સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ધર્મ આપણી આફતોનું મૂળ છે?

શું ધર્મ આપણી આફતોનું મૂળ છે?

શું ધર્મ આપણી આફતોનું મૂળ છે?

એ ક ચર્ચના મિશનરિએ લખ્યું: ધર્મ ‘પ્રેમનો સંદેશો ફેલાવવા નિષ્ફળ જાય છે ત્યારે, એ જ ધર્મ માણસોમાં નફરતનું ખુન્‍નસ ભરે છે. લોકો ઝનૂની બને છે અને તેઓ નિર્દય બની જાય છે. ખરેખર જોવા જઈએ તો, ધર્મ સારો અને ખરાબ હોય શકે છે.’—પોતાનો ધર્મ શરૂ કરો, અંગ્રેજી પુસ્તક.

અમુક લોકો કહી શકે કે શું ધર્મ ખરેખર ખરાબ હોય શકે? ઇતિહાસ શું સાબિત કરે છે? ભલે ધર્મ તો ‘ઈશ્વરની ભક્તિ’ કહેવાય. પરંતુ ધર્મના નામે તો માની ન શકાય એવી રીતે લોહીની નદીઓ વહી છે. ધર્મમાંથી લોકોને શાંતિ મળવી જોઈએ, પણ એના નામે ફક્ત નફરત, હિંસા અને લડાઈઓ જ જોવા મળે છે. પરંતુ, આ રીતે લોકોને કોણ ભમાવે છે?

આ દુનિયાને કોણ ભમાવે છે

બાઇબલ જણાવે છે: “શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે.” આમ, તે લાખો લોકોને ગેરમાર્ગે દોરે છે. (૨ કોરીંથી ૧૧:૧૪) ઈશ્વર-ભક્ત યોહાને કહ્યું: ‘આખું જગત એ દુષ્ટની સત્તામાં છે.’ (૧ યોહાન ૫:૧૯) યોહાનને ખબર હતી કે ‘શેતાન આખા જગતને ભમાવે છે.’—પ્રકટીકરણ ૧૨:૯.

પરંતુ, શેતાન આ જગતને કઈ રીતે ભમાવે છે? તેણે ઘણા ધર્મો શરૂ કર્યા છે, જે ઉપર ઉપરથી તો પવિત્રતાથી મઢેલા છે. પણ આવા ધર્મોના ભક્તો અંદરો-અંદર ફક્ત ‘ભક્તિભાવનો ડોળ દેખાડે’ છે. તેથી, આ ધર્મો જાણે કે સડેલાં ફળો આપે છે. (૨ તીમોથી ૩:૫; માત્થી ૭:૧૫-૨૦) મનુષ્યોને મદદ કરવાને બદલે, એ વધારે આફતો ઊભી કરે છે.

અમુક લોકો એવું વિચારે કે ‘એવું તો બની જ ન શકે.’ જોકે આપણે યાદ રાખીએ કે શેતાન લોકોને છેતરે છે. તેથી, લોકો સહેલાઈથી સત્ય જોઈ શકતા નથી. પાઊલે કહ્યું કે લોકો અનેક રીતોએ ખરા ‘દેવની નહિ, પણ ભૂતપિશાચોની’ ભક્તિ કરે છે. (૧ કોરીંથી ૧૦:૨૦) પાઊલના જમાનામાં લોકો માનતા કે તેઓ ઈશ્વરને અર્પણો ચડાવતા હતા. પરંતુ, તેઓને કેવું લાગ્યું હશે જ્યારે તેઓને ખબર પડી કે હકીકતમાં તો તેઓ ભૂતોની ભક્તિ કરતા હતા? ‘આકાશી સ્થાનોમાં દુષ્ટ આત્મિક લશ્કરો,’ શેતાનને ટેકો આપે છે. તેઓ સાથે મળીને આખા જગતને છેતરે છે!—એફેસી ૬:૧૨.

પહેલી સદીમાં પ્રેષિત યોહાને લોકોને ખરાબ દૂતો વિષે ચેતવણી આપી હતી. પરંતુ, ઘણા ખ્રિસ્તીઓએ એ ચેતવણી સાંભળી નહિ. એના લીધે, શેતાને તેઓને છેતર્યા અને તેઓ સત્યના માર્ગેથી દૂર ચાલ્યા ગયા. ચાલો આપણે એના વિષે વધુ શીખીએ.—૧ કોરીંથી ૧૦:૧૨.

ઈસુએ ઈશ્વરનું જ સત્ય શીખવ્યું

ઈસુએ કહ્યું: “મારો બોધ તો મારો પોતાનો નથી, પણ જેણે મને મોકલ્યો તેનો છે.” (યોહાન ૭:૧૬) ઈસુએ ઈશ્વર પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. એટલે લોકોને ઘણા આશીર્વાદો મળ્યા હતા. આ શિક્ષણથી તેઓને ‘નફરતનો નશો’ ચડ્યો ન હતો. ઈસુએ શીખવેલા સત્યથી લોકો જૂઠા ધર્મો અને ફિલસૂફીઓથી મુક્ત થયા. એ જૂઠા ધર્મો પાછળ શેતાનનો હાથ હતો, જેના લીધે લોકોની ‘બુદ્ધિ અંધકારમય’ હતી.—એફેસી ૪:૧૮; માત્થી ૧૫:૧૪; યોહાન ૮:૩૧, ૩૨.

પહેલી સદીના, સાચા ખ્રિસ્તીઓ ધર્મગુરુઓની માફક ધર્મને નામે ધતિંગ કરતા ન હતા. તેઓ તો પૂરી શ્રદ્ધાથી ઈશ્વરની ભક્તિ કરતા હતા. વળી, તેઓ ઈશ્વર જેવા પ્રેમાળ ગુણો બતાવતા હતા. (ગલાતી ૫:૨૨, ૨૩; યાકૂબ ૧:૨૨; ૨:૨૬) એ ગુણોમાં પ્રેમ ખૂબ મહત્ત્વનો હતો. ઈસુએ કહ્યું હતું કે ફક્ત સાચા ખ્રિસ્તીઓમાં જ પ્રેમ જોવા મળશે.—યોહાન ૧૩:૩૪, ૩૫.

પરંતુ, ઈસુ અને પ્રેષિતો જાણતા હતા કે બધા સાચા ખ્રિસ્તીઓ હંમેશાં સત્યને વળગી રહેશે નહિ. તેઓને ખબર હતી કે લોકો સત્યને છોડી દઈને બીજા અનેક ધર્મો શરૂ કરશે. એ સાચું પડ્યું અને અમુક સમય સુધી સાચો પણ ધર્મ અંધારામાં જ રહ્યો.

સાચો ધર્મ ક્યાં ગયો?

ઈસુએ એક ઉદાહરણમાં સમજાવ્યું હતું કે અમુક સમય સુધી સાચો ધર્મ અંધારામાં રહેશે. તમે એ માત્થી ૧૩:૨૪-૩૦ અને ૩૬-૪૩માં વાંચી શકો છો. ટૂંકમાં એ કહે છે કે ઈસુએ પોતે ખેતરમાં “ઘઉં” એટલે ‘સારા બી’ વાવ્યાં હતાં. આ ‘બી’ સાચો ખ્રિસ્તી ધર્મ હતો. પરંતુ, ઈસુનો “વૈરી” એટલે શેતાન એ ખેતરમાં “કડવા દાણા” વાવી ગયો, જેઓ ઢોંગી ખ્રિસ્તીઓ છે.

ઈસુના બધા પ્રેષિતો મરણ પામ્યા. એના થોડા સમય પછી “કડવા દાણા” ઉગવા માંડ્યા. તેઓ ‘યહોવાહનાં વચનો’ પાળવાના બદલે અનેક ફિલસૂફીમાં વિશ્વાસ મૂકવા લાગ્યા. (યિર્મેયાહ ૮:૮, ૯; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦) એ કારણે, અનેક જૂઠા ખ્રિસ્તી ધર્મો ઊભા થયા. બાઇબલ કહે છે કે એની પાછળ “અધર્મી” ધર્મગુરુઓ છે. વળી તેઓ ‘દરેક જાતના પાપરૂપી કપટથી’ જીવે છે. (૨ થેસ્સાલોનીકી ૨:૬-૧૦) પરંતુ, ઈસુએ કહ્યું કે ‘જગતના અંતે’ સંજોગો બદલાશે. આ સમયે, ઈસુ પોતે સારા “ઘઉં” જેવા ખ્રિસ્તીઓને ભેગા કરશે. પરંતુ, તે “કડવા દાણા” જેવા કહેવાતા ખ્રિસ્તીઓને નાશ કરશે.

આ નકલી ખ્રિસ્તીઓએ ‘સદીઓથી લોહીની નદીઓ વહેવડાવી છે.’ વળી, કાળા વાદળોની જેમ તેઓએ આખા જગતને અંધકારમાં રાખ્યું છે. પ્રેષિત પાઊલને ખબર હતી કે ધર્મના નામે અનેક લોકો ધતિંગ કરશે અને પાપના ફાંદામાં ફસાશે. તેથી, તેમણે પહેલાથી કહ્યું હતું કે ખ્રિસ્તીઓ હોવાનો ઢોંગ કરતા લોકો, “સત્યના માર્ગની નિંદા” કરશે.—૨ પીતર ૨:૧, ૨.

ધર્મો ‘નફરતની આગ સળગાવે છે’

આપણને ખબર છે કે ફક્ત ચર્ચો જ નહિ, પણ બીજા અનેક ધર્મો પણ ધર્મના નામે ધતિંગ કરતા હોય છે. કેરન આર્મસ્ટ્રોંગ જે પહેલા એક નન (સાધ્વી) હતી, પણ હવે એક પ્રખ્યાત લેખક છે. તે કહે છે કે ‘દરેક ધર્મોમાં ઝનૂની ભક્તો છે.’ પરંતુ, તે કહે છે કે જો ધર્મ ખરેખર સાચો અને સારો હોય તો એના ‘ભક્તો સર્વ લોકોને મુશ્કેલ સંજોગોમાં પણ પ્રેમ બતાવશે.’ તો પછી, દુનિયાના ઝનૂની ભક્તોએ શું સાબિત કર્યું છે? કેરન આર્મસ્ટ્રોંગ કહે છે, ‘ભલે યહુદી, ખ્રિસ્તી કે મુસ્લિમ ધર્મો હોય, પણ એના શિક્ષણથી લોકોમાં પ્રેમ અને દયાને બદલે તેમના દિલમાં નફરતની આગ સળગાવે છે.’ (યહુદી, ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મોમાં ઝનૂની ભક્તો, અંગ્રેજી પુસ્તક) પરંતુ, શું ફક્ત અમુક જ ધર્મોના ‘ઝનૂનીઓ’ પ્રેમ બતાવવામાં નિષ્ફળ ગયા છે? કે પછી બીજા ધર્મો પણ ‘નફરતની આગ સળગાવે’ છે? ચાલો આપણે જોઈએ.

શેતાને આ જગતના સર્વ ઝનૂની ધર્મોની શરૂઆત કરી છે. બાઇબલ એને “મહાન બાબેલોન” કહે છે. વળી, બાઇબલ એ ધર્મોને વેશ્યા સાથે સરખાવે છે, જે આ “પૃથ્વીનાં ધિક્કારપાત્ર કૃત્યોની માતા” છે. વળી, તે એક જંગલી શ્વાપદ પર બેઠી છે, એનો અર્થ થાય કે તે આ દુનિયાની સરકારો પર બેઠી છે. બાઇબલ એ પણ કહે છે કે “પૃથ્વી પર જેઓને મારી નાખવામાં આવ્યા છે, તે સર્વેનું લોહી” આ વેશ્યાને માથે છે.—પ્રકટીકરણ ૧૭:૪-૬; ૧૮:૨૪.

બધા શેતાનના ફાંદામાં ફસાયા નથી

ઇતિહાસ બતાવે છે કે અમુક લોકો શેતાનથી છેતરાયા ન હતા. લેખક મેલ્વીન બ્રેગ કહે છે કે ‘ભલે દુનિયામાં મોટા ભાગના લોકો ભૂંડા કામ કરતા હતા, અમુક સાચો ધર્મ પાળીને સારું કરતા હતા.’ આ સાચા ખ્રિસ્તીઓ, ઈશ્વરને “આત્માથી તથા સત્યતાથી” ભજતા હતા. (યોહાન ૪:૨૧-૨૪) તેથી, સર્વ જૂઠા ધર્મો, લડાઈમાં ‘લશ્કરોને’ લડવા માટે આશીર્વાદ આપતા હતા. પરંતુ, ઈશ્વરના સાચા ભક્તોએ એમ ન કર્યું. તેથી, ચર્ચો ‘ઈસુને પગલે નહિ, પણ એ ખરેખર શેતાનને પગલે ચાલ્યા હતા.’—ટુ થાઉસંડ યર્સ—ધ ફર્સ્ટ મિલેનિયમ: ધ બર્થ ઑફ ક્રિશ્ચિયાનિટી ટુ ધ ક્રુસેડ્‌સ.

આજે ઘણા લોકોએ જોયું છે કે યહોવાહના સાક્ષીઓ સર્વનું ભલું કરે છે. શા માટે? તેઓ જૂઠા ધર્મોની માફક પોતાના વિચારો નહિ, પણ બાઇબલનું શિક્ષણ આપે છે. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ, આ સાચા ખ્રિસ્તીઓ પણ ઈસુની આજ્ઞા પાળીને આ ‘જગતની’ પાછળ જતા નથી. (યોહાન ૧૫:૧૭-૧૯; ૧૭:૧૪-૧૬) દાખલા તરીકે, નાઝી જર્મનીમાં યહોવાહ સાક્ષીઓએ રાજકારણની બાબતમાં કે લડાઈમાં ભાગ લીધો નહિ. વળી, તેઓ નાઝીઓ સાથે ભળી ગયા નહિ. આના લીધે હિટલર ખૂબ ગુસ્સે થયો અને તેઓને સખત નફરત કરવા લાગ્યો. એક સ્કૂલનું પુસ્તક કહે છે: ‘યહોવાહના સાક્ષીઓ બાઇબલ સિદ્ધાંતો પર જીવ્યા. એટલે તેઓએ કોઈ હથિયાર ઉપાડ્યું નહિ. તેમ જ સૈનિકો કે નાઝીઓ સાથે ભળી ગયા નહિ. એટલે નાઝી લશ્કરોએ બધા સાક્ષીઓને જેલમાં નાખ્યા. એ વર્ષોમાં જર્મનીમાં લગભગ ૩૩ ટકા યહોવાહ સાક્ષીઓને નાઝી જેલોમાં મારી નાખવામાં આવ્યા.’—જર્મની—૧૯૧૮-૪૫ (અંગ્રેજી) પુસ્તક

એ સાચું છે કે એ સમયે અમુક બીજા લોકોએ પણ સતાવણી અનુભવી હતી. પણ યહોવાહ સાક્ષીઓ પર શા માટે સતાવણી આવી પડી? એનું કારણ કે તેઓએ બાઇબલની આજ્ઞા પાળી: “માણસોના કરતાં દેવનું અમારે વધારે માનવું જોઈએ.”—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯; માર્ક ૧૨:૧૭.

મુશ્કેલીઓનું મૂળ

ખરેખર, ધર્મે જ સર્વ તકલીફો ઊભી કરી છે. આજે જૂઠા ધર્મોને લીધે આખી દુનિયા દુઃખી છે. વળી, ઈશ્વર પોતે નજીકમાં સર્વ જૂઠા ધર્મોનો નાશ કરશે. (પ્રકટીકરણ ૧૭:૧૬, ૧૭; ૧૮:૨૧) એમાંથી બચી જવા આપણે શું કરી શકીએ? ઈશ્વરની આ આજ્ઞા પાળીએ: “ઓ મારા લોક, તમે તેનાં પાપના ભાગીદાર ન થાઓ, અને તેના પર આવનારા અનર્થોમાંનો કોઈ પણ તમારા પર ન આવે, માટે તેમાંથી નીકળી જાઓ કેમકે તેનાં પાપ આકાશ સુધી પહોંચ્યાં છે, અને દેવે તેનાં દુષ્કર્મોને યાદ કર્યાં છે.” (પ્રકટીકરણ ૧૮:૪, ૫.) અહીં જોવા મળે છે કે જે કોઈ ધર્મ ‘નફરતનો નશો ચડાવે છે અને લોકોને ઝનૂની બનાવે છે,’ એ જોઈને ઈશ્વરને બહુ જ દુઃખ થાય છે.

આપણા સમયમાં, ઈશ્વર એવા લોકોને શોધે છે, જેઓ સત્ય ચાહે અને સાચો ધર્મ પાળવા માગે છે. આ સાચો ધર્મ, પ્રેમાળ અને દયાળુ ઈશ્વરનું શિક્ષણ આપે છે. (મીખાહ ૪:૧, ૨; સફાન્યાહ ૩:૮, ૯; માત્થી ૧૩:૩૦) તમે પણ આ ધર્મ પાળી શકો છો. તમારે સાચા ધર્મ વિષે વધારે જાણવું હોય તો, યહોવાહના સાક્ષીઓ રાજીખુશીથી તમને મદદ કરશે. અથવા તમે આ મૅગેઝિનના પાન બે પર આપવામાં આવેલા યોગ્ય સરનામે લખી શકો છો.

[પાન ૭ પર ચિત્ર]

સાચા ધર્મમાં સર્વ નાત-જાતના લોકો ખુશ રહે છે