સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રચાર કામ કરતા રહો

પ્રચાર કામ કરતા રહો

પ્રચાર કામ કરતા રહો

“તું સર્વ બાબતોમાં સાવધ રહે, . . . સુવાર્તિકનું કામ કર.”—૨ તીમોથી ૪:૫.

૧. ઈસુ ખ્રિસ્તે કઈ આજ્ઞા આપી હતી?

 યહોવાહ પરમેશ્વરનું નામ અને તેમનું જ્ઞાન આખી દુનિયામાં ફેલાઈ રહ્યું છે. પરમેશ્વરના ભક્તો આજે પૂરા તન, મન અને ધનથી ઈસુ ખ્રિસ્તની આ આજ્ઞા પાળી રહ્યા છે: “તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.”—માત્થી ૨૮:૧૯, ૨૦.

૨. તીમોથીને કઈ સલાહ આપવામાં આવી અને વડીલો કઈ એક રીતે એ સલાહ આજે પાળી શકે છે?

ઈસુના પહેલી સદીના શિષ્યોએ એ આજ્ઞા પૂરા દિલથી પાળી હતી. દાખલા તરીકે, ઈશ્વર ભક્ત પાઊલે પોતાના સાથી વડીલ તીમોથીને અરજ કરી: “સુવાર્તિકનું કામ કર, તારૂં સેવાકાર્ય પૂર્ણ કર.” (૨ તીમોથી ૪:૫) આજે પણ, વડીલો પ્રચારમાં નિયમિત અને ઉત્સાહથી જાય છે. આ રીતે તેઓ પોતાનું સેવાકાર્ય પૂર્ણ કરે છે. જેમ કે, મંડળ પુસ્તક અભ્યાસ લેનાર વડીલને આ એક આશીર્વાદ છે કે તે પ્રચારમાં માર્ગદર્શન આપે. તેમ જ, તે ભાઈ-બહેનોને પ્રગતિ કરવા મદદ પણ કરે છે. પાઊલે પોતે પણ ઉત્સાહથી પ્રચાર કર્યો અને બીજા ભાઈ-બહેનોને પ્રચાર કાર્ય માટે મદદ આપી.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૦; ૧ કોરીંથી ૯:૧૬, ૧૭.

પહેલાના ઉત્સાહી પ્રચારકો

૩, ૪. ફિલિપને પ્રચાર કાર્યમાં કેવા કેવા અનુભવો થયા?

પહેલાના ખ્રિસ્તીઓ ઉત્સાહી પ્રચારકો તરીકે જાણીતા હતા. શુભસંદેશાનો પ્રચાર કરનાર ફિલિપનો દાખલો લો. તે “પવિત્ર આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર” એવા સાત સેવકોમાંના એક હતા. તેઓને યરૂશાલેમની ગ્રીક અને હેબ્રી વિધવા બહેનોને કોઈ ભેદભાવ વિના ખોરાક વહેંચવાની જવાબદારી સોંપવામાં આવી હતી. (પ્રેરિતોનાં કૃત્યો ૬:૧-૬) એ જવાબદારી પૂરી થઈ. પછી, સતાવણીને કારણે પ્રેષિતો સિવાયના બધા ખ્રિસ્તીઓ યરૂશાલેમથી આજુબાજુનાં શહેરોમાં વિખેરાઈ ગયા. તેથી, ફિલિપ સમરૂન શહેરમાં ગયા. ત્યાં તેમણે યહોવાહની શક્તિથી પ્રચાર કર્યો અને ભૂતોને કાઢ્યા. વળી, અપંગ હતા તેઓને સાજા પણ કર્યા. તેથી, સમરૂનના લોકોએ શુભસંદેશો સ્વીકાર્યો અને બાપ્તિસ્મા પામ્યા. આ સમાચાર યરૂશાલેમમાં પ્રેષિતો સુધી પહોંચી ગયા. તેથી, તેઓએ પ્રેષિત પીતર અને યોહાનને સમરૂન મોકલ્યા, જેથી નવા ભાઈ-બહેનો પણ પવિત્ર આત્મા પામે.—પ્રેરિતોનાં કૃત્યો ૮:૪-૧૭.

પછી, યહોવાહ પોતાની શક્તિથી ફિલિપને ગાઝાહ તરફ જતા રસ્તે હબશી ખોજાને મળવા દોરે છે. તે “હબશીઓની રાણી કાંડાકેના હાથ નીચે મોટો અમલદાર” હતો. ફિલિપે યશાયાહની ભવિષ્યવાણી વિષે એ હબશી ખોજાને સુંદર સમજણ આપી. પછી એ હબશી ખોજાએ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મૂક્યો અને બાપ્તિસ્મા પામ્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૬-૩૮) પછી, ફિલિપ આશ્દોદ અને કાઈસારીઆ ગયા. ત્યાં જતાં તે ‘માર્ગમાંનાં સર્વ શહેરોમાં સુવાર્તા પ્રગટ કરતા’ ગયા. (પ્રેરિતોનાં કૃત્યો ૮:૩૯, ૪૦) ખરેખર, ફિલિપ ઉત્સાહી પ્રચારક હતા!

૫. ફિલિપની ચાર દીકરીઓ શાને માટે જાણીતી હતી?

લગભગ વીસ વર્ષો પછી પણ ફિલિપ કાઈસારીઆમાં પ્રચાર કરી રહ્યા હતા. જ્યારે પાઊલ અને લુક ફિલિપને ઘરે રહ્યા, ત્યારે તેમને “ચાર કુંવારી દીકરીઓ હતી, તેઓ પ્રબોધિકાઓ હતી.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૮-૧૦) સાચે જ, તેઓને યહોવાહની ભક્તિમાં સારી રીતે મોટી કરવામાં આવી હતી. તેઓને પ્રચાર કરવાનો ઉત્સાહ હતો અને પ્રબોધિકા તરીકેનો આશીર્વાદ પણ હતો. આજે પણ માબાપનો સરસ દાખલો પોતાનાં બાળકો પર ઊંડી છાપ પાડે છે. પછી, તેઓ પણ ઉત્સાહથી જીવનભર પ્રચાર કરતા રહે છે.

આજે ઉત્સાહી પ્રચારકો

૬. પહેલી સદીમાં આપણા ભાઈ-બહેનોને કરેલા પ્રચારની શું અસર થઈ?

ઈસુ ખ્રિસ્તે આપણા સમય વિષે કહ્યું કે આ જગતનો અંત આવે, એ “પહેલાં સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ.” (માર્ક ૧૩:૧૦) શુભસંદેશનો “આખા જગતમાં” પ્રચાર થશે, પછી જ અંત આવશે. (માત્થી ૨૪:૧૪) પહેલી સદીમાં પાઊલ અને બીજા ભાઈ-બહેનોએ પૂરા ઉમંગથી પ્રચાર કર્યો અને ઘણાએ શુભસંદેશ માન્યો. રોમન રાજમાં ઘણાં મંડળો શરૂ થયાં. એ મંડળમાંના વડીલોએ બધા ભાઈ-બહેનો સાથે જઈને ઉત્સાહથી દૂર દૂર સુધી પ્રચાર કર્યો. આજે જેમ લાખો યહોવાહના સાક્ષીઓ ધગશથી પ્રચાર કરે છે, એમ જ એ દિવસોમાં થતું. એટલે યહોવાહના ભક્તો વધતા ને વધતા ગયા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૨૦) શું તમે યહોવાહના ઉત્સાહી પ્રચારકોમાંના એક છો?

૭. આજે પ્રચારકો શું કરી રહ્યા છે?

આજે ઘણા ભાઈ-બહેનો પ્રચારમાં વધારે ને વધારે સમય કાઢવા પોતાના જીવનમાં ફેરફારો કરે છે. હજારો ભાઈ-બહેનો મિશનરિ તરીકે સેવા આપે છે. તો વળી હજારો ને હજારો પાયોનિયરો છે. તેમ જ, લાખો ભાઈઓ, બહેનો અને બાળકો પણ ઉત્સાહથી પ્રચાર કરીને કેવી સરસ સેવા આપે છે! ખરેખર, યહોવાહના બધા જ ભક્તો એક થઈને યહોવાહની સેવા ઉમંગથી કરે છે, અને તેમના ભરપૂર આશીર્વાદોનો આનંદ માણે છે.—સફાન્યાહ ૩:૯.

૮. આજે કેવી નિશાની કરવાનું કામ થઈ રહ્યું છે અને એ કોણ કરે છે?

યહોવાહ પરમેશ્વરે પોતાના પવિત્ર આત્માથી પસંદ કરેલા ભાઈ-બહેનોને, આખા જગતમાં શુભસંદેશ કહેવાની જવાબદારી સોંપી છે. એ ભાઈ-બહેનોના હાથમાં હાથ મિલાવીને કામ કરનારા “બીજાં ઘેટાં” પણ છે, જેઓની સંખ્યા રાત-દિવસ વધતી જ જાય છે. (યોહાન ૧૦:૧૬) અગાઉ ભવિષ્યવાણી થઈ હતી કે આ કામમાં જીવનનો સવાલ છે. અત્યારે જે લોકો દુનિયાની હાલતને કારણે નિસાસા નાખે છે અને દુઃખી છે, તેઓના કપાળ પર જાણે કે નિશાની થઈ રહી છે. હા, જેઓના કપાળ પર એ નિશાની નહિ હોય, એ દુષ્ટ લોકોનો જલદી જ નાશ થશે. ત્યાં સુધી આ ધરતી પરના બધા લોકોને સત્ય જણાવીને, આપણે જીવન બચાવનારું આ કામ કરતા જ રહીએ.—હઝકીએલ ૯:૪-૬, ૧૧.

૯. મંડળના નવા ભાઈ-બહેનોને પ્રચારમાં કઈ રીતે મદદ કરી શકાય?

આપણને પ્રચારમાં સારો અનુભવ હોય તો, આપણે મંડળના નવા ભાઈ-બહેનોને મદદ કરી શકીએ. કોઈ કોઈ વાર આપણે તેમને આપણી સાથે પ્રચારમાં લઈ જઈ શકીએ. વડીલો મંડળમાં બધાને ઉત્તેજન આપવા પોતાનાથી બનતું બધું જ કરશે. આવા મહેનતુ ભાઈઓની મદદથી મંડળમાં બધા જ ઉમંગથી પ્રચાર કામમાં સફળ થઈ શકે છે.—૨ પીતર ૧:૫-૮.

ઘરે ઘરે જઈને પ્રચાર કરીએ

૧૦. ઈસુ અને તેમના શિષ્યોએ પ્રચાર કામમાં કેવો દાખલો બેસાડ્યો?

૧૦ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યો માટે સુંદર દાખલો બેસાડ્યો. ઈસુ અને તેમના શિષ્યોના પ્રચાર કામ વિષે બાઇબલ કહે છે: “તે શહેરે-શહેર તથા ગામેગામ ઉપદેશ કરતો તથા દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ફર્યો, અને તેની સાથે બાર શિષ્યો હતા.” (લુક ૮:૧) પ્રેષિતો વિષે શું? ઈસવી સન ૩૩ના પેન્તેકોસ્તના દિવસે તેઓ પર પવિત્ર આત્મા અથવા શક્તિ રેડાઈ. પછી, “તેઓએ નિત્ય મંદિરમાં તથા ઘેર ઈસુ તેજ ખ્રિસ્ત છે તે વિષે શિખવવાનું તથા પ્રગટ કરવાનું છોડ્યું નહિ.”—પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૨.

૧૧. પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૦, ૨૧ પ્રમાણે, પાઊલે પ્રચાર કાર્યમાં શું કર્યું હતું?

૧૧ પ્રેષિત પાઊલ પોતે બહુ જ ધગશથી પ્રચાર કરનારા હતા. એટલે તેમણે એફેસસના વડીલોને કહ્યું: “જે કંઈ વાત હિતકારક હોય તે તમને જણાવવાને મેં આંચકો ખાધો નથી, પણ પ્રગટ રીતે તથા ઘેરેઘેર તમને બોધ કર્યો.” પાઊલે કહ્યું કે “ઘેરઘેર તમને બોધ કર્યો.” એટલે શું તે યહોવાહના ભક્તોના ઘરે જઈને તેઓને બોધ કરવાની વાત કરતા હતા? ના, કેમ કે તે સમજાવે છે કે “દેવની આગળ પસ્તાવો કરવો, તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો, એવી સાક્ષી મેં યહુદીઓને તથા ગ્રીકોને આપી.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૦, ૨૧) હવે, જેઓ યહોવાહના ભક્તો હતા, તેઓને તો ‘દેવની આગળ પસ્તાવો કરવા, અને પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખવા’ વિષેના શિક્ષણની જરૂર ન હતી. પણ પાઊલ તો ઘરે ઘરે લોકોને પસ્તાવો કરવા અને વિશ્વાસ રાખવાનો પ્રચાર કરતા હતા. સાથે સાથે તેમણે એફેસસના વડીલોને એ પણ શીખવ્યું કે ઘરે ઘરે પ્રચાર કઈ રીતે કરવો. આ રીતે, પાઊલ પોતે ઈસુના પગલે ચાલી રહ્યા હતા.

૧૨, ૧૩. ફિલિપી ૧:૭ પ્રમાણે, યહોવાહના ભક્તોએ પ્રચાર કરવાનો હક્ક મેળવવા શું કર્યું છે?

૧૨ ઘરેથી ઘરે પ્રચાર કરવાનું કામ કંઈ સહેલું નથી. જેમ કે, ઘણા લોકોને ગમતું નથી કે આપણે તેઓને ઘરે બાઇબલનો સંદેશો આપવા જઈએ છીએ. આપણે તેઓને ખોટું લગાડવા માંગતા નથી. પરંતુ, ઘરે ઘરે જઈને પ્રચાર કરવાની આજ્ઞા પવિત્ર શાસ્ત્ર આપે છે. તેમ જ પરમેશ્વર અને આપણી આજુબાજુના લોકો માટેના પ્રેમને કારણે આપણે એમ કરીએ છીએ. (માર્ક ૧૨:૨૮-૩૧) અમુક વાર કાયદા પ્રમાણેનો આપણો એ હક્ક મેળવવા, આપણે કેસ અદાલતમાં પણ લઈ જવો પડે છે. (ફિલિપી ૧:૭) જેમ કે, યૂનાઇટેડ સ્ટેટ્‌સની સુપ્રીમ કોર્ટમાં કેસ લડવામાં આવ્યો. એમાં તેઓએ આપણા પક્ષે જ ચુકાદો આપ્યો. આ પ્રમાણે નિર્ણય આવ્યો હતો:

૧૩ ‘ધાર્મિક પત્રિકાઓ આપવી એ કંઈ નવું નથી. પ્રિન્ટીંગ પ્રેસની શોધ થઈ ત્યારથી, એ તો પ્રચાર કરવાની મિશનરિઓની જૂની રીત છે. વર્ષોથી ઘણા ધર્મો એમ જ કરતા આવ્યા છે અને એની લોકો પર બહુ અસર પડે છે. આજે પણ આ રીતે ઘણા ધર્મો પ્રચાર કરે છે. એમાં માનનારા એ સંદેશો હજારો ને હજારો ઘરોએ લઈ જાય છે, અને એ સાંભળનારા લોકોના મન જીતી લે છે. . . . [યૂનાઇટેડ સ્ટેટ્‌સના બંધારણના] પહેલા ફેરફારો પ્રમાણે, આ રીતેના પ્રચાર કામનું એટલું જ મહત્ત્વ છે, જેટલું ચર્ચોમાં કે સ્ટેજ પરથી શીખવવામાં આવતું હોય.’—મર્ડોક વી. પેન્સીલ્વેનિયા, ૧૯૪૩.

શા માટે પ્રચાર કરતા રહેવું જોઈએ?

૧૪. આપણા પ્રચારની ધીમે ધીમે લોકો પર કેવી અસર પડી શકે છે?

૧૪ ઘરે ઘરે પ્રચાર કરવાના ઘણાં કારણો છે. દરેક વખતે આપણે લોકોને મળીએ ત્યારે, આપણે શાસ્ત્રમાંથી સત્યનું બી વાવવા ચાહીએ છીએ. આપણે તેમને પાછા મળીએ ત્યારે, એમાં પાણી રેડવા ચાહીએ છીએ. એની લોકો પર ઘણી સારી અસર થશે, કેમ કે પાઊલે લખ્યું: “મેં રોપ્યું, આપોલસે પાણી પાયું; પણ દેવે વૃદ્ધિ આપી.” (૧ કોરીંથી ૩:૬) તેથી, ચાલો આપણે ‘રોપતા અને પાણી પાતા રહીએ.’ તેમ જ, પૂરો ભરોસો રાખીએ કે યહોવાહ તેઓને ‘વૃદ્ધિ આપશે.’

૧૫, ૧૬. આપણે કેમ લોકોના ઘરે વારંવાર શુભસંદેશો લઈને જઈએ છીએ?

૧૫ વળી, લોકોના જીવન જોખમમાં હોવાથી આપણે પ્રચાર કામ કરીએ છીએ. પ્રચાર કામથી આપણું પોતાનું અને જેઓ સંદેશો સાંભળે તેઓનું પણ જીવન બચે છે. (૧ તીમોથી ૪:૧૬) જો આપણે જોઈએ કે કોઈનું જીવન જોખમમાં છે, તો શું તેમને મદદ કરવા આપણે દોડી નહિ જઈએ? ચોક્કસ! જીવન-મરણનો સવાલ હોવાથી જ, આપણે વારંવાર લોકોના ઘરે જઈને શુભસંદેશ જણાવીએ છીએ. લોકોના સંજોગો બદલાઈ શકે છે. એક વાર વ્યક્તિને બાઇબલનો સંદેશો સાંભળવાનો સમય ન હોય, પણ બીજી વાર જઈએ ત્યારે તે સાંભળે પણ ખરા. બની શકે કે ફરીથી જઈએ ત્યારે, કોઈ બીજી જ વ્યક્તિ બારણે આવે અને શાસ્ત્રમાંથી ચર્ચા થઈ શકે.

૧૬ વ્યક્તિના સંજોગો જ નહિ, પણ તેમનું વલણ પણ બદલાય શકે છે. જીવનની ગાડી બરાબર ચાલતી હોય ત્યાં સુધી તો વાંધો નહિ, પણ માનો કે કોઈ ગુજરી જાય ત્યારે, વ્યક્તિને યહોવાહના રાજ્યનો સંદેશો જ દિલાસો આપી શકે. આપણે આશા રાખીએ કે વ્યક્તિના દુઃખમાં તેને દિલાસો મળે, યહોવાહના જ્ઞાનની તેને ભૂખ લાગે અને તે એને સંતોષી શકે.—માત્થી ૫:૩, ૪.

૧૭. આપણા પ્રચાર કામનું મુખ્ય કારણ શું છે?

૧૭ આપણે ઘરે ઘરે પ્રચાર કરીએ છીએ, એનું મુખ્ય કારણ એ છે કે યહોવાહનું નામ લોકોને જણાવીએ. (નિર્ગમન ૯:૧૬; ગીતશાસ્ત્ર ૮૩:૧૮) જ્યારે સત્ય ચાહનારા યહોવાહના સેવકો બને છે, ત્યારે ખુશીથી આપણું હૈયું કેવું નાચી ઊઠે છે! ગીતશાસ્ત્રના એક કવિએ કહ્યું છે કે “જુવાનો તથા કન્યાઓ; વૃદ્ધો તથા બાળકો: તે સર્વ, યહોવાહના નામની સ્તુતિ કરો; કેમકે એકલું તેનું જ નામ બુલંદ છે; તેનું ગૌરવ પૃથ્વી તથા આકાશ કરતાં મોટું છે.”—ગીતશાસ્ત્ર ૧૪૮:૧૨, ૧૩.

પ્રચાર કામથી આવતા આશીર્વાદો

૧૮. પ્રચાર કરવાથી આપણને પોતાને કઈ રીતે લાભ થાય છે?

૧૮ પ્રચાર કરવાથી આપણને પોતાને પણ ઘણા લાભ થાય છે. કોઈના ઘરે બોલાવ્યા વગર જવા માટે આપણામાં નમ્રતા હોવી જોઈએ, કેમ કે કોઈ આપણા પર ગુસ્સે પણ થઈ જાય. આપણું કામ સારી રીતે કરવા આપણે પાઊલ જેવા બનવું પડે, જે ‘હરકોઈ રીતે કેટલાએકને તારવા સારૂ સર્વેની સાથે સર્વેના જેવા થયા.’ (૧ કોરીંથી ૯:૧૯-૨૩) પ્રચારમાં લોકો સાથે વાત કરવા આપણે સમજી-વિચારીને બોલવું પડે છે. યહોવાહ પર આપણે પૂરો ભરોસો રાખીશું અને વિચારીને બોલીશું તો, આપણે પાઊલની સલાહ પાળીશું: “તમારૂં બોલવું હમેશાં કૃપાયુક્ત સલૂણું હોય, કે જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો એ તમે જાણો.”—કોલોસી ૪:૬.

૧૯. પ્રચાર કરવા આપણને પવિત્ર આત્મા કઈ રીતે મદદ કરી શકે છે?

૧૯ પ્રચાર કરવા આપણે પૂરેપૂરી રીતે યહોવાહના આત્મા કે શક્તિ પર આધાર રાખીએ છીએ. (ઝખાર્યાહ ૪:૬) એટલે, એના ફળ અથવા સદ્‍ગુણો આપણા પ્રચારમાં દેખાઈ આવે છે. જેમ કે, “પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ.” (ગલાતી ૫:૨૨, ૨૩) એની અસર લોકો સાથેના આપણા વર્તનમાં દેખાઈ આવે છે. યહોવાહના પવિત્ર આત્માના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ તો, આપણે પ્રચાર કરતી વખતે પ્રેમ બતાવીશું. આપણે આનંદી અને શાંત મગજના હોઈશું. આપણે સહન કરીશું અને માયાળુ બનીશું. આપણે ભલાઈ અને વિશ્વાસ બતાવીશું. તેમ જ, આપણે નમ્ર બનીશું અને પોતાના પર કાબૂ રાખનારા બનીશું.

૨૦, ૨૧. પ્રચાર કામ કરતા રહેવાના કયા આશીર્વાદો છે?

૨૦ આપણને બીજો એક લાભ એ થાય છે, કે આપણે લોકોને સારી રીતે સમજી શકીએ છીએ. જ્યારે લોકો પોતાની બીમારી, બેકારી કે કોઈ પણ મુશ્કેલી વિષે વાત કરે, ત્યારે આપણે તેઓને ભાષણ આપવા બેસી જતા નથી. પણ આપણે તેઓને પવિત્ર શાસ્ત્રમાંથી દિલાસો આપીએ છીએ. જેઓ સચ્ચાઈ ચાહે છે, પણ જાણે યહોવાહના જ્ઞાન વિષે આંધળા છે તેઓની આપણે બહુ જ ચિંતા કરીએ છીએ. (૨ કોરીંથી ૪:૪) તેથી, જે વ્યક્તિ જીવન પામવા ચાહતી હોય, તેને આપણે યહોવાહનું જ્ઞાન શીખવા મદદ કરી શકીએ એ તો કેવો આશીર્વાદ કહેવાય!—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮.

૨૧ વળી, પ્રચાર કામ કરતા રહેવાથી આપણું ધ્યાન યહોવાહની વધારે ભક્તિ કરવામાં જ રહે છે. (લુક ૧૧:૩૪) આનાથી આપણને જ ફાયદો છે, કેમ કે આજે જગતમાં મોટા ભાગે લોકો ધન-દોલતની માયાજાળમાં ફસાયા છે. પ્રેષિત યોહાને અરજ કરી હતી: “જગત પર અથવા જગતમાંનાં વાનાં પર પ્રેમ ન રાખો, જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. કેમકે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે. જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.” (૧ યોહાન ૨:૧૫-૧૭) યહોવાહની સેવા પૂરા દિલથી કરતા રહીએ, તો આપણને સમય જ રહેતો નથી કે આપણે જગતના પ્રેમમાં પડીએ.—૧ કોરીંથી ૧૫:૫૮.

સ્વર્ગમાં ધન ભેગું કરો

૨૨, ૨૩. (ક) આપણે પ્રચાર કરીને કયું ધન ભેગું કરી રહ્યા છીએ? (ખ) હવે પછીનો લેખ આપણને કઈ રીતે મદદ કરશે?

૨૨ પૂરા ઉત્સાહ અને ઉમંગથી પ્રચાર કરીને, આપણને હંમેશ માટે ઈશ્વરના આશીર્વાદ પામી શકીએ છીએ. ઈસુએ એ જણાવતા કહ્યું: “પૃથ્વી પર પોતાને સારૂ દ્રવ્ય એકઠું ન કરો, જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે, ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જાય છે. પણ તમે પોતાને સારૂ આકાશમાં દ્રવ્ય એકઠું કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા, ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જતા નથી. કેમકે જ્યાં તમારૂં દ્રવ્ય છે ત્યાં જ તમારૂં ચિત્ત પણ રહેશે.”—માત્થી ૬:૧૯-૨૧.

૨૩ ચાલો આપણે બધા યહોવાહની પૂરા દિલથી સેવા કરીને સ્વર્ગમાં ધન ભેગું કરીએ. આપણે જાણીએ છીએ કે વિશ્વના રાજા યહોવાહના સેવકો હોવું અને તેમના વિષે લોકોને જણાવવું એ મોટો આશીર્વાદ છે! (યશાયાહ ૪૩:૧૦-૧૨) તેથી, ચાલો આપણે યહોવાહના સેવકો તરીકે પ્રચાર કરતા રહીએ. યહોવાહની વર્ષોથી સેવા કરી રહેલા, ૯૦ વર્ષના એક બા કહે છે: ‘આ રીતે સેવા કરીને હું યહોવાહનો આભાર માનું છું, કે હું ગમે એવી હોવા છતાં આટલાં વર્ષો તેમણે મને સેવા કરવાની તક આપી. અને હું દિલથી તેમને વીનવું છું કે તે યુગોના યુગો મારા વહાલા ઈશ્વર બની રહે.’ આપણને પણ યહોવાહની ભક્તિ એટલી જ વહાલી હોય તો, આપણે હજુ વધારે સારી રીતે પ્રચાર કરવા ચાહીશું, ખરું ને? હવે પછીના લેખમાં આપણે જોઈશું કે કઈ રીતે આપણે પ્રચાર કામ વધારે સારી રીતે કરી શકીએ?

આપણે શું શીખ્યા?

• આપણે શા માટે પ્રચાર કરવો જોઈએ?

• પહેલાના અને આજના પ્રચારકો વિષે શું કહી શકાય?

• આપણે શા માટે ઘરે ઘરે પ્રચાર કરીએ છીએ?

• પ્રચાર કરવાથી આપણને કયા લાભ થાય છે?

[અભ્યાસ પ્રશ્નો]

[ચિત્ર on page 10]

ફિલિપ અને તેમની દીકરીઓની જેમ જ, આજે પણ ભાઈ-બહેનો ખુશીથી પ્રચાર કરે છે

[પાન ૧૪ પર ચિત્ર]

પ્રચાર કરો તેમ તમને શું લાભ થાય છે?