સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દુઃખી લોકો માટે દિલાસો

દુઃખી લોકો માટે દિલાસો

દુઃખી લોકો માટે દિલાસો

પહેલાના સમયમાં ઈશ્વર-ભક્તો દુઃખી થતા ત્યારે, પૂરા હૃદયથી યહોવાહને પ્રાર્થના કરતા. તેઓ શક્ય એ રીતે પોતાનું દુઃખ ઓછું કરવાની કોશિશ કરતા. તેમ જ ઘણી વાર ચાલાકીથી દુશ્મનોના હાથમાંથી છટકી પણ જતા. દાખલા તરીકે, રાજા દાઊદે યહોવાહમાં પૂરો ભરોસો મૂક્યો, એની સાથે સાથે તેણે પોતે સલામત રહેવા માટે ઘણી મહેનત કરી. પરંતુ આપણા વિષે શું?

કોઈ ચિંતા આપણું મન કોરી ખાતી હોય ત્યારે, આપણે એને જલદીથી દૂર કરવા માંગીએ છીએ. દાખલા તરીકે, જો તમારી નોકરી જતી રહે, તો શું તમે તરત જ બીજી નોકરી શોધતા નથી? (૧ તીમોથી ૫:૮) જો તમે બીમાર પડો તો, શું તમે ડૉક્ટર પાસે જતા નથી? ઈસુએ પોતે કહ્યું કે ‘માંદા છે તેઓને વૈદની અગત્ય છે.’ (માત્થી ૯:૧૨) પરંતુ, આપણને દવાથી દૂર ન થાય, એવી ચિંતાઓ હોય તો શું? એવા સંજોગોમાં આપણે મુશ્કેલીઓ સહન કરવી પડે છે.

તેથી, શું આપણે એના વિષે પ્રાર્થના ન કરવી જોઈએ? જો આપણે નોકરી શોધતા હોઈએ, તો આપણે યહોવાહ પાસે માર્ગદર્શન માંગીએ. જેથી, આપણને એવી નોકરી મળી શકે જેમાં કંઈ બાઇબલ વિરુદ્ધ કરવાનું ન હોય. તેમ જ યહોવાહ આપણે મદદ કરશે, જેથી આપણે પૈસા પ્રેમી ન બનીએ અને “વિશ્વાસથી ભટકી” જઈએ નહિ. (૧ તીમોથી ૬:૧૦) આપણે નોકરી વિષે, તબિયતનું ધ્યાન રાખવા વિષે કે કુટુંબ વિષે કોઈ પણ નિર્ણય લઈએ, ત્યારે દાઊદની સલાહ માનીએ: “તારો બોજો યહોવાહ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.”—ગીતશાસ્ત્ર ૫૫:૨૨.

દિલ ખોલીને પ્રાર્થના કરવાથી આપણે ચિંતાઓમાં ડૂબી જઈશું નહિ. પ્રેષિત પાઊલે કહ્યું: “દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો દેવને જણાવો.” એવી પ્રાર્થના કરવાથી આપણને કેવો દિલાસો મળે છે? પાઊલ આગળ જણાવે છે: “દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.” (ફિલિપી ૪:૬, ૭) હા, યહોવાહ આપણને જે શાંતિ આપે છે તે “સર્વ સમજશક્તિની બહાર છે.” આપણે ચિંતામાં ડૂબતા હોઈએ ત્યારે, તે આપણને એમાંથી બચાવી લે છે. યહોવાહનો દિલાસો આપણા ‘હૃદય તથા મનની સંભાળ રાખશે.’ આમ, આપણે ભૂલમાં એવા કોઈ નિર્ણયો નહિ લઈએ, જેનાથી આપણને પોતાને વધુ દુઃખ થાય.

કોઈ પણ સંજોગોમાં પ્રાર્થના કરવાથી આપણને ઘણો ફાયદો થઈ શકે છે. દાખલા તરીકે પાઊલને જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે, તેમણે ભાઈબહેનોને પોતાના માટે પ્રાર્થના કરવાનું કહ્યું. પરંતુ, શા માટે? તેમણે કહ્યું કે “એ પ્રમાણે કરવાને હું તમને ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરૂં છું, એ માટે કે હું તમારી પાસે વહેલો પાછો આવું.” (હેબ્રી ૧૩:૧૯) હા, પાઊલને ખાતરી હતી કે યહોવાહ સર્વ ભાઈબહેનોની પ્રાર્થનાઓ સાંભળશે અને એના લીધે તેમને જેલમાંથી વહેલા છોડાવશે.—ફિલેમોન ૨૨.

પ્રાર્થના કરવાથી શું આપણા ચિંતાઓ ઓછી થશે? હા, ચોક્કસ ફરક પડશે. પરંતુ, આપણે યાદ રાખીએ કે આપણે ધારીએ એવો જવાબ યહોવાહ હંમેશાં આપતા નથી. પાઊલે ઘણી વાર પ્રાર્થના કરી કે તેમના “દેહમાં કાંટો” એટલે કે તેમની બીમારી દૂર જાય. પરંતુ, યહોવાહે કહ્યું કે “તારે વાસ્તે મારી કૃપા બસ છે; કેમકે મારૂં સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.”—૨ કોરીંથી ૧૨:૭-૯.

તેથી, હંમેશાં આપણી ચિંતાઓ તરત જ દૂર નહિ થઈ જાય. પરંતુ, એવી મુશ્કેલીના સમયે આપણે યહોવાહ પરની પૂરી શ્રદ્ધા બતાવીએ છીએ. (યાકૂબ ૧:૨-૪) આપણને પૂરી ખાતરી છે કે ભલે યહોવાહ આપણી મુશ્કેલીઓ લઈ લેશે નહિ. પરંતુ, એને સહન કરવાની શક્તિ જરૂર આપશે અને “સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.” (૧ કોરીંથી ૧૦:૧૩) એટલા માટે શાસ્ત્ર કહે છે કે યહોવાહ ‘સર્વ દિલાસાના દેવ છે, અને તે આપણને સર્વ વિપત્તિમાં દિલાસો આપે છે.’ (૨ કોરીંથી ૧:૩, ૪) યહોવાહ આપણને એવી શક્તિ આપે છે કે આપણે કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરી શકીએ. વળી, તે આપણને આશીર્વાદ આપશે જેથી આપણે સુખચેનથી સદા માટે જીવી શકીએ.

યહોવાહ વચન આપે છે કે તે આપણી “આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી.” (પ્રકટીકરણ ૨૧:૩, ૪) જો આપણે આખી જિંદગી દુઃખ જ જોયું હોય, તો આ ફક્ત એક સપનું જ લાગી શકે. પરંતુ, એ સપનું ચોક્કસ સાચું પડશે. યહોવાહ વચન આપે છે કે નજીકમાં જ કોઈ ચિંતા કે મુશ્કેલીઓ નહિ હોય. યહોવાહનાં વચનો હંમેશાં સાચા પડે છે!—યશાયાહ ૫૫:૧૦, ૧૧.

[પાન ૯ પર ચિત્ર]

મુશ્કેલીમાં પણ મનની શાંતિ