સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જંગલી જાનવરનો અર્થ શું થાય?

જંગલી જાનવરનો અર્થ શું થાય?

જંગલી જાનવરનો અર્થ શું થાય?

શું તમને ઉખાણાનો જવાબ શોધવો ગમે છે? તમને એનો જવાબ શોધવામાં થોડી મદદ મળે તો એ સહેલું બની શકે, ખરું ને? એક ભયાનક જાનવરનું નામ કે એની છાપ, ૬૬૬નો અર્થ સમજવો એક ઉખાણા જેવું છે. ચાલો આપણે બાઇબલના પુસ્તક, પ્રકટીકરણના ૧૩મા અધ્યાયના એ ઉખાણાનો જવાબ શોધી કાઢીએ.

આ લેખમાં આપણે ચાર પુરાવા જોઈશું. એ આપણને આ ભયાનક જાનવરનું નામ અને એની છાપનો અર્થ સમજવા મદદ કરશે. એ ચાર પુરાવા આ છે: (૧) બાઇબલના સમયમાં અમુક વાર નામ થતી પસંદગી. (૨) એ ડરામણા જાનવરની ઓળખ. (૩) ૬૬૬ “માણસના નામની સંખ્યા” શું છે? (૪) નંબર ૬નો અર્થ અને ત્રણ વાર ૬૦૦+૬૦+૬=૬૬૬ એટલે શું?—પ્રકટીકરણ ૧૩:૧૮.

બાઇબલના સમયમાં નામનો અર્થ

બાઇબલના સમયમાં પરમેશ્વર કોઈને પણ નામ આપતા એનું ખાસ મહત્ત્વ હતું. દાખલા તરીકે, ઈશ્વરે કહ્યું હતું, કે ઈબ્રામ [અબ્રામ] પ્રજાઓનો પિતા થશે. તેથી, પરમેશ્વરે તેમનું નામ બદલીને અબ્રાહામ રાખ્યું, જેનો અર્થ “પ્રજાઓનો પિતા” થાય છે. (ઉત્પત્તિ ૧૭:૫, IBSI) એવી જ રીતે મરિયમને ઈશ્વરની શક્તિથી જે બાળક થવાનું હતું તેનું નામ ઈસુ પાડવાનું કહ્યું. જેનો મૂળ હેબ્રી ભાષામાં અર્થ થાય, “યહોવાહ તારણહાર છે.” (માત્થી ૧:૨૧; લુક ૧:૩૧) એ નામનો કેવો ઊંડો અર્થ રહેલો છે! તેથી, ઈસુ ખ્રિસ્તના સેવાકાર્ય અને તેના બલિદાન દ્વારા યહોવાહે આપણા માટે તારણ કે ઉદ્ધારનો માર્ગ ખોલ્યો.—યોહાન ૩:૧૬.

એવી જ રીતે, ભયાનક જાનવરનાં લક્ષણો અને તેનાં કાર્યો પ્રમાણે પરમેશ્વરે એને ૬૬૬ નંબર આપ્યો. જેનો ઊંડો અર્થ થતો હશે. એ જાણવા માટે આપણે ભયાનક જાનવરને ઓળખવાની જરૂર છે. જેથી આપણે એનાં લક્ષણો પારખી શકીએ. તેમ જ એનાં કાર્યો વિષે પણ જાણી શકીએ.

ભયાનક જાનવરની ઓળખ

બાઇબલમાં દાનીયેલનું પુસ્તક, એ જાનવર પર ઘણો પ્રકાશ ફેંકે છે. દાનીયેલના સાતમા અધ્યાયમાં ‘ચાર મોટાં જાનવરો’ સિંહ, રીંછ, ચિત્તો અને લોઢાના દાંતવાળા શ્વાપદનું વિવિધ ચિત્ર આપવામાં આવ્યું છે. (દાનીયેલ ૭:૨-૭) દાનીયેલ જણાવે છે કે આ જંગલી જાનવરો “રાજાઓ” અથવા દુનિયાની સરકારોને દર્શાવે છે. જે એક પછી એક આવીને મોટા સામ્રાજ્ય પર રાજ કરશે.—દાનીયેલ ૭:૧૭, ૨૩.

પ્રકટીકરણ ૧૩:૧, ૨માં એક ભયાનક જાનવર વિષે જણાવવામાં આવ્યું છે. એના વિષે બાઇબલ ભાષાંતરની ડિક્શનરી (અંગ્રેજી) જણાવે છે કે “દાનીયેલે જે ચાર જાનવરો સંદર્શનમાં જોયાં હતાં, એનાં બધાં લક્ષણો એ ભયાનક જાનવરમાં છે. . . . [પ્રકટીકરણના] પહેલા ડરામણા જાનવરમાં બધી જ સરકારોનો સમાવેશ થાય છે. જેઓ યહોવાહ પરમેશ્વરનો વિરોધ કરે છે.” એના વિષે પ્રકટીકરણ ૧૩:૭ પણ પુરાવો આપે છે. એમાં એ જાનવર વિષે આમ કહેવામાં આવ્યું: ‘દરેક જાતિ તથા પ્રજા તથા ભાષા તથા દેશ પર તેને અધિકાર આપવામાં આવ્યો.’ *

બાઇબલમાં શા માટે સરકારોને દર્શાવવા ભયાનક જાનવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે? એનાં બે કારણો છે. પહેલું કે, ભૂખ્યા જંગલી જાનવરની જેમ સદીઓથી સરકારોએ લોહીની નદીઓ વહેવડાવી છે. ઇતિહાસકાર વિલ અને એરીયલ ડ્યુરન્ટે લખ્યું: “આખા ઇતિહાસમાં યુદ્ધો જ જોવા મળે છે. લોકશાહી સરકારો આવી અને સમાજમાં સુધારો થયો, તોપણ યુદ્ધો ઓછાં થયાં નથી.” સભાશિક્ષક ૮:૯, કહે છે: “માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.” શું એ સાચું નથી? બીજું કારણ એ છે કે ‘શ્વાપદને અજગરે શેતાને પોતાનું પરાક્રમ, પોતાનું રાજ્યાસન તથા મોટો અધિકાર આપ્યાં છે.’ (પ્રકટીકરણ ૧૨:૯; ૧૩:૨) આમ, શેતાને મનુષ્યની સરકારો ઊભી કરી છે. તેથી તેઓમાં ભૂખ્યા પ્રાણી કે અજગર જેવું વલણ જોવા મળે છે.—યોહાન ૮:૪૪; એફેસી ૬:૧૨.

પરંતુ એનો એવો અર્થ થતો નથી કે દરેક સરકાર શેતાનના હાથની કઠપૂતળી છે. ખરું કહીએ તો, એક રીતે સરકારો “દેવના કારભારી” તરીકે કામ કરે છે. તેઓ સમાજનું રક્ષણ કરે છે, નહિતર ચારે બાજુ અંધાધૂંધી છવાયેલી હોત. અમુક નેતાઓ માનવ હક્ક અને સાચો ધર્મ પાળવાનો હક્ક પણ આપે છે, જે શેતાનને જરાય પસંદ નથી. (રૂમી ૧૩:૩, ૪; એઝરા ૭:૧૧-૨૭; પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૭) તેમ છતાં, આજની તારીખ સુધી કોઈ મનુષ્ય કે સંગઠન દુનિયામાં શાંતિ-સલામતી લાવી શક્યું નથી, કારણ કે તેઓ શેતાનની અસર હેઠળ છે. *યોહાન ૧૨:૩૧.

“માણસના નામની સંખ્યા”

આ ઉખાણામાં ૬૬૬ નંબર સમજવા માટે ત્રીજું ચિહ્‍ન “માણસના નામની સંખ્યા” છે. એ નંબર કોઈ વ્યક્તિને લાગુ પડતો નથી. એ ભયાનક જાનવરને કાબૂમાં રાખનાર કોઈ વ્યક્તિ નહિ પણ શેતાન જ છે. (લુક ૪:૫, ૬; ૧ યોહાન ૫:૧૯; પ્રકટીકરણ ૧૩:૨, ૧૮) જાનવરની છાપ “માણસના નામની સંખ્યા” છે. એનો અર્થ એ થાય કે તેનામાં કોઈ દુષ્ટ આત્મા નથી, પણ એનાં લક્ષણો માણસો જેવાં છે. એ લક્ષણો કયા છે? બાઇબલ કહે છે કે: “સઘળાએ [માણસોએ] પાપ કર્યું છે, અને દેવના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે.” (રૂમી ૩:૨૩) આમ ‘માણસના નામની સંખ્યાથી’ ભયાનક જાનવર ઓળખાય છે. એ બતાવી આપે છે કે માણસની જેમ સરકારો પણ અપૂર્ણ છે.

ઇતિહાસ એનો પુરાવો આપે છે. અમેરિકાના સેક્રેટરી હેન્રી કિસ્સિંગર કહે છે: ‘દરેક વ્યક્તિ જન્મ્યા પછી મરણ પામે છે. ઇતિહાસ પુરાવો આપે છે કે લોકોનાં ઘણાં સ્વપ્નો અધૂરાં રહ્યા છે અને આશા નિષ્ફળ ગઈ છે. તેથી, ઇતિહાસકારોને આજે કે કાલે શું થશે એની કંઈ ખબર નથી.’ કિસ્સિંગરે બાઇબલની સુમેળમાં કહ્યું: “મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.”—યિર્મેયાહ ૧૦:૨૩.

આપણે જોયું કે ભયાનક જાનવર કોણ છે અને પરમેશ્વર એને કઈ રીતે જુએ છે. તેથી, ચાલો હવે આપણે એ ઉખાણાનો છેલ્લો ભાગ તપાસીએ કે ૬ નંબરનો અર્થ શું થાય? વળી, ૬૬૬ એમ ૬ નંબર ત્રણ વાર ૬૦૦+૬૦+૬ કેમ લખવામાં આવે છે?

કેમ ત્રણ વાર છ લખવામાં આવે છે?

બાઇબલમાં અમુક નંબરનો અર્થ થાય છે. જેમ કે, પરમેશ્વરની નજરમાં ૭ નંબરનો અર્થ સંપૂર્ણતા થાય છે. દાખલા તરીકે, બાઇબલ કહે છે કે પરમેશ્વરે સૃષ્ટિ અને પૃથ્વીને સાત ‘દિવસમાં’ ઉત્પન્‍ન કરી, કે જે સંપૂર્ણ હતી. (ઉત્પત્તિ ૧:૩-૨:૩) બીજી જગ્યાએ બાઇબલ કહે છે કે જેમ રૂપું કે ચાંદી “સાત વાર નિર્મળ” કે સાફ કરવામાં આવે, એમ પરમેશ્વરના શબ્દો શુદ્ધ કે પરખાયેલા છે. (ગીતશાસ્ત્ર ૧૨:૬; નીતિવચનો ૩૦:૫, ૬) વળી બીજી જગ્યાએ કહે છે કે નાઅમાનને કોઢ હતો, એને યરદન નદીમાં સાત વાર ડૂબકી મારવાની હતી. એમ કરવાથી તે એકદમ સાજો થઈ ગયો.—૨ રાજાઓ ૫:૧૦, ૧૪.

સાતની સંખ્યા માટે, છમાં એક ખૂટે. એ જ બતાવે છે કે પરમેશ્વરની નજરમાં એ અપૂર્ણ છે! (૧ કાળવૃત્તાંત ૨૦:૬, ૭) તેથી, ત્રણ વાર ૬ એટલે કે ૬૬૬ લખવામાં આવે છે, એ અપૂર્ણતા પર ભાર મૂકે છે. આપણે અગાઉ જોયું કે ૬૬૬, “માણસના નામની સંખ્યા” છે, જે ખરેખર અપૂર્ણતા બતાવે છે. ઇતિહાસ પુરાવો આપે છે કે જે રીતે મનુષ્ય અપૂર્ણ છે, એવી જ રીતે ભયાનક જાનવર પણ અપૂર્ણ છે. તેથી એ જાનવરનો રેકોર્ડ, એની “માણસના નામની સંખ્યા,” અને ૬૬૬ નંબર— આ બધું પુરાવો આપે છે કે યહોવાહની નજરમાં તે દરેક રીતે તદ્દન નિષ્ફળ ગયું છે.

ભયાનક જાનવરમાં જે ખામીઓ છે એ આપણને પ્રાચીન બાબેલોનના રાજા બેલ્શાસ્સારની યાદ અપાવે છે. યહોવાહે દાનીયેલ દ્વારા એ રાજાને કહ્યું: “આપ ત્રાજવામાં તોળાયા છો, ને કમતી [અધૂરા] માલૂમ પડ્યા છો.” એ રાત્રે બેલ્શાસ્સારને મારી નાખવામાં આવ્યો અને બાબેલોન સામ્રાજ્ય પડી ભાંગી પડ્યું. (દાનીયેલ ૫:૨૭, ૩૦) એવી જ રીતે, જાનવર રાજનીતિને અને જે લોકો પર એની છાપ છે તેઓને દર્શાવે છે. પરમેશ્વર તેઓનો ન્યાય કરશે ત્યારે તેઓ નાશ પામશે. પરમેશ્વર મનુષ્યની બધી સરકારોનું નામોનિશાન મીટાવી દેશે. (દાનીયેલ ૨:૪૪; પ્રકટીકરણ ૧૯:૧૯, ૨૦) તેથી, આપણા પર ભયંકર જાનવરની કોઈ પણ રીતે અસર ન લાગે, એ માટે બનતું બધું જ કરવું જોઈએ.

છાપનો અર્થ જાણવો

બાઇબલમાં પ્રકટીકરણના ૧૩મા અધ્યાયમાં ૬૬૬ નંબર વિષે વાત કર્યા પછી, પ્રકટીકરણ ૧૪મો અધ્યાય હલવાન એટલે ઈસુ ખ્રિસ્ત અને તેના ૧,૪૪,૦૦૦ શિષ્યોની વાત કરે છે. તેઓના કપાળ પર ઈસુ ખ્રિસ્ત અને તેમના પિતા, યહોવાહનું નામ લખ્યું છે. એનો અર્થ થાય કે તેઓ, યહોવાહ અને તેમના પુત્રની સંપત્તિ છે. તેઓ હિંમતથી યહોવાહ અને ઈસુ વિષે પ્રચાર કરે છે. એવી જ રીતે, જેઓ પર જાનવરની છાપ કે નિશાની છે તેઓ તેના ગુલામ છે. જેમ કે, જો કોઈને જમણા હાથ પર કે કપાળ પર એની નિશાની હોય, તો એ બતાવે છે કે તે જંગલી જાનવરની સરકારોને ટેકો આપે છે. આમ, પરમેશ્વરની ભક્તિ કરવાને બદલે તેઓ “કાઈસારને” એટલે કે સરકારને ભજે છે. (લુક ૨૦:૨૫; પ્રકટીકરણ ૧૩:૪, ૮; ૧૪:૧) એ કઈ રીતે? દેશભક્તિ કરવાથી, દેશના પ્રતીકોને ભજવાથી અને ઈશ્વરના બદલે સૈનિકોમાં ભરોસો રાખીને વ્યક્તિ એમ કરે છે. એમ કરવાથી તેઓ ફક્ત નામ પૂરતું જ યહોવાહને ભજે છે.

બાઇબલ આપણને ખાસ ઉત્તેજન આપે છે: “રાજાઓ પર ભરોસો ન રાખ, તેમજ માણસજાત પર પણ નહિ, કેમકે તેની પાસે તારણ નથી. તેનો પ્રાણ નીકળી જાય છે, તેનું શરીર ભૂમિમાં પાછું મળી જાય છે; તે જ દિવસે તેની ધારણાઓનો નાશ થાય છે.” (ગીતશાસ્ત્ર ૧૪૬:૩, ૪) એ સલાહ પ્રમાણે ચાલે છે, તેઓ છેતરાઈને જૂઠાં વચનોમાં ભરોસો મૂકશે નહિ. તેમ જ કોઈ સરકાર પોતાનાં વચનો ન પાળે અથવા લોકપ્રિય નેતાની પડતી થાય ત્યારે, તેઓ મૂંઝવાઈ જતા નથી.—નીતિવચનો ૧:૩૩.

એનો અર્થ એ નથી કે સાચા ખ્રિસ્તીઓ મૂંગે મોંએ ખેલ જોયા કરે છે. તેઓ એવી સરકાર વિષે પ્રચાર કરે છે, જે આપણી બધી મુશ્કેલીઓનો કાયમ માટે અંત લાવશે. એ સરકાર, પરમેશ્વરનું રાજ્ય છે.—માત્થી ૨૪:૧૪.

ફક્ત ઈશ્વરનું રાજ્ય જ આપણી આશા છે

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે પરમેશ્વરના રાજ્યનો જ પ્રચાર કર્યો હતો. (લુક ૪:૪૩) ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું કે પરમેશ્વરનું રાજ્ય પૃથ્વી પર આવે અને તેમની ઇચ્છા પૂરી થાય. આ પ્રાર્થનાને ઘણી વાર પ્રભુની પ્રાર્થના પણ કહેવામાં આવે છે. (માત્થી ૬:૯, ૧૦) એ સરકાર પૃથ્વીના કોઈ એક ખૂણામાંથી નહિ પણ સ્વર્ગમાંથી આખી દુનિયા પર રાજ કરશે. તેથી, ઈસુએ એને ‘સ્વર્ગનું રાજ્ય’ કહ્યું.—માત્થી ૧૧:૧૨, IBSI.

ઈસુએ આપણા માટે પોતાનું બલિદાન આપ્યું, જેથી આપણે પાપ અને મરણથી મુક્ત થઈએ. એમ કર્યા પછી પણ જો ઈસુ પરમેશ્વરના રાજ્યના રાજા બનવા માટે લાયક ન હોય, તો બીજું કોણ બની શકે? (યશાયાહ ૯:૬, ૭; યોહાન ૩:૧૬) ઈસુ ખ્રિસ્ત અત્યારે સ્વર્ગમાં યહોવાહના પસંદ થએલા રાજા છે. તે બહુ જ જલદી એ જંગલી જાનવરને, તેના રાજાઓ અને સૈન્યને “ગંધકથી બળનારી અગ્‍નિની ખાઈમાં” નાખી દેશે. એટલે કે તેઓનો સમૂળગો વિનાશ કરશે. એટલું જ નહિ પણ કોઈ મનુષ્ય કરી ન શકે, એવું મોટું કામ રાજા ઈસુ ખ્રિસ્ત કરશે. એ શું છે? શેતાનનો હંમેશ માટે નાશ કરશે.—પ્રકટીકરણ ૧૧:૧૫; ૧૯:૧૬, ૧૯-૨૧; ૨૦:૨, ૧૦.

પરમેશ્વરનું રાજ્ય ન્યાયી લોકો માટે શાંતિ લાવશે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯; ૪૬:૮, ૯) વળી શોક, રૂદન તથા મરણ સુદ્ધાં હશે નહિ. પોતાને જાનવરની છાપથી દૂર રાખે છે, તેઓ માટે કેટલું સુંદર ભાવિ રહેલું છે!—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

[ફુટનોટ્‌સ]

^ આ કલમોની વધારે જાણકારી માટે પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા હાથવેંતમાં છે! પુસ્તકનું ૨૮મું પ્રકરણ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ પ્રકાશિત કર્યું છે.

^ આપણે જાણીએ છીએ કે માનવ સરકાર ઘણી વાર જંગલી પ્રાણીની માફક વર્તે છે. તેમ છતાં, સાચા ખ્રિસ્તીઓ બાઇબલમાં માનતા હોવાથી તેઓ સરકારી “મુખ્ય અધિકારીઓને” આધીન રહે છે. (રૂમી ૧૩:૧) પરંતુ, આ અધિકારીઓ તેઓને પરમેશ્વરના નિયમની વિરુદ્ધમાં કામ કરવાનું કહે છે ત્યારે, તેઓ ‘માણસો કરતાં દેવનું વધારે માને છે.’—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯.

[પાન ૫ પર બોક્સ]

૬૬૬ નંબરના અર્થની નિશાનીઓ

૧. બાઇબલના સમયમાં વ્યક્તિની શાખ પરથી તેને નામ આપવામાં આવતું. જેમ કે, અબ્રાહામ, ઈસુ વગેરે. એવી જ રીતે, ભયાનક જાનવરનાં લક્ષણ પરથી ૬૬૬ નંબરનું નામ આપવામાં આવ્યું છે.

૨. બાઇબલમાં દાનીયેલના પુસ્તકમાં જુદાં જુદાં જાનવરો એટલે એક પછી એક રાજ્ય કે સામ્રાજ્ય આવીને દુનિયા પર રાજ કરશે. પ્રકટીકરણ ૧૩:૧, ૨માં એક ડરામણા જાનવર વિષે જણાવવામાં આવ્યું છે, જે બધી જ સરકારોને રજૂ કરે છે. તેઓ પર શેતાન રાજ કરે છે.

૩. ભયાનક જાનવરની છાપ “માણસના નામની સંખ્યા” છે. એનો અર્થ થાય કે તેનામાં કોઈ દુષ્ટ આત્મા નથી પણ એમાં માણસનાં લક્ષણો છે. એ બતાવી આપે છે કે માણસની જેમ સરકારો પણ અપૂર્ણ છે.

૪. યહોવાહ પરમેશ્વરની નજરમાં સાત નંબર સંપૂર્ણ છે. પરંતુ સાતમાં એક ખૂટતા છ અપૂર્ણ કહેવાય. એ કારણથી ૬ ત્રણ વાર ૬૬૬ લખવાથી અપૂર્ણતા પર ભાર મૂકે છે.

[પાન ૬ પર ચિત્ર]

માનવ સરકારો તદ્દન નિષ્ફળ ગઈ છે, ૬૬૬ નંબર એકદમ યોગ્ય છે

[ક્રેડીટ લાઈન]

ભૂખે મરતું બાળક: UNITED NATIONS/Photo by F. GRIFFING

[પાન ૭ પર ચિત્ર]

ઈસુ ખ્રિસ્તનું રાજ પૃથ્વી પર આવું હશે