સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈબ્રાહીમ અને સારાહ જેવો વિશ્વાસ રાખો!

ઈબ્રાહીમ અને સારાહ જેવો વિશ્વાસ રાખો!

ઈબ્રાહીમ અને સારાહ જેવો વિશ્વાસ રાખો!

બાઇબલ કહે છે કે ઈશ્વરભક્ત ઈબ્રાહીમ “વિશ્વાસીઓનો પૂર્વજ થાય.” (રૂમીઓને પત્ર ૪:૧૧) તેમની વહાલી પત્ની સારાહને પણ એવી જ શ્રદ્ધા હતી. (હેબ્રી ૧૧:૧૧) તેઓ કઈ રીતે વિશ્વાસમાં અડગ હતા? તેઓને કેવી તકલીફો સહન કરવી પડી? આપણે કઈ રીતે તેઓના અનુભવમાંથી લાભ મેળવી શકીએ? શા માટે આપણે તેઓ જેવા બનવું જોઈએ? ચાલો આપણે જોઈએ.

યહોવાહે ઈબ્રાહીમને કહ્યું: “તું તારો દેશ, તથા તારાં સગાં, તથા તારા બાપનું ઘર મૂકીને, જે દેશ હું તને દેખાડું તેમાં જા.” (ઉત્પત્તિ ૧૨:૧) ઈબ્રાહીમે એમ જ કર્યું, કેમ કે બાઇબલ કહે છે: “વિશ્વાસથી ઈબ્રાહીમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું, ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો; એટલે પોતે ક્યાં જાય છે, એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો.” (હેબ્રી ૧૧:૮) પરંતુ, શું તમે કદી વિચાર્યું છે કે ઘર છોડવામાં તેમણે શું કરવું પડ્યું હશે?

ઈબ્રાહીમ ઉરમાં રહેતા હતા જે આજે દક્ષિણ ઇરાકમાં છે. ઉર ખૂબ મોટું અને સમૃદ્ધ શહેર હતું. એ ઈરાની અખાત અને સિંધુના ખીણપ્રદેશ સાથે વ્યાપાર-વ્યવહાર કરતું હતું. લગભગ ૧૯૨૨માં લેનાર્ડ વુલીએ પ્રાચીન ઉરને શોધી કાઢ્યું. તે કહે છે કે ઈબ્રાહીમના દિવસોમાં મોટા ભાગના ઘરો ઈંટ અને પ્લાસ્ટરથી બનાવેલા હતા અને દીવાલો ધોળા રંગથી રંગેલી હતી. દાખલા તરીકે, ત્યાંના સુખી લોકો બે માળવાળા મોટા મકાનમાં રહેતા, જેની અંદર ચોક પણ હતો. નીચેનો માળ દાસો અને મહેમાનો માટે હતો અને ઉપરના માળે કુટુંબ રહેતું. ઉપરના માળે, દિવાલને ફરતે લાકડાની બાલ્કની પણ હતી. આ મકાનોમાં ૧૦થી ૨૦ રૂમ હતા. લેનાર્ડ વુલી કહે છે કે ‘એવા ઘરમાં ખાનદાન કુટુંબો રહેતા. તેઓ પાસે બહુ જગ્યા હતી. ખરેખર, આવા લોકો એશઆરામમાં જીવતા. વળી, એ શહેરમાં સુખ-સવલતોની બધી વસ્તુઓ મળી રહેતી.’ કદાચ ઈબ્રાહીમ અને સારાહ પણ આવા જ એક મોટા મકાનમાં રહ્યા હશે. પરંતુ, યહોવાહની આજ્ઞા પાળવા તેઓ મહેલમાંથી તંબુમાં રહેવા ગયા!

ઈબ્રાહીમ ૭૫ વર્ષના અને સારાહ ૬૫ વર્ષની હતી ત્યારે, તેઓ ઘર છોડીને લાંબી મુસાફરીએ ચાલી નીકળ્યા. પહેલા ઈબ્રાહીમ તેમના કુટુંબને હારાન લઈ ગયા, જે આજે ઉત્તર સીરિયામાં છે. પછી તેઓ કનાન દેશ ગયા. વિચાર કરો કે આ ઘરડા યુગલે લગભગ ૧,૬૦૦ કિલોમીટરની (૧૦૦૦ માઈલ) મુસાફરી કરી!—ઉત્પત્તિ ૧૨:૪.

જ્યારે ઈબ્રાહીમે સારાહને કહ્યું કે તેઓએ ઉર છોડીને તંબુમાં રહેવા જવું પડશે ત્યારે, સારાહને કેવું લાગ્યું હશે? કદાચ, તેને ઘણી ચિંતા થઈ હશે કે ‘આવું સરસ ઘર છોડીને હું તંબુમાં કઈ રીતે જીવી શકીશ? વળી, નવી નવી જગ્યામાં ખતરનાક લોકો હશે તો આપણું શું થશે?’ સારાહે ભલે ગમે એ વિચાર્યું હોય, તેણે ઈબ્રાહીમનો હુકમ માન્યો કેમ કે તે તેમને “સ્વામી” ગણતી હતી. (૧ પીતર ૩:૫, ૬) અમુક પંડિતો કહે છે કે ‘સારાહ ખાસ કરીને રિવાજને લીધે કે ઉપરછલ્લું જ માન આપતી ન હતી. તે દિલથી માન આપતી હતી.’ સારાહ ઈશ્વરભક્ત હતી, એટલે તે તેના પતિને માન આપતી હતી. આજની ખ્રિસ્તી પત્નીઓ માટે સારાહે કેવો સારો દાખલો બેસાડ્યો!

આજે આપણે યહોવાહની આજ્ઞા પાળવા માટે ઘર છોડવું પડતું નથી. પરંતુ, અનેક ભાઈ-બહેનો તેઓના ઘર કે દેશ છોડીને બીજા દેશમાં પ્રચાર કરવા જાય છે. ભલે આપણે ગમે ત્યાં પ્રચાર કરતા હોઈએ, એક બાબત સાચી છે. જો આપણે યહોવાહની ભક્તિ જીવનમાં પ્રથમ મૂકીએ તો, તે ચોક્કસ આપણું ધ્યાન રાખશે.—માત્થી ૬:૨૫-૩૩.

ઘર છોડવામાં ઈબ્રાહીમ અને સારાહને દુઃખ નહિ થયું હોય, કેમ કે પ્રેષિત પાઊલે કહ્યું: “જો તેઓએ ચાહ્યું હોત તો તેઓ આ જગતનાં સુખદાયક વાનાં તરફ પાછા ફરી શક્યા હોત.” પરંતુ, તેઓ પાછા ત્યાં ગયા નહિ. તેઓને પૂરી ખાતરી હતી કે જો તેઓ “ખંતથી” ઈશ્વરને શોધે, તો તે ચોક્કસ ‘તેઓને ફળ’ આપશે. જો આપણે દિલથી યહોવાહની ભક્તિ કરવી હોય, તો આપણને પણ એવી જ ખાતરી હોવી જોઈએ.—હેબ્રી ૧૧:૬, ૧૫, ૧૬, IBSI.

તેઓને ઘણા આશીર્વાદો મળ્યા

ઈબ્રાહીમ કનાન પહોંચ્યા એ પહેલાં, યહોવાહે તેમને કહ્યું: “હું તારા વંશજોને આ દેશ આપીશ.” એ સાંભળીને ઈબ્રાહીમે ત્યાં જ વેદી બનાવી અને “યહોવાહને નામે પ્રાર્થના કરી.” (ઉત્પત્તિ ૧૨:૭, ૮) ઈબ્રાહીમને ઘણા આશીર્વાદો મળ્યા. તે ખૂબ ધનવાન બન્યા અને તેમને ઘણા નોકર ચાકરો પણ હતા. એક વખત ઈબ્રાહીમે તેમના ભત્રીજાને બચાવવા માટે પોતાના નોકરોમાંથી ૩૧૮ માણસોને ભેગા કર્યા હતા. તેથી એક બાઇબલ કોશ કહે છે કે ઈબ્રાહીમ પાસે ‘એક હજારથી વધુ નોકર ચાકરો હતા.’ આ કારણના લીધે ઘણા લોકો તેમને “સરદાર” તરીકે ઓળખતા.—ઉત્પત્તિ ૧૩:૨; ૧૪:૧૪; ૨૩:૬.

ઈબ્રાહીમે તેમના પરિવારને “ન્યાય તથા ન્યાયકરણ કરવાને યહોવાહનો માર્ગ” પાળવાનું શિક્ષણ આપ્યું. (ઉત્પત્તિ ૧૮:૧૯) ઈબ્રાહીમની મહેનતથી તેમનું આખું કુટુંબ ઈશ્વરભક્ત બન્યા. ઘણી બાઇબલ કલમો બતાવે છે કે સારાહની દાસી હાગારે અને ઈબ્રાહીમના પુત્ર ઈસ્હાકે પણ વારંવાર પ્રાર્થના કરી. (ઉત્પત્તિ ૧૬:૫, ૧૩; ૨૪:૧૦-૧૪; ૨૫:૨૧) ખરેખર, ઈબ્રાહીમે પતિઓ અને પિતાઓ માટે ખૂબ સારો દાખલો બેસાડ્યો છે.

ઈબ્રાહીમે શાંતિ જાળવી રાખી

ઈબ્રાહીમના જીવનમાં અનેક કિસ્સાઓ બતાવે છે કે તે ખરેખર ઈશ્વરભક્ત હતા. દાખલા તરીકે, એક વખત ઈબ્રાહીમના ગોવાળિયાઓ, લોટના ગોવાળિયાઓ સાથે ઝઘડતા હતા. શાંતિ લાવવા માટે ઈબ્રાહીમે લોટને કહ્યું કે ‘તને જે વિસ્તાર પસંદ પડે ત્યાં તારા કુટુંબકબીલા સાથે અલગ થા.’ આમ, પોતાનું હિત શોધવાને બદલે ઈબ્રાહીમે શાંતિ જાળવી રાખી.—ઉત્પત્તિ ૧૩:૫-૧૩.

કદાચ આપણને પણ કોઈક વાર આવો નિર્ણય લેવો પડે? શું આપણે શાંતિ જાળવી રાખીશું કે પોતાના હક્ક માટે લડીશું? આપણે કદી ભૂલવું ન જોઈએ કે ભલે ઈબ્રાહીમે ભોગ આપ્યો, છતાં યહોવાહે તેમને ઘણા આશીર્વાદો આપ્યા. યહોવાહે તેમને કહ્યું કે ‘જે દેશ તું જુએ છે, તે બધો હું તને તથા તારા વંશજોને આપીશ.’ (ઉત્પત્તિ ૧૩:૧૪-૧૭) ઈસુએ કહ્યું કે “માણસોમાં શાંતિ સ્થાપનારને ધન્ય છે; ઈશ્વર તેઓને પોતાના પુત્રો કહેશે.”—માથ્થી ૫:૯, પ્રેમસંદેશ.

ઈબ્રાહીમનું સંતાન ક્યાંથી આવ્યું?

યહોવાહે સારાહને અનેક વચનો આપ્યા હતા કે તે મા બનશે. તોપણ, તે વાંઝણી રહી. તેથી ઈબ્રાહીમે યહોવાહને આ વિષે પ્રાર્થના કરી. બાળકો ન હોવાથી શું ઈબ્રાહીમનો દાસ અલીએઝેર વારસ બનવાનો હતો? ના, કેમ કે યહોવાહે ઈબ્રાહીમને કહ્યું કે એ માણસ “તારો વારસ નહિ થશે; પણ તારા પોતાના પેટનો જે થશે તેજ તારો વારસ થશે.”—ઉત્પત્તિ ૧૫:૧-૪.

તોપણ ૭૫ વર્ષની સારાહને બાળક થયા નહિ. તેથી તેણે આશા છોડી દીધી અને ઈબ્રાહીમને કહ્યું: “હવે જો, યહોવાહે મને જણવાથી અટકાવી છે; માટે મારી દાસી પાસે જા, કદાપિ તેનાથી હું છોકરાં પામીશ.” તેથી, ઈબ્રાહીમે હાગારને પત્ની તરીકે લીધી. થોડા સમય બાદ હાગારને ગર્ભ રહ્યો ત્યારે, તે સારાહને નફરત કરવા લાગી. આ વિષે સારાહે ઈબ્રાહીમને ખૂબ ફરિયાદ કરી. અરે, સારાહે હાગારને એટલું દુઃખ દીધું કે હાગાર ત્યાંથી નાસી ગઈ.—ઉત્પત્તિ ૧૬:૧-૬.

સંતાન મેળવવા માટે ઈબ્રાહીમે દિવસના રિવાજ પ્રમાણે એકથી વધુ પત્ની રાખી. પરંતુ, યહોવાહે વચન આપ્યું હતું કે તેમનું સંતાન સારાહમાંથી જ આવશે. કદાચ ઈબ્રાહીમના દિવસોના જેમ, આજે અમુક રિવાજો પાળવા ખોટું નથી, પણ યહોવાહ એ વિષે શું વિચારે છે? ઘણી વાર યહોવાહના વિચારો આપણા કરતાં સાવ જુદા હોય છે. તેથી, કોઈ પણ સંજોગમાં આપણે પ્રાર્થનામાં યહોવાહના માર્ગદર્શન માટે વિનંતી કરવી જોઈએ.—ગીતશાસ્ત્ર ૨૫:૪, ૫; ૧૪૩:૮, ૧૦.

યહોવાહ માટે કંઈ પણ કામ “અશક્ય” નથી

હાગાર દ્વારા ઈબ્રાહીમનો દીકરો ઈશ્માએલ જન્મ્યો. પરંતુ, યહોવાહે સંતાન વિષે જે વચન આપ્યું હતું એ સારાહના પેટમાંથી આવવાનું હતું. પછી ભલેને સારાહ ઘરડી થઈ ગઈ હતી.—ઉત્પત્તિ ૧૭:૧૫, ૧૬.

જ્યારે યહોવાહે ઈબ્રાહીમને કહ્યું કે તે પિતા બનશે ત્યારે તે “ઊંધો પડીને હસ્યો, ને મનમાં બોલ્યો, જે સો વર્ષનો તેને શું દીકરો થશે? અને નેવું વર્ષની સારાહ તે જણશે શું?” (ઉત્પત્તિ ૧૭:૧૭) તેમ જ જ્યારે દૂતે ફરી આ સંદેશો આપ્યો ત્યારે સારાહ સાંભળીને ‘મનમાં હસવા’ લાગી. એ સમાચાર સાંભળીને તેને ખૂબ ખુશી થઈ, પણ સાથે સાથે તે માની જ ન શકી કે પોતે મા બનવાની છે. પરંતુ, યહોવાહ માટે કંઈ પણ કામ “અશક્ય” નથી! તેથી આપણે ખાતરી રાખવી જોઈએ કે યહોવાહ જે કંઈ ઇચ્છે છે, એ ચોક્કસ કરશે.—ઉત્પત્તિ ૧૮:૧૨-૧૪.

“વિશ્વાસથી સારાહ પણ વૃદ્ધ થયા પછી ગર્ભ ધારણ કરવાને શક્તિમાન થઈ; કેમકે જેણે વચન આપ્યું હતું, તેને તેણે વિશ્વાસયોગ્ય ગણ્યો.” (હેબ્રી ૧૧:૧૧) યહોવાહના વચન પ્રમાણે સારાહ મા બની અને બાળકનું નામ ઈસ્હાક પાડ્યું, જેનો અર્થ ‘હસવું’ થાય છે.

ઈશ્વરના વચનો પર પૂરી શ્રદ્ધા રાખો

સંતાન માટે ઈબ્રાહીમ અને સારાહે ઘણાં વર્ષો રાહ જોઈ હતી. છેવટે યહોવાહે તેઓને ઈસ્હાક આપ્યો. (ઉત્પત્તિ ૨૧:૧૨) હવે વિચાર કરો કે યહોવાહે ઈબ્રાહીમને ઈસ્હાકનું બલિદાન કરવા કહ્યું ત્યારે ઈબ્રાહીમને કેવું લાગ્યું હશે? ભલે તેમને ચિંતા થઈ હશે, પણ તેમણે યહોવાહની આજ્ઞા પાળી. તેમને પૂરી શ્રદ્ધા હતી કે યહોવાહમાં એટલી શક્તિ છે કે તે મૂએલા ઈસ્હાકને ફરી સજીવન કરી શકે છે. (હેબ્રી ૧૧:૧૭-૧૯) વળી, તેમને પૂરી ખાતરી હતી કે જો યહોવાહ તેઓને બાળક આપી શકે, તો તેમના બીજા વચનો પણ ચોક્કસ સાચા પડશે. એટલે ઈબ્રાહીમ તેમના દીકરાનું બલિદાન કરવા નીકળ્યા. પરંતુ, યહોવાહના દૂતે તેમને બલિદાન ચઢાવતા રોક્યા. (ઉત્પત્તિ ૨૨:૧-૧૪) વિચાર કરો કે આ આખા બનાવમાં ઈબ્રાહીમને કેવું લાગ્યું હશે? હવે વિચારો કે યહોવાહે તેમનો “એકાકીજનિત દીકરો આપ્યો” જેથી “જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે,” ત્યારે તમને કેવું લાગ્યું?—યોહાન ૩:૧૬; માત્થી ૨૦:૨૮.

ઈબ્રાહીમ ઈશ્વરભક્ત હતા, એટલે તેમણે પોતાના દીકરાને કનાન દેશની કોઈ મૂર્તિપૂજક સાથે લગ્‍ન કરવા દીધા નહિ. તેમને ખબર હતી કે ઈસ્હાક ફક્ત યહોવાહના બીજા કોઈ ભક્ત સાથે જ લગ્‍ન કરી શકે. તેથી ઈબ્રાહીમે તેમના ચાકરને અરામ-નાહરાઈમ મોકલ્યો જેથી તે તેમના સગાં-વહાલાંમાંથી છોકરી શોધી શકે. આ શહેર લગભગ ૮૦૦ કિલોમીટર દૂર હતું. યહોવાહના માર્ગદર્શનથી ઈબ્રાહીમને ખબર પડી કે રિબકાહ ઈસ્હાકની પત્ની થશે અને મસીહ તેમના વંશમાંથી આવશે. ખરેખર, “યહોવાહે ઈબ્રાહીમને સર્વ વાતે આશીર્વાદ આપ્યો હતો.”—ઉત્પત્તિ ૨૪:૧-૬૭; માત્થી ૧:૧, ૨.

સર્વ પ્રજાઓ માટે આશીર્વાદો

ઈબ્રાહીમ અને સારાહે આપણા માટે સારો દાખલો બેસાડ્યો છે. તેઓ અનેક તકલીફોમાં પણ યહોવાહને વળગી રહ્યા અને તેમના વચનોમાં પૂરી શ્રદ્ધા રાખી. આ વચનો સર્વ મનુષ્યોને કાયમ માટે અસર કરે છે કેમ કે યહોવાહે ઈબ્રાહીમને કહ્યું હતું: “તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે; કેમકે તેં મારૂં કહ્યું માન્યું છે.”—ઉત્પત્તિ ૨૨:૧૮.

ઈબ્રાહીમ અને સારાહ આપણા જેવા જ હતા. તેઓમાં ખામીઓ હોવા છતાં, પૂરા દિલથી યહોવાહના માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા. ભલે તેઓએ અમુક ભોગ આપવો પડ્યો, તેઓ હંમેશાં યહોવાહને વળગી રહ્યા. તેથી શાસ્ત્ર કહે છે કે ઈબ્રાહીમ “દેવનો મિત્ર” હતા અને સારાહ ‘પવિત્ર સ્ત્રી’ હતી જે “દેવ પર આશા રાખતી હતી.” (યાકૂબ ૨:૨૩; ૧ પીતર ૩:૫) તેથી, ચાલો આપણે પણ ઈબ્રાહીમ અને સારાહની જેમ યહોવાહના મિત્ર બનીએ. પછી આપણને પણ ઈબ્રાહીમને આપેલા વચનોમાંથી ખૂબ આશીર્વાદો મળશે.—ઉત્પત્તિ ૧૭:૭.

[પાન ૨૬ પર ચિત્ર]

ઈબ્રાહીમ અને સારાહે યહોવાહ પર પૂરી શ્રદ્ધા રાખી, એટલે યહોવાહે તેઓને ઘડપણમાં પણ બાળક આપ્યું

[પાન ૨૮ પર ચિત્ર]

ઈબ્રાહીમના અનુભવમાંથી આપણે જોઈ શકીએ છીએ કે યહોવાહે પોતાના વહાલા દીકરાનું બલિદાન આપ્યું ત્યારે તેમને કેવું લાગ્યું હશે