સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અમારા પર યહોવાહના આશીર્વાદોનો વરસાદ

અમારા પર યહોવાહના આશીર્વાદોનો વરસાદ

મારો અનુભવ

અમારા પર યહોવાહના આશીર્વાદોનો વરસાદ

જ્યોર્જ અને એન એલ્જીઅનના જણાવ્યા પ્રમાણે

મેં અને મારી પત્નીએ કદી સ્વપ્નમાંય વિચાર્યું ન હતું કે અમે એક દિવસ “શિક્ષક” શબ્દને બદલે “ઉંદર” કહીશું. અરે, એવું પણ કદી વિચાર્યું ન હતું કે સાઠેક વર્ષની ઉંમરે અમે દૂર દૂર પૂર્વના દેશના લોકો સાથે વાત કરવા, જાત-જાતના આકારવાળા અક્ષરો શીખતા હોઈશું. તોપણ, હું અને એન ૧૯૮૦ પછીનાં વર્ષોમાં એમ જ કરવા લાગ્યા. ચાલો હું તમને અમારા જીવન વિષે જણાવું. તમે જ જુઓ કે કઈ રીતે યહોવાહ અમને ભરપૂર આશીર્વાદો આપી રહ્યા છે.

મારું કુટુંબ આર્મેનિયાથી આવતું હોવાથી, આર્મેનિયાના ચર્ચમાં જતું હતું. જોકે, એન રોમન કૅથલિક હતી. અમે ૧૯૫૦માં લગ્‍ન કર્યા ત્યારે, ધર્મની આવી દીવાલ તોડી નાખી. મારી ઉંમર ૨૭ અને એનની ૨૪ વર્ષની હતી. જર્સી સીટી, ન્યૂ જર્સી, યુ.એસ.એ.માં મારી ડ્રાય-ક્લીનીંગની દુકાન હતી. અમે એ દુકાનની ઉપરના એપાર્ટમેન્ટમાં રહેવા લાગ્યા. હું મારો આ ધંધો લગભગ ચાર વર્ષથી ચલાવતો હતો.

અમે ૧૯૫૫માં મીડલ-ટાઊન, ન્યૂ જર્સીમાં સુંદર ત્રણ બેડરૂમનું ઘર લીધું. અમારું ઘર મારી દુકાનથી લગભગ ૬૦ કિ.મી. દૂર હતું, જ્યાં હું અઠવાડિયાના છ દિવસ કામ કરતો. હું દરરોજ રાત્રે ઘરે મોડો આવતો. યહોવાહના સાક્ષીઓને હું ફક્ત મારી દુકાને જ મળતો, જ્યારે તેઓ અમુક વાર આવતા અને મને બાઇબલ સાહિત્ય આપી જતા. મને એ વાંચવાનું બહુ જ ગમતું. ખરું કે મારો મોટા ભાગનો સમય ધંધામાં જતો, તેમ છતાં મને બાઇબલ બહુ જ ગમતું.

મને ખબર પડી કે વૉચટાવર રેડિયો સ્ટેશન (WBBR) બાઇબલ પર પ્રવચનો આપે છે. એનો સમય હું મારી દુકાને જતો અને પાછો આવતો એ જ હતો. તેથી, હું મારી કારના રેડિયો પર એ પ્રવચનો ધ્યાનથી સાંભળવા લાગ્યો. આખરે, મેં યહોવાહના સાક્ષીઓને મારી સાથે વાત કરવા બોલાવ્યા. નવેમ્બર ૧૯૫૭માં જ્યોર્જ બ્લેન્ટન મારા ઘરે આવ્યા અને મારી સાથે બાઇબલ સ્ટડી કરવા લાગ્યા.

યહોવાહની ભક્તિ કરતું અમારું કુટુંબ

મારી પત્ની એનને આ વિષે કેવું લાગ્યું? લો, તેની પાસેથી જ સાંભળો.

“પહેલા પહેલા તો હું સખત વિરોધ કરવા માંડી. જ્યોર્જની બાઇબલ સ્ટડી ચાલતી ત્યારે, હું એટલી ધમાલ કરતી કે તેમણે બીજી જગ્યાએ જઈને સ્ટડી કરવી પડી. આમ આઠ મહિના ચાલ્યું. એ સમયમાં જ્યોર્જ રવિવારે કિંગ્ડમ હૉલ મિટિંગમાં પણ જવા લાગ્યા. મને ખબર પડી કે હવે તે એકના બે નહિ થાય, કેમ કે રવિવાર એક જ દિવસ હતો જ્યારે તેમને રજા રહેતી હતી. તેમ છતાં પણ તે મિટિંગમાં જતા હતા. તે બહુ જ સારા પતિ અને અમારાં બાળકોના પિતા હતા, પણ તેમનો સ્વભાવ હજુ પણ વધારે સારો થયો. આ બધું જોઈને મારો સ્વભાવ બદલાવા લાગ્યો. ટેબલ સાફ કરતી વખતે, જ્યોર્જે એના પર મૂકેલા અવેક! મૅગેઝિન લઈને, હું કોઈ કોઈ વાર વાંચતી. કોઈ વાર જ્યોર્જ મને અવેક!માંથી એવા લેખો વાંચી સંભળાવતા, જે ધાર્મિક ન હતા પણ ઈશ્વર વિષે શીખવતા હતા.

“એક સાંજે જ્યોર્જ ભાઈ બ્લેન્ટન સાથે બાઇબલ સ્ટડી કરવા ગયા હતા. હું પથારીમાં પડી. બાજુના ટેબલ પર અમારા બે વર્ષના દીકરા, જ્યોર્જે એક પ્રકાશન મૂક્યું હતું. મારી નજર એના પર પડી અને હું એ વાંચવા લાગી. એ મૂએલાં માટેની આશા વિષે હતું. હું થાકી ગઈ હતી છતાં, એ વાંચવા લાગી કેમ કે મારા નાનીમા હમણાં જ મરણ પામ્યા હતા. મને એનું ખૂબ દુઃખ હતું. મને તરત જ ખ્યાલ આવ્યો કે આ જ સત્ય હોવું જોઈએ. એમાં જણાવ્યું હતું કે બાઇબલ પ્રમાણે મૂએલાં કોઈ જગ્યા પીડાતા નથી અને તેઓનું સજીવન થશે. હું વાંચતી વાંચતી પથારીમાં બેઠી થઈ ગઈ. હું તો વાંચતી ગઈ તેમ લીટીઓ દોરતી ગઈ, જેથી જ્યોર્જ આવે ત્યારે ખાસ મુદ્દા બતાવી શકું.

“મારા પતિ તો આવીને મને જોઈ જ રહ્યા. તેમણે બાઇબલ અભ્યાસ કરવાનું શરૂ કર્યું ત્યારે તો હું તેમનો સખત વિરોધ કરતી હતી. આજે હું બાઇબલમાંથી સત્ય શીખીને મારા પતિને હોંશે-હોંશે જણાવતી હતી! એ રાતે અમે બંને ઉજાગરો કરીને લગભગ સવાર સુધી જાગતા રહ્યા અને બાઇબલ વિષે વાતો કરતા રહ્યા. જ્યોર્જે મને પૃથ્વી માટે પરમેશ્વરનો હેતુ જણાવ્યો. મેં એ રાત્રે જ જ્યોર્જને કહ્યું કે જો તે ઘરે સ્ટડી કરે તો હું પણ એમાં બેસી શકું.

“ભાઈ બ્લેન્ટને સલાહ આપી કે જો બાળકો પણ અમારી સાથે અભ્યાસમાં બેસે તો સારું. અમે કહ્યું કે બે અને ચાર વર્ષનાં બાળકો શું સમજશે. ભાઈ બ્લેન્ટને અમને આ કલમ બતાવી: ‘લોકોને, એટલે પુરુષોને તથા સ્ત્રીઓને તથા બાળકોને, એકઠા કરજે, એ માટે કે તેઓ સાંભળે તથા શીખે.’ (પુનર્નિયમ ૩૧:૧૨) અમે તેમની સલાહની કદર કરી અને બાઇબલ અભ્યાસમાં બાળકો જવાબ આપી શકે એ માટે તેઓને મદદ કરી. અમે સાથે જવાબ તૈયાર કરતા, પણ તેઓને કદી પણ કહેતા નહિ કે તેઓએ શું કહેવું. અમને લાગે છે કે સમય જતાં એનાથી બાળકો પોતે સત્ય પારખી શક્યા. અમારા કુટુંબને યહોવાહની ભક્તિમાં પ્રગતિ કરવા જે મદદ કરી, એ માટે ભાઈ બ્લેન્ટનની અમે હંમેશાં કદર કરીએ છીએ.”

નવા સંજોગોમાં કરેલા ફેરફારો

હવે અમે કુટુંબ તરીકે સાથે અભ્યાસ કરતા હતા, પણ બીજી મુશ્કેલીઓ ઊભી થઈ. મારી દુકાન ઘરથી દૂર હતી ઘરે આવતા સુધીમાં તો રાત્રે નવ વાગી જતા. તેથી, હું ફક્ત રવિવારે જ મિટિંગમાં જઈ શકતો. એન બધી જ મિટિંગોમાં જતી અને તેણે ઝડપથી પ્રગતિ કરી. મારે પણ એમ જ કરવું હતું અને સારી રીતે કુટુંબ સાથે અભ્યાસ પણ કરવો હતો. મને ખબર હતી કે એ માટે મારે કંઈક તો જતું કરવું જ પડશે. મેં નક્કી કર્યું કે મારા ધંધામાં કામના કલાકો ઓછા કરી નાખવા, ભલેને અમુક ઘરાકો ગુમાવવા પડે.

એનાથી ઘણું જ સારું થયું. અમે અમારા કુટુંબ તરીકેના અભ્યાસને પણ કિંગ્ડમ હૉલની પાંચ મિટિંગ જેવો જ ગણતા. અમે એને છઠ્ઠી મિટિંગ કહેતા. દર બુધવારે રાત્રે આઠ વાગ્યે અમે એનો સમય નક્કી કર્યો. અમે જમી-પરવારીને વાસણ ગોઠવી દઈએ એટલે કહેતા, “આપણી ‘મિટિંગનો’ સમય થઈ ગયો છે!” જો મને દુકાનેથી આવતા મોડું થાય, તો એન અભ્યાસ શરૂ કરી દેતી, પછી હું આવું એટલે હું એ ચાલુ રાખતો.

અમને કુટુંબ તરીકે યહોવાહની ભક્તિમાં પ્રગતિ કરવા, દરરોજના શાસ્ત્રવચને પણ મદદ કરી. અમે એ દરરોજ કુટુંબ તરીકે સાથે જ વાંચતા. જોકે પહેલા તો એ પણ સહેલું ન હતું, કેમ કે અમે દરેક જુદા જુદા સમયે ઊઠતા. અમે કુટુંબ તરીકે નક્કી કર્યું કે બધા જ એક સમયે ઊઠી જઈએ. સવારે સાડા છ વાગ્યે ચા-નાસ્તો કરીને દરરોજના વચનની પણ ચર્ચા કરતા. આ ગોઠવણ એક આશીર્વાદ સાબિત થઈ. અમારા બંને દીકરાઓએ મોટા થઈને બેથેલમાં જવાનું પસંદ કર્યું. અમને લાગે છે કે દરરોજ બાઇબલની ચર્ચાએ તેઓને ઘણી મદદ કરી.

બાપ્તિસ્મા પછી વધારે ફેરફારો

હું ૧૯૬૨માં બાપ્તિસ્મા પામ્યો. હું મારા કુટુંબ સાથે વધારે સમય કાઢીને યહોવાહની સેવા શરૂ કરી શકું માટે, મેં ૨૧ વર્ષોનો ધંધો વેચી દીધો અને ઘર પાસે જ નોકરી કરવા લાગ્યો. એનાથી અમને ઘણા આશીર્વાદો મળ્યા. અમે બધાએ નક્કી કર્યું કે અમે પાયોનિયર સેવા કરીએ. એની શરૂઆત ૧૯૭૦ પછીનાં વર્ષોમાં થઈ, જ્યારે અમારો મોટો દીકરો, એડવર્ડ હાઈ-સ્કૂલ પછી પાયોનિયર બન્યો. થોડા સમય પછી બીજો દીકરો જ્યોર્જ પણ પાયોનિયર બન્યો અને એન પણ જલદી જ પાયોનિયર બની. મને તેઓ પાસેથી બહુ જ ઉત્તેજન મળતું, કેમ કે એ ત્રણેય આવીને મને પ્રચારના અનુભવો જણાવતા. પછી, અમે કુટુંબ તરીકે ચર્ચા કરી કે કઈ રીતે જીવન સાદું બનાવીએ, જેથી અમે ચારેય પાયોનિયર સેવાનો આનંદ માણી શકીએ. અમે અમારું ઘર વેચી દેવાનો નિર્ણય કર્યો. અમે એ ઘરમાં ૧૮ વર્ષોથી રહેતા હતા અને એ જાણે અમારા કુટુંબનો માળો બની ગયું હતું. અમને એ ઘર બહુ જ ગમતું હતું, પણ એ વેચવાના નિર્ણયને યહોવાહે આશીર્વાદ આપ્યો.

એડવર્ડને ૧૯૭૨માં બેથેલમાં બોલાવવામાં આવ્યો અને જ્યોર્જને ૧૯૭૪માં એ આમંત્રણ મળ્યું. ખરું કે હું અને એન તેઓને બહુ જ યાદ કરતા હતા. પરંતુ, અમે એવું વિચારતા નહિ કે તેઓ આપણી સાથે હોય, લગ્‍ન કરે અને આપણે દાદા-દાદી બનીએ તો કેવું સારું! એને બદલે, અમારા દીકરાઓ બેથેલમાં યહોવાહની સેવા કરે છે, એ વિચારીને અમારું હૈયું હરખાઈ ઊઠતું. * અમે આ શબ્દો મનમાં રાખતા કે “મારા દીકરા, જો તારૂં હૃદય જ્ઞાની થશે, તો મારૂં હૃદય હરખાશે.”—નીતિવચનો ૨૩:૧૫.

સ્પેશિયલ પાયોનિયર સેવા

અમારા બંને દીકરા બેથેલમાં ગયા પછી પણ અમે પાયોનિયર સેવા ચાલુ રાખી. પછી ૧૯૭૫માં એક દિવસે અમને પત્ર મળ્યો. એમાં આમંત્રણ હતું કે ક્લીન્ટન કાઉન્ટી, ઈલેનોઈસ જેની ટેરેટરી કોઈને સોંપાયેલી ન હતી, એમાં સ્પેશિયલ પાયોનિયર તરીકે સેવા આપવાનું અમને ગમશે કે કેમ. આ કેવો આશીર્વાદ કહેવાય! આનો અર્થ એ કે અમારે ન્યૂ જર્સી છોડી જવું પડશે, જ્યાંથી અમે અમારા દીકરાઓને ન્યૂ યૉર્કમાં મળવા જઈ શકતા હતા. વળી, અમારાં સગાં-વહાલાં પણ અહીં જ હતાં. પરંતુ, અમે માન્યું કે આ તો યહોવાહે પોતે સોંપેલું કામ છે, જે અમે ખુશીથી કરીશું. એના અમને બમણાં આશીર્વાદો મળ્યા.

થોડા મહિનાઓ ત્યાં પ્રચાર કર્યા પછી, અમે કાર્લાઈલ, ઈલેનોઈસમાં એક સમાજના હૉલમાં મિટિંગોની ગોઠવણ કરી. પણ અમારે મિટિંગ માટે કાયમી જગ્યાની ગોઠવણ કરવી હતી. ત્યાંના એક ભાઈ અને તેની પત્નીએ એક જગ્યા શોધી કાઢી. એ જગ્યાની સાથે નાનકડું ઘર પણ હતું, જે અમે ભાડે રાખ્યું. અમે બહાર આવેલા ટોયલેટ સહિત, બધું સાફસૂફ કરી નાખ્યું. પછી, એમાં મિટિંગોની ગોઠવણ કરી. અમને એક ઘોડો યાદ છે, જેને થતું હશે કે આ બધું શું થઈ રહ્યું છે. એ ઘોડો અવારનવાર બારીમાંથી અંદર ડોકિયું કરતો, જેથી શું ચાલે છે એ જોઈ શકે!

સમય જતાં, કાર્લાઈલ મંડળ થયું જેમાં અમારા ભાગ માટે અમે બહુ જ ખુશ હતા. અમને સ્ટીવ અને કેરીલ થોમ્પસન નામના યુવાન પતિ-પત્નીનો પણ સાથ હતો, તેઓ પણ અમારી જેમ એ વિસ્તારમાં પ્રચાર કરવા આવ્યા હતા. તેઓ ત્યાં થોડાં વર્ષો રહ્યા. પછી, તેઓ ગિલયડની વૉચટાવર બાઇબલ સ્કૂલમાં ગયા અને મિશનરી તરીકે પૂર્વ આફ્રિકા ગયા. ત્યાં તેઓ હવે મંડળોની મુલાકાત લઈને સેવા આપે છે.

બહુ જલદી જ અમને અમારી મિટિંગની જગ્યા પણ નાની પડવા લાગી. એટલે અમારે મોટો હૉલ શોધવાની જરૂર પડી. ફરીથી ત્યાંના પેલા યુગલે મદદ કરી અને એવી જગ્યા ખરીદી જે કિંગ્ડમ હૉલ બાંધવા માટે યોગ્ય હતી. જ્યારે કાર્લાઈલમાં કિંગ્ડમ હૉલના સમર્પણ માટે અમને આમંત્રણ મળ્યું, ત્યારે અમારી ખુશીનો પાર ન હતો! મને એની ટૉક આપવાનો આશીર્વાદ મળ્યો હતો. ત્યાં અમે આપેલી સેવા ખરેખર અમારા માટે સરસ અનુભવ અને યહોવાહનો મોટો આશીર્વાદ હતો.

અમારા માટે હજુ બીજો આશીર્વાદ

અમને ૧૯૭૯માં હેરિસન શહેર, ન્યૂ જર્સીમાં જવાનું કહેવામાં આવ્યું. અમે ત્યાં લગભગ ૧૨ વર્ષ સેવા આપી. એ સમયે અમે એક ચાઈનીઝ સ્ત્રી સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો, જેના દ્વારા બીજા ઘણા ચાઈનીઝ લોકો સાથે અભ્યાસ શરૂ થયો. અમને જાણવા મળ્યું કે એ વિસ્તારમાં તો હજારો ચાઈનીઝ વિદ્યાર્થીઓ અને કુટુંબો રહેતા હતા. તેથી, અમને ચાઈનીઝ ભાષા શીખવાનું ઉત્તેજન આપવામાં આવ્યું. ખરું કે અમારે દરરોજ ભાષા શીખવા સમય કાઢવો પડતો હતો, પણ એનાથી ઘણા જ ચાઈનીઝ લોકો સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરી શક્યા.

અમે ચાઈનીઝ બોલવાનો પ્રયત્ન કરતા એમ, ઘણું જ હસવું આવે એવા અનુભવો થયા. એક દિવસ પ્રચારમાં મારી પત્નીએ એક સ્ત્રીને કહ્યું કે પોતે બાઇબલનું “ઉંદર” છે. જોકે, એન કહેવા માંગતી હતી કે પોતે બાઇબલની “શિક્ષક” છે. ચાઈનીઝમાં એ બંને શબ્દો બહુ સરખા જ છે. પેલી સ્ત્રીએ હસીને કહ્યું: “આવો, આવો, ઘરમાં આવો. મેં કદી પણ બાઇબલના ઉંદર સાથે વાત કરી નથી.” જોકે, અમે હજુ પણ ભાષામાં એક્સપર્ટ થયા નથી.

પછી, અમને ન્યૂ જર્સીમાં બીજી જગ્યાએ મોકલવામાં આવ્યા, જ્યાં અમે ચાઈનીઝ લોકોમાં પ્રચાર કરી શકીએ. પછીથી, અમને બૉસ્ટન, મેસાચ્યુસીટ્‌સ મોકલાયા, જ્યાં ત્રણેક વર્ષથી ચાઈનીઝ ગ્રૂપ ચાલી રહ્યું હતું. ખરેખર, આ હજુ બીજો એક આશીર્વાદ હતો. હવે અમે છેલ્લાં સાત વર્ષોથી તેઓ સાથે છીએ અને જાન્યુઆરી ૧, ૨૦૦૩માં એ મંડળ થતા જોવાનો આનંદ પણ માણ્યો છે.

યહોવાહના આશીર્વાદોનો વરસાદ

માલાખી ૩:૧૦માં આપણે વાંચીએ છીએ કે યહોવાહ પોતાના ભક્તોને અર્પણો અને બલિદાન લાવવાનું કહે છે. જેથી, યહોવાહ પોતે તેઓ પર આશીર્વાદોનો વરસાવે. મને ગમતો ધંધો અમે જતો કર્યો. અમે અમારું સુંદર મજાનું ઘર વેચી દીધું. તેમ જ બીજી ઘણી બાબતોનો પણ અમે મોહ રાખ્યો નહિ. તોપણ, યહોવાહના આશીર્વાદોની સામે એ તો કંઈ જ નથી.

ખરેખર, યહોવાહે અમારા જીવનમાં કંઈ કેટલા આશીર્વાદો આપ્યા છે! અમારાં બાળકો યહોવાહના ભક્તો બન્યા. અમે પોતે જીવન બચાવનાર કાર્યમાં પૂરો સમય આપી શકીએ છીએ. તેમ જ, યહોવાહે અમારી બધી જ જરૂરિયાતો પૂરી પાડી, અમને કશાની ખોટ રહી નથી. સાચે જ, અમારા પર યહોવાહના આશીર્વાદોનો વરસાદ વરસતો રહ્યો છે!

[ફુટનોટ]

^ અમારા બંને દીકરાઓ હજુ પણ બેથેલમાં યહોવાહને સેવા આપે છે. એડવર્ડ અને તેની પત્ની, કોની પેટરસનમાં અને જ્યોર્જ અને તેની પત્ની, ગ્રેસ બ્રુકલિનમાં છે.

[પાન ૨૫ પર ચિત્ર]

એનની સાથે લુઈસ અને જ્યોર્જ બ્લેન્ટન, ૧૯૯૧

[પાન ૨૬ પર ચિત્ર]

કાર્લાઈલનો કિંગ્ડમ હૉલ, જેનું સમર્પણ જૂન ૪, ૧૯૮૩માં થયું

[પાન ૨૭ પર ચિત્ર]

બૉસ્ટનના નવા નવા ચાઈનીઝ ગ્રૂપ સાથે

[પાન ૨૮ પર ચિત્ર]

એડવર્ડ, કોની, જ્યોર્જ અને ગ્રેસ સાથે