પરમેશ્વરના સેવકો કઈ રીતે વૃક્ષ જેવા છે?
પરમેશ્વરના સેવકો કઈ રીતે વૃક્ષ જેવા છે?
આપણે બાઇબલ વાંચીને એના સિદ્ધાંતોને જીવનમાં લાગુ પાડીએ છીએ, ત્યારે દિલમાં આનંદ થાય છે. એ વિષે ગીતશાસ્ત્રમાં એક કવિએ કહ્યું છે: “તે નદીની પાસે રોપાએલા ઝાડના જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેનાં પાંદડાં કદી પણ ચીમળાતાં નથી; વળી જે કંઇ તે કરે છે તે સફળ થાય છે.” (ગીતશાસ્ત્ર ૧:૧-૩) સવાલ એ છે કે બાઇબલ વાંચનને ઝાડ સાથે શું સંબંધ છે?
વૃક્ષો વર્ષો સુધી જીવે છે. દાખલા તરીકે, ભૂમધ્ય પ્રદેશમાં જૈતુન વૃક્ષો છે જે એકથી બે હજાર વર્ષ જૂનાં છે. એવી જ રીતે મધ્ય આફ્રિકામાં બોઓબાબ અને કેલિફોર્નિયામાં બ્રીસ્ટલકૉન પાઇન વૃક્ષો છે, જે ૪,૬૦૦ વર્ષોથી પણ વધારે જૂનાં છે. જંગલમાં મોટા મોટા વૃક્ષો હોવાથી આજુબાજુનાં બીજાં ઝાડને પણ છાંયો મળે છે. જેમ કે ઊંચા વૃક્ષો નાના ઝાડને છાંયડો આપે છે. તેમ જ એના પાંદડાઓ ખરીને ખાતર બને છે.
મોટા ભાગે દુનિયાના સૌથી ઊંચા વૃક્ષો જંગલમાં જોવા મળે છે. એનું કારણ છે કે એ બધા વૃક્ષો એકબીજાને ટેકો આપે છે. તેમ જ તેનાં મૂળિયાં એકબીજા સાથે ગૂંથાઈ જાય છે. એ કારણથી હવાનું તોફાન કે વાવાઝોડામાં પણ સહેલાઈથી ટકી શકે છે, જ્યારે કે એકલા-અટુલા ઝાડ સહેલાઈથી પડી જાય છે. વળી, જંગલમાં બધા ઝાડના ઘણા મૂળિયાં હોવાથી પૂરતું પાણી અને વૃક્ષ માટે જમીનમાંથી પૂરતો ખોરાક પણ મળી રહે છે. અમુક કિસ્સામાં ઝાડ જેટલું ઊંચું હોય એટલા એના મૂળિયાં ઊંડાં હોય છે. અથવા એની ડાળીઓ જેટલા વિસ્તારમાં ફેલાએલી છે એના કરતાં પણ એના મૂળિયાં જમીનમાં દૂર દૂર ફેલાયેલા હોય છે.
એ કારણથી પ્રેષિત પાઊલ જ્યારે પહેલી સદીમાં ખ્રિસ્તીઓને લખતા હતા, ત્યારે તેમણે આમ લખ્યું: “તેમની [ખ્રિસ્તની] સાથે એકતામાં રહો. તેમનામાં તમારાં મૂળ ઊંડા નાખો, તેમની પર તમારા જીવનનું બાંધકામ કરો અને તમને શીખવવામાં આવ્યું હોય તે પ્રમાણે તમારા વિશ્વાસમાં બળવાન થાઓ.” (કોલોસી ૨:૬, ૭; પ્રેમસંદેશ) ખરેખર જો આપણાં મૂળિયાં ખ્રિસ્તમાં હોય તો આપણે વિશ્વાસમાં અડગ બનીશું.—૧ પીતર ૨:૨૧.
બીજી કઈ રીતે ઈશ્વરનો સેવક ઝાડ જેવો બની શકે? જેમ બગીચામાં રોપેલા ઝાડને એકબીજાથી ટેકો મળતો હોય છે, એ જ રીતે જો આપણે ખ્રિસ્તી મંડળ સાથે બધી જ રીતે સમય પસાર કરીશું, તો સત્યમાં દૃઢ છે તેઓ પાસેથી પુષ્કળ ઉત્તેજન મેળવીશું. (ગલાતી ૬:૨) આપણે કહી શકીએ કે જેઓ સત્યમાં દૃઢ છે તેઓનાં મૂળિયાં ઊંડે સુધી ફેલાયેલા છે. તેથી નવાઓને વાવાઝોડા જેવા તોફાન કે સતાવણીમાં ટકી રહેવા મદદ કરે છે. (રૂમી ૧:૧૧, ૧૨) આમ જેઓ સત્યમાં નવા છે, તેઓને અનુભવી ભાઈબહેનો પાસેથી ‘છાંયડો’ મળે છે. (રૂમી ૧૫:૧) આ રીતે “ધાર્મિકતાનાં વૃક્ષ” એટલે કે યહોવાહના અભિષિક્ત સેવકો પાસેથી, સર્વ યહોવાહના સેવકોને વિશ્વાસમાં દૃઢ રહેવા ઈશ્વરનું જ્ઞાન મળે છે.—યશાયાહ ૬૧:૩.
એ કેટલું રોમાંચ ભર્યું છે કે યહોવાહની નવી દુનિયામાં તેમના બધા જ ભક્તો યશાયાહ ૬૫:૨૨ના શબ્દો અનુભવશે: “ઝાડના આયુષ્ય જેટલું મારા લોકોનું આયુષ્ય થશે.”
[પાન ૨૮ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Godo-Foto