સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

લાઇબીરિયામાં—યુદ્ધ છતાં યહોવાહના રાજ્યનો પ્રચાર

લાઇબીરિયામાં—યુદ્ધ છતાં યહોવાહના રાજ્યનો પ્રચાર

લાઇબીરિયામાં—યુદ્ધ છતાં યહોવાહના રાજ્યનો પ્રચાર

લાઇબીરિયામાં છેલ્લાં દસ વર્ષથી અંદરોઅંદર યુદ્ધ ભભૂકી રહ્યું છે. લગભગ ૨૦૦૩ની મધ્યમાં સરકાર વિરોધી લશ્કર મનરોવિયા શહેરમાં પહોંચી ગયું. એ કારણે યહોવાહના સાક્ષીઓના ઘણાં કુટુંબોએ જીવ બચાવવા પોતાનું ઘર છોડીને અવારનવાર નાસી જવું પડતું. એવા સમયે તેઓને વારંવાર લૂંટી લેવામાં પણ આવતા.

દુઃખની વાત છે કે આ લડાઈ શહેર સુધી પહોંચી ત્યાં સુધીમાં તો હજારો લોકો માર્યા ગયા હતા. એમાંના બે યહોવાહના સાક્ષીઓ પણ હતા. આ મરનાર સાક્ષીઓ એક ભાઈ અને બહેન હતા. એવા સમયે બીજા સાક્ષીઓને કઈ રીતે મદદ આપવામાં આવે છે? તેઓ કઈ રીતે અઘરી પરિસ્થિતિ સહન કરે છે?

નિરાધાર લોકોને મદદ

લાઇબીરિયામાં લડાઈ શરૂ થઈ ત્યારથી, એ દેશની યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસ નિરાધાર લોકોને જોઈતી મદદ પૂરી પાડે છે. જેમ કે ખોરાક, ઘરની વસ્તુ અને સારવાર માટે દવા. એક સમયે તો સરકારના વિરોધીઓએ બંદર પર કબજો જમાવી દીધો. આવા સમયે અનાજ મેળવવું ખૂબ જ અઘરું બની ગયું. પરંતુ, મદદ આપતા ભાઈઓએ સંજોગો જોઈને પહેલેથી જ પૂરી તૈયારી કરી લીધી હતી. જો તેઓ પૂરતી તૈયારી ન કરે અને દેશની સરકારના વિરોધીઓના હાથમાં બંદર આવી જાય તો જોઈતી વસ્તુઓ મેળવી શકે નહિ. આથી, આવું કંઈક બને એ પહેલાં જ તેઓએ બે હજાર યહોવાહના સાક્ષીઓ માટે એ શહેરમાં જુદી જુદી જગ્યાએ આવેલા કિંગ્ડમ હૉલમાં જોઈતો સામાન ભરી મૂક્યો હતો. લડાઈના કારણે સાક્ષીઓએ પોતાના ઘરબાર છોડીને અલગ અલગ જગ્યાએ આવેલા કિંગ્ડમ હૉલમાં રહેવું પડતું હતું. એ હૉલમાં જે અનાજ ભરવામાં આવ્યું હતું, એમાંથી દરેક કુટુંબને થોડું-થોડું આપવામાં આવતું હતું. જેથી, બંદર ફરી ખુલે ત્યાં સુધી એ ચાલ્યા કરે. એ દેશની હાલત વિષે બીજા દેશોના યહોવાહના સાક્ષીઓને ખબર પડી ત્યારે તેઓ પોતાના ભાઈઓની મદદે દોડી ગયા. બેલ્જિયમ અને આફ્રિકામાં આવેલી સિયેરા લિયોનની બ્રાંચે પ્લેન દ્વારા ભરપૂર દવાઓ મોકલી આપી. એ જ રીતે બ્રિટનની અને ફ્રાન્સની બ્રાંચે પણ સ્ટીમર ભરીને કપડાં મોકલી આપ્યાં.

તેમ છતાં, આપણા ભાઈઓ ખૂબ જ ખરાબ હાલતમાં પણ આનંદથી જીવે છે. અરે એક ભાઈને પોતાનું ઘર છોડીને ત્રણ વાર ભાગવું પડ્યું. એવું તો કેટલાય ભાઈ-બહેનો સાથે બન્યું. તોપણ, એમાંનો આ ભાઈ કહે છે: “વર્ષોથી આપણે પ્રચાર કરતા આવ્યા છીએ કે આવી પરિસ્થિતિ આવશે; આ તો છેલ્લા દિવસોનો પુરાવો છે.”

પ્રચાર કરવાથી લાભો

લડાઈના કારણે આખા દેશમાં ઊથલપાથલ થઈ ગઈ. તેમ છતાં યહોવાહના સાક્ષીઓ પરમેશ્વરના રાજ્ય વિષે પ્રચાર કરતા હોવાથી તેઓને પુષ્કળ આશીર્વાદો મળી રહ્યા છે. આવા સંજોગોમાં પણ, જાન્યુઆરી ૨૦૦૩માં ૩,૮૭૯ યહોવાહના સાક્ષીઓ ઉમંગથી પ્રચાર કરતા હતા. એ કારણે ફેબ્રુઆરીમાં ૧૫,૨૨૭ લોકો તેઓ સાથે બાઇબલનો અભ્યાસ કરતા હતા.

લોકો બહુ જ ઝડપથી બાઇબલનો સંદેશો સ્વીકારે છે. ચાલો આપણે એકાદ અનુભવ જોઈએ. એ વર્ષે લાઇબીરિયાના પશ્ચિમ ભાગમાં બવૅન ગામમાં મંડળે ઈસુના મરણની યાદગીરીના મેમોરિયલ ઉજવવાની ગોઠવણ કરી હતી. તેઓ સામાન્ય રીતે સભા માટે જ્યાં ભેગા મળતા, એનાથી આ જગ્યા થોડી દૂર હતી. ત્યાં ચાલીને પહોંચતા લગભગ પાંચેક કલાક જેટલો સમય લાગતો. એ ગામમાં ભાઈ-બહેનોએ આ યાદગાર પ્રસંગમાં આવવા લોકોને આવવાનું આમંત્રણ આપતા પહેલાં ગામના મેયરને આમંત્રણ આપ્યું. તે આમંત્રણ અને પોતાનું બાઇબલ લઈને ગામમાં ગયા અને એમાં ટાંકેલી કલમો લોકોને વાંચી આપી. પછી બધાને એ યાદગાર પ્રસંગમાં આવવાનું તેમણે ઉત્તેજન આપ્યું. ભાઈ-બહેનો લોકોને આમંત્રણ આપવા ગયા ત્યારે તેઓને ખબર પડી કે મેયર આવીને બધાને આમંત્રણ આપી દીધું છે! એ આમંત્રણમાં આપવામાં આવેલા સમય પ્રમાણે મેયર પોતાનાં બે બાળકો અને બે પત્નીઓ લઈને આવી ગયા હતા. એ પ્રસંગમાં બધા થઈને ૨૭ લોકો હાજર હતા. એ પ્રસંગ પછી મેયરે મેથોડિસ્ટ ચર્ચમાં જવાનું છોડી દીધું. તે હવે યહોવાહના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખી રહ્યા છે. તેમણે સાક્ષીઓને જમીન પણ ઑફર કરી, જેથી સભા માટે તેઓ કિંગ્ડમ હૉલ બાંધી શકે.

લોકોનું વર્તન બદલાય છે

આપણા ભાઈ-બહેનોની વાણી અને વર્તનથી સત્યના વિરોધીઓ પર પણ ઊંડી અસર થઈ રહી છે. દાખલા તરીકે ઑપૉકુનો વિચાર કરો. ખાસ પાયોનિયર તેને પ્રચારમાં મળ્યા ત્યારે તેમણે તેની પાસેથી ચોકીબુરજ મૅગેઝિન લીધા હતા. તેમને મૅગેઝિનના લેખમાં બહુ રસ હતો. પરંતુ એ લેવા તેમની પાસે પૈસા ન હતા. ઑપૉકુને સમજાવવામાં આવ્યું કે મૅગેઝિન કોઈ ચાર્જ વિના આપવામાં આવે છે. ભાઈએ તેને મૅગેઝિનો આપ્યાં અને તેને ફરી મળવાની ગોઠવણ કરી. એ ભાઈ તેને મળ્યા ત્યારે ઑપૉકુએ પૂછ્યું: “તું મને ઓળખે છે? હાપર ગામમાં તમારા મોટા ભાગના બધા જ લોકો મને ઓળખે છે. હું મોટા ભાગના તમારાં બાળકોને સ્કૂલમાંથી કાઢી મૂકતો!” પછી તેમણે જણાવ્યું કે પોતે એ ગામમાં આવેલી હાઈ-સ્કૂલનો પ્રિન્સિપાલ હતો. યહોવાહના સાક્ષીઓનાં બાળકો ધ્વજને સલામ કરતા ન હતા, એટલે તે તેઓને સ્કૂલમાંથી કાઢી મૂકતો.

તેમ છતાં ત્રણ સંજોગોમાં ઑપૉકુએ જોયું કે યહોવાહના સાક્ષીઓમાં ખરેખર ખ્રિસ્તી પ્રેમ છે. તેથી તેમનું પથ્થર દિલ પીગળવા માંડ્યું. સૌ પ્રથમ તેમણે જોયું કે યહોવાહના સાક્ષીઓ બીમારીમાં એકબીજાની બહુ કાળજી રાખે છે. અરે જરૂર પડે તો બીજા ગામમાં પણ લઈ જવા તેઓ તૈયાર હોય છે. ઑપૉકુને પ્રથમ એવું થયું કે જે બીમાર ભાઈને બીજા ગામમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, તે કોઈ “આગળ પડતી વ્યક્તિ હશે.” પરંતુ પાછળથી ખબર પડી કે તે તો એક સામાન્ય વ્યક્તિ હતા. ઑપૉકુનો યહોવાહના સાક્ષીઓ વિષે બીજો અનુભવ ૧૯૯૦માં થયો, જ્યારે તે કોટ ડીવાંરમાં રેફયુજી હતા. એક દિવસે તેમને ખૂબ જ તરસ લાગી હોવાથી તે ફેરિયા પાસે પાણી લેવા ગયા. તેમની પાસે પાણી માટે છૂટા પૈસા ન હતા પણ નોટ હતી. તેથી, તે યુવાને તેને મફત પાણી આપ્યું. એ યુવાને ઑપૉકુને પાણી આપતા પૂછ્યું: “તમને લાગે છે કે આપણા જીવનમાં કદી એવો સમય આવશે જ્યારે આપણે પૈસા વગર લેવડદેવડ કરતા હોઈશું?” એના પરથી ઑપૉકુને ખ્યાલ આવી ગયો કે તે યહોવાહનો સાક્ષી હોવો જોઈએ. એ યુવાને કહ્યું પોતે એક યહોવાહનો સાક્ષી છે. જે રીતે ઉદાર હાથે એ ભાઈએ તેમને પ્રેમ અને દયા બતાવી, એનાથી તેના પર ઊંડી અસર પડી. તેમને પહેલાં યહોવાહના સાક્ષીઓ પ્રત્યે ખૂબ જ નફરત હતી. પરંતુ હવે તે જોઈ શક્યા કે જે પાયોનિયરે તેને મૅગેઝિન આપ્યા હતા. પણ પોતે તેના વિષે ખોટું વિચારતો હતો. હવે ભલે તેમણે બાપ્તિસ્મા નથી લીધું પણ તે બાઇબલમાંથી જે શીખે છે એ બીજાઓને શીખવે છે.

આખા લાઇબીરિયામાં ભાઈ-બહેનો ખૂબ જ કપરી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. તેમ છતાં તેઓનો વિશ્વાસ અડગ છે, ઉત્સાહથી તેઓ ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરી રહ્યા છે. તેઓએ યહોવાહના નામ પ્રત્યે જે પ્રીતિ બતાવી અને જે કામ કરે છે તે યહોવાહ કદી વીસરી જશે નહિ.—હેબ્રી ૬:૧૦.

[નકશો on page 30]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

મનરોવિયા

[પાન ૩૧ પર ચિત્ર]

આફત સમયે યહોવાહના સાક્ષીઓ લોકોને ઈશ્વરનું જ્ઞાન, અને જીવન જરૂરિયાત પૂરી પાડે છે