સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે ઈશ્વરની કૃપા પામી શકો!

તમે ઈશ્વરની કૃપા પામી શકો!

તમે ઈશ્વરની કૃપા પામી શકો!

શું આપણે સાચે જ ઈશ્વરને ખુશ કરી શકીએ? શું ખરેખર ઈશ્વર આનંદ માણી શકે? “ઘણા માને છે કે ઈશ્વર ફક્ત શક્તિ જ છે.” એમ હોય તો, શું શક્તિ આનંદ માણી શકે? એ તો શક્ય જ નથી. પણ હવે જુઓ કે ઈશ્વર વિષે બાઇબલ શું કહે છે.

ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું કે “ઈશ્વર આત્મા છે.” (યોહાન ૪:૨૪, IBSI) એનો એવો અર્થ થતો નથી કે તે માણસ જેવા છે. જોકે આપણે કોઈ પણ રીતે તેમને જોઈ શકતા નથી. તેમ છતાં બાઇબલ કહે છે કે તેમનું શરીર છે. (૧ કોરીંથી ૧૫:૪૪; યોહાન ૧:૧૮) આપણે સમજી શકીએ એ રીતે બાઇબલમાં ઈશ્વર વિષે લખવામાં આવ્યું છે. જેમ કે ઈશ્વરને આંખો છે, કાન છે, હાથ છે, વગેરે વગેરે. * ઈશ્વરને પોતાનું નામ પણ છે. તેમનું નામ યહોવાહ છે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) પરંતુ ઈશ્વરનું આત્મિક શરીર હોવાથી, આપણે તેમને જોઈ શકતા નથી. (હેબ્રી ૯:૨૪) “ઈશ્વર, જીવંત ઈશ્વર અને સનાતન રાજા છે.”—યર્મિયા ૧૦:૧૦, IBSI.

યહોવાહ ઈશ્વર જીવંત હોવાથી વિચારી શકે છે અને પોતાની મરજી પ્રમાણે ધાર્યું કરી શકે છે. ઈશ્વરને આપણા જેવા ગુણો અને લાગણીઓ છે. તેમ જ તેમને ઘણી વસ્તુઓ પસંદ છે અને ઘણી પસંદ નથી. ઈશ્વરને શું પસંદ છે અને શું નથી એના વિષે બાઇબલમાં ઘણું જ જણાવવામાં આવ્યું છે. જોકે માણસે બનાવેલી મૂર્તિઓ એના બનાવનાર જેવી દેખાય છે. પરંતુ યહોવાહ એવા નથી. એનું કારણ કે ઈશ્વરે ઇન્સાનને બનાવ્યો છે. તેમણે પોતે ઇન્સાનમાં પોતાના જેવા ગુણો અને લાગણીઓ મૂકી છે.—ઉત્પત્તિ ૧:૨૭; યશાયાહ ૪૪:૭-૧૧.

બાઇબલ જણાવે છે કે યહોવાહ આનંદી છે. તે સૃષ્ટિના સરજનહાર છે. એટલું જ નહિ, તે પોતાના હેતુઓ પૂરા કરવામાં આનંદ માણે છે. તે કહે છે: “મારા સર્વ મનોરથો હું પૂરા કરીશ; . . . હું બોલ્યો છું, અને તે પાર પણ પાડીશ; મેં ધારણા કરી છે, તે હું પૂરી કરીશ. (યશાયાહ ૪૬:૯-૧૧) ગીતશાસ્ત્રના એક કવિએ ગાયું: ‘પોતાનાં સર્વ કામોથી યહોવાહ આનંદ પામે છે.’ (ગીતશાસ્ત્ર ૧૦૪:૩૧) બીજા શાનાથી યહોવાહને આનંદ થાય છે? યહોવાહ કહે છે: “મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ.” (નીતિવચનો ૨૭:૧૧) આપણે હા, આપણે ઈશ્વરને રીઝવી શકીએ છીએ એનો જરા વિચાર કરો!

આપણે કેવી રીતે ઈશ્વરને પ્રસન્‍ન કરી શકીએ?

નુહ પોતાના કુટુંબના વડા હતા. બાઇબલ જણાવે છે કે “નુહ યહોવાહની દૃષ્ટિમાં કૃપા પામ્યો.” તેમણે એવું શું કર્યું હતું જેનાથી યહોવાહ તેમના પર પ્રસન્‍ન થયા? એનું કારણ એ હતું કે “પોતાના જમાનામાં નુહ ન્યાયી તથા સીધો માણસ હતો.” જ્યારે કે બીજા લોકો અતિશય દુષ્ટ હતા. વધુમાં, નુહને યહોવાહમાં ખૂબ જ શ્રદ્ધા હતી. તેમ જ તે ઈશ્વરના કહ્યામાં રહ્યા. તેથી એમ કહેવામાં આવે છે કે “નુહ દેવની સાથે ચાલતો” હતો. (ઉત્પત્તિ ૬:૬, ૮, ૯, ૨૨) “નુહે ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારૂ વહાણ તૈયાર કર્યું.” (હેબ્રી ૧૧:૭) આ કારણે યહોવાહ નુહ પર પ્રસન્‍ન હતા. તેથી નુહને અને તેમના કુટુંબને સૌથી આકરા સમયમાંથી તેમણે બચાવ્યા.

એવી જ રીતે ઈબ્રાહીમ પણ યહોવાહના પાકા ભક્ત હતા. તેથી તે યહોવાહનું મન સારી રીતે જાણતા હતા. એ સમયમાં સદોમ અને ગમોરાહના લોકોનાં કામ અતિશય ભૂંડા હતાં. તેથી યહોવાહ તેઓનો નાશ કરવાના હતા. પરંતુ એમ કરતા પહેલાં તેમણે ઈબ્રાહીમને એના વિષે જણાવ્યું. ઈબ્રાહીમને ખબર હતી કે યહોવાહ એક પણ ન્યાયી વ્યક્તિનો એમાં નાશ થવા દેશે નહિ. (ઉત્પત્તિ ૧૮:૧૭-૩૩) વર્ષો પછી યહોવાહે ઈબ્રાહીમના વિશ્વાસની કસોટી કરી. કેવી રીતે? યહોવાહે ઈબ્રાહીમને કહ્યું કે ‘ઈસહાકનું બલિદાન કર.’ તો ઈબ્રાહીમે શું કર્યું? ત્યારે તે ‘ઈસહાકનું બલિદાન કરવા તૈયાર થઈ ગયા.’ કેમ કે “તેને એવો વિશ્વાસ હતો કે ઈસહાક મરણ પામશે તોપણ ઈશ્વર તેને સજીવન કરશે.” (હિબ્રૂ ૧૧:૧૭-૧૯, IBSI; ઉત્પત્તિ ૨૨:૧-૧૮) ઈબ્રાહીમને ઈશ્વરમાં ખૂબ જ શ્રદ્ધા હતી. એટલું જ નહિ પણ તે યહોવાહની પસંદગી વિષે સારી રીતે જાણકાર હતા. તેથી તે તેમના કહ્યા પ્રમાણે જ કરતા. એ કારણથી “તેને દેવનો મિત્ર કહેવામાં આવ્યો.”—યાકૂબ ૨:૨૩.

તેમના જેવા જ બીજા એક ઈશ્વર ભક્ત હતા. તે હતા પ્રાચીન ઈસ્રાએલના રાજા દાઊદ. તેમના વિષે યહોવાહે આમ કહ્યું: “મારો મનગમતો એક માણસ, એટલે યિશાઈનો દીકરો દાઊદ, મને મળ્યો છે; તે મારી બધી ઇચ્છા પૂરી કરશે.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૨૨) તેમને પણ યહોવાહમાં ખૂબ જ શ્રદ્ધા હતી. તેથી તે પલિસ્તીઓના રાક્ષસ જેવા ગોલ્યાથ સામે લડવા ગયા, એ પહેલાં તેમણે ઈસ્રાએલના શાઊલ રાજાને આમ કહ્યું: “જે યહોવાહે તે સિંહ તથા રીંછના પંજામાંથી મને બચાવ્યો હતો, તે આ પલિસ્તીના હાથમાંથી પણ મને બચાવશે.” દાઊદને ઈશ્વરમાં એટલો ભરોસો હોવાથી યહોવાહે ગોલ્યાથને તેમના હાથમાં સોંપ્યો. (૧ શમૂએલ ૧૭:૩૭, ૪૫-૫૪) દાઊદ પોતાના વર્તનથી જ રાજી ન હતા. પરંતુ તે ઇચ્છતા હતા કે પોતાના ‘મુખના શબ્દો તથા હૃદયના વિચારો યહોવાહની આગળ માન્ય થાય.’—ગીતશાસ્ત્ર ૧૯:૧૪.

આપણા વિષે શું? યહોવાહ આપણા પર પ્રસન્‍ન થાય એ માટે આપણે શું કરવું જોઈએ? આપણે શીખતા રહેવું જોઈએ કે યહોવાહને શું પસંદ છે અને શું નથી. એમ કરવાથી જે ખરું છે એ જ આપણે કરીશું અને તેમની કૃપા પામીશું. આપણે બાઇબલ વાંચીએ ત્યારે ઈશ્વરની લાગણીઓ પારખતા શીખવું જોઈએ. એ સૌથી મહત્ત્વનું છે. એમ કરવાથી આપણે ઈશ્વરના જ્ઞાન, સમજણ અને બુદ્ધિમાં ભરપૂર થઈશું. એમ કરીને આપણે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે અંત સુધી જીવવા શક્તિમાન બનીશું. (કોલોસી ૧:૯, ૧૦) આમ, એ જ્ઞાનથી દિવસે દિવસે ઈશ્વર પરની આપણી શ્રદ્ધા દૃઢ થતી જશે, અને એ ખૂબ જરૂરી છે. કેમ કે “કોઈ વ્યક્તિ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્‍ન કરી શકતી નથી.” (હિબ્રૂ ૧૧:૬, પ્રેમસંદેશ) જો આપણે પોતાનો વિશ્વાસ દૃઢ કરવા સખત પ્રયત્ન કરતા રહીશું, અને જે શીખીએ એ જીવનમાં ઉતારીશું તો એનાથી યહોવાહના દિલને ચોક્કસ આનંદ થશે. એ જ સમયે આપણે એવું કંઈ ન કરવું જોઈએ જેનાથી તેમને દુઃખ પહોંચે.

ઈશ્વરને દુઃખ ન પહોંચાડો

આપણે કઈ રીતે કહી શકીએ કે ઈશ્વરને દુઃખ પહોંચી શકે? નુહના જમાનામાં જે થયું એના પરથી આપણને એ જોવા મળે છે. એ સમયમાં “પૃથ્વી જુલમથી ભરપૂર હતી. અને દેવે પૃથ્વી પર જોયું, તો જુઓ, તે દુષ્ટ હતી; કેમકે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કરી હતી.” એ જોઈને ઈશ્વરને કેવું લાગ્યું? બાઇબલ જણાવે છે: “યહોવાહે પૃથ્વી પર માણસને ઉત્પન્‍ન કર્યું, તેનો તેને પશ્ચાત્તાપ થયો, ને હૃદયમાં તે ખેદિત થયો.” (ઉત્પત્તિ ૬:૫, ૬, ૧૧, ૧૨) માણસની ભૂંડાઈ જોઈને ઈશ્વરના દુઃખનો પાર ન રહ્યો. તેથી તેમણે તેઓ તરફથી પોતાનું મોં ફેરવી લીધું. આમ, તે સૃષ્ટિના સરજનહારમાંથી સંહારક બન્યા.

પ્રાચીન ઈસ્રાએલીઓ યહોવાહની પસંદ કરાએલી પ્રજા હતી. તેમ છતાં, તેઓ તેમના માર્ગે ચાલતા ન હતા ત્યારે તેમને ખૂબ જ દુઃખ થયું. તેથી ગીતશાસ્ત્રના એક કવિએ નિસાસા નાખતા ગીત લખ્યું: “તેઓએ કેટલી વાર અરણ્યમાં તેની સામે ફિતૂર ઉઠાવ્યું; અને રાનમાં તેને દુઃખી કર્યો! તેઓએ પાછા હઠીને દેવની પરીક્ષા કરી, અને ઈસ્રાએલના પવિત્ર દેવને માઠું લગાડ્યું.” તેમ છતાં “તે પૂર્ણ રહેમી હોવાથી તેણે તેઓનું પાપ માફ કર્યું, અને તેઓનો નાશ કર્યો નહિ; હા, વારંવાર તેણે પોતાનો કોપ શમાવ્યો, અને પોતાનો રોષ પૂરો સળગાવ્યો નહિ.” (ગીતશાસ્ત્ર ૭૮:૩૮-૪૧) બેવફા ઈસ્રાએલીઓને પોતાના પાપને લીધે દુઃખ ભોગવતા જોઈને યહોવાહને કેવું લાગતું? બાઇબલ કહે છે: ‘તેમનાં સર્વ દુઃખમાં યહોવાહ દુઃખી થતા.’—યશાયાહ ૬૩:૯.

ઈસ્રાએલીઓએ અનેક વાર યહોવાહનો કોમળ પ્રેમ અનુભવ્યો હતો. તેમ છતાં “તેઓએ દેવના ખેપિયાઓને મશ્કરીમાં ઉડાવ્યા, તેનાં વચનોનો અને પ્રબોધકોનો તિરસ્કાર કર્યો, તેથી યહોવાહને પોતાના લોક ઉપર એટલો બધો ક્રોધ ચઢ્યો, કે કંઈ જ ઉપાય રહ્યો નહિ.” (૨ કાળવૃત્તાંત ૩૬:૧૬) તેઓ વારંવાર ઈશ્વર સાથે એવું વર્તન કરતા હોવાથી છેવટે “તેના પવિત્ર આત્માને ખિન્‍ન કર્યો.” તેથી તેઓએ યહોવાહની કૃપા ગુમાવી. (યશાયાહ ૬૩:૧૦) એનું શું પરિણામ આવ્યું? ઈશ્વરે તેઓ પરથી પોતાનું રક્ષણ લઈ લીધું. તેથી બાબેલોનના રાજાએ આવીને યહુદાહ અને યરૂશાલેમનો વિનાશ કર્યો. (૨ કાળવૃત્તાંત ૩૬:૧૭-૨૧) લોકો પાપી માર્ગે જઈને ઈશ્વરને દુઃખ પહોંચાડે એ કેટલું દુઃખદ કહેવાય!

બાઇબલ પૂરતો પુરાવો આપે છે કે આપણા ખરાબ વર્તનથી ઈશ્વરને ખૂબ જ દુઃખ થાય છે. (ગીતશાસ્ત્ર ૭૮:૪૧) તો સવાલ થાય છે કે કેવી બાબતો યહોવાહ ધિક્કારે છે? એ છે અભિમાન, જૂઠાણું, ખૂન ખરાબી, દરેક પ્રકારની મેલી વિદ્યા, જોશ જોવા, પૂર્વજોની ભક્તિ કરવી, વ્યભિચારી જીવન, સજાતીય સંબંધ, લગ્‍નસાથી સાથે બેવફાઈ, કુટુંબ કે નજીકના સગા સાથે જાતીય સંબંધ રાખવો અને ગરીબો પર જુલમ કરવો.—લેવીય ૧૮:૯-૨૯; ૧૯:૨૯; પુનર્નિયમ ૧૮:૯-૧૨; નીતિવચનો ૬:૧૬-૧૯; યિર્મેયાહ ૭:૫-૭; માલાખી ૨:૧૪-૧૬.

તો મૂર્તિપૂજા વિષે યહોવાહને કેવું લાગે છે? એના વિષે નિર્ગમન ૨૦:૪, ૫ કહે છે: “તું તારે સારૂ કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની તળેનાં પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર; તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર.” કેમ નહિ? કેમ કે મૂર્તિ યહોવાહની ‘નજરમાં અમંગળ છે.’ (પુનર્નિયમ ૭:૨૫, ૨૬) એના વિષે પ્રેષિત યોહાને ચેતવણી આપી: “મારાં બાળકો, સાવધ રહીને મૂર્તિઓથી દૂર રહો.” (૧ યોહાન ૫:૨૧) તેમ જ પાઊલે પણ લખ્યું: “મારા વહાલાઓ, મૂર્તિપૂજાથી નાસી જાઓ.”—૧ કોરીંથી ૧૦:૧૪.

એવી રીતે જીવો કે ઈશ્વરની કૃપા પામો

ઈશ્વર ‘ન્યાયીઓ સાથે મિત્રતા રાખે છે.’ તેમ જ “સારા લોકોને લીધે તેમને આનંદ થાય છે.” (નીતિવચનો ૩:૩૨; ૧૧:૨૦, IBSI) પરંતુ જેઓ જાણીજોઈને યહોવાહ વિરુદ્ધ પાપ કરીને તેમને દુઃખ પહોંચાડે છે તેઓ ઈશ્વરનો કોપ લણશે. (૨ થેસ્સાલોનીકી ૧:૬-૧૦) આજે આખી દુનિયામાં જે દુષ્ટતા ફેલાઈ રહી છે એનો તે બહુ જ જલદી અંત લાવશે.—ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧; સફાન્યાહ ૨:૨, ૩.

બાઇબલ જણાવે છે કે “કોઈનો નાશ ન થાય પણ સઘળાં પશ્ચાત્તાપ કરે” એવું યહોવાહ ચાહે છે. (૨ પીતર ૩:૯) જેઓ રાજીખુશીથી તેમની સેવા કરવા ચાહતા નથી તેઓને તે ઉતાવળે સજા કરવા ઇચ્છતા નથી. એના બદલે તે પોતાના પ્રિય સેવકોને પ્રેમ બતાવવા દોડી જાય છે. યહોવાહ કહે છે કે “દુષ્ટ માણસના મોતથી મને કંઈ આનંદ થતો નથી; પણ દુષ્ટ પોતાનાં દુરાચરણથી ફરે, અને જીવતો રહે એમાં મને આનંદ થાય છે.”—હઝકીએલ ૩૩:૧૧.

તેથી યહોવાહ એવું ઇચ્છતા નથી કે આપણે પોતાના પર તેમનો કોપ ઓઢી લઈએ. “પ્રભુ [યહોવાહ] ઘણો દયાળુ તથા કૃપાળુ છે.” (યાકૂબ ૫:૧૧) તેથી ચાલો આપણે ઈશ્વરના અપાર પ્રેમમાં પૂરો ભરોસો રાખીને ‘આપણી સર્વ ચિંતા તેના પર નાખીએ, કેમકે તે આપણી સંભાળ રાખશે.’ (૧ પીતર ૫:૭) એ ભૂલશો નહિ કે જેઓ ઈશ્વરના દિલને આનંદ પહોંચાડે છે તેઓ તેમની કૃપા પામશે અને તેમના દિલોજાન મિત્ર બની શકશે. તેથી “પ્રભુને [યહોવાહને] પસંદ પડતું શું છે,” તે આજે પારખવું ખૂબ મહત્ત્વનું છે.—એફેસી ૫:૧૦.

આપણે પાપી હોવા છતાં યહોવાહે આપણને તેમના ગુણો પ્રગટ કર્યા છે એ કેટલું અજોડ કહેવાય! હવે યહોવાહને ખુશ કરવા કે નહિ એ તમારા હાથમાં છે. જો તમે ચાહો તો સહેલાઈથી તેમના દિલને આનંદ પહોંચાડી શકો. જો તમે એમ કરવા ચાહતા હોવ તો અમારી વિનંતી છે કે જેણે તમને આ મેગેઝિન આપી તેઓને મળો. તેઓ તમને ખુશીથી જણાવશે કે ઈશ્વરની કૃપા પામવા તમારે શું કરવું જોઈએ.

[ફુટનોટ]

^ “બાઇબલ કેમ ઈશ્વરનું માણસ જેવું વર્ણન કરે છે?” એ બૉક્સ જુઓ.

[પાન ૭ પર બોક્સ]

બાઇબલ કેમ ઈશ્વરનું માણસ જેવું વર્ણન કરે છે?

“ઈશ્વર આત્મા” હોવાથી આપણે તેમને જોઈ શકતા નથી. (યોહાન ૪:૨૪, IBSI) એ કારણથી આપણે સમજી શકીએ એવા ઉદાહરણથી બાઇબલમાં ઈશ્વર વિષે લખવામાં આવ્યું છે. પરંતુ એનો એવો અર્થ નથી કે ઈશ્વર ઇન્સાન જેવા છે. ખરું કે ઈશ્વર કેવા દેખાય છે એ વિષે કોઈ જાણતું નથી. તેમ છતાં બાઇબલ જણાવે છે કે જાણે ઈશ્વરની આંખો, કાન, હાથ, આંગળીઓ, પગ અને દિલ પણ છે.—ઉત્પત્તિ ૮:૨૧; નિર્ગમન ૩:૨૦; ૩૧:૧૮; અયૂબ ૪૦:૯; ગીતશાસ્ત્ર ૧૮:૯; ૩૪:૧૫.

એનો એવો અર્થ નથી કે ઈશ્વરનું શરીર પણ ઇન્સાન જેવું જ છે. એ તો આપણે સમજી શકીએ એ માટે એમ લખવામાં આવ્યું છે. એ રીતે જો લખવામાં ન આવ્યું હોત તો આપણે તેમને કેવી રીતે સમજી શકત? તેમ છતાં એનો એવો અર્થ નથી કે યહોવાહના ભક્તોએ તેમના ગુણો બનાવી કાઢ્યા છે. બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે ઇન્સાનને બનાવવામાં આવ્યો છે, નહિ કે માણસના સ્વરૂપ પ્રમાણે ઈશ્વરને બનાવવામાં આવ્યા છે. (ઉત્પત્તિ ૧:૨૭) ઈશ્વરે બાઇબલ લખવા તેમના ભક્તોના દિલમાં પોતાના વિચારો મૂક્યા હતા. તેથી તેઓએ ઈશ્વરના ગુણો અને સ્વભાવ વિષે બાઇબલમાં ખરું વર્ણન કર્યું છે. તેમ જ તેમણે આપણા દરેકમાં ઓછા-વધુ પ્રમાણમાં અમુક અંશે તેમના જેવા ગુણો મૂક્યા છે. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) તેથી આપણે કહી શકીએ કે ઈશ્વરમાં આપણા જેવા ગુણો નથી. પણ આપણામાં તેમના જેવા ગુણો છે.

[પાન ૪ પર ચિત્ર]

નુહ ઈશ્વરની નજરમાં કૃપા પામ્યા

[પાન ૫ પર ચિત્ર]

ઈબ્રાહીમ ઈશ્વરનું મન જાણતા હતા

[પાન ૬ પર ચિત્ર]

યહોવાહમાં દાઊદને પૂરી શ્રદ્ધા હતી

[પાન ૭ પર ચિત્ર]

બાઇબલ વાંચવાથી તમે શીખી શકશો કે ઈશ્વરની કૃપા કેવી રીતે પામી શકાય

[પાન ૪ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Courtesy of Anglo-Australian Observatory, photograph by David Malin