સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુનું છેલ્લું ભોજન—કેવી રીતે ઉજવવું?

ઈસુનું છેલ્લું ભોજન—કેવી રીતે ઉજવવું?

ઈસુનું છેલ્લું ભોજન—કેવી રીતે ઉજવવું?

એ યાદગાર પ્રસંગ વિષે પ્રેષિત પાઊલે લખ્યું: “પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું, એટલે, જે રાતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યો, તે રાતે તેણે રોટલી લીધી; અને સ્તુતિ કરીને ભાંગી, અને કહ્યું, કે એ મારૂં શરીર છે, એને તમારે સારૂ ભાંગવામાં આવ્યું છે; મારી યાદગીરીને સારૂ એ કરો. એજ પ્રમાણે ભોજન કર્યા પછી, તેણે પ્યાલો લીધો, અને કહ્યું, કે આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે; તમે જેટલી વાર એમાંનું પીઓ છો, તેટલી વાર મારી યાદગીરીને સારૂ તે કરો. કેમકે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો, અને પ્યાલો પીઓ છો, તેટલી વાર તમે પ્રભુના આવતાં સુધી તેનું મરણ પ્રગટ કરો છો.”—૧ કોરીંથી ૧૧:૨૩-૨૬.

પાઊલે જણાવ્યું તેમ ‘જે રાતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યો,’ એ જ રાતે ઈસુએ પ્રભુભોજનની શરૂઆત કરી. યહુદા ઈસકારીઓત, ઈસુને દગો દેવા યહુદી ધર્મગુરુઓ પાસે દોડી ગયો. યહુદી ધર્મગુરુઓએ રોમનોને દબાણ કરીને ઈસુને વધસ્તંભ પર મારી નંખાવ્યા. માર્ચ ૩૧, ૩૩ની સાલ, ગુરૂવારે સાંજે ઈસુએ એ ભોજનની શરૂઆત કરી. એપ્રિલ ૧, શુક્રવાર બપોરે ઈસુ વધસ્તંભ પર મરણ પામ્યા. યહુદી કેલેન્ડર પ્રમાણે તેઓનો દિવસ એક સાંજથી બીજી સાંજ ગણાતો હતો. તેથી પ્રભુનું સાંજનું ભોજન અને ઈસુ ખ્રિસ્તનું મરણ બંને એક જ દિવસે એટલે કે નીસાન ૧૪, ૩૩ની સાલમાં થયું.

ઈસુના મરણની ‘યાદગીરીમાં’ તેમના શિષ્યોએ રોટલી ખાવાની હતી અને વાઇન પીવાનો હતો. એના વિષે બાઇબલ ભાષાંતર કહે છે: “મારી યાદગીરીને માટે એ કરો.” (૧ કોરીંથી ૧૧:૨૪, પ્રેમસંદેશ) આ પ્રભુભોજનને મેમોરિયલ કે ખ્રિસ્તના મરણની યાદગીરી પણ કહેવાય છે.

આપણે કેમ એ પ્રસંગ ઉજવવો જોઈએ?

ઈસુના મરણનો અર્થ સમજવાથી આપણને જવાબ મળશે. ખ્રિસ્તે મરણ સુધી દરેક રીતે વિશ્વાસુ રહીને બતાવી આપ્યું, કે ફક્ત યહોવાહ જ સૃષ્ટિના રાજા છે. શેતાને આરોપ મૂક્યો કે આપણે સ્વાર્થને કારણે જ યહોવાહને ભજીએ છીએ. ઈસુએ પોતાનો જીવ આપીને, શેતાનને જૂઠો ઠરાવ્યો. (અયૂબ ૨:૧-૫; નીતિવચનો ૨૭:૧૧) તેમ જ, ઈસુએ “ઘણા લોકોના ઉદ્ધારની કિંમત તરીકે પોતાનું” સંપૂર્ણ જીવન આપ્યું. (માથ્થી ૨૦:૨૮, પ્રેમસંદેશ) પરંતુ, શા માટે? આદમે યહોવાહના રાજ કરવાના હક્ક સામે અવાજ ઉઠાવ્યો અને તે પાપી બન્યો, તેણે સદા માટે જીવવાનો હક્ક ગુમાવ્યો. પરંતુ “દેવે જગત [મનુષ્યો] પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.” (યોહાન ૩:૧૬) ખરેખર, “પાપનું વેતન મરણ છે, પરંતુ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર તરફથી મળતું કૃપાદાન અનંતજીવન છે.”—રોમન ૬:૨૩, IBSI.

ઈસુ ખ્રિસ્તનું મરણ બે મહાન રીતે પ્રેમ બતાવે છે: એક તો યહોવાહનો મહાન પ્રેમ કે તેમણે મનુષ્યો માટે પોતાના વહાલા દીકરાનું બલિદાન આપ્યું. બીજું કે ઈસુએ આપણા માટે પોતાનું જીવન આપી દીધું. મેમોરિયલ આ બે મહાન પ્રેમને રોશન કરે છે. આપણને આ પ્રેમ બતાવવામાં આવ્યો હોવાથી, શું આપણે એની કદર કરવી ન જોઈએ? ચોક્કસ. આપણે મેમોરિયલમાં જઈને એક રીતે આપણી કદર બતાવી શકીએ.

રોટલી અને વાઇનનો શું અર્થ થાય?

એ પ્રસંગની શરૂઆત કરવા ઈસુએ રોટલી અને પ્યાલામાં લાલ વાઇનનો ઉપયોગ કર્યો હતો. ઈસુએ રોટલી લઈ અને “સ્તુતિ કરીને ભાંગી, અને કહ્યું, કે એ [રોટલી] મારૂં શરીર છે, એને તમારે સારૂ ભાંગવામાં આવ્યું છે.” (૧ કોરીંથી ૧૧:૨૪) આ રોટલીમાં કશું જ ઉમેરવામાં આવતું નહિ. પણ ફક્ત પાણી અને લોટની હોવાથી, પાપડ જેવી સૂકી અને કડક બનતી હતી એટલે એને ખાવા માટે તોડવી પડતી. (માત્થી ૧૬:૧૧, ૧૨; ૧ કોરીંથી ૫:૬, ૭) ઈસુ સંપૂર્ણ હતા. તેથી, કોઈ પણ પાપ વિનાના, ઈસુના શરીરનું બલિદાન આપણા ઉદ્ધારની કિંમત તરીકે આપવામાં આવ્યું. (૧ યોહાન ૨:૧, ૨) ઈસુનું શરીર શુદ્ધ હતું. તેથી આ રોટલી પણ શુદ્ધ હોય!

ઈસુએ પ્યાલામાંના શુદ્ધ લાલ વાઇન પર આશીર્વાદ માંગ્યો અને કહ્યું: “આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે.” (૧ કોરીંથી ૧૧:૨૫) એ ગ્લાસમાંનો લાલ વાઇન ઈસુના લોહીને રજૂ કરતો હતો. જેમ ઈસવી સન પૂર્વે ૧૫૧૩માં યહોવાહ અને ઈસ્રાએલ પ્રજા વચ્ચેનો નિયમ કરાર બળદ અને બકરાંના લોહીથી માન્ય થયો હતો. એ જ પ્રમાણે ઈસુના લોહીથી નવો કરાર માન્ય થયો.

કોણ એમાં ભાગ લે છે?

મેમોરિયલમાં કોણ વાઇન પીશે અને રોટલી ખાશે? એ જાણવા માટે આપણે નવા કરારની સારી સમજણ મેળવવી જોઈએ. બાઇબલમાં “યહોવાહ કહે છે, કે જુઓ, એવો સમય આવે છે કે જે સમયે હું ઈસ્રાએલના વંશજોની સાથે તથા યહુદાહના વંશજોની સાથે નવો કરાર કરીશ; . . . હું મારો નિયમ તેઓનાં હૃદયમાં મૂકીશ, તેઓના હૃદયપટ પર તે લખીશ; હું તેઓનો દેવ થઈશ, ને તેઓ મારા લોક થશે. . . . હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ, ને તેઓનાં પાપોનું સ્મરણ ફરી કરીશ નહિ.”—યિર્મેયાહ ૩૧:૩૧-૩૪.

આ નવા કરારથી યહોવાહ પરમેશ્વર સાથે ખાસ સંબંધ શક્ય બને છે. આ કરારથી અમુક લોકો તેમની સાથે ખાસ સંબંધમાં આવે છે. યહોવાહનો નિયમ તેઓના દિલ પર લખાયેલો છે. આ ખાસ સંબંધમાં આવવા માટે તેઓ યહુદી જ હોય એવું જરૂરી ન હતું. બીજા પણ યહોવાહ સાથે આ નવા કરારમાં આવી શકે. (રૂમી ૨:૨૯) બાઇબલના એક લેખક લુક જણાવે છે: ‘દેવે વિદેશીઓમાંથી પોતાના નામની ખાતર એક પ્રજાને પસંદ કરી લેવાને તેઓની મુલાકાત લીધી.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧૪) તેઓ ‘પહેલાં પ્રજા જ નહોતા, પણ હાલ દેવની પ્રજા છે.’ (૧ પીતર ૨:૧૦) બાઇબલમાં તેઓને ‘દેવનું ઈસ્રાએલ’ કહે છે. (ગલાતી ૬:૧૬; ૨ કોરીંથી ૧:૨૧) તેથી, આ નવો કરાર યહોવાહ પરમેશ્વર અને આત્મિક કે નવા ઈસ્રાએલ વચ્ચે છે.

છેલ્લી રાતે, ઈસુએ પણ પોતાના શિષ્યો સાથે એક કરાર કર્યો હતો. તેમણે જણાવ્યું: “જેમ મારા બાપે મને રાજ્ય ઠરાવી આપ્યું છે, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું.” (લુક ૨૨:૨૯) આ રાજ્યનો કરાર હતો. આ રાજ્ય કરારમાં ૧,૪૪,૦૦૦ મનુષ્યો ભાગ લે છે. તેઓ મરણ પામે ત્યારે, તેઓને સ્વર્ગમાં જાય છે. તેઓ ઈસુ સાથે રાજાઓ અને યાજકો તરીકે રાજ કરશે. (પ્રકટીકરણ ૫:૯, ૧૦; ૧૪:૧-૪) આમ, જેઓ યહોવાહ પરમેશ્વર સાથે નવા કરારમાં છે, તેઓ ઈસુ સાથે પણ રાજ્ય કરારમાં છે. ફક્ત તેઓ જ મેમોરિયલમાં રોટલી ખાય શકે અને વાઇન પી શકે છે.

પરંતુ, તેઓને કઈ રીતે ખબર પડે કે પોતે યહોવાહ સાથે આ ખાસ સંબંધમાં છે અને પોતે ઈસુ સાથે રાજ કરશે? પાઊલ સમજાવે છે: “આપણા આત્માની [મનની સમજણ] સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે દેવનાં છોકરાં છીએ; હવે જો છોકરાં છીએ, તો વારસ પણ છીએ; એટલે દેવના વારસ છીએ, અને ખ્રિસ્તની સંઘાતે વારસાના ભાગીદાર છીએ; તેની સાથે મહિમા પામવાને સારૂ જો આપણે તેની સાથે દુઃખ સહન કરીએ તો.”—રૂમીઓને પત્ર ૮:૧૬, ૧૭.

યહોવાહ પોતાના પવિત્ર આત્મા કે શક્તિ દ્વારા જેઓ ઈસુ સાથે રાજ કરશે તેઓને પસંદ કરે છે. આ રીતે તેઓને ખાતરી થાય છે કે તે પોતે રાજ્યના વારસો છે. તેઓમાં ઈસુ સાથે સ્વર્ગમાંથી રાજ કરવાની હોંશ જાગે છે. તેથી, બાઇબલમાં સ્વર્ગમાંના જીવન વિષે જે કહેવામાં આવે છે, તે તેઓ પોતાને લાગુ પાડે છે. વળી, તેઓ પૃથ્વી પરના જીવન અને સગા-સંબંધીઓને છોડવા તૈયાર હોય છે. તેઓ જાણે છે કે પૃથ્વી, ઈશ્વરના રાજમાં સુંદર બનશે. તેમ છતાં તેઓની આશા નથી કે તેઓ પૃથ્વી પર જીવે. (લુક ૨૩:૪૩) આ કોઈ ખોટી માન્યતા નથી પણ યહોવાહની પવિત્ર શક્તિની અસર છે. તેથી તેઓ દિલોજાનથી સ્વર્ગની આશા રાખે છે, એટલે મેમોરિયલમાં ફક્ત તેઓ જ રોટલી ખાય છે અને વાઇન પીએ છે.

જો એમ બને કે કોઈને એવી ખાતરી ન હોય કે પોતે નવા કરાર અને રાજ્ય કરારમાં છે કે નહિ. વળી, તેને યહોવાહના આત્મા કે શક્તિથી એવી કોઈ અસર પણ ન થઈ હોય કે તે ખ્રિસ્ત સાથે રાજ કરશે, તો શું? જો તે મેમોરિયલની રોટલી ખાય અને વાઇન પીએ તો એ ખોટું કહેવાશે. એનાથી તો તે યહોવાહની કૃપા ગુમાવી બેસશે, કેમ કે તેની પસંદગી થઈ ન હોવા છતાં, તે પોતાને સ્વર્ગના રાજા અને યાજક માને છે.—રૂમી ૯:૧૬; પ્રકટીકરણ ૨૨:૫.

આ પ્રસંગ કેટલી વાર ઉજવવો જોઈએ?

ઈસુના મરણની યાદગીરી દર અઠવાડિયે કે દરરોજ કરવી જોઈએ? ઈસુ ખ્રિસ્તે એ પ્રસંગની શરૂઆત કરી, એ સાંજ પાસ્ખા પર્વની સાંજ હતી. પાસ્ખા પર્વ ઇજિપ્તની ગુલામીમાંથી ઈસ્રાએલી લોકોના છુટકારાની ઉજવણી હતી. પાસ્ખા પર્વ ફક્ત વર્ષમાં એક જ વાર, નીસાન ૧૪ના રોજ ઊજવાતું હતું. એ જ દિવસે ઈસુને વગર વાંક-ગુને મારી નાખવામાં આવ્યા હતા. (નિર્ગમન ૧૨:૬, ૧૪; લેવીય ૨૩:૫) તેથી, ‘આપણું પાસ્ખાયજ્ઞ ખ્રિસ્તના’ મરણની યાદગીરી પણ વર્ષમાં એક જ વાર ઊજવવી જોઈએ, દર અઠવાડિયે કે દરરોજ નહિ. (૧ કોરીંથી ૫:૭) ઈસુએ એની શરૂઆત જે રીતે કરી, એ જ રીતે આજે ખ્રિસ્તીઓ પણ એ પ્રસંગ કે મેમોરિયલ ઉજવે છે.

તો પછી પાઊલના કહેવાનો અર્થ શું થાય: “જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો, અને પ્યાલો પીઓ છો, તેટલી વાર તમે પ્રભુના આવતાં સુધી તેનું મરણ પ્રગટ કરો છો”? (૧ કોરીંથી ૧૧:૨૬) અહીં પાઊલ જે શબ્દો વાપરે છે એનો અર્થ થાય કે ‘દરેક વખતે’ અથવા ‘જ્યારે જ્યારે.’ તેથી, પાઊલ અહીં કહેવા માંગતા હતા કે જ્યારે પણ પસંદ થયેલા ખ્રિસ્તીઓ રોટલી ખાય અને વાઇન પીએ, ત્યારે તેઓ ઈસુના બલિદાનમાં વિશ્વાસ પ્રગટ કરે છે.

તેઓ “પ્રભુના આવતાં સુધી” તેમના મરણની યાદગીરી ઊજવશે. હા, આ ઉજવણી બધા પસંદ થયેલા સજીવન થઈને, સ્વર્ગમાં ઈસુની સાથે હશે ત્યાં સુધી ચાલુ રહેશે. (૧ થેસ્સાલોનીકી ૪:૧૪-૧૭) એ ઈસુના શબ્દો સાથે સહમત થાય છે, જે તેમણે પોતાના ૧૧ વફાદાર મિત્રોને કહ્યા હતા: “જો હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ, તો હું પાછો આવીશ, અને તમને મારી પાસે લઈ જઈશ; જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો.”—યોહાન ૧૪:૩.

આપણા માટે આનો શું અર્થ થાય?

ઈસુના બલિદાનના આશીર્વાદ મેળવવા અને સુંદર પૃથ્વી પર હંમેશ માટે જીવવા, શું મેમોરિયલમાં રોટલી ખાવી અને વાઇન પીવો જોઈએ? ના. નુહ, ઈબ્રાહીમ, સારાહ, ઈસ્હાક, રિબકાહ, યુસફ, મુસા અને દાઊદ જેવા ઈશ્વર ભક્તો આ પૃથ્વી પર સજીવન થશે. ઈશ્વરના આશીર્વાદ મેળવવા તેઓ મેમોરિયલની રોટલી ખાશે કે વાઇન પીશે એવું કંઈ બાઇબલ જણાવતું નથી. તેમ છતાં, તેઓ અને પૃથ્વી પર હંમેશ માટે જીવવા ચાહનારા બધા જ યહોવાહમાં અને ખ્રિસ્તમાં પૂરો ભરોસો મૂકશે. તેમ જ, આપણા ઉદ્ધાર માટેના ઈસુના બલિદાનમાં પૂરો વિશ્વાસ મૂકશે. (યોહાન ૩:૩૬; ૧૪:૧) તમારે પણ સુખી જીવન જોઈતું હોય તો, એવો જ વિશ્વાસ કેળવવાની જરૂર છે. ઈસુના મરણના મેમોરિયલમાં હાજર રહીને તમે એ મહાન બલિદાનને યાદ કરી શકો અને તમારી કદર વધારી શકો.

પ્રેષિત યોહાન ઈસુના એ બલિદાનનું મહત્ત્વ જણાવતા કહે છે: “તમે પાપ ન કરો, માટે હું તમને [પવિત્ર આત્માથી પસંદ થયેલાને] આ વાતો લખું છું. જો કોઈ પાપ કરે તો બાપની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે; અને તે આપણાં પાપનું પ્રાયશ્ચિત્ત છે; અને કેવળ આપણાં જ નહિ પણ આખા જગતનાં પાપનું તે પ્રાયશ્ચિત્ત છે.” (૧ યોહાન ૨:૧, ૨) પસંદ થયેલાઓ કહી શકે કે ઈસુનું બલિદાન તેઓનાં પાપનું પ્રાયશ્ચિત કરે છે. પરંતુ, એ બલિદાન આખા જગતનાં પાપનું પણ પ્રાયશ્ચિત છે. એનો અર્થ થયો કે જગતમાંથી જે કોઈ યહોવાહની ભક્તિ કરે, તેને માટે કાયમી જીવન શક્ય છે!

તમે એપ્રિલ ૪, ૨૦૦૪ના રોજ ઈસુના મરણની યાદગીરી ઊજવવા આવશો? આખી દુનિયામાં યહોવાહના સાક્ષીઓ પોતાની સભાઓ ભરે છે, ત્યાં એ માટે ભેગા મળશે. તમે પણ આવો તો તમને બાઇબલ પર મહત્ત્વનું પ્રવચન સાંભળવા મળશે. તમને જાણવા મળશે કે યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્તે આપણા માટે કેટલું બધું કર્યું છે. વળી, જેઓ યહોવાહની ભક્તિ કરે છે અને ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં પૂરો વિશ્વાસ રાખે છે, તેઓ સાથે ભેગા મળીને તમને ઘણું જ ઉત્તેજન મળશે. આ પ્રસંગથી તમને ઈશ્વરની અપાર કૃપા મેળવવાની તમન્‍ના જાગી શકે, જેના દ્વારા હંમેશ માટેનું જીવન શક્ય છે. તમે પોતે પાક્કો નિર્ણય લો. આ સરસ ઉજવણીમાં તમે ચોક્કસ આવો, જે આપણા મહાન ઈશ્વર, યહોવાહનું નામ રોશન કરે છે!

[પાન ૫ પર ચિત્ર]

ઈસુનું બલિદાન બે મહાન રીતે પ્રેમ વરસાવે છે

[પાન ૬ પર ચિત્ર]

કોઈ ભેળ-સેળ વિનાની રોટલી અને વાઇન, ઈસુના સંપૂર્ણ શરીર અને લોહીને રજૂ કરે છે