સાથે લગ્‍ન કરવા ચાહે, ત્યારે તો વધારે મુશ્કેલી આવે છે. વિચારો કે જેને યહોવાહ પર પ્રેમ નથી, એની સાથે તમે કઈ રીતે જીવન વિતાવી શકો? એટલે, ભલું એમાં જ છે કે આપણે યહોવાહના ભક્તોમાં જ લગ્‍ન કરીએ, જેમને લગ્‍નના પવિત્ર બંધનની કદર હોય. બાઇબલ આપણને સલાહ આપે છે: ‘અવિશ્વાસીઓની સાથે સંબંધ ન રાખો: કેમકે ન્યાયીપણાની અન્યાયીપણાની સાથે સોબત કેમ હોય? અજવાળાને અંધકારની જોડે શી સંગત હોય?’—૨ કોરીંથી ૬:૧૪.

૧૪, ૧૫. (ક) ઘણા લોકોને ‘વ્યભિચારનો’ કેવો ખોટો અર્થ ગમે છે? (ખ) બાઇબલ પ્રમાણે ‘વ્યભિચારનો’ શું અર્થ થાય છે? આપણે કઈ રીતે ‘વ્યભિચારથી નાસી’ શકીએ?

૧૪ આપણે એ પણ જાણવાની જરૂર છે કે વ્યભિચાર એટલે શું? તો જ આપણે એનાથી દૂર નાસી શકીશું. આજે ઘણા મન ફાવે તેમ ‘વ્યભિચારનો’ અર્થ કાઢે છે. ઘણા કહે છે કે એ ફક્ત સ્ત્રી અને પુરુષના શરીર સંબંધને જ લાગુ પડે છે કે જેનાથી સ્ત્રીને બાળક રહી જાય. તેથી, ઘણા માને છે કે તમે પતિ પત્ની ન હોવ તોપણ, જ્યાં સુધી વ્યભિચારનું આ પાપ ન કરો, ત્યાં સુધી તમારી વાસના સંતોષી શકો છો. અરે, ઘણી જાણીતી આરોગ્ય સંસ્થાઓ પણ નાની નાની છોકરીઓ મા ન બને, એવા રસ્તા બતાવે છે. જેથી, યુવાનો નાની ઉંમરે પણ બીજી રીતોએ જાતીય ભૂખ સંતોષવા લલચાય. ખરેખર, આ યુવાનોને ઊંધે માર્ગે લઈ જાય છે. વ્યભિચારનો ખરો અર્થ કંઈ એવો નથી. સત્ય હકીકત તો એ છે કે બાળક ન થાય એવી રીતો અપનાવીને પણ વાસના પૂરી કરવાથી, તમે તમારી મૂલ્યવાન પવિત્રતા ગુમાવી છે.

૧૫ બાઇબલના સ્કૉલરો પ્રમાણે, “વ્યભિચાર” ભાષાંતર થયેલા મૂળ ગ્રીક શબ્દ પોર્નિયાનો અર્થ આવો થાય છે: જાતીય અંગોનો ખોટો ઉપયોગ કરવો, જે વેશ્યાઘરોમાં સામાન્ય છે. એટલે કે બીજાના જાતીય અંગોને હાથથી કે મોંથી પંપાળીને, કે પછી ગુદા દ્વારા પોતાની જાતીય વાસના સંતોષીને. જે લોકો માને છે કે આ “વ્યભિચાર” નથી, તેઓ પોતાને મૂર્ખ બનાવે છે અને શેતાનના ફાંદામાં ફસાયા છે. (૨ તીમોથી ૨:૨૬) જોકે, શુદ્ધ કે પવિત્ર રહેવાનો અર્થ એટલો જ નથી કે વ્યભિચારી ગણાતા કામો ન કરીએ. ‘વ્યભિચારથી નાસી જવા’ માટે આપણે કોઈ પણ અશુદ્ધ કામો કે બેશરમ વર્તનથી દૂર રહીએ, જે આખરે વ્યભિચારના પાપનો ફાંદો આપણા ગળામાં નાખી શકે. (એફેસી ૪:૧૯) આમ, આપણે સારા સંસ્કાર પાળીને શુદ્ધ રહી શકીશું.

ચેનચાળા કરવાના ફાંદામાં ન પડો

૧૬. બાઇબલ જણાવે છે તેમ સ્ત્રી-પુરુષ ફક્ત કયા સંબંધમાં એકબીજાને લાડ લડાવી શકે?

૧૬ આપણે દિલ પર ડાઘ ન પાડવો હોય અને શુદ્ધ રહેવું હોય તો, કોઈ લફરાંમાં ન પડીએ. કોઈ કહેશે કે એ તો સ્ત્રી-પુરુષ વચ્ચે બે ઘડીની ગમ્મત છે, એમાં શું ખોટું છે? ખરું છે કે સ્ત્રી-પુરુષ એકબીજાને પ્રેમ બતાવે, પણ એની એક હદ હોય છે. ઇસ્હાક પણ રિબકાહને “લાડ લડાવતો હતો.” પણ એ જોનારાએ એમ ન માન્યું કે તેઓ ભાઈ-બહેન હતા. (ઉત્પત્તિ ૨૬:૭-૯) ના, તેઓ તો પતિ-પત્ની હતા. પતિ-પત્ની એકબીજાને પ્રેમ બતાવે એમાં કંઈ જ ખોટું નથી. પરંતુ, એ સિવાય સ્ત્રી-પુરુષ એકબીજા સાથે ચેનચાળા કરે એ વાત જ જુદી છે.

૧૭. ચેનચાળા કરવા એટલે શું અને કઈ રીતે એના પર જીત મેળવી શકાય?

૧૭ ચેનચાળા કરવા એટલે, સ્ત્રી કે પુરુષ લગ્‍ન કરવાના ઇરાદા વગર એકબીજાને પોતાની તરફ લલચાવતા હોય. એમ ઘણી જુદી જુદી રીતોએ થઈ શકે છે. ઘણી રીતો દેખાઈ આવે, તો ઘણી રીતોની ખબર પણ ન પડે. (નીતિવચનો ૩૦:૧૮, ૧૯) તેથી, એના પર કોઈ નિયમો બનાવી ન શકાય. પરંતુ, એના માટે વ્યક્તિએ પોતે પોતાનું હૃદય તપાસીને બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડવાની જરૂર છે.

૧૮. કેટલાક શા માટે ચેનચાળા કરવા માંડે છે અને શા માટે એ ખતરનાક સાબિત થઈ શકે છે?

૧૮ આપણે મોટા ભાગે કબૂલ કરીશું કે જ્યારે કોઈ આપણામાં રોમેન્ટિક લાગણી બતાવે ત્યારે, આપણું દિલ જોરથી ધડકવા લાગે છે. પરંતુ, શું આપણે સામેવાળી વ્યક્તિને એમ કરીને લલચાવીએ છીએ? શું આપણે એમ કરીને નામ કમાવા માંગીએ છીએ? શું આપણે એના અંજામનો વિચાર કર્યો છે? જેમ કે નીતિવચનો ૧૩:૧૨કહે છે: ‘આશા પૂરી થવામાં વિલંબ થાય ત્યારે હૃદય દુઃખી થાય છે.’ (IBSI) આપણે જાણીજોઈને કોઈની સાથે ચેનચાળા કરતા હોય તો, આપણને ખબર પણ નહિ હોય કે સામેની વ્યક્તિ પર કેવી અસર થાય છે. તે લગ્‍ન કરીને સંસાર માંડવાના સપના જોવા લાગી શકે! આખરે, જો એ સપના પૂરા ન થાય તો તેનું જીવન બરબાદ થઈ શકે. (નીતિવચનો ૧૮:૧૪) ખરેખર, આ રીતે કોઈની લાગણી સાથે રમવું ખતરનાક સાબિત થઈ શકે.

૧૯. કઈ રીતે ચેનચાળા કરવાથી લગ્‍ન-જીવનનો અંત આવી શકે?

૧૯ ખાસ કરીને પરણેલાને તો આવા ચેનચાળા પોષાય જ નહિ. કોઈ પણ પરણેલી વ્યક્તિ સાથે આવા ચેનચાળા કરવા, કે પરણેલી વ્યક્તિ પોતે કોઈ બીજા સાથે લફરું કરે, એ તો મહા પાપ છે! દુઃખની વાત છે કે આપણા અમુક ભાઈ-બહેનો પણ આ ફાંદામાં ફસાયા છે. તેઓને લાગે છે કે લગ્‍ન-સાથી સિવાય, કોઈ બીજી સ્ત્રી કે બીજા પુરુષને ફક્ત આવી લાગણી બતાવવામાં કંઈ ખોટું નથી. અરે, અમુક તો વળી પોતાના લગ્‍ન-સાથીને નહિ, પણ પોતાના ‘ખાસ મિત્રને’ દિલની વાતો કહેવાનું પસંદ કરે છે. તેથી, ઘણી વાર આવા સ્ત્રી-પુરુષો એકબીજાનો સાથ ઝંખતા રહે છે, અને લગ્‍ન-જીવનનો અંત લાવી દે છે. પરણેલા ખ્રિસ્તીઓએ વ્યભિચાર વિષે ઈસુની સલાહ દિલમાં ઉતારવી જ જોઈએ, જેમણે કહ્યું કે વ્યભિચારની શરૂઆત હૃદયમાંથી થાય છે. (માત્થી ૫:૨૮) ચાલો આપણે સર્વ આપણા હૃદય પર પહેરો રાખીએ, જેથી પાછળથી પસ્તાવું ન પડે.

૨૦. આપણે પવિત્ર અને શુદ્ધ રહેવાને કેવું ગણવું જોઈએ?

૨૦ આજના જગતમાં પવિત્ર કે શુદ્ધ રહેવું કંઈ સહેલું તો નથી જ. તોપણ, ભૂલશો નહિ કે એને એક વાર ગુમાવી દીધા પછી પાછા મેળવવું શક્ય જ નથી. ખરું કે પોતાનાં પાપોનો ખરા દિલથી પસ્તાવો કરનારને, યહોવાહ “સંપૂર્ણ ક્ષમા કરશે.” (યશાયાહ ૫૫:૭) પરંતુ, વ્યક્તિએ કરેલા પાપનું ફળ તો પોતે જ ભોગવવું પડશે. યહોવાહ એનાથી તેને બચાવશે નહિ. એના ડાઘ જિંદગીભર રહી શકે છે! (૨ શમૂએલ ૧૨:૯-૧૨) એના કરતાં, આપણા દિલ પર પહેરો રાખીને સારા સંસ્કાર જાળવી રાખીએ. યહોવાહની નજરમાં પવિત્રતા, શુદ્ધતાની ઘણી જ કિંમત છે, એ સસ્તામાં વેચી ન દો!

આપણે શું શીખ્યા?

• પવિત્રતા એટલે શું અને શા માટે એ ખૂબ જ મૂલ્યવાન છે?

• આપણે કઈ રીતે પોતાના દિલ પર પહેરો રાખી શકીએ?

• કઈ રીતે વ્યભિચારથી નાસી જઈ શકાય?

• આપણે કેમ ચેનચાળા કરવાથી દૂર રહેવું જ જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

૧-૩. (ક) ઉદાહરણ આપીને બતાવો કે કઈ રીતે લોકોને પોતાની ઇજ્જતની કંઈ પડી નથી? (ખ) શા માટે આપણે પોતાની ઇજ્જતને અનમોલ ગણવી જોઈએ?

૯-૧૧. (ક) ઉદાહરણ આપી સમજાવો કે ૧ કોરીંથી ૬:૧૮ની સલાહ ન માનનારાએ કઈ રીતે સજા ભોગવવી પડશે? (ખ) આપણે વ્યભિચારથી નાસી જવા શું ન કરવું જોઈએ? (ગ) અયૂબે આપણા માટે કેવો દાખલો બેસાડ્યો છે?

[પાન ૧૧ પર ચિત્ર]

કાર પર કંટ્રોલ ન રાખો તો ખતરનાક સાબિત થઈ શકે

[પાન ૧૨ પર ચિત્ર]

આપણે ચેતવણી ન સાંભળીએ તો શું થઈ શકે?

[પાન ૧૩ પર ચિત્ર]

લગ્‍ન પહેલાંના શુદ્ધ સંબંધની મીઠી યાદો અને આશીર્વાદ