સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વેસ્ટફેલીયાની શાંતિ—યૂરોપના ઇતિહાસમાં એક નવો વળાંક

વેસ્ટફેલીયાની શાંતિ—યૂરોપના ઇતિહાસમાં એક નવો વળાંક

વેસ્ટફેલીયાની શાંતિયૂરોપના ઇતિહાસમાં એક નવો વળાંક

“યુરોપના દેશોના આટલા બધા મુખ્ય પ્રતિનિધિઓ આજે ભેગા મળ્યા, આ એક અનોખી વાત છે.” એમ રોમાન હાર્ટસોકે, ફેડ્રલ રિપબ્લિક ઑફ જર્મનીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ ઑક્ટોબર ૧૯૯૮માં ચાર રાજાઓ, ચાર રાણીઓ, બે રાજકુમારો, એક ડ્યૂક અને અનેક રાષ્ટ્રપતિઓની સામે કહ્યું. આ પ્રસંગનું આયોજન યૂરોપની પરિષદે કર્યું હતું. જર્મનીના ૫૦ વર્ષના ઇતિહાસમાં આ એક ખાસ પ્રસંગ હતો. પરંતુ, શા માટે?

ઓક્ટોબર ૧૯૯૮માં વેસ્ટફેલિયામાં શાંતિનો કરાર કરવામાં આવેલો એની ૩૫૦મી સાલગીરા હતી. કરાર ખાસ કરીને એવા સમયમાં કરવામાં આવે છે જ્યારે કંઈક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવે જેનાથી આખો ઇતિહાસ જ બદલાઈ જાય. આવી બાબતમાં વેસ્ટફેલિયાનો કરાર મહત્વનો હતો. વર્ષ ૧૬૪૮માં જ્યારે કરાર પર સહી કરવામાં આવી એનાથી ૩૦ વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવ્યો. એક નવું યૂરોપ ખડું થયું. જેમાં અલગ અલગ દેશોની પોતપોતાની સરકારો હતી.

જૂની ગોઠવણમાં ફેરફાર

મધ્ય યુગ દરમિયાન, યૂરોપમાં રોમન કૅથલિક ચર્ચ અને પવિત્ર રોમન સામ્રાજ્ય સૌથી તાકાતવાળી સંસ્થાઓ હતી. આ સામ્રાજ્ય હજારો નાના મોટા રાજ્યોનું બનેલું હતું, અને આ ઘણું ફેલાયેલું હતું જે આજે ઑસ્ટ્રિયા, ચેક રિપબ્લિક, પૂર્વી ફ્રાન્સ, જર્મની, સ્વિટ્‌ઝર્લૅન્ડમાં, લો કંન્ટરી (નેધરલૅન્ડ, બેલ્જિયમ અને લક્સમ્બર્ગ) અને ઇટાલીના કેટલાક ભાગ છે. પવિત્ર રોમી સામ્રાજ્ય ખાસ કરીને જર્મની રાજ્યોથી બનેલું હતું એટલા માટે એ જર્મન રાષ્ટ્રોને પવિત્ર રોમી સામ્રાજ્ય કહેવામાં આવતું હતું. દરેક રાજ્ય પર એક જ રાજકુમાર રાજ કરતો હતો. સમ્રાટ પોતે એક રોમન કૅથલિક ધર્મ પાળતો હતો. તે ઑસ્ટ્રિયાના હૈબ્સબર્ગ કુટુંબમાંથી આવતો હતો. પોપ અને પવિત્ર રોમી સામ્રાજ્ય સૌથી શક્તિશાળી હોવાના લીધે આખું યૂરોપ, રોમન કૅથલિક ધર્મના હાથમાં કઠપૂતળી બનેલું હતું.

પરંતુ, ૧૬મી અને ૧૭મી સદીમાં, આ ગોઠવણનો પાયો હલી ગયો. આખા યૂરોપમાં લોકો રોમન કૅથલિક ચર્ચથી ત્રાસી ગયા હતા. માર્ટિન લ્યૂથર અને જોન કૅલ્વીન જેવા ધર્મમાં ફેરફાર લાવનારઓએ ચર્ચના નિયમો વિરુદ્ધ જઈને ફરી લોકોને ફક્ત બાઇબલ આદર્શો પ્રમાણે ચાલવાનું ઉત્તેજન આપ્યું. ચારે બાજુથી લોકો તેઓને સાથ આપવા લાગ્યા જેના લીધે આંદોલન શરૂ થયું અને પ્રોટેસ્ટંટ ધર્મોનો જન્મ થયો. આ આંદોલનથી રોમન સામ્રાજ્યમાં ત્રણ ધર્મોનાં ફાંટા પડ્યા—કૅથલિક, લ્યૂથરન અને કેલ્વિનિસ્ટ.

કેથલિક ધર્મના લોકો પ્રોટેસ્ટંટ ધર્મના લોકોનો ભરોસો ન કરતા અને પોસ્ટેસ્ટંટ, કૅથલિકોને હલકાં ગણતા અને તેઓને નફરત કરતા હતા. આવી પરિસ્થિતિમાં ૧૭મી સદી સુધીમાં તો બે જૂથ બની ગયા, પ્રોસેસ્ટંટ સંઘ અને કૅથલિક સંઘ. અમૂક રાજકુમારોએ પ્રોટેસ્ટંટમાં જોડાયાને અમૂક કેથલિક. આખા યૂરોપમાં, ખાસ કરીને રોમન સામ્રાજ્યમાં વાતાવરણ એટલું ખરાબ હતું ગયું કે યુદ્ધ શરૂ કરવા ફક્ત એક તણખાની જ જરૂર હતી. આખરે, એક તણખાથી યુદ્ધની એક એવી આગ ભડકી ઊઠી કે જે બીજા ૩૦ વર્ષો સુધી સળગતી રહી.

એક ખતરનાક તણખાએ આખા યૂરોપમાં આગ લગાવી

પ્રોટેસ્ટંટ રાજકર્તાઓએ કૅથલિક હૈબ્સબર્હના રાજવી કુટુંબ પર દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો કે તેઓને ધર્મમાં વધારે છૂટ આપવામાં આવે. આખરે, ‘હા-ના હા-ના’ કરતા છૂટ આપવામાં આવી. પછી વર્ષ ૧૬૧૭-૧૮માં, બોહિમીઆમાં (ચેક રિપબ્લિક) બે લ્યૂથરન ચર્ચ બળજબરીથી બંધ કરી દેવામાં આવ્યા. એનાથી પ્રોટેસ્ટંટના અમીર લોકો ખળભડી ઉઠ્યા અને પ્રાગના મહેલમાં ઘૂસી ગયા. તેઓએ ત્રણ કૅથલિક અધિકારીઓને પકડીને ઉપરના માળની બારીમાંથી નીચે ફેંકી દીધા. બસ, આજ એક તલખણું હતું જેણે આખા યૂરોપમાં આગ ફેલાવી દીધી.

જોકે, કૅથલિક અને પ્રોટેસ્ટંટ શાંતિના રાજકુમાર, ઈસુ ખ્રિસ્તને પગલે ચાલવાનો દાવો તો કરતા હતા પરંતુ, તેઓ એક બીજાના લોહીના તરસ્યા બની ગયા હતા. (યશાયાહ ૯:૬) વ્હાઈટ માઉંટનના યુદ્ધમાં, કૅથલિક સંધે પ્રોટેસ્ટંટ સંઘને ધૂટ ચાટતા કરી દીધા ત્યાર પછી પ્રોટેસ્ટંટ સંધ તૂટેલા મોતીના હારની જેમ વિરેખાઈ ગયા. પ્રોટેસ્ટંટના અમીર વર્ગના લોકોને પ્રાગનની વચ્ચે બજારમાં મારી નાખવામાં આવ્યા. આખા બોહિમીઆમાં, જે પ્રોટેસ્ટંટ લોકો ધર્મ ન બદલે તેઓની માલ મિલકત જપ્ત કરીને કૅથલિક ધર્મને વળગી રહેનારા લોકોમાં વહેંચી દેવામાં આવી. આ માલમિલકત પચાવી લેવા વિષે ૧૬૪૮—ક્રીક ઉંટ ફ્રિડન ઈન ઑઈરાપા (વર્ષ ૧૬૪૮—યૂરોપમાં યુદ્ધ અને શાંતિ) પુસ્તકમાં બતાવવામાં આવ્યું કે, “મધ્ય યૂરોપમાં પહેલી વાર આટલા મોટા પ્રમાણે ફેરબદલી થઈ હતી.”

બોહિમીઆમાં ધર્મના લીધે યુદ્ધ શરૂ થયું હતું, પરંતુ આગળ જતા આ યુદ્ધે રાજનૈતિક રૂપ ધારણ કરી લીધું. પછીના ૩૦ વર્ષોમાં ડેનમાર્ક, નેધરલૅન્ડ, ફ્રાંસ, સ્પેન અને સ્વીડન પણ યુદ્ધમાં જોડાઈ ગયા. કૅથલિક અને પ્રોટેસ્ટંટ શાસકો પૈસાના ભૂખ્યા હતા અને તેઓ પોતે બહુ શક્તિશાળી છે એ બતાવવાનું ઝનૂન ઉપાડ્યું હતું. એટલા માટે તેઓ વચ્ચે સત્તા અને વેપારની બાબતમાં એકબીજાથી આગળ નીકળવાની હરિફાઈ થતી હતી. ત્રીસ વર્ષના યુદ્ધને અલગ અલગ તબક્કામાં વહેંચી દેવામાં આવ્યા અને દરેક તબક્કાને સમ્રાટના મુખ્ય દુશ્મનનું નામ આપવામાં આવ્યું. કેટલાક પુસ્તકમાં આવા કંઈક ચાર તબક્કાનો અહેવાલ આપવામાં આવ્યો છે: બોહીમીઅન અને પૈલટિન યુદ્ધ, ડૅનિશ-લોઆર સૈક્સની યુદ્ધ, સ્વીડિશ યુદ્ધ અને ફ્રેંચ-સ્વીડિશ યુદ્ધ. મોટા ભાગના યુદ્ધો રોમન સામ્રાજ્યના વિસ્તારમાં લડવામાં આવ્યા.

એ જમાનામાં પિસ્તોલ, બંદૂક, તોપ જેવા હથિયારનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ બધા હથિયાર ખાસ કરીને સ્વીડનમાંથી આવતા હતા. કૅથલિક અને પ્રોટેસ્ટંટ વચ્ચેની લડાઈ એકદમ ગૂંચવાઈ ગઈ હતી. યુદ્ધમાં કૅથલિક સૈનિકો “સૈંટા મારિયા” સૂત્ર લગાવતા જ્યારે પ્રોટેસ્ટેંટ સૈનિક “પરમેશ્વર અમારી સાથે છે” એમ સૂત્ર લગાવતા હતા. હથિયાર સજ્જ સૈનિકો જેમ જેમ જર્મન હકૂમતમાંથી પસાર થતા હતા ત્યારે, લૂંટફાટ કરતા અને દુશ્મનો સાથે જાનવરથી પણ ખરાબ રીતે વર્તાવ કરતા હતા. યુદ્ધમાં ભાગ લેનારાઓ ક્રૂરતાની બધી જ સીમા પાર કરી દીધી હતી. આ હાલત બાઇબલની આ ભવિષ્યવાણીથી એકદમ અલગ હતી: “પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ તરવાર ઉગામશે નહિ, ને તેઓ ફરીથી કદી પણ યુદ્ધકળા શીખશે નહિ.”—મીખાહ ૪:૩.

જર્મનીની નવી પેઢી ગોળીબારના અવાજોમાં જ ઉછરી અને આ યુદ્ધથી ત્રાસી ગયેલા સામાન્ય લોકો સુખ-શાંતિ માટે તરસતા હતા. હકીકતમાં, રાજનીતિને લીધે એકબીજા સાથે ઝધડા ન કર્યા હોત તો, ક્યારનીયે શાંતિ આવી ગઈ હોત. આ લડાઈમાંથી ધીમે ધીમે ધર્મનું નામ કાઢીને રાજકારણીએ એમાં કબજો જમાવી લીધો હતો. હવે આ સત્તાની લડાઈ સિવાય કંઈ જ ન હતું. આશ્ચર્યની બાબત તો એ છે કે આવા મોટા ફેરફારની પાછળ પણ કૅથલિક ચર્ચના અધિકારીઓનો હાથ હતો.

કાર્ડિનલ રિશાલ્યૂ રોફ જમાવે છે

અકમાન-શૉન ડ્યૂ પ્લેસીનું સરકારી નામ હતું, કાર્ડિનલ રિશાલ્યૂ. તે પણ ૧૬૨૪થી ૧૬૪૨ સુધી ફ્રાંસમાં વડાપ્રધાન હતો. રિશાલ્યૂનો હેતુ એ હતો કે ફ્રાંસને આખા યૂરોપનો સૌથી શક્તિશાળી દેશ બનાવવો. પોતાના હેતુ સુધી પહોંચવા માટે તેણે પોતાના કૅથલિક ભાઈઓ એટલે કે, હૈબ્સબર્ગને રાજગાદી પરથી ઊતારી પાડવાનો પ્રયત્ન કર્યો. આ કેવી રીતે કર્યું? તેણે હૈબ્સબર્ગના વિરુદ્ધ લડનારી જર્મની હકૂમતો, ડેનમાર્ક, નેધરલૅન્ડ અને સ્વીડનની પ્રોટેસ્ટંટ સેનાઓને આર્થિક મદદ આપી.

વર્ષ ૧૬૩૫માં રિશાલ્યીએ પહેલીવાર ફ્રાંસની સેનાને યુદ્ધમાં મોકલી. વીવાટ પાક્સ—એસ લેબ ડે ફ્રીડા! (શાંતિ હંમેશા માટે રહે!) નામનું પુસ્તક બતાવે છે કે, “ત્રીસ વર્ષનું યુદ્ધ [અંતના સમયમાં હતું ત્યારે] ધાર્મિક પંથો વચ્ચે લડાઈ ન હતી. . . . આ યુદ્ધ હવે એ સાબિત કરવા માટે લડવામાં આવી રહ્યું હતું કે આખા યૂરોપમાં સૌથી શક્તિશાળી કોણ છે.” યુદ્ધની શરૂઆત કૅથલિક અને પ્રોટેસ્ટંટ, બે ધાર્મિક જૂથો વચ્ચે થઈ હતી પરંતુ હવે આ યુદ્ધમાં કૅથલિકો જ એક બીજા વિરુદ્ધ લડવા પ્રોટેસ્ટંટને સાથ આપવા લાગ્યા. વર્ષ ૧૬૩૦ના દાયકાની શરૂઆતમાં કૅથલિક સંધની તાકાત પહેલાના કરતા નબળી પડી ગઈ અને આખરે વર્ષ ૧૬૩૫માં આ સંધ વિખેરાઈ ગયો.

વેસ્ટફેલીયામાં શાંતિ માટે સંમેલન

લૂંટફાટ, ખૂન, બળાત્કાર અને બીમારીના કારણે યૂરોપ તો બરબાદ થઈ ગયું હતું. ધીરે ધીરે લોકોને ભાન થયું કે આ એક એવું યુદ્ધ છે કે જેમાં કોઈની જીત થઈ શકે એમ નથી. પછી શાંતિ માટે તેઓ વધારે વલખાં મારવા લાગ્યા. વીવાટ પાક્સ—એસ લેબ ડે ફ્રીડા! પુસ્તક બતાવે છે કે, “વર્ષ ૧૬૩૦ના દાયકાના અંતમાં સત્તા ચલાવનારા રાજકુમારોને અહેસાસ થવા લાગ્યો કે લશ્કરી તાકાતથી તેઓ પોતાનું ધાર્યું કરી શકશે નહિ.” પરંતુ, જો બધાને જ શાંતિ જોઈતી હોય તો એ કેવી રીતે મેળવી શકાય?

પવિત્ર રોમન સામ્રાજ્યના સમ્રાટ ફર્ડીનંડ ત્રીજા, ફાંસના રાજા લૂઈ તેરમો અને સ્વીડનની રાણી ક્રિસ્ટીના એ ત્રણેવ ભેગા મળીને એ નિર્ણય પર આવ્યા કે એક સભા રાખવાની જરૂર છે જેમાં યુદ્ધમાં ભાગ લેનારી બધા જૂથોએ હાજર રહેવું જોઈએ અને એમાં શાંતિ માટે વાતચીત કરવી જોઈએ. આ વાતચીત માટે બે જગ્યાઓની પસંદગી કરવામાં આવી, જર્મનના વેસ્ટફેલિયાના ઓસનાબ્રૂક અને મ્યૂન્સ્ટ શહેર. આ જગ્યાઓની પસંદગી કરવાનું કારણ એ હતું કે એ સ્વીડન અને ફ્રાંસના પાઠનગરોની વચ્ચોવચ હતું. વર્ષ ૧૬૪૩ની શરૂઆતથી પ્રતિનિધિઓ લગભગ ૧૫૦ જગ્યાઓએથી આ બંને શહેરોમાં ભેગા થવા માંડ્યા. કૅથલિક પ્રતિનિધિઓ મ્યૂન્સ્ટમાં ભેગા થયેલા અને પ્રોટેસ્ટંટ પ્રતિનિધિઓ ઓસનાબ્રૂકમાં ભેગા મળ્યા. કેટલાક પ્રતિનિધિઓ પોતાની સાથે સલાહકારોનું મોટું ટોળું પણ લઈને આવ્યા હતા.

સૌથી પહેલા, સૌને બેસવાનો ક્રમ અને સભા ચલાવવાની રીત જેવી બાબતો નક્કી કરવા માટેના નિયમો બનાવવામાં આવ્યા. એના પછી, શાંતિ માટે વાતચીત શરૂ થઈ અને પ્રતિનિધિઓએ વચોટિયા મારફતે પોતપોતાના અભિપ્રાયો આપ્યા. લગભગ પાંચ વર્ષ પછી શાંતિની શરતો પર બધા સહમત થયા, પરંતુ આ દરમિયાન તો યુદ્ધ ચાલતું જ રહ્યું. વેસ્ટફેલીયામાં કરારમાં અનેક દસ્તાવેજો હતા. એક દસ્તાવેજમાં ઓસનાબ્રૂકમાં તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં સમ્રાટ ફર્ડીનંજ ત્રીજો અને સ્વીડનના પ્રતિનિધિઓની સહી કરવામાં આવી અને બીજા મ્યૂન્ટરમાં જ્યાં સમ્રાટ અને ફ્રાંસના પ્રતિનિધિઓએ સહી કરી.

કરારો પર સહિ કરવામાં આવી એ સમાચાર ચારેબાજુ ફેલાતા ગયા એમ લોકોમાં આનંદ છવાઈ ગયો. ઘણા શહેરોમાં ચારેબાજુ ફટાકડાઓ ફોડવામાં આવ્યા. ચર્ચમાં ઘંટ વગાડવામાં આવ્યો, કોલકરારની સંમતિ બતાવવા તોપગોળા છોડવામાં આવ્યા અને લોકો રસ્તાઓ પર ગીતો ગાતા હતા. શું હવે યૂરોપ કાયમની શાંતિની આશા રાખી શકે?

કાયમી શાંતિ મેળવી શકાય?

વેસ્ટફેલીયાના કરારના લીધે દરેક રાજ્યને પોતપોતાની સરકાર બનાવવાનો હક્ક મળ્યો. એનો અર્થ એમ થયો કે કરારનામા પર સહિ કરનાર દરેક પાર્ટી એ વાત સાથે સહમત હતી કે તેઓ બીજા દેશની સીમા પાર કરશે નહિ. અને બીજા દેશની બાબતોમાં માથું મારશે નહિ. એનાથી એક નવું યૂરોપ બહાર આવ્યું જેમાં દરેક રાજ્યને પોતપોતાની સરકાર હતી. આ કરારથી કેટલાક રાજ્યોને બીજા રાજ્યો કરતા થોડો વધારે ફાયદો થયો.

ફ્રાંસને સૌથી શક્તિશાળી દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો અને નેધરલૅન્ડ અને સ્વિટ્‌ઝરલૅન્ડને આઝાદી આપવામાં આવી. યુદ્ધને લીધે સૌથી વધારે નુકસાન પામેલી જર્મન હકૂમતને આ કરારથી ફાયદો નહિ પરંતુ નુકસાન થયું. હવે જર્મનનું શું થશે એનો નિર્ણય કંઈક હદ સુધી બીજા દેશોના હાથમાં હતો. ધ ન્યૂ એન્સાક્લોપેડિયા બ્રિટાનિકા રિપોર્ટ આપે છે: “ફ્રાંસ, સ્વીડન અને ઑસ્ટ્રિયા જેવા ખાસ દેશોને ફાયદો થતો હતો એવી જ રીતે જર્મનીને શું શું મળશે અથવા તે શું ખોશે એ પણ નક્કી કરવામાં આવ્યું.” આ કરારથી જર્મન હકૂમત એકતામાં આવવાને બદલે પહેલાની જેમ જ વિખેરાઈ ગઈ. એટલું જ નહિ, જર્મનીનો કેટલોક ભાગ વિદેશી હકૂમતના હાથમાં સોંપી દેવામાં આવ્યો. એમાં જર્મનીની મુખ્ય નદી રાઈન, એલબે અને ઑડરના કેટલાક વિસ્તારનો પણ સમાવેશ થાય છે.

કૅથલિક, લ્યૂથરન અને કેલ્વિનીસ્ટ ત્રણેવ ધર્મોને માન આપવામાં આવ્યું. પરંતુ એનાથી બધા લોકો ખુશ ન હતા. પોપ ઈનોસેંટ દસમો તો આ કરારની એકદમ વિરુદ્ધ હતા. તેમણે તો જાહેરમાં કહ્યું કે આ કરાર ખોખલો અને નકામો છે. તોપણ, ધર્મના વિષે જે નિર્ણય કરવામાં આવ્યો હતો એમાં પછીની ત્રણ સદીઓ સુધી કંઈ ખાસ ફેરફાર આવ્યો નહિ. હજુ સુધી લોકોને કોઈ પણ ધર્મમાં માનવાની આઝાદી આપવામાં આવી ન હતી, પરંતુ, એ દિશામાં જવાનું આ પહેલું પગલું હતું.

આ કરારના લીધે ત્રીસ વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવ્યો અને એની સાથે સાથે કંઈક હદે અંદરોઅંદરની દુશ્મની ઓછી થઈ ગઈ. આ યૂરોપમાં ધર્મને નામે લડવામાં આવેલા મોટા યુદ્ધોમાં છેલ્લું યુદ્ધ હતું. આના પછી પણ યુદ્ધો થતા રહ્યા, પરંતુ ફર્ક એટલો હતો કે એ ધર્મના નામ પર નહિ પરંતુ રાજકારણ કે વેપાર-ધંધાના નામે થતા હતા. એનો મતલબ એ ન હતો કે યૂરોપમાં જે કોઈ લડાઈ-ઝઘડા થયા એમાં ધર્મનો કોઈ હાથ ન હતો. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જર્મનીના સૈનિકોને બેલ્ટના બકલમાં એક પ્રખ્યાત સૂત્ર લખવામાં આવ્યું હતું, “પરમેશ્વર અમારી સાથે છે.” આ ભયંકર યુદ્ધોમાં એકવાર ફરીથી કૅથલિક અને પ્રોટેસ્ટંટે સાથે મળીને એકબીજા વિરુદ્ધ હથિયાર ઉઠાવ્યા.

એનાથી જોવાય છે કે વેસ્ટફેલિયાનો કરાર હંમેશ માટેની શાંતિ લાવી શક્યો નહિ. એ તો ગઈ ગુજરી પરંતુ, હવે આપણે જલદી જ આવી સુખશાંતિ અનુભવીશું. યહોવાહ પરમેશ્વર તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તના રાજ્ય દ્વારા આપણા માટે હંમેશ માટેની શાંતિ લાવશે. પરમેશ્વની સરકારમાં, ફક્ત એક જ સાચો ધર્મ હશે એનાથી લોકોમાં વિભાજન નહિ પરંતુ સંપ આવશે. માણસો કોઈ ધર્મો કે બીજા કોઈપણ કારણોસર યુદ્ધમાં જશે નહિ. ઈશ્વરની સરકાર આખી પૃથ્વી પર સત્તા ચલાવશે અને એ સમયે “શાંતિનો પાર રહેશે નહિ” ત્યારે કેટલી શાંતિ હશે!—યશાયાહ ૯:૬, ૭.

[પાન ૨૧ પર બ્લર્બ]

જે યુદ્ધની શરૂઆત કૅથલિક અને પ્રોટેસ્ટંટની વચ્ચે શરૂ થઈ હતી એમાં હવે કૅથલિકોએ બીજા કૅથલિક સાથે લડવા પ્રોટેસ્ટંટને સાથ આપ્યો

[પાન ૨૨ પર બ્લર્બ]

એક બાજુ કૅથલિક સૈનિકો “સેંટ મારિયા”ના સૂત્ર ઉચ્ચારતા નીકળ્યા તો બીજી બાજુ પ્રોટેસ્ટંટ સૈનિક “પરમેશ્વર અમારી સાથે છે” એવા રાડા પાડતા હતા

[પાન ૨૧ પર ચિત્ર]

કાર્ડિનલ રીશાલ્યૂ

[પાન ૨૩ પર ચિત્ર]

સોળમી સદીનું ચિત્રકામ જેમાં લ્યૂથર, કેલવિન અને પોપની વચ્ચે થતી ઝપાઝપી બતાવવામાં આવી છે

[પાન ૨૦ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

From the book Spamers Illustrierte Weltgeschichte VI

[પાન ૨૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

ધર્મગુરુઓ વચ્ચે ઝપાઝપી: From the book Wider die Pfaffenherrschaft; નકશો: The Complete Encyclopedia of Illustration/J. G. Heck