સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નોકરી-ધંધા પર લોકોને મળો

નોકરી-ધંધા પર લોકોને મળો

રાજ્ય પ્રચારકોનો અહેવાલ

નોકરી-ધંધા પર લોકોને મળો

ઈસુએ પ્રથમ માત્થી, પીતર, આંદ્રિયા, યાકૂબ અને યોહાનને પોતાના પ્રેષિતો થવા બોલાવ્યા ત્યારે તેઓ ક્યાં હતા? તેઓ પોતપોતાના કામ પર હતા. પીતર, આંદ્રિયા, યાકૂબ અને યોહાન માછીમાર હતા. તેઓ માછલાં પકડતા હતા ત્યારે ઈસુએ તેઓને કહ્યું: “મારી પાછળ આવો.” ઈસુએ માત્થીને બોલાવ્યા ત્યારે તે દાણ કે ટૅક્સ લેવાની ચોકીએ હતા.—માત્થી ૪:૧૮-૨૧; ૯:૯.

લોકો કામ કરતા હોય ત્યાં જઈને પ્રચાર કરવાથી જરૂર સફળતા મળે છે. જાપાનમાં રહેતા યહોવાહના સાક્ષીઓ એ જાણતા હોવાથી, તેઓએ લોકોને નોકરી-ધંધા પર મળવાનો ખાસ પ્રયત્ન કર્યો હતો. એના શું પરિણામો આવ્યાં? અમુક મહિનાઓમાં જ તેઓ એવા હજારો લોકોને મળ્યા, જેઓને બાઇબલ વિષે જાણવું હતું. તેઓને ફરી મળવાની ગોઠવણ કરવામાં આવી. એમાંથી લગભગ ૨૫૦ જેટલા લોકો હવે નિયમિત રીતે બાઇબલમાંથી શીખી રહ્યા છે. ચાલો અમુક અનુભવો વાંચીએ.

ટોકિયોમાં એક પાયોનિયર અથવા પૂરા સમયના એક પ્રચારક રેસ્ટોરંટના મૅનેજરને મળ્યા. એના ૩૦ વર્ષ પહેલાં એ મૅનેજર સ્કૂલમાં ભણતા હતા ત્યારે તે એક યહોવાહના સાક્ષીને મળ્યા હતા. જોકે એ સમયે તેમને કંઈ ખાસ સમજણ પડી ન હતી. તેમ છતાં, તેને બાઇબલ વિષે રસ જાગ્યો હતો. આટલાં વર્ષો પછી તે ફરી યહોવાહના સાક્ષીઓને મળ્યા, તેમણે જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે * પુસ્તક લીધું અને બાઇબલની ચર્ચા કરવા માટે ગોઠવણ કરી. તેમ જ, તેમણે પોતે દરરોજ સૂતા પહેલાં બાઇબલ વાંચવાની શરૂઆત કરી.

એક ખાસ પાયોનિયરે એક ઑફિસના રિસેપ્શનમાં કામ કરનારને મળીને કહ્યું, ‘મને મૅનેજરને મળવું છે, જરા તેમને ફોન કરશો?’ તેણે મૅનેજરને ફોન કર્યો પણ તે ન હોવાથી બીજી એક સ્ત્રીએ ફોન ઉપાડ્યો અને કહ્યું: “શું તમે મારી સાથે વાત કરી શકો?” થોડી વાર ફોન પર વાત કર્યા પછી તેમણે ઑફિસની બહાર આવીને કહ્યું, ‘મને બાઇબલમાં રસ છે અને એ વાંચવું છે.’ પછી એ પાયોનિયર તે સ્ત્રી માટે બાઇબલ લઈ ગઈ. સવારે કામ પર જતા પહેલાં તેઓ બાગમાં બેસીને બાઇબલમાંથી ચર્ચા કરતા.

એક ઑફિસમાં એક સ્ત્રીએ યહોવાહના સાક્ષી પાસેથી ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિન લીધાં. એ સાક્ષી ત્યાંથી ચાલ્યા ગયા એટલે તે સ્ત્રીએ તરત જ મૅગેઝિનો ફેંકી દીધા. આ સ્ત્રી સાથે કામ કરતો પુરુષ એ જોઈ ગયો. તેણે ઘરે જઈને તેની પત્નીને ‘કામ પર શું થયું હતું એ કહ્યું!’ જોકે તેની પત્ની પોતે યહોવાહની એક સાક્ષી છે. પતિએ કહ્યું કે ‘મેં એ મૅગેઝિનો લીધા હોત તો કમ-સે-કમ વાંચી શકાયા હોત.’ બંને વચ્ચેની આ વાતો તેમની દીકરી સાંભળી ગઈ. પછી એ છોકરીએ જઈને બીજા ભાઈને એના વિષે કહ્યું જે પણ એક સાક્ષી છે. એ છોકરીના પપ્પા જ્યાં કામ કરે છે એ વિસ્તારમાં એ ભાઈ પ્રચાર કરતા હોય છે. તેથી, એ સાક્ષી છોકરીના પપ્પાને ઑફિસમાં મળીને તેમની સાથે બાઇબલની ચર્ચા કરવા લાગ્યા. એના થોડા સમય પછી તેના પપ્પા નિયમિત રીતે રવિવારે સાક્ષીઓની સભામાં જવા લાગ્યા.

નોકરી ધંધા પર લોકોને મળીને પ્રચાર કરવાથી પુષ્કળ આશીર્વાદો મળ્યા છે. એમ કરવાથી જાપાનમાં સેવા આપતા સાક્ષીઓ દરેક રીતે લોકોને યહોવાહનો સંદેશો પહોંચાડવામાં કુશળ બન્યા છે. બીજો ફાયદો એ થયો છે કે જેઓએ યહોવાહની સેવા કરવાનું છોડી દીધું હતું, અથવા ઠંડા પડી ગયા હતા, તેઓ ફરી મળીને બાઇબલ શીખવા લાગ્યા છે. એના પણ અજોડ પરિણામો આવ્યાં છે. આ રીતે ત્યાં પ્રચાર કર્યા પછી ટોકિયોના એક મંડળે જાપાનની બ્રાંચને જણાવ્યું કે તેઓ ૧૦૮ લોકો સાથે બાઇબલ અભ્યાસ કરી રહ્યા છે. આ ગયા વર્ષ કરતાં બમણાથી પણ વધારે છે.

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું પુસ્તક.