સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું પાદરીઓએ રાજનીતિમાં જોડાવું જોઈએ?

શું પાદરીઓએ રાજનીતિમાં જોડાવું જોઈએ?

શું પાદરીઓએ રાજનીતિમાં જોડાવું જોઈએ?

“કૅનેડાના એક ઊંચી પદવીના પાદરીએ યાત્રાળુઓને કહ્યું: રાજનીતિમાં જોડાઈને અમે ગરીબોને મદદ કરી શકીશું. . . . ભલે સરકારો ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ચાલતી નથી, ‘ફક્ત નેતાઓ બનવાથી જ અમે ગરીબ લોકો માટે ઇન્સાફ લાવી શકીશું.’”—કૅથલિક ન્યૂઝ.

તાજેતરમાં મુખ્ય પાદરીઓએ ઘણી વખત જાહેરમાં કહ્યું છે કે ચર્ચએ રાજનીતિની બાબતોમાં ભાગ લેવો જોઈએ. તેમ જ આજે ઘણા પાદરીઓ, નેતાઓ પણ છે. તેઓમાંના અમુકે સરકારમાં સુધારો લાવવા ઘણી કોશિશ કરી છે. બીજા પાદરીઓ ખૂબ પ્રખ્યાત બન્યા છે કેમ કે તેઓએ અનેક દેશોમાં ગુલામગીરી અને નાત-જાતના ભેદભાવોને દૂર કર્યા છે.

આમ હોવા છતાં, ચર્ચમાં જનારા ઘણાને ગમતું નથી કે પાદરીઓ રાજકારણમાં ભાગ લે છે. રાજકીય બાબત વિષે ક્રિશ્ચિયન સેન્ચુરી છાપાએ કહ્યું: ‘ખાસ કરીને પ્રોટેસ્ટંટ ખ્રિસ્તીઓ અમુક વાર વાંધો ઉઠાવે છે કે શા માટે પાદરીઓ રાજકાજમાં ભાગ લે છે?’ આજે ઘણા ખ્રિસ્તીઓ માને છે કે ધર્મ પવિત્ર છે, તેથી એણે રાજકીય બાબતમાં કોઈ ભાગ લેવો જોઈએ નહિ.

આપણે બધા ઇચ્છીએ છીએ કે આ દુનિયામાં સુખ-શાંતિ આવે. પરંતુ, શું તમારા મનમાં આવા પ્રશ્નો આવે છે: શું ચર્ચના પાદરીઓ રાજનીતિમાં સુધારો લાવી શકે? શું ઈશ્વર એવું ઇચ્છે છે કે ખ્રિસ્તીઓ રાજનીતિમાં જોડાઈને દુનિયામાં અને સરકારોમાં સુધારો લાવે? શું ખ્રિસ્તી ધર્મ રાજકાજમાં ભાગ લેવા માટે જ શરૂ થયો હતો?

ખ્રિસ્તી ધર્મમાં રાજનીતિની બાબતો કઈ રીતે આવી?

ધ અર્લી ચર્ચ પુસ્તકમાં ઇતિહાસકાર હેનરી ચાડવિકે કહ્યું કે, બધા જાણતા હતા કે પહેલાના ખ્રિસ્તી મંડળોમાં કોઈએ ‘દુનિયામાં સત્તા ચલાવવાનો વિચાર પણ કર્યો ન હતો. તેઓ રાજનીતિમાં કોઈ ભાગ ન લેતા અને હંમેશાં શાંતિ જાળવી રાખતા.’ એ હિસ્ટરી ઑફ ક્રિશ્ચિયાનીટી પુસ્તક કહે છે કે: ‘બધા ખ્રિસ્તીઓ માનતા હતા કે તેઓમાંના કોઈએ રાજનીતિમાં ભાગ લેવો જોઈએ નહિ. ત્રીજી સદીની શરૂઆતમાં હીપોલીટસે કહ્યું કે, જો કોઈ નેતાને ચર્ચ સાથે જોડાવું હોય તો, તેણે પહેલાં સરકારમાં રાજીનામું આપવું પડશે.’ પરંતુ, ધીમે ધીમે ચર્ચમાં એવા વ્યક્તિઓ આવ્યા જેઓને વધુ સત્તા જોઈતી હતી. આ માણસોએ એક બીજાને મોટા મોટા ખિતાબો આપ્યા અને ચર્ચમાં આગેવાની લેવા માંડ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦) અમુકને તો પાદરી જ નહિ, નેતા પણ બનવું હતું. રૂમી સરકારમાં મોટો ફેરફાર આવ્યો ત્યારે, તેઓને એ તક પણ મળી.

વર્ષ ૩૧૨માં રૂમી રાજા કોન્સ્ટન્ટાઈન, કેવાતા ખ્રિસ્તીઓના મિત્ર બન્યો. આ વખતે પાદરીઓએ કોન્સ્ટન્ટાઈનને રાજીનામું આપવાનું કહ્યું નહિ. શા માટે? કેમ કે તેની સત્તાને લીધે તેઓને પણ ઘણા ફાયદા થવાના હતા. હેનરી ચાડવિકે કહ્યું કે, ‘રાજનીતિમાં હવે ચર્ચ વધુને વધુ ભાગ લેવા માંડ્યું છે.’ પરંતુ, રાજનીતિમાં ભાગ લેવાથી પાદરીઓ કેવા બન્યા?

રાજનીતિએ પાદરીઓને કેવી અસર કરી?

પાંચમી સદીમાં, કૅથલિક ધર્મના પ્રોફેસર ઑગસ્ટીને પ્રચાર કર્યો કે ઈશ્વરની મરજી પ્રમાણે, પાદરીઓ નેતા પણ બનવા જોઈએ. તેનું સપનું હતું કે આખી દુનિયા પર ચર્ચ રાજ કરશે અને પછી જગતભરમાં શાંતિ આવશે. પરંતુ, ઇતિહાસકાર એચ. જી. વૅલ્સે લખ્યું: ‘યુરોપનો પાંચથી છેક પંદરમી સદીનો ઇતિહાસ બતાવે છે કે ચર્ચ સાવ નિષ્ફળ ગયું.’ આખા જગતને ભૂલી જાવ, ચર્ચો યુરોપમાં પણ શાંતિ લાવી શક્યા નહિ. આવો ઇતિહાસ જોઈને ઘણાનો ચર્ચ માટેનો પ્રેમ ઠંડો પડી ગયો. પરંતુ, શા માટે?

સારા ઇરાદાથી ઘણા ખ્રિસ્તીઓ રાજનીતિમાં ભાગે લેવા માંડ્યા હતા. પરંતુ, થોડા સમયમાં તેઓ પણ ભ્રષ્ટ થઈ ગયા હતા. હવે માર્ટિન લુથરનો વિચાર કરો. તે બાઇબલનો એક ભાષાંતરકાર હતો અને પાદરી પણ હતો. તેણે પણ કૅથલિક ચર્ચમાં સંપ લાવવા માટે ખૂબ મહેનત કરી હતી. પરંતુ, સાથે સાથે તે ચર્ચની અમુક માન્યતાઓનો વિરોધ કરવા લાગ્યો. અનેક રાજનેતાઓ પણ તેની સાથે જોડાયા કેમ કે તેઓ ચર્ચના વિરોધીઓ હતા. પણ જ્યારે લુથર રાજનીતિમાં વધુને વધુ ભાગ લેવા માંડ્યો ત્યારે ઘણા ખ્રિસ્તીઓ તેનાથી કંટાળી ગયા. જ્યારે અમીર લોકો, ગરીબોને બહુ જ દુઃખ આપતા હતા ત્યારે લુથર ગરીબોને સાથ દેતો. પરંતુ, આ ગરીબો જંગલી જાનવરની જેમ હિંસક બન્યા ત્યારે લુથરે અમીર લોકોને સાથ દીધો. અરે, તેની ઉશ્કેરણીને લીધે હજારો ને હજારો ગરીબ લોકોનું ખૂન થયું. આથી ગરીબ લોકોએ લુથરને એક ગદ્દાર તરીકે જોયો. આ હિંસા વખતે લુથરે અમીર લોકોને એવું ઉત્તેજન પણ આપ્યું કે તેઓ કૅથલિક ચર્ચના મુખ્ય પાદરીના વિરોધમાં જાય. ઘણાએ એમ કર્યું અને લુથરમાંથી પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી ધર્મ શરૂ થયો જેનું મૂળ રાજનીતિમાં જ હતું. જેમ લુથરને વધુ સત્તા મળી તેમ, તે વધુને વધુ ભ્રષ્ટ બન્યો. દાખલા તરીકે, લુથરે પહેલા કહ્યું હતું કે બળજબરીથી કોઈ પણ વ્યક્તિનો ધર્મ બદલાવો જોઈએ નહિ. પરંતુ, થોડા સમય બાદ તેણે નેતાઓને ઉત્તેજન આપ્યું કે જેઓ નાના બાળકોને બાપ્તિસ્મા ન આપે, તેઓને જીવતા બાળીને મોતની સજા કરવી જોઈએ.

હવે જોન કેલ્વિનનો વિચાર કરો. તે જીનીવામાં એક પ્રખ્યાત પાદરી હતો અને સરકારમાં પણ બહુ જ મહત્ત્વનો હતો. જ્યારે માઈકલ સરવેટસે જાહેરમાં પ્રચાર કર્યો કે બાઇબલ પ્રમાણે ત્રૈક્ય જેવું કંઈ નથી. ત્યારે કેલ્વિને બીજા નેતાઓને ઉશ્કેર્યા કે સરવેટસને થાંભલા પર જીવતો બાળી નાખવો જોઈએ. એ કેટલું મોટું પાપ હતું, કેમ કે ઈસુના શિક્ષણ પ્રમાણે સરવેટસ સાચું બોલતો હતો!

આ પાદરીઓ અને નેતાઓ ૧ યોહાન ૫:૧૯ ભૂલી ગયા જે કહે છે કે “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” શું આવા માણસો ખરેખર રાજનીતિમાં સુધારો લાવવા માગતા હતા? કે પછી તેઓને ઊંચી પદવીના મિત્ર અને સત્તા જોઈતી હતી? ભલે ગમે તેમ હોય, તેઓ ઈસુના શિષ્ય યાકૂબના શબ્દો ભૂલી ગયા હતા. તેમણે કહ્યું: “શું તમને માલૂમ નથી, કે જગતની મૈત્રી દેવ પ્રત્યે વૈર છે? માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઇચ્છા રાખે છે, તે દેવનો વૈરી થાય છે.” (યાકૂબ ૪:૪) યાકૂબ જાણતા હતા કે થોડા સમય પહેલાં ઈસુએ તેમના શિષ્યોને શું કહ્યું હતું: ‘જેમ હું જગતનો નથી, તેમ તમે પણ જગતના નથી.’—યોહાન ૧૭:૧૪.

ઘણા ખ્રિસ્તી કહેશે કે તેઓ જગતના ખરાબ કામોમાં ભાગ લેતા નથી. પરંતુ, તેઓ માનવા તૈયાર નથી કે “જગતના નથી” હોવાનો અર્થ એ પણ થાય છે કે તેઓએ રાજનીતિમાં ભાગ લેવો જોઈએ નહિ. વળી, ઘણા કહેશે કે જો તેઓ રાજનીતિમાં ભાગ ન લે, તો તેઓ એકબીજાને ખ્રિસ્તી પ્રેમ બતાવી શકશે નહિ. આવા લોકો માને છે કે ચર્ચના પાદરીઓએ રાજકીય બાબતોમાં ભાગ લેવો જોઈએ, કેમ કે ત્યારે જ ભ્રષ્ટાચાર અને અન્યાયનો અંત આવશે. પરંતુ, જો ખ્રિસ્તીઓ ઈસુની આજ્ઞા પ્રમાણે જગતની રાજનીતિમાં કોઈ ભાગ ન લે, તો શું તેઓ ખરેખર એકબીજા માટે પ્રેમ બતાવી શકે છે? શું તેઓ બીજાઓને મદદ કરી શકે છે? હવે પછીનો લેખ એનો જવાબ આપશે.

[પાન ૪ પર ચિત્ર]

સરકારમાં વધુ સત્તા મેળવવા, ચર્ચના પાદરીઓએ કોન્સ્ટન્ટાઈન જેવા રાજાઓને સાથ દીધો

[ક્રેડીટ લાઈન]

Musée du Louvre, Paris

[પાન ૫ પર ચિત્ર]

જાણીતા પાદરીઓ શા માટે રાજનીતિમાં ભાગ લેવા માંડ્યા?

ગસ્ટીન

લુથર

કેલ્વિન

[ક્રેડીટ લાઈન]

ઑગસ્ટીન: ICCD Photo; કેલ્વિન: Portrait by Holbein, from the book The History of Protestantism (Vol. II)