સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણે કઈ રીતે પરમેશ્વરને પ્રેમ બતાવી શકીએ?

આપણે કઈ રીતે પરમેશ્વરને પ્રેમ બતાવી શકીએ?

આપણે કઈ રીતે પરમેશ્વરને પ્રેમ બતાવી શકીએ?

શું પરમેશ્વરને પ્રેમ કરવા તેમનું જ્ઞાન લેવું જ પૂરતું છે? ના, તેમનું જ્ઞાન લેવાથી આપણે આપોઆપ તેમને પ્રેમ કરવા લાગતા નથી. જેમ જેમ આપણે પરમેશ્વરના ગુણો વિષે જાણતા જઈએ છીએ તેમ તેમ તેમની માટેનો આપણો પ્રેમ વધતો જાય છે. વળી, પરમેશ્વરને કઈ બાબતો ગમે છે, કઈ બાબતો નથી ગમતી, તે આપણી પાસેથી શું માંગે છે વગેરે જાણવાથી તેમની માટેનો આપણો પ્રેમ વધારે ગાઢ થતો જાય છે.

યહોવાહે આપણને બાઇબલ આપ્યું છે. એ તેમના વિષે ઘણી માહિતી આપે છે. એમાંથી આપણને જાણવા મળે છે કે જુદી જુદી પરિસ્થિતિમાં તેમણે કઈ રીતે પોતાના લોકો સાથે વ્યવહાર કર્યો. જરા વિચાર કરો, જ્યારે આપણને કોઈ વહાલી વ્યક્તિ તરફથી પત્ર મળે ત્યારે કેટલો આનંદ થાય છે. એવી જ રીતે, બાઇબલ મેળવીને પણ આપણને એવો જ આનંદ થાય છે. એમાં યહોવાહનાં ગુણો પણ બતાવવામાં આવ્યાં છે.

આપણે પ્રચારમાં જઈએ છીએ ત્યારે જોવા મળે છે કે ફક્ત યહોવાહ વિષે જાણવાથી વ્યક્તિ તેમને પ્રેમ કરવા લાગતી નથી. ઈસુએ તેમના સમયના અમુક યહુદીઓને કહ્યું: “તમે શાસ્ત્ર તપાસી જુઓ છો, કેમકે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો; . . . પણ હું જાણું છું કે દેવ પરની પ્રીતિ તમારામાં નથી.” (યોહાન ૫:૩૯, ૪૨) અરે, ઘણા લોકો તો યહોવાહ વિષે વર્ષો સુધી શીખે છે તોપણ તેમના દિલમાં યહોવાહના પ્રેમનો છાંટોય હોતો નથી. શા માટે? કેમ કે તેઓ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે. બીજી બાજુ, આપણી સાથે અભ્યાસ કરનાર એવી વ્યક્તિઓ પણ છે કે જેઓનો યહોવાહ માટેનો પ્રેમ ધીમે ધીમે વધતો જાય છે. શા માટે? કારણ કે આપણી જેમ તેઓ પણ આસાફનાં ઉદાહરણને અનુસરે છે. કઈ રીતે?

મનન કરવું

આસાફનો યહોવાહ માટેનો પ્રેમ ધીમે ધીમે વધતો જતો હતો. તેમણે લખ્યું: “હું મનમાં મનન કરૂં છું; . . . હું યહોવાહનાં કૃત્યોનું સ્મરણ કરીશ; તારા પુરાતન કાળના ચમત્કાર હું સંભારીશ. વળી હું તારા સર્વ કામોનું મનન કરીશ, અને તારાં કૃત્યો વિષે વિચાર કરીશ.” (ગીતશાસ્ત્ર ૭૭:૬, ૧૧, ૧૨) આ ગીતકર્તાની જેમ જો આપણે યહોવાહના કાર્યો પર મનન કરીશું તો આપણા હૃદયમાં પણ યહોવાહ માટેનો પ્રેમ વધશે.

વધુમાં, યહોવાહે આપણને આપેલા આશીર્વાદો પર મનન કરવાથી પણ તેમની સાથેનો આપણો સંબંધ ગાઢ થાય છે. પ્રેષિત પાઊલે કહ્યું કે આપણે પરમેશ્વરની “સાથે કામ કરનારા” છીએ આથી તેમની સાથેનો આપણો સંબંધ વધે એ ખૂબ મહત્ત્વનું છે. (૧ કોરીંથી ૩:૯) આપણે યહોવાહ માટે પ્રેમ બતાવીએ છીએ ત્યારે, તેમના હૃદયને ખૂબ આનંદ થાય છે. (નીતિવચનો ૨૭:૧૧) આપણે યહોવાહને વિનંતી કરીએ અને તે આપણી મુશ્કેલીઓ હલ કરવા મદદ કરે છે ત્યારે પણ તેમની સાથેનો આપણો સંબંધ ગાઢ થાય છે. પછી આપણે ખાતરીથી કહી શકીએ કે યહોવાહ આપણી સાથે છે.

બે મિત્રો એકબીજા આગળ પોતાનું દિલ ઠાલવે છે ત્યારે તેમની વચ્ચેનો સંબંધ ગાઢ થતો જાય છે. એવી જ રીતે, આપણે યહોવાહને જણાવીએ કે શા માટે આપણે તેમને સમર્પણ કર્યું છે ત્યારે, તેમની માટેનો આપણો પ્રેમ વધતો જાય છે. આપણે ઈસુના શબ્દો પ્રમાણે જ કરીશું: “તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારી પૂરી બુદ્ધિથી, ને તારા પૂરા સામર્થ્યથી, પ્રભુ તારા દેવ પર તું પ્રીતિ કર.” (માર્ક ૧૨:૩૦) કઈ રીતે આપણે યહોવાહને પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી બુદ્ધિથી અને પૂરા સામર્થ્યથી પ્રેમ કરી શકીએ?

પૂરા હૃદયથી યહોવાહને પ્રેમ કરવો

બાઇબલ હૃદય એટલે કે વ્યક્તિના આંતરિક ગુણોનો ઉલ્લેખ કરે છે. જેમ કે વ્યક્તિની ઇચ્છાઓ, વલણ અને લાગણીઓ. તેથી પૂરા હૃદયથી યહોવાહની સેવા કરવાનો અર્થ એમ થાય કે આપણે યહોવાહના હૃદયને આનંદ પમાડવા માંગીએ છીએ. (ગીતશાસ્ત્ર ૮૬:૧૧) પરમેશ્વરને પસંદ પડે એવા ગુણો વિકસાવીને આપણે બતાવીએ છીએ કે આપણે તેમને પ્રેમ કરીએ છીએ. આપણે ‘ભૂંડાને ધિક્કારીને અને સારી બાબતોને વળગી રહીને’ પરમેશ્વરને અનુસરીએ છીએ.—રૂમીઓને પત્ર ૧૨:૯.

યહોવાહ માટેનો પ્રેમ આપણી લાગણીઓને અસર કરે છે. દાખલા તરીકે, નોકરીનું કામ આપણને ખૂબ ગમતું હોય શકે અથવા આપણો વધારે સમય લઈ લેતું હોય. પરંતુ શું આપણું હૃદય ત્યાં છે? ના. આપણે યહોવાહને પૂરા હૃદયથી પ્રેમ કરતા હોવાથી, આપણે સૌ પ્રથમ પરમેશ્વરના સેવકો છીએ. આપણે આપણા માબાપ, જીવન સાથી અને બોસને ખુશ કરવાનું ઇચ્છી શકીએ. પરંતુ આપણે યહોવાહને પૂરા હૃદયથી પ્રેમ કરતા હોવાથી પ્રથમ તેમને ખુશ કરવા જઈએ. હા, આપણે તેમને હૃદયમાં મોખરે રાખીએ એ મહત્ત્વનું છે.—માત્થી ૬:૨૪; ૧૦:૩૭.

પૂરા જીવથી યહોવાહને પ્રેમ કરવો

બાઇબલમાં “જીવ” શબ્દ સામાન્ય રીતે, આપણે જે શ્વાસ લઈએ છીએ એને બતાવે છે. તેથી, પૂરા જીવથી યહોવાહને પ્રેમ કરવાનો અર્થ એમ થાય કે આપણે આખી જિંદગી યહોવાહની સ્તુતિ કરીએ અને તેમને પ્રેમ કરીએ.

જોકે, આપણે જીવનમાં બીજી ઘણી બાબતો કરવાની હોય છે, જેમ કે, નોકરી-ધંધો કે બાળકો ઉછેરવાં. પરંતુ, એ જ સમયે આપણે યહોવાહની ઇચ્છા પ્રમાણે કરીને તેમ જ બીજી બાબતોને જીવનમાં યોગ્ય સ્થાને રાખીને યહોવાહ માટે પૂરા જીવથી પ્રેમ બતાવીએ. આમ, ‘પહેલાં તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધીએ.’ (માત્થી ૬:૩૩) પૂરા જીવથી ભક્તિ કરવાનો અર્થ એમ પણ થાય છે કે પૂરા જોશથી તેમની સેવા કરીએ. યહોવાહ માટે પ્રેમ બતાવવા આપણે ઉત્સાહથી પ્રચાર કરીએ, સભાઓમાં ભાઈબહેનોને ઉત્તેજન મળે એવા જવાબો આપીએ અથવા તેઓને જરૂરી મદદ કરીએ. દરેક બાબતમાં, આપણે પૂરા ‘જીવથી દેવની ઇચ્છા પૂરી’ કરવી જોઈએ.—એફેસી ૬:૬.

ઈસુએ પરમેશ્વરની ઇચ્છાને પોતાના જીવનમાં પ્રથમ રાખીને તેમના માટે પૂરા જીવથી પ્રેમ બતાવ્યો. તેમણે યહોવાહની ઇચ્છાને પ્રથમ અને પોતાની જરૂરિયાતોને બીજા નંબરે રાખી. ઈસુ આપણને તેમના પગલે ચાલવાનું ઉત્તેજન આપે છે. તે કહે છે: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું.” (માત્થી ૧૬:૨૪, ૨૫) પોતાનો નકાર કરવાનો અર્થ પરમેશ્વરને સમર્પણ કરવું થાય છે. એટલે કે આપણે પોતાને તેમના હાથમાં સોંપી દેવા જોઈએ. પ્રાચીન સમયમાં, ઈસ્રાએલી દાસ પોતાના માલિકનો એટલો બધો અહેસાનમંદ બની જતો કે તે તેના માલિકનો કાયમી દાસ બની જતો. (પુનર્નિયમ ૧૫:૧૬, ૧૭) યહોવાહને સમર્પણ કરીને આપણે બતાવીએ છીએ કે આપણે તેમને પ્રેમ કરીએ છીએ.

પૂરા મનથી યહોવાહની સેવા કરવી

પૂરા મનથી યહોવાહની સેવા કરવામાં આપણે યહોવાહના ગુણો, તેમના હેતુઓ અને તે આપણી પાસે શું માંગે છે એ જાણવા બનતો બધો જ પ્રયત્ન કરવો જોઈએ. (યોહાન ૧૭:૩; પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૧) આપણે બીજાઓને યહોવાહના પ્રેમ વિષે શીખવવા મહેનત કરીને તેમ જ આપણી શીખવવાની રીતમાં સુધારો કરીને પણ યહોવાહ માટેનો પ્રેમ બતાવી શકીએ. પ્રેષિત પીતરે કહ્યું: “તમારાં મનમાં સજ્જ થઈને જાગૃત રહો.” (૧ પીતર ૧:૧૩, પ્રેમસંદેશ) વળી, આપણે બીજાઓમાં અને ખાસ કરીને મંડળના ભાઈબહેનોમાં રસ લેવો જોઈએ. આપણે તેમની પરિસ્થિતિને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ, જેથી યોગ્ય સમયે તેમની પ્રશંસા કરી શકીએ અને જરૂરી સલાહ પણ આપી શકીએ.

આપણે યહોવાહને પૂરા મનથી આધીન રહીને બતાવી શકીએ કે આપણે તેમને પ્રેમ કરીએ છીએ. આપણે પરમેશ્વરની દૃષ્ટિએ બાબતો જોવી જોઈએ. નિર્ણયો લઈએ ત્યારે તેમને ધ્યાનમાં રાખવા જોઈએ. તેમ જ યહોવાહના માર્ગો સૌથી ઉત્તમ છે એવો ભરોસો હોવો જોઈએ. (નીતિવચનો ૩:૫, ૬; યશાયાહ ૫૫:૯; ફિલિપી ૨:૩-૭) આપણે કઈ રીતે આપણા સામર્થ્યનો ઉપયોગ કરીને યહોવાહ માટે પ્રેમ બતાવી શકીએ?

પૂરા સામર્થ્યથી યહોવાહને પ્રેમ કરવો

મંડળના ઘણા યુવાનો યહોવાહની સ્તુતિ કરવા માટે પોતાના સામર્થ્યનો કે શક્તિનો ઉપયોગ કરે છે. (નીતિવચનો ૨૦:૨૯; સભાશિક્ષક ૧૨:૧) ઘણા યુવાનો પાયોનિયર બનીને પૂરા સામર્થ્યથી યહોવાહને પ્રેમ કરે છે. ઘણી માતાઓ પોતાનાં બાળકો સ્કૂલે જાય ત્યારે પ્રચારમાં જાય છે. એક વડીલનો વિચાર કરો. તે પોતાના કુટુંબની તો કાળજી રાખે જ છે. એ સાથે તે ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા પોતાનો સમય અને શક્તિ ખર્ચીને તેઓની મુલાકાતો પણ લે છે. આમ તે યહોવાહ માટે પ્રેમ બતાવે છે. (૨ કોરીંથી ૧૨:૧૫) જેઓ યહોવાહમાં ભરોસો રાખે છે તેઓને તે સામર્થ્ય આપે છે, જેથી તેઓ તેમની ઉપાસના કરીને પ્રેમ વ્યક્ત કરી શકે.—યશાયાહ ૪૦:૨૯; હેબ્રી ૬:૧૧, ૧૨.

પ્રેમ ધીમે ધીમે વધે છે. તેથી, આપણે મનન કરવા સમય ફાળવવો જ જોઈએ. યહોવાહે આપણા માટે જે કંઈ કર્યું છે એને આપણે ભૂલીએ નહિ. આપણે એ પણ યાદ રાખીએ કે તે એકલા જ આપણી ભક્તિને યોગ્ય છે. ‘જે બાબતો ઈશ્વરે તેમના પર પ્રેમ કરનારાઓ માટે તૈયાર કરી છે’ એના માટે આદમના અપૂર્ણ વંશજો તરીકે આપણે ક્યારેય લાયક થઈશું નહિ. તોપણ, આપણે બતાવી શકીએ કે આપણે પૂરા સામર્થ્યથી તેમને પ્રેમ કરીએ છીએ. તો ચાલો, આપણે એમ કરતા રહીએ!—૧ કોરીંથી ૨:૯, પ્રેમસંદેશ.

[પાન ૨૦ પર ચિત્ર]

આપણે આપણાં કાર્યોથી યહોવાહ માટે પ્રેમ બતાવીએ છીએ