૬૬૬—આનો અર્થ શું થાય?
૬૬૬—આનો અર્થ શું થાય?
“એ છાપ વગર કોઈ વેચી કે ખરીદી શકે નહિ. તે છાપ તો પશુનું નામ અથવા તેના નામની સંખ્યા દર્શાવતો આંકડો છે. આ તો બુદ્ધિ માંગી લે છે, જે કોઈ બુદ્ધિશાળી હોય તે પશુના આંકડા પરથી તેનું નામ શોધી કાઢી શકે છે; કારણ, એ આંકડો એક માણસના નામને બદલે વપરાય છે. તે આંકડો છસો છાસઠ છે.”—સંદર્શન ૧૩:૧૭, ૧૮, પ્રેમસંદેશ.
બાઇબલના અમુક વિષયોમાં લોકોને ખૂબ રસ છે. જેમ કે પ્રકટીકરણના પુસ્તકમાંનું આ ‘પશુ’ કે જંગલી જાનવર અને એની ભવિષ્યવાણી. આ જાનવરની છાપ અથવા તેનું નામ ૬૬૬ છે. એ વિષે ટીવી, ઇન્ટરનેટ, ફિલ્મો, પુસ્તકો અને પત્રિકાઓમાં લોકોના જાતજાતના વિચારો છે. પરંતુ, હકીકતમાં, ‘૬૬૬નો શું અર્થ થાય છે? આ ભયાનક જાનવર ખરેખર કોને રજૂ કરે છે?’
અમુક લોકો માને છે કે બાઇબલ પ્રમાણે ખ્રિસ્ત વિરોધીઓનું નિશાન ૬૬૬ છે. બીજાઓ કહે છે કે જેમ એક જાનવરના ટેટુ પરથી કે એની ચામડીની અંદર મૂકેલી માઈક્રોચીપથી ખબર પડે છે કે એ કોને રજૂ કરે છે. એવી જ રીતે, જેઓ આ જંગલી જાનવરના ગુલામ છે તેઓ પર ૬૬૬ની છાપ છે. બીજા કેટલાક માને છે કે ૬૬૬, કૅથલિક પોપની નિશાની છે. તેઓનું કહેવું છે કે જો ‘વીકારીયસ ફિલી ડેઈ (ઈશ્વરના પુત્રનો પાદરી),’ જે પોપનું ખિતાબ છે, એને રોમન નંબરમાં બદલી નાખો અને એમાં થોડો ફેરફાર કરો તો, ૬૬૬ નંબર આવશે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રૂમી સમ્રાટ, ડાઈક્લીશનના લેટિન નામ અને કૈસર નીરોના હેબ્રી અનુવાદમાંથી ગણતરી કરો તો, એ જ નંબર આવી શકે છે. *
પરંતુ આ પ્રમાણેની વાતો બાઇબલથી ઘણી જ જુદી પડે છે. બાઇબલ જણાવે છે કે ઈશ્વર આ જગતનો અંત લાવશે ત્યારે, જે લોકો પાસે આ પશુ કે જાનવરની છાપ હશે તેઓ પર ઈશ્વરનો ક્રોધ ભભૂકી ઊઠશે. (પ્રકટીકરણ ૧૪:૯-૧૧; ૧૯:૨૦) તેથી, ૬૬૬ નંબરનો ભેદ સમજવો ખૂબ મહત્ત્વનો છે. ખુશીની વાત છે કે યહોવાહ પરમેશ્વર પ્રેમના સાગર છે. એટલે તેમણે આપણને આ મહત્ત્વની બાબત વિષે અંધારામાં રાખ્યા નથી, પણ આપણને સત્યનો પ્રકાશ આપ્યો છે. ચાલો આપણે હવે પછીના લેખમાં આ વિષે વધુ જાણીએ.—૨ તીમોથી ૩:૧૬; ૧ યોહાન ૧:૫; ૪:૮.
[ફુટનોટ્સ]
^ આંકડા વિષેની માહિતી માટે સપ્ટેમ્બર ૮, ૨૦૦૨નું સજાગ બનો! (અંગ્રેજી) જુઓ.