સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું પવિત્ર શાસ્ત્રમાંથી તમે ઉત્તેજન લો છો?

શું પવિત્ર શાસ્ત્રમાંથી તમે ઉત્તેજન લો છો?

શું પવિત્ર શાસ્ત્રમાંથી તમે ઉત્તેજન લો છો?

જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે આપણે કઈ રીતે એનો સામનો કરીએ છીએ? ઈસુનો વિચાર કરો. શેતાને ઈસુની કસોટી કરી ત્યારે તેમણે શું કર્યું? તેમણે બાઇબલની યોગ્ય કલમ યાદ કરી, એનાથી તેમને શેતાનનો સામનો કરવાની હિંમત મળી. (માત્થી ૪:૧-૧૧) એવી જ રીતે દાઊદ રાજાના જીવનમાં મુશ્કેલીઓ આવી ત્યારે તેમણે શું કર્યું? એ વિષે તેમણે કહ્યું: “મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે ત્યારે તારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે.” (ગીતશાસ્ત્ર ૯૪:૧૯) આ બતાવે છે કે તેમને પણ ઈશ્વરના વચનોથી મુશ્કેલીનો સામનો કરવા હિંમત મળી હતી.

આપણે પણ બાઇબલની મનગમતી કલમો યાદ રાખીશું તો, કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવામાં આપણને હિંમત મળશે. દાખલા તરીકે, ૮૯ વર્ષના રૅક્સભાઈનો વિચાર કરો. તે ૧૯૩૧થી ફૂલટાઈમ લોકોને ઈશ્વરના રાજ્ય વિષે શીખવી રહ્યા છે. એના વિષે તે કહે છે: “સેવામાં મને ખાસ સોંપણી મળે ત્યારે, મને ઘણી વાર એવું લાગતું કે હું એ માટે લાયક નથી.” તો પછી, તે કઈ રીતે એ સોંપણી પૂરી કરતા? તે કહે છે: “એવા સમયે મને નીતિવચનો ૩:૫ના શબ્દો યાદ આવતા, જે કહે છે: ‘તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.’ આ કલમ યાદ કરીને લાગુ પાડવાથી મને મારી સોંપણી પૂરી કરવા હિંમત મળતી.”

અરે, બાળકોને પણ મનગમતી કલમ યાદ રાખવાથી લાભ થઈ શકે. છ વર્ષના જૅકનો વિચાર કરો. તેને માથ્થી ૨૪:૧૪ કલમ બહુ ગમે છે. આ કલમ તેને તેના માબાપ સાથે પ્રચારમાં જવા માટે પ્રેરે છે. તે કહે છે: “મને દર શનિવારે મારા મમ્મી-પપ્પા અને મોટી બહેન સાથે પ્રચારમાં જવાનું ગમે છે.”

શું ઈસુની જેમ કોઈ વાર તમારા વિશ્વાસની કસોટી થાય છે? એમ હોય તો કદાચ, ફિલિપી ૪:૧૩ તમારી મનગમતી કલમ બની શકે. તેમ જ, શું તમને પણ દાઊદ રાજાની જેમ ચિંતાઓ રહે છે? એમ હોય તો કદાચ ફિલિપી ૪:૬, ૭ના શબ્દોમાંથી એ ચિંતાઓ દૂર કરવા તમને મદદ મળી શકે. શું તમને કોઈ વાર એવું લાગે છે કે ઈશ્વરની નજરમાં તમારી સેવાની કોઈ કિંમત નથી? એવું લાગતું હોય તો, ઈશ્વરની સેવા કરવા ૧ કોરીંથી ૧૫:૫૮માંથી તમને જરૂર મદદ મળશે.

બાઇબલની અમુક કલમો યાદ રાખવાથી જે ખરું છે એ કરવા આપણને હિંમત મળે છે. (હેબ્રી ૪:૧૨) એટલું જ નહિ, એનાથી આપણને દિલાસો અને શક્તિ પણ મળી શકે છે.—રૂમી ૧૫:૪.