એકબીજાને હિંમત આપો
એકબીજાને હિંમત આપો
“તેઓ મને દિલાસારૂપ થયા છે.”—કોલોસી ૪:૧૧.
૧, ૨. પાઊલને મળવા તેમના મિત્રોએ શા માટે હિંમત રાખવી પડી?
તમારા કોઈ ઓળખીતાને જેલમાં નાખવામાં આવ્યા હોય તો, તેમને મળવું કંઈ રમત વાત નથી. ભલે તેમનો કોઈ વાંક ન હોય, તમે જેલમાં તેમને મળવા જાવ તો તમારું પણ નામ બગડી શકે છે. કહેવાનો અર્થ એ જ કે કોઈ ઓળખીતાને જેલમાં મળવા જવું હોય તો હિંમત રાખવી પડે!
૨ લગભગ ૧,૯૦૦ વર્ષ પહેલાં પાઊલ જેલમાં હતા ત્યારે, કંઈક આવું જ બન્યું હતું. તેમના મિત્રો હિંમત રાખીને તેમને મળવા ગયા. તેઓએ જઈને પાઊલને આશ્વાસન આપ્યું, હિંમત આપી. તેમની શ્રદ્ધા મજબૂત કરી. પણ એ મિત્રો હતા કોણ? આપણે તેઓ પાસેથી શું શીખી શકીએ?—નીતિવચનો ૧૭:૧૭.
હિંમત આપવી
૩, ૪. (ક) પાઊલના પાંચ મિત્રો કોણ હતા? તેઓએ પાઊલને કઈ રીતે મદદ કરી? (ખ)‘દિલાસારૂપ’ શબ્દનો અર્થ શું થાય?
૩ ઈસવી સન ૬૦ની આ વાત છે. પાઊલ પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. નાછૂટકે તેમને જેલ ભેગા થવું પડ્યું. (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૫; ૨૫:૧૧, ૧૨) એ વખતે પાંચ જણાએ પાઊલને હિંમત આપી. એમાંનો એક તુખીકસ હતો, જેણે પાઊલ માટે ઘણી દોડાદોડી કરી. તે ‘પ્રભુમાં વિશ્વાસુ સેવક’ હતો. બીજો ઓનેસીમસ, કોલોસેનો “વિશ્વાસુ તથા વહાલો ભાઈ.” પછી આરીસ્તાર્ખસ મેકદોની, જે થેસ્સાલોનીકામાંથી આવ્યો હતો અને પાઊલ સાથે એક વખત જેલમાં પણ હતો. ચોથો બાર્નાબાસનો પિત્રાઈ ભાઈ માર્ક, જેણે બાઇબલમાં માર્ક નામનું પુસ્તક પણ લખ્યું. છેવટે યુસ્તસ જેણે પાઊલ સાથે “દેવના રાજ્યને સારૂ” કામ કર્યું. પાઊલ આ પાંચેય જણ વિષે કહે છે, કે “તેઓ મને દિલાસારૂપ થયા છે.”—કોલોસી ૪:૭-૧૧.
૪ પાઊલે આ પાંચેય જણના ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે “તેઓ મને દિલાસારૂપ થયા છે.” “દિલાસારૂપ” શબ્દ એ જમાનામાં જ્યારે કોઈ બીમાર માણસને હિંમત આપે ત્યારે વપરાતો હતો. * પાઊલને આ પાંચ જણ પાસેથી એવો જ દિલાસો મળ્યો.
શા માટે પાઊલને હિંમતની જરૂર હતી?
૫. પાઊલ ઈશ્વરનું કામ કરતા હતા છતાં, તેમને શાની જરૂર પડી? આપણને બધાને શાની જરૂર પડે છે?
૫ પાઊલ તો ખુદ ઈશ્વરનું કામ કરતા હતા, તેમને કંઈ હિંમતની જરૂર હોય? કેમ ન હોય! એ ખરું કે પાઊલની શ્રદ્ધા મજબૂત હતી. તેમણે ઘણું દુઃખ પણ સહન કર્યું. તેમણે ‘હદબહાર ફટકા ખાધા, વારંવાર મોતના પંજામાં’ ફસાયા. (૨ કોરીંથી ૧૧:૨૩-૨૭) ભલેને આટલું સહન કર્યું હોય છતાં, તે પણ માણસ જ હતા ને! બધા માણસોને કોઈક સમયે દિલાસાની જરૂર પડે છે. કોઈની મદદથી શ્રદ્ધા મજબૂત કરવી પડે છે. અરે, ખુદ ઈસુને પણ હિંમતની જરૂર હતી! તેમના જીવનની છેલ્લી રાતે ગેથસેમાને બાગમાં એક સ્વર્ગદૂત આવ્યો અને ઈસુને “બળ” આપ્યું.—લુક ૨૨:૪૩.
૬, ૭. (ક) રોમમાં પાઊલને કોણે દુઃખ પહોંચાડ્યું અને કોણે હિંમત આપી? (ખ) ભાઈઓએ પાઊલને કઈ કઈ રીતે મદદ કરી?
૬ પાઊલને પણ હિંમતની જરૂર હતી. તેમને રોમની જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે, તેમની જ જાતના લોકોએ એટલે કે યહુદીઓએ તેમનું અપમાન કર્યું. તેઓને ઈશ્વરનો સંદેશો સાંભળવો જ ન હતો. યહુદીઓના મોટા મોટા માણસો પાઊલને મળવા ગયા એ પછી શું થયું? “જે વાતો કહેવામાં આવી તે કેટલાએકે માની લીધી, અને કેટલાએકે માની નહિ. તેઓ બધા એક મતના ન થયાથી ચાલ્યા ગયા.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૧૭, ૨૪, ૨૫) તેઓએ યહોવાહનું ન માન્યું એ જાણીને પાઊલને કેટલું દુઃખ થયું હશે! રોમના મંડળને પાઊલે લખ્યું: “મને અત્યંત શોક થાય છે. મારા લોકના માટે મારા હૃદયમાં હંમેશાં વેદના થાય છે. મારા જાતભાઈઓ, હા, મારા લોહીનાં સગાંને ખાતર ઈશ્વરનો શાપ વહોરી લઈ ખ્રિસ્તથી જાણે કે અલગ થઈ જાઉં એવી ઈચ્છા મને થઈ આવે છે!” (રોમનો ૯:૨, ૩, પ્રેમસંદેશ) જોકે, રોમમાં પાઊલના સાચા મિત્રો પણ હતા જેઓ તેમને મદદ કરવા તૈયાર હતા. તેઓની હિંમત જોઈને પાઊલના કલેજાને કેવી ઠંડક પહોંચી હશે! એ જ તેમના ખરા સગા હતા!
૭ આ પાંચ મિત્રોએ કઈ રીતે પાઊલને હિંમત આપી? પાઊલ જેલમાં હતા તેથી તેઓ કંઈ બીતા ન હતા. તેઓએ તો પાઊલને રાજીખુશીથી બને એટલી મદદ કરી. પાઊલ માટે ઘણી દોડાદોડી પણ કરી. દાખલા તરીકે, તેઓએ અનેક મંડળોમાં પાઊલનો સંદેશો પહોંચાડ્યો. તેઓ પાઊલ માટે રોમના ભાઈ-બહેનો અને બીજા અનેક ભાઈ-બહેનોના સારા સારા ખબર પણ લાવતા હતા. પાઊલ માટે તેઓ શિયાળાની ઠંડી સહન કરવા માટે ગરમ કપડાં લાવ્યાં. લખવા-વાંચવાની સામગ્રી પણ લઈ આવ્યા. (એફેસી ૬:૨૧, ૨૨; ૨ તીમોથી ૪:૧૧-૧૩) આ રીતે પાઊલને ઘણી હિંમત મળી, ઉત્તેજન મળ્યું. પછી તે પોતે પણ બીજા ઘણાને હિંમત આપી શક્યા.—રૂમી ૧:૧૧, ૧૨.
આપણે કઈ રીતે ‘હિંમત’ આપી શકીએ?
૮. પાઊલે મદદ માંગી એમાંથી આપણે શું શીખી શકીએ?
૮ આપણે પાઊલ અને તેમના પાંચ સાથીઓ પાસેથી શું શીખી શકીએ? પહેલું તો એ કે, દિન-રાત કોઈના દુઃખમાં સાથ દેવો એ કંઈ આસાન નથી. એ માટે હિંમત જોઈએ. આપણે પોતે દુઃખમાં ડૂબેલા હોઈએ તો આપણે પણ સાથ માટે હાથ લાંબો કરવો પડે છે. પાઊલ બીજા પાસેથી મદદ માંગતા અચકાયા ન હતા. આપણે પણ મદદ માંગતા શરમાવું ન જોઈએ. આપણે એવું ન ધારીએ કે આપણે પોતે જ કંઈક છીએ અને આપણને કોઈની મદદની જરૂર નથી! આપણે જોઈ ગયા તેમ ખુદ ઈસુએ પણ મદદની ભીખ માંગી હતી.—હેબ્રી ૫:૭.
૯, ૧૦. વ્યક્તિ પોતાની ભૂલો સ્વીકારે ત્યારે એનું શું પરિણામ આવી શકે? એનાથી કુટુંબમાં અને મંડળમાં કઈ રીતે મદદ મળી શકે?
૯ મંડળના વડીલોએ બતાવવું જોઈએ કે તેઓ પણ નબળા છે અને બીજાઓ પર નભે છે. (યાકૂબ ૩:૨) એમ કરવાથી મંડળમાં એકબીજા માટે પ્રેમનું બંધન મજબૂત થઈ શકે. છેવટે વડીલો પણ માણસ જ છે ને! વડીલો ખુલ્લે દિલે મદદ સ્વીકારે તો બીજા પણ તેઓ પાસેથી નમ્રતા શીખી શકે. હા, એનાથી મંડળના બધા તેઓ સાથે દિલ ખોલીને વાત કરી શકશે.—સભાશિક્ષક ૭:૨૦.
૧૦ બાળકો પણ માબાપ સાથે દિલ ખોલીને વાતચીત કરી શકે. ક્યારે? જ્યારે ખુદ માબાપ પોતાની ભૂલો સ્વીકારે ત્યારે. માબાપે પણ નાનપણમાં અનેક ભૂલો કરી હશે. ખોટે રસ્તે પણ ગયા હશે. એ વિષે બાળકોને કહેતા અચકાવું ન જોઈએ. (કોલોસી ૩:૨૧) તો જ બાળકો ખુલ્લે દિલે વાત કરશે. પછી બાળકોને સાચે રસ્તે દોરવા માટે બાઇબલની સલાહ આપો ત્યારે, તેઓ એને સહેલાઈથી સ્વીકારશે. (એફેસી ૬:૪) એ જ રીતે મંડળમાં વડીલોએ એ બતાવતા અચકાવું ન જોઈએ કે તેઓ પણ ભૂલ કરે છે, ખોટા વિચારો કરી બેસે છે. તેઓને પણ ઘણી વખત જીવનમાં સૂઝ પડતી નથી કે શું કરવું. એ જાણીને મંડળના ભાઈ-બહેનો તેઓને તકલીફો જણાવતા અચકાશે નહિ. (રૂમી ૧૨:૩; ૧ પીતર ૫:૩) પછી વડીલો સાથે બાઇબલની સલાહ જોવી તેમને સહેલી લાગશે. એનાથી તેઓની શ્રદ્ધા મજબૂત થશે. આ જ એવો વખત છે કે આપણા ભાઈ-બહેનોને બહુ જ હિંમત આપવાની જરૂર છે.—૨ તીમોથી ૩:૧.
૧૧. શા માટે આજે ઘણાને હિંમતની જરૂર છે?
૧૧ આપણે ભલે ગમે એ દેશમાં રહેતા હોઈએ. નાના હોઈએ કે મોટા, બધા પર કોઈને કોઈ વખત દબાણ કે ટેન્શન આવી જ પડે છે. આજકાલનું જીવન જ એવું છે. (પ્રકટીકરણ ૧૨:૧૨) આવા દુઃખના સમયે આપણી શ્રદ્ધાની કસોટી થઈ શકે છે. ટેન્શન ગમે ત્યાંથી ટપકી પડે છે. સ્કૂલે, નોકરી-ધંધા પર, કુટુંબમાંથી કે પછી મંડળમાંથી પણ. કોઈ બીમારીને લીધે આવે અથવા જીવનમાં કડવો અનુભવ થયો હોય તો એની યાદ પણ સતાવે. એ વખતે જીવનસાથી કે પછી મંડળના વડીલો મીઠાશથી વાત કરે અને હિંમત આપે તો કલેજાને કેટલી ઠંડક મળે છે! તમે કોઈને દુઃખમાં ડૂબેલા જુઓ તો હિંમત જરૂર આપજો. જો તમારા પર દુઃખનો બોજો હોય તો મંડળના ભાઈઓ સાથે વાત કરીને હળવો કરી શકો.—યાકૂબ ૫:૧૪, ૧૫.
મંડળ કઈ રીતે મદદ કરી શકે?
૧૨. મંડળમાં આપણે દરેક એકબીજાને કઈ રીતે હિંમત આપી શકીએ?
૧૨ મંડળમાં આપણે બધા એકબીજાને હિંમત આપી શકીએ. તમે કાયમ સભાઓમાં આવો એનાથી હિંમત મળે છે. પ્રચાર કામમાં ઠંડા ન પડો, એનાથી પણ બધાને હિંમત મળે છે. (હેબ્રી ૧૦:૨૪, ૨૫) ભલે ગમે એવી તકલીફો આપણા માથે આવી પડે છતાં, યહોવાહની ભક્તિમાં ઠંડા ન પડવાથી શ્રદ્ધા મજબૂત રહે છે. (એફેસી ૬:૧૮) બીજા ઘણાને પણ હિંમત મળે છે.—યાકૂબ ૨:૧૮.
૧૩. અમુક ભાઈ-બહેનો યહોવાહની સેવામાં શા માટે ઠંડા પડી જાય છે? તેઓને કઈ રીતે મદદ કરી શકાય?
૧૩ ઘણી વખત જીવનમાં એવા દુઃખો આવી પડે કે આપણે યહોવાહની સેવામાં સાવ ઠંડા પડી જઈ શકીએ. (માર્ક ૪:૧૮, ૧૯) જેઓ યહોવાહની સેવામાં ઢીલા પડી ગયા હોય તેઓ કદાચ સભાઓમાં પણ ન આવે. એનો અર્થ એવો નથી કે તેઓ યહોવાહને પ્યાર નથી કરતા. તેઓને કઈ રીતે હિંમત આપી શકાય? વડીલો તેઓને મળવા જઈ શકે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) તેઓ મંડળના બીજા ભાઈ-બહેનોનો પણ સાથ લઈ શકે. જેઓ ઢીલા પડી ગયા હોય તેઓને આ રીતે મળવા જવાથી હિંમત મળી શકે છે. એનાથી તેઓની શ્રદ્ધા મજબૂત થઈ શકે.
૧૪, ૧૫. નબળા લોકોને હિંમત આપવા વિષે બાઇબલ શું કહે છે? એક મંડળે એ સલાહ કઈ રીતે લાગુ પાડી?
૧૪ બાઇબલ કહે છે કે “નિર્બળોને આશ્રય આપો.” (૧ થેસ્સાલોનીકી ૫:૧૪) જેઓ “નિર્બળ” હોય છે તેઓ કદાચ હિંમત હારી જતા હશે. તેઓ પાસે દુઃખોનો સામનો કરવાની શક્તિ ન હોય, તો શું તમે મદદ કરી શકો? બાઇબલ કહે છે કે તમે “આશ્રય” આપી શકો, એટલે કે તમે તેઓને તજી ન દો. યહોવાહને તેમના બધા ભક્તો પર મમતા છે. તે કોઈને ત્યજી દેતા નથી. શું તમે પણ મંડળમાં જેઓ ઠંડા પડી ગયા હોય, તેઓને “આશ્રય” આપી શકો છો?—હેબ્રી ૨:૧.
૧૫ એક યુગલ છ વર્ષ સુધી યહોવાહની સેવામાં ઠંડું પડી ગયું હતું. એક વડીલ લખે છે: “આખા મંડળે તેઓને પ્રેમથી એટલી મદદ કરી કે તેઓ પાછા યહોવાહની ભક્તિ કરવા લાગ્યા.” મંડળના ભાઈ-બહેનો એ બહેનને મળવા જતા ત્યારે તેમને કેવું લાગતું? તે કહે છે: “જે ભાઈ-બહેનો અમને મળવા આવતા તેઓ બસ પ્રેમ જ બતાવતા હતા. અને બાઇબલમાંથી હિંમત આપતા હતા. કોઈએ કદી અમને નીચા ન પાડ્યા.”
૧૬. આપણું કોઈ ન હોય ત્યારે કોણ હિંમત આપશે?
૧૬ આપણે એકબીજાને રાજીખુશીથી હિંમત આપીએ છીએ. સંજોગ પ્રમાણે આપણને પણ આપણા ભાઈ-બહેનો પાસેથી હિંમત લેવાની જરૂર પડે છે. એવું પણ બને કે ઘણી વખત કોઈ આપણને મદદ ન કરી શકે. જ્યારે કોઈ ન હોય ત્યારે આપણો ઉપરવાળો તો છે જ ને! હા, ખુદ યહોવાહ આપણને હિંમત આપવા તૈયાર છે.—ગીતશાસ્ત્ર ૨૭:૧૦.
યહોવાહ હિંમત આપવા તૈયાર છે
૧૭, ૧૮. યહોવાહે ઈસુને કઈ કઈ રીતે હિંમત આપી?
૧૭ ઈસુએ જીવનની છેલ્લી ઘડીએ પોકાર કર્યો: “ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું.” (લુક ૨૩:૪૬) પછી તેમનો જીવનદીપ હોલવાઈ ગયો. એ બનાવ પહેલા ઈસુને ગિરફતાર કરવામાં આવ્યા ત્યારે તો, તેમના શિષ્યો પણ તેમને છોડીને ભાગી ગયા. (માત્થી ૨૬:૫૬) ઈસુ સાવ એકલા પડી ગયા. યહોવાહ સિવાય તેમનું બીજું કોણ હતું! ઈસુની શ્રદ્ધા તેજ હતી. એટલે ખુદ યહોવાહ પરમેશ્વરે તેમને હિંમત આપી.—ગીતશાસ્ત્ર ૧૮:૨૫; હેબ્રી ૭:૨૬.
૧૮ યહોવાહે હંમેશાં ઈસુને સાથ આપ્યો. અરે, છેલ્લી ઘડી સુધી તેમણે હિંમત આપી! દાખલા તરીકે, ઈસુએ જ્યારે બાપ્તિસ્મા લીધું ત્યારે, તેમણે યહોવાહની સેવા શરૂ કરી. એ જ ઘડીએ યહોવાહ પોકારી ઊઠ્યા કે તે ઈસુને કેટલો પ્યાર કરે છે. ઈસુને હિંમત આપવા માટે સ્વર્ગદૂતોને પણ મોકલ્યા. છેવટે ઈસુ પર સૌથી આકરી કસોટી આવી ત્યારે પણ યહોવાહે કાન ધર્યા, તેમની પ્રાર્થના સાંભળી. એનાથી ઈસુને હિંમત મળી.—માર્ક ૧:૧૧, ૧૩; લુક ૨૨:૪૩.
૧૯, ૨૦. યહોવાહ આપણને હિંમત આપશે એની શું ખાતરી છે?
૧૯ પરમેશ્વર યહોવાહ પોતે આપણને હિંમત આપવા તૈયાર છે. (૨ કાળવૃત્તાંત ૧૬:૯) યહોવાહ પાસે પુષ્કળ શક્તિ છે, અપાર બળ છે. તે આપણને ગમે એવા સંજોગમાં હિંમત આપી શકે છે. (યશાયાહ ૪૦:૨૬) યુદ્ધમાં ફસાયા હોય, પૈસા-ટકાની તંગી હોય, બીમારી હોય, કોઈ ગુજરી ગયું હોય, ભલે ગમે એવા દુઃખો તૂટી પડે, યહોવાહ આપણને સાથ આપશે. (ગીતશાસ્ત્ર ૧૮:૧૭; નિર્ગમન ૧૫:૨) યહોવાહ તેમની પવિત્ર શક્તિથી આપણને મદદ કરી શકે છે. પવિત્ર શક્તિથી “નબળાને તે બળ” આપી શકે છે, જેથી તેઓ “ગરૂડની પેઠે” ઊડી શકે.—યશાયાહ ૪૦:૨૯, ૩૧.
૨૦ આખા વિશ્વમાં યહોવાહ જેવા શક્તિમાન કોઈ જ નથી. તેમની પવિત્ર શક્તિ વિષે પાઊલે લખ્યું: “જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.” હા, યહોવાહની “સહાયથી” આપણે કોઈ પણ દુઃખ સહન કરી શકીએ છીએ. એ દિવસ હવે દૂર નથી જ્યારે યહોવાહ વચન પ્રમાણે આ પૃથ્વી પર “સઘળું નવું” બનાવશે, જ્યાં દુઃખ કે પીડાનું નામનિશાન નહિ હોય. પણ ત્યાં સુધી આપણને ટકી રહેવા તે શક્તિ આપે છે એ જાણીને આપણને કેટલો દિલાસો મળે છે!—ફિલિપી ૪:૧૩; ૨ કોરીંથી ૪:૭; પ્રકટીકરણ ૨૧:૪, ૫.
[ફુટનોટ્સ]
^ વાઈન્સ કમ્પલીટ એક્સપોઝીટરી ડિક્ષનરી ઑફ ઓલ્ડ ઍન્ડ ન્યૂ ટેસ્ટામેન્ટ વર્ડ્સ પ્રમાણે અહીં પાઊલે દુખાવામાંથી રાહત આપતી દવા માટે ગ્રીક શબ્દ પારેગોરીયા વાપર્યો હતો.
તમને યાદ છે?
• ભાઈઓએ પાઊલને કઈ રીતે હિંમત આપી?
• આપણે મંડળમાં એકબીજાને કઈ કઈ રીતે હિંમત આપી શકીએ?
• શા માટે યહોવાહ આપણને કોઈ પણ સંજોગમાં હિંમત આપવા તૈયાર છે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૯ પર ચિત્ર]
ભાઈઓએ પાઊલને હિંમત આપી, મદદ કરી અને તેમના માટે દોડાદોડી પણ કરી
[પાન ૨૧ પર ચિત્ર]
વડીલો મંડળમાં બધાને હિંમત આપે છે