સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રાચીન રમતોમાં જીત મેળવવાનું મહત્ત્વ

પ્રાચીન રમતોમાં જીત મેળવવાનું મહત્ત્વ

પ્રાચીન રમતોમાં જીત મેળવવાનું મહત્ત્વ

“દરેક ખેલાડી કડક શિસ્તમાં રહીને તાલીમ લે છે.” ‘જો કોઈ હરીફાઈમાં ઊતરે, તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઈનામ મળતું નથી.’—૧ કોરીંથી ૯:૨૫, પ્રેમસંદેશ; ૨ તીમોથી ૨:૫.

પાઊલે જે રમતો વિષે વાત કરી એ પ્રાચીન ગ્રીક સંસ્કૃતિનો ભાગ હતી. એ રમતો અને એને લગતી પ્રવૃત્તિઓ વિષે ઇતિહાસ શું કહે છે?

તાજેતરમાં રોમના કોલોસિયમમાં ગ્રીક રમતોનું એક એક્સિબિશન રાખવામાં આવ્યું હતું. એનું નામ હતું: “નાઈકી—રમતો અને વિજય.” * આ એક્સિબિશનથી અમુક પ્રશ્નોના જવાબ મળ્યા હતા. જેમ કે, ‘હું યહોવાહનો સેવક હોવાથી મને રમતો વિષે કેવું લાગે છે?’

પ્રાચીન સંસ્કૃતિમાં રમતોનું મહત્ત્વ

જોકે પ્રાચીન ગ્રીકની સંસ્કૃતિએ રમતોની શોધ કરી ન હતી. પણ પ્રાચીન ગ્રીક કવિ હોમરે કહ્યું કે, ઈસવી સન પૂર્વે આઠમી સદીના સમાજમાં હરીફાઈનો રસ જાગ્યો હતો. એ સમયમાં જો તમે રહેતા હોત અને પહેલવાન હોત તો લશ્કરમાં તમારી બહુ જ માંગ હોત. આ એક્સિબિશનમાં જાણવા મળ્યું કે પ્રાચીન ગ્રીસમાં આવી રમતો ક્યારે રમાતી. ગ્રીકો તેઓના તહેવારોની શરૂઆત પોતાના દેવોને ભજીને શરૂ કરતા. તેમ જ કોઈ હીરો કે પહેલવાન મરણ પામ્યો હોય તો તેની દફનવિધિમાં રમતો રાખવામાં આવતી હતી. દાખલા તરીકે, ગ્રીકોનું સૌથી જૂનું સાહિત્ય હોમરે લખેલી ઇલીયડ કવિતા છે. એમાં તે કહે છે કે, પટ્રોકષનું મરણ થયું ત્યારે અશીલીષના મિત્રો અને નામાંકિત યોદ્ધાઓએ તેની દફનવિધિ વખતે પોતાના હથિયારો જમીન પર નાખી દીધા હતા. દફનવિધિ પછી તેઓ પુરાવો આપવા ચાહતા હતા કે તેઓ સ્ત્રીઓની જેમ પોચા દિલના નથી. એમ કરવા તેઓએ અનેક પ્રકારની રમતો રાખી હતી. જેમ કે દોડ, કુસ્તી, બૉક્સિંગ, ભાલા, ગોળા ફેંક અને રથોની રેસ પણ રાખવામાં આવી હતી.

આખા ગ્રીસમાં એવા જ તહેવારો ઊજવવા રમતો રાખવામાં આવતી. એ એક્સિબિશનનું એક પુસ્તક કહે છે: “ગ્રીસમાં તહેવારો આવતા ત્યારે દેવોને માન આપવા લોકો ઝઘડાઓ અને ખુનામરકી બંધ કરતા. વળી, એ જ સમયે તેઓ હરીફાઈ રાખતા. જેમાં તેઓ શાંતિથી બતાવી શકતા કે તેઓ ઍથ્લેટિક્સ કે કસરતબાજીના હીરો છે.”

આ રીતે સમય જતાં લોકો પોતાના દેવોને ભજવા લોકપ્રિય મંદિરોમાં હરીફાઈ રાખતા. સમય જતાં ગ્રીસમાં ચાર ઉત્સવો રાખવામાં આવતા. જેમ કે ઝૂસને ભજવા તેઓ ઑલિમ્પિક અને નીમસમાં હરીફાઈ રાખતા. અપૉલો અને પોસાઇડનને ભજવા માટે તેઓ પેથિઅન અને ઈસ્થમસમાં રમતો રાખતા. પછી સમય જતાં આ તહેવારો ગ્રીસમાં લોકપ્રિય બની ગયા. એ કારણથી આખા ગ્રીસ સામ્રાજ્યમાંથી બહાદુરો રમતોમાં ભાગ લેવા આવતા. એ તહેવારોમાં લોકો પોતાના ભગવાનને બલિદાન ચડાવતા, પ્રાર્થના કરતા અને ઍથ્લેટિક્સમાં ભાગ લઈને બતાવતા કે તેઓ કેટલા મહાન છે.

એવું કહેવામાં આવે છે કે લગભગ ઈસવી સન પૂર્વે ૭૭૬માં પ્રથમ આવી રમતો ઝૂસના માનમાં ઑલિમ્પીયામાં રાખવામાં આવી હતી. એ પછી દર ચાર વર્ષે એ રમત ત્યાં રાખવામાં આવતી. પેથિઅનનો તહેવાર બીજા ક્રમે આવતો. એ સમયમાં ગ્રીસના દેલ્ફી શહેરમાં તેઓની પ્રખ્યાત દેવીનું મંદિર હતું. એ મંદિરની નજીકમાં એ ઉત્સવ ઊજવવાની સાથે સાથે હરીફાઈઓ પણ રાખવામાં આવતી. એટલું નહિ પણ એવું માનવામાં આવતું કે તેઓના ભગવાન અપૉલોએ સંગીત અને કવિતા લખવાની શરૂઆત કરી હતી. તેથી તેના માનમાં ગીતો અને નાચગાનથી તેઓ ઉત્સવ મનાવતા.

કેવી રમતો રમાતી?

આજે ઍથ્લેટિક્સમાં સ્ત્રી-પુરુષ બધા જ ભાગ લે છે. જ્યારે કે પ્રાચીન સમયમાં ફક્ત પુરુષો જ ભાગ લેતા. પ્રાચીન ઑલિમ્પિક રમતોમાં ફક્ત દસ જ પ્રકારની રમતો રમાતી. કોલોસિયમમાં રાખવામાં આવેલા આ એક્સિબિશનમાં એ રમતો દર્શાવતા અમુક પૂતળા, કોતરકામો અને વાસણો પર કરેલાં રંગીન ચિત્રો રાખવામાં આવ્યા હતા.

એમાં ત્રણ જાતની દોડ હતી. એક લગભગ ૨૦૦, બીજી ૪૦૦ અને ત્રીજી ૪,૫૦૦ મીટરની હતી. એમાં ભાગ લેનારાઓ કંઈ પણ કપડાં પહેર્યા વગર દોડતા. તેમ જ તેઓ અલગ અલગ પાંચ રમતોમાં ભાગ લેતા. જેમ કે દોડ, લાંબો કૂદકો, ગોળા ફેંક, ભાલા ફેંક અને કુસ્તી. અરે, કુસ્તીના પહેલવાન સાથે બૉક્સિંગ કે મુક્કાબાજી પણ કરવામાં આવતી. “એ એકદમ ખતરનાક ખેલ કહેવાતો.” એ જ પ્રમાણે ૧,૬૦૦ મીટરની રથોની દોડ પણ થતી. ખુલ્લા રથમાં બે કે ચાર વછેરા અથવા ઘોડાઓ જોડવામાં આવતા.

બૉક્સિંગમાં ઘણી વાર વ્યક્તિ મરી પણ જતી. એથી એ ખતરનાક ખેલ હતો. એમાં ભાગ લેતા ખેલાડીઓ ચામડાંના ગ્લોવ્ઝમાં ખીલા રાખતા. એ કારણથી તમે સમજી શકશો કે સ્ટ્રેટોફોન્ટી નામના બૉક્સરે ચાર કલાક બૉક્સિંગ કર્યા પછી પોતે અરીસામાં મોં જોયું ત્યારે તે પોતાને ઓળખી શક્યો નહિ. એના વિષે પ્રાચીન પૂતળાંઓ અને મોઝેઇક પુરાવો આપે છે કે બૉક્સિંગ કરતા ખેલાડીઓ કેમ ઓળખાતા નહિ.

કુસ્તીનો નિયમ હતો કે જે ખેલાડી સામેના ખેલાડીને કમરમાંથી ઊંચકીને ત્રણ વાર નીચે પછાડે તે વિજેતા કહેવાતો. પરંતુ પ્રાચીન સમયમાં ફક્ત કુસ્તીના ખેલાડીઓ જ સામસામે ન લડતા. એમાં કુસ્તી અને બૉક્સિંગનો ખેલાડી પણ સામસામે લડતા. તેઓ લાતો મારી શકતા, મુક્કાબાજી કરી શકતા અને હાથ પગને આમતેમ મચકોડી પણ શકતા. તેઓ ફક્ત આંખો ભોંકી ન શકતા, નખથી ઉઝરડા પાડી ન શકતા અથવા બચકું ન ભરી શકતા. એ સિવાય સામેની વ્યક્તિને કોઈ પણ રીતે નીચે પાડીને તેઓ હરાવી શકતા. ઘણા માનતા કે “ઑલિમ્પિયામાં બધી જ રમતોમાંથી આ સૌથી સારી રમત કહેવાતી.”

એવું કહેવામાં આવે છે કે ઈ.સ. પૂર્વે ૫૬૪માં સૌથી પ્રખ્યાત ઑલિમ્પિક ફાઈનલ રાખવામાં આવી હતી. એના વિષે કહેવામાં આવે છે કે એમાં રમાયેલી કુસ્તીની રમતમાં આરહેઓનનું ગળું દબાવીને મારી નાખવામાં આવ્યો હતો. પણ તેણે મરતા પહેલાં સામેના ખેલાડીનો પગનો અંગૂઠો એવી રીતે મચકોડ્યો કે એ સાંધામાંથી છટકી ગયો. એનાથી અતિશય પીડા થવાથી સામેના ખેલાડીએ હાર માની લીધી. એજ ઘડીએ આરહેઓન મરણ પામ્યો. તેમ છતાં એ રમતના રેફરીઓએ આરહેઓનને વિજયી જાહેર કર્યો!

એ જમાનામાં રથોની દોડ લોકપ્રિય હતી. અરે, ખાસ કરીને અમીર કે મોટી હસ્તીઓને એ રમત બહુ જ ગમતી. એમાં કોણ જીતતું? રથનો ચલાવનાર નહિ, પણ રથ અને ઘોડાના માલિકને ઇનામ આપવામાં આવતું. રથોની દોડની શરૂઆત થાય એ પહેલાં દરેક પોતાની લાઇનમાં ઊભા રહેતા એ સૌથી મહત્ત્વનું હતું. ખાસ કરીને તો દરેક બેન્ડમાં તેઓએ પોતાની લાઇનમાં રહેવાનું હતું. એવા સમયે જો કોઈથી ભૂલ થઈ જાય તો ઍક્સિડન્ટથી લોહીલુહાણ થઈ જતું. એનાથી લોકોને ઓર મજા આવતી.

કેવું ઇનામ આપવામાં આવતું?

પ્રેષિત પાઊલે ૧ કોરીંથી ૯:૨૪માં કહ્યું: ‘શરતમાં દોડનાર સર્વે તો ઇનામ મેળવવા દોડે છે, પણ એકને જ ઇનામ મળે છે. ફક્ત એકને જ ઇનામ મળતું હોવાથી જીત મેળવવી સૌથી મહત્ત્વનું હતું. આ પ્રદર્શને બતાવ્યું કે એ રમતોમાં ભાગ લેનાર દરેકનો એક જ ધ્યેય હતો: “એમાં જીતવું જ જોઈએ.” એમાં ભાગ લેનારાઓ જીતતા ત્યારે જ જંપીને બેસતા. એનાથી તેઓ પોતાના ગામમાં છાતી ફુલાવીને ચાલતા.” તેઓના ધ્યેય વિષે હોમરે ઇલીયડની એક જ લીટીમાં આમ લખ્યું: “હું હંમેશાં જીતતા જ શીખ્યો છું.”

એ રમતોમાં વિજેતાને ઇસ્થમિઅન દેવદાર અથવા એવા બીજા કોઈ છોડનો ફૂલહાર આપવામાં આવતો. પાઊલે એને “વિનાશી મુગટ” કહ્યો હતો. (૧ કોરીંથી ૯:૨૫) તેમ છતાં, એ રમતોમાં ભાગ લેતા ખેલાડીઓ માટે એ ઇનામ ખૂબ જ મહત્ત્વનું હતું. એ જીતવાથી વ્યક્તિ એમ માનતી કે તેમની સખત મહેનત પાછળ તેઓના દેવ-દેવીઓનો હાથ હતો. એ જીત વિષે ચિત્રકારો અને શિલ્પકારો શું માનતા એ આ એક્સિબિશનમાં બતાવવામાં આવ્યું હતું. તેઓ માનતા કે ગ્રીકોની વિજેતાની દેવી નાઈકીને પાંખો છે અને તે વિજેતાને મુગટ પહેરાવે છે. એ કારણથી દરેક ખેલાડીનું સ્વપ્ન હતું કે પોતે ઑલિમ્પિયામાં જીતી જાય તો તેના જેવું બીજું કંઈ જ નથી.

ઑલિમ્પિયામાં વિજેતાને જેતૂનનાં, ઇસ્થમિઅન દેવદારનાં, પેથિઅન લોરલ, અથવા નીમઅન ઘાસના પાંદડાંનો મુગટ આપવામાં આવતો. બીજી જગ્યાએ એવી રમતોમાં સૌથી સારા ખેલાડીઓ આવે એ માટે એને પ્રોત્સાહન આપનારાઓ વિજેતાને પૈસા આપતા. તેમ જ વિજેતાને કપ પણ આપવામાં આવતો. એમાંના અમુક કપ આ એક્સિબિશનમાં રાખવામાં આવ્યા હતા. એ રમતો એથેના શહેરમાં અને એથેના દેવીના માનમાં રાખવામાં આવી હતી. આ કપ જેવા વાસણોમાં પહેલાં જેતૂનનું તેલ રાખવામાં આવતું. એની એક બાજુએ એથેના દેવીનું ચિત્ર છે. એમાં લખેલું છે, “એથેનની રમતોમાં વિજેતાને ઇનામ.” એની બીજી બાજુએ એવું લાગે છે કે વિજેતાનું ચિત્ર છે.

એ સમયમાં વિજેતાનું નામ મોટું મનાવવામાં ગ્રીક શહેરો આગેવાની લેતા. વિજેતાઓ પોતાના શહેરમાં હીરો ગણાતા હતા. તેઓ પાછા જતા ત્યારે તેઓ માટે મોટી ઉજવણી રાખવામાં આવતી. વિજેતાની જીત માટે ભગવાનનો ઉપકાર માનવા અને વિજેતાને માન આપવા તેઓ પૂતળાઓ ઊભા કરતા. પછી સમાજમાં કોઈ પણ ઉત્સવ હોય ત્યારે લોકોના ખર્ચે તેઓને પ્રથમ બોલાવવામાં આવતા.

જિમ્નેશિયમ અને રમતવીરો

એ સમયે એવું માનવામાં આવતું કે સૈનિકો તેમ જ દરેક નાગરિકને હરીફાઈમાં ભાગ લેવો ખૂબ જ મહત્ત્વનું છે. ગ્રીસના દરેક શહેરોમાં જિમ્નેશિયમો હતી. જ્યાં યુવાનો રમતવીરો બનવા માટે ગુરુ પાસેથી જરૂરી તાલીમ, જ્ઞાન અને ધર્મ વિષે શીખવા જતા. એ જિમ્નેશિયમની આજુબાજુ ઘણું જ ખુલ્લું મેદાન જોવા મળતું, જ્યાં યુવાનો કસરત કરતા. એની સાથે ઘણાં મકાનોમાં લાઇબ્રેરીઓ અને ભણવાના રૂમ પણ હતા. તેમ જ લાંબી પરસાળ અને છાપરાવાળી મોટી જગ્યા પણ હતી. આવી સ્કૂલોમાં અમીર કુટુંબના ઘણા જ યુવાનો ભણવા આવતા, કે જેઓને નોકરી-ધંધો કરવાની કોઈ જરૂર ન હતી. ત્યાં રમતવીરો બનવા આવેલા યુવાનો લાંબા સમય સુધી ટ્રેનરોના માર્ગદર્શન પ્રમાણે કસરત કરતા. એ ટ્રેનરો તેઓને ખાવા-પીવાની પરેજી પાળવાનું જણાવતા અને જાતીય સંબંધ રાખવાની મનાઈ કરતા.

રોમન સામ્રાજ્યમાં ગ્રીક રમતવીરોનાં બનાવેલા અસલી પૂતળાઓ કોલોસિયમના એક્સિબિશનમાં રાખ્યા હતા. એ જીવતી વ્યક્તિ જેવા જ દેખાતા હતા. એ સમયના ગ્રીક લોકોનું માનવું હતું કે તમારો દેખાવ હીરો જેવો હોય તો તમારા સંસ્કાર પણ એવા જ હશે. એ કારણથી અમીર અને આગળ પડતા લોકો રમતવીરો જેવા પહેલવાન બનવા ખૂબ જ મહેનત કરતા. એમ કરવાથી તેઓ માનતા કે પોતે કંઈક છે. રોમન લોકોને ગ્રીકોની કલાકૃતિ બહુ ગમતી હોવાથી તેઓ સ્ટેડીયમો, પોતાના મહેલો, સ્નાનગૃહ અને ઘરો એનાથી શણગારતા.

રોમન લોકો લોહીના તરસ્યા હોવાથી સ્ટેડિયમમાં ખેલો જોવા જતા. તેમ જ તેઓ પણ ગ્રીકોની બધી જ રમતો રમતા. એમાંથી તેઓને એક રમત બહુ જ ગમતી. એ છે કુસ્તીબાજ સાથે બૉક્સિંગ કરવામાં આવે. રોમન લોકો આવી રમતોમાં રમતવીરની આવડતો જોવા નહિ પણ ખાલી મનોરંજન માટે જતા. ગ્રીક લોકો શરૂઆતમાં માનતા હતા કે નામાંકિત પુરુષો કે રમતવીરો વચ્ચે થતી આવી હરીફાઈને જોઈને તેઓ ઘણું શીખી શકે. પરંતુ એ ધ્યેય રોમન લોકો ધીમેધીમે ભૂલવા લાગ્યા. સમય જતાં રોમન લોકો ખાલી તંદુરસ્ત રહેવા માટે નહાતા પહેલાં ગ્રીકોની રમતો રમતા અથવા મનોરંજન માટે જાન નીકળી જાય ત્યાં સુધી લડતા નીચલા વર્ગના ખેલાડીઓની રમતને જોતા.

ખ્રિસ્તીઓ અને રમતો

એ રમતો જૂઠા ધર્મોમાંથી આવતી હોવાથી પહેલી સદીના ખ્રિસ્તીઓ દેખીતી રીતે એનાથી દૂર રહેવા આ આજ્ઞા પાળતા: “દેવના મંદિરને મૂર્તિઓની સાથે શો મેળ હોય?” (૨ કોરીંથી ૬:૧૪, ૧૬) તો પછી આજની રમતો વિષે શું?

એ ખરું છે કે આજની રમતોમાં પહેલાની જેમ જૂઠા દેવોને ભજવામાં આવતા નથી. તોપણ શું એ ખરું નથી કે પ્રાચીન રમતોની જેમ આજે પણ ઘણી રમતો ધર્મો સાથે જોડાયેલી હોય છે? એ ઉપરાંત, થોડાં વર્ષોથી જાણવા મળે છે કે રમતવીરો જીતવા માટે ન લેવું જોઈએ એવું ડ્રગ્સ લઈ રહ્યા છે. એમ કરીને તેઓ પોતાના જ પગ પર કુહાડી મારે છે.

સાચા ખ્રિસ્તીઓ માટે એ મહત્ત્વનું નથી કે તેઓ પાસે કેટલી આવડત છે. પરંતુ એ મહત્ત્વનું છે કે તેઓ ઈશ્વરની નજરમાં કેવી રીતે બહુ મૂલ્યવાન બની શકે! (૧ પીતર ૩:૩, ૪) એ ખરું છે કે જેઓ આજે રમતોમાં ભાગ લે છે તેઓ બધા કોઈ પણ કિંમતે જીતવા પાછળ પડતા નથી. તોપણ ઘણાનો એ જ ધ્યેય હોય છે. તેથી સવાલ થાય કે જો આપણે તેઓની સંગત રાખીશું તો, શું આપણે યહોવાહની આ આજ્ઞા પાળી શકીશું? જે કહે છે: “સ્વાર્થી ન બનો. બીજાઓને પ્રભાવિત કરવાના ઇરાદાથી ન વર્તો. નમ્ર બનો અને પોતાના કરતાં બીજાઓને ચઢિયાતા ગણો.” શું એ ખરું નથી કે તેઓની સંગત આપણને આવા બનાવી શકે: “વૈરભાવ, કજીઆકંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી?”—ફિલિપી ૨:૩, IBSI; ગલાતી ૫:૧૯-૨૧.

આજની રમતોમાં પણ સહેલાઈથી મારામારી શરૂ થઈ શકે છે. જે કોઈ એવી રમતોમાં ભાગ લેતું હોય કે જોતા હોય તેમણે ગીતશાસ્ત્ર ૧૧:૫ના શબ્દો યાદ રાખવા જોઈએ: “યહોવાહ ન્યાયીઓને પારખે છે; પણ દુષ્ટ તથા જુલમીથી તે કંટાળે છે.”

યોગ્ય રીતે કસરત કરવામાં કંઈ જ ખોટું નથી. ખરું કહીએ તો પાઊલે પણ કહ્યું હતું કે “શરીરની કસરત થોડી જ ઉપયોગી છે.” (૧ તીમોથી ૪:૭-૧૦) પાઊલ ગ્રીક રમતોનું ઉદાહરણ આપીને કહેતા હતા કે ખ્રિસ્તીઓએ પણ રમતવીરની જેમ પોતાના મન પર કાબૂ રાખીને અંત સુધી ટકી રહેવું જોઈએ. તે પણ એવો જ પ્રયત્ન કરતા હતા જેથી તેમને ઈશ્વર પાસેથી અનંતજીવનનો “મુગટ” મળે. (૧ કોરીંથી ૯:૨૪-૨૭; ૧ તીમોથી ૬:૧૨) એમ કરવામાં તેમણે આપણા માટે સુંદર ઉદાહરણ બેસાડ્યું છે.

[ફુટનોટ]

^ મૂળ ગ્રીકમાં નાઈકીનો અર્થ, “જીત મેળવવી” થાય છે.

[પાન ૩૧ પર બોક્સ/ચિત્ર]

બૉક્સિંગ મેચ પછી

ઈસવી સન પૂર્વે ચોથી સદીનું આ કાંસુ કે તાંબાનું વાસણ બતાવે છે કે પ્રાચીન બૉક્સિંગ કેટલી ખતરનાક હતી. એના વિષે રોમન એક્સિબિશનનું પુસ્તક જણાવે છે: ‘જખમને બદલે જખમ કરવામાં આવે તો એ સૌથી સારી લડાઈ કહેવાતી.’ ‘એક લડાઈમાં જખમો થયા હોય એ બીજી લડાઈમાં વધતા જાય.’

[પાન ૨૯ પર ચિત્ર]

પ્રાચીન સમયમાં રથોની દોડની હરીફાઈ ખૂબ લોકપ્રિય હતી

[પાન ૩૦ પર ચિત્ર]

પ્રાચીન કલાકારો માનતા કે પાંખોવાળી વિજેતાની દેવી નાઈકી પોતે વિજેતાને મુગટ પહેરાવે છે