સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું રાજનીતિ ખ્રિસ્તી પ્રેમ અટકાવી શકે?

શું રાજનીતિ ખ્રિસ્તી પ્રેમ અટકાવી શકે?

શું રાજનીતિ ખ્રિસ્તી પ્રેમ અટકાવી શકે?

ખ્રિસ્તી હોવાનો અર્થ એ નથી કે વ્યક્તિ ફક્ત બાઇબલ વાંચે, પ્રાર્થના કરે અને દર રવિવારે ચર્ચમાં ભજન ગાય. ના, ખરા ખ્રિસ્તીઓ એ ઉપરાંત, ઈશ્વર અને લોકોની રાજી-ખુશીથી સેવા કરે છે. બાઇબલ એટલે કહે છે: “આપણે શબ્દથી નહિ, અને જીભથી નહિ, પણ કૃત્યમાં તથા સત્યમાં પ્રીતિ કરીએ.” (૧ યોહાન ૩:૧૮) ઈસુ ખ્રિસ્ત લોકોને ખૂબ ચાહતા હતા. તેથી, આપણે પણ ઈસુને અનુસરવું જોઈએ. પ્રેષિત પાઊલે ખ્રિસ્તીઓને ઉત્તેજન આપ્યું કે “પ્રભુના કામમાં સદા મચ્યા રહો.” (૧ કોરીંથી ૧૫:૫૮) પરંતુ, ‘પ્રભુના કામમાં’ શું આવી જાય છે? શું એનો અર્થ એ થાય છે કે આપણે રાજકાજમાં ભાગ લેવો જોઈએ અને ગરીબ લોકોના હક્ક માટે લડવું જોઈએ? ઈસુ પૃથ્વી પર હતા, ત્યારે શું તેમણે એમ કર્યું હતું?

ભલે લોકો ઈસુને રાજા બનાવવા ખૂબ તલપાપડ હતા, પણ તેમણે કદી રાજનીતિમાં ભાગ લીધો નહિ. તેમ જ તેમણે કોઈનો પક્ષ લીધો નહિ. જ્યારે શેતાને તેમને દુનિયાના રાજા બનવાની લાલચ આપી ત્યારે, ઈસુએ એકદમ ના પાડી દીધી. તેમણે કર ભરવામાં કોઈ વાંધો ઉઠાવ્યો નહિ. વળી, જ્યારે લોકો તેમને જબરદસ્તીથી રાજા બનાવવા માંગતા હતા, ત્યારે તે ત્યાંથી દૂર ચાલ્યા ગયા. (માત્થી ૪:૮-૧૦; ૨૨:૧૭-૨૧; યોહાન ૬:૧૫) ભલે ઈસુએ રાજનીતિમાં કોઈ ભાગ લીધો નહિ, તોપણ તે લોકોને ખૂબ મદદ કરી શક્યા.

ઈસુએ એવી બાબતોમાં મહેનત લગાડી જેમાં લોકોને સદા માટે લાભ થવાનો હતો. ભલે ઈસુએ ૫,૦૦૦ લોકોને ચમત્કારથી ખવડાવ્યું અને અનેક બીમાર લોકોને સાજા કર્યા, એમાંથી તેઓને ફક્ત થોડો જ લાભ થવાનો હતો. પરંતુ, તેમનું શિક્ષણ લોકો માટે સદાના આશીર્વાદો લાવ્યું. સમાજમાં ઈસુ એક ચૅરિટી કામ કરનાર તરીકે ઓળખાયા ન હતા. પરંતુ, તે એક મહાન “ઉપદેશક” કે “ગુરુ” તરીકે ઓળખાયા. (માત્થી ૨૬:૧૮; માર્ક ૫:૩૫; યોહાન ૧૧:૨૮) ઈસુએ કહ્યું હતું: “એજ માટે હું જનમ્યો છું, અને એજ માટે હું જગતમાં આવ્યો છું, કે સત્ય વિષે હું સાક્ષી આપું.”—યોહાન ૧૮:૩૭.

શાના વિષે પ્રચાર કરવો જોઈએ?

ઈસુ જે સત્ય શીખવતા હતા, એમાં રાજનીતિને લગતો કોઈ વિચાર ન હતો. ના, એ સત્ય ઈશ્વરના રાજ્ય વિષે હતું, જેમાં ઈસુ પોતે રાજ કરવાના છે. (લુક ૪:૪૩) ઈશ્વરનું રાજ્ય સ્વર્ગમાં છે, અને એ પૃથ્વીની સર્વ સરકારોનો અંત લાવી દેશે, અને પછી શાંતિ લાવશે. (યશાયાહ ૯:૬, ૭; ૧૧:૯; દાનીયેલ ૨:૪૪) ફક્ત આ જ રાજ્ય, મનુષ્યોને સુખ-શાંતિની સાચી આશા આપે છે. તો પછી, એમાં કોઈ ફાયદો નથી જો આપણે લોકોને મનુષ્ય પર ભરોસો મૂકવાનું ઉત્તેજન આપીએ. એના બદલે, આપણે ઈશ્વરના રાજ્યની ખુશખબરીનો પ્રચાર કરવો જોઈએ! બાઇબલ કહે છે: “મદદ માટે માણસો તરફ દૃષ્ટિ ન કરશો. તેઓના શ્રેષ્ઠ આગેવાનો નિષ્ફળ જાય છે. કેમ કે દરેક માણસે મરવાનું છે. તેના શ્વાસો શ્વાસ બંધ થઇ જાય છે, જીવનનો અંત આવે છે અને તેણે કરેલી દરેક યોજના એક ક્ષણમાં ખતમ થઇ જાય છે. પરંતુ જે માણસને સહાય કરનાર યાકોબનો ઈશ્વર [યહોવાહ] છે અને જેની આશા તેના ઈશ્વર પ્રભુમાં છે તે આશીર્વાદિત છે.” (ગીતશાસ્ત્ર ૧૪૬:૩-૫, IBSI) તેથી, ઈસુએ તેમના શિષ્યોને પ્રચાર કરતી વખતે એમ ન કહ્યું કે તેઓએ રાજનીતિ વિષે વાત કરવી જોઈએ. ના, તેમણે તો તેઓને “રાજ્યની આ સુવાર્તા” વિષે પ્રચાર કરવાનું કહ્યું.—માત્થી ૧૦:૬, ૭; ૨૪:૧૪.

તેથી ‘પ્રભુનું કામ’ એ છે કે આપણે ઈશ્વરના રાજ્ય વિષે પ્રચાર કરીએ. જેઓ ઈશ્વરના રાજ્યમાં રહેવા માગે છે તેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરતા શીખે છે. આથી, ઈશ્વરનું રાજ ગરીબીનો સાવ અંત લાવી દેશે, કેમ કે સર્વ લોકો પ્રેમથી એકબીજાને ખોરાક દેશે. (ગીતશાસ્ત્ર ૭૨:૮, ૧૨, ૧૩) ખરેખર, આવી ખુશખબરી લોકોને જણાવવી જ જોઈએ!

યહોવાહના સાક્ષીઓ ૨૩૫ દેશોમાં ‘પ્રભુનું કામ’ કરે છે. ઈસુની આજ્ઞા પ્રમાણે તેઓ સરકારોને આધીન રહે છે. (માત્થી ૨૨:૨૧) પરંતુ, સાથે સાથે તેઓ ઈસુના આ શબ્દો યાદ રાખે છે: “તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે.”—યોહાન ૧૫:૧૯.

અમુક લોકો પહેલાં રાજનીતિ સાથે જોડાયેલા હતા કે એનો પ્રચાર કરતા હતા. પણ જ્યારે તેઓએ બાઇબલનું શિક્ષણ લીધું ત્યારે એ કામ છોડી દીધું. એક ઇટાલિયન નેતાનો વિચાર કરો. તે પહેલાં એક સંસ્થા સાથે જોડાયેલા હતા જેનું માર્ગદર્શન કૅથલિક ચર્ચ તરફથી આવતું. તે કહે છે: ‘સમાજમાં અને રાજનીતિમાં પ્રગતિ લાવવા માટે હું પોતે રાજકારણમાં ભાગ લેવા માંડ્યો.’ આ નેતા પછી શહેરના મેયર બન્યા. પરંતુ, યહોવાહના સાક્ષી બન્યા પછી તેમણે રાજીનામું આપી દીધું અને હવે તે યહોવાહ વિષે પ્રચાર કરી રહ્યા છે. તે કહે છે કે ભલે લોકો સારા ઇરાદાથી રાજનીતિમાં ભાગ લે છે, પણ તેઓ બધા નિષ્ફળ જાય છે. પછી તે કહે છે: ‘આ દુનિયાની હાલત બહુ જ ખરાબ છે. ભલે અમુક લોકો સુધારો લાવવા માંગતા હોય, પણ બીજા ઘણા લોકોની દાનત ખરાબ હોય છે. આ લોકો સારા માણસોને દુનિયામાં સુધારો લાવવા દેતા નથી.’

સાચા ખ્રિસ્તીઓ રાજનીતિમાં કોઈ ભાગ લેતા નથી. પરંતુ, યહોવાહના રાજ્ય વિષે પ્રચાર કરતી વખતે તેઓ હજી લોકોને ખૂબ સારી રીતે મદદ કરી શકે છે. જેઓ સત્યનો સંદેશો સ્વીકારે છે, તેઓ જીવનમાં મોટા મોટા ફેરફારો કરે છે. તેઓ સરકારોને માન આપતા શીખે છે, કુટુંબમાં શાંતિ અનુભવે છે, અને ધન-દોલત પાછળ દોડવાનું છોડી દે છે. એ ઉપરાંત, યહોવાહના સાક્ષીઓ શીખવે છે કે લોકો કઈ રીતે ઈશ્વર સાથે સારો સંબંધ બાંધી શકે.

જેઓ ઈશ્વરના રાજ્ય વિષે પ્રચાર કરે છે, તેઓ સમાજને ખૂબ લાભ કરે છે. સાક્ષીઓ સર્વ લોકોને એવું ઉત્તેજન આપે છે કે તેઓ એવી સરકાર પર ભરોસો મૂકે, જે હંમેશ માટે શાંતિ લાવી શકશે. તેથી, સાક્ષીઓ રાજનીતિમાં કોઈ ભાગ લેતા નથી. તેમ છતાં તેઓ લોકોને સદા માટે લાભ થાય એવી મદદ કરે છે.

[પાન ૭ પર બોક્સ/ચિત્ર]

અટીલા રાજનીતિ છોડીને ઈશ્વરના રાજનો પ્રચાર કરે છે

અટીલા બ્રાઝિલમાં રહે છે. તેને નાનપણથી જ પાદરીઓએ શીખવ્યું હતું કે ફક્ત રોમન કૅથલિક ચર્ચ દ્વારા જ દુનિયામાં અન્યાય અને દુઃખનો અંત આવશે. અટીલાને આવી વાતો સાંભળવી બહુ જ ગમતી. એટલે તે એક ચર્ચની સંસ્થા સાથે જોડાયો જે સરકારોની વિરુદ્ધ બોલતી હતી. થોડા સમય બાદ તે સરકારનો વિરોધ કરવા બંડખોર ટૂકડીઓ ગોઠવવા લાગ્યો.

વધુમાં, આ ચર્ચની સંસ્થામાં બીજા બાળકો પણ હતા. અટીલાને લિસનીંગ ટુ ધ ગ્રેટ ટીચર પુસ્તકમાંથી તેઓને શીખવવું ગમતું હતું. * એ પુસ્તક શીખવતું હતું કે આપણું વલણ સારું હોવું જોઈએ અને આપણે અધિકારીઓને માન આપવું જોઈએ. અટીલા વિચારવા લાગ્યો કે ‘શા માટે આ ચર્ચની સંસ્થા ઈસુના ઊંચા ધોરણો પ્રમાણે ચાલતી નથી? તેમ જ જ્યારે અમુક લોકોને સત્તા મળે છે ત્યારે, તેઓ શા માટે ગરીબોને ભૂલી જાય છે?’ આ શંકાને લીધે અટીલા ચર્ચની સંસ્થામાંથી નીકળી ગયો. થોડા વખત પછી, યહોવાહના સાક્ષીઓ તેના ઘરે આવ્યા અને યહોવાહના રાજ્ય વિષે વાત કરવા લાગ્યા. અટીલા તરત જ બાઇબલ વિષે શીખવા લાગ્યો. તે શીખ્યો કે ઈશ્વર જ માણસજાતને મદદ કરી શકે છે.

અટીલા બાઇબલ વિષે શીખતો હતો ત્યારે, તે કૅથલિક ચર્ચની એક સભામાં પણ ગયો હતો. એ સભા ધર્મ અને રાજનીતિને લગતી હતી. ત્યાં ચર્ચના શિક્ષકોએ કહ્યું: ‘એક સિક્કાની બે બાજુઓ હોય છે, તેમ જ શ્રદ્ધા અને રાજનીતિ એક જ છે.’ અટીલા યહોવાહના સાક્ષીઓના સભામાં પણ ગયો હતો. ચર્ચના લોકો અને સાક્ષીઓ વચ્ચે તે કેટલો મોટો તફાવત જોઈ શક્યો! ત્યાં કોઈ પણ સાક્ષી બીડી કે દારૂ પીતા ન હતા અને કોઈ ગંદા જોક્સ કહેતું ન હતું. અટીલાએ ત્યાંને ત્યાં જ નિર્ણય લીધો કે તે બાપ્તિસ્મા પામીને સાક્ષીઓ સાથે પ્રચાર કામમાં જોડાશે. હવે અટીલા પોતે જોઈ શકે છે કે રાજનૈતિક સંસ્થાઓ ગરીબોને ખરેખર મદદ કરી શકતી નથી.

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું પુસ્તક.

[પાન ૬ પર ચિત્ર]

ભલે સાક્ષીઓ રાજનીતિમાં ભાગ લેતા નથી, છતાં તેઓ એકબીજાને ખૂબ મદદ કરે છે