સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાષાંતરમાં મદદ આપનારું—એક અનોખું બાઇબલ

ભાષાંતરમાં મદદ આપનારું—એક અનોખું બાઇબલ

ભાષાંતરમાં મદદ આપનારું—એક અનોખું બાઇબલ

વર્ષ ૧૪૫૫માં બાઇબલ છાપકામમાં ઘણી પ્રગતિ થઈ હતી. જોહાનિસ ગુટેનબર્ગે સૌથી પહેલી પ્રિન્ટીંગ પ્રેસ બનાવી હતી. આ પ્રેસની શોધ પહેલા લોકો બાઇબલની નકલ હાથે કરતા. પણ હવે એ પ્રેસથી ઘણાં બધાં બાઇબલ ઓછી કિંમતે છાપી શકાતાં હતાં, જેથી જગતમાં સર્વ લોકોને વાંચવા માટે મળી શકે.

ગુટેનબર્ગ બાઇબલ લૅટિન ભાષામાં હતું. પરંતુ યુરોપના પંડિતોને હિબ્રૂ અને ગ્રીક ભાષામાં લખાયેલું હતું એ જ ભાષામાં બાઇબલ જોઈતું હતું. જ્યારે કૅથલિક ધર્મ ફક્ત લૅટિન ભાષાનું એટલે કે વલ્ગેટ નામનું બાઇબલ જ સ્વીકારતા હતા. પરંતુ લોકો લૅટિન ભાષા સમજી શકતા નહિ. બીજું કે વલ્ગેટ બાઇબલમાં ઘણી ભૂલો પણ હતી.

બાઇબલ અનુવાદકોને અને પંડિતોને હવે હિબ્રૂ અને ગ્રીક ભાષાના બાઇબલની જરૂર હતી. તેમ જ તેઓને એક વધુ સારા લૅટિન બાઇબલની પણ જરૂર હતી. વર્ષ ૧૫૦૨માં કાર્ડિનલ હિમેનેઝ દે થેસનેરોસ સ્પેઇનની રાણી ઈસેબેલા પહેલીના સલાહકાર હતા. થેસનેરોસે એવા બાઇબલનું કામ માથે લીધું. પછી એ બાઇબલનું નામ કોંપ્લૂટેંસિયન પોલિગ્લોટ પડ્યું અને ભાષાંતર કામમાં એ નામ કમાઈ ગયું. થેસનેરોસે એક જ બાઇબલમાં હિબ્રૂ, ગ્રીક અને લૅટિન ભાષાઓ અને અરામી ભાષામાં અમુક ભાગો છાપ્યા. એ જમાનામાં એવી અલગ અલગ ભાષાઓનું એક પુસ્તક છાપવું કંઈ સહેલું ન હતું. એ જમાનામાં તો એ એક કળા હતી કળા!

એ જબરદસ્ત કામ માથે લેવા માટે સૌથી પહેલા તો થેસનેરોસે સ્પેઇનમાંથી જ અનેક હિબ્રૂ ભાષામાં લખેલા પ્રાચીન વીંટા ખરીદ્યા. તેમણે ગ્રીક અને લૅટિન ભાષામાં લખેલા અનેક વીંટા પણ ભેગા કર્યા, જેથી પોલિગ્લોટની શરૂઆત થઈ શકે. સ્પેઇનમાં આલકાલા દે હનેરસ નામે એક નવી યુનિવર્સિટી બંધાઈ હતી. થેસનેરોસે આ કામ એ યુનિવર્સિટીના અનેક પંડિતોના હાથમાં સોંપ્યું. આ કામમાં ભાષાના એક મહાન પંડિત, ઈરાસમસને પણ આમંત્રણ આપ્યું હતું પણ તેમણે એ સ્વીકાર્યું નહિ.

આ પંડિતોને માહિતી ભેગી કરતા દસ વર્ષ લાગ્યાં. એ ઉપરાંત એ બાઇબલ છાપતા બીજાં ચાર વર્ષ લાગ્યાં, કેમ કે સ્પેઇનના પ્રિન્ટરો પાસે હિબ્રૂ, ગ્રીક કે અરામી ભાષામાં છાપવા માટે કોઈ બીબા ન હતાં. આર્નાલ્ડો ગેયરમો બ્રોકાર્યોને છાપકામનો સારો અનુભવ હતો. તેથી થેસનેરોસે તેમની પાસે બીબા બનાવડાવ્યાં. છેવટે છાપકામ ૧૫૧૪માં શરૂ થયું. જુલાઈ ૧૦, ૧૫૧૭ સુધીમાં એ બાઇબલના ૬ ભાગ છપાઈ ગયા હતા. ચાર મહિના પછી થેસનેરોસનું અવસાન થઈ ગયું. એ બાઇબલની લગભગ છસો કૉપીઓ છાપવામાં આવી હતી. એક બાજુ આ પ્રગતિ થઈ રહી હતી ત્યારે, બીજી બાજુ સ્પેઇનમાં ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચે પૂરજોશમાં હુલ્લડ ફાટી નીકળ્યું. એ પ્રખ્યાત સ્પેનિશ ઇન્‌ક્વિઝિશન તરીકે ઓળખાયું. *

પોલિગ્લોટની રચના

પોલિગ્લોટના દરેક પાના પર કીમતી માહિતી હતી. એના જૂના કરારમાં ચાર ભાગ હતા. એમાં વલ્ગેટ બાઇબલનાં પાનાંની વચ્ચોવચ્ચ છાપવામાં આવ્યું. એજ પાનાની જમણી બાજુ હિબ્રૂ ભાષા છાપી. ડાબી બાજુ ગ્રીક. તેમાં લૅટિન ભાષાનું ઈન્ટરલિનીયર પણ છાપ્યું હતું. પાનાની જમણી બાજુ હિબ્રૂ ભાષાના શબ્દોની વધુ સમજણ આપી હતી. પાનાના નીચલા ભાગમાં પેન્ટેટ્યુક છાપ્યું હતું. એ ઉપરાંત ટારગમ ઑફ ઓંકેલોસ (અરામી ભાષામાં બાઇબલનાં પહેલાં પાંચ પુસ્તકોની સમીક્ષા) પણ છાપ્યું હતું. લૅટિન પણ છપાયું હતું.

પોલિગ્લોટના પાંચમા ભાગમાં દરેક પાનામાં ગ્રીક બાઇબલના બે વિભાગ કરવામાં આવ્યા હતા. એક ભાગમાં ગ્રીક ભાષા અને બીજા ભાગમાં લૅટિન વલ્ગેટની ભાષા હતી. બંનેય ભાષાના શબ્દોના અર્થ જાણવા માટે, અનેક શબ્દો પર એક નાનકડો અક્ષર મૂકવામાં આવ્યો, જેથી બંનેય ભાષાના સરખા અર્થ જોઈ શકાય. પોલિગ્લોટમાં સૌથી પહેલા નવો કરાર ગ્રીક ભાષામાં રજૂ કરવામાં આવ્યો. ત્યાર પછી ઈરાસમસે તૈયાર કરેલો નવો કરાર બહાર પડ્યો.

પાંચમા ભાગના છાપકામનું પંડિતોએ કાળજીથી પ્રૂફવાંચન કર્યું તો, એમાં ફક્ત પચાસ જ ભૂલો રહી ગઈ હતી. એને કારણે આજકાલના પંડિતો માને છે કે પોલિગ્લોટ બાઇબલ, ઈરાસમસે ભાષાંતર કરેલા બાઇબલ કરતાં ચડિયાતું છે. આ પોલિગ્લોટમાં ગ્રીક ભાષાના સુંદર અક્ષરો પણ જાળવી રાખવામાં આવ્યા છે. પંદરમી સદીમાં ગ્રીક ભાષાનું છાપકામ (અંગ્રેજી) પુસ્તકમાં રોબર્ટ પ્રોક્ટોર જણાવે છે: “સ્પેઇનને ગૌરવ છે કે એણે સૌથી સુંદર અને સૌથી પ્રથમ, ગ્રીક ભાષાનાં બીબા તૈયાર કર્યાં.”

પોલિગ્લોટના છઠ્ઠા ભાગમાં બાઇબલનો માહિતી કોશ હતો. એમાં હિબ્રૂ અને અરામી ભાષાનો શબ્દકોશ પણ છાપ્યો. હિબ્રૂ, ગ્રીક અને અરામી નામોના અર્થ પણ આપવામાં આવ્યા. હિબ્રૂ વ્યાકરણ અને લૅટિન અનુક્રમણિકા પણ છાપી. તેથી કોંપ્લૂટેંસિયન પોલિગ્લોટને “સૌથી સુંદર છાપકામ અને સૌથી શાસ્ત્રીય” પુસ્તક તરીકે ગણવામાં આવે છે.

થેસનેરોસની આશા હતી કે પોલિગ્લોટથી “બાઇબલનો અભ્યાસ કરવામાં રસ જાગશે.” પરંતુ તેને દેશ-વિદેશના લોકો સુધી એ બાઇબલ પહોંચાડવામાં કંઈ રસ ન હતો. તેને લાગતું કે, “મામૂલી લોકો માટે બાઇબલ સમજવું ખૂબ જ અઘરું છે, કેમ કે બાઇબલનો સંદેશો અટપટો છે.” તે એમ પણ માનતા કે ‘બાઇબલ ફક્ત ત્રણ પ્રાચીન ભાષાઓમાં જ રાખવું જોઈએ. ઈસુને વધસ્તંભે લટકાવ્યા ત્યારે થાંભલાને માથે ફક્ત આ ત્રણ ભાષાઓમાં જ પાટિયું માર્યું હતું.’ * આ કારણે કોંપ્લૂટેંસિયન પોલિગ્લોટમાં સ્પેનિશ ભાષા પણ છપાઈ ન હતી.

વલ્ગેટની ભાષા કે પછી મૂળ ભાષાઓ?

પોલિગ્લોટમાં પણ ઘણી ખામીઓ હતી. દાખલા તરીકે, એંટોનિયો દે નેબ્રિહાને * વલ્ગેટ બાઇબલ તપાસીને સુધારવાની જવાબદારી સોંપાઈ હતી. જેથી, એ સુધારેલું વલ્ગેટ પોલિગ્લોટમાં છાપી શકાય. કૅથલિક ધર્મને મન તો બસ જેરોમનું વલ્ગેટ જ સાચું! પણ એંટોનિયોને તો વલ્ગેટનું ભાષાંતર મૂળ હિબ્રૂ, અરામી અને ગ્રીક ભાષાઓ સાથે સરખાવવું હતું. ભૂલો મળ્યા પછી વલ્ગેટની નકલોમાં સુધારો કરવો હતો.

વલ્ગેટમાં ભૂલો સુધારવા માટે એંટોનિયોએ થેસનેરોસને જણાવ્યું કે “આપણા ધર્મમાં પાછો ગ્રીક અને હિબ્રૂ ભાષાનો પ્રકાશ ફેંકો અને જેઓ પ્રકાશ ફેંકે તેઓને આશીર્વાદ આપો.” અને પછી તેમણે આ સૂચન પણ આપ્યું: “જ્યારે કોઈ લૅટિન ભાષાના નવા કરારના શાસ્ત્રોમાં ભૂલો નજરે પડે તો સુધારવા માટે એના મૂળ એટલે કે ગ્રીક ભાષામાં તપાસ કરવી. જ્યારે કોઈ જૂના કરારમાં ગ્રીક અને લૅટિનમાં ભૂલ જોવા મળે તો એ સુધારવા માટે મૂળ હિબ્રૂ ભાષામાં તપાસ કરવી.”

થેસનેરોસે શું જવાબ આપ્યો? પોલિગ્લોટના આમુખમાં તેમનો જવાબ સ્પષ્ટ છે. તે જણાવે છે કે, ‘અમે જેરોમે કરેલું લૅટિન વલ્ગેટ પવિત્ર માનીએ છીએ. એ હિબ્રૂ અને ગ્રીક ભાષાની તોલે આવે છે. આપણા પ્રભુ ઈસુની પડખે બે લૂંટારાને વધસ્તંભે ચડાવવામાં આવ્યા, એ બંનેય રોમના રહેવાસીઓ હતા. તેઓની ભાષા લૅટિન હતી.’ પછી થેસનેરોસે, એંટોનિયોને લૅટિન વલ્ગેટની ભાષાની ભૂલોમાં સુધારો કરવાની મનાઈ કરી. છેવટે એંટોનિયો હિંમત હારી ગયો અને એ કામ અધવચ્ચે પડતું મૂકી દીધું.

કોમા યોહાનય્મ એટલે શું?

આલકાલા દે હનેરસના પોલિગ્લોટ બાઇબલમાં ઘણી પ્રગતિ થઈ હતી અને ઘણો સુધારો પણ થયો હતો. તેમ છતાં, લોકો જે શીખીને આગળ વધતા હતા એના કરતાં જે ફક્ત શીખ્યા વગર માનતા હતા તેઓનું જોર વધારે ચાલતું. વલ્ગેટને એટલું તો પવિત્ર ગણવામાં આવતું કે પંડિતોને ‘નવા કરારની’ મૂળ ગ્રીક ભાષાના વિચારો લૅટિન કરતાં અલગ દેખાતા હોય તો તેઓ લૅટિન સુધારવાને બદલે મૂળ ગ્રીક સુધારતા! આવો એક પ્રખ્યાત દાખલો કોમા યોહાનય્મ તરીકે ઓળખાય છે. * ગ્રીક ભાષાના કોઈ પણ વીંટાઓમાં એ વાક્ય જોવા મળતું નથી. પણ યોહાને એ પુસ્તક લખ્યું એની સદીઓ પછી એ વાક્ય ઉમેરવામાં આવ્યું હતું. અરે, એ વાક્ય તો લૅટિન વલ્ગેટના જૂના વીંટાઓમાં પણ જોવા મળતું નથી. પછી ઈરાસમસે જ્યારે ગ્રીક ભાષામાં નવો કરાર કર્યો ત્યારે આ ભૂલ સુધારી હતી.

પંડિતોને એ લૅટિન વલ્ગેટમાં ભૂલ જોયા છતાં સુધારવી ન હતી. તેથી, હાથે કરીને તેઓએ ગ્રીક ભાષામાં એનો ઉમેરો કર્યો જેથી ગ્રીક ભાષા અને લૅટિન ભાષાનો વિચાર એક થાય.

નવા બાઇબલ અનુવાદો

કોંપ્લૂટેંસિયન પોલિગ્લોટમાં અસલ ગ્રીક ભાષાનું બાઇબલ અને સેપ્ટ્યુઆજીંટ છાપવામાં આવ્યું હતું. કોંપ્લૂટેંસિયન પોલિગ્લોટ ઘણું કામ આવે એવું બાઇબલ છે. જેમ ઈરાસમસે ગ્રીક ભાષામાં કરેલો નવો કરાર બાઇબલ ભાષાંતર કામમાં ખૂબ કામ આવે છે. એ જ રીતે કોંપ્લૂટેંસિયન પોલિગ્લોટમાં જે હિબ્રૂ ભાષા છે એ મૂળ હિબ્રૂ અને અરામી ભાષાનો જૂનો કરાર ભાષાંતર કરવામાં કામ આવે છે. દાખલા તરીકે, વિલિયમ ટિંડેલે જૂના કરારનું અંગ્રેજીમાં ભાષાંતર કરતી વખતે હિબ્રૂ વિચારો જાણવા માટે કોંપ્લૂટેંસિયન પોલિગ્લોટનો જ ઉપયોગ કર્યો હતો.

આપણે જોઈ ગયા તેમ, પંડિતોએ કોંપ્લૂટેંસિયન પોલિગ્લોટ મહામહેનતથી બનાવ્યું. અને એમાંથી બાઇબલની મૂળ ભાષાઓ વિષે ઘણું શીખી શકાય છે. એ એવા સમયે જ બહાર પડ્યું જ્યારે યુરોપમાં બાઇબલના સંદેશામાં અને એને બોલચાલની ભાષામાં ભાષાંતર કરવામાં ખૂબ રસ જાગ્યો હતો. પોલિગ્લોટે મૂળ ગ્રીક અને હિબ્રૂ ભાષાઓ છાપીને એ કામમાં ફાળો આપ્યો. આ બધાની પાછળ ખરેખર યહોવાહનો હાથ છે. બાઇબલ જણાવે છે કે “યહોવાહનો શબ્દ પરખેલો છે,” અને એ ‘સદાકાળ ટકશે.’—ગીતશાસ્ત્ર ૧૮:૩૦; યશાયાહ ૪૦:૮; ૧ પીતર ૧:૨૫.

[ફુટનોટ્‌સ]

^ છસો બાઇબલ કાગળ પર છાપવામાં આવ્યા અને ૬ ચામડા પર, જેને અંગ્રેજીમાં પાર્ચમેન્ટ કહેવાય છે. વર્ષ ૧૯૮૪માં પણ એની અમુક નકલો છાપવામાં આવી હતી.

^ હિબ્રૂ, ગ્રીક અને લૅટિન.—યોહાન ૧૯:૨૦.

^ એક પંડિત તરીકે એંટોનિયો ખુલ્લા દિલથી વિચાર કરતા. વર્ષ ૧૪૯૨માં તેમણે કાસ્ટિલ્નનું વ્યાકરણ નામે પુસ્તક બહાર પાડ્યું. ત્રણ વર્ષ પછી તેમણે જિંદગીભર બાઇબલનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું.

^ અનેક બાઇબલમાં ખોટો વિચાર ઉમેરવામાં આવ્યો હતો. જેમાં ૧ યોહાન ૫:૭ કહે છે: “સ્વર્ગમાં પિતા, શબ્દ અને પવિત્ર આત્મા: આ ત્રણેય એક છે.”

[પાન ૨૯ પર ચિત્ર]

કાર્ડિનલ હિમેનેઝ દે થેસનેરોસ

[ક્રેડીટ લાઈન]

Biblioteca Histórica. Universidad Complutense de Madrid

[પાન ૩૦ પર ચિત્ર]

એંટોનિયો દે નેબ્રિહા

[ક્રેડીટ લાઈન]

Biblioteca Histórica. Universidad Complutense de Madrid

[પાન ૨૮ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Biblioteca Histórica. Universidad Complutense de Madrid