સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરની કૃપાથી હું ટકી રહ્યો

ઈશ્વરની કૃપાથી હું ટકી રહ્યો

મારો અનુભવ

ઈશ્વરની કૃપાથી હું ટકી રહ્યો

બેન્જામીન ઈકીચુકુ ઑસ્વેર્કના જણાવ્યા પ્રમાણે

મેં પૂરા સમયનું સેવાકાર્ય શરૂ કર્યું, એના થોડા જ સમય પછી હું મારા માબાપના ઘરે ગયો. મને જોતાની સાથે જ, મારા પપ્પા મારો કોલર પકડીને જોરજોરથી બૂમો પાડવા લાગ્યા, “ચોર!” તેમણે ખૂરપી લીધી અને એની બુઠ્ઠી બાજુથી મને માર્યું. બધો શોર-બકોર સાંભળીને ગામના લોકો અમારા ઘરની બહાર ટોળે વળી ગયા. મેં શું ચોર્યું હતું? ચાલો હું તમને જણાવું.

મારો જન્મ ઉમારિયમ ગામમાં ૧૯૩૦માં થયો હતો. આ ગામ નાઇજીરિયાની દક્ષિણ-પૂર્વે આવેલું છે. હું સાત ભાઈબહેનોમાં સૌથી મોટો છું. મારી સૌથી મોટી બહેન ૧૩ વર્ષની ઉંમરે ગુજરી ગઈ. મારાં માબાપ એંગ્લિકન ચર્ચમાં જતા હતા. મારા પપ્પા ખેડૂત હતા. મમ્મી એક નાનો ધંધો કરતી હતી. તે અમારા ગામથી ૩૦ કિલોમીટર આવેલા બજારમાંથી તાડના તેલનું ટીન ખરીદીને સાંજ સુધીમાં પાછી આવતી. ત્યાર પછી, બીજા દિવસે સવારે તે ૪૦ કિલોમીટર દૂર આવેલા ગામમાં તેલ વેચવા જતી. એનાથી તેને થોડો ઘણો નફો થતો. તે ખાવાની વસ્તુઓ ખરીદીને એ જ સાંજે પાછી આવતી. તે ૧૯૫૦માં મરણ પામી ત્યાં સુધી, એટલે કે ૧૫ વર્ષ તેણે આ કામ કર્યું.

મારા ગામમાં એંગ્લિકન ચર્ચની સ્કૂલમાં મેં ભણવાનું શરૂ કર્યું. પ્રાથમિક શાળા પૂરી કર્યા પછી, વધારે શિક્ષણ માટે મારે મારા ઘરથી ૩૫ કિલોમીટર દૂર આવેલી બોર્ડિંગમાં રહેવું પડે એમ હતું. પરંતુ, મારાં માબાપ પાસે પૈસા નહિ હોવાથી વધારે શિક્ષણ લેવા કરતાં, મેં નોકરી શોધવાનું શરૂ કર્યું. સૌ પ્રથમ, મેં પશ્ચિમ નાઇજીરિયામાં લાગોસના રેલવે ગાર્ડના ઘરે અને ત્યાર પછી ઉત્તર નાઇજીરિયા, કાડૂના સરકારી અધિકારીને ત્યાં નોકરનું કામ કર્યું. પછી, પશ્ચિમ નાઇજીરિયાના બેનિન શહેરમાં, એક વકીલને ત્યાં ક્લાર્કની નોકરી મળી. ત્યાર પછી, મને લાકડાં કાપવાની નોકરી મળી. ત્યાંથી હું ૧૯૫૩માં કેમરૂનમાં ગયો. હું મારા એક સંબંધીની સાથે રહેતો હતો કે જેણે મને રબરના ખેતરમાં નોકરી અપાવી. મને દર મહિને લગભગ ૪૨૦ રૂપિયા મળતા હતા. મારી નોકરી બહુ સારી તો ન હતી, પણ મને પૂરતું ખાવાનું મળી રહેતું, આથી હું સંતોષી હતો.

એક ગરીબ પાસેથી મળેલું ધન

મારી સાથે કામ કરનાર સિલવાનુસ ઓકેમેરી એક યહોવાહના સાક્ષી હતા. સીલવાનુસ અને હું રબરના ખેતરમાં ઘાસ કાપીને રબરના ઝાડમાં એને પાછું નાખવાનું કામ કરતા હતા. દરેક તકે તે મને બાઇબલ વિષે વાતો કરતા હતા. જોકે, હું એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખતો હતો. પરંતુ, જ્યારે મારા સંબંધીને જાણ થઈ કે હું યહોવાહના સાક્ષી સાથે કામ કરું છું, ત્યારે હું તેઓનું ન સાંભળું એ માટે તે કંઈને કંઈ કરતો. તે જાણે મને ચેતવતો હોય એમ કહ્યું: “બેન્જી, મિ. ઓકેમીરીથી દૂર જ રહેજે. એક તો તે યહોવાહમાં માને છે અને બીજું કે તે બહુ ગરીબ છે. તેમની દોસ્તી રાખનાર પણ તેમના જેવા જ બની જશે.”

કંપનીમાં બહુ ગધ્ધા-મજૂરી કરવી પડતી હતી, એનાથી ત્રાસીને હું વર્ષ ૧૯૫૪માં મારા ઘરે પાછો ગયો. એ સમયોમાં એંગ્લિકન ચર્ચ નૈતિક ધોરણોને બહુ ઊંચા રાખવાનો દાવો કરતું હતું. આથી, હું જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ મને અનૈતિકતા પ્રત્યે નફરત થતી ગઈ. પરંતુ, ચર્ચમાં જનારાઓનો ઢોંગ જોઈને મને આઘાત લાગતો, કેમ કે તેઓ બાઇબલ પ્રમાણે જીવવાનો ફક્ત ઢોંગ કરતા હતા. (માત્થી ૧૫:૮) મારા પપ્પા સાથે મારે આ બાબતમાં બહુ દલીલો થતી, એનાથી અમારા બંને વચ્ચે તરાડ પડતી ગઈ. આખરે, એક દિવસે મેં ઘર છોડી દીધું.

હું ઓમોબા નામના એક ગામમાં રહેવા ગયો. આ ગામમાં નાનું રેલવે સ્ટેશન પણ હતું. અહીં ફરી હું યહોવાહના સાક્ષીઓને મળ્યો. પ્રિસિલા ઇસીયૉકા મારા ગામની જ હતી. તેથી હું તેને જાણતો હતો. તેણે મને “રાજ્યના આ સુસમાચાર” અને આફટર આર્માગેદન—ગોડ્‌સ ન્યૂ વર્લ્ડ * એમ બે નાની પુસ્તિકા આપી. આ પુસ્તિકાઓ વાંચીને મને ખાતરી થઈ કે મને સત્ય મળ્યું છે. ચર્ચમાં અમે બાઇબલ અભ્યાસ કરતા ન હતા; અમે માણસોનાં શિક્ષણ પર વધારે ધ્યાન આપતા હતા. પરંતુ, સાક્ષીઓએ આપેલાં સાહિત્ય તો અવારનવાર બાઇબલમાં જોવાનું ઉત્તેજન આપતું હતું.

એકાદ મહિનો પણ ન હતો થયો અને મેં ભાઈ અને બહેન ઇસીયૉકાને પૂછ્યું, ‘તમે કયા ચર્ચમાં જાવ છો?’ હું પહેલી વાર યહોવાહના સાક્ષીઓની સભામાં ગયો ત્યારે, મને કંઈ પણ સમજણ ન પડી. ચોકીબુરજ અભ્યાસમાં હઝકીએલના પુસ્તકમાંથી ‘માગોગના ગોગના’ હુમલાની ચર્ચા થઈ હતી. (હઝકીએલ ૩૮:૧, ૨) ભલે મને એ મિટિંગમાં ખાસ સમજણ પડી, પણ મને જે પ્રેમ ત્યાં જોવા મળ્યો એની મારા પર ઊંડી અસર પડી. મેં ત્યાર પછીના રવિવારે ત્યાં પાછા જવાનું નક્કી કર્યું. બીજી મિટિંગમાં મેં પ્રચાર વિષે સાંભળ્યું. તેથી, મેં પ્રિસિલાને પૂછ્યું, ‘તમે ક્યારે પ્રચારમાં જવાના છો?’ ત્રીજા રવિવારે, હું એક નાનું બાઇબલ લઈને તેઓની સાથે ગયો. મારી પાસે કોઈ પ્રચાર બૅગ કે બાઇબલ સાહિત્ય ન હતું. તેમ છતાં, હું રાજ્ય પ્રચારક બન્યો અને એ મહિનાના અંતે પ્રચારનો રિપોર્ટ આપ્યો.

મને બાઇબલમાંથી શીખવવા માટે કોઈ ન હતું. તેથી હું જ્યારે પણ ઇસીયૉકા કુટુંબની મુલાકાત લેતો ત્યારે, તેઓ બાઇબલમાંથી મને ઉત્તેજન આપતા અને અમુક બાઇબલ સાહિત્ય આપતા. ડિસેમ્બર ૧૧, ૧૯૫૪માં અબ્બા શહેરમાં યોજવામાં આવેલા ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનમાં મેં બાપ્તિસ્મા લીધું. હું મારા સંબંધીને રહીને એપ્રેન્ટીસ તરીકે કામ કરતો હતો. તેણે મને ખાવાનું અને તાલીમ આપવાનું બંધ કર્યું. અરે તેના ત્યાં મેં કામ કર્યું હતું એની પણ એક ફૂટી કોડી પણ આપી નહિ. તોપણ, મેં તેના પ્રત્યે કંઈ પણ ખાર રાખ્યો નહિ; યહોવાહ પરમેશ્વર સાથેના મારા સંબંધના લીધે હું બહુ આભારી હતો. એનાથી મને મનની શાંતિ અને દિલાસો મળ્યો. યહોવાહના સાક્ષીઓએ મને મદદ કરી. ઇસીયૉકાએ મને ખોરાક આપ્યો. વળી, બીજાઓએ મને નાનો ધંધો શરૂ કરવા ઉછીના પૈસા આપ્યા. વર્ષ ૧૯૫૫ની મધ્યમાં, મેં એક જૂની સાયકલ ખરીદી. માર્ચ ૧૯૫૬માં મેં નિયમિત પાયોનિયર કાર્ય શરૂ કર્યું. પછી, ધીમે ધીમે મેં મારું બધું દેવું ચૂકતે કરી દીધું. ભલે ધંધામાંથી મને બહુ નફો થતો નહિ, પણ હવે હું મારા પગ પર ઊભો હતો. યહોવાહે મને જે કંઈ આપ્યું હતું એ મારા માટે પૂરતું હતું.

હું મારા ભાઈબહેનોને “ચોરી જતો”

હું મારા પગ પર ઊભો થયો પછી, મારી પહેલી ચિંતા મારા ભાઈબહેનોને યહોવાહનો માર્ગ દેખાડવાની હતી. પરંતુ, મારા પપ્પાને આમેય યહોવાહના સાક્ષીઓ ગમતા ન હતા. હું યહોવાહનો સાક્ષી બન્યો ત્યારે, તેમણે ઘણો વિરોધ કર્યો હતો. હવે હું કઈ રીતે મારા ભાઈબહેનોને મદદ કરી શકું? મેં મારા પપ્પાને કહ્યું કે ‘હું મારા ભાઈ અરનેસ્ટને મારી સાથે લઈ જાઉં અને તેનું ભરણપોષણ કરીશ.’ મારા પપ્પાએ તેને મારી સાથે આવવા દીધો. અરનેસ્ટ બહુ જલદી બાઇબલમાંથી શીખ્યો ને ૧૯૫૬માં બાપ્તિસ્મા પામ્યો. એના લીધે મારા પપ્પાના વિરોધની આગમાં ઘી રેડાયું. જોકે, મારી નાની બહેન કે જે પરણેલી હતી, તે અને તેના પતિ પણ બાઇબલ શીખ્યા. મેં મારી બીજી બહેન ફેલિસીયાને રજાઓમાં મારી સાથે રહેવા આવવાનું કહ્યું. મારા પપ્પા ‘હા-ના, હા-ના’ કરતા રજા આપી. ફેલિસીયાએ પણ બહુ જલદી યહોવાહના સાક્ષી તરીકે બાપ્તિસ્મા લીધું.

તેથી, ૧૯૫૯માં હું મારી ત્રીજા નંબરની બહેન બરનીસને લેવા ગયો, કે તે અરનેસ્ટ સાથે રહેશે. એ સમયે મારા પપ્પાએ મારી સાથે ઝઘડો કર્યો અને આરોપ મૂક્યો કે હું તેમનાં બાળકો ચોરી જાઉં છું. પરંતુ, તે સમજતા ન હતા કે યહોવાહની સેવા કરવાનો નિર્ણય તેઓએ પોતે કર્યો હતો. મારા પપ્પાએ મને સાફ સાફ કહ્યું કે તે બરનીસને મારી સાથે રહેવા કદી આવવા નહિ દે. પરંતુ, યહોવાહે મને મદદ કરી. બીજા વર્ષે બરનીસ રજાઓમાં અરનેસ્ટના ઘરે આવી. તે પણ બીજી બહેનોની જેમ બાઇબલ શીખીને બાપ્તિસ્મા પામી.

‘સંતોષી રહેતા શીખ્યો’

સપ્ટેમ્બર ૧૯૫૭માં, મેં સ્પેશિયલ પાયોનિયરીંગ શરૂ કર્યું. હું દર મહિને ૧૫૦ કલાક પ્રચાર કાર્યમાં આપતો. મારી સાથેના ભાઈ સન્ડે ઈરોબેલાકી અને હું આક્પુ-ના-આબુએ, એચ્ચેના મોટા વિસ્તારમાં કામ કરતા. અહીંથી અમે સૌ પહેલા સરકીટ સંમેલનમાં ગયા, અમારા ગ્રૂપમાંથી ૧૩ વ્યક્તિઓએ બાપ્તિસ્મા લીધું. આ વિસ્તારમાં ૨૦ મંડળો જોઈને અમને કેટલો આનંદ થાય છે!

વર્ષ ૧૯૫૮માં, હું ક્રિસ્ટીના અઝવિકાને મળ્યો. તે આબા ઈસ્ટ મંડળમાં નિયમિત પાયોનિયર હતી. તે બહુ ઉત્સાહી હતી. એ વર્ષના ડિસેમ્બરમાં અમે લગ્‍ન કર્યા. વર્ષ ૧૯૫૯ની શરૂઆતમાં, મંડળોની મુલાકાત લઈને ભાઈઓને આત્મિક રીતે દૃઢ કરવા, પ્રવાસી નિરીક્ષક તરીકે મને નિયુક્ત કરવામાં આવ્યો. વર્ષ ૧૯૭૨ સુધીમાં મેં અને મારી પત્નીએ પૂર્વ અને મધ્ય પશ્ચિમ નાઇજીરિયાના લગભગ બધા જ મંડળોની મુલાકાત લઈ લીધી હતી.

મંડળો બહુ દૂર દૂર હતાં. અમે સાયકલ પર જ મુસાફરી કરતા હતા. અમે મોટા શહેરના મંડળોની મુલાકાત લેવા જતા ત્યારે, બીજા મંડળમાં જવા માટે ભાઈઓ ટેક્સી ભાડે કરતા. અમુક સમયે અમે એવા રૂમોમાં રહેતા જેનું ભોંયતળિયું માટીનું હોય અને છત પણ ન હોય. અમે રાફીયાના સોટાથી બનેલી પથારીમાં સૂતા. કેટલીક પથારી તો ઘાસની બનેલી હોય અને એની પર સાદડી નાખવામાં આવતી. વળી, કેટલીક પથારીમાં તો સૂવા માટે કંઈ હોય જ નહિ. ખાવાની તો અમને કંઈ મુશ્કેલી જ ન હતી. ગમે તે હોય, થોડું-ઘણું હોય એટલું બસ હતું. પહેલેથી જ કરકસરથી જીવ્યા હોવાથી, અમને જે કંઈ મળતું એનાથી સંતોષી રહેતા. એના કારણે ભાઈ-બહેનોને પણ આનંદ થતો. કેટલાક શહેરોમાં તો વીજળી પણ ન હતી, આથી અમે હંમેશા ફાનસ સાથે લઈ જતા. આવા સંજોગોમાં પણ અમે ભાઈબહેનો સાથેનો સમય બહુ આનંદિત હતો.

અમે પ્રેષિત પાઊલની આ સલાહનું મૂલ્ય સમજ્યા, જેમણે કહ્યું: “આપણને જે અન્‍નવસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.” (૧ તીમોથી ૬:૮) પાઊલ બહુ કપરા સંજોગોમાં હોવા છતાં સંતોષી રહેતા શીખ્યા. કઈ રીતે? તેમણે કહ્યું: “ગરીબ થવું હું જાણું છું, તથા ભરપૂર હોવું પણ હું જાણું છું; હરપ્રકારે તથા સર્વ બાબતમાં તૃપ્ત થવાને તથા ભૂખ્યો રહેવાને, તેમજ પુષ્કળ પામવાને અને તંગીમાં રહેવાને હું શીખેલો છું.” અમે પણ એમ રહેવાનું શીખ્યા. પાઊલે એમ પણ કહ્યું: “જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.” (ફિલિપી ૪:૧૨, ૧૩) અમારા કિસ્સામાં પણ એ કેટલું સાચું પુરવાર થયું! ભાઈબહેનોને ઉત્તેજન આપવાથી, અમને બહુ સંતોષ અને મનની શાંતિ મળી.

કુટુંબ સાથે મંડળોમાં સેવા

અમારો પહેલો દીકરો, જોએલ ૧૯૫૯માં અને બીજો દીકરો સેમ્યુલ ૧૯૬૨માં જન્મ્યા. અમે બાળકો સાથે મંડળોની મુલાકાત લેવાનું ચાલુ રાખ્યું. નાઇજીરિયામાં ૧૯૬૭માં અંદરોઅંદર લડાઈ ફાટી નીકળી. શાળાઓ બંધ થઈ ગઈ. મારી પત્ની પહેલા શિક્ષિકા હતી. આથી, લડાઈના સમયે તે બાળકોને ઘરમાં જ ભણાવતી હતી. સેમ્યુએલ છ વર્ષની ઉંમરે તો વાંચી લખી શકતો હતો. લડાઈ પછી તે શાળામાં ગયો ત્યારે, પોતાની વયના બાળકો કરતાં બે ધોરણ આગળ હતો.

અમે પ્રવાસી કાર્યમાં હતા આથી અમને ખબર પડી નહિ કે બાળકો ઉછેરવાં કેટલું અઘરું છે. તેમ છતાં, ૧૯૭૨માં સ્પેશિયલ પાયોનિયર તરીકે સોંપણી કરવામાં આવી. એનાથી અમારા કુટુંબને ઘણો લાભ થયો. એક જગ્યાએ રહેતા હોવાથી, અમે અમારા કુટુંબને યહોવાહની સેવામાં પ્રગતિ કરવા પૂરતું ધ્યાન આપી શક્યા. નાનપણથી જ અમે અમારાં બાળકોને સંતોષી રહેવાનું શીખવ્યું હતું. સેમ્યુએલે ૧૯૭૩માં બાપ્તિસ્મા લીધું અને જોએલે એ જ વર્ષથી નિયમિત પાયોનિયરીંગ શરૂ કર્યું. અમારા બંને બાળકોને સારી પત્ની મળી છે અને તેઓ હવે પોતાનાં બાળકોને ઉછેરી રહ્યા છે.

લડાઈનું ભયંકર પરિણામ

અંદરો-અંદર લડાઈ ફાટી ત્યારે હું મારા કુટુંબ સાથે ઓનીચા નગરના મંડળમાં પ્રવાસી નિરીક્ષક તરીકે સેવા આપતો હતો. આવા સમયે ભૌતિક વસ્તુઓ કેટલી નકામી છે, એ મેં નજરે જોયું. મેં જોયું કે લોકો કિંમતી વસ્તુઓ છોડીને પોતાનો જીવ બચાવવા આમતેમ દોડી રહ્યા હતા.

લડાઈ જેમ જેમ વધતી ગઈ તેમ તેમ સર્વ માણસોને લશ્કરમાં જોડાવાનું દબાણ આવ્યું. ઘણા ભાઈઓએ યુદ્ધમાં ભાગ લેવાનો નકાર કર્યો એના લીધે તેમને સતાવવામાં આવ્યા. અમે મુક્ત રીતે ફરી શકતા ન હતા. ખોરાકની અછતના લીધે આખા દેશમાં ભારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. અડધા કિલો શક્કરિયાં જેવા કસાવાની કિંમત ત્રણ રૂપિયાથી વધીને ૬૩૬ થઈ. એક કપ મીઠાની કિંમત ૩૮૩ રૂપિયાથી વધીને ૧,૯૦૮ સુધી પહોંચી. દૂધ, બટર અને ખાંડ તો દેખાતા પણ ન હતા. પેટમાં કંઈ પડે એ માટે અમે કાચા પપૈયાને કસાવાના લોટ સાથે મિક્સ કરીને ખાતા. અમે તીતીઘોડા, કસાવાની છાલ, અમુક પાંદડાં, મોટું મોટું ઘાસ, જે કંઈ બચ્યું હોય એ અમે ખાતા. માંસ બહુ મોંઘું હતું, તેથી હું મારા બાળકોને ખાવા માટે ગરોળીઓ પકડતો. ભલે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ પરંતુ યહોવાહે હંમેશા અમારા માટે પૂરું પાડ્યું હતું.

ભૌતિક ખોરાક કરતાં આત્મિક ખોરાકની અછત સૌથી ખરાબ હતી. લડાઈઓ ચાલતી હતી એમાંના મોટા ભાગના ભાઈઓ જંગલ કે બીજા ગામડાંમાં નાસી ગયા. આમ નાસભાગમાં તેઓએ પોતાના બાઇબલ પ્રકાશનો ગુમાવી દીધા. વધુમાં લશ્કરોએ નાખેલી છાવણીના લીધે નવા બાઇબલ સાહિત્ય બાયફ્રા વિસ્તારમાં આવી શકતા ન હતા. જોકે મોટા ભાગના મંડળો સભાઓ રાખતા હતા. પરંતુ, બ્રાન્ચ ઑફિસ તરફથી માર્ગદર્શન તેઓને મળતું ન હતું આથી તેઓ યહોવાહના જ્ઞાનના તરસ્યા રહી જતા.

વિશ્વાસમાં દૃઢ રહેવા

પ્રવાસી નિરીક્ષકો બનતો બધો જ પ્રયત્ન કરતા કે બને એમ વધારે મંડળોની મુલાકાત લે. ઘણા ભાઈબહેનો બીજા શહેરોમાં નાસી ગયા હોવાથી, હું તેઓને શોધતો. એક સમયે, હું મારી પત્ની અને બાળકોને સલામત જગ્યાએ મૂકીને, છ અઠવાડિયા મુસાફરી કરીને ગામડાંઓ અને જંગલમાંથી અમુક ભાઈબહેનોને શોધ્યા.

હું ઓબુન્કા મંડળમાં હતો ત્યારે, મેં સાંભળ્યું કે ઓકીગવે જિલ્લાના ઈસુવોચી વિસ્તારમાં સાક્ષી ભાઈબહેનોનું મોટું ટોળું છે. તેથી મેં ભાઈઓને ઉમવાકુ ગામમાં કાજુના ખેતરમાં ભેગા થવાનું કહ્યું. હું અને એક વૃદ્ધ ભાઈ લગભગ ૧૫ કિલોમીટર મુસાફરી કરીને ત્યાં પહોંચ્યા. ત્યાં લગભગ ૨૦૦ ભાઈબહેનો અને બાળકો ભેગા થયા હતા. પાયોનિયર બહેનની મદદથી, બીજા સો ભાઈબહેનના ગ્રૂપને મળી શક્યો કે જેઓ લોમારા ઝાડીઓમાં સંતાયા હતા.

ઓવેરી ગામમાં લડાઈની પરિસ્થિતિમાં ઉત્સાહી ભાઈઓમાં લોરેન્સ ઉગ્વેબુ નામના ભાઈ હતા. તેમણે મને કહ્યું કે ઓહાજીના વિસ્તારમાં ઘણા બધા ભાઈબહેનો છે. લશ્કરે છાવણી નાખી હોવાથી તેઓ મુક્ત રીતે ફરી શકતા ન હતા. અમે બંને રાતના અંધારામાં ચૂપચાપ સાયકલ લઈને ગયા. ત્યાં લગભગ ૧૨૦ ભાઈબહેનો એક ભાઈના કંપાઉન્ડમાં ભેગા મળ્યા હતા. અમે એ વિસ્તારમાં સંતાયેલા બીજા કેટલાક ભાઈઓને મળવા પણ ગયા.

ભાઈ આઇઝેક નવાગું પોતાનો જીવ જોખમમાં મૂકીને મને બીજા ભાઈઓ પાસે લઈ ગયા. તે ઑટામીરી નદીમાં પાર કરીને લઈ ગયા કે ત્યાં ઍગ્બુ-એટ્‌ચેમાં ૧૫૦થી વધારે ભાઈબહેનો ભેગા મળ્યા હતા. એક ભાઈએ કહ્યું: “આજનો દિવસ મારા માટે સૌથી સારો દિવસ છે! મને તો એવું જ લાગતું હતું કે હવે હું સરકીટ નિરીક્ષકને ફરી કદી જોઈ શકીશ નહિ. હવે જો હું આ લડાઈના લીધે માર્યો જાઉં તો પણ મને કંઈ અફસોસ નથી.”

મને ખબર હતી કે મને ફરજિયાત લશ્કરમાં જોડાવાનું કહેવામાં આવશે. પરંતુ, યહોવાહે અવારનવાર મારું રક્ષણ કર્યું. એક દિવસ બપોરે, હું ૨૫૦ ભાઈઓને મળીને ઘરે પાછો ફરી રહ્યો હતો. લશ્કરના એક ઉપરીએ મને ફાટક પાસે રોક્યો. મને પૂછ્યું, “શા માટે તું લશ્કરમાં નથી જોડાયો?” મેં કહ્યું કે હું મિશનરિ છું અને પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કરું છું. મને લાગ્યું કે તેઓ મને પકડવાના જ છે. આથી, મેં મનમાં પ્રાર્થના કરીને કેપ્ટનને કહ્યું, “પ્લીઝ મને જવા દો.” તેણે કહ્યું, “શું તું એમ કહે છે કે અમે તને જવા દઈએ?” “હા,” મેં કહ્યું. ત્યાર પછી તેણે કહ્યું, “તું જઈ શકે છે.” આથી મને બહુ જ આશ્ચર્ય થયું. ત્યાર પછી એક પણ સૈનિક કંઈ પણ બોલ્યું નહિ.—ગીતશાસ્ત્ર ૬૫:૧, ૨.

સંતોષી રહેવાથી મળતા આશીર્વાદો

લડાઈ ૧૯૭૦માં પૂરી થઈ. પછી, મેં સરકીટ કાર્ય ચાલુ રાખ્યું. મંડળોને ઉત્તેજન આપીને મદદ કરવી એક લહાવો હતો. ત્યાર પછી, ૧૯૭૬ સુધી મેં અને ક્રિસ્ટીનાએ સ્પેશિયલ પાયોનિયર તરીકે સેવા આપી. ફરી પાછો મને સરકીટ નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. વર્ષ ૧૯૭૬ની મધ્યમાં, મને ડિસ્ટ્રીક્ટ નિરીક્ષકની સોંપણી આપવામાં આવી. સાત વર્ષ પછી, મને અને મારી પત્નીને નાઇજીરિયાના યહોવાહના સાક્ષીઓની બ્રાન્ચમાં આવવાનું આમંત્રણ મળ્યું. અત્યારે આ અમારું ઘર છે. લડાઈ દરમિયાન મળેલા ભાઈબહેનોને પાછા મળવાનો અને હજુ તેઓ યહોવાહની સેવા કરી રહ્યા છે એ જોઈને બહુ આનંદ થાય છે.

વર્ષો સુધી મારી પત્ની ક્રિસ્ટીનાએ મને ઘણી મદદ કરી. તેની તબિયત ૧૯૭૮થી સારી રહેતી ન હતી. તેમ છતાં તેનું વલણ સુંદર અને મક્કમ હતું. જેના લીધે હું મારી જવાબદારી સારી રીતે ઉપાડી શક્યો. અમે આ શબ્દો અનુભવ્યા છે: “બિમારીના બિછાના પર યહોવાહ તેનો આધાર થશે.”—ગીતશાસ્ત્ર ૪૧:૩.

પરમેશ્વરની સેવાના મારા વર્ષોનું મનન કરવાથી, હું યહોવાહે આપેલા અદ્‍ભુત આશીર્વાદો માટે તેમનો ઘણો આભાર માનું છું. તેમણે જે પૂરું પાડ્યું, એમાંથી મને ખરેખર ઘણી ખુશી મળી છે. મારા ભાઈબહેનો, મારાં બાળકો અને તેઓનું કુટુંબ પણ યહોવાહની સેવા કરી રહ્યું છે એ જોવાથી મને ઘણો આનંદ થાય છે. મારી પત્ની એ એક ઉત્તમ આશીર્વાદ છે. યહોવાહે મારા જીવનમાં ઘણા આશીર્વાદો આપ્યા છે.

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત. હવે આ નાની પુસ્તિકાઓ છાપવામાં આવતી નથી.

[પાન ૨૭ પર બોક્સ]

ટકી રહેવા માટે સમયસરની મદદ

લગભગ ૧૯૬૫માં, ઉત્તર અને પૂર્વ નાઇજીરિયાના વચ્ચે અંદરોઅંદર લડાઈ ફાટી નીકળી. એના લીધે મુશ્કેલીઓ, બંડ, અવ્યવસ્થા અને જાતીય હિંસા ભડકી ઊઠી. એનાથી યહોવાહના સાક્ષીઓ બહુ કપરી પરિસ્થિતિમાં આવી પડ્યા, કેમ કે તેઓ કોઈ પણ પ્રકારની લડાઈમાં ભાગ લેતા ન હતા. લગભગ ૨૦ સાક્ષીઓને મારી નાખવામાં આવ્યા. મોટા ભાગના ભાઈબહેનોને પોતાની બધી જ સંપત્તિ ગુમાવી દીધી.

મે ૩૦, ૧૯૬૭ના રોજ, પૂર્વીય નાઇજીરિયા અલગ પડ્યું અને તેઓએ રિપબ્લિક ઑફ બાયફ્રાની સ્થાપના કરી. લશ્કર બોલાવવામાં આવ્યું અને પૂર્વીય બાયફ્રા પર પૂરેપૂરો પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ લડાઈના લીધે હિંસા ફાટી નીકળી અને ચારે બાજુ લાશોના ઢગલા થવા માંડ્યા.

બાયફ્રામાં યહોવાહના સાક્ષીઓએ લડાઈમાં ભાગ નહિ લીધો હોવાના લીધે, તેઓ કપરી પરિસ્થિતિમાં આવી પડ્યા. છાપાઓએ તેમના વિષે બળતામાં ઘી રેડે એવી ટીકાઓ છાપી, જેથી લોકો તેઓ વિરુદ્ધ થાય. તેમ છતાં, યહોવાહે પોતાના લોકોને આત્મિક ખોરાક આપ્યો. કઈ રીતે?

વર્ષ ૧૯૬૮ની શરૂઆતમાં, એક સરકારી અધિકારીને યુરોપમાં અને બીજાને બાયફ્રાના વિમાનની ઉડાણ-ઉતરાણ પટ્ટી પર કામની સોંપણી થઈ. તેઓ બંને યહોવાહના સાક્ષી હતા. આ બંને ભાઈઓનું કામ એવું હતું કે જે બાયફ્રા અને બીજા દેશને જોડતું હતું. આ બંને સાક્ષીઓએ પોતાના જીવના જોખમે બાયફ્રામાં આત્મિક ખોરાક પહોંચાડ્યો. તેઓએ મુશ્કેલીમાં આવી પડેલા ભાઈઓને ભૌતિક વસ્તુઓ પૂરી પાડીને પણ મદદ કરી. આ બે ભાઈઓ ૧૯૭૦માં આ યુદ્ધનો અંત આવ્યો ત્યાં સુધી આ પ્રમાણેની ગોઠવણ કરી શક્યા. આ બે ભાઈઓમાંના એકે પછીથી કહ્યું: “આવી ગોઠવણ કરવી તો માણસોના મનમાં પણ આવી શકે નહિ.”

[પાન ૨૩ પર ચિત્ર]

૧૯૫૬માં

[પાન ૨૫ પર ચિત્ર]

૧૯૬૫માં અમારા છોકરા, જોએલ અને સેમ્યુએલ સાથે

[પાન ૨૬ પર ચિત્ર]

કુટુંબ તરીકે યહોવાહની સેવા કરવાનો આશીર્વાદ!

[પાન ૨૭ પર ચિત્ર]

હું અને ક્રિસ્ટીના નાઇજીરિયા બ્રાન્ચમાં સેવા આપીએ છીએ