સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જિંદગીની સફરમાં યહોવાહ પર ભરોસો મૂકો

જિંદગીની સફરમાં યહોવાહ પર ભરોસો મૂકો

જિંદગીની સફરમાં યહોવાહ પર ભરોસો મૂકો

દેવને પસંદ પડે એવો સેવક થવાને પ્રયત્ન કર.”૨ તીમોથી ૨:૧૫.

૧. ઈશ્વરની ભક્તિની આડે કેવા સંજોગો આવી શકે છે?

 દુનિયા દરરોજ બદલાતી રહે છે. વિજ્ઞાન અને ટૅક્નોલૉજીએ ખૂબ પ્રગતિ કરી છે. પરંતુ, સાથે સાથે લોકોના સંસ્કાર બગડતા જઈ રહ્યા છે. એટલે પહેલા લેખમાં જોયું તેમ, આપણે આ દુનિયાની ઝેરી હવાથી દૂર રહેવું જોઈએ. જેમ આ દુનિયાની હવા બદલાય છે, તેમ આપણે પણ બદલાઈએ છીએ. આપણે બાળકમાંથી મોટા થતા જઈએ છીએ. આપણે એક દિવસ તાજા-માજા હોઈએ, તો બીજા દિવસે બીમાર પડીએ છીએ. આજે આપણે ધનવાન હોઈએ તો કાલે પૈસાની તંગીમાં પણ આવી પડીએ. એક તરફ આપણા કુટુંબમાં વધારો થાય છે, તો બીજી તરફ આપણા વહાલાઓ મરણ પામે છે. આવા સંજોગોને આપણે અટકાવી શકતા નથી. પરંતુ, ઘણી વાર એવા સંજોગો આપણી ભક્તિની આડે આવે છે.

૨. દાઊદના જીવનમાં કઈ ચડતી-પડતી આવી?

 કદાચ આપણને લાગે કે ‘મારા જ જીવનમાં આટલી ચડતી-પડતી આવ્યા કરે છે.’ એવું હોય તો, યિશાઈના દીકરા દાઊદનો વિચાર કરો. પહેલા તે ઘેટાં ચરાવતા હતા. પણ ટૂંક સમયમાં જ તે દેશના હીરો બની ગયા. એ કારણે એ દેશનો રાજા શાઊલ અદેખો બન્યો. તે દાઊદને મારી નાખવા જંગલી જાનવરની જેમ પાછળ પડ્યો. દાઊદને જીવ બચાવવા જ્યાં-ત્યાં નાસી છૂટવું પડ્યું. આખરે, દાઊદ રાજા બન્યા, તેમણે અનેક દુશ્મનોનો નાશ કર્યો. જોકે, એ સુખના દિવસો લાંબું ટક્યા નહિ. શા માટે? દાઊદે ઘોર પાપ કર્યું અને તેમણે એનું ખૂબ દુઃખ ભોગવવું પડ્યું. કુટુંબ વેરવિખેર થઈ ગયું, અમુકના ખૂન પણ થયા. જીવનની સફરમાં તે અમીર બન્યા, પછી ઘડપણ આવ્યું, બીમાર પડ્યા. ખરેખર, દાઊદના જીવનમાં મોટા મોટા ફેરફારો થયા હતા! પરંતુ, દરેક સંજોગોમાં, તેમણે યહોવાહ પર શ્રદ્ધા રાખી. દાઊદે ‘દેવને પસંદ પડે એવા સેવક થવાને પ્રયત્ન’ કર્યો. એના લીધે યહોવાહે તેમને ખૂબ આશીર્વાદ આપ્યો. (૨ તીમોથી ૨:૧૫) ભલે આપણા સંજોગો દાઊદ જેવા ન હોય, છતાં પણ આપણે તેમના જીવનમાંથી ઘણું શીખી શકીએ છીએ. આ રીતે આપણે શીખીશું કે જિંદગીની ચડતી-પડતીમાં, યહોવાહની કૃપાથી કઈ રીતે સફળ થઈ શકીએ.

દાઊદ પાસેથી નમ્રતા શીખો

૩, ૪. દાઊદ કઈ રીતે હીરો બની ગયા?

પ્રબોધક શમૂએલ બેથલેહેમમાં નવા રાજાને શોધવા ગયા. તે યિશાઈને મળ્યા, કેમ કે તેમના દીકરામાંથી એકની પસંદગી યહોવાહ કરવાના હતા. યિશાઈ પોતાના સાત દીકરાને બોલાવે છે. પરંતુ સૌથી નાના દીકરા, દાઊદને ઘેટાં ચરાવવા મોકલી આપે છે. જોકે, યહોવાહે દાઊદને જ ઈસ્રાએલના ભાવિ રાજા તરીકે પસંદ કર્યા હતા. આખરે, દાઊદને શમૂએલ પાસે લાવવામાં આવ્યા. પછી બાઇબલ કહે છે: “ત્યારે શમૂએલે તેલનું શિંગ લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો; અને તે દિવસથી યહોવાહનો આત્મા દાઊદ પર પરાક્રમ સહિત આવ્યો.” (૧ શમૂએલ ૧૬:૧૨, ૧૩) પછી દાઊદ જિંદગીભર યહોવાહના એ આત્મા કે માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા.

થોડા જ દિવસોમાં રાજા શાઊલ પોતાનું દિલ ખુશ કરવા, દાઊદને વીણા વગાડવા બોલાવે છે. પલિસ્તીઓ ઈસ્રાએલ પર ચડી આવ્યા ત્યારે, સર્વ ઈસ્રાએલી સૈનિકો રાક્ષસ જેવા ગોલ્યાથથી ખૂબ ડરે છે. પણ શૂરવીર દાઊદ ગોલ્યાથને મારી નાખે છે. તરત જ, દાઊદ હીરો બની જાય છે. તે સૈનિકોનો અધિકારી બને છે અને દુશ્મન પલિસ્તીઓનો સંહાર કરે છે. સર્વ લોકો દાઊદનો “જયજયકાર” પોકારે છે, લોકો તેમના વિષે અનેક ગીતો ગાય છે. રાજા શાઊલના એક સલાહકારે સાચું જ કહ્યું હતું, કે યુવાન દાઊદ વીણા “વગાડવામાં કુશળ છે, ને પરાક્રમી યોદ્ધો તથા લડવૈયો છે, તેમજ બોલવે-ચાલવે શાણો તથા ફૂટડો છે.”—૧ શમૂએલ ૧૬:૧૮; ૧૭:૨૩, ૨૪, ૪૫-૫૧; ૧૮:૫-૭.

૫. દાઊદ કયા આશીર્વાદો અને આવડતોને લીધે ઘમંડી બની શક્યા હોત? પણ શું બતાવે છે કે તે ઘમંડી બન્યા નહિ?

દાઊદ બહુ જ દેખાવડા હતા. દેશમાં તે ખૂબ જાણીતા હતા. સંગીતના તે કલાકાર હતા અને શૂરવીર સૈનિક પણ હતા. ખાસ તો દાઊદ પર યહોવાહની અપાર કૃપા હતી. ખરેખર, દાઊદ પાસે બધું જ હતું! પરંતુ, આ કીર્તિ અને આશીર્વાદો છતાં, દાઊદ ઘમંડી બની ગયા નહિ. જ્યારે રાજા શાઊલે દાઊદને પોતાની દીકરી સાથે લગ્‍ન કરવા કહ્યું, ત્યારે દાઊદ કહે છે: “હું કોણ, તથા મારાં સગાંવહાલાં તથા ઈસ્રાએલમાં મારા બાપનું કુટુંબ કોણ, કે હું રાજાનો જમાઈ થાઉં?” (૧ શમૂએલ ૧૮:૧૮) આ કલમ વિષે બાઇબલના એક પ્રોફેસર કહે છે: ‘દાઊદ અહીં એમ કહેવા માગતા હતા કે ભલે સમાજમાં તેનું નામ છે અને પોતે સારા ખાનદાનના છે. તેમ છતાં, તેમણે રાજાના જમાઈ બનવાની કોઈ કલ્પના કરી જ નથી.’

૬. આપણે શા માટે નમ્ર રહેવું જોઈએ?

દાઊદે કદી અભિમાન કર્યું નહિ. તે જાણતા હતા કે યહોવાહની સરખામણીમાં મનુષ્ય કંઈ જ નથી. અરે, દાઊદ ઘણી વાર માની શકતા ન હતા, કે સર્વોપરી ઈશ્વર યહોવાહ મનુષ્યની ચિંતા કરે છે. (ગીતશાસ્ત્ર ૧૪૪:૩) વળી દાઊદને ખબર હતી કે યહોવાહે પોતે નમ્ર બનીને તેમનું રક્ષણ કર્યું હતું. એટલે જ દાઊદ જીવનમાં સફળ થયા હતા. (ગીતશાસ્ત્ર ૧૮:૩૫) દાઊદે આપણા માટે કેટલો સારો દાખલો બેસાડ્યો. આપણી આવડતો, જવાબદારીઓ કે સફળતાથી આપણે કદી પણ ફુલાઈ જવું જોઈએ નહિ. પ્રેષિત પાઊલે કહ્યું: “તમારી પાસે જે કંઈ છે તે શું ઈશ્વર તરફથી નથી? તો પછી, તમને જે મળ્યું છે તે જાણે કે બક્ષિસ નથી એવી ડંફાશ કેમ મારો છો?” (૧ કોરીંથી ૪:૭, પ્રેમસંદેશ) જો આપણને યહોવાહનો આશીર્વાદ જોઈતો હોય, તો આપણે હંમેશાં નમ્ર રહેવાની જરૂર છે.—યાકૂબ ૪:૬.

“તમે સામું વૈર ન વાળો”

૭. શાઊલને મારી નાખવાનો દાઊદને કયો મોકો મળ્યો?

ભલે દાઊદની કીર્તિ સમાજમાં ફેલાઈ ગઈ, પણ તે બડાઈ મારવા લાગ્યા નહિ. તેમ છતાં, રાજા શાઊલ દાઊદથી ખૂબ જલતો હતો. એટલે શાઊલ પર યહોવાહની કૃપા ન હતી. દાઊદે શાઊલનું કંઈ બગાડ્યું ન હતું, છતાં પણ શાઊલ રાત-દિવસ તેમની પાછળ પડ્યો હતો. તેથી, શાઊલની નજર આગળથી દાઊદ નાસી ગયા અને વન-વગડામાં સંતાઈ રહ્યા. એક વખત શાઊલ દાઊદની શોધ કરતો કરતો એક ગુફામાં આવી ચડ્યો. તે અને તેના માણસો ત્યાં આરામ કરવા બેઠા. તેઓને ખબર ન હતી કે દાઊદ અને તેના સાથીઓ પણ એટલામાં જ સંતાયા હતા. જરા કલ્પના કરો, ગુફાના અંધારામાં દાઊદના સાથીઓ તેમને કાનમાં કહે છે કે “જો, જે દિવસ વિષે યહોવાહે તને કહ્યું હતું, કે જો, હું તારા શત્રુને તારા હાથમાં સોંપીશ, ને તને જેમ સારૂં લાગે તેમ તું તેને કરજે, તે દિવસ આવ્યો છે.”—૧ શમૂએલ ૨૪:૨-૬.

૮. શા માટે દાઊદે વેર લીધું નહિ?

જોકે, દાઊદે પોતાના સાથીઓને કહ્યું કે તે શાઊલને મારી નાખશે નહિ. શા માટે? દાઊદ ખૂબ જ ધીરજવાન હતા. તેમને યહોવાહ પર પૂરી શ્રદ્ધા હતી કે તે આ મુશ્કેલીનો અંત લાવશે. શાઊલ ગુફામાંથી બહાર નીકળ્યો ત્યારે, દાઊદે બૂમ પાડીને કહ્યું: “પ્રભુ આપણ બે વચ્ચે ન્યાય કરો. તમે મને જે કરવા માગો છો તે બદલ તે કદાચ તમને મારી નાખે; પણ હું તમને કદી નુકસાન નહિ કરું.” (૧ શમુએલ ૨૪:૧૨, IBSI) દાઊદને ખબર હતી કે શાઊલ મોટી ભૂલ કરી રહ્યો હતો. તોપણ, તેમણે સામું વેર લીધું નહિ. તેમ જ, તેમણે શાઊલની સામે કે તેની પાછળ તેનું અપમાન કર્યું નહિ. એક વાર નહિ, અનેક વાર દાઊદ વેર લેવાને બદલે શાંત રહ્યા. તેમણે હંમેશાં યહોવાહ પર ભરોસો રાખ્યો કે તે બધું ઠીક કરશે.—૧ શમૂએલ ૨૫:૩૨-૩૪; ૨૬:૧૦, ૧૧.

૯. મુશ્કેલ સંજોગોમાં પણ શા માટે આપણે વેર લેવું ન જોઈએ?

દાઊદની જેમ આપણે પણ ક્યારેક મુશ્કેલ સંજોગોમાં આવી પડીએ. કદાચ આપણા પર સ્કૂલમાં, નોકરી પર કે કુટુંબમાંથી ખૂબ દબાણ આવે કે યહોવાહને ભજવું ન જોઈએ. એવા સમયે આપણે ગુસ્સે થવું જોઈએ નહિ. એના બદલે આપણે યહોવાહ પર ભરોસો મૂકવો જોઈએ. તેમની શક્તિ અને મદદ માટે પ્રાર્થના કરવી જોઈએ. કદાચ વિરોધ કરનાર આપણો સારો સ્વભાવ જોઈને, નવાઈ પામી શકે અને સમય જતાં તેઓ પણ યહોવાહની સેવા કરવા માંડે. (૧ પીતર ૩:૧) આખરે ભલે ગમે તે થાય, પણ આપણે ખાતરી રાખી શકીએ કે યહોવાહ બધું જુએ છે અને તેમના સમયે જરૂર પગલાં લેશે. પ્રેષિત પાઊલે કહ્યું: “ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ દેવના કોપને સારૂ માર્ગ મૂકો; કેમકે લખેલું છે, કે પ્રભુ કહે છે, કે વૈર વાળવું એ મારૂં કામ છે; હું બદલો લઈશ.”—રૂમી ૧૨:૧૯.

યહોવાહની ‘શિખામણ સાંભળો’

૧૦. દાઊદ કઈ રીતે પાપમાં પડ્યા અને એ સંતાડવા શું કરે છે?

૧૦ વર્ષો પછી દાઊદ રાજા બને છે. લોકો તેમને ખૂબ ચાહે છે. તે આખી જિંદગી યહોવાહના ભક્ત રહ્યા અને તેમના અનેક ભજનો લખ્યાં. કદાચ આપણને લાગે કે ‘દાઊદ કોઈ પાપ કરી જ ન શકે.’ પરંતુ, ચાલો હકીકત જોઈએ. એક દિવસ દાઊદ પોતાના મહેલના ધાબા પર હતા. ત્યાંથી તે નીચે બાજુના ઘરમાં એક સુંદર સ્ત્રીને નાહતી જુએ છે. દાઊદના ચાકરો જણાવે છે કે તેનું નામ બાથ-શેબા હતું. તેના પતિનું નામ ઉરીયાહ હતું, જે લડાઈમાં ગયો હતો. દાઊદ બાથ-શેબાને પોતાના મહેલમાં બોલાવે છે. દાઊદ તેની સાથે સૂઈ જઈને મોટું પાપ કરે છે. થોડા સમય બાદ દાઊદને ખબર પડે છે કે બાથ-શેબા મા બનવાની છે. દાઊદને ચિંતા થઈ કે જો લોકોને ખબર પડશે, તો મુસાના નિયમ પ્રમાણે તેઓ બંને માર્યા જશે. એટલે પોતાનું પાપ સંતાડવા, દાઊદ ઉરીયાહને લડાઈમાંથી પાછો બોલાવે છે અને તેની પત્ની પાસે મોકલવાનો પ્રયત્ન કરે છે. દાઊદને થયું કે જો ઉરીયાહ તેની પત્ની સાથે રહેશે, તો લોકોને લાગશે કે આવનાર બાળક ઉરીયાહનું જ છે. પરંતુ, ઉરીયાહ તેની પત્ની પાસે જતો જ નથી. આખરે દાઊદ તેને પાછો લડાઈમાં મોકલે છે. સાથે સાથે દાઊદ સૈનિકોના અધિકારી યોઆબને પત્ર પણ મોકલે છે. એમાં દાઊદે આજ્ઞા કરી કે લડાઈમાં ઉરીયાહને એવી જગ્યાએ મૂકવો, જ્યાં તે ચોક્કસ માર્યો જાય. યોઆબે દાઊદના કહ્યા પ્રમાણે કર્યું અને ઉરીયાહ લડાઈમાં માર્યો ગયો. આ સાંભળીને બાથ-શેબા રિવાજ પ્રમાણે શોક પાળે છે. એ પછી દાઊદ તેની સાથે લગ્‍ન કરે છે.—૨ શમૂએલ ૧૧:૧-૨૭.

૧૧. નાથાને દાઊદને શું કહ્યું અને દાઊદને કેવું લાગ્યું?

૧૧ દાઊદને થયું કે પોતાની ચાલાકી કામ કરી ગઈ. પરંતુ, તે ભૂલી ગયા કે યહોવાહ બધું જોતા હતા. (હેબ્રી ૪:૧૩) થોડા મહિના બાદ, બાથ-શેબા મા બની. યહોવાહે પ્રબોધક નાથાનને દાઊદ પાસે મોકલ્યા. નાથાને દાઊદને કહ્યું કે એક ધનવાન માણસ પાસે ઘણાં ઘેટાં હતાં. પણ તે માણસે એક ગરીબ માણસનું એકનું એક ઘેટું લઈને મારી નાખ્યું. આ સાંભળીને દાઊદ ગુસ્સાથી તપી ઊઠે છે. તે કહે છે: “જે માણસે એ કૃત્ય કર્યું છે તે મરણ પામવા યોગ્ય છે.” (૨ શમૂએલ ૧૨:૧-૬) હા, દાઊદને ખબર ન હતી કે તેમની પોતાની વાત થતી હતી.

૧૨. યહોવાહે દાઊદને કેવી સજા ફટકારી?

૧૨ હવે નાથાને દાઊદને કહ્યું: “તુંજ તે માણસ છે”! દાઊદે પોતે જ પોતાના પર સજા ફટકારી હતી. દાઊદનો બધો ગુસ્સો એક પળમાં શરમ અને દુઃખમાં પલટાઈ ગયો. યહોવાહે નાથાન દ્વારા તેમને સજા સંભળાવી ત્યારે, તે ચૂપચાપ નીચું જોઈને બેસી રહ્યા. દાઊદ માટે કોઈ દિલાસો ન હતો. તેમણે યહોવાહના નિયમો તોડીને મોટું પાપ કર્યું હતું. તેમણે જાણીજોઈને ઉરીયાહને મરાવ્યો હતો. તેથી, તરવાર અને દુઃખ તેમના ઘરમાંથી કદી દૂર થવાના ન હતા. દાઊદે ચાલાકીથી અને ચૂપચાપ બાથ-શેબા સાથે લગ્‍ન કરી લીધા હતા. પરંતુ, જાહેરમાં તેમના ઘરની આબરૂ લૂંટાવાની હતી.—૨ શમૂએલ ૧૨:૭-૧૨.

૧૩. યહોવાહે આપેલી સજા વિષે સાંભળીને દાઊદે શું કર્યું?

૧૩ જોકે, યહોવાહે આપેલી સજા સાંભળીને, દાઊદે બહાના શોધ્યા નહિ કે બીજાનો વાંક કાઢ્યો નહિ. તે નાથાન પર ગુસ્સે થયા નહિ. દાઊદને ખબર હતી કે ખરેખર પોતાનો વાંક હતો. એટલે તેમણે ભારે દિલથી કબૂલ્યું: “મેં યહોવાહની વિરૂદ્ધ પાપ કર્યું છે.” (૨ શમૂએલ ૧૨:૧૩) દાઊદે ગીતશાસ્ત્ર એકાવનમા અધ્યાયમાં દિલ ખોલીને પોતાનું દર્દ ઠાલવ્યું છે અને પસ્તાવો કર્યો છે. યહોવાહને કાલાવાલા કરતા તેમણે કહ્યું: “તારી સંમુખથી મને કાઢી મૂકતો નહિ; અને તારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતો નહિ.” પાપી દાઊદ જાણતા હતા કે યહોવાહ તો દયાના સાગર છે, તે ‘રાંક અને નમ્ર હૃદયવાળાને ધિક્કારશે નહિ.’ (ગીતશાસ્ત્ર ૫૧:૧૧, ૧૭) દાઊદ હંમેશાં યહોવાહને વળગી રહ્યા અને તેમના માર્ગે ચાલ્યા. દાઊદને માફી મળી, પણ પાપનાં ફળ તેમણે ભોગવવા પડ્યાં.

૧૪. યહોવાહ શિખામણ આપે ત્યારે આપણે શું કરવું જોઈએ?

૧૪ આપણે સર્વ પાપી છીએ. (રૂમી ૩:૨૩) દાઊદની જેમ, આપણે પણ કોઈ મોટી ભૂલ કે પાપ કરી બેસીએ. જેમ એક પિતા પોતાના બાળકને પ્રેમથી સલાહ અને શિક્ષા આપશે, તેમ યહોવાહ આપણને પણ પ્રેમથી શિખામણ આપે છે. એ આપણા લાભ માટે જ છે. પરંતુ, ઘણી વાર એ શિખામણ ગળે ઉતારવી સહેલી નથી હોતી. અમુક વાર તો શિક્ષા “ખેદકારક લાગે છે.” (હેબ્રી ૧૨:૬, ૧૧) પરંતુ, જો આપણે એ ‘શિખામણ સાંભળીએ’ તો આપણે યહોવાહ સાથેનો સંબંધ પાક્કો કરી શકીશું. (નીતિવચનો ૮:૩૩) યહોવાહના આશીર્વાદ મેળવવા, આપણે તેમની શિખામણ સાંભળીને માનવી જ જોઈએ. તેમ જ, પૂરા તન-મનથી તેમને પસંદ પડે એવા ભક્તો બનવું જોઈએ.

ધન-દોલત પર ભરોસો ન મૂકો

૧૫. (ક) આજે મોટા ભાગના અમીર લોકો કેવા હોય છે? (ખ) દાઊદ કેવા હતા અને તેમની તમન્‍ના શું હતી?

૧૫ બાઇબલ જણાવતું નથી કે દાઊદનું કુટુંબ બહુ ધનવાન હતું. પરંતુ, તે રાજા બન્યા પછી ખૂબ અમીર બન્યા હતા. આજે મોટા ભાગના અમીર લોકો સ્વાર્થી, લોભી અને કંજૂસ હોય છે. તેઓ બસ વધુ પૈસા ભેગા કરવા ફાંફાં મારતા હોય છે. ઘણા બની-ઠનીને અમીરીનો દેખાડો કરતા હોય છે. (માત્થી ૬:૨) પરંતુ અમીર હોવા છતાં, દાઊદ એવા ન હતા. તે પોતાની ધન-દોલત યહોવાહની ભક્તિમાં વાપરતા હતા. એક વાર દાઊદે નાથાનને કહ્યું, કે ‘હું અહીં સુંદર મહેલમાં રહું છું. જ્યારે ઈશ્વરનો કરારકોશ બહાર તંબુમાં છે!’ દાઊદ શું કહેવા માંગતા હતા? દાઊદની એ તમન્‍ના હતી કે તેમની મિલકતથી પોતે યહોવાહ માટે એક સુંદર મંદિર બનાવે. એનાથી યહોવાહ બહુ ખુશ થયા, પણ તેમણે નાથાન દ્વારા કહ્યું કે દાઊદ નહિ, પણ તેમનો દીકરો સુલેમાન એ મંદિર બાંધશે.—૨ શમૂએલ ૭:૧, ૨, ૧૨, ૧૩, IBSI.

૧૬. મંદિરના બાંધકામ માટે દાઊદે શું કર્યું?

૧૬ દાઊદે મંદિરના બાંધકામ માટે બહુ જ માલ-મિલકત ભેગી કરી. પછી તેમણે દીકરા સુલેમાનને કહ્યું: “મેં યહોવાહના મંદિરને સારૂ એક લાખ તાલંત સોનું તથા દશ લાખ તાલંત રૂપું તૈયાર રાખ્યું છે; અને પિત્તળ તથા લોઢું પણ અણતોલ છે; લાકડાં તથા પથ્થર પણ મેં તૈયાર રાખ્યાં છે; તું ચાહે તો તેમાં વધારો કરી શકે.” દાઊદે પોતે સોનાના ૩,૦૦૦ તાલંત અને ચાંદીના ૭,૦૦૦ તાલંત આપ્યા. * (૧ કાળવૃત્તાંત ૨૨:૧૪; ૨૯:૩, ૪) દાઊદે કોઈ દેખાડો કરવા માટે આ દાન આપ્યું ન હતું. પરંતુ, પૂરા દિલથી તેમણે એ આપ્યું કેમ કે તે યહોવાહને ખૂબ ચાહતા હતા. વળી, તે જાણતા હતા કે તેમની ધન-દોલત યહોવાહે જ આપી હતી. એટલે તેમણે યહોવાહને કહ્યું: “અમારી પાસે જે કંઈ છે તે સર્વ તારી પાસેથી મળેલું છે, ને તારા પોતાના આપેલામાંથી જ અમે તને આપ્યું છે.” (૧ કાળવૃત્તાંત ૨૯:૧૪) યહોવાહ માટેના પ્રેમને લીધે, દાઊદ તેમની ભક્તિ માટે બધું જ અર્પણ કરવા તૈયાર હતા.

૧૭. અમીર કે ગરીબ બધાને જ કઈ રીતે ૧ તીમોથી ૬:૧૭-૧૯ની સલાહ લાગુ પડે છે?

૧૭ ચાલો આપણે પણ આપણી માલ-મિલકત યહોવાહની ભક્તિ માટે વાપરીએ. અમીર બનવાને બદલે, આપણે યહોવાહને પસંદ પડે એવા ભક્તો બનીએ. પાઊલે લખ્યું: “આ યુગના ધનિકોને આજ્ઞા કર કે તેઓ ગર્વિષ્ઠ ન બને. ધન જેવી ક્ષણિક બાબતો પર નહિ પણ આપણા ઉપયોગને માટે સર્વ કંઈ ઉદારતાથી આપનાર ઈશ્વર પર આશા રાખે, સારું કરે, સારાં કાર્યો કરવામાં ધનવાન બને, ઉદાર બને, અને બીજાઓને મદદ કરવા તત્પર બને. આ રીતે તેઓ ભવિષ્ય માટે મજબૂત પાયારૂપ સારી એવી સંપત્તિ પોતાને માટે એકઠી કરશે, તેથી તેઓ જે ખરેખરું જીવન છે તે પ્રાપ્ત કરી શકશે.” (૧ તીમોથી ૬:૧૭-૧૯, પ્રેમસંદેશ) આપણે પૈસાની તંગીમાં હોઈએ તોપણ, હંમેશાં યહોવાહ પર ભરોસો મૂકીએ અને તેમના માર્ગદર્શન પ્રમાણે જીવીએ. જો એમ કરીશું તો આપણે “દેવ પ્રત્યે ધનવાન” બનીશું. (લુક ૧૨:૨૧) યહોવાહની કૃપાની સરખામણીમાં બીજું બધું કંઈ જ નથી!

યહોવાહને પસંદ પડે એવા બનો

૧૮. દાઊદે આપણા માટે કેવો નમૂનો બેસાડ્યો?

૧૮ દાઊદે તેમની જિંદગીભર યહોવાહની કૃપા શોધી. એક ગીતમાં તેમણે કહ્યું: “હે ઈશ્વર, મારા પર દયા કરો કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું.” (ગીતશાસ્ત્ર ૫૭:૧, IBSI) દાઊદની શ્રદ્ધા નકામી ન હતી. ખરેખર, યહોવાહે તેમના પર આશીર્વાદોનો વરસાદ વરસાવ્યો. એટલે તે ‘પાકી ઉંમરે પહોંચ્યા’ ત્યારે સુખી જીવનનો સંતોષ માણ્યો. (૧ કાળવૃત્તાંત ૨૩:૧) ભલે દાઊદે ઘણી ભૂલો કરી, પણ તે હજુ યહોવાહના ભક્તોમાં ગણાય છે.—હેબ્રી ૧૧:૩૨.

૧૯. આપણે કઈ રીતે ‘દેવને પસંદ પડે એવા સેવકો’ બની શકીએ?

૧૯ દાઊદના જીવનમાં મોટી મોટી મુસીબતો આવી પડી. તેમણે યહોવાહ પર પૂરો ભરોસો રાખ્યો અને તેમનો સાથ મળ્યો. યહોવાહે માર્ગદર્શન આપ્યું અને જરૂર પડી ત્યારે શિસ્ત પણ આપી. તેથી, આપણી મુસીબતોમાં પણ યહોવાહ ચોક્કસ મદદ કરશે. દાઊદની જેમ, પ્રેષિત પાઊલે પણ ઘણી તકલીફો સહન કરવી પડી. પરંતુ, યહોવાહની શક્તિ અને માર્ગદર્શનથી તે પણ તેમને વળગી રહ્યા. પાઊલે કહ્યું કે “જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.” (ફિલિપી ૪:૧૨, ૧૩) તેથી, ચાલો આપણે પણ જીવનમાં ભલે ચડતી-પડતી આવે, યહોવાહ પર દિલથી શ્રદ્ધા રાખીએ. આપણે તેમની શિખામણ માનીએ અને તેમની નજીક રહીએ તો, તે આપણને શક્તિ અને માર્ગદર્શન આપશે. આમ, આપણે ‘દેવને પસંદ પડે એવા સેવકો’ બનીશું અને સદાકાળ માટે તેમની ભક્તિ કરી શકીશું.—૨ તીમોથી ૨:૧૫.

[ફુટનોટ્‌સ]

^ આજની ગણતરી પ્રમાણે દાઊદે લગભગ ૧.૨ અબજ યુએસ ડૉલર (લગભગ ૫૬ અબજ રૂપિયા) દાન આપ્યું.

તમે કેવો જવાબ આપશો?

• ઘમંડી ન બનવા આપણે શું કરવું જોઈએ?

• શા માટે આપણે કદી પણ વેર ન વારળવું જોઈએ?

• સજા મળે ત્યારે આપણું વલણ કેવું હોવું જોઈએ?

• શા માટે ધન-દોલતને બદલે યહોવાહ પર પૂરી શ્રદ્ધા રાખવી જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૬ પર ચિત્ર]

દાઊદે યહોવાહનું કહેવું માન્યું અને તેમની કૃપા ચાહી. શું તમે પણ એમ કરો છો?

[પાન ૧૮ પર ચિત્ર]

“સર્વ તારી પાસેથી મળેલું છે, ને તારા પોતાના આપેલામાંથી જ અમે તને આપ્યું છે”