સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરની મરજી પ્રમાણેની પૃથ્વી

ઈશ્વરની મરજી પ્રમાણેની પૃથ્વી

ઈશ્વરની મરજી પ્રમાણેની પૃથ્વી

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે પોતાના શિષ્યોને આ રીતે પ્રાર્થના કરતા શીખવ્યું: “જેમ સ્વર્ગમાં થાય છે તેમ અહીં પૃથ્વી પર તમારી ઇચ્છા પૂર્ણ થાઓ.” ઈસુ જાણતા હતા કે એનો શું અર્થ થાય, કેમ કે તે સેંકડો વર્ષોથી ઈશ્વર સાથે હતા. (માથ્થી ૬:૧૦, IBSI; યોહાન ૧:૧૮; ૩:૧૩; ૮:૪૨) ઈસુ પોતે ઈશ્વર સાથે હતા ત્યારે તેમણે પોતાની નજરે જોયું હતું કે સ્વર્ગમાં તેમ જ પૃથ્વી પર બધું જ યહોવાહની મરજી પ્રમાણે થતું હતું. એ સમયે તેઓએ સાથે મળીને જે કંઈ સર્જન કર્યું એમાં આનંદ માણતા હતા.—નીતિવચનો ૮:૨૭-૩૧.

યહોવાહે સૌથી પહેલા સ્વર્ગદૂતોને બનાવ્યા હતા. તેઓ ‘બળમાં પરાક્રમી, તેમનું વચન પાળનારા હતા.’ તેઓ યહોવાહની ઇચ્છા પ્રમાણે તેમની સેવા કરતા હતા અને હજી પણ કરી રહ્યા છે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૨૦, ૨૧) શું એ સ્વર્ગદૂતો પોતાની મરજી પ્રમાણે કંઈ પણ કરી શકતા હતા? હા, જરૂર. યહોવાહે જ્યારે પૃથ્વી બનાવી ત્યારે “સર્વ દેવદૂતો હર્ષનાદ કરતા હતા.” (અયૂબ ૩૮:૭) હર્ષનાદ કરવાથી તેઓએ બતાવ્યું કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જે કંઈ થાય એમાં તેઓને આનંદ છે. તેમ જ તેમની ઇચ્છા પ્રમાણે તેઓ કરવા રાજી છે.

મનુષ્યને રહેવા માટે જ ઈશ્વરે પૃથ્વી બનાવી. પછી તેમણે પ્રથમ પુરુષ અને સ્ત્રીને પેદા કર્યાં. (ઉત્પત્તિનો પહેલો અધ્યાય) એ જોઈને સ્વર્ગદૂતોને કેવું લાગ્યું? એ વિષે પવિત્ર શાસ્ત્ર આમ કહે છે: ‘દેવે જે સર્વ ઉત્પન્‍ન કર્યું તે તેણે જોયું; અને જુઓ, તે ઉત્તમોત્તમ હતું.’ હા, એમાં કોઈ જ જાતની ખામી ન હતી.—ઉત્પત્તિ ૧:૩૧.

આપણા પ્રથમ મા-બાપ અને તેઓનાં બાળકો માટે ઈશ્વર શું ઇચ્છતા હતા? ઉત્પત્તિ ૧:૨૮ પ્રમાણે: ‘ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને કહ્યું, “વૃદ્ધિ પામો, પૃથ્વીને ભરી દો અને તેને વશ કરો. માછલાં, પક્ષીઓ અને સર્વ પ્રાણીઓનાં તમે માલિક છો.”’ (IBSI) આ આશીર્વાદો કેવી રીતે સાચા પડી શકે? આપણા મા-બાપ અને તેમનાં બાળકો કાયમ જીવતા રહે તો જ એમ થઈ શકે, જ્યાં કોઈ આફતો ન હોય, અન્યાય, કે દુઃખ ન હોય, મરણ પણ ન હોય.

એ સમયે સ્વર્ગ અને પૃથ્વી પર ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થઈ રહ્યું હતું. જેઓ ઈશ્વરની મરજી પ્રમાણે કરતા તેઓ સર્વ એમાં આનંદ માણતા હતા. તો સવાલ થાય છે કે એમાં ભંગ કેવી રીતે પડ્યો?

કોઈકે અણધાર્યો યહોવાહ ઈશ્વર સામે અવાજ ઉઠાવ્યો. એનો એ જ ઘડીએ જવાબ આપી શકાય એમ ન હતું. તેમ છતાં, એનાથી મનુષ્યના જીવન પર દુઃખના ડુંગર તૂટી પડ્યા. એટલું જ નહિ પણ એનાથી મનુષ્યો ઈશ્વરના ઇરાદા વિષે એકદમ ગૂંચવાઈ ગયા. એ દુઃખનો આપણે સર્વ ભોગ બન્યા છીએ. એ અવાજ શાના વિષે ઊઠ્યો હતો?

બેવફાઈના સમયે ઈશ્વરની મરજી

ઈશ્વરના સ્વર્ગદૂતોમાંથી એકને થયું કે મનુષ્યો માટે ઈશ્વરની જે ગોઠવણ છે એમાં ભંગ કરવાથી પોતાને ખૂબ જ લાભ થશે. તેણે એના પર જેટલો વિચાર કર્યો એટલું વધારે વાજબી લાગ્યું. (યાકૂબ ૧:૧૪, ૧૫) તેણે કદાચ એવું પણ વિચાર્યું હશે કે જો પ્રથમ પુરુષ અને સ્ત્રી મારા કહ્યા પ્રમાણે ચાલે તો ઈશ્વરે મને બીજા રાજા તરીકે સ્વીકારવો જ પડશે. તેણે એ પણ વિચાર્યું હશે કે ઈશ્વર પ્રથમ સ્ત્રી અને પુરુષને મારી શકે એમ નથી, કેમ કે મારી નાખવાથી ઈશ્વરનો ઇરાદો નિષ્ફળ જશે. એના બદલે ઈશ્વરને નીચું જોવું પડશે અને પોતાના હેતુમાં ફેરફાર કરવા પડશે. યહોવાહને સ્વીકારવું પડશે કે મનુષ્યો હવે બંડ પોકારનાર સ્વર્ગદૂતને રાજા માને છે. એ કારણથી સમય જતાં તેને શેતાન કે શયતાન કહેવામાં આવ્યો, જેનો અર્થ ‘વિરોધ કરનાર’ થાય છે.—અયૂબ ૧:૬.

તેથી શેતાન પોતાની ધારણા પ્રમાણે સ્ત્રી પાસે ગયો. તેણે સ્ત્રીને ઈશ્વરનો નિયમ ભંગ કરીને પોતાના પગ પર ઊભા રહેવા ઉત્તેજન આપતા કહ્યું: “તમે નહિ જ મરશો; . . . તમારી આંખો ઊઘડી જશે, ને તમે દેવના જેવાં ભલુંભૂંડું જાણનારાં થશો.” (ઉત્પત્તિ ૩:૧-૫) શેતાને સ્ત્રીને જે કહ્યું એ તેને ખૂબ જ ગમી ગયું. તેને થયું કે એવું જીવન તો સૌથી સારું કહેવાય. પછી તેણે પોતાના પતિને તેની સાથે જોડાવા મનાવી લીધો.—ઉત્પત્તિ ૩:૬.

આદમ અને હવા માટે યહોવાહ આવું ઇચ્છતા ન હતા. તેઓએ તો એ પોતાની મરજી પ્રમાણે કર્યું હતું. એમ કરવાથી તેઓએ પોતાના જ પગ પર કુહાડી મારી. ઈશ્વરે તેઓને અગાઉથી ચેતવ્યા હતા કે એમ કરવાથી તેઓ મરણ પામશે. (ઉત્પત્તિ ૩:૩) ઈશ્વરે તેઓને એવી રીતે બનાવ્યા ન હતા કે તેઓ ઈશ્વર વિના જીવી શકે. (યિર્મેયાહ ૧૦:૨૩) એ ઉપરાંત, તેઓમાં ખામી આવી અને અપૂર્ણ બન્યા. તેથી તેઓ મરણ પામ્યા. એ કારણથી તેઓનાં બાળકોને વારસામાં મરણ મળ્યું. (રૂમી ૫:૧૨) શેતાન પાસે એનો કંઈ જ ઇલાજ ન હતો. હવે તે મનુષ્યોમાંથી ખોડ-ખાંપણ અને મરણ કાઢી શકે એમ નથી.

શેતાને જે કર્યું એનાથી શું ઈશ્વરનો મનુષ્ય અને પૃથ્વી માટેનો હેતુ બદલાઈ ગયો? જરાય નહિ! (યશાયાહ ૫૫:૯-૧૧) યહોવાહ સામે શેતાને જે પ્રશ્નો ઉઠાવ્યા એ હજી થાળે પાડવાના હતા. શેતાનનો દાવો હતો: મનુષ્યો ‘ઈશ્વરના જેવું ભલુંભૂંડું જાણનારાં થશે.’ એવું શું ખરેખર બની શકે? બીજા શબ્દોમાં, જો આપણને પૂરતો સમય આપવામાં આવે, તો શું આપણે પોતાની જાતે નક્કી કરી શકીશું કે ભલુંભૂંડું શાને કહેવાય? તેમ જ આપણી માટે શું સારું છે અને શું નથી એ નક્કી કરી શકીશું? શું ઈશ્વર આપણા ભલા માટે રાજ કરે છે? જો એમ હોય તો શું આપણે બધી જ રીતે તેમને આધીન રહીશું? શું આપણે એવો ભરોસો રાખી શકીએ કે પૃથ્વી પર ઈશ્વરની ઇચ્છા પૂરી થશે? તમે એ પ્રશ્નોના જવાબ કેવી રીતે આપશો?

બધાની નજર આગળ એ સવાલોનો જવાબ આપવાની એક જ રીત છે: જે કોઈ ઈશ્વરથી આઝાદ થવા ચાહે છે તેઓને થવા દો. જેથી જોઈ શકાય કે તેઓ ખરેખર સુખ-શાંતિથી જીવે છે કે કેમ? આદમ અને હવા પુરાવો આપે એ પહેલાં, તેઓને મારી નાખવાથી એ પ્રશ્નો તો ઊભા જ રહેશે. મનુષ્યને પોતાની રીતે જીવવા પૂરતો સમય આપવાથી દેખાઈ આવશે કે ખરું શું છે. ઈશ્વરે પ્રથમ સ્ત્રીને કહ્યું હતું કે તું બાળકો જણશે. એના પરથી જાણવા મળે છે કે તે આ રીતે એના પુરાવા આપવાના હતા. આમ, મનુષ્યના કુટુંબની શરૂઆત થઈ. એ માટે આપણે ઈશ્વરનો ઉપકાર માની શકીએ, કારણ કે આજે આપણે જીવીએ છીએ!—ઉત્પત્તિ ૩:૧૬, ૨૦.

એનો એવો અર્થ થતો નથી કે શેતાન અને તેના દૂતો, તેમ જ મનુષ્યોને મન ફાવે તેમ ઈશ્વર કાયમ કરવા દેશે. ઈશ્વરે રાજ કરવાનો પોતાનો હક્ક કોઈને આપ્યો નથી. તેમ જ તેમણે પોતાનો હેતુ બદલ્યો પણ નથી. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) યહોવાહે પહેલેથી એ સ્પષ્ટ જણાવ્યું છે કે શેતાનને કચડી નાખવામાં આવશે. તેમ જ તે જે દુઃખો લાવ્યો છે એને ભૂંસી નાખવામાં આવશે. (ઉત્પત્તિ ૩:૧૫) આમ, આદમ અને હવા શેતાન સાથે જોડાયા ત્યારે જ ઈશ્વરે વરદાન આપ્યું હતું કે પોતે મનુષ્યનું દુઃખ દૂર કરશે.

પણ એ દરમિયાન, શેતાન સાથે જોડાઈને પ્રથમ મા-બાપે પોતાને અને પોતાનાં બાળકોને ઈશ્વરના રાજ્યથી આવતા આશીર્વાદોથી દૂર રાખ્યા હતા. તેઓના નિર્ણયથી મનુષ્યો પર જે દુઃખ આવે છે એ જો યહોવાહ બળજબરીથી અટકાવે તો એમ થઈ શકે કે, તે આપણને કંઈ પસંદ કરવા દેતા નથી.

જોકે આપણે યહોવાહનું રાજ પસંદ કરી શકીએ. એમ કરવાથી આપણે શીખી શકીશું કે આજે ઈશ્વરની આપણા માટે શું ઇચ્છા છે. જેથી આપણે એના સુમેળમાં જીવી શકીએ. (ગીતશાસ્ત્ર ૧૪૩:૧૦) તેમ છતાં, એનો એવો અર્થ થતો નથી કે આપણે યહોવાહનું રાજ્ય પસંદ કર્યું હોવાથી આપણા પર કોઈ મુશ્કેલીઓ નહિ આવે. જ્યાં સુધી એ સાબિત ન થાય કે મનુષ્ય ઈશ્વરની મદદ વગર પોતાના પગ પર ઊભો રહી શકે એમ નથી, ત્યાં સુધી મુશ્કેલીઓ આવશે જ.

શરૂઆતથી જ જોવા મળે છે કે પ્રથમ મા-બાપના નિર્ણયનું શું પરિણામ આવ્યું. તેઓના પ્રથમ દીકરા કાઈને પોતાના ભાઈ હાબેલને મારી નાખ્યો, કેમ કે કાઈનના ‘કામ ભૂંડાં હતાં, અને તેના ભાઈનાં કામ ન્યાયી હતાં.’ (૧ યોહાન ૩:૧૨) યહોવાહે કાઈનને અગાઉથી જ ચેતવણી આપી હતી, પણ તેણે યહોવાહનું ન સાંભળ્યું. તેથી તેને સજા થઈ. (ઉત્પત્તિ ૪:૩-૧૨) કાઈન શેતાનના માર્ગમાં ચાલ્યો હોવાથી તે દુષ્ટ હતો. ઘણા બીજાઓએ પણ એમ જ કર્યું.

ઈશ્વરે પ્રથમ મનુષ્યને બનાવ્યો એના લગભગ ૧,૫૦૦ વર્ષો પછી “દેવની સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ ગઈ ને પૃથ્વી જુલમથી ભરપૂર હતી.” (ઉત્પત્તિ ૬:૧૧) પૃથ્વીનો નાશ ન થાય એ માટે કંઈક કરવાની જરૂર હતી. ઈશ્વર પૃથ્વીનું રક્ષણ કરવા માટે જળપ્રલય લાવ્યા. એમાંથી તેમણે એક કુટુંબને બચાવ્યું, નુહ, તેમની પત્ની, તેમના દીકરાઓ અને તેઓની પત્નીઓ. (ઉત્પત્તિ ૭:૧) આપણે સર્વ તેઓના વંશજો છીએ.

નુહના સમયથી આજ સુધી યહોવાહે મનુષ્યોને માર્ગદર્શન આપ્યું છે. એમાંથી જેને લાભ લેવો હોય તે લઈ શકે, તેમ જ ઈશ્વરની ઇચ્છા પણ જાણી શકે. ઈશ્વરે એ માર્ગદર્શન લખવા માટે તેમના વફાદાર ભક્તોને પસંદ કર્યા, જેથી આપણે વાંચી શકીએ. એ માર્ગદર્શન બાઇબલમાં મળી આવે છે. (૨ તીમોથી ૩:૧૬) તેમ જ તેમણે એ પણ શક્ય બનાવ્યું કે આપણે તેમના જિગરી દોસ્ત બની શકીએ! (યશાયાહ ૪૧:૮) એટલું જ નહિ, પણ સદીઓથી મનુષ્ય પર જે દુઃખ આવી પડ્યું છે એ સહન કરવા તેમણે પોતાના ભક્તોને શક્તિ આપી છે. (ગીતશાસ્ત્ર ૪૬:૧; ફિલિપી ૪:૧૩) એના માટે શું આપણે તેમના આભારી ન થવું જોઈએ?

ઈશ્વરની મરજી પ્રમાણેની પૃથ્વી!

ઈશ્વર મનુષ્ય માટે જે ચાહે છે એ પ્રમાણે શું હજી બધું કર્યું નથી? ઈશ્વર ભક્ત પીતરે લખ્યું: “આપણે તેના વચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ.” (૨ પીતર ૩:૧૩) એ શબ્દો બતાવે છે કે આખી પૃથ્વી પર ઈશ્વરની સરકાર રાજ કરશે અને પૃથ્વી પર ન્યાયી લોકો જ વસશે.

ઈશ્વર ભક્ત દાનીયેલે પણ લખ્યું: “તે રાજાઓની કારકિર્દીમાં આકાશનો [સ્વર્ગનો] દેવ એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને . . . તે આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે.” (દાનીયેલ ૨:૪૪) એ ભવિષ્યવાણી સ્પષ્ટ રીતે બતાવે છે કે આજની સરકારો લાંબો સમય ચાલશે નહિ. બહુ જ જલદી તેઓનો અંત આવશે અને ઈશ્વરનું રાજ આવશે. શું એ ખુશખબર ન કહેવાય! આજે સ્વાર્થને કારણે ઝઘડાઓ, ખૂનખરાબી અને પૃથ્વીનો જે રીતે બગાડ થાય છે એ એક દિવસ ભૂલી જવામાં આવશે.

ઈસુના શિષ્યોએ તેમને પૂછ્યું હતું, કે “એ બધું ક્યારે થશે? અને તારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે?” એનો જવાબ આપતા ઈસુએ કહ્યું: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારૂ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.”—માત્થી ૨૪:૩, ૧૪.

આજે બધા જ જાણે છે કે યહોવાહના સાક્ષીઓ એ પ્રચાર કાર્ય કરી રહ્યા છે. કદાચ તેઓ તમારા ઘરે પણ પ્રચાર કરતા આવ્યા હશે. પ્રોફેસર ચાર્લ્સ એસ. બ્રેડનને ધીસ ઓલ્સો બીલીવ નામના પુસ્તકમાં આમ લખ્યું: “યહોવાહના સાક્ષીઓએ ખરેખર આખી પૃથ્વી પર પ્રચાર કરી નાખ્યો છે. તેઓની જેમ બીજા કોઈ ધર્મના લોકો આટલા ઉત્સાહથી ઈશ્વરના રાજ્ય વિષે પ્રચાર કરવાનો પ્રયત્ન કરતા નથી.” આજે યહોવાહના સાક્ષીઓ ૨૩૦ કરતાં વધુ દેશોમાં અને લગભગ ૪૦૦ ભાષાઓમાં ઈશ્વરના રાજ્ય વિષે પ્રચાર કરી રહ્યા છે. બાઇબલમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રચાર કાર્ય થશે જ. પરંતુ આજ પહેલાં કદી આખી પૃથ્વી પર આ રીતે પ્રચાર કરવામાં આવ્યો ન હતો. આ પુરાવો બતાવે છે કે ઈશ્વરનું રાજ્ય બહુ જ જલદી આવશે. એવા તો બાઇબલમાં ઘણા પુરાવાઓ છે.

ઈસુએ તેમના શિષ્યોને આમ પ્રાર્થના કરતા શીખવ્યું હતું: “તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં થાય છે તેમ અહીં પૃથ્વી પર તમારી ઇચ્છા પૂર્ણ થાઓ.” સમય જતાં, તેમણે શિષ્યોને કહ્યું કે એ રાજ્યનો આખી પૃથ્વી પર પ્રચાર થશે જ. (માથ્થી ૬:૧૦, IBSI) ચોક્કસ, યહોવાહ એ રાજ્ય દ્વારા પોતાની મરજી પ્રમાણે ન્યાયી લોકો માટે પૃથ્વી પર સુખ-શાંતિ લાવશે.

એનો શું અર્થ થાય? પ્રકટીકરણ ૨૧:૩, ૪ એનો જવાબ આપે છે: “મેં રાજ્યાસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી, કે જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે, દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે, અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.” ત્યારે સ્વર્ગમાં અને પૃથ્વી પર ઈશ્વરની ઇચ્છા સંપૂર્ણ રીતે પૂરી થશે. * એવા વાતાવરણમાં શું તમને રહેવું નહિ ગમે?

[ફુટનોટ]

^ તમને જો ઈશ્વરના રાજ્ય વિષે વધારે શીખવું હોય તો યહોવાહના સાક્ષીઓને મળો અથવા પાન બે પર આપેલા કોઈ પણ નજીકના સરનામે લખો.

[પાન ૫ પર ચિત્ર]

ઈશ્વરની મરજી વિરુદ્ધ જવાથી દુઃખ આવ્યું