દયા વિનાના જગતમાં દયાળુ બનો
દયા વિનાના જગતમાં દયાળુ બનો
“માણસ પોતાના દયાળુપણાના પ્રમાણમાં પ્રિય થાય છે.”—નીતિવચનો ૧૯:૨૨.
૧. આજના જગતમાં દયાળુ બનવું કેમ સહેલું નથી?
ભલે તમે દયાળુ હશો, પણ આ નિર્દય જગતમાં દયા બતાવવી સહેલી નથી. બાઇબલ જણાવે છે કે દયાળુ કે માયાળુ બનીને તો તમે પરમેશ્વરના પવિત્ર આત્માનો ગુણ કેળવો છો. પરંતુ બાઇબલમાં માનનારા મોટા ભાગના લોકોને એ સલાહ પાળવી સહેલી લાગતી નથી. એનું શું કારણ? (ગલાતી ૫:૨૨) આપણે પહેલા લેખમાં જોઈ ગયા તેમ, પ્રેષિત યોહાને લખ્યું કે આખું જગત શેતાનની મુઠ્ઠીમાં છે. (૧ યોહાન ૫:૧૯) ઈસુએ પણ જણાવ્યું કે “આ જગતનો અધિકારી” શેતાન છે. (યોહાન ૧૪:૩૦) તેથી, આ જગતના મોટા ભાગના લોકોના આચાર-વિચાર પણ શેતાન જેવા જ હોય છે.—એફેસી ૨:૨.
૨. દયા બતાવવામાં કયા નડતર આવી શકે છે?
૨ દયા વિનાનું આ કઠોર જગત આપણું જીવન બરબાદ કરી નાખે છે. આપણી આસપાસના લોકો, ઘણા ઓળખીતાઓ, સગાં- સંબંધીઓ આ બધા કોઈને કોઈ રીતે આપણને દયા બતાવવાનું ભૂલી જાય. ઝઘડાખોર લોકો સાથે રહીને આપણે પણ થાકી જઈએ છીએ. આવા નિર્દય જગતમાં ઘેરાયેલા હોવાથી આપણને એમ થાય કે દયા બતાવવામાં કંઈ ફાયદો છે? કોઈ વાર તો લાગે, કે ‘આ પાર કે પેલે પાર’ ઝઘડાથી જ પતાવી દેવું જોઈએ. પરંતુ, જો આપણે એવી રીતે વર્તીશું તો આપણી જ તબિયત બગડશે. ખાસ તો આપણે ઈશ્વરને પગલે ચાલ્યા નહિ હોઈએ.—રૂમી ૧૨:૧૭.
૩. કેવી કેવી ઉપાધિને કારણે આપણે પણ દયા બતાવવાનું ભૂલી જઈ શકીએ?
૩ આપણે ઘણી વખત દયા બતાવવાનું ભૂલી જઈએ છીએ, કેમ કે કાલ શું થશે એનું ટેન્શન આપણા માથે હોય છે. જેમ કે આજકાલ આતંકવાદીઓ ક્યારે હુમલો કરે એની ઉપાધિ. ક્યારે ક્યાં બૉમ્બ ફૂટે એનો ડર. અનેક લોકોને રોજીરોટીની ચિંતા. આવો બોજો માથે હોય ત્યાં દયા બતાવવા ક્યાં જવું?—સભાશિક્ષક ૭:૭.
૪. દયા બતાવવા વિષે કેવા કેવા ખોટા વિચારો આવી શકે?
૪ અમુક લોકો વિચાર આવે કે મારું જીવન એટલી ચિંતાઓથી ભરેલું છે તોપણ, મારે જ કેમ દયા બતાવવી જોઈએ? ઘણાને એમ થાય કે દયાળુ બનવું એટલે કે કમજોર બનવું. તો વળી ઘણાને થાય છે કે આજના જમાનામાં દયા બતાવવા જાવ તો, લોકો ફાયદો ઉઠાવે. ખાસ કરીને જ્યારે તેને ખરાબ અનુભવ થયો હોય. (ગીતશાસ્ત્ર ૭૩:૨-૯) બાઇબલ જણાવે છે કે “નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે; પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે.” (નીતિવચનો ૧૫:૧) નમ્રતા અને દયા બંને ઈશ્વરના ગુણો છે. તેથી, દયાળુ અને નમ્ર બનીને આપણે આકરા સંજોગોમાંથી પણ પાર થઈ શકીએ છીએ.
૫. આપણે ખાસ કરીને કયા સંજોગોમાં દયા બતાવવાની જરૂર છે?
૫ પરમેશ્વર યહોવાહ ચાહે છે કે આપણે દયાળુ બનીએ. પણ કઈ રીતે? શું આ કઠોર જગતમાં એ શક્ય છે? ખાસ કયા સંજોગોમાં આપણે દયા બતાવવી જોઈએ, જેથી શેતાનના પંજામાં ન ફસાઈએ? ચાલો આપણે જોઈએ કે કુટુંબમાં, નોકરી-ધંધા પર, સ્કૂલમાં, પાડોશીઓને, પ્રચાર કાર્યમાં અને આપણા ભાઈ-બહેનોને કઈ રીતે દયા બતાવી શકીએ?
કુટુંબમાં દયાળુ બનો
૬. શા માટે કુટુંબમાં એકબીજાને દયા બતાવવી જોઈએ અને કઈ રીતે?
૬ જીવનમાં યહોવાહના આશીર્વાદ અને તેમનું માર્ગદર્શન મેળવવા માટે, આપણે પવિત્ર આત્માનો આ ગુણ પૂરેપૂરો કેળવવો જ જોઈએ. (એફેસી ૪:૩૨) ખાસ કરીને કુટુંબમાં એકબીજાને દયા બતાવવી જોઈએ. માબાપે દરરોજ એકબીજા સાથે અને તેઓનાં બાળકો સાથે દયાથી વર્તવું જોઈએ. (એફેસી ૫:૨૮-૩૩; ૬:૧, ૨) કુટુંબમાં એકબીજા સાથે મીઠાશથી વાત કરવી જોઈએ. બાળકોએ પણ માબાપને માન આપવું જોઈએ. માબાપે પણ વાત-વાતમાં બાળકોને ઊતારી પાડવા ન જોઈએ. ખરેખર કુટુંબમાં વખાણ કરવામાં ઉતાવળા, પણ વાંક કાઢવામાં ધીમા હોવું જોઈએ.
૭, ૮. (ક) આપણે દયાળુ બનવું હોય તો કેવી કુટેવો કાઢવી જોઈએ? (ખ) વાતચીત કરવાથી કુટુંબ કઈ રીતે સુખી થઈ શકે છે? (ગ) આપણા કુટુંબમાં કઈ રીતે દયા બતાવી શકાય?
૭ દયાળુ બનવામાં પાઊલની સલાહ મદદ કરે છે. તે જણાવે છે કે “રીસ, ક્રોધ, અદાવત, નિંદા, તમારા મુખમાંથી નીકળતાં બિભત્સ [ગંદા] વચન એ સર્વ તજી દો.” આપણે હંમેશાં ઘરમાં એકબીજા સાથે પ્રેમથી બોલવું જોઈએ. ખુલ્લે દિલે વાતચીત કરવાથી ઘરમાં ખુશી વધે છે. પરંતુ, કોઈને એકબીજાથી મનદુઃખ થાય તો શું? કોણ સાચું ને કોણ ખોટું, એ જોવાને બદલે કઈ રીતે ઘરમાં પાછી શાંતિ લાવી શકાય એ જુઓ. દયા ધર્મનું મૂળ છે. તેથી કુટુંબમાં દયાભાવ હશે તો સુખ-શાંતિ પણ હશે.—કોલોસી ૩:૮, ૧૨-૧૪.
૮ દયાળુ લોકો ભલા હોય છે અને બીજાઓનું ભલું કરે છે. તેથી આપણે કુટુંબમાં બનતી બધી જ રીતે દયા બતાવવી જોઈએ. વળી, એકબીજાને સથવારો આપીએ, જેથી લોકો પણ કુટુંબનું સારું બોલે. આ રીતે કુટુંબને આશીર્વાદ પણ મળશે. તેઓ સમાજમાં, મંડળમાં સુખ ફેલાવશે. આમ, ખુદ યહોવાહનું નામ રોશન થશે.—૧ પીતર ૨:૧૨.
નોકરી-ધંધા પર દયાળુ બનો
૯, ૧૦. કામે કેવી કેવી તકલીફો ઊભી થઈ શકે અને એના વિષે શું કરી શકાય?
૯ દરરોજ નોકરીની ચક્કી પીસવી, એ ઉપરાંત કામદારો સાથે દયાળુ બનવું કંઈ સહેલું નથી. ઘણા કામદારો ગમે એ રીતે આગળ વધવાની કોશિશ કરે છે. ખોટું બોલીને, છેતરીને પણ આગળ વધે છે. અરે, તેઓ આપણું સારું નામ પણ બગાડે છે. (સભાશિક્ષક ૪:૪) આવા સંજોગોમાં દયા બતાવવી સહેલી નથી. પરંતુ ભલે આપણે ગમે એવા સંજોગોમાં હોઈએ, આપણે યાદ રાખવું જોઈએ કે દયા બતાવવામાં કંઈ ખોટું નથી. યહોવાહના સેવક તરીકે આપણે લોકોને દયા બતાવવા શક્ય બધું કરવું જોઈએ. દાખલા તરીકે, કામે કોઈ બીમાર હોય અથવા તેઓના કુટુંબમાં કોઈને સારું ન હોય તો તમે દયા બતાવી શકો. તેઓના ખબર-અંતર પૂછવાથી પણ સારી છાપ પડી શકે. આપણે યહોવાહના સેવકો તરીકે દયાળુ બનવું જોઈએ, શાંત સ્વભાવ રાખવો જોઈએ. ઘણી વખત મીઠી વાણીથી લોકોના દિલ જીતી શકાય છે.
૧૦ પરંતુ, એમ પણ બની શકે કે બાઇબલ મનાઈ કરે છે એવો તહેવાર ઊજવવાની કોઈ ગોઠવણ કામ પર થાય. યહોવાહના સેવક તરીકે એમાં ભાગ લેવાની તમે ના પાડો. એ કારણે કોઈ વખત તકરાર પણ ઊભી થઈ શકે. તેમ છતાં, એ જ સમયે તેઓને બતાવવું જરૂરી નથી કે એ ઉજવણી શા માટે ખોટી છે. (૧ પીતર ૨:૨૧-૨૩) તમે કદાચ શાંતિથી તેઓને સમજાવી શકો કે શા માટે તમે એમાં ભાગ નથી લેતા. તેઓ કંઈ આડુંઅવળું બોલે તો તમારે વળતો એવો જ જવાબ આપવો નહિ. એને બદલે, યહોવાહના સેવકો પાઊલની આ સલાહ ગળે ઉતારશે: “જો બની શકે, તો ગમે તેમ કરીને સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો.”—રૂમી ૧૨:૧૮.
સ્કૂલે દયાળુ બનો
૧૧. સ્કૂલમાં દયા બતાવવી કેમ અઘરી છે?
૧૧ સ્કૂલમાં દયા બતાવવી આપણાં બાળકો માટે સહેલી નથી. ઘણા યુવાનિયાઓને તો બસ બધા આગળ હીરો જ બનવું ગમે છે. બીજા છોકરાઓ માને છે કે તેઓ મારામારી કરે તો જ કંઈક છે. (માત્થી ૨૦:૨૫) બીજા ઘણા રમત-ગમતમાં હીરો થવા માંગે છે, કે પછી બીજી કોઈ રીતે જાણે પોતાના જેવું હોશિયાર કોઈ જ નથી એ રીતે વર્તે છે. પણ યહોવાહના યુવાન સેવકોએ એવા થવું ન જોઈએ. (માત્થી ૨૦:૨૬, ૨૭) પાઊલે કહ્યું કે “પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે; પ્રીતિ અદેખાઈ કરતી નથી; પ્રીતિ આપવડાઈ કરતી નથી, ફૂલાઈ જતી નથી.” તેથી, યહોવાહના યુવાન સાક્ષીઓએ સ્કૂલ કે કૉલેજના નિર્દય છોકરાઓ જેવા થવું ન જોઈએ, પણ બીજા વિદ્યાર્થીઓ સાથે હળી-મળીને રહેવું જોઈએ.—૧ કોરીંથી ૧૩:૪.
૧૨. (ક) ટીચર સાથે દયાભાવથી વર્તવું શા માટે અઘરું લાગી શકે? (ખ) યુવાન લોકો આકરા સંજોગોમાં આવી પડે તો કોણ મદદ કરશે?
૧૨ બાળકોએ ટીચર સાથે પણ દયાભાવથી વર્તવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓને ટીચરોને પજવવામાં મજા આવે છે. તેઓ ટીચરોને માન નથી આપતા અને ન કરવાનું કરે છે. આમ તેઓ પોતાને મન કંઈક માને છે. તેઓ બીજાં બાળકોને પણ આવી ખરાબ આદતો શીખવે છે. યહોવાહના યુવાન સાક્ષીઓ તેઓના ઇશારે નથી ચાલતા ત્યારે, તેઓને હેરાન કરે છે. આવા સંજોગોમાં તમે કઈ રીતે દયા બતાવી શકો? એ યાદ રાખો કે યહોવાહનું માનવું અને તેમને વફાદાર રહેવું ઘણું મહત્ત્વનું છે. જ્યારે તમે આકરા સંજોગોમાં આવી પડો, ત્યારે યહોવાહ જરૂર સહન કરવાની શક્તિ આપશે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૮.
પાડોશીઓ સાથે દયાળુ બનો
૧૩ ભલે તમે નાનાં-મોટાં ગમે એવા ઘરમાં રહેતા હોવ, તમારા પાડોશીઓને દયા બતાવી શકો. તમે જુદી જુદી રીતે તેમની સાથે સારા સંબંધ રાખી શકો. પરંતુ એ સહેલું નથી.
૧૪ તમારા પાડોશીને તમારો ધર્મ કે તમારી નાત-જાત ગમતી ન હોય તો શું? તેઓ તમારી સાથે સરખી વાત ન કરે અથવા મોં ફેરવી લે તો શું? તોપણ યહોવાહના સેવક તરીકે દયાળુ અને ભલા બનવાની બનતી કોશિશ કરો. તમને જરૂર આશીર્વાદ મળશે. પાડોશમાં તમે જુદા દેખાઇ આવશો. એનાથી યહોવાહના નામને મહિમા મળશે. બીજું કે ખુદ તમારા પાડોશીઓનું દિલ પણ પીગળી શકે અને તેઓ યહોવાહની ભક્તિ કરવા લાગી શકે.—૧ પીતર ૨:૧૨.
૧૫ પાડોશીઓને કઈ રીતે દયા બતાવી શકીએ? એક તો કુટુંબ તરીકે આપણે વાણી અને વર્તનમાં સારો દાખલો બેસાડીશું. વળી, જ્યારે કોઈ વાર પાડોશીને મદદની જરૂર પડે, ત્યારે આપણે ચોક્કસ મદદ આપીશું. આમ, આપણે ખરેખર તેઓનું ભલું કરીશું.—૧ પીતર ૩:૮-૧૨.
પ્રચાર કામમાં દયાળુ બનો
૧૬, ૧૭. (ક) પ્રચાર કરતી વખતે શા માટે દયા બતાવવી જોઈએ? (ખ) બીજે ક્યાંય પ્રચાર કરતા હોઈએ ત્યારે કઈ રીતે દયાળુ બની શકીએ?
૧૬ આપણે ભલે ઘરે ઘરે, રસ્તા પર કે દુકાનોમાં અથવા બીજે ક્યાંય પણ પ્રચાર કરીએ, આપણું દિલ દયાથી ઊભરાવું જોઈએ. આપણે યહોવાહ વિષે શીખવીએ છીએ, જે દયાથી ભરપૂર છે.—નિર્ગમન ૩૪:૬.
૧૭ કઈ રીતોએ પ્રચારમાં દયા બતાવી શકાય? દાખલા તરીકે, તમે રસ્તા પર પ્રચાર કરતા હોવ, તો તમારી રજૂઆત ટૂંકી રાખી શકો. તેમ જ ક્યારે અને કેવી રીતે વાત કરીએ છીએ, એનો પણ વિચાર કરવો જોઈએ. ઘણી ગલીઓમાં ગિરદી હોય છે, તો વચ્ચે ઊભા રહીને રસ્તો રોકવો ન જોઈએ. દુકાનમાં પ્રચાર કરતી વખતે પણ દુકાનદારનો બહુ સમય લેવો ન જોઈએ, કેમ કે ઘરાકો આવતા જતા હોય છે.
૧૮. પ્રચાર કામ કરતા હોઈએ ત્યારે આપણે કઈ રીતે દયા બતાવી શકીએ?
૧૮ ઘરે ઘરે પ્રચાર કરીએ ત્યારે પણ કોઈના ઘરે બહુ વાર ન રોકાઈએ. ખાસ કરીને મોસમ સારી ન હોય ત્યારે આપણી રજૂઆત ટૂંકી રાખીએ. બીજું કે જ્યારે કોઈ તમારું વધારે સાંભળવા ન ચાહતા હોય અથવા મોઢું બગાડે તો શું તમે સમજી જાવ છો? જો તમે એક જ લત્તામાં વારંવાર પ્રચાર કરવા જતા હોવ તો, તેઓનો ખાસ વિચાર કરો, તેઓને વધારે પ્રેમ બતાવો. (નીતિવચનો ૧૭:૧૪) જો તમારું કોઈ ન સાંભળે તો એનું કારણ સમજવાની કોશિશ કરો. યાદ રાખો કે તમારા સિવાય બીજા કોઈ સાક્ષીઓ પણ ત્યાં પ્રચાર કરવા જશે. જો કોઈ તમને ધમકાવે અથવા તમારા પર ગુસ્સે થઈ જાય તોપણ તમે શાંત રહો. તમે સામે ગુસ્સે થઈને ન બોલો કે મોઢું પણ ન ચડાવો. એને બદલે તેઓ સાથે પ્રેમથી વાત કરો. દયાળુ સેવક કદી ઝઘડશે નહિ. (માત્થી ૧૦:૧૧-૧૪) કદાચ કોઈક દિવસ એ વ્યક્તિ સત્યનો સંદેશો સાંભળે પણ ખરી.
મંડળમાં ભાઈબહેનો સાથે દયાળુ બનો
૧૯, ૨૦. મંડળમાં કઈ રીતે દયા બતાવી શકાય?
૧૯ આપણે ખાસ કરીને ભાઈબહેનો સાથે દયાથી વર્તવું જોઈએ. (હેબ્રી ૧૩:૧) યહોવાહના સાક્ષીઓ આખા જગતમાંથી આવે છે. તેથી એકબીજા સાથે સમજી વિચારીને વર્તવું જોઈએ.
૨૦ એક કિંગ્ડમ હૉલમાં અનેક મંડળો ભેગા મળતા હોય તો, બીજાં મંડળોનો પણ વિચાર કરીએ. આપણે તેઓ સાથે સમજી વિચારીને વર્તીએ. સભા ક્યારે રાખવી કે સાફસૂફી કોણ કરશે વગેરે નક્કી કરતી વખતે જુદા જુદા વિચારો હોય તો આપણે એ સમજવા જોઈએ. આ રીતે દયાનો ગુણ ચમકશે અને તમે બીજા લોકો પ્રત્યે માયાળુ બનો છો, એ માટે યહોવાહ તમને આશીર્વાદ આપશે.
દયાળુ રહો
૨૧, ૨૨. કોલોસી ૩:૧૨ પ્રમાણે આપણે શું કરવું જોઈએ?
૨૧ આપણે જીવનનાં દરેક પાસામાં દયા બતાવી શકીએ છીએ. તેથી ચાલો આપણે દયાળુ બનીએ અને બીજાઓને દયા બતાવવાની આદત પાડીએ.
૨૨ ચાલો આપણે જીવનમાં હંમેશાં દયા બતાવીએ. આપણે પ્રેષિત પાઊલના આ શબ્દો પ્રમાણે ચાલીએ: “એ માટે, પવિત્ર તથા વહાલાઓ, દેવના પસંદ કરેલાને ઘટે તેમ, દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો.”—કોલોસી ૩:૧૨.
શું તમને યાદ છે?
• દયા બતાવવી શા માટે અઘરી છે?
• આપણા કુટુંબમાં કઈ રીતે દયા બતાવી શકાય?
• સ્કૂલે, કામે અને પાડોશીને દયા બતાવવી શા માટે અઘરી છે?
• પ્રચાર કરતી વખતે કઈ રીતે દયા બતાવવી જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧૩-૧૫. શા માટે પાડોશીઓને દયા બતાવવી સહેલી નથી, તેમ છતાં શું થઈ શકે?
[પાન ૧૮ પર ચિત્ર]
દયાળુ કુટુંબ સંપીને રહી શકે છે
[પાન ૧૯ પર ચિત્ર]
નોકરી પર કોઈ બીમાર હોય કે તેઓના ઘરમાં કોઈ બીમાર હોય ત્યારે પણ દયા બતાવો
[પાન ૨૦ પર ચિત્ર]
કોઈ હેરાન કરે છતાં દયા બતાવવા યહોવાહ તમને સાથ આપશે
[પાન ૨૧ પર ચિત્ર]
પાડોશમાં કોઈને મદદ કરીને દયા બતાવી શકાય છે