ઈશ્વરભક્ત યિર્મેયાહ જેવી હિંમત રાખો
ઈશ્વરભક્ત યિર્મેયાહ જેવી હિંમત રાખો
“યહોવાહની વાટ જો; બળવાન થા, અને હિમ્મત રાખ; હા, યહોવાહની વાટ જો.”—ગીતશાસ્ત્ર ૨૭:૧૪.
૧. યહોવાહના સેવકોને કેવા આશીર્વાદો મળે છે?
યહોવાહના સેવકો ઈશ્વરની સેવામાં સુખ-શાંતિમાં રહે છે. (યશાયાહ ૧૧:૬-૯) આ જગતમાં ક્યાંય શાંતિ નથી. પરંતુ યહોવાહના આશીર્વાદથી, તેમના સેવકો એકબીજા સાથે સંપીને, પ્રેમથી રહી શકે છે. (ગીતશાસ્ત્ર ૨૯:૧૧; યશાયાહ ૫૪:૧૩) દિવસે દિવસે તેઓનો પ્રેમ વધતો જ જાય છે. (એફેસી ૬:૬) આ કઈ રીતે બની શકે? કેમ કે બધા જ યહોવાહના સેવકો બાઇબલને વળગીને ચાલે છે. બીજું કે તેઓ બીજા લોકોને પણ આ સચ્ચાઈને માર્ગે દોરે છે, જેથી તેઓ પણ પરમેશ્વરના આશીર્વાદ ચાખી શકે.—માત્થી ૨૮:૧૯, ૨૦; યોહાન ૧૫:૮.
૨, ૩. યહોવાહના સેવકોએ શું સહન કરવું પડે છે?
૨ આપણા પર ઈશ્વરની કૃપા છે, એનો અર્થ એ નથી કે આપણા પર દુઃખ નહિ આવે. આપણે બીમારીથી પીડાઈએ છીએ, બુઢાપાનું જીવન પણ દુઃખ લાવે છે. છેવટે મરણ પણ આપણને છોડતું નથી. એની સાથોસાથ આપણે આ જગતના “છેલ્લા સમયમાં” પણ જીવી રહ્યા છીએ. (૨ તીમોથી ૩:૧) આ જગતમાં જ્યાં જુઓ ત્યાં લડાઈઓ, બીમારી, દુકાળ, મારામારી ને લૂંટફાટ બધા લોકો પર દુઃખ લાવે છે. યહોવાહના સેવકોને પણ એ દુઃખો સહન કરવા પડે છે.—માર્ક ૧૩:૩-૧૦; લુક ૨૧:૧૦, ૧૧.
૩ આપણે એ પણ જાણીએ છીએ કે જેઓ પર યહોવાહના આશીર્વાદ નથી તેઓ આપણા પર દુઃખ લાવે છે. ઈસુએ તેમના શિષ્યોને ચેતવણી આપી: “તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તે માટે જગત તમારા પર દ્વેષ રાખે છે. દાસ પોતાના શેઠથી મોટો નથી, એવી જે વાત મેં તમને કહી તે યાદ રાખો. જો તેઓ મારી પૂઠે પડ્યા, તો તેઓ તમારી પૂઠે પણ પડશે.” (યોહાન ૧૫:૧૮-૨૧) આજે પણ લોકો આપણને હેરાન કરે છે, કેમ કે તેઓને યહોવાહની કદર નથી. તેથી અમુક લોકો આપણી મશ્કરી કરે, બીજા ઠેકડી ઉડાવે અને જેમ ઈસુએ કહ્યું તેમ બીજા ઘણા તો આપણી નફરત પણ કરે છે. (માત્થી ૧૦:૨૨) ઘણી વખત મિડીયામાં આપણને ખોટી રીતે રજૂ કરવામાં આવે અથવા આપણા વિષે ખોટું બોલવામાં પણ આવે છે. (ગીતશાસ્ત્ર ૧૦૯:૧-૩) આવી એક પછી બીજી તકલીફો આપણા પર આવતી હોય છે. પણ શું આપણે હિંમત હારવી જોઈએ? આપણે કઈ રીતે સહન કરી શકીએ?
૪. આપણને સહનશક્તિ ક્યાંથી મળશે?
૪ યહોવાહ પોતે આપણને સાથ આપશે, કેમ કે બાઇબલ જણાવે છે: “ન્યાયી માણસને માથે ઘણાં દુઃખ આવે છે; પણ યહોવાહ તે સર્વમાંથી તેને છોડાવે છે.” (ગીતશાસ્ત્ર ૩૪:૧૯; ૧ કોરીંથી ૧૦:૧૩) આપણામાંના ઘણા જાણે છે કે જ્યારે યહોવાહમાં પૂરેપૂરો ભરોસો રાખીએ ત્યારે તે આપણને દુઃખો સહન કરવાની શક્તિ આપે છે. યહોવાહને પ્રેમથી ભજીશું અને આપણી આશા તેજ રાખીશું તો આપણે હિંમત નહિ હારીએ. (હેબ્રી ૧૨:૨) પછી ભલે ગમે એવી મુશ્કેલી આવી પડે, આપણે ડગીશું નહિ.
યહોવાહે યિર્મેયાહને શક્તિ આપી
૫, ૬. (ક) હિંમત રાખવા, આપણે કયા ઈશ્વરભક્તોના દાખલાનો વિચાર કરી શકીએ? (ખ) યિર્મેયાહને પ્રબોધકનું કામ સોંપવામાં આવ્યું ત્યારે તેને કેવું લાગ્યું?
૫ ઇતિહાસના પાનાઓમાંથી જોઈ શકાય છે કે ઘણા યહોવાહના સેવકો પર દુઃખો આવ્યા હતા. પરંતુ તેઓ હિંમત ન હાર્યા. અમુક તો એવા વખતમાં જીવતા હતા કે જ્યારે યહોવાહે પાપી લોકોને શિક્ષા કરી. યિર્મેયાહ અને અમુક બીજા ઈશ્વરભક્તો એવા સમયમાં હતા. તેમ જ પહેલી સદીના ખ્રિસ્તીઓએ પણ એવી જ કસોટી સહન કરી. બાઇબલમાં આ દાખલાઓ આપણને ઉત્તેજન આપવા માટે લખાયા છે. (રૂમી ૧૫:૪) દાખલા તરીકે, યિર્મેયાહનો વિચાર કરો.
૬ યિર્મેયાહ યુવાન હતો અને યહોવાહ શું કરવાના છે એની ચેતવણી આપતો હતો. એ કામ સહેલું ન હતું. ઘણા લોકો યહોવાહને બદલે ખોટા દેવ-દેવીઓને ભજતા હતા. યિર્મેયાહે જ્યારે ચેતવણી આપવાનું શરૂ કર્યું ત્યારે યહોશુઆનું રાજ ચાલતું હતું. યહોશુઆ સિવાય પછીના બધા જ રાજાઓ નાસ્તિક હતા. યાજકો અને પયગંબરોની જવાબદારી હતી કે તેઓ સત્ય શીખવે. એને બદલે તેઓ જૂઠ ફેલાવતા હતા. (યિર્મેયાહ ૧:૧, ૨; ૬:૧૩; ૨૩:૧૧) યહોવાહે જ્યારે યિર્મેયાહને પ્રબોધક તરીકે ચેતવણી આપવાનું કહ્યું ત્યારે તે કેવો ડરી ગયો હશે! (યિર્મેયાહ ૧:૮, ૧૭) યિર્મેયાહ કહે છે: “ઓ પ્રભુ યહોવાહ! મને તો બોલતાં આવડતું નથી; કારણ કે હું હજી બાળક છું.”—યિર્મેયાહ ૧:૬.
૭. લોકો યિર્મેયાહને શું કરતા હતા, અને તેણે જવાબમાં શું કર્યું?
૭ કોઈ યિર્મેયાહનો સંદેશો સાંભળતું નહિ. અરે, ઘણી વાર તો લોકો તેને ખૂબ હેરાન કરતા હતા. એક વાર પાશહૂર યાજકે તેને ખૂબ માર માર્યો અને બાંધી દીધો. ત્યારે યિર્મેયાહે કહ્યું: “વળી જો હું એવું કહું, કે તેને વિષે હું વાત કરીશ નહિ, ને તેને નામે ફરી બોલીશ નહિ.” તમને પણ કદાચ એવું લાગી આવે. પણ યિર્મેયાહે હિંમત ન હારી. તેણે કહ્યું: “જાણે મારા હાડકાંમાં બળતો અગ્નિ સમાએલો હોય, એવી મારા હૃદયમાં પીડા થાય છે, અને મુંગા રહેતાં મને કંટાળો આવે છે: હું [ઈશ્વરનો સંદેશો] બોલ્યા વગર રહી શકતો નથી.” (યિર્મેયાહ ૨૦:૯) યહોવાહના સંદેશા વિષે શું આપણને પણ એવું લાગે છે?
યિર્મેયાહને સાથ દેનાર
૮, ૯. (ક) ઉરીયાહ કઈ રીતે હિંમત હારી ગયો? (ખ) બારૂખ શા માટે નિસાસા નાખતો હતો અને તેને કઈ રીતે મદદ મળી?
૮ યિર્મેયાહે એકલે હાથે યહોવાહનો સંદેશો ફેલાવ્યો ન હતો. તેમના અનેક સાથીદારોએ તેમને હિંમત આપી. પ્રબોધક ઉરીયાહ પણ યરૂશાલેમમાં અને યહુદાહમાં “યિર્મેયાહનાં સર્વ વચનો પ્રમાણે” ચેતવણી આપતા હતા. પરંતુ જ્યારે યહોયાકીમ રાજાએ ઉરીયાહને મારી નાખવાનો હુકમ ફરમાવ્યો, ત્યારે તે મિસર નાસી ગયો. પણ રાજાના ચાકરો તેને પકડી લાવ્યા અને યરૂશાલેમમાં મારી નાખ્યો. આ સમાચાર સાંભળી યિર્મેયાહને કેવો આઘાત લાગ્યો હશે!—યિર્મેયાહ ૨૬:૨૦-૨૩.
૯ યિર્મેયાહનો મંત્રી બારૂખ હતો. તે યિર્મેયાહને સાથ આપતો હતો. અરે, એક વખત તો તેની શ્રદ્ધા પણ યહોવાહમાં ડગમગી ગઈ હતી. તે નિસાસા નાખવા લાગ્યો: “મને હાય હાય! યહોવાહે મારા દુઃખમાં દુઃખ ઉમેર્યું છે; હું નિસાસા નાખીને થાકી ગયો છું, ને મને કંઈ ચેન પડતું નથી.” જ્યારે બારૂખ પર દુઃખ આવી પડ્યું ત્યારે તે યહોવાહને ભૂલી ગયો. તેમ છતાં, યહોવાહે બારૂખને મદદ કરી. પછી તે પાછો સીધે રસ્તે ચાલવા લાગ્યો. તેને એ પણ ખાતરી આપવામાં આવી કે તે યરૂશાલેમના નાશ વખતે બચી જશે. (યિર્મેયાહ ૪૫:૧-૫) બારૂખમાં પાછી શ્રદ્ધા આવી. એ જોઈને યિર્મેયાહને કેટલી હિંમત મળી હશે!
યહોવાહ તેમના ભક્તોને સાથ આપે છે
૧૦. યહોવાહે યિર્મેયાહને કયું વચન આપ્યું?
૧૦ યહોવાહે યિર્મેયાહને કદી તજી ન દીધો. તે યિર્મેયાહને બરાબર ઓળખતા હતા. યહોવાહને ખબર હતી કે તેને કઈ રીતે હિંમત આપવી. દાખલા તરીકે, શરૂઆતમાં યિર્મેયાહ જ્યારે કહે છે કે ‘હું તો બાળક છું,’ ત્યારે યહોવાહ તેને હિંમત આપે છે: “તેઓથી બીતો ના; કેમકે તારો છૂટકો કરવા સારૂ હું તારી સાથે છું, એમ યહોવાહ કહે છે.” પછી યહોવાહ સમજાવે છે કે તેને શું કરવાનું છે અને પછી જણાવે છે: “તેઓ તારી સાથે યુદ્ધ કરશે; પણ તને હરાવશે નહિ; કેમકે તારો છુટકારો કરવા માટે હું તારી સાથે છું, એવું યહોવાહ કહે છે.” (યિર્મેયાહ ૧:૮, ૧૯) યિર્મેયાહને એનાથી કેટલો દિલાસો મળ્યો હશે! યહોવાહે પોતાનું વચન પાળ્યું.
૧૧. યહોવાહે કઈ રીતે યિર્મેયાહનું રક્ષણ કર્યું?
૧૧ યાદ છે કે પાશહૂરે યિર્મેયાહને બાંધ્યો, તેને હેરાન કર્યો, છતાં તેણે કહ્યું: “યહોવાહ પરાક્રમી તથા ભયાનક વીર તરીકે મારી સાથે છે; તેથી જેઓ મારી પૂઠે પડે છે તેઓ ઠોકર ખાઈને પડશે, તેઓ ફતેહ પામશે નહિ.” (યિર્મેયાહ ૨૦:૧૧) એ પછી તો યિર્મેયાહને મારી નાખવાની પણ કોશિશ થઈ હતી. પણ યહોવાહે તેને નિભાવી રાખ્યો. યરૂશાલેમનો નાશ થયો ત્યારે બારૂખની સાથોસાથ યિર્મેયાહ પણ બચી ગયો. પરંતુ જેઓ તેમના પર દુઃખ લાવતા હતા તેઓ બચ્યા નહિ અને બાબેલોનમાં ગુલામ તરીકે લઈ જવામાં આવ્યા.
૧૨. આપણે હિંમત હારી જઈએ એના ઘણાં કારણો છે, છતાં શું યાદ રાખવું જોઈએ?
૧૨ યિર્મેયાહની જેમ યહોવાહના સેવકો પર આજે ઘણા દુઃખો તૂટી પડે છે. ઘણી વાર આપણી પોતાની ભૂલોને લીધે દુઃખ આવી પડે છે. દિવસે દિવસે બદલતી આ દુનિયા પણ દુઃખ લાવી શકે. એ ઉપરાંત, ઘણા લોકો આપણા ધર્મને લીધે પણ હેરાન કરે છે. યિર્મેયાહની જેમ આપણને પણ સત્ય છોડી દેવાનું મન થઈ શકે. દુઃખમાં આપણે યહોવાહને વળગી રહીશું કે નહિ એ એક મોટી કસોટી છે. આપણે ઉરીયાહ જેવા ન બનીએ જે દુઃખમાં હિંમત હારી ગયો હતો. એને બદલે યિર્મેયાહની જેમ યહોવાહમાં શ્રદ્ધા રાખવી જોઈએ.
કઈ રીતે હિંમત રાખી શકીએ?
૧૩. આપણે દાઊદ રાજા અને યિર્મેયાહ પાસેથી શું શીખી શકીએ?
૧૩ યિર્મેયાહ હંમેશાં યહોવાહને યાદ કરતો હતો. પ્રાર્થનામાં પોતાનું દિલ રેડીને યહોવાહ પાસે શક્તિની ભીખ માંગતો હતો. આપણે પણ એમ કરવું જોઈએ. રાજા દાઊદે પણ યહોવાહ પાસેથી શક્તિની ભીખ માંગી હતી. તેમણે કહ્યું: “હે યહોવાહ, મારા બોલવા પર કાન ધર, મારા ચિંતન પર લક્ષ લગાડ. હે મારા રાજા અને મારા દેવ, મારી અરજ સાંભળ; કેમકે હું તારી પ્રાર્થના કરૂં છું.” (ગીતશાસ્ત્ર ૫:૧, ૨) બાઇબલ બતાવે છે કે યહોવાહે વારંવાર દાઊદ રાજાની પ્રાર્થના સાંભળી અને પછી મદદ કરી હતી. (ગીતશાસ્ત્ર ૧૮:૧, ૨; ૨૧:૧-૫) એ જ રીતે જ્યારે આપણા પર દુઃખનો ડુંગર તૂટી પડે ત્યારે, યહોવાહને પ્રાર્થના કરવાથી આપણને રાહત મળશે. (ફિલિપી ૪:૬, ૭; ૧ થેસ્સાલોનીકી ૫:૧૬-૧૮) આપણે પ્રાર્થના કરીએ ત્યારે, યહોવાહ કંઈ કાન બંધ કરી દેતા નથી. પરંતુ તે આપણી “સંભાળ રાખે છે.” (૧ પીતર ૫:૬, ૭) આપણે યહોવાહને પ્રાર્થના કરીએ પછી, તે જવાબ આપે ત્યારે આપણે કાન બંધ કરી દેવા ન જોઈએ!
૧૪. યિર્મેયાહને યહોવાહનાં વચનો કેવા લાગ્યા?
૧૪ તો યહોવાહ કઈ રીતે આપણી પ્રાર્થનાનો જવાબ દે છે? યિર્મેયાહનો વિચાર કરો. તે પ્રબોધક હતા. તેથી તેની સાથે યહોવાહે વાત કરી હતી. યહોવાહના વચનો યિર્મેયાહને કેવા લાગ્યા? તે કહે છે: “તારાં વચનો મને પ્રાપ્ત થયાં ને મેં તેઓને ખાધાં; અને તારાં વચનોથી મારા હૃદયમાં આનંદ તથા હર્ષ ઉત્પન્ન થયો; કેમકે, હે યહોવાહ, સૈન્યોના દેવ, તારા નામથી હું ઓળખાઉં છું.” (યિર્મેયાહ ૧૫:૧૬) યહોવાહનું નામ રોશન કરવાથી અને તેમનાં વચનોથી યિર્મેયાહને ખૂબ આનંદ થયો. પ્રેષિત પાઊલની જેમ યિર્મેયાહ રાજીખુશીથી ઈશ્વરનો સંદેશો ફેલાવતો હતો.—રૂમી ૧:૧૫, ૧૬.
૧૫. આપણે કઈ રીતે યહોવાહ વિષે શીખી શકીએ, અને શા માટે આપણે યહોવાહનો સંદેશો જણાવવો જોઈએ?
૧૫ આજે યહોવાહ આપણી સાથે સીધેસીધા નહિ, પણ બાઇબલ દ્વારા વાત કરે છે. તેથી આપણે બાઇબલમાંથી બરાબર શીખવું જોઈએ. જે શીખ્યા હોય એના પર ઊંડો વિચાર પણ કરવો જોઈએ, જેથી આપણા હૃદયમાં “આનંદ તથા હર્ષ ઉત્પન્ન થાય.” ફક્ત આપણે જ આ જગતમાં યહોવાહનું નામ રોશન કરીએ છીએ. બીજા કોઈ લોકો એ નથી કરતા. ફક્ત યહોવાહના સાક્ષીઓ જ ઈશ્વરના રાજ્યનો શુભસંદેશો ફેલાવે છે અને લોકોને ઈસુને પગલે ચાલવાનું શીખવે છે. (માત્થી ૨૮:૧૯, ૨૦) યહોવાહે આપણને આપેલા આશીર્વાદો વિષે લોકોને જણાવ્યા વગર કઈ રીતે રહી શકીએ!
ખરાબ સોબતમાં ફસાવ નહિ
૧૬, ૧૭. યિર્મેયાહે સોબત વિષે શું કહ્યું અને આપણે કઈ રીતે તેના જેવા બની શકીએ?
૧૬ યિર્મેયાહને હિંમત રાખવા બીજી કઈ રીતે મદદ મળી? તે જણાવે છે: “મોજમઝા કરનારાની મંડળીમાં હું બેઠો નહિ, હરખાયો પણ નહિ; મારા પરના તારા હાથને લીધે હું એકલો બેઠો; કેમકે તેં મને ક્રોધથી ભરપૂર કર્યો છે.” (યિર્મેયાહ ૧૫:૧૭) યિર્મેયાહને ખરાબ સોબતમાં ફસાવા કરતાં, એકલું બેસવું ગમતું હતું. આપણે પણ યિર્મેયાહ જેવા બનવું જોઈએ. ભલે આપણે વર્ષોથી સદ્ગુણો કેળવ્યા હોય, પણ પ્રેષિત પાઊલની સલાહ આપણે ભૂલવી ન જોઈએ કે “દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.”—૧ કોરીંથી ૧૫:૩૩.
૧૭ ખરાબ સોબતથી આ દુનિયાની હવા આપણને લાગી શકે છે. (૧ કોરીંથી ૨:૧૨; એફેસી ૨:૨; યાકૂબ ૪:૪) તેથી આપણે ખરાબ સોબતને પારખતા શીખીએ અને એવા લોકોથી દૂર રહીએ. (હેબ્રી ૫:૧૪) વિચારો કે જો પ્રેષિત પાઊલ આજે અહીં હોત, તો આપણને કોઈને મારામારી કે ગંદી ફિલ્મો જોતા જોઈને શું કહ્યું હોત? ઇન્ટરનેટ પર બીજા કોઈ અજાણ્યા લોકો સાથે દોસ્તી બાંધતા જોઈને તેમણે આપણને કેવી સલાહ આપી હોત? બાઇબલમાંથી શીખવાને બદલે કલાકો સુધી વિડીયો ગેમ્સ રમતા કે ટીવી જોતા જોઈને પાઊલે આપણને શું કહ્યું હોત?—૨ કોરીંથી ૬:૧૪; એફેસી ૫:૩-૫, ૧૫, ૧૬.
યહોવાહમાં શ્રદ્ધા રાખો
૧૮. કઈ રીતે આપણી શ્રદ્ધા મજબૂત કરી શકીએ?
૧૮ આપણે યહોવાહના આશીર્વાદોની ખૂબ કદર કરીએ છીએ. આ જગત પર કોઈની પાસે આવા આશીર્વાદ નથી. જે લોકો યહોવાહમાં માનતા નથી, તેઓ પણ જોઈ શકે છે કે આપણામાં એકબીજા માટે અનહદ પ્રેમ છે. (એફેસી ૪:૩૧, ૩૨) હવે આપણે હિંમત હારવી ન જોઈએ. આપણે સારી સોબત રાખીએ, પ્રાર્થના કરીએ અને બાઇબલમાંથી નિયમિત શીખતા રહીએ. એનાથી આપણી શ્રદ્ધા વધારે મજબૂત થશે. તેમ જ, ગમે એવા દુઃખના સમયે પણ આપણે યહોવાહમાં પૂરેપૂરો ભરોસો રાખીશું.—૨ કોરીંથી ૪:૭, ૮.
૧૯, ૨૦. (ક) આપણે હિંમત ન હારીએ એ માટે શું મદદ કરશે? (ખ) હવે પછીના લેખમાં કોના વિષે ચર્ચા કરવામાં આવશે અને બીજા કોણે એમાં રસ લેવો જોઈએ?
૧૯ યહોવાહના સંદેશાની નફરત કરે એવા લોકોથી આપણી આશા ઝાંખી પડવી ન જોઈએ. યિર્મેયાહને સતાવનારા લોકો ખરેખર તો યહોવાહ સાથે લડતા હતા. એ જ રીતે આજે આપણી સામે લડનારા પણ યહોવાહ સામે લડી રહ્યા છે. તેઓ જીતશે નહિ. યહોવાહ તેઓ કરતાં ઘણા બળવાન છે, જે કહે છે: “યહોવાહની વાટ જો; બળવાન થા, અને હિમ્મત રાખ; હા, યહોવાહની વાટ જો.” (ગીતશાસ્ત્ર ૨૭:૧૪) હા, આપણે પોતાની શ્રદ્ધાનો પાયો મજબૂત રાખીએ. ભલું કરતા હિંમત ન હારીએ. યિર્મેયાહ અને બારૂખની જેમ, જો આપણે સારું કરતા નહિ થાકીએ તો, આપણને પણ આશીર્વાદ મળશે.—ગલાતી ૬:૯.
૨૦ યહોવાહના સેવકો માટે હિંમત રાખવી કંઈ સહેલી નથી. યુવાનો પર તો અનેક તકલીફો આવે છે. તેમ જ તેઓને આશીર્વાદો પણ મળે છે. હવે પછીના લેખમાં ખાસ કરીને આપણા યુવાનો વિષે ચર્ચા કરવામાં આવશે. તેમ જ એ લેખ માબાપને તથા મંડળના બધાને મદદ કરશે, જેથી બધા એક સારો દાખલો બેસાડી શકે, ઉત્તેજન આપી શકે અને યુવાન લોકોને સારી રીતે ટેકો આપી શકે.
તમે શું કહેશો?
• શા માટે આપણા પર દુઃખ આવે છે અને આપણને ક્યાંથી દિલાસો મળી શકે?
• આકરા સંજોગોમાં યિર્મેયાહ શા માટે હિંમત ન હાર્યો?
• કઈ રીતે આપણા હૃદયમાં “આનંદ તથા હર્ષ ઉત્પન્ન” થઈ શકે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૯ પર ચિત્ર]
યિર્મેયાહને લાગ્યું કે તે હજી બાળક છે અને પ્રબોધકનું કામ કરી શકે એમ નથી
[પાન ૧૦ પર ચિત્ર]
આકરા સંજોગોમાં પણ યિર્મેયાહને ખબર હતી કે યહોવાહ તેની સાથે છે