સાચો ખ્રિસ્તી ધર્મ ફૂલે-ફાલે છે!
સાચો ખ્રિસ્તી ધર્મ ફૂલે-ફાલે છે!
પ્રથમ સદીમાં ઈસુએ પૃથ્વી પર ઈશ્વરનો પ્રચાર કર્યો. ઈસુનાં શિક્ષણે લોકો પર ઊંડી અસર કરી. વધુમાં, ઈસુના સંદેશાએ લોકોના જીવન પર પ્રકાશ ફેંક્યો અને તેઓને ખૂબ ઉત્તેજન આપ્યું. ઈસુના શબ્દો ખરેખર તેઓના દિલ સુધી પહોંચ્યા.—માત્થી ૭:૨૮, ૨૯.
ઈસુના દિવસમાં ઘણા ધર્મગુરુઓ લોકો પર બહુ બોજો નાખતા હતા. વળી, ઘણા નેતાઓ લોકો પર જુલમ કરતા હતા. પરંતુ, ઈસુ એવા ન હતા. તે બહુ જ નમ્ર રહ્યા. આથી, સર્વ લોકો તેમને મળવામાં અચકાતા ન હતા. (માત્થી ૧૧:૨૫-૩૦) ઈસુએ જાહેરમાં જણાવ્યું કે આખું જગત દુષ્ટ દૂતોના હાથમાં છે. પરંતુ, ઈશ્વરની શક્તિથી ઈસુએ બતાવી આપ્યું કે પોતે તેઓને હરાવી શકે છે. (માત્થી ૪:૨-૧૧, ૨૪; યોહાન ૧૪:૩૦) ઈસુએ એ પણ સમજાવ્યું કે લોકો કઈ રીતે પાપના લીધે દુઃખ ભોગવે છે. વળી, તેમણે એ પણ સમજાવ્યું કે ફક્ત ઈશ્વરનું રાજ્ય હંમેશ માટે સુખ લઈ આવશે. (માર્ક ૨:૧-૧૨; લુક ૧૧:૨, ૧૭-૨૩) ઈસુએ બતાવ્યું કે તેમના પિતા ખરેખર કેવા છે. વળી, તેમણે પરમેશ્વરનું નામ જાહેર કર્યું, જેથી સર્વ લોકો તેમને સારી રીતે ઓળખી શકે.—યોહાન ૧૭:૬, ૨૬.
આવું સત્ય શીખીને ઈસુના શિષ્યો જોશીલા પ્રચારકો બન્યા. ભલે ધર્મગુરુઓ અને નેતાઓએ તેમની આકરી સતાવણી કરી, પણ કોઈ તેઓને રોકી શક્યું નહિ. તેથી, ૩૦ વર્ષની અંદર આફ્રિકા, એશિયા અને યુરોપમાં અનેક ઉત્સાહી મંડળો શરૂ થયાં. (કોલોસી ૧:૨૩) આખા રૂમી સામ્રાજ્યમાં ઈસુએ શીખવેલું સત્ય લોકોના હૃદયને સ્પર્શી ગયું.—એફેસી ૧:૧૭, ૧૮.
પરંતુ, પ્રથમ સદીના ખ્રિસ્તીઓ અનેક દેશોમાંથી આવ્યા હતા. તેથી, તેઓ અનેક રિવાજો પાળતા અને અનેક ભાષા બોલતા હતા. વળી, અમુક અમીર હતા, તો બીજા ગરીબ. તો તેઓ સર્વે કઈ રીતે “એક વિશ્વાસ” કે એક જ ધર્મ પાળી શક્યા? (એફેસી ૪:૫) પંથો શરૂ કરવાના બદલે તેઓ કઈ રીતે “સર્વે એક સરખી વાત” કરી શક્યા? (૧ કોરીંથી ૧:૧૦) આના જવાબ મેળવવા માટે આપણે ઈસુનું શિક્ષણ તપાસવું પડશે. પછી આપણને ખબર પડશે કે શા માટે ચર્ચોની હાલત ખરાબ છે. વળી, આપણે એ પણ જાણી શકીશું કે શા માટે સાચા ખ્રિસ્તીઓ એકતામાં ઈશ્વરની ભક્તિ કરી શકે છે.
ખ્રિસ્તીઓ કઈ રીતે એકમતે ભક્તિ કરી શકે છે?
ઈસુ પીલાત આગળ હતા ત્યારે તેમણે તેને સમજાવ્યું કે સાચો ખ્રિસ્તી ધર્મ હંમેશાં એકમતે ઈશ્વરની ભક્તિ કરશે. પરંતુ કઈ રીતે? ઈસુએ કહ્યું: “એજ માટે હું જનમ્યો છું, અને એજ માટે હું જગતમાં આવ્યો છું, કે સત્ય વિષે હું સાક્ષી આપું; જે સત્યનો છે, તે દરેક મારી વાણી સાંભળે છે.” (યોહાન ૧૮:૩૭) હા, ઈસુ કહેતા હતા કે જો ખ્રિસ્તીઓ તેમના શિક્ષણ અને બાઇબલને વળગી રહેશે, તો તેઓ બધા એકમતે સાચો ધર્મ પાળશે.—૧ કોરીંથી ૪:૬; ૨ તીમોથી ૩:૧૬, ૧૭.
તો પછી, ઈસુના શિષ્યો વચ્ચે મતભેદ ઊભા થયા ત્યારે તેઓ શું કર્યું? વળી, ભક્તિ વિષે કોઈ પ્રશ્ન ઊભા થયા ત્યારે તેઓ ક્યાંથી જવાબ મેળવી શક્યા? ઈસુએ કહ્યું: “સત્યનો આત્મા, તે જ્યારે આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમકે તે પોતાના તરફથી બોલશે નહિ; પણ જે કંઈ તે સાંભળશે તેજ તે બોલશે; અને જે જે થનાર છે તે તમને કહી દેખાડશે.” (યોહાન ૧૬:૧૨, ૧૩) આ કલમ બતાવે છે તેમ ઈશ્વર પોતાના આત્મા કે માર્ગદર્શનથી ખ્રિસ્તીઓને સત્ય સમજાવશે. તેમ જ તેમના આત્માથી સાચા ખ્રિસ્તીઓ પ્રેમ, આનંદ અને શાંતિ જેવા ગુણો બતાવીને એકમતે ભક્તિ કરી શકશે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮; ગલાતી ૫:૨૨, ૨૩.
ઈસુ ઇચ્છતા ન હતા કે ખ્રિસ્તી ધર્મમાં ભાગલા પડે. તેમ જ તેમણે કોઈ પણ વ્યક્તિને એવું કહ્યું નહિ, કે તેઓ પોતાની મરજી પ્રમાણે પવિત્ર શાસ્ત્રને બદલી શકે અને પછી એ શીખવે. તેથી, તેમના જીવનની છેલ્લી રાતે ઈસુએ શિષ્યો સાથે પ્રાર્થના કરી. એમાં તેમણે કહ્યું: “વળી હું એકલા તેઓને સારૂ નહિ, પણ તેઓનાં વચન દ્વારા જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓને સારૂ પણ વિનંતી કરૂં છું, કે તેઓ બધા એક થાય; હે બાપ, જેમ તું મારામાં અને હું તારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય, કે તેં મને મોકલ્યો છે, એવો જગત વિશ્વાસ કરે.” (યોહાન ૧૭:૨૦, ૨૧) ઈસુના શિષ્યોથી શરૂ થઈને સાચા ખ્રિસ્તીઓએ આત્મા અને સત્યતાથી ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ. તો જ તેઓ એકતા અનુભવશે. (યોહાન ૪:૨૩, ૨૪) પરંતુ, આજે ચર્ચમાં એકમતે ઈશ્વરની ભક્તિ થતી નથી. શા માટે ચર્ચમાં ભાગલા પડ્યા છે?
ચર્ચોમાં શા માટે ભાગલા પડ્યા છે?
આજે કહેવાતા ખ્રિસ્તીઓ ઈસુનાં શિક્ષણને વળગી રહ્યા નથી. એટલા માટે ચર્ચમાં ફાટફૂટ પડીને અનેક પંથો નીકળ્યા છે. એક લેખકે કહ્યું: ‘પહેલાની જેમ જ આજે પણ ખ્રિસ્તીઓ મન ફાવે તેવા બાઇબલ શિક્ષણો પાળે છે. પણ બાઇબલમાંથી જે પોતાને ન ગમે એ એક બાજુએ મૂકી દે છે.’ ઈસુ અને તેમના શિષ્યોએ પહેલેથી જ કહ્યું હતું કે આવું કરનારા લોકો પણ હશે.
દાખલા તરીકે, ઈશ્વરની પ્રેરણાથી પ્રેષિત પાઊલે તીમોથીને લખ્યું: “એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહિ; પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને સારૂ ભેગા કરશે; તેઓ સત્ય તરફ આડા કાન કરશે, અને કલ્પિત વાતો તરફ ફરશે.” તો શું એનો અર્થ એ છે કે સર્વ ખ્રિસ્તીઓ ઈસુનું શિક્ષણ છોડી દેશે? ના, પાઊલે આગળ કહ્યું: “તું સર્વ બાબતોમાં સાવધ રહે, દુઃખ સહન કર, સુવાર્તિકનું કામ કર, તારૂં સેવાકાર્ય પૂર્ણ કર.” (૨ તીમોથી ૪:૩-૫; લુક ૨૧:૮; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦; ૨ પીતર ૨:૧-૩) તીમોથી અને અમુક ખ્રિસ્તીઓએ પાઊલની સલાહ પાળી અને સત્યના માર્ગ પર ચાલતા રહ્યા.
સાચા ખ્રિસ્તીઓ એકમતે ભક્તિ કરે છે
તીમોથીની જેમ, આજે સાચા ખ્રિસ્તીઓ માનવ ફિલસૂફીથી દૂર રહે છે. તેઓ ફક્ત બાઇબલમાં જે લખેલું છે, એ જ માને છે. (કોલોસી ૨:૮; ૧ યોહાન ૪:૧) પ્રથમ સદીના ખ્રિસ્તીઓની જેમ, આજે યહોવાહના સાક્ષીઓ ૨૩૦થી વધુ દેશોમાં ઈસુનો સંદેશો અને રાજ્ય વિષે ખુશખબરી જણાવે છે. ભલે આ સાક્ષીઓ અનેક દેશોમાં રહે છે, તેઓ સર્વ એક જ ધર્મ પાળે છે. ચાલો આપણે જોઈએ કે કઈ રીતે તેઓ ઈસુના પગલે ચાલીને એકમતે ઈશ્વરને ભજે છે.
સાક્ષીઓ ફક્ત બાઇબલનાં શિક્ષણને જ વળગી રહે છે. (યોહાન ૧૭:૧૭) બેલ્જિયમમાં એક ચર્ચના પાદરીએ યહોવાહના સાક્ષીઓ વિષે આમ લખ્યું: “આપણે તેઓ [યહોવાહના સાક્ષીઓ] પાસેથી એક વસ્તુ શીખવા જેવી છે, કે બાઇબલ શું શીખવે છે એ જાણવા તેઓ આતુર છે અને હિંમતથી એનો પ્રચાર પણ કરે છે.”
સાક્ષીઓ ઈશ્વરના રાજ્ય પર ભરોસો મૂકે છે કેમ કે ફક્ત એ જ સુખ લાવશે. (લુક ૮:૧) કોલંબિયામાં એન્ટોનીઓ એક રાજકીય પાર્ટીને ખૂબ ટેકો આપતો હતો. એક દિવસે એક સાક્ષીએ એન્ટોનીઓ સાથે વાત કરી. વાત-વાતમાં આ સાક્ષીએ કોઈ પાર્ટીનો પક્ષ ન લીધો. તેમ જ તે બીજી કોઈ રાજકીય ફિલસૂફી વિષે વાત ન કરી. એના બદલે તેણે એન્ટોનીઓ અને તેની બહેનો સાથે મફત બાઇબલ અભ્યાસ કરવાની ઑફર કરી. થોડા સમયમાં એન્ટોનીઓને ખબર પડી કે ઈશ્વરનું રાજ્ય ફક્ત કોલંબિયાના ગરીબોને જ નહિ, પણ સર્વ લોકોને આશા આપે છે.
સાક્ષીઓ ઈશ્વરનું નામ મોટું મનાવે છે. (માત્થી ૬:૯) મારિયા ઓસ્ટ્રેલિયામાં રહે છે અને તે પહેલા એક ચુસ્ત કૅથલિક હતી. જ્યારે મારિયાએ પહેલી વાર સાક્ષીઓ સાથે વાત કરી, ત્યારે તેઓએ તેને બાઇબલમાંથી ઈશ્વરનું નામ બતાવ્યું. મારિયા કહે છે: ‘મેં પહેલી વાર બાઇબલમાં ઈશ્વરનું નામ જોયું, ત્યારે હું રડી પડી. મેં કદી વિચાર્યું જ ન હતું કે હું ઈશ્વરનું નામ જાણીશ કે તેમને સારી રીતે ઓળખી શકીશ.’ મારિયાએ તરત જ બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. હવે તેણે યહોવાહ સાથે પોતાના ખાસ મિત્ર તરીકે દોસ્તી બાંધી છે.
સાક્ષીઓમાં પ્રેમથી બંધાયેલા છે. (યોહાન ૧૩:૩૪, ૩૫) કૅનેડાના ધ લેડીસ્મીથ શેમાનસ ક્રોનિકલ છાપામાં એક લેખકે કહ્યું: ‘ભલે તમે ધાર્મિક હોવ કે નહિ, તમારે સાક્ષીઓનો આ ચમત્કાર તો જોવો જ રહ્યો. કેસાડી ગામમાં ૨,૩૦૦ ચોરસ મીટરનો હૉલ બાંધવા માટે, છેલ્લા ૧૦ દિવસમાં ૪,૫૦૦ યહોવાહના સાક્ષીઓ રાત-દિવસ મહેનત કરી. તેઓ બધાએ ખુશીથી અને હળીમળીને કામ કર્યું. તેઓમાં કોઈ અંદરોઅંદર ઝઘડા થયા નહિ. વળી, કોઈ પણ વ્યક્તિ પોતાનું નામ ઊંચું મનાવતા ન હતા. આ લોકો ખરેખર ખ્રિસ્તીઓ છે.’
તમે પોતે વિચાર કરો: આજે ચર્ચમાં પાદરીઓ, પ્રોફેસરો અને મિશનરિઓ એકબીજા સાથે ઝઘડા કરે છે. વળી, ચર્ચમાં જનારાઓ પણ ચર્ચને પોતાના વિચારો પ્રમાણે આમ-તેમ ખેંચાખેંચ કરે છે. પરંતુ, આખા જગતમાં એક જ સાચો ખ્રિસ્તી ધર્મ છે, જે રાત-દિવસ વધતો જ જાય છે. આ ધર્મમાં સર્વ ભક્તો પ્રચાર કરે છે અને લોકોને બાઇબલ વિષે શીખવે છે. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) શું તમને ચર્ચની પડતી જોઈને ચિંતા થાય છે? શું તમે આ દુનિયાના ‘સર્વ ધિક્કારપાત્ર કૃત્યોને લીધે નિસાસા નાખો’ છો? જો એમ હોય, તો યહોવાહના સાક્ષીઓ સાથે વાત કરો. પછી તમે પણ એક સાચા ખ્રિસ્તી ધર્મમાં જોડાઈ શકશો અને સર્વ સાક્ષી સાથે એકમતે ઈશ્વરની ભક્તિ કરી શકશો.—હઝકીએલ ૯:૪; યશાયાહ ૨:૨-૪.