સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હું આંધળો હતો તોપણ જોઈ શક્યો

હું આંધળો હતો તોપણ જોઈ શક્યો

મારો અનુભવ

હું આંધળો હતો તોપણ જોઈ શક્યો

એગૉન હાઉસરના જણાવ્યા પ્રમાણે

મારી આંખોનું તેજ જતું રહ્યું એના બે જ મહિના પછી, બાઇબલના શિક્ષણથી મારી આંખો ખુલી ગઈ. આ એ જ બાઇબલ સત્ય હતું જેને મેં જિંદગીભર ધ્યાન જ આપ્યું ન હતું.

હું મારા જીવનના ૭૦થી વધારે વર્ષોનો વિચાર કરું છું ત્યારે, મને ઘણી બાબતોથી ખૂબ જ સંતોષ થાય છે. પરંતુ મને એક વાતનું દુઃખ થાય છે કે બાળપણથી જ હું યહોવાહ પરમેશ્વર વિષે શીખ્યો હોત તો, કેટલું સારું થાત!

મારો જન્મ ૧૯૨૭માં ઉરુગ્વેમાં થયો હતો. આ નાનકડો રળિયામણો દેશ આર્જેન્ટિના અને બ્રાઝિલની વચ્ચે આવેલો છે. ઍટલૅંન્ટિકના એક છેડે આવેલા ઉરુગ્વેને લાંબો દરિયાકાંઠો પણ છે, જેને જોતા જ તમે મુગ્ધ થઈ જાવ. ત્યાં મોટા ભાગે ઈટાલિયન અને સ્પૅનિશ લોકો રહે છે. જોકે મારા માબાપ મૂળ હંગેરીયન હતા. મને હજુ યાદ છે કે હું નાનો હતો ત્યારે મારા પપ્પા બહુ ઓછી આવકમાં કુટુંબનો ગુજારો કરતા. તોપણ, અમે પાડોશીઓ સાથે બધી રીતે હળીમળીને રહેતા. અમે રહેતા ત્યાં ગુનાખોરીની એટલી અસર ન હોવાથી, ઘરને કોઈ તાળું પણ મારતું ન હતું. નાત-જાત જેવું તો કંઈ હતું જ નહિ. ભલે પરદેશી હોય કે કાળા-ધોળા, અમે બધા હળીમળીને રહેતા.

મારા મમ્મી-પપ્પા કૅથલિક હતા. હું દસ વર્ષનો હતો ત્યારથી જ ચર્ચમાં પાદરીને મદદ કરતો. અને હું મોટો થયો ત્યારે અમારી નજીકના ચર્ચ માટે કામ કરવા લાગ્યો. તેમ જ હું બિશપના હાથ નીચે એ ચર્ચના ગ્રૂપ સાથે ડૉક્ટર તરીકે કામ કરતો. કૅથલિક ચર્ચે વેનેઝુએલામાં ડૉક્ટરો માટે સેમિનાર રાખ્યો હતો. મને પણ એમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું હતું. એ સમયે માર્કેટમાં મોઢેથી લેવાની ગર્ભનિરોધક ગોળીઓ નવી નવી આવી હતી. અમારા ગ્રૂપમાં બધા સ્ત્રીરોગના ડૉક્ટર હોવાથી, અમને એના પર અભ્યાસ કરવાનું કહેવામાં આવ્યું હતું.

ડૉક્ટરી કામ શીખતા મારા પર થયેલી ઊંડી અસર

હું કૉલેજમાં મેડીકલ સ્ટુડન્ટ તરીકે ભણતો હતો ત્યારે, માનવ શરીરની રચના વિષે ઘણું જ શીખ્યો હતો. એનાથી હું ખૂબ જ પ્રભાવિત હતો. દાખલા તરીકે, આપણને કંઈક ઇજા થયા પછી, જે રીતે રૂઝ આવે છે, લીવરનો અમુક ભાગ કાપી નાખ્યા પછી રૂઝ આવે અથવા પાંસળીનો અમુક ભાગ કાપી નાખ્યા પછી એ ઊગીને ફરી હતો એવો થઈ જાય છે. એ જોઈને હું બહુ મુગ્ધ થઈ જતો.

એ જ સમયે મેં ગંભીર અકસ્માતનો ભોગ બનેલાને પણ જોયા છે. એવા સમયે તેઓનો જીવ બચાવવા માટે લોહી આપવામાં આવતું. પણ એનાથી તેઓ મરણ પામતા હતા. એ જોઈને મને ખૂબ દુઃખ થતું. મને આજે પણ યાદ છે કે વ્યક્તિ મરણ પામતી ત્યારે તેઓના કુટુંબને એ જણાવવું કેટલું મુશ્કેલ હતું. મોટે ભાગે દર્દીના કુટુંબને એ કહેવામાં ન આવતું કે તેઓના પ્રિયજનને લોહી આપ્યું હોવાથી તે મરણ પામ્યા છે. તેના મરણ પાછળ બીજાં કારણો આપવામાં આવતા. આજે ઘણાં વર્ષો પછી પણ મને યાદ છે કે વ્યક્તિને લોહી ચઢાવવાનું થતું ત્યારે મને જરાય ગમતું નહિ. આખરે હું એ નિર્ણય પર આવ્યો કે લોહી ચઢાવવું ખોટું કહેવાય. એ સમયે જો હું જાણતો હોત કે યહોવાહની નજરમાં લોહી પવિત્ર છે તો, કેટલું સારું થાત! એવા સમયે હું સમજી શકત કે કોઈને લોહી ચઢાવવાનું હોય ત્યારે મને કેમ ગભરામણ થાય છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧૯, ૨૦.

લોકોને મદદ કરવાથી મળતો સંતોષ

સમય જતાં હું સર્જન થયો. તેમ જ, સાન્ટા લ્યુસિયા શહેરમાં હૉસ્પિટલનો ડાયરેક્ટર પણ થયો. હું નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ બાયોલોજીકલ સાયન્સમાં પણ અમુક સેવા આપતો. હું બીમાર લોકોનું દુઃખ દૂર કરવા અને પીડામાંથી રાહત આપવા મદદ કરતો. મેં ડૉક્ટર તરીકે ઘણા લોકોના જીવન પણ બચાવ્યા છે. તેમ જ ઘણી માતાઓને બાળકોને જન્મ આપવામાં પણ મદદ કરી. એ બધું કરવાથી મને દિલમાં શાંતિ મળતી. મને અગાઉ લોહી ચઢાવવામાં ગભરામણ થતી હોવાથી હું દર્દીઓની લોહી આપ્યા વગર સારવાર કરતો. આ રીતે લોહી આપ્યા વગર મેં હજારો ઑપરેશન કર્યા છે. હું તેઓને સમજાવતો કે શરીરમાંથી લોહી વહેવું એ કાણી ટાંકીમાંથી વહી જતા પાણી જેવું છે. એમાં પાણી ભર્યા કરવાને બદલે ટાંકીને રીપેર કરવાની જરૂર છે.

યહોવાહના સાક્ષીઓની સારવાર કરવી

હું ૧૯૬૦ના દાયકામાં યહોવાહના સાક્ષીઓને પહેલી વાર મળવા લાગ્યો. એ સમયે તેઓએ અમારી હૉસ્પિટલમાં લોહી વગર સર્જરી કરાવવાની શરૂઆત કરી હતી. હું એક દર્દીનો કેસ કદી ભૂલીશ નહિ. તે પૂરો સમય યહોવાહના રાજ્યની પ્રચારક હતી. તેનું નામ મેરસીડીઝ ગૉનઝાલસ હતું. તેના લોહીનું પાણી થઈ ગયું હોવાથી તે બહુ જ નબળી થઈ ગઈ હતી. તેથી, યુનિવર્સિટી હૉસ્પિટલના ડૉક્ટરોને લાગ્યું કે તે વધારે જીવશે નહિ. એટલે તેઓ તેના ઑપરેશનનું જોખમ લેવા માગતા ન હતા. મેરસીડીઝનું ઘણું લોહી વહી ગયું હતું છતાં, અમે અમારી હૉસ્પિટલમાં તેમનું ઑપરેશન કર્યું. એ સફળ રહ્યું. એ પછી તેમણે ૩૦ વર્ષથી ઉપર પાયોનિયરીંગ કર્યું. થોડા જ સમય પહેલાં એ બહેન ૮૬ વર્ષની વયે ગુજરી ગયા.

સાક્ષીઓ હૉસ્પિટલમાં ખ્રિસ્તી ભાઈભહેનોની જે રીતે કાળજી રાખતા અને પ્રેમ બતાવતા હતા એનાથી હું ઘણો પ્રભાવિત થયો હતો. હૉસ્પિટલમાં હું દર્દીઓની મુલાકાત લેવા જતો ત્યારે, તેઓ પોતાના ધર્મ વિષે વાતો કરતા એ સાંભળવામાં મને બહુ મજા આવતી. તેઓ મને જે કોઈ પુસ્તકો આપતા એ હું વાંચવા લેતો. ત્યારે મને સપનેય ખ્યાલ ન હતો કે હું તેઓનો ડૉક્ટર જ નહિ પણ ખ્રિસ્તી ભાઈ બનીશ.

મેં એક દર્દીની પુત્રી બિટ્રીસ સાથે લગ્‍ન કર્યા પછી હું સાક્ષીઓની સાથે વધારે સંગત રાખવા લાગ્યો. જોકે અમારા લગ્‍ન પહેલાં બિટ્રીસનું મોટા ભાગનું કુટુંબ સાક્ષીઓ સાથે સંગત રાખતું હતું. પરંતુ લગ્‍ન પછી મારી પત્ની બિટ્રીસ પોતે એક યહોવાહની સાક્ષી બની ગઈ. એ સમયે હું તો મારા કામમાં જ ડૂબેલો હતો. મેં મેડિકલ ક્ષેત્રમાં જે નામ કમાયું હતું એનાથી હું જીવનમાં બહુ સંતોષી હતો. આમ મારું જીવન ખુશીઓથી ભરાઈ ગયું હતું. પરંતુ હું જાણતો ન હતો કે બહુ જ જલદી મારા પર દુઃખનો પહાડ તૂટી પડશે.

દુઃખનો પહાડ તૂટી પડ્યો

કોઈ પણ સર્જનની નજર જતી રહે, એના જેવું મોટું દુઃખ જીવનમાં બીજું શું હોય શકે. મારી સાથે પણ એવું જ બન્યું. અચાનક જ મારી આંખોની નસો ફાટી ગઈ અને હું અંધ બની ગયો! હું ફરીથી જોઈ શકીશ કે કેમ એ હું જાણતો ન હતો. મારી આંખોનું ઑપરેશન કર્યા પછી, બંને આંખો પર પાટો બાંધ્યો હોવાથી હું પથારીમાં જ સૂતો રહેતો. ત્યારે હું એકદમ હતાશામાં ડૂબી ગયો હતો. મારું જીવન મને સાવ જ ખાલી-ખાલી લાગતું હતું. તેથી, હું મારું જીવન ટૂંકાવી દેવા ચાહતો હતો. હૉસ્પિટલમાં ચોથા માળ પર મારી પથારી હતી. એક દિવસ હું ઊભો થઈને દીવાલ પકડી પકડીને બારી શોધવા લાગ્યો, જેથી નીચે કૂદીને જીવનનો અંત લાવી શકું. આમ બારી શોધતા શોધતા હું હૉસ્પિટલની લોબીમાં જતો રહ્યો. એવામાં એક નર્સ આવી અને મને પાછો મારી પથારીએ દોરી ગઈ.

એના પછી મેં ફરી પ્રયત્ન કર્યો નહિ. હું અંધ થઈ ગયો હોવાથી બહુ ઉદાસ રહેતો. તેમ જ જલદી નાની નાની વાતમાં ચિડાઈ જતો. એ સમયે મેં પરમેશ્વરની આગળ સમ ખાધા કે જો હું દેખતો થઈશ તો, સૌથી પહેલા આખું બાઇબલ વાંચીશ. સમય જતાં ધીરે ધીરે હું પાછો દેખતો થયો. આખરે, હું થોડું થોડું જોઈ શકવા લાગ્યો અને વાંચી પણ શકતો હતો. પણ હું ઑપરેશન કરી શકતો ન હતો. જોકે એક કહેવત છે કે “લાખો નિરાશામાં એક આશા છુપાયેલી છે.” એ મારા કિસ્સામાં એકદમ સાચી પડી.

સાક્ષીઓ સાથેનો ખરાબ વર્તાવ

મને મોટા અક્ષરોવાળું ધ જરૂશાલેમ બાઇબલ ખરીદવું હતું. પરંતુ મને ખબર પડી કે યહોવાહના સાક્ષીઓ પાસેથી સસ્તામાં બાઇબલ મળી શકે છે. એક યુવાન સાક્ષીએ કહ્યું કે તે પોતે મારા ઘરે કાલે બાઇબલ આપી જશે. બીજા દિવસે સવારે તે બાઇબલ લઈને મારા ઘરે આવ્યો. મારી પત્નીએ બારણું ખોલ્યું અને તેની સાથે વાત કરવા લાગી. એ સમયે હું પાછળના રૂમમાં હતો. ત્યાંથી મેં ગુસ્સામાં બરાડા પાડીને મારી પત્નીને કહ્યું કે જો તેણે બાઇબલના પૈસા આપી દીધા હોય તો, તે હજુ કેમ ઊભો છે? હવે તેની કોઈ જરૂર નથી. એ સાંભળતા જ તે ત્યાંથી ચાલ્યો ગયો. જોકે, મેં કદી સપનામાં પણ ધાર્યું ન હતું કે તે વ્યક્તિ મારું જીવન ઊજળું બનાવવામાં મોટો ભાગ ભજવશે.

એક દિવસે મેં મારી પત્નીને એવું વચન આપ્યું જે હું પોતે પાળી ન શક્યો. તેથી તેને ખુશ રાખવા મેં કહ્યું કે ‘આ વર્ષે ખ્રિસ્તના મરણના યાદગાર દિવસે હું ચોક્કસ તારી સાથે મિટિંગમાં આવીશ.’ એ પ્રસંગ મેમોરિયલથી પણ ઓળખાય છે. એ દિવસ આવ્યો ત્યારે મને મારું વચન યાદ આવ્યું. તેથી હું બિટ્રીસ સાથે સભામાં ગયો. ત્યાં મારું પ્રેમથી સ્વાગત કરવામાં આવ્યું અને ત્યાંનું ફ્રેન્ડલી વાતાવરણ મને બહુ જ ગમ્યું. પછી પ્રવચન શરૂ થયું ત્યારે હું તો જોતો જ રહી ગયો. એ તો પેલા જ ભાઈ હતા જેમને મેં ગુસ્સામાં ઘરેથી બહાર કાઢી મૂક્યા હતા. તેમના પ્રવચનની મારા પર બહુ ઊંડી અસર થઈ. તેમની સાથે મેં જે ખરાબ વર્તાવ કર્યો હતો એનાથી મને બહુ દુઃખ થયું. તેથી હું મનમાં વિચારતો હતો કે હું હવે શું કરું? કેવી રીતે દોસ્તી બાંધું?

મેં બિટ્રીસને કહ્યું કે એ ભાઈને એકાદ સાંજે આપણી સાથે જમવા બોલાવે. પણ તેણે કહ્યું: “મને લાગે છે કે તમે જ તેમને જમવા માટે બોલાવો એ વધારે સારું થશે. આપણે અહીં જ ઊભા રહીએ, તે આપણને મળવા આવશે.” અરે, તેણે કહ્યું એમ જ થયું! તે ભાઈ સામેથી આવીને અમને મળ્યા અને જમવાનું આમંત્રણ પણ સ્વીકાર્યું.

તે જમવા આવ્યા એ સાંજે અમે જે વાત કરી, એનાથી મારામાં આવનાર ફેરફારોની શરૂઆત થઈ હતી. તેમણે મને સત્ય જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તક બતાવ્યું. * મેં પણ તેમને એ જ પુસ્તકની બીજી છ પ્રતો બતાવી. હું હૉસ્પિટલમાં કામ કરતો હતો ત્યારે જુદા જુદા સાક્ષી દર્દીઓએ મને એ પુસ્તકો આપ્યાં હતાં. પરંતુ મેં એ કદી વાંચ્યા ન હતાં. જમતા અને જમ્યા પછી મોડી રાત સુધી મેં તેમના પર એક પછી એક પ્રશ્નોની છડી વરસાવી. તેમણે મારા બધા પ્રશ્નોના જવાબ બાઇબલમાંથી આપ્યા. અમારી ચર્ચા બીજે દિવસે વહેલી સવાર સુધી ચાલી. તેમણે જતા પહેલાં કહ્યું કે એ પુસ્તકમાંથી તે મને બાઇબલનું સત્ય શીખવવા ઘરે આવશે. અમે ત્રણ મહિનામાં એ પુસ્તકનો અભ્યાસ પૂરો કરી નાખ્યો. પછીથી “બાબેલોન ધ ગ્રેટ હેઝ ફોલન!” ગોડ્‌સ કિંગડ્‌મ રૂલ્સ!* પુસ્તકમાંથી અભ્યાસ કર્યો. ત્યાર બાદ મેં મારું જીવન યહોવાહને સમર્પણ કર્યું અને પાણીમાં બાપ્તિસ્મા લીધું.

ફરીથી હું બીજાઓને મદદરૂપ થયો

ખરું કહું તો, અંધ થઈ ગયા પછી જ બાઇબલ સત્યનો પ્રકાશ મારા હૃદય પર પડ્યો હતો. એ પહેલાં હું એને જરાય ધ્યાન આપતો ન હતો. (એફેસી ૧:૧૮) હું યહોવાહ પરમેશ્વર અને તેમના હેતુઓ વિષે શીખવા લાગ્યો તેમ, એનાથી મારું આખું જીવન બદલાઈ ગયું. ફરીથી હું ખુશ રહેવા લાગ્યો. ડૉક્ટર તરીકે લોકોની સારવાર કરતી વખતે, હું તેઓને એ પણ જણાવતો કે તેઓ કઈ રીતે ઈશ્વરની ન્યાયી નવી દુનિયામાં કાયમ જીવી શકે.

આજે મેડિકલ ક્ષેત્રમાં જે પ્રગતિ થઈ રહી છે એની નવામાં નવી માહિતીથી હું જાણકાર રહું છું. મેં લોહી લેવાના જોખમો, લોહી વગર કેવી રીતે સારવાર આપી શકાય, દર્દીના હક્કો, અને બાયોથીક્સ એટલે કે શરીર આધારિક નૈતિક સવાલો પર પણ સંશોધન કર્યું છે. હું જે શીખ્યો છું એ વિષે અમારા વિસ્તારના ડૉક્ટરો સાથે ઘણી વાર વાત કરતો. તેમ જ મને મેડિકલ સેમિનારમાં આ વિષયો પર ટોક આપવાનું કહેવામાં આવતું ત્યારે પણ હું જતો. વર્ષ ૧૯૯૪માં ડૉક્ટરો માટે બ્રાઝિલના રીઓ ડી જાનેરો શહેરમાં એક સેમિનાર ભરાયો હતો. એમાં એ વિષય પર ચર્ચા થઈ કે કોઈને લોહી વગર કઈ રીતે સારવાર આપી શકાય. એમાં મેં ટોક આપી કે કોઈને રક્તસ્રાવ કે હેમરેજ થાય ત્યારે શું કરવું જોઈએ. એ ટોકનો અમુક ભાગ મેં ડૉક્ટરોની હેમોટૅરાપીયા મેગેઝિનમાં પણ જણાવ્યો હતો. પોર્ટુગીઝમાં એનો આ વિષય હતો: ‘કોઈને રક્તસ્રાવ થાય ત્યારે લોહી બંધ કરીને કેવી રીતે સારવાર આપવી?’

ડૉક્ટરોના દબાણ છતાં ઈશ્વરને વફાદાર રહ્યો

હું ડૉક્ટરરનું શિક્ષણ લેવા લાગ્યો ત્યારથી મને લોહીની આપ-લે કરવા વિષે ઘણી શંકાઓ હતી. પરંતુ ઘણાં વર્ષો પછી મને મોટો હાર્ટ ઍટેક આવ્યો ત્યારે, ખબર પડી કે હૉસ્પિટલમાં સારવાર લેતી વખતે પોતાના ધર્મને વળગી રહેવું કેટલું અઘરું છે. કેમ કે ડૉક્ટરો મને દબાણ કરતા હતા કે તારે લોહી લેવું જ પડશે. તેથી ડૉક્ટરો અને સર્જન સાથે મેં બે કલાકથી ઉપર ચર્ચા કરીને સમજાવ્યું કે, હું મારી ધાર્મિક માન્યતાને લીધે કોઈ પણ હિસાબે લોહી નહીં લઉં. એમાં પાછું એવું બન્યું કે મારા જિગરી દોસ્તના દીકરાએ જ મારો કેસ હાથમાં લીધો હતો. તે પોતે સર્જન હતો. તે એક જ વાત પકડીને બેઠો હતો કે, લોહી લેશો નહિ તો તમે મરી જશો અને હું તમને મરી જવા દઈશ નહિ. એટલે તમારે લોહી લેવું જ પડશે. આ સમયે મેં મનમાં યહોવાહને પ્રાર્થના કરી કે આ સર્જનને મારો નિર્ણય સમજવા મદદ કરો, જેથી તે મને સમજી શકે કે હું કેમ લોહી લેવા તૈયાર નથી. આખરે, એ સર્જને મારી ઇચ્છા પ્રમાણે ઑપરેશન કરવાનું વચન આપ્યું. આમ, ડૉક્ટરોના ખૂબ જ દબાણ હેઠળ પણ હું ઈશ્વરને વફાદાર રહ્યો.

બીજા એક પ્રસંગે ફરીથી મારે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું. મને પૌરુષગ્રંથિમાં (પ્રૉસ્ટેટ ગ્લૅન્ડ) ગૂમડું થયું હોવાથી, ઑપરેશનથી એ કઢાવવાની જરૂર હતી. ત્યારે રક્તસ્રાવને કારણે મારું અડધાથી પણ વધારે લોહી વહી ગયું હતું. આ વખતે મને ફરીથી ડૉક્ટરોને સમજાવવાની જરૂર પડી કે આટલું લોહી વહી ગયા છતાં હું કેમ લોહી નહીં લઉં. તેથી હૉસ્પિટલના ડૉક્ટરોએ મારા નિર્ણયને માન આપ્યું.

ડૉક્ટરોનું પણ વલણ બદલાયું

હું ઇંટરનેશનલ એસોસિએશન ઑફ બાયોથિકનો સભ્ય હોવાથી, ડૉક્ટરોમાં, હૉસ્પિટલના અને બીજા સરકારી અધિકારીઓમાં દર્દીઓના હક્ક પ્રત્યે તેઓનું વલણ બદલાયું છે. એ જોવાથી મને દિલમાં સંતોષ થાય છે. પહેલાં તો ડૉક્ટરો મોટા સત્તાધારી હોય એ રીતે વર્તતા. પરંતુ હવે તેઓનું વલણ બદલાયું છે. હવે તેઓ દર્દીને કેવી સારવાર લેવી જોઈએ, એના ફાયદા અને ગેરફાયદા પણ જણાવે છે. એટલું જ નહિ, પણ હવે તેઓ દર્દીની પસંદગી પ્રમાણે સારવાર આપે છે. પહેલાં ડૉક્ટરો માનતા કે યહોવાહના સાક્ષીઓનો ધર્મ ઝનૂની છે. તેથી તેઓને સારવાર ન આપવી જોઈએ. પરંતુ હવે તેઓ એવું માનતા નથી. તેઓ જાણે છે કે સાક્ષીઓ ફાયદા અને ગેરફાયદા વિષે સારી રીતે જાણકાર છે. તેથી તેઓના હક્કને ડૉક્ટરો માન આપે છે. મેડિકલ સેમિનાર અને ટીવીમાં પ્રોગ્રામ આપતા એક પ્રખ્યાત પ્રોફેસરે કહ્યું: ‘યહોવાહના સાક્ષીઓએ જે મહેનત કરી છે એ માટે તેમનો ઘણો આભાર. હવે અમે તેઓને સમજી શકીએ છીએ. અમે સાક્ષીઓ પાસેથી ઘણું શીખ્યા છીએ. અને તેઓએ અમને સુધારો કરવામાં ઘણી મદદ કરી છે.’

સાચે જ, દુનિયામાં જીવનથી વધારે મહત્ત્વનું કંઈ જ નથી. જો જીવન જ ન હોય તો, આઝાદી કે માનનો કોઈ અર્થ રહેતો નથી. હવે ઘણા માને છે કે દરેક વ્યક્તિને પોતાના જીવનનો હક્ક છે. તેમ જ, કોઈ ખાસ સંજોગોમાં વ્યક્તિ પોતે નિર્ણય લઈ શકે છે, એ તેઓનો હક્ક છે. તેઓ પોતે નક્કી કરી શકે છે કે શાને વધારે મહત્ત્વ આપવું જોઈએ. આમ, વ્યક્તિને પોતાને માન અને આઝાદી મળે છે. તેમ જ તે પોતાની ધાર્મિક માન્યતા પ્રમાણે નિર્ણય લઈ શકે છે. એનાથી વ્યક્તિના હાથમાં જીવન રહે છે. યહોવાહના સાક્ષીઓની હૉસ્પિટલ ઈન્ફોર્મેશન સર્વિસે ઘણા ડૉક્ટરોને આ બાબતમાં વધારે સમજણ મેળવવા ઘણી મદદ કરી છે.

મારા પરિવાર તરફથી મને ઘણી મદદ અને ટેકો મળ્યો છે. એના લીધે હું યહોવાહની સેવામાં ઘણું કરી શકું છું. તેમ જ, મંડળમાં હું એક વડીલ તરીકે સેવા આપું છું. મેં આગળ કહ્યું તેમ, મને હંમેશાં એ વાતનો અફસોસ રહે છે કે મને બાળપણથી યહોવાહ વિષે જાણવા મળ્યું હોત તો કેટલું સારું થાત! તોપણ, યહોવાહે મારી આંખો ખોલી એ માટે હું તેમનો ઘણો ઉપકાર માનું છું. હવે હું એ જોઈ શકું છું કે તેમના રાજ્યમાં કેવું સુંદર ભવિષ્ય હશે! ત્યારે “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.”—યશાયાહ ૩૩:૨૪. *

[ફુટનોટ્‌સ]

^ યહોવાહના સાક્ષીઓએ પ્રકાશિત કરેલ.

^ આ અનુભવ લખાઈ રહ્યો હતો ત્યારે ભાઈ એગૉન હાઉસરન ગુજરી ગયા. તે છેલ્લા શ્વાસ સુધી યહોવાહની સેવામાં અડગ હતા. એ જોઈને અમને આનંદ થાય છે.

[પાન ૨૪ પર ચિત્ર]

હું ત્રીસેક વર્ષની વયે સાન્ટા લુઈસા હૉસ્પિટલમાં ડૉક્ટર હતો ત્યારે

[પાન ૨૬ પર ચિત્ર]

મારી પત્ની બિટ્રીસ સાથે, ૧૯૯૫માં