કઈ રીતે સુખી જીવન મેળવી શકાય?
કઈ રીતે સુખી જીવન મેળવી શકાય?
અંગ્રેજીમાં એક કહેવત છે: “બધાને મોટા થવું છે પણ કોઈને વૃદ્ધ થવું ગમતું નથી.” ઘણા લોકો રિટાયર્ડ થયા પછી જવાબદારીઓથી મુક્ત થવાની અને પોતાની ઇચ્છા પૂરી કરવા સમય ગુજારવાની આકાંક્ષા રાખતા હોય છે. પરંતુ, તેઓને એવો ડર રહે છે કે, પોતે હવે સાવ નકામા થઈ જશે. તેઓને એકલા પડી જવાનો, દુઃખી થવાનો કે બીમાર પડવાનો પણ ડર લાગતો હોય છે.
તો પછી, સુખી જીવનની ચાવી શું છે? સારા મિત્રો અને પ્રેમાળ કુટુંબ. યુવાન હોય કે વૃદ્ધ, બધાને એનાથી સાચું સુખ મળે છે. પરંતુ, વૃદ્ધોના જીવનમાં ખુશીઓ ભરી દેવા બીજાઓ કંઈક કરે એ જ મહત્ત્વનું નથી. વૃદ્ધજનો બીજાઓ માટે કંઈક કરે એનાથી પણ તેઓને વધારે ખુશી મળે છે.
ચારસો ત્રેવીસ વૃદ્ધ યુગલો પર લાંબા સમય સુધી એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. એનાથી જોવા મળ્યું કે “બીજાઓને મદદ કરનારા સુખી હોય છે અને લાંબુ જીવે છે.” આ અભ્યાસ કરનાર સ્ટેફેની બ્રાઉન કહે છે: “આ બતાવે છે કે બીજાઓ સાથે સંબંધ રાખીને આપણે જે મેળવીએ છીએ એ જ લાભદાયી નથી; આપણે પોતે કંઈક આપીએ એ પણ મહત્ત્વનું છે.” કઈ રીતે મદદ આપી શકાય? ઘરકામમાં, બાળકોની સંભાળ રાખવામાં, બહાર કોઈ દોડાદોડી કરવામાં, કે પછી જરૂર પડ્યે કોઈના સુખ-દુઃખની વાત સાંભળીને પણ મદદ આપી શકાય.
લગભગ ૨,૦૦૦ વર્ષ પહેલાં ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) હા, સુખી જીવન માટે જરૂરી નથી કે તમારી પાસે પુષ્કળ પૈસા હોવા જોઈએ. તેમ જ એવું પણ નથી કે ખાસ કોઈ ખોરાક ખાવાથી લાંબુ જીવાય કે સુખી થવાય. ના, પણ બીજાઓ માટે તમારો સમય અને શક્તિ આપો તો, તમારું પોતાનું જીવન ખુશીઓથી ભરેલું રહેશે.
તેમ છતાં, એ હકીકત છે કે ગમે એમ કરીએ તોપણ, એક દિવસ બધાએ ઘડપણ, માંદગી અને મરણનો સામનો કરવાનો જ છે. ફક્ત પરમેશ્વરનું રાજ્ય જ એમાંથી છુટકારો અપાવી શકે છે. હા, તેમના રાજ્યમાં કોઈ બીમાર નહિ પડે, તેમ જ ‘કોઈ મરશે પણ નહિ.’ (પ્રકટીકરણ ૨૧:૩, ૪; યશાયાહ ૩૩:૨૪) પરમેશ્વરનો ડર રાખીને ચાલતા સર્વ મનુષ્યો પછી સુંદર પૃથ્વી પર સદા માટે રહેશે. ત્યાં સુખ-શાંતિનો પાર નહિ હોય. (લુક ૨૩:૪૩) યહોવાહના સાક્ષીઓ બધાને હંમેશનું સુખી જીવન મેળવવા બાઇબલમાંથી આશા આપે છે.