વાચકો તરફથી પ્રશ્નો
વાચકો તરફથી પ્રશ્નો
પહેલો કોરીંથી ૧૦:૮ કહે છે કે ઈસ્રાએલી લોકોએ વ્યભિચાર કર્યો ત્યારે એક દિવસમાં ત્રેવીસ હજાર માર્યા ગયા. જ્યારે કે ગણના ૨૫:૯ પ્રમાણે ચોવીસ હજાર માર્યા ગયા. આવો ફરક કેમ?
એ બે કલમમાં દેખાતા ફરક પાછળ અનેક કારણો હોય શકે. કદાચ ૨૩,૦૦૦થી ૨૪,૦૦૦ માર્યા ગયા હોય શકે. પરંતુ ચોક્કસ આંકડો ન હોવાથી નજીકનો આંકડો લખવામાં આવ્યો હોય શકે.
બીજું એક કારણ એ પણ હોય શકે કે પ્રેષિત પાઊલ કોરીંથી મંડળમાં ખ્રિસ્તીઓને ચેતવણી આપવા શિટ્ટીમમાં શું બન્યું હતું એ યાદ કરાવતા હતા. કોરીંથ શહેર પણ અનૈતિક કાર્યોના લીધે જાણીતું હતું. તેથી તેમણે લખ્યું: “જેમ તેઓમાંના કેટલાએકે વ્યભિચાર કર્યો, અને એક દિવસમાં ત્રેવીસ હજાર માર્યા ગયા, તેમ આપણે ન કરીએ.” પાઊલ એમ જણાવતા હતા કે વ્યભિચારના કારણે યહોવાહના હાથે ત્રેવીસ હજાર લોકો માર્યા ગયા.
તેમ છતાં ગણના ૨૫ કહે છે: “ઈસ્રાએલ બઆલ-પેઓરના પંથમાં ભળ્યા; અને ઈસ્રાએલ પર યહોવાહનો કોપ સળગી ઊઠ્યો.” પછી યહોવાહે મુસાને આજ્ઞા કરી કે “લોકોના સર્વ મુખ્યોને” મારી નાખવા. એટલે મુસાએ ન્યાયાધીશોને એમ કરવાનું કહ્યું. એ સમયે એક ઈસ્રાએલી માણસ મિદ્યાની સ્ત્રીને પોતાના તંબુમાં લઈ ગયો. ફિનહાસે એ જોયું ત્યારે ઝડપથી તેણે પેલા માણસ અને સ્ત્રીને વીંધી નાખ્યા. ત્યારે ઈસ્રાએલી પરની “મરકી બંધ થઈ.” એ અહેવાલ અંતમાં જણાવે છે: “જેઓ મરકીથી મરી ગયા તેઓ ચોવીસ હજાર હતા.”—ગણના ૨૫:૧-૯.
એ આંકડા પરથી જોવા મળે છે કે યહોવાહના અને ન્યાયાધીશોના હાથે જેટલા માર્યા ગયા એમાં ‘લોકોના સર્વ મુખ્યોનો’ પણ સમાવેશ થાય છે. એવું લાગે છે એક હજાર જેટલા મુખ્ય હશે. આમ બંને થઈને ચોવીસ હજાર થાય છે. એ આગેવાનોએ પોતે વ્યભિચાર કર્યો કે પછી તેઓ મોઆબના દેવતાઓને યજ્ઞો કરવા લાગ્યા અથવા એમ કરનારા પ્રત્યે આંખ આડા કાન કર્યા હોય શકે. તોપણ તેઓ દોષિત હતા. એનું કારણ કે તેઓ “બઆલ-પેઓરના પંથમાં ભળ્યા” હતા.
“પંથમાં ભળ્યા” એનો શું અર્થ થાય? બાઇબલના એક એન્સાયક્લોપેડિયા એનો અર્થ આમ કહે છે: “એક વ્યક્તિ બીજાની સાથે ભળે છે.” ઈસ્રાએલીઓ તો યહોવાહને સમર્પણ થએલી પ્રજા હતી. એમ હોવા છતાં તેઓ “બઆલ-પેઓરના પંથમાં ભળ્યા” ત્યારે તેઓએ યહોવાહ સાથેનો કરાર તોડી નાખ્યો. એના લગભગ ૭૦૦ વર્ષ પછી, યહોવાહે પ્રબોધક હોશીઆ દ્વારા ઈસ્રાએલીઓ વિષે કહ્યું: “તેઓ બઆલ-પેઓર પાસે જઈને તે લજ્જાકારક વસ્તુને સમર્પિત થયા, ને તેઓ પોતાની પ્રિય વસ્તુના જેવા ધિક્કારપાત્ર થયા.” (હોશીઆ ૯:૧૦) પાપમાં જોડાયા એ સર્વ પર યહોવાહનો ન્યાયદંડ આવવાનો જ હતો. તેથી મુસાએ ઈસ્રાએલીઓને યાદ કરાવ્યું: “બઆલ-પેઓરને લીધે યહોવાહે જે કર્યું તે તમારી નજરે તમે જોયું છે; કેમ કે જે માણસો બઆલ-પેઓરના ઉપાસકો હતા તે સર્વેનો યહોવાહ તારા દેવે તારી મધ્યેથી વિનાશ કર્યો છે.”—પુનર્નિયમ ૪:૩.