સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચર્ચોને શું થઈ રહ્યું છે?

ચર્ચોને શું થઈ રહ્યું છે?

ચર્ચોને શું થઈ રહ્યું છે?

સ્ટીવન ટીરવોમવે ચર્ચના એક પાદરી છે. વીસ વર્ષ પહેલાં તે યુગાન્ડામાં હતા. ત્યાંની સરકારે ચર્ચની ખૂબ સતાવણી કરી. એટલે સ્ટીવન યુગાન્ડા છોડીને બ્રિટન નાસી છૂટ્યા. આજે તે લીડ્‌સમાં માણસોના ક્લબમાં માંડ માંડ ૧૦ મિનિટનું પ્રવચન આપી શકે છે. શા માટે? લોકો ફક્ત જુગાર રમવામાં જ મસ્ત છે. સ્ટીવન કહે છે: ‘બ્રિટનના લોકો ઈશ્વરમાં માનવાનો દાવો તો કરે છે, પણ ઈસુને પગલે ચાલતા નથી.’

અમેરિકામાં એંગ્લિકન મિશનમાં પણ એવું જ જોવા મળ્યું છે. તેઓની વેબ સાઈટ પર લખેલું છે: ‘અમેરિકામાં સૌથી વધુ અંગ્રેજી બોલતા લોકો રહે છે. પરંતુ, આ ખ્રિસ્તી દેશના મોટા ભાગના લોકોને ન તો ચર્ચમાં રસ છે કે ન તો ધર્મમાં રસ છે. એટલા માટે આ દેશમાં મિશનરિઓની ખૂબ જરૂર છે.’ આ એંગ્લિકન ચર્ચ પોતે ઘણા ફેરફારો કરવા માગતું હતું, પણ સફળ થયું નહિ. પરિણામે, એમાંથી એક નવો પંથ નીકળ્યો. આ પંથે ચર્ચનું જૂનું શિક્ષણ છોડી દઈને, એશિયા અને આફ્રિકાના પાદરીઓ સાથે જોડાઈને ‘અમેરિકામાં મિશનરિ કામ’ શરૂ કર્યું.

પરંતુ, શા માટે આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકામાંથી મિશનરિઓ, અમેરિકા અને યુરોપ જેવા ખ્રિસ્તી દેશોમાં પ્રચાર કરવા માંડ્યા છે?

મિશનરિઓ ખરેખર કોને બચાવવા માગે છે?

છેલ્લા ૪૦૦ વર્ષથી યુરોપના ઘણા રાજાઓએ અનેક દેશો પર કબજો લઈ લીધો હતો. પછી મિશનરિઓ આફ્રિકા, એશિયા, દક્ષિણ અમેરિકા અને પૅસિફિક દેશોમાં પ્રચાર કરવા ગયા. આ મિશનરિઓ ઇચ્છતા હતા કે તેઓ અધર્મી લોકોને ઈસુ ખ્રિસ્ત વિષે શીખવે. અમેરિકાએ પણ મિશનરિઓને બીજા દેશોમાં મોકલવા માંડ્યા. તેઓએ યુરોપના મિશનરિઓ કરતાં વધુ પ્રચાર કર્યો અને તેઓનો ધર્મ આખા જગતમાં ફેલાયો. પરંતુ, હવે જાણે કે બાજી પલટાઈ છે.

એન્ડ્રુ વૉલ્સ એક સંસ્થાના વડા છે. તેમની સંસ્થા એશિયા અને આફ્રિકાના દેશોમાંથી ખ્રિસ્તી ધર્મની પ્રગતિની માહિતી ભેગી કરે છે. તે કહે છે, ‘દુનિયામાં મોટા ભાગના ખ્રિસ્તીઓ હવે બિન-ખ્રિસ્તી દેશોમાં જોવા મળે છે.’ વર્ષ ૧૯૦૦માં, આખી દુનિયામાં ૮૦ ટકા ખ્રિસ્તીઓ તો યુરોપ અને ઉત્તર અમેરિકામાં જ હતા. પરંતુ, આજે દુનિયાના ૬૦ ટકા ખ્રિસ્તીઓ આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકામાં છે. એક છાપાએ રિપોર્ટ આપ્યો કે ‘હવે યુરોપનાં ચર્ચોમાં, મોટા ભાગના પાદરીઓ ભારત કે ફિલિપાઈન્સથી આવે છે. વળી, અમેરિકન કૅથલિક ચર્ચોમાં, છમાંથી એક પાદરી બિન-ખ્રિસ્તી દેશમાંથી આવ્યા છે.’ નેધરલૅન્ડનો જ વિચાર કરો. ત્યાં મોટા ભાગના ઈવેન્જેલિકલ પાદરીઓ ઘાનાથી આવ્યા છે. આ પાદરીઓ કહે છે કે ‘તેઓ ખ્રિસ્તી દેશોમાં મિશનરિ કામ કરે છે કેમ કે લોકોએ ધર્મ છોડી દીધો છે.’ વળી, લોકોને ધર્મ શીખવવા માટે ઘણા ઈવેન્જેલિકલ પાદરીઓ બ્રાઝિલથી બ્રિટન ગયા. એક લેખક કહે છે: ‘મિશનરિઓ બીજા દેશોમાં જવાના બદલે, હવે ખ્રિસ્તી દેશોમાં જ પ્રચાર કરે છે.’

ચર્ચ પર આવી રહેલું તોફાન

આજે યુરોપ અને ઉત્તર અમેરિકા જેવા ખ્રિસ્તી દેશોમાં મિશનરિઓની ખૂબ જરૂર છે. પરંતુ, શા માટે? એક મૅગેઝિન કહે છે, ‘સ્કોટલેન્ડના ખ્રિસ્તીઓમાં ૧૦ ટકાથી ઓછા ખ્રિસ્તીઓ નિયમિત ચર્ચમાં જાય છે.’ વળી, ફ્રાંસ અને જર્મનીમાં તો માંડ માંડ ૫ ટકા ખ્રિસ્તીઓ ચર્ચમાં જાય છે. અમેરિકા અને કૅનેડામાં એક સર્વેના રિપોર્ટ પ્રમાણે, ‘અમેરિકામાં લગભગ ૪૦ ટકા અને કૅનેડામાં આશરે ૨૦ ટકા લોકો ખ્રિસ્તીઓ દાવો કરે છે કે તેઓ હંમેશાં ચર્ચમાં જાય છે.’ પરંતુ, ફિલિપાઈન્સમાં આશરે ૭૦ ટકા લોકો ચર્ચમાં જાય છે. તેમ જ બીજા બિન-ખ્રિસ્તી દેશોમાં પણ વધુ લોકો હવે ચર્ચમાં જવા મંડ્યા છે.

વળી, એક બાબત ખૂબ મહત્ત્વની છે. જો આપણે પૃથ્વીને બે ભાગમાં વહેંચી દઈએ, તો નીચેના ભાગના ખ્રિસ્તીઓ વધારે ધર્મચુસ્ત હોય છે. દાખલા તરીકે, પૃથ્વીના ઉપરના ભાગમાં અમેરિકા અને યુરોપ આવી જાય છે. કૅથલિક લોકોનો સર્વે બતાવે છે કે ત્યાંના ચર્ચમાં જનારા ખ્રિસ્તીઓ, પાદરીઓ પર ભરોસો મૂકવા તૈયાર નથી. વળી, તેઓ ચર્ચના શિક્ષણને બદલવા માગે છે, જેથી સ્ત્રીઓ પણ પાદરી બની શકે અને ચર્ચમાં તેઓને વધારે હક્ક મળે. પરંતુ, પૃથ્વીના નીચેના ભાગના ખ્રિસ્તીઓ એવું કંઈ વિચારતા નથી. તેઓ ચર્ચનાં મૂળ શિક્ષણને વળગી રહે છે. હકીકત એ છે કે આજે મોટા ભાગના ખ્રિસ્તીઓ, પૃથ્વીના નીચલા ભાગના દેશોમાંથી આવે છે. તેથી, નજીકના ભાવિમાં દુનિયાના બે ખ્રિસ્તી ભાગો વચ્ચે ઝઘડો થવાનો છે. એના વિષે ધર્મ અને ઇતિહાસના પ્રોફેસર ફિલિપ જેન્કીન્સ કહે છે: ‘દસ કે વીસ વર્ષની અંદર પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ભાગના ખ્રિસ્તીઓ વચ્ચે મોટી દીવાલ ઊભી થઈ જશે. બંને પક્ષના ખ્રિસ્તીઓ એકબીજા પર આરોપ મૂકતા કહેશે કે સામે પક્ષના ખરેખર ખ્રિસ્તીઓ નથી.’

આ બધું જોઈને એન્ડ્રુ વાલ્સ પૂછે છે: ‘શું આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકાના ખ્રિસ્તીઓ ઉત્તર અમેરિકા અને યુરોપના ખ્રિસ્તીઓ સાથે સહમત થશે? વળી, શું તેઓ એક જ ધર્મ તરીકે ભક્તિ કરી શકશે?’ તમને શું લાગે છે? આજના ખ્રિસ્તીઓમાં ભાગલા પડ્યા હોવાથી, શું તેઓ ટકી રહી શકશે? હવે પછીનો લેખ બાઇબલમાંથી એ પ્રશ્નોના જવાબ આપશે. વળી, એ સાબિતી આપશે કે આજે આખા જગતમાં એક ધર્મ છે જેમાં સર્વ ભક્તો એકમતે ઈશ્વરને ભજે છે.

[પાન ૪ પર ચિત્ર]

પહેલાંનું ચર્ચ હવે સંગીતની હૉટેલ

[ક્રેડીટ લાઈન]

AP Photo/Nancy Palmieri