યુવાનો, શું તમે ભવિષ્યનો વિચાર કર્યો છે?
યુવાનો, શું તમે ભવિષ્યનો વિચાર કર્યો છે?
“તમારા માટે મારી જે યોજનાઓ છે તે હું જાણું છું, એમ પ્રભુ [યહોવાહ] કહે છે. તે યોજનાઓ તમારા સારા માટે છે, તમારું ભૂંડું થાય માટે નથી. તે તમને ઊજળું ભાવિ અને આશા આપવા માટે છે.”—યિર્મેયાહ ૨૯:૧૧, IBSI.
૧, ૨. યુવાનીનું જીવન કેવું હોય છે?
લોકો મોટા થઈ જાય તોપણ તેઓ પાસે બાળપણની મીઠી મીઠી યાદો રહી જાય છે. તેઓ પણ એક દિવસે રમતા હતા, કૂદતા હતા, ન કોઈ જવાબદારી, ન કોઈ ચિંતાનો ભાર. બસ, તેઓની આગળ આખા જીવનનો આનંદ રહેલો હતો.
૨ પરંતુ આજના જુવાનોની વાત કંઈ જુદી જ છે. તેઓના વિચારો પણ જુદા હોય છે. તેઓના જીવનમાં રાતે ન થાય એટલા ફેરફાર દિવસે થતા હોય છે. કઈ રીતે? જેમ કે, સ્કૂલે ન કરવાનું કરતા છોકરાઓ સાથે ભણવું. નશીલા ડ્રગ્સ, દારૂ કે લફરાથી સો ગાઉ દૂર રહેવું. દેશપ્રેમીઓના ફૂંફાડા સામે, યહોવાહમાં અડગ શ્રદ્ધા રાખવી. હા, આવી તો અનેક તકલીફો યુવાનો પર આવે છે. તેમ છતાં તેઓ જિંદગીમાં સફળ થઈ શકે છે. કઈ રીતે?
યુવાનીનો આનંદ માણો
૩. સુલેમાને યુવાનોને કઈ સલાહ અને ચેતવણી આપી?
૩ લોકો કહેશે કે યુવાની તો બસ પલભરની જ હોય છે, આમ આવી ને આમ ગઈ. તેઓની વાત પણ સાચી છે. થોડાં જ વર્ષોમાં તમે મોટા થઈ જશો. તેથી યુવાનીનો આનંદ માણવો જ જોઈએ. સુલેમાન રાજાએ કહ્યું: “હે યુવાન, યુવાની અદ્ભુત છે! તેમાં આનંદ કર! તારા હૃદયની ઈચ્છાઓ પ્રમાણે ચાલ.” પછી સુલેમાને યુવાનોને ચેતવણી પણ આપી: “દુઃખ અને નિરાશાને ફગાવી દે. પણ એટલું યાદ રાખ કે યુવાનીની આગળ આખી જિંદગી પડી છે અને યુવાનીમાં ગંભીર ભૂલો કરી બેસવાની પૂરેપૂરી શક્યતાઓ છે.”—સભાશિક્ષક ૧૧:૯, ૧૦, IBSI.
૪, ૫. યુવાનો ભવિષ્યની સારી તૈયારી કરે એ શા માટે યોગ્ય છે? દાખલો આપો.
૪ સુલેમાને જે કહ્યું એ તમે સમજી શક્યા? દાખલા તરીકે, એક યુવાનનો વિચાર કરો જેને પુષ્કળ પૈસાની ભેટ મળે છે. તે એનું શું કરશે? ઈસુએ જણાવેલા ઉડાઉ દીકરાના દાખલાની જેમ, શું તે મોજમજામાં બધા પૈસા ઉડાવી નાખશે? (લુક ૧૫:૧૧-૨૩) પૈસા ખૂટી જશે પછી શું? બેદરકારીનો તેને અફસોસ નહિ થાય? પરંતુ જો યુવાન એ પૈસાની ભેટને પોતાના ભવિષ્ય માટે સાચવે, કદાચ બચત કરે તો છેવટે તેને પોતાને જ કામ આવશે. મોટી ઉંમરના થયા પછી શું તેને અફસોસ થશે? ના જરાય નહિ!
૫ હવે તમારી યુવાનીને પણ ઈશ્વર પાસેથી મળેલી એક ભેટ સમજો. તમે તમારી યુવાનીના દિવસો કઈ રીતે ગાળશો? કાલની કોઈ ચિંતા કર્યા વગર શું તમે મોજમજામાં જ ડૂબેલા રહેશો? એમ કરીને તો તમે યુવાનીમાં “ભૂલો” કરી બેસશો. તો પછી, તમે યુવાનીમાં ભવિષ્યનો પૂરો વિચાર કરો એ કેટલું મહત્ત્વનું છે!
૬. (ક) સુલેમાને યુવાનોને કઈ સલાહ આપી? (ખ) યહોવાહ યુવાનોને કયું વચન આપે છે અને એ વિષે યુવાનોએ શું કરવું જોઈએ?
૬ યુવાનીમાં કઈ રીતે સુખ મળી શકે એ વિષે સુલેમાને કહ્યું: ‘તારી યુવાનીમાં તારા સરજનહારને યાદ રાખ.’ (સભાશિક્ષક ૧૨:૧) હા, યહોવાહને યાદ રાખવાથી, એટલે કે તેમનું સાંભળવાથી યુવાનીનું જીવન સફળ થાય છે. યહોવાહે ઈસ્રાએલીઓને કહ્યું: “તમારા માટે મારી જે યોજનાઓ છે તે હું જાણું છું, . . . તે યોજનાઓ તમારા સારા માટે છે, તમારું ભૂંડું થાય માટે નથી. તે તમને ઊજળું ભાવિ અને આશા આપવા માટે છે.” (યિર્મેયાહ ૨૯:૧૧, IBSI) હા, યહોવાહ “તમને ઊજળું ભાવિ અને આશા” આપવાનું વચન દે છે. જો તમે તમારા જીવનના હરેક પગલે યહોવાહને યાદ કરશો તો એ વચન તમારા જીવનમાં સાચું પડશે.—પ્રકટીકરણ ૭:૧૬, ૧૭; ૨૧:૩, ૪.
‘યહોવાહનો સાથ લો’
૭, ૮. યુવાનો કઈ રીતે યહોવાહનો સાથ લઈ શકે?
૭ યાકૂબે કહ્યું કે આપણે યહોવાહનો સાથ લેવો જોઈએ. તેમણે લખ્યું, કે “તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.” (યાકૂબ ૪:૮) યહોવાહ આપણા સરજનહાર અને વિશ્વના માલિક છે. તેથી તેમની જ ભક્તિ કરવી જોઈએ. (પ્રકટીકરણ ૪:૧૧) આપણે યહોવાહનો સાથ લઈશું તો તે પણ આપણને સાથ આપશે. એ જાણીને આપણું દિલ કેટલું ખુશ થઈ જાય છે!—માત્થી ૨૨:૩૭.
૮ યહોવાહનો સાથ લેવાની ઘણી રીતો છે. દાખલા તરીકે, પ્રેષિત પાઊલ જણાવે છે: “જાગૃત રહીને સતત પ્રાર્થના કરો અને ઈશ્વરનો આભાર માનો.” (કોલોસી ૪:૨, પ્રેમસંદેશ) પ્રાર્થના કરવાની ટેવ રાખો. તમારા ઘરે પિતા પ્રાર્થના કરે કે સભામાં કોઈ પ્રાર્થના કરે પછી ફક્ત “આમીન” કહીને પ્રાર્થના કરવાનું ભૂલી ન જાવ. શું તમે પોતે દિલથી યહોવાહને પ્રાર્થના કરી છે? તેમને તમારી ચિંતાઓ જણાવી છે? શું તમે એવું કંઈ જણાવ્યું છે જે તમે બીજા કોઈને જણાવો તો શરમ આવે? દિલ ખોલીને પ્રાર્થના કરવાથી શાંતિ મળે છે. (ફિલિપી ૪:૬, ૭) આ રીતે પ્રાર્થના કરવાથી આપણે યહોવાહનો સાથ લઈ શકીએ છીએ.
૯. તમે કઈ રીતે યહોવાહનું સાંભળી શકો?
૯ યહોવાહનો સાથ લેવાની બીજી પણ રીત છે. યહોવાહ કહે છે: “તને મળતી તમામ શિખામણ ધ્યાનમાં લે, જેથી તારું શેષ જીવન ડહાપણભર્યું બને.” (નીતિવચનો ૧૯:૨૦, IBSI) તમારે યહોવાહનું કહ્યું કરવું જોઈએ, તો જ તમે સફળ થશો. પણ તમે કઈ રીતે યહોવાહનું કહ્યું કરી શકો? તમે નિયમિત સભાઓમાં જઈને ધ્યાનથી સાંભળતા હશો. તેમ જ કુટુંબ તરીકે બાઇબલમાંથી શીખીને “તમારાં માબાપની આજ્ઞાઓ” પણ માનતા હશો. (એફેસી ૬:૧, ૨; હેબ્રી ૧૦:૨૪, ૨૫) એમ કરવું ઘણું સારું છે. એ ઉપરાંત, તમે ‘સમયનો સદુપયોગ’ કરી શકો. શું તમે સભાઓની તૈયારી કરો છો? નિયમિત બાઇબલ વાંચો છો? બાઇબલમાંથી વધારે શીખવા સંશોધન કરો છો? તમે જે વાંચો એને જીવનમાં ઉતારવાની કોશિશ કરો છો? તમે આમ કરશો તો “ડાહ્યા માણસની પેઠે” ચાલી શકશો. (એફેસી ૫:૧૫-૧૭; ગીતશાસ્ત્ર ૧:૧-૩) આમ કરીને તમે યહોવાહનો સાથ લઈ શકો છો.
૧૦, ૧૧. યહોવાહનું સાંભળવાથી યુવાનોને કેવા આશીર્વાદો મળશે?
૧૦ બાઇબલમાં નીતિવચનો પુસ્તકનો હેતુ સમજાવતા, લેખક શરૂઆતમાં કહે છે: “જ્ઞાન તથા શિક્ષણ સંપાદન થાય; ડહાપણની વાતો સમજવામાં આવે; ડહાપણભરેલી વર્તણૂકની, નેકીની, ન્યાયીપણાની અને ઇન્સાફની કેળવણી મળે; ભોળાને ચતુરાઈ, જુવાન પુરુષને વિદ્યા તથા વિવેકબુદ્ધિ મળે.” (નીતિવચનો ૧:૧-૪) હા, તમે નીતિવચનોનું પુસ્તક તેમ જ બાકીનું બાઇબલ વાંચશો અને એની સલાહ પ્રમાણે ચાલશો તો તમે પણ સમજુ થશો. યહોવાહ પણ રાજીખુશીથી તમને સાથ દેશે. (ગીતશાસ્ત્ર ૧૫:૧-૫) જેમ જેમ તમે સમજણા થશો, તેમ તમે જીવનમાં સારાં પગલાં લઈ શકશો.
૧૧ યુવાનો આ રીતે સમજણા થઈ શકે છે. ઘણા થયા પણ છે. પછી તેઓનો કોઈ ‘તુચ્છકાર’ કરતા નથી અને તેઓને માનથી પણ બોલાવે છે. (૧ તીમોથી ૪:૧૨) તેઓના માબાપને પણ ગૌરવ થશે. સૌથી મહત્ત્વનું તો, યહોવાહનું દિલ ખુશ થશે. (નીતિવચનો ૨૭:૧૧) તેઓની ભરયુવાનીમાં પણ આ શબ્દો લાગુ પડે છે: “નિર્દોષ માણસનો વિચાર કર, અને યથાર્થીને જો; કેમકે શાંતિપ્રિય માણસને બદલો મળશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૩૭.
સમજી વિચારીને પગલાં ભરો
૧૨. યુવાનો જીવનમાં કઈ મહત્ત્વની એક પસંદગી કરે છે અને શા માટે જીવનભર એની અસર રહે છે?
૧૨ જીવનનો પાક્કો પાયો યુવાનીમાં નાખી શકાય છે. તમે અત્યારે જે કરવાનું નક્કી કરશો એ તમને જીવનભર અસર કરશે. તમે સાચે માર્ગે ચાલવાનું નક્કી કરશો તો સુખી થશો. તમારી ખોટી પસંદગીથી જીવનભર પસ્તાવું પડી શકે. અત્યારે તમે બે બાબતોનો વિચાર કરી શકો. એક, તમે કોની સોબત રાખો છો? આ શા માટે જાણવું જોઈએ? નીતિવચનો કહે છે: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.” (નીતિવચનો ૧૩:૨૦) જેવો સંગ હશે એવો જ આપણો રંગ થશે. કાં તો આપણે મૂર્ખ થઈશું, કાં તો આપણા સમજુ થઈશું. તમને કેવા થવું છે?
૧૩, ૧૪. (ક) સોબતમાં શું આવી જાય છે? (ખ) યુવાનોએ કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ?
૧૩ સોબત એટલે કે કોઈનો સાથ, કોઈની દોસ્તી. એ વાત તો સાચી, પણ આપણે ટીવીમાં જે કંઈ જોઈએ, અથવા જે કંઈ વાંચીએ, સાંભળીએ કે ફિલ્મો જોઈએ, ઇન્ટરનેટ પર દોસ્તી કરીએ, આ બધીયે એક જાતની સોબત જ છે ને. શું એવી સોબત તમને મારામારી કરવાનું શીખવે છે? ખોટે રસ્તે લઈ જાય છે? બાઇબલમાં જે મનાઈ કરી છે એ કરવાનું શીખવે છે? જો એમ હોય તો, તમે ‘મૂર્ખાઓની’ સોબત રાખી છે, જેઓ માને છે કે યહોવાહ છે જ નહિ.—ગીતશાસ્ત્ર ૧૪:૧.
૧૪ તમને કદાચ એમ લાગશે કે તમારું મન અડગ છે, કેમ કે તમે તો સત્યમાં છો અને સભાઓમાં આવો છો. તેથી તમને લાગી શકે કે મારામારીની ફિલ્મો જોઈને તમારા પર કંઈ ખોટી અસર પડતી નથી. અથવા, ખરાબ સંગીત તમારા મગજને બગાડતું નથી. તમને કદાચ એમ પણ થશે કે પોર્નોગ્રાફી કે ગંદી ફિલ્મો પર નજર નાખવામાં કંઈ ખોટું નથી. પણ તમારા આવા વિચારો તદ્દન ખોટા છે. પ્રેષિત પાઊલ કહે છે કે: “ભૂલશો મા; દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.” (૧ કોરીંથી ૧૫:૩૩) ઘણા યુવાન, અરે, સારા સારા યહોવાહના સાક્ષીઓ પણ ખોટે રવાડે ચડી જાય છે. તેથી તમે કોઈ પણ ખરાબ સોબતથી દૂર રહેવાની મનમાં ગાંઠ વાળો. જો એમ કરશો તો પ્રેષિત પાઊલની સલાહ પ્રમાણે ચાલશો: “આ જગતની વર્તણૂક અને રીતરિવાજોનું અનુકરણ ન કરો, પરંતુ તદ્દન નવી અને જુદી જ વ્યક્તિ બની જાઓ. તમારાં કાર્યોમાં તથા વિચારોમાં નવીનતા અપનાવો. પછી તમે ઈશ્વરની નજરમાં જે સારું, માન્ય તથા સંપૂર્ણ છે તે સમજી શકશો અને તેમાંથી મળતો સંતોષ અનુભવી શકશો.”—રોમન ૧૨:૨, IBSI.
૧૫. બીજી બાબતમાં યુવાનો પર કેવાં દબાણ આવે છે?
૧૫ હવે આપણે બીજી બાબતનો વિચાર કરીએ. સ્કૂલનાં વર્ષો પૂરાં થઈ જાય પછી તમે શું કરશો? જો તમે એવા દેશમાં રહેતા હોવ જ્યાં કામ-ધંધો સહેલાઈથી મળતો નથી, તો શું તમે સૌથી સારી નોકરીની શોધમાં નીકળી પડશો? જો તમે એવા દેશમાં રહેતા હોવ જ્યાં બધા પૈસે ટકે સુખી હોય, તો તમને કામધંધાની ઘણી સારી સારી તક મળી શકે. તમારા શિક્ષકો, તમારા માબાપ કદાચ તમને સૌથી સારી નોકરી કરવાનું કહે. જો તમે એમ કરશો તો યહોવાહની સેવાનું શું થશે? શું તમે યહોવાહની સેવામાં ધીમા નહિ પડી જાવ?
૧૬, ૧૭. યુવાનોને બાઇબલની અલગ અલગ કલમો કઈ રીતે સારા નિર્ણયો લેવા મદદ કરી શકે?
૧૬ તમે કંઈ પણ નક્કી કરો એ પહેલાં બાઇબલમાં જુઓ. બાઇબલ જણાવે છે કે આપણે રોજીરોટી માટે કમાવું પડે છે. (૨ થેસ્સાલોનીકી ૩:૧૦-૧૨) પરંતુ ફક્ત કમાવા સિવાય બીજા વિચારો પણ કરવા જોઈએ. અમે તમને અમુક કલમો વાંચવાનું ઉત્તેજન આપીએ છીએ. એનાથી તમે જોઈ શકશો કે નોકરી ધંધા વિષે વિચાર કરવામાં એ કઈ રીતે મદદ કરી શકે. નીતિવચનો ૩૦:૮, ૯; સભાશિક્ષક ૭:૧૧, ૧૨; માત્થી ૬:૩૩; ૧ કોરીંથી ૭:૩૧; ૧ તીમોથી ૬:૯, ૧૦. આ કલમો વાંચ્યા પછી, શું તમે નોકરી ધંધા વિષે યહોવાહના વિચારો સમજી શક્યા?
૧૭ આપણે નોકરી કે ધંધામાં એટલા ડૂબી જવું ન જોઈએ કે યહોવાહની સેવા એક બાજુ રહી જાય. જો તમને કોઈ વાજબી પગાર આપતી નોકરી મળી જાય તો બસ. પણ સ્કૂલના ભણતર પછી તમારે વધારે ભણવું પડે તો તમારા માબાપ સાથે એની ચર્ચા કરી શકો. પરંતુ તમે એ ભૂલશો નહિ કે જીવનમાં યહોવાહની ભક્તિ જ “શ્રેષ્ઠ છે.” (ફિલિપી ૧:૯, ૧૦) યિર્મેયાહના મંત્રી, બારૂખ જેવી ભૂલ ન કરી બેસતા. યહોવાહને ભૂલીને તે પોતાના સ્વાર્થ પાછળ પડી ગયો. (યિર્મેયાહ ૪૫:૫) બારૂખ ભૂલી ગયો કે આ દુનિયામાં યહોવાહ સિવાય તેનું છે કોણ? યરૂશાલેમનો નાશ થયો ત્યારે ફક્ત યહોવાહ જ તેને બચાવી શક્યા. આપણે પણ યહોવાહનો જ સાથ લેવો જોઈએ.
યહોવાહને ભૂલશો મા
૧૮, ૧૯. (ક) લોકોની હાલત જોઈને તમને કેવું લાગે છે? (ખ) શા માટે ઘણા લોકોની ઈશ્વરના જ્ઞાન માટેની ભૂખ મરી પરવારી છે?
૧૮ ટીવી સમાચારમાં શું તમે ભૂખે ટળવળતા બાળકોને જોયા છે? એ જોઈને તમારો જીવ બળતો હશે! એ જ રીતે તમારી આજુબાજુના લોકો માટે તમારો જીવ બળતો નથી? તમને કદાચ થશે કે તેઓ માટે કેમ એવું અનુભવવું જોઈએ? તેઓ સત્યની ભૂખથી ટળવળે છે. પ્રબોધક આમોસે લખ્યું: “પ્રભુ યહોવાહ કહે છે, જુઓ, એવા દિવસો આવે છે, કે જે વખતે હું દેશમાં દુકાળ મોકલીશ, અન્નનો દુકાળ નહિ, કે પાણીનો નહિ, પણ યહોવાહનું વચન સાંભળવાનો દુકાળ મોકલીશ.”—આમોસ ૮:૧૧.
૧૯ મોટા ભાગના લોકોને ઈશ્વરના સત્ય જ્ઞાન માટે ભૂખ મરી પરવારી છે. અરે, તેઓને ધાર્મિક બાબતોની જરાય ભૂખ જ નથી. (માત્થી ૫:૩) તેથી તેઓ ઈશ્વર વિષે જાણવાનો જરાય પ્રયત્ન કરતા નથી. ઘણાને લાગતું હશે કે તેઓને ઈશ્વરનું ખૂબ જ જ્ઞાન છે. જો તેઓ એવું માનતા હોય તો, તેઓ પોતાને છેતરે છે. તેઓ જગતનું જ્ઞાન, મોહ-માયા, વૈજ્ઞાનિક માન્યતાઓ, જગતના મનપસંદ સંસ્કારો અને અનેક બીજી કચરા જેવી બાબતોથી પોતાનું પેટ ભરી રહ્યા છે. ઘણા માને છે કે બાઇબલનું “જ્ઞાન,” આજના જ્ઞાનની સરખામણીમાં જૂનવાણી છે. તેમ છતાં, ‘જગતે પોતાના જ્ઞાન વડે દેવને ઓળખ્યા નથી.’ ઈશ્વર સાથે ચાલવા જગતનું જ્ઞાન તમને મદદ કરશે નહિ. જગતનું જ્ઞાન “દેવની આગળ મુર્ખતારૂપ છે.”—૧ કોરીંથી ૧:૨૦, ૨૧; ૩:૧૯.
૨૦. યહોવાહના માર્ગમાં ન ચાલનારા જેવા બનવાના સપના જોવા કેમ મૂર્ખતા છે?
૨૦ ટીવીમાં ભૂખે ટળવળતા બાળકો જોયા પછી, શું તમને એમ થાય છે કે ‘હું પણ તેઓની જેવો જ બનું તો કેવું સારું?’ તમે કહેશો જરાય નહિ! તેમ છતાં આપણા ઘણા યુવાનો દુન્યવી લોકો જેવું જીવન જીવવાના સપના સેવે છે. દુન્યવી યુવાનોને જોઈને તેઓને લાગતું હશે કે તેઓ કેવા બેફિકર જીવે છે? આપણા યુવાનો ભૂલી જાય છે કે દુનિયાના યુવાનો યહોવાહના મિત્રો નથી! (એફેસી ૪:૧૭, ૧૮) તેઓ એ પણ ભૂલી જાય છે કે ઈશ્વરના સત્ય માટે ભૂખ મરી પરવારે ત્યારે, પોતાના પર અવળી અસર થાય છે. જેમ કે ઘણી છોકરીઓ કુંવારી મા બને છે, ઘણા યુવાનો રોગના ભોગ બને છે, કડવા અનુભવોથી જિંદગીભર રિબાતા હોય છે. તેમ જ ઘણા સિગારેટ, દારૂ અને ડ્રગ્સની લતે ચડી જાય છે. વ્યક્તિ યહોવાહના માર્ગે ચાલતી ન હોય ત્યારે તેને ખોટાં કામો કરવાનું મન થાય છે. એની બે પલની મજા માણ્યા પછી, પોતે સાવ નકામા હોય એવું અનુભવે છે અને જીવનથી કંટાળી જાય છે.
૨૧. યહોવાહના માર્ગથી ભટકી ન જવા શું કરવું જોઈએ?
૨૧ એ કારણથી પ્યારા યુવાનો, યાદ રાખો કે બધા જ યુવાનો યહોવાહના સેવકો નથી. તમે તેઓના જેવા બનશો નહિ. (૨ કોરીંથી ૪:૧૮) સત્યના માર્ગની ઘણા મશ્કરી પણ કરશે. ટીવી-રેડિયોમાં એવું જોવા, સાંભળવા મળશે કે શરાબી બનવું, વ્યભિચાર અને ગંદી ભાષા આ તો ફેશન છે. પરંતુ, તેઓ યહોવાહના સેવકો નથી. તમે યહોવાહના લોકોની સંગત કરો. એમ કરવાથી તમારો વિશ્વાસ દૃઢ થશે અને તમારૂં અંતઃકરણ શુદ્ધ રહેશે. એ માટે “પ્રભુના કામમાં સદા મચ્યા રહો.” (૧ તીમોથી ૧:૧૯; ૧ કોરીંથી ૧૫:૫૮) મંડળમાં અને પ્રચાર કાર્યમાં બીઝી રહો. તમે ભલે ભણતા હોવ તોપણ સંજોગ પ્રમાણે, સહાયક પાયોનિયરીંગ કરવાનો પ્રયત્ન કરો. આ રીતે તમે યહોવાહની સેવામાં દૃઢ બનશો અને સત્યથી આમ તેમ ફંટાશો નહિ.—૨ તીમોથી ૪:૫.
૨૨, ૨૩. (ક) યહોવાહની સેવા કરવાનો ઘણા યુવાનોનો નિર્ણય બીજાઓને કેમ મૂર્ખતા લાગી શકે? (ખ) યુવાનોને શું કરવાનું ઉત્તેજન આપવામાં આવ્યું છે?
૨૨ યુવાનો, તમે યહોવાહની સેવા કરવાનો નિર્ણય લેશો ત્યારે બીજાઓને એ મૂર્ખતા લાગશે. દાખલા તરીકે, એક યુવાન ભાઈએ સ્કૂલમાં જે વિષયો પસંદ કર્યા, એમાં તેને સૌથી સારા માર્ક મળ્યા. તે સંગીતમાં પણ બહુ જ હોશિયાર હતો. તેણે ભણવાનું પૂરું કર્યું ત્યારે, તે તેમના પપ્પા સાથે કામ કરવા લાગ્યો. એ કામ શું હતું? એ કામ લોકોના ઘરોની કાચની બારીઓ સાફ કરવાનું હતું. તેના શિક્ષકો સમજી ન શક્યા કે આટલા હોશિયાર છોકરાએ કેમ એવો નિર્ણય લીધો. આ ભાઈ નિયમિત પાયોનિયરીંગ કરી શકે, એટલે તેમને એ કામ પસંદ આવ્યું. તમે યહોવાહની સાથે ચાલતા હશો તો, તમે તેમના નિર્ણયનું કારણ સમજી શકશો.
૨૩ તમારી યુવાનીમાં શું કરવું જોઈએ? એનો તમે વિચાર કરો તેમ, ‘ભવિષ્ય માટે મજબૂત પાયારૂપ સારી એવી સંપત્તિ પોતાને માટે એકઠી કરો. જેથી, જે ખરેખરું જીવન છે એ તમે પ્રાપ્ત કરી શકો.’ (૧ તીમોથી ૬:૧૯) તમારી યુવાનીમાં ઈશ્વરને ભૂલશો નહિ. અરે, જીવનભર તેમને ભૂલશો નહિ. એમ કરવાથી જ તમે કાયમ, હા કાયમ માટેના જીવનનો પાયો નાખી શકશો.
તમે શું શીખ્યા?
• ભાવિ માટે સારી તૈયારી કરવા યુવાનોને કયાં વચનો મદદ કરશે?
• યુવાનો કઈ કઈ રીતે યહોવાહનો સાથ લઈ શકે?
• યુવાનોને કયા નિર્ણયો લેવાના હોય છે, જેની જીવનભર અસર થશે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૫ પર ચિત્ર]
શું તમે સ્વાર્થી કામો પાછળ તમારી યુવાની વેડફી નાખશો?
[પાન ૧૭ પર ચિત્ર]
સમજુ યુવાનો યહોવાહના રાજ્ય પર નજર રાખશે