સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહના ભક્તોનું જીવન ઘડપણમાં પણ સુખી

યહોવાહના ભક્તોનું જીવન ઘડપણમાં પણ સુખી

યહોવાહના ભક્તોનું જીવન ઘડપણમાં પણ સુખી

“જેઓને યહોવાહના મંદિરમાં રોપવામાં આવેલા છે, તેઓ આપણા દેવનાં આંગણાંમાં ખીલી રહેશે. તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે.”—ગીતશાસ્ત્ર ૯૨:૧૩, ૧૪.

૧. ઘરડા લોકો વિષે ઘણા શું વિચારે છે?

 યહોવાહ પરમેશ્વર તેમના એકેએક ભક્તને ચાહે છે. જેઓ વૃદ્ધ થઈ ગયા છે તેઓને પણ ખૂબ ચાહે છે. પણ બીજી બાજુ, આજે દુનિયામાં વૃદ્ધોની શું હાલત છે? દર વર્ષે એકલા અમેરિકામાં જ લગભગ પાંચ લાખ વૃદ્ધ લોકો બીચારા દુઃખી હાલતમાં રિબાતા હોય છે. તેઓનો કોઈ ભાવ પણ પૂછતું નથી. અરે, અમેરિકા તો શું આખી દુનિયામાં વૃદ્ધ લોકોને આ રીતે હેરાન કરવામાં આવે છે. એક સંસ્થા એનું કારણ જણાવે છે: “આજકાલની પેઢી એવું માને છે કે ઘરડા લોકો તો કંઈ કામના નથી અને તેઓને બીજાઓ પર નભવું પડે છે.”

૨. (ક) યહોવાહ તેમના ઘરડા ભક્તોને કઈ રીતે જુએ છે? (ખ) ગીતશાસ્ત્ર ૯૨:૧૨-૧૫માં કેવા સુંદર વિચારો છે?

પરંતુ યહોવાહ તેમના ઘરડા ભક્તોનું ખૂબ જ ધ્યાન રાખે છે. યહોવાહ માણસનું શરીર કેવું છે એ નથી જોતા, પણ દિલ જુએ છે. એટલે કે તે આપણું “આંતરિક જીવન” જુએ છે. (૨ કોરીંથી ૪:૧૬, IBSI) બાઇબલમાં આપણે યહોવાહના પ્રેમાળ વિચારો જોઈ શકીએ છીએ. એ જણાવે છે: “ન્યાયી માણસ તાડની [અથવા ખજૂરીની] પેઠે ખીલશે; તે લબાનોનના દેવદારની પેઠે વધશે. જેઓને યહોવાહના મંદિરમાં રોપવામાં આવેલા છે, તેઓ આપણા દેવનાં આંગણાંમાં ખીલી રહેશે. તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે, તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે; જેથી યહોવાહ યથાર્થી માલૂમ પડે.” (ગીતશાસ્ત્ર ૯૨:૧૨-૧૫) આ કલમો વિષે વધુ શીખવાથી તમે જાણી શકશો કે તમે મંડળમાં ખૂબ ઉપયોગી છો અને બધાને ખૂબ જ વહાલા છો.

“ઘડપણમાં પણ ફળદાયક” થાવ

૩. (ક) ઈશ્વરભક્તોને શા માટે ખજૂરીના ઝાડ સાથે સરખાવવામાં આવે છે? (ખ) ખજૂરીની જેમ, કઈ રીતે ‘ઘડપણમાં ફળ આપી શકાય’?

ગીતશાસ્ત્રના એક કવિ ઈશ્વરભક્તને ખજૂરીની સાથે સરખાવે છે, જેને યહોવાહના મંદિરમાં રોપવામાં આવતી હતી. તેઓ ‘ઘડપણમાં પણ ફળદાયક’ થાય છે. બીજું એક બાઇબલ જણાવે છે: “તેઓ મોટી ઉંમરે પણ પોતાના ફળ આપશે.” ( IBSI ) શું એ જાણીને તમારું દિલ ખુશ થતું નથી? બાઇબલ લખવામાં આવ્યું એ દેશોમાં ખજૂરીનાં ઝાડ ઘણી જગ્યાએ ઊગતા. ખજૂરી દેખાવમાં તો સુંદર હોય છે. એ અઢળક ખજૂર પણ આપે છે. અમુક ખજૂરી તો સોએક વર્ષો સુધી * ખજૂર આપ્યા કરે છે. તમે પણ ખજૂરીની જેમ તમારી ભક્તિનાં મૂળિયા ઊંડાં રોપી શકો, અને “સર્વ સારાં કાર્યો કરવામાં તમારું જીવન ફળદાયી” બનાવી શકો.—કોલોસી ૧:૧૦, પ્રેમસંદેશ.

૪, ૫. (ક) યહોવાહના ભક્તોએ કેવા ફળ પેદા કરવા જોઈએ? (ખ) ઘડપણમાં યહોવાહની ભક્તિ કરી હોય એવા દાખલા બાઇબલમાંથી આપો.

યહોવાહ ચાહે છે કે તેમના સર્વ ભક્તો ‘હોઠોના ફળ’ પેદા કરે. એટલે કે તેઓ યહોવાહ વિષે બોલે. (હેબ્રી ૧૩:૧૫) શું આ ઘડપણમાં પણ થઈ શકે? હા, કેમ નહિ.

ઘડપણમાં ઘણાએ હિંમતથી યહોવાહની ભક્તિ કરી હતી. તેઓના દાખલા બાઇબલમાં જોવા મળે છે. મુસાનો વિચાર કરો. તે લગભગ “સિત્તેર” વર્ષના હતા ત્યારે યહોવાહે તેમને પ્રબોધક બનવાનું કહ્યું. (ગીતશાસ્ત્ર ૯૦:૧૦; નિર્ગમન ૪:૧૦-૧૭) મોટી ઉંમરે દાનીયેલે પણ હિંમતથી જણાવ્યું, કે યહોવાહ એકલા જ સર્વોપરી પરમેશ્વર છે. રાજા બેલ્શાસ્સારે એ સમયે તેમને મહેલની દીવાલ પરનું લખાણ પારખવા બોલાવ્યા ત્યારે, દાનીયેલ લગભગ નેવું વર્ષના હતા. (દાનીયેલ, પાંચમો અધ્યાય) પ્રેષિત યોહાન પણ મોટી ઉંમરના હતા. તેમણે વર્ષો સુધી યહોવાહની ભક્તિ કરી. છેવટે ઢળતી ઉંમરે તેમને પાત્મસ ટાપુ પર કેદી તરીકે રાખવામાં આવ્યા. એ હાલતમાં પણ તે “દેવના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે” બોલવા તૈયાર હતા. (પ્રકટીકરણ ૧:૯) મોટી ઉંમરે “હોઠોના ફળ” પેદા કર્યા હોય એવા બીજા ઘણા દાખલા તમે બાઇબલમાંથી યાદ કરી શકો.—૧ શમૂએલ ૮:૧, ૧૦; ૧૨:૨; ૧ રાજાઓ ૧૪:૪, ૫; લુક ૧:૭, ૬૭-૭૯; ૨:૨૨-૩૨.

૬. યહોવાહે આ છેલ્લા દિવસોમાં વૃદ્ધ ભક્તોને કયો લહાવો આપ્યો છે?

પ્રબોધક યોએલની ભવિષ્યવાણીનો ઉલ્લેખ કરતા પીતરે કહ્યું: ‘દેવ કહે છે, કે છેલ્લા દિવસોમાં હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ. અને તમારા વૃદ્ધો પ્રબોધ કરશે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૭, ૧૮; યોએલ ૨:૨૮) એ જ રીતે આ છેલ્લા દિવસોમાં યહોવાહે તેમનું સત્ય ફેલાવવા, મોટી ઉંમરના અભિષિક્તો અને પૃથ્વી પર રહેવાની આશા રાખે છે તેઓનો સાથ લીધો છે. (યોહાન ૧૦:૧૬) એમાંના અમુક વૃદ્ધ ભાઈ-બહેનો તો વર્ષોથી યહોવાહની સેવા કરે છે.

૭. ઘડપણમાં બહુ થઈ ન શકે છતાં કઈ રીતે યહોવાહના કેટલાક ભક્તો પ્રચાર કરે છે?

સોનિયાબહેને ૧૯૪૧થી પાયોનિયરીંગ શરૂ કર્યું. તે લાંબા સમય સુધી બીમાર હતા ત્યારે પણ ઘરે બેઠા લોકો સાથે બાઇબલનો અભ્યાસ કરતા. તે કહેતા: “પ્રચાર કરવો, એ તો મારા લોહીમાં છે. હું એ કદી બંધ નહિ કરું.” થોડા વખત પહેલાં, સોનિયાબહેન અને તેમના મોટા બહેન ઓલિવ, એક હૉસ્પિટલમાં જેનેટબહેનને મળ્યા, જે બહુ બીમાર હતા. આ બહેનોએ જેનેટને બાઇબલમાંથી શીખવવાનું શરૂ કર્યું. જેનેટના મમ્મી કૅથલિક ધર્મ પાળતા હતા. પણ ઓલિવ અને સોનિયાબહેને જેનેટને જે પ્રેમ બતાવ્યો એ તેમને ખૂબ ગમ્યું. પછી તેમણે પણ બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો અને યહોવાહના જ્ઞાનમાં આગળ વધ્યા. શું તમે આ રીતે પરમેશ્વરનો સંદેશો બીજા લોકોને જણાવી શકો?

૮. વયોવૃદ્ધ કાલેબે કઈ રીતે યહોવાહમાં પૂરી શ્રદ્ધા બતાવી, અને આપણા વૃદ્ધ ભાઈબહેનો કઈ રીતે તેમના પગલે ચાલી શકે?

ઘડપણમાંય યહોવાહના ભક્તો પ્રચાર કામ કરતા રહે છે. તેઓ ઈશ્વરભક્ત કાલેબને પગલે ચાલે છે. કાલેબે મુસાને ચાલીસેક વર્ષ સુધી સાથ આપ્યો. તેમણે છ વર્ષ એક સૈનિક તરીકે સેવા આપી. પછી તેમણે ૭૯ વર્ષની વયે યરદન નદી પાર કરી અને યહોવાહે વચન આપેલા દેશમાં ગયા. પછી શું તેમણે આરામ કર્યો? ના. યહુદાહના ‘મોટાં તથા કોટવાળાં નગરોમાં’ અનાકી નામના ખતરનાક લોકો રહેતા હતા. યહોવાહની સહાયથી કાલેબે ‘યહોવાહે કહ્યું હતું તેમ તેઓને હાંકી કાઢ્યા.’ (યહોશુઆ ૧૪:૯-૧૪; ૧૫:૧૩, ૧૪) ઘડપણમાં તમે યહોવાહનો સંદેશો ફેલાવો છો તેમ, ખાતરી રાખો કે કાલેબની જેમ તમારા પર પણ યહોવાહના આશીર્વાદ છે. તમારી શ્રદ્ધા મજબૂત રાખશો તો, આ પૃથ્વી સુંદર બનશે ત્યારે તમને જરૂર એમાં આશીર્વાદ મળશે.—યશાયાહ ૪૦:૨૯-૩૧; ૨ પીતર ૩:૧૩.

“તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે”

૯, ૧૦. ઘડપણમાં પણ ઈશ્વરભક્તો કઈ રીતે યહોવાહની ભક્તિમાં ઠંડા નથી પડતા? (પાન ૧૩ પરનું બૉક્સ જુઓ.)

યહોવાહના સેવકો ઘડપણમાં પણ પૂરા જોશથી તેમની ભક્તિ કરી શકે. એ વિષે ગીતશાસ્ત્ર જણાવે છે: “ન્યાયી માણસ તાડની [અથવા ખજૂરીની] પેઠે ખીલશે; તે લબાનોનના દેવદારની પેઠે વધશે. તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે, તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે.”—ગીતશાસ્ત્ર ૯૨:૧૨, ૧૪.

૧૦ તમારી ઉંમર વધી ગઈ હોય છતાં તમે કઈ રીતે યહોવાહની ભક્તિમાં તાજા રહી શકો? એક ઝાડનો દાખલો લો. ઝાડને કાયમ પાણી મળે તો જ લીલું રહી શકે. એ જ રીતે બાઇબલ પાણી જેવું છે. તમે એ પીતા રહો. યહોવાહના ભક્તો સાથે મળતા રહો તો તમે પણ તાજા રહી શકશો. (ગીતશાસ્ત્ર ૧:૧-૩; યિર્મેયાહ ૧૭:૭, ૮) તમે રાજીખુશીથી યહોવાહની ભક્તિ કરો છો. તેથી, ભાઈબહેનોની નજરે તમે ખૂબ જ વહાલા છો. ચાલો આપણે યહોયાદા વિષે જોઈએ. તે પણ વૃદ્ધ અને એક મોટા યાજક હતા.

૧૧, ૧૨. (ક) યહોયાદાએ યહુદાહના ઇતિહાસમાં કઈ મહત્ત્વની ફરજ નિભાવી? (ખ) યહોયાદાએ યહોવાહની સાચી ભક્તિ કઈ રીતે ફેલાવી?

૧૧ યહોયાદા લગભગ સો વર્ષના હતા. એ જમાનામાં રાણી અથાલ્યા બહુ ખતરનાક હતી. તેને યહુદાહનો કબજો કરવો હતો. અરે, એ માટે તો તેણે પોતાના જ પૌત્રોને મારી નંખાવ્યા. યહોયાદા બીચારા શું કરે? છ વર્ષ સુધી યહોયાદા અને તેમની પત્નીએ નાનકડા રાજકુંવર યોઆશને ઈશ્વરના મંદિરમાં સંતાડી રાખ્યો. છેવટે તેઓએ ઢંઢેરો પીટાવીને સાત વર્ષના યોઆશને રાજા બનાવ્યો. રાણી અથાલ્યાને ભોંય ભેગી કરી નાંખી!—૨ કાળવૃત્તાંત ૨૨:૧૦-૧૨; ૨૩:૧-૩, ૧૫, ૨૧.

૧૨ રાજાનું રક્ષણ કરવાની જવાબદારી યહોયાદાને માથે હતી. તેમણે યહોવાહની ભક્તિ ફેલાવવા માટે એ જવાબદારીને પૂરેપૂરી નિભાવી. યહોયાદાએ “પોતે તથા સર્વ લોક તથા રાજાની વચ્ચે એવા કોલકરાર કર્યા, કે આપણે યહોવાહના લોક થવું.” પછી યહોયાદાના હુકમથી બધા લોકોએ બઆલના મંદિરને તોડી પાડ્યું, વેદીના તથા મૂર્તિઓના ભાંગીને ભૂક્કા કર્યા, જૂઠા ગુરુઓને પણ કાઢી મૂક્યા. યહોયાદાના માર્ગદર્શન હેઠળ યહોવાહના મંદિરનું સમારકામ કરવામાં આવ્યું અને એમાં ફરીથી સાચી ભક્તિ શરૂ થઈ. ‘યહોયાદા યાજક બોધ કરતો હતો તે સર્વ દિવસો પર્યંત યોઆશે યહોવાહની દૃષ્ટિમાં જે સારૂં હતું તે કર્યું.’ (૨ કાળવૃત્તાંત ૨૩:૧૧, ૧૬-૧૯; ૨૪:૧૧-૧૪; ૨ રાજાઓ ૧૨:૨) યહોયાદા ૧૩૦ વર્ષની ઉંમરે ગુજરી ગયા. તેમની દફનવિધિ પૂરી માનમર્યાદાથી રાજાઓ સાથે કરવામાં આવી હતી, કેમ કે “તેણે ઈસ્રાએલમાં તથા દેવના અને મંદિરના સંબંધમાં સારી સેવા બજાવી હતી.”—૨ કાળવૃત્તાંત ૨૪:૧૫, ૧૬.

૧૩. ઘડપણમાં કઈ રીતે યહોવાહની ભક્તિમાં સારી સેવા આપી શકાય?

૧૩ કદાચ તમારી તબિયત સારી ન રહેતી હોય તો તમે યહોવાહનો બહુ પ્રચાર કરી શકતા નહિ હોવ. તોપણ તમે ઈશ્વરની ‘સારી સેવા’ કરી શકો છો. તમે મંડળમાં હાજરી આપીને એમાં ભાગ લઈ શકો છો. પ્રચારમાં શક્ય હોય ત્યારે જઈ શકો છો. તમે પૂરા દિલથી બાઇબલના માર્ગદર્શન પ્રમાણે ચાલો. “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરનું” કહ્યું સાંભળો. આ રીતે તમે મંડળમાં બધાને હિંમત આપી શકશો. (માત્થી ૨૪:૪૫-૪૭) તમે યહોવાહના સેવકોને “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા” ઉત્તેજન આપી શકો. (હેબ્રી ૧૦:૨૪, ૨૫; ફિલેમોન ૮, ૯) તેમ જ પાઊલની આ સલાહ પ્રમાણે ચાલવાથી તમે બીજાઓને ખૂબ સથવારો આપી શકશો: “વૃદ્ધોને કહેવું, કે તમારે સંયમી, ગંભીર, ઠરેલ, અને વિશ્વાસમાં, પ્રેમમાં તથા ધીરજમાં દૃઢ થવું જોઈએ; વળી વૃદ્ધ સ્ત્રીઓને કહેવું, કે તમારે ધર્માનુસાર આચરણ કરનારી, કૂથલી કરનારી નહિ, ઘણો દ્રાક્ષારસ પીનારી નહિ, પણ સારી શિખામણ આપનારી થવું જોઈએ.”—તીતસ ૨:૨-૪.

૧૪. વર્ષોથી સેવા આપતા વડીલો કઈ રીતે યહોવાહની ભક્તિ આગળ વધારવા મદદ કરી શકે?

૧૪ શું તમે મંડળના વડીલ તરીકે વર્ષોથી સેવા કરી છે? વડીલ તરીકે વર્ષોથી સેવા આપતા એક ભાઈ કહે છે: “એનાથી જીવનમાં ઘણું શીખવાનું મળે છે.” પછી તે સલાહ આપે છે: “બીજાઓને પણ જવાબદારી ઉપાડતા શીખવો. જેઓ શીખવા તૈયાર હોય તેઓને તમારી સલાહ આપો . . . તેઓની આવડત પારખો, એને બહાર લાવવા મદદ કરો. આ રીતે બીજાઓને તૈયાર કરો.” (પુનર્નિયમ ૩:૨૭, ૨૮) તમે પૂરા દિલથી પ્રચાર કામ આગળ વધારો, એના ઘણા આશીર્વાદો ભાઈ-બહેનોને પણ મળશે.

લોકોને જણાવો કે યહોવાહ ન્યાયી છે

૧૫. મોટી ઉંમરના ભાઈ-બહેનો કઈ રીતે યહોવાહની ભક્તિ કરી શકે?

૧૫ મોટી ઉંમરના ભક્તો રાજીખુશીથી યહોવાહનું નામ જાહેર કરે છે. તમે વૃદ્ધ થઈ ગયા હોવ તો તમારી ભક્તિથી, આચાર-વિચારથી બીજાઓને બતાવી શકો કે ખુદ યહોવાહ ‘તમારા ખડક છે અને તેમનામાં કંઈ અન્યાય નથી.’ (ગીતશાસ્ત્ર ૯૨:૧૫) ખજૂરીનું ઝાડ યહોવાહે બનાવ્યું છે. પણ એ તો ઝાડ છે, યહોવાહ વિષે બોલી તો ન જ શકે ને! પણ તમે તો યહોવાહ વિષે બોલી શકો છો. લોકોને સત્ય અપનાવવા સહાય કરવાનો તમને કેટલો મોટો લહાવો છે! (પુનર્નિયમ ૩૨:૭; ગીતશાસ્ત્ર ૭૧:૧૭, ૧૮; યોએલ ૧:૨, ૩) શા માટે તમારે યહોવાહ વિષે બોલવું જોઈએ?

૧૬. બાઇબલમાં કોનો દાખલો છે જે યહોવાહની જ ભક્તિ કરવા પર ભાર મૂકતા હતા?

૧૬ ઈસ્રાએલના આગેવાન, યહોશુઆ ‘ઘણા વૃદ્ધ’ થયા ત્યારે, “સર્વ ઈસ્રાએલને તેઓના વડીલોને ને તેઓના મુખ્ય પુરુષોને, ને તેઓના ન્યાયાધીશોને, ને તેઓના અધિકારીઓને” બોલાવ્યા. તેમણે તેઓને યહોવાહના ન્યાયી કાર્યો યાદ કરાવ્યા અને પછી કહ્યું: “જે સારાં વચનો તમારા દેવ યહોવાહે તમારા વિષે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી; તે સર્વ તમારા સંબંધમાં ફળીભૂત થયાં છે.” (યહોશુઆ ૨૩:૧, ૨, ૧૪) પછી અમુક વર્ષો સુધી લોકો આ શબ્દો યાદ રાખીને યહોવાહની ભક્તિ કરતા રહ્યા. પણ યહોશુઆના મરણ પછી, “એક એવી પેઢી ઉત્પન્‍ન થઈ, કે જે યહોવાહને તથા ઈસ્રાએલને સારૂ તેણે જે કામ કર્યું હતું તે પણ, જાણતી નહોતી. હવે ઈસ્રાએલપુત્રોએ યહોવાહની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, ને બઆલીમની સેવા કરી.”—ન્યાયાધીશો ૨:૮-૧૧.

૧૭. આજે યહોવાહે તેમના ભક્તોને કેવા કેવા આશીર્વાદો આપ્યા છે?

૧૭ યહોશુઆએ ઘડપણમાં જે રીતે યહોવાહ વિષે શીખવ્યું એ રીતે આજે મંડળોમાં શીખવવામાં આવતું નથી. પણ જ્યારે આપણે આ છેલ્લા દિવસોમાં યહોવાહે પોતાના લોકો માટે કરેલા “સર્વ મોટાં કામ” વિષે સાંભળીએ છીએ ત્યારે આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. (ન્યાયાધીશો ૨:૭; ૨ પીતર ૧:૧૬-૧૯) તમે વર્ષોથી યહોવાહના સાક્ષી હોવ તો તમે ઘણું જોયું હશે. તમને યાદ હશે કે તમે જ્યાંથી આવો છો ત્યાં, અગાઉ સાવ થોડાક જ યહોવાહના સાક્ષીઓ હતા. કદાચ પ્રચાર કામનો વિરોધ પણ થયો હોય. પણ સમય જતા તમે જોયું હશે કે યહોવાહે કઈ રીતે અડચણો દૂર કરીને તેમનું કામ “જલદી” આગળ વધાર્યું. (યશાયાહ ૫૪:૧૭; ૬૦:૨૨) તમે એ પણ જોયું હશે કે દિવસે દિવસે યહોવાહે તેમની સંસ્થામાં કેવું માર્ગદર્શન આપ્યું છે અને બાઇબલમાંથી સત્યનું કેવું અજવાળું ફેલાવ્યું છે. (નીતિવચનો ૪:૧૮; યશાયાહ ૬૦:૧૭) શું તમે યહોવાહની સેવા કરવાના અનુભવો જણાવીને બીજાની શ્રદ્ધા મજબૂત કરો છો? જો એમ કરશો તો એનું પરિણામ બહુ જ સારું આવશે અને ઘણાની શ્રદ્ધા મજબૂત થઈ શકશે.

૧૮. (ક) યહોવાહને વળગી રહેવાનું શું પરિણામ આવે છે? (ખ) યહોવાહે તમને કઈ કઈ રીતે સથવારો આપ્યો છે?

૧૮ ઘણી વખત યહોવાહે તમને નિભાવી રાખ્યા હશે. તમારા પોતાના જીવનમાં ખુદ યહોવાહે તમને મદદ કરી હશે. (ગીતશાસ્ત્ર ૩૭:૨૫; માત્થી ૬:૩૩; ૧ પીતર ૫:૭) માર્થા નામના બા વર્ષોથી યહોવાહની ભક્તિ કરે છે. તે બીજાઓને આમ કહીને ઉત્તેજન આપે છે: “ભલે ગમે એ થાય યહોવાહને છોડતા નહિ. એ જ તમને સથવારો આપશે.” આ સલાહની ટોલમીના નામની બહેન પર ઘણી અસર પડી. તે માર્થા પાસેથી જ બાઇબલ શીખીને ૧૯૬૦માં યહોવાહના સાક્ષી બન્યા હતા. ટોલમીના કહે છે: “મારા પતિ ગુજરી ગયા પછી મારું જીવન સૂનું સૂનું થઈ ગયું હતું. પણ મને માર્થાના એ શબ્દો હજી યાદ હતા. એના લીધે હું દરેક સભાઓમાં ગઈ. મેં યહોવાહને છોડ્યા નહિ. યહોવાહે પણ મને ખૂબ સથવારો આપ્યો.” જે કોઈ ટોલમીના પાસેથી બાઇબલ શીખે તેઓને પણ તે વર્ષોથી એ જ સલાહ આપે છે. યહોવાહે તમારું કઈ કઈ રીતે ધ્યાન રાખ્યું છે એ વિષે વાત કરવાથી બીજાઓને ઘણી હિંમત મળી શકે.

તમે યહોવાહને ખૂબ જ વહાલા છો

૧૯, ૨૦. (ક) યહોવાહ તેમના વૃદ્ધ ભક્તોને કઈ રીતે જુએ છે? (ખ) હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?

૧૯ આજના જમાનાને ઘરડા લોકોની કંઈ પડી નથી. (૨ તીમોથી ૩:૧, ૨) ઘણા લોકો બસ એ જ જુએ છે કે ઘરડા લોકોએ તેઓની જુવાનીમાં શું કર્યું. પણ તમે અત્યારે શું કરો છો એ જોઈ નથી શકતા. પણ યહોવાહ અલગ છે. તે “તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને વિસરે એવો અન્યાયી નથી.” (હેબ્રી ૬:૧૦) યહોવાહની સેવામાં તમે શું કર્યું એ જ નહિ, પણ શું કરો છો એ પણ તે યાદ રાખે છે. યહોવાહને તમે ખૂબ વહાલા છો. તે તમને પ્રેમ કરે છે અને તેમના ભક્તો તરીકે જુએ છે. હા, ખુદ યહોવાહ તમને પૂરેપૂરો સાથ આપે છે.—ફિલિપી ૪:૧૩.

૨૦ યહોવાહની જેમ શું આપણે ઘરડા સેવકોને ચાહીએ છીએ? આપણે તેઓને બતાવી શકીએ કે તેઓ આપણને કેટલા વહાલા છે. (૧ યોહાન ૩:૧૮) રોજબરોજની બાબતોમાં આપણે કઈ રીતે તેઓને મદદ કરી શકીએ? હવે પછીના લેખમાં આપણે એની ચર્ચા કરીશું.

[ફુટનોટ]

^ ખજૂરીના ઝૂમખામાં લગભગ હજારેક એટલે કે આઠેક કિલો ખજૂર પાકી શકે. એક લેખક જણાવે છે: “એક ખજૂરી સૂકાઈ જાય એ પહેલાં લગભગ બેથી ત્રણ ટન જેટલાં ખજૂર પેદા કરે છે.”

તમે શું કહેશો?

• આપણા વૃદ્ધ ભાઈબહેનો કઈ રીતે “ફળદાયક” છે?

• ઘડપણમાં રાજીખુશીથી યહોવાહની ભક્તિ કરે છે તેઓની કેમ કદર કરવામાં આવે છે?

• કઈ રીતે ઘરડા સેવકો યહોવાહનું નામ રોશન કરી શકે?

• વર્ષોથી સેવા આપતા ઘરડા સેવકો યહોવાહ માટે કેમ ખૂબ મૂલ્યવાન છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૩ પર બોક્સ]

તેઓ કઈ રીતે વિશ્વાસમાં દૃઢ રહ્યા?

યહોવાહના ઘણા સેવકો વર્ષોથી તેમની ભક્તિ કરી રહ્યા છે. શા માટે તેઓની શ્રદ્ધા ઠંડી નથી પડતી? ચાલો જોઈએ કે તેઓમાંના કેટલાક શું કહે છે:

“બાઇબલમાંથી યહોવાહમાં વિશ્વાસ બાંધતી કલમો વાંચવી ખૂબ અગત્યની છે. મોટે ભાગે રોજ રાત્રે હું ગીતશાસ્ત્ર ૨૩ અને ૯૧ના શબ્દો યાદ કરું છું.”—ઓલિવ, ૧૯૩૦માં બાપ્તિસ્મા લીધું.

“જ્યારે પણ બાપ્તિસ્માની ટૉક આપવામાં આવે ત્યારે હું ધ્યાનથી સાંભળું છું. હું એમ માનું છું કે હું પોતે બાપ્તિસ્મા લઈ રહ્યો છું. આ રીતે મારી શ્રદ્ધા તેજ રહે છે.”—હેરી, ૧૯૪૬માં બાપ્તિસ્મા લીધું.

“દરરોજ પ્રાર્થના કરવાનું ચૂકશો નહિ. પ્રાર્થનામાં રોજ માંગો કે યહોવાહ સાથ આપે, આપણું ધ્યાન રાખે અને આપણને આશીર્વાદ આપે. જીવનના હરેક પગલે યહોવાહને જ માર્ગે ચાલો.” (નીતિવચનો ૩:૫, ૬)—એન્ટોન્યો, ૧૯૫૧માં બાપ્તિસ્મા લીધું.

“વર્ષોથી યહોવાહની ભક્તિ કરતા તેમના વફાદાર સેવકોના અનુભવો સાંભળીને મને પણ તેમની ભક્તિમાં જોશીલા રહેવા ખૂબ ઉત્તેજન મળે છે.”—જોએન, ૧૯૫૪માં બાપ્તિસ્મા લીધું.

“પોતાનો જ વિચાર કરવો ન જોઈએ. આપણી પાસે જે કંઈ છે એ યહોવાહે જ આપ્યું છે. એ યાદ રાખીએ તો યહોવાહ પાસેથી માર્ગદર્શન મેળવી શકીશું. અને અંત સુધી ટકવા માટે યહોવાહ આપણને સહનશક્તિ આપશે.”—આર્લિન, ૧૯૫૪માં બાપ્તિસ્મા લીધું.

[પાન ૧૧ પર ચિત્ર]

યહોવાહના ભક્તો ઘડપણમાં પણ પ્રચાર કામ ચાલુ રાખે છે

[પાન ૧૪ પર ચિત્ર]

ઘડપણમાં ખુશી ખુશી યહોવાહની ભક્તિ કરનારાઓની આપણે ખૂબ કદર કરીએ છીએ