સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહના સેવકોએ દિલથી દયા બતાવવી જ જોઈએ

યહોવાહના સેવકોએ દિલથી દયા બતાવવી જ જોઈએ

યહોવાહના સેવકોએ દિલથી દયા બતાવવી જ જોઈએ

“ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, તથા તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવાહ તારી પાસે બીજું શું માગે છે?”—મીખાહ ૬:૮.

૧, ૨. (ક) શા માટે યહોવાહ આપણને દયાળુ બનવા કહે છે? (ખ) દયાભાવ વિષે કેવા પ્રશ્નોનો હવે વિચાર કરીશું?

 યહોવાહ પરમેશ્વર કરુણાના સાગર છે. (રૂમી ૨:૪; ૧૧:૨૨) યહોવાહની અપાર કૃપાથી આદમ અને હવાનું દિલ કેવું ઊભરાઈ આવ્યું હશે! યહોવાહે સુંદર એદન બાગ અને બીજી અનેક ચીજો ઉત્પન્‍ન કરી હતી, જેથી મનુષ્યો સુખ-શાંતિમાં રહી શકે. આજે પણ યહોવાહ બધાને, અરે દુષ્ટ લોકોને પણ દયા બતાવે છે.

આપણામાં ઈશ્વરના ગુણો હોવાથી, આપણે પણ એ સુંદર ગુણો બતાવી શકીએ છીએ. (ઉત્પત્તિ ૧:૨૬) ખુદ યહોવાહ પણ આપણને દયાળુ બનતા શીખવે છે. મીખાહ ૬:૮માં જણાવ્યા પ્રમાણે, આપણે “દયાભાવ” રાખવો જ જોઈએ. પણ દયાભાવનો શું અર્થ થાય? ઈશ્વરના બીજા સદ્‍ગુણો સાથે એ કઈ રીતે સંબંધ ધરાવે છે? જો માણસોમાં દયાભાવ હોય તો શા માટે આ જગત આટલું કઠોર છે? આપણે યહોવાહના સેવકો તરીકે શા માટે એકબીજાને દયા બતાવવી જોઈએ?

દયાળુ બનવાનો શું અર્થ થાય?

૩. દયાળુ બનવાનો શું અર્થ થાય?

દયાળુ બનવાનો અર્થ એ થાય, કે બીજાઓનું ભલું કરો. એટલે કે બીજાઓને મદદ કરવી; તેઓ સાથે સારી રીતે બોલવું; હંમેશાં કોઈનું ભલું કરવું, બૂરું કદી નહિ. દયાળુ વ્યક્તિમાં પ્રેમભાવ હોય છે, બીજાઓ સાથે તે સમજી-વિચારીને વર્તે છે. તે ઉદાર હોય છે. પ્રેષિત પાઊલે કહ્યું: “દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો.” (કોલોસી ૩:૧૨) હા, યહોવાહના સેવકોની રગેરગમાં દયા વહેતી હોવી જોઈએ.

૪. યહોવાહ કઈ રીતે મનુષ્યોને દયાભાવ બતાવે છે?

સૌથી પહેલા તો ખુદ યહોવાહે દયા બતાવી છે. પાઊલે લખ્યું, કે “ઈશ્વર આપણા ઉદ્ધારકની ભલાઈ અને પ્રેમ પ્રગટ થયાં.” કઈ રીતે? “તેમણે આપણને સ્નાન કરાવીને પવિત્ર આત્મા દ્વારા નવો જન્મ અને નવું જીવન આપ્યાં.” (તીતસ ૩:૪, ૫, પ્રેમસંદેશ) યહોવાહ અભિષિક્ત ખ્રિસ્તીઓને જાણે ઈસુના લોહીમાં ‘સ્નાન’ કરાવે છે, ઈસુના બલિદાનથી તેઓને પવિત્ર કરે છે. યહોવાહના પવિત્ર આત્માથી તેઓમાં “નવી ઉત્પત્તિ” થાય છે, એટલે કે તેઓ પવિત્ર આત્મા કે શક્તિથી ઈશ્વરનાં બાળકો બને છે. (૨ કોરીંથી ૫:૧૭) દયાળુ યહોવાહ ‘મોટી સભાને’ પણ પોતાનો પ્રેમ બતાવે છે, જેઓએ “પોતાનાં વસ્ત્ર ધોયાં, અને હલવાનના રક્તમાં ઊજળાં કર્યાં.”—પ્રકટીકરણ ૭:૯, ૧૪; ૧ યોહાન ૨:૧, ૨.

૫. શા માટે પવિત્ર આત્માના માર્ગદર્શનથી ચાલનારા લોકો દયાળુ હોવા જોઈએ?

યહોવાહની પવિત્ર શક્તિ આપણને માયાળુ બનવા મદદ કરે છે. પાઊલે કહ્યું: “પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે; એવાંની વિરૂદ્ધ કોઈ નિયમ નથી.” (ગલાતી ૫:૨૨, ૨૩) ખરેખર, જેઓ પવિત્ર આત્માના માર્ગદર્શન પ્રમાણે ચાલે છે, તેઓ બીજાઓને દયા બતાવશે.

દયાળુ બનવામાં કંઈ ખોટું નથી

૬. દયા ક્યારે મનની કમજોરી બને છે અને શા માટે?

ઘણાને લાગે કે દયાભાવ બતાવનારા સાવ ભોળિયા અને મનથી કમજોર હોય છે. તેઓને લાગે કે આજના જમાનામાં સ્વભાવ કડક રાખવો જોઈએ, તો જ લોકો જોઈ શકે કે તમે પોચા મનના નથી. પણ હકીકત એમ નથી. દેખાવ પૂરતી ઉપરછલ્લી દયા તો કોઈ પણ બતાવી શકે. જ્યારે કે કોઈ પણ કિંમતે દયા બતાવવા માટે ખરી હિંમતની જરૂર પડે છે. ખરી દયા પવિત્ર શક્તિથી પેદા થાય છે. તેથી એ કંઈ ખોટું કે અન્યાય ચલાવી નહિ લે. પરંતુ ઉપરછલ્લી દયા બધું ચલાવી લેશે.

૭. (ક) એલીએ શું ન કર્યું? (ખ) વડીલોએ શા માટે ખોટી દયા ન બતાવવી જોઈએ?

ઈસ્રાએલના યાજક એલીનો વિચાર કરો. તેમને બે દીકરાઓ હતા, હોફની અને ફીનહાસ. તેઓ બંનેય યાજકો હતા. પણ એલીએ તેઓનાં પાપ સામે આંખ આડા કાન કર્યા, તેઓને કોઈ શિક્ષા ન કરી. તેઓને જે સેવા કરવાનો લાભ મળ્યો એમાં સંતોષ ન હતો. તેઓએ પોતાનાં ચાકરોને મોકલ્યા કે યજ્ઞમાં બલિદાન ચઢાવાય એ પહેલાં, તેઓને માટે વધારે હિસ્સો ઉઠાવી લાવવામાં આવે. ત્યાં સેવા કરતી સ્ત્રીઓ સાથે પણ તેઓ કુકર્મો કરતા. આવા પાપોને કારણે હોફની અને ફીનહાસને યાજકપદ પરથી કાઢી મૂકવાને બદલે, એલીએ તેઓને ખાલી ઠપકો આપ્યો. (૧ શમૂએલ ૨:૧૨-૨૯) તેથી, એ દિવસોમાં ‘ઈશ્વર તરફથી સંદેશા ભાગ્યે જ આવતા હતા’! (૧ શમુએલ ૩:૧; IBSI) વડીલોએ ધ્યાન રાખવું જ જોઈએ કે જેઓએ પાપ કર્યું હોય, તેઓને ઉપરછલ્લી દયા ન બતાવે. જો એમ કરશે તો મંડળમાં યહોવાહના આશીર્વાદ નહિ રહે. ખરી દયા કોઈ પણ પાપને ચલાવી લેતી નથી.

૮. ઈસુએ કઈ રીતે ખરી દયા બતાવી?

ઈસુએ કદી ઉપરછલ્લી દયા બતાવી ન હતી. પરંતુ, તેમના હૃદયમાં તો ખરી દયાનું ઝરણું વહેતું હતું. દાખલા તરીકે, “લોકોને જોઈને તેને તેઓ પર દયા આવી; કેમકે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થએલા તથા વેરાઇ ગએલા હતા.” નેક દિલના લોકો ઈસુ પાસે જતા જરા પણ અચકાતા નહિ. તેઓ બાળકોને પણ ઈસુ પાસે લઈ જતા હતા. ઈસુએ કેટલા પ્રેમથી ને વહાલથી બાળકોને ‘બાથમાં લઈને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ દીધો’ હશે! (માત્થી ૯:૩૬; માર્ક ૧૦:૧૩-૧૬) ભલે ઈસુ દયાળુ હતા, પણ કોઈ યહોવાહનો નિયમ તોડે કે પાપ કરે એ ચલાવી લેતા નહિ. ધર્મને નામે ધતિંગ કરનારા ગુરુઓને ઈસુએ જાહેરમાં બરાબર ઠપકો આપ્યો. માત્થી ૨૩:૧૩-૨૬માં જોઈએ છીએ તેમ, વારંવાર ઈસુએ એ ગુરુઓને કહ્યું: “શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે.”

ઈશ્વરની દયા અને બીજા ગુણો

૯. દયા કઈ રીતે સહનશીલતા અને ભલાઈ સાથે જોડાએલી છે?

યહોવાહની શક્તિથી દયા, “સહનશીલતા” અને “ભલાઈ” પેદા થાય છે. દયાળુ વ્યક્તિમાં સહનશીલતા પણ હોય છે. તે કઠોર વ્યક્તિને પણ ધીરજ બતાવશે. દયાળુ વ્યક્તિ ભલી પણ હોય છે, કેમ કે તે મોટે ભાગે બીજાઓનું ભલું જ કરતી હોય છે. અમુક વાર, બાઇબલમાં દયા માટેના મૂળ [ગ્રીક] શબ્દનું ભાષાંતર કૃપા કે ભલાઈ પણ કરવામાં આવ્યું છે. અરે, અગાઉના ખ્રિસ્તીઓ એટલા દયાળુ હતા, કે ટર્ટૂલિયને લખ્યું કે લોકો તેઓને ઈસુને પગલે ચાલનારા ‘દયાળુ લોકો’ કહીને ઓળખતા હતા.

૧૦. દયા અને પ્રેમને શું સંબંધ છે?

૧૦ દયાળુ વ્યક્તિ પ્રેમાળ હોય છે. ઈસુએ પોતાના મિત્રોને કહ્યું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહાન ૧૩:૩૫) પાઊલે પ્રેમ વિષે લખ્યું કે “પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે.” (૧ કોરીંથી ૧૩:૪) બાઇબલમાં ઊંડા પ્રેમની વાત થાય છે, જેની સાથે દયા જોડાએલી છે. મૂળ હેબ્રી ભાષામાં તો અપાર કૃપા કે અતૂટ પ્રેમ ફક્ત ઉપરછલ્લી લાગણી જ નથી. આપણને જેના પર અતૂટ પ્રેમ હશે તેને દયા બતાવીશું, તેના સુખ-દુઃખમાં સાથ આપીશું. યહોવાહ અનેક રીતે આપણને એવો અતૂટ પ્રેમ અને અપાર કૃપા બતાવે છે. યહોવાહની અપાર કૃપાને લીધે આપણને રક્ષણ મળે છે. તેમની દયાને લીધે આપણને દુઃખમાંથી છુટકારો પણ મળે છે.—ગીતશાસ્ત્ર ૬:૪; ૪૦:૧૧; ૧૪૩:૧૨.

૧૧. યહોવાહ આપણને શું ખાતરી આપે છે?

૧૧ યહોવાહની અખંડ પ્રીતિ અને કૃપા લોકોના દિલ જીતી લે છે. (યિર્મેયાહ ૩૧:૩) યહોવાહના ભક્તોને પૂરેપૂરી ખાતરી છે કે ભલે ગમે તેવી તકલીફ આવે, યહોવાહ તેઓનો સાથ છોડી દેશે નહિ. તેઓ પૂરા દિલથી શ્રદ્ધા રાખીને પ્રાર્થના કરી શકે છે: “મેં તારી કૃપા પર ભરોસો રાખ્યો છે; તારા તારણમાં મારૂં હૃદય હર્ષ પામશે.” (ગીતશાસ્ત્ર ૧૩:૫) હા, આપણે કદી ન ભૂલીએ કે યહોવાહ જરૂર કૃપા બતાવશે. તે કદી આપણને તજશે નહિ. તમે આ વચન યાદ રાખી શકો, કે “યહોવાહ પોતાના લોકને તજશે નહિ, તે પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.”—ગીતશાસ્ત્ર ૯૪:૧૪.

કેમ આ જગત કઠોર છે?

૧૨. કઠોર જગતની શરૂઆત કઈ રીતે થઈ?

૧૨ એદન વાડીમાં શું થયું એનો વિચાર કરો. એક સ્વર્ગદૂત અભિમાનથી ફુલાઈ ગયો, અને આ જગત પર રાજ કરવાનો વિચાર કર્યો. તે છેવટે ‘આ જગતનો અધિકારી’ બન્યો, એ પણ કઠોર અધિકારી. (યોહાન ૧૨:૩૧) પછી એનું નામ શેતાન પડ્યું. તે પરમેશ્વર સામે પાપ કરનાર થયો અને માણસોને હેરાન-પરેશાન કરનાર થયો. (યોહાન ૮:૪૪; પ્રકટીકરણ ૧૨:૯) હવાને ઉત્પન્‍ન કરવામાં આવી એ પછી, શેતાનનો સ્વાર્થનો પડદો ખૂલી ગયો. તેને યહોવાહની જગ્યાએ રાજ કરવું હતું. આદમે શેતાનનું રાજ પસંદ કરીને યહોવાહના પ્રેમાળ રાજ્યને તજી દીધું. આ છે કઠોર જગતની શરૂઆત. (ઉત્પત્તિ ૩:૧-૬) આદમ અને હવાને આઝાદી ન મળી, પણ તેઓનું જીવન શેતાનની જંજીરોમાં જકડાઈ ગયું.

૧૩ એનું પરિણામ શું આવ્યું? આદમ અને હવાને ઘર તરીકે જે સુંદર બગીચો આપ્યો હતો એમાંથી નીકળી જવું પડ્યું. એ બગીચામાં તો ભાતભાતનાં શાકભાજી ને ફળો ઊગતાં હતાં. પણ હવે તેઓએ જાત-મહેનતથી એ ઉગાડવા પડ્યા. પરમેશ્વરે આદમને કહ્યું: “તેં તારી વહુની વાત માની, ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી, કે તારે ન ખાવું તે વૃક્ષનું ફળ તેં ખાધું; એ સારૂ તારે લીધે ભૂમિ શાપિત થઈ છે; તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુઃખે ખાશે; તે કાંટા તથા કંટાળી તારે સારૂ ઉગાવશે.” યહોવાહે ધરતીને પણ શાપ આપ્યો. ધરતીમાં કાંટા પણ ઊગવા માંડ્યા અને અનાજ ઉગાડવું ઘણું કઠિન બન્યું. એ જીવન સહેલું ન હતું. નુહના પિતા, લામેખે પણ કહ્યું કે “ભૂમિને યહોવાહે શાપ દીધો.”—ઉત્પત્તિ ૩:૧૭-૧૯; ૫:૨૯.

૧૪ આદમ અને હવાને માથે બીજાં પણ દુઃખો આવી પડ્યાં. પરમેશ્વરે હવાને કહ્યું: “હું તારો શોક તથા તારા ગરોદરપણાનું દુઃખ ઘણું જ વધારીશ; તું દુઃખે બાળક જણશે; અને તું તારા વરને આધીન થશે, ને તે તારા પર ધણીપણું કરશે.” એ ઉપરાંત આદમ અને હવાના પહેલા દીકરાએ પોતાના ભાઈ હાબેલનું ખૂન કરી નાખ્યું.—ઉત્પત્તિ ૩:૧૬; ૪:૮.

૧૫ પ્રેષિત યોહાને લખ્યું, કે “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) દુષ્ટ શેતાનની જેમ, એના આ જગતમાં પણ આજે સ્વાર્થ અને અભિમાન જોવા મળે છે. એટલે તો આ જગત કઠોર છે. પણ આ જગત આવું ને આવું નહિ રહે. યહોવાહ દયાળુ છે. તેમના રાજ્યમાં તે કૃપા વરસાવશે, કઠોરતા નહિ.

યહોવાહનું રાજ્ય કૃપાથી ભરપૂર હશે

૧૬. શા માટે ઈસુ તેમના રાજ્યમાં કૃપા વરસાવશે અને આપણે પણ શું કરવું જોઈએ?

૧૬ યહોવાહના રાજ્યની પ્રજા દયાળુ અને ભલી હશે. (મીખાહ ૬:૮) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે પણ બતાવ્યું કે પરમેશ્વરે તેમને સોંપેલું રાજ્ય કેવી કૃપાથી ભરપૂર હશે. (હેબ્રી ૧:૩) ધર્મગુરુઓ લોકોનાં જીવન પર ખોટો બોજો નાખતા હતા. પરંતુ ઈસુએ કહ્યું: “ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ. મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો; કેમકે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો. કેમકે મારી ઝૂંસરી સહેલ છે, ને મારો બોજો હલકો છે.” (માત્થી ૧૧:૨૮-૩૦) મોટે ભાગે જગતના રાજાઓ, ગુરુઓ કે કોઈ પણ મોટી મોટી પદવીઓ પર બેઠેલાઓ તો બસ મામૂલી લોકો પર જોરજુલમ કરે છે. પરંતુ ઈસુ પોતાના શિષ્યો પર એવો બોજો નથી લાવતા, એ જાણીને કેવી રાહત મળે છે. તો ચાલો, આપણે પણ ઈસુને પગલે ચાલીએ અને કૃપા બતાવતા રહીએ.—યોહાન ૧૩:૧૫.

૧૭, ૧૮. શા માટે ઈસુ સાથે રાજ કરનારા અને પૃથ્વી પર ઈશ્વર ભક્તોનું ધ્યાન રાખનારા જરૂર દયા બતાવશે?

૧૭ મનુષ્યોના રાજમાં અને ઈસુના રાજમાં જમીન આસમાનનો ફેર છે. એ વિષે ઈસુએ તેમના શિષ્યોને શીખવ્યું. બાઇબલ જણાવે છે: “આપણામાં કોણ મોટો ગણાય છે તે સંબંધી પણ તેઓમાં [શિષ્યોમાં] વાદવિવાદ શરૂ થયો. તેણે તેઓને કહ્યું, કે વિદેશીઓના રાજાઓ તેમના પર ધણીપણું કરે છે; અને જેઓ તેમના પર અધિકાર ચલાવે છે તેઓ પરોપકારી કહેવાય છે. પણ તમે એવા ન થાઓ; પણ તમારામાં જે મોટો હોય, તેણે નાના જેવા થવું; અને જે આગેવાન હોય, તેણે સેવા કરનારના જેવા થવું. કેમકે આ બેમાં કયો મોટો છે, જમવા બેસનાર કે સેવા કરનાર? શું જમવા બેસનાર મોટો નથી? પણ હું તમારામાં સેવા કરનારના જેવો છું.”—લુક ૨૨:૨૪-૨૭.

૧૮ માણસોને લોકો પર સત્તા જમાવવી ગમે છે અને બીજું કે તેઓને બસ ખુરશીની જ પડી હોય છે. તેઓ તો પોતાનું નામ કમાવા જ બેઠા હોય છે. પણ ઈસુએ કહ્યું કે માણસ જ્યારે બીજાની રાજીખુશીથી સેવા કરે છે, ત્યારે જ મહાન ગણાય છે. સ્વર્ગમાં ઈસુ સાથે રાજ કરનારા અને પૃથ્વી પર યહોવાહના લોકોનું ધ્યાન રાખનારાઓએ, ખરેખર નમ્રતાથી સર્વ લોકોને દયા બતાવવી જોઈએ.

૧૯, ૨૦. (ક) યહોવાહ કેટલી હદે દયા બતાવે છે? (ખ) આપણે કઈ રીતે યહોવાહની જેમ દયા બતાવી શકીએ?

૧૯ યહોવાહ પરમેશ્વર, દયાના સાગર કેટલી હદે દયા બતાવે છે, એનો ઈસુએ બીજો એક દાખલો આપ્યો. તેમણે કહ્યું: “તમારા પર જેઓ પ્રીતિ રાખે છે તેઓના પર જો તમે પ્રીતિ રાખો, તો તેમાં તમારી મહેરબાની શાની? કેમકે પાપીઓ પણ તેમના પર પ્રીતિ રાખનારા પર પ્રીતિ રાખે છે. જેઓ તમારૂં ભલું કરે છે તેઓનું ભલું જો તમે કરો, તો તેમાં તમારી મહેરબાની શાની? કેમકે પાપીઓ પણ એમજ કરે છે. વળી જેઓની પાસેથી તમે પાછું લેવાની આશા રાખો છો, તેઓને જો તમે ઉછીનું આપો, તો તેમાં તમારી મહેરબાની શાની? કેમકે પાછું લેવા સારૂ પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે. પણ તમે તમારા વૈરીઓ પર પ્રીતિ રાખો, તેઓનું ભલું કરો, ને કચવાયા વગર ઉછીનું આપો; એથી તમને ઘણું પ્રતિફળ [બદલો] મળશે, અને તમે પરાત્પરના દીકરાઓ થશો; કેમકે અનુપકારીઓ [દુષ્ટો] પર તથા ભૂંડાઓ પર તે માયાળુ છે. માટે જેવો તમારો બાપ દયાળુ છે, તેવા તમે દયાળુ થાઓ.”—લુક ૬:૩૨-૩૬.

૨૦ દયામાં કોઈ સ્વાર્થ નથી, કેમ કે યહોવાહ પોતે “સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે, ને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ વરસાવે છે.” (માત્થી ૫:૪૩-૪૫; પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૬, ૧૭) યહોવાહની જેમ આપણે પણ ભૂંડાને ભૂંડું અથવા દુશ્મનને દુશ્મનાવટ બતાવવાને બદલે ભલું કરવું જોઈએ. આમ, આપણે યહોવાહને અને ઈસુને બતાવીશું કે આપણે તેમના પ્રેમાળ રાજ્યમાં રહેવા માંગીએ છીએ, જેમાં સર્વ લોકો દયાળુ હશે.

શા માટે દયાળુ બનવું?

૨૧, ૨૨. આપણે શા માટે દયા બતાવવી જ જોઈએ?

૨૧ યહોવાહના ભક્તો દયાળુ હોવા જ જોઈએ. એ બતાવે છે કે યહોવાહના આશીર્વાદ તેઓ પર છે. દયાભાવ બતાવીને આપણે યહોવાહ અને ઈસુને પગલે ચાલીએ છીએ. યહોવાહના રાજ્યમાં આવવા માંગતા લોકો દયાળુ હોવા જ જોઈએ. તેથી, ચાલો આપણે દિલથી દયા બતાવવાનું શીખીએ.

૨૨ આપણા જીવનમાં દરરોજ આપણે કઈ કઈ રીતે દયા બતાવી શકીએ? હવે પછીનો લેખ એની ચર્ચા કરશે.

આપણે શું શીખ્યા?

• દયા એટલે શું?

• કેમ આ જગત કઠોર છે?

• શા માટે ઈશ્વરના રાજ્યમાં સર્વ લોકો દયાળુ હશે?

• ઈશ્વરના રાજ્યમાં રહેવા માંગનારા લોકોએ શા માટે દયાળુ બનવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

૧૩-૧૫. (ક) યહોવાહનું રાજ્ય તજી દેવાનું શું પરિણામ આવ્યું? (ખ) કેમ આ જગત કઠોર છે?

[પાન ૧૩ પર ચિત્ર]

વડીલો દયાળુ સ્વભાવના હોય છે

[પાન ૧૫ પર ચિત્ર]

તકલીફોમાં પણ યહોવાહ પોતાના ભક્તોને તજશે નહિ

[પાન ૧૬ પર ચિત્ર]

યહોવાહ ભલા અને ભૂંડા પર સૂર્ય ઊગવા દે છે અને વરસાદ વરસવા દે છે