સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વૃદ્ધોનું ધ્યાન રાખવું એ તો આપણો ધર્મ છે

વૃદ્ધોનું ધ્યાન રાખવું એ તો આપણો ધર્મ છે

વૃદ્ધોનું ધ્યાન રાખવું એ તો આપણો ધર્મ છે

“ઉંમરને કારણે તમારા માથાના વાળ સફેદ થાય ત્યાં સુધી હું તમારો ઈશ્વર થઈશ.” —યશાયા ૪૬:૪, IBSI.

૧, ૨. માબાપ બાળકોનું ધ્યાન રાખે, અને યહોવાહ આપણા બધાનું ધ્યાન રાખે એમાં શું ફેર છે?

 એક બાળકનું જતન કરવું એ તો માબાપની ફરજ છે. બાળક મોટું થઈ જાય, પોતાના પગ પર ઊભું રહેવા લાગે, લગ્‍ન કરે તોય માબાપની નજરે તો એ બાળક જ રહે છે. બાળકો મોટા થઈ ગયા પછી માબાપની મમતા કંઈ ઓછી નથી થતી.

બાળકો મોટા થઈ જાય પછી માબાપ તેઓને અમુક અંશે જ મદદ કરી શકે છે. પણ પરમેશ્વર યહોવાહ જુદા છે. તે હંમેશાં તેમના ભક્તોને સથવારો આપે છે. યહોવાહે તેમના પ્રાચીન ભક્તોને કહ્યું હતું કે, “ઉંમરને કારણે તમારા માથાના વાળ સફેદ થાય ત્યાં સુધી હું તમારો ઈશ્વર થઈશ.” (યશાયા ૪૬:૪, IBSI) એ શબ્દો વાંચીને વૃદ્ધ સેવકોના કલેજાને કેટલી ઠંડક મળતી હશે! યહોવાહ તેઓને કદી તજી નહિ દે. અરે, જીવનની છેલ્લી ઘડી સુધી તેઓનું ખુદ યહોવાહ ધ્યાન રાખશે.—ગીતશાસ્ત્ર ૪૮:૧૪.

૩. આ લેખમાં આપણે શું શીખીશું?

વૃદ્ધોનું ધ્યાન રાખવા માટે આપણે યહોવાહ પાસેથી શું શીખી શકીએ? (એફેસી ૫:૧, ૨) આ લેખમાંથી આપણે શીખીશું કે કઈ રીતે તેઓના બાળકો ધ્યાન રાખી શકે? મંડળના વડીલો શું કરી શકે? અને આપણે દરેક કઈ રીતે મંડળમાં વૃદ્ધોની સેવા કરી શકીએ?

વૃદ્ધ માબાપનું ધ્યાન રાખવું બાળકોની જવાબદારી

૪. બાળકો વૃદ્ધ માબાપનું ધ્યાન કઈ રીતે રાખી શકે?

“તારા બાપનું તથા તારી માનું સન્માન કર.” (એફેસી ૬:૨; નિર્ગમન ૨૦:૧૨) આ શબ્દો પાઊલે દસ નિયમોમાંથી ટાંક્યા. એ બતાવે છે કે માબાપનું ધ્યાન રાખવું એ તો બાળકોનો ધર્મ છે. પણ કઈ રીતે વૃદ્ધ માબાપનું ધ્યાન રાખવું? ચાલો બાઇબલમાંથી એક દાખલો જોઈએ.

૫. (ક) શું બતાવે છે કે યુસફ તેમના પિતાને ખૂબ ચાહતો હતો? (ખ) કઈ રીતે આપણા માબાપનું ધ્યાન રાખી શકીએ અને યુસફે એ માટે કેવો સરસ નમૂનો બેસાડ્યો?

પિતાથી વિખૂટા પડ્યાને યુસફને વીસ વીસ વર્ષો વહી ગયાં હતાં. પિતા યાકૂબ સાવ ઘરડા થઈ ગયા હતા, પણ યુસફ તેમને મળ્યો ન હતો. તોપણ પિતા માટે યુસફનો પ્રેમ ઠંડો પડ્યો ન હતો. યુસફે તેના ભાઈઓને પોતાની સાચી ઓળખ આપ્યા પછી, તરત જ પૂછ્યું: ‘શું મારા પિતા હજુ જીવે છે?’ (ઉત્પત્તિ ૪૩:૭, ૨૭; ૪૫:૩) એ વખતે કનાન દેશમાં ભયંકર દુકાળ ફાટી નીકળ્યો હતો. તેથી, યુસફે તરત જ તેમના પિતાને સંદેશો મોકલ્યો: ‘મારી પાસે આવો, વિલંબ ન કરો; અને તમે ગોશેન દેશમાં રહેશો, તમે મારી નજદીક રહેશો; અને હું તમારું પાલનપોષણ કરીશ.’ (ઉત્પત્તિ ૪૫:૯-૧૧; ૪૭:૧૨) હા, વૃદ્ધ માબાપનું ધ્યાન રાખવામાં તેઓના સંજોગો ખરાબ હોય ત્યારે પણ તેઓનું પાલનપોષણ કરવું જોઈએ. (૧ શમૂએલ ૨૨:૧-૪; યોહાન ૧૯:૨૫-૨૭) યુસફે રાજીખુશીથી આ જવાબદારી માથે ઉપાડી.

૬. યુસફે તેના પિતા માટે કઈ રીતે પ્રેમ બતાવ્યો? આપણે તેમને કઈ રીતે અનુસરી શકીએ?

યહોવાહના આશીર્વાદ યુસફ પર હતા. તે મિસરમાં (ઇજિપ્ત) રાજા પછી સૌથી ધનવાન અને શક્તિશાળી માણસ હતો. (ઉત્પત્તિ ૪૧:૪૦) તોપણ, તેના ૧૩૦ વર્ષના પિતા ઇજિપ્તમાં આવ્યા ત્યારે, તેણે એવું ન વિચાર્યું કે, ‘મને તો સમય જ ક્યાં છે, મારે કેટલું બધું કામ જોવાનું છે.’ યાકૂબ આવી રહ્યા છે એવી ખબર મળી કે તરત “યુસફ રથ જોડીને તેના બાપ ઇસ્રાએલને મળવાને ગોશેનમાં ગયો; અને તેને જોઇને તે તેની કોટે વળગ્યો, ને ઘણી વાર લગી તેની કોટે બાઝીને રડ્યો.” (ઉત્પત્તિ ૪૬:૨૮, ૨૯) યુસફ કંઈ ઢોંગ કરતો ન હતો. પણ તેના પિતાને ખૂબ જ પ્યાર કરતો હતો. કેટલો પ્રેમ કરે છે એ બતાવવામાં તે શરમાતો પણ ન હતો. આપણા માબાપ વૃદ્ધ થયા હોય તો, શું આપણે પણ તેઓને એવો પ્યાર કરીએ છીએ?

૭. યાકૂબે શા માટે પોતાને કનાનમાં જ દફનાવવાની વિનંતી કરી?

યુસફના પિતા યાકૂબ જીવનની છેલ્લી ઘડી સુધી યહોવાહની ભક્તિ કરતા રહ્યા. (હેબ્રી ૧૧:૨૧) તેમને યહોવાહનાં વચનોમાં ખૂબ શ્રદ્ધા હતી. એટલે જ તેમની અંતિમ ઇચ્છા હતી કે તેમનો દેહ કનાનમાં દફનાવવામાં આવે. યુસફને ખૂબ ખર્ચો થયો, મહેનત પડી છતાં તેમના પિતાની અંતિમ ઇચ્છા પૂરી કરી.—ઉત્પત્તિ ૪૭:૨૯-૩૧; ૫૦:૭-૧૪.

૮. (ક) શા માટે આપણે વૃદ્ધ માબાપનું ધ્યાન રાખવું જોઈએ? (ખ) ફિલીપભાઈના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? (ઉપરનું બૉક્સ જુઓ.)

શા માટે યુસફે તેમના પિતા માટે આટલું બધું કર્યું? તેમના પર પિતાના અગણિત ઉપકારો હતા. પિતાએ તેમને જીવનની ભેટ આપી. મોટો કર્યો, પાલનપોષણ કર્યું. યુસફને એ પણ ખબર હતી કે પિતાની કાળજી રાખવાથી ખુદ યહોવાહ રાજી થશે. આ રીતે આપણે પણ યહોવાહને રાજી કરી શકીએ. પાઊલે લખ્યું: “જો વિધવાઓને સંતાનો કે સંતાનોના સંતાનો હોય, તો તે સંતાનોએ પોતાનાં માબાપ પ્રત્યેની જવાબદારી અદા કરવી જોઈએ, કારણ કે આ બાબત ઈશ્વરને ગમે છે. એમ ભલાઈની શરૂઆત પોતાના કુટુંબથી જ થવી જોઈએ.” (૧ તિમોથી ૫:૪, IBSI) ઈશ્વરને ગમે છે કે આપણે વૃદ્ધ માબાપનું ધ્યાન રાખીએ. પછી ભલે આપણે ગમે એટલી મહેનત કરવી પડે, એ આપણી ફરજ છે. *

મંડળના વડીલો કઈ રીતે મદદ કરી શકે?

૯. યહોવાહે તેમના સર્વ સેવકોની કાળજી રાખવાની જવાબદારી કોને સોંપી છે?

યુસફના પિતા મરણ પથારીએ હતા ત્યારે, તેમણે યહોવાહને યાદ કરીને કહ્યું: “દેવે મને મારા આખા આયુષ્યમાં આજ પર્યંત પાળ્યો.” (ઉત્પત્તિ ૪૮:૧૫) યહોવાહ આજે મંડળના વડીલો દ્વારા તેમના સેવકોનું પાલન કરે છે. ઈસુ ‘મુખ્ય પાળક’ છે અને મંડળના વડીલોને માર્ગદર્શન આપે છે. (૧ પીતર ૫:૨-૪) પણ વડીલો કઈ રીતે યહોવાહને પગલે ચાલી શકે અને વૃદ્ધોનું ધ્યાન રાખી શકે?

૧૦. આપણા વૃદ્ધ ભાઈબહેનોને કઈ રીતોએ મદદ કરવામાં આવી છે? (પાન ૧૯ પરનું બૉક્સ જુઓ.)

૧૦ પહેલી સદીમાં મંડળની ગોઠવણ કરવામાં આવી એ પછી, પ્રેષિતોએ તરત જ “પવિત્ર આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા સાત પ્રતિષ્ઠિત માણસોને શોધી” કાઢ્યા. જેથી તેઓ તંગીમાં આવી પડેલી મંડળની વિધવાઓને રોજ ખોરાકની વહેંચણી કરી શકે. (પ્રેરિતોનાં કૃત્યો ૬:૧-૬) પછી પાઊલે તીમોથીને નિરાધાર વૃદ્ધ વિધવાઓનું નામ લખી લેવાનું જણાવ્યું, જેથી તેઓને મદદ કરી શકાય. (૧ તીમોથી ૫:૩, ૯, ૧૦) એ જ રીતે, આજે મંડળોમાં વડીલો ખુશીથી એવી ગોઠવણો કરે છે જેથી જરૂર પડ્યે વૃદ્ધોને મદદ કરી શકાય. પરંતુ, બીજી અનેક રીતોએ પણ વૃદ્ધોનું ધ્યાન રાખવું જોઈએ.

૧૧. ઈસુએ ગરીબ વિધવાના નજીવા દાન વિષે શું કહ્યું?

૧૧ એક વખત “ઈસુ મંદિરની દાનપેટી સામે બેઠા અને લોકો તેમાં પૈસા નાખતા હતા તે જોવા લાગ્યા.” પછી તેમનું ધ્યાન એક વ્યક્તિ પર ગયું. માર્ક જણાવે છે: “એવામાં એક ગરીબ વિધવા આવી. તેણે તેમાં બે નાના સિક્કા નાખ્યા.” ઈસુએ શિષ્યોને પાસે બોલાવીને કહ્યું: “પૈસાદાર માણસોએ જે આપ્યું તેની સરખામણીમાં આ ગરીબ વિધવાએ વધારે આપ્યું છે. કારણ તેઓએ પોતાની પાસે જે વધારાનું હતું તેમાંથી આપ્યું છે, પણ આ સ્ત્રીએ પોતાની ગરીબાઇમાંથી પોતાના જીવનનિર્વાહ માટે તેની પાસે જે હતું તે બધું જ આપી દીધું છે.” (માર્ક ૧૨:૪૧-૪૪, IBSI) આ વિધવાએ ભલે થોડા જ પૈસા દાનમાં આપ્યા હોય, પણ ઈસુને ખબર હતી કે એનાથી યહોવાહ ખૂબ રાજી થયા હશે. એ ગરીબ વિધવાની ઉંમર ભલે ગમે તે હોય, પણ ઈસુએ તેના વખાણ કર્યા.

૧૨. મંડળના વડીલો કઈ રીતે વૃદ્ધોની કદર કરી શકે?

૧૨ ઈસુની જેમ, આજે વડીલો યહોવાહની સેવા કરતા વૃદ્ધોની ખૂબ કદર કરે છે. તેઓ યહોવાહનો પ્રચાર કરે છે, સભાઓમાં ભાગ લે છે. તેઓમાં ખૂબ સહનશક્તિ છે. વડીલોએ તેઓની પ્રશંસા કરવી જોઈએ, ઉત્તેજન આપવું જોઈએ. જેથી વૃદ્ધોને બીજા વિષે નહિ પણ “પોતાને વિષે” ગૌરવ થઈ શકે. એનાથી તેઓ નિરાશ નહિ થાય કે, પોતે પહેલાં ઘણું કરી શકતા હતા પણ હવે બહુ કરી શકતા નથી. એના બદલે પોતે જે કરે છે એનાથી ખુશ થશે.—ગલાતી ૬:૪.

૧૩. વડીલો કઈ રીતે વૃદ્ધોના અનુભવો જાણી શકે?

૧૩ વડીલો વૃદ્ધ ભાઈબહેનોના જીવનમાંથી ઘણું જાણી શકે છે. ઘડપણમાં દિલથી યહોવાહની ભક્તિ કરતા હોય એવા વૃદ્ધોનું કોઈ વાર ઇન્ટરવ્યૂ લઈ શકાય. એક વડીલ જણાવે છે: “બાળકોને સત્યમાં ઉછેર્યા હોય એવા મોટી ઉંમરના કોઈ ભાઈ કે બહેનનું હું ઇન્ટરવ્યૂ લઉં છું ત્યારે, મંડળમાં બધા બે કાન ધરીને સાંભળે છે.” બીજા એક મંડળના વડીલો જણાવે છે કે તેઓના મંડળમાં ૭૧ વર્ષના એક પાયોનિયર બહેન છે. તેમણે ઘણા ભાઈબહેનોને મદદ કરી છે જેથી તેઓ યહોવાહની સેવામાં ઠંડા ન પડી જાય. તે તેઓને દરરોજ બાઇબલ અને રોજનું વચન વાંચવાનું ઉત્તેજન આપે છે; અને તેઓ જે વાંચે એના પર મનન કરવાનું પણ જણાવે છે.

૧૪. એક મંડળના વડીલોએ કઈ રીતે વયોવૃદ્ધ વડીલ માટે પ્રેમ બતાવ્યો?

૧૪ વડીલ તરીકે સેવા આપતા વૃદ્ધ ભાઈઓની પણ બીજા વડીલો ખૂબ જ કદર કરે છે. જોસેયભાઈની ઉંમર લગભગ ૭૦ વર્ષની છે. તે વર્ષોથી એક વડીલ તરીકે સેવા આપે છે. હાલમાં તે બીમાર પડ્યા હતા અને મોટું ઑપરેશન કરાવવું પડ્યું. સાજા થતા લાંબો સમય લાગવાનો હતો. તેમને થયું કે પોતે મંડળમાં પ્રમુખ નિરીક્ષક તરીકે સેવા ન કરે તો સારું. જોસેયભાઈ કહે છે: “પણ મંડળના વડીલો ન માન્યા. તેઓએ મને પૂછ્યું કે હું પ્રમુખ નિરીક્ષક તરીકે સેવા ચાલુ રાખી શકું એ માટે તેઓ કઈ રીતે મદદ કરી શકે.” એક યુવાન વડીલે જોસેયભાઈને મદદ કરી. જોસેયભાઈ પ્રમુખ નિરીક્ષકની સેવા બજાવતા રહ્યા. મંડળને પણ ઘણા આશીર્વાદો મળ્યા. બીજા એક વડીલ જણાવે છે: “મંડળમાં બધાને જોસેયભાઈ ખૂબ જ વહાલા છે. તે જે સેવા કરે છે એની અમે ખૂબ જ કદર કરીએ છીએ. યહોવાહમાં તેમની શ્રદ્ધા મજબૂત છે.”

એકબીજાનું ધ્યાન રાખવું

૧૫. શા માટે મંડળના બધા ભાઈબહેનોએ વૃદ્ધોનું ધ્યાન રાખવું જોઈએ?

૧૫ વૃદ્ધોનું ધ્યાન રાખવાની જવાબદારી ફક્ત બાળકોની ને વડીલોની જ નથી. પાઊલે મંડળને એક શરીર સાથે સરખાવ્યું અને કહ્યું: “દેવે વિશેષ માન આપીને શરીરને એવી વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે, કે શરીરમાં ફાટફૂટ ન પડે; પણ બધા અવયવો એકબીજાને માટે એક સરખી ચિંતા રાખે.” (૧ કોરીંથી ૧૨:૨૪, ૨૫) હા, મંડળમાં બધા એકબીજાની ચિંતા કરે, વૃદ્ધોનું ધ્યાન રાખે તો સૌ સંપીને યહોવાહની ભક્તિ કરી શકે.—ગલાતી ૬:૨.

૧૬. આપણે સભાઓમાં કઈ રીતે વૃદ્ધોની કાળજી બતાવી શકીએ?

૧૬ સભાઓમાં વૃદ્ધોનું ધ્યાન રાખીને આપણે તેઓની કદર કરી શકીએ છીએ. (ફિલિપી ૨:૪; હેબ્રી ૧૦:૨૪, ૨૫) આપણે તેઓને પૂછી શકીએ કે તેઓની તબિયત કેમ છે. પણ શું આપણે તેઓને યહોવાહ વિષે કંઈક જણાવી શકીએ? ઉત્તેજન આપતો કોઈ અનુભવ કહી શકીએ? કેટલાક ઘડપણને લીધે બહુ ચાલી નથી શકતા, તેથી આપણે તેઓને સામે ચાલીને મળવા જવું જોઈએ. ઘણાને સાંભળવામાં પણ તકલીફ થતી હોય છે. તો આપણે શાંતિથી અને તેઓ સાંભળીને સમજી શકે એ રીતે બોલવું જોઈએ. આપણે “અરસપરસ એકબીજાના વિશ્વાસથી” ઉત્તેજન લેવું હોય તો તેઓ જે કહે છે એ ધ્યાનથી સાંભળવું જોઈએ.—રૂમી ૧:૧૧, ૧૨.

૧૭. મંડળના જે વૃદ્ધો ઘરની બહાર ન નીકળી શકે તેઓને કઈ રીતે પ્રેમ બતાવી શકીએ?

૧૭ વૃદ્ધ ભાઈબહેનો સભાઓમાં આવી ન શકે તો શું કરી શકાય? યાકૂબ ૧:૨૭ આપણી ફરજ જણાવે છે: “વિધવાઓની અને અનાથોની તેઓનાં દુઃખની વખતે મુલાકાત લેવી.” એટલે કે તેઓને આપણે મળવા જવું જોઈએ. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૬) વૃદ્ધોને મળવા જઈએ ત્યારે તેઓ કેટલા રાજી થાય છે! પાઊલ આશરે ૬૫ની સાલમાં જેલમાં હતા ત્યારે, તે “વૃદ્ધ” થઈ ગયા હતા. જેલમાં જીવન સાવ સૂનું થઈ ગયું હતું. તેમને તીમોથીને મળવાનું ખૂબ મન થયું હતું. એટલે પાઊલે પત્રમાં લખ્યું: “મારી પાસે વહેલો આવવાને તું યત્ન કરજે.” (ફિલેમોન ૯; ૨ તીમોથી ૧:૩, ૪; ૪:૯) ખરું કે આપણા ઘણા વૃદ્ધો પાઊલ જેવી હાલતમાં નથી. પણ તેઓની તબિયત એવી હોય છે કે તેઓ ઘરની બહાર નથી નીકળી શકતા. તેઓને તમને મળવાનું ખૂબ જ મન થતું હોય છે. શું આપણે તેઓને મળવા જઈએ છીએ?

૧૮. વૃદ્ધોને મળવા જવાથી કેવી સારી અસર પડે છે?

૧૮ આપણે વૃદ્ધ ભાઈ કે બહેનને મળવા જઈએ ત્યારે, એની ઘણી સારી અસર પડે છે. ઓનેસીફરસભાઈ રોમમાં હતા ત્યારે, તેમણે ‘બધે જ તપાસ કરીને પાઊલને શોધી કાઢ્યા. પછી, વારંવાર તેમની મુલાકાત લઈને તેમને પ્રોત્સાહન આપ્યું.’ (૨ તીમોથી ૧:૧૬, ૧૭, IBSI) એક વૃદ્ધ બહેન જણાવે છે કે “મને યુવાનો સાથે ભળવાની ખૂબ મજા આવે છે. તેઓ મને જરાય પારકી નથી ગણતા.” બીજા એક વૃદ્ધ બહેન જણાવે છે: “મને કોઈ કાર્ડ કે પત્ર મોકલાવે કે પછી ફોન કરે તો ખૂબ ગમે છે. કોઈ મળવા આવે તોપણ મને અનહદ ખુશી થાય છે.”

વૃદ્ધોનું ધ્યાન રાખે છે તેઓને યહોવાહ આશીર્વાદ આપે છે

૧૯. વૃદ્ધોનું ધ્યાન રાખવાના કયા આશીર્વાદો મળે છે?

૧૯ વૃદ્ધોનું ધ્યાન રાખવાથી ઘણા આશીર્વાદો મળે છે. તેઓ પાસેથી ઘણું બધું શીખવાનું પણ મળે છે. તેઓનું ધ્યાન રાખવાથી આપણા જીવને શાંતિ વળે છે કે આપણે યહોવાહને માર્ગે ચાલીએ છીએ. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) જેઓ વૃદ્ધોનું ધ્યાન રાખે છે તેઓ પણ એક દિવસ વૃદ્ધ થશે. પણ તેઓએ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. યહોવાહ કહે છે: “ઉદાર જીભ પુષ્ટ થશે; અને પાણી પાનાર પોતે પણ પીશે.”—નીતિવચનો ૧૧:૨૫.

૨૦, ૨૧. વૃદ્ધોનું ધ્યાન રાખે છે તેઓ વિષે યહોવાહ શું વિચારે છે? આપણે શું કરતા રહેવું જોઈએ?

૨૦ જે વડીલો, બાળકો અને મંડળના ભાઈ-બહેનો રાજીખુશીથી વૃદ્ધોનું ધ્યાન રાખે છે તેઓને યહોવાહ આશીર્વાદ આપે છે. તેઓ વિષે નીતિવચનો ૧૯:૧૭ કહે છે: “ગરીબ પર દયા રાખનાર યહોવાહને ઉછીનું આપે છે, તે તેને તેના સુકૃત્યનો બદલો આપશે.” આપણે દિલથી વૃદ્ધોનું ધ્યાન રાખીએ છીએ ત્યારે જાણે ખુદ યહોવાહ આપણો ઉપકાર માને છે. તે બદલામાં આપણને આશીર્વાદ આપે છે. ‘જગતની નજરે ગરીબ, પણ વિશ્વાસમાં ધનવાન’ વૃદ્ધોને આપણે મદદ કરીને સથવારો આપીએ છીએ ત્યારે યહોવાહ આપણને આશીર્વાદ આપે છે.—યાકૂબ ૨:૫.

૨૧ યહોવાહ આપણને એવા આશીર્વાદ આપશે કે આપણે કાયમ જીવતા રહીશું! આ પૃથ્વીને પહેલા હતી એવી જ સુંદર બનાવવામાં આવશે. આપણે બધા તંદુરસ્ત થઈશું. વૃદ્ધો ફરી જુવાન થઈ જશે! (પ્રકટીકરણ ૨૧:૩-૫) એ વખત આવે ત્યાં સુધી ચાલો આપણે આપણો ધર્મ બજાવીએ અને વૃદ્ધોનું ધ્યાન રાખીએ.

[ફુટનોટ]

^ વૃદ્ધ માબાપનું કઈ કઈ રીતે ધ્યાન રાખી શકાય એ માટે સજાગ બનો! ફેબ્રુઆરી ૮, ૧૯૯૪ પાન ૩-૧૦ (અંગ્રેજી) જુઓ.

તમે શું કહેશો?

• બાળકો કઈ રીતે વૃદ્ધ માબાપનું ધ્યાન રાખી શકે?

• મંડળના વડીલો કઈ રીતે વૃદ્ધો માટે કદર બતાવી શકે?

• આપણે બધા કઈ કઈ રીતે વૃદ્ધોનું ધ્યાન રાખી શકીએ?

• વૃદ્ધ ભાઈબહેનોનું ધ્યાન રાખવાથી કેવા આશીર્વાદો મળે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૭ પર બોક્સ]

તેમણે માબાપનું ધ્યાન રાખ્યું

ફિલીપભાઈ ૧૯૯૯માં બાંધકામના સેવક તરીકે લાઇબીરિયામાં સેવા કરતા હતા. તેમને ખબર મળ્યા કે તેમના પિતાની હાલત બહુ જ ખરાબ છે. ફિલીપભાઈને ખબર હતી કે તેમની માતાથી આ સહન નહિ થઈ શકે. તેથી તે પાછા તેમના વતન ગયા અને તેમના પિતા માટે સારવારની ગોઠવણ કરી.

ફિલીપ કહે છે: “લાઇબીરિયાથી પાછું જવું મને ગમતું ન હતું. પણ મારા માબાપનું ધ્યાન રાખવું એ તો મારી પહેલી ફરજ હતી.” તેમને માતા-પિતા માટે રહેવાની સગવડ કરતા ત્રણ વર્ષ લાગ્યા. ભાઈ-બહેનોની મદદથી તે રહેવાની સારી સગવડ કરી શક્યા જેથી તેમના પિતાને કોઈ આંચ ન આવે.

ફિલીપની માતા માટે હવે પિતાનું ધ્યાન રાખવું સહેલું છે. હાલમાં ફિલીપ યહોવાહના સેવક તરીકે મેસિડોનિયાની બ્રાંચમાં સેવા કરે છે.

[પાન ૧૯ પર બોક્સ]

કઈ રીતે એક મંડળે વૃદ્ધ બહેનનું ધ્યાન રાખ્યું

આદાબહેન ઑસ્ટ્રેલિયામાં રહે છે. તે ૮૫ વર્ષના થયા ત્યારે તેમની તબિયત બગડી. તે ઘરની બહાર જઈ શકે એમ ન હતા. મંડળના વડીલોએ તેમને મદદ કરી. તેઓએ મંડળના ભાઈબહેનોનો સાથ લીધો. ભાઈબહેનો રાજીખુશીથી આદાબહેનનું ઘર સાફ કરતા, કપડાં-વાસણ ધોઈ આપતા, જમવાનું બનાવી આપતા અને બીજી કોઈ દોડાદોડી કરવાની હોય તો એ પણ કરતા.

આ ગોઠવણ લગભગ દસેક વર્ષ પહેલાં કરવામાં આવી હતી. ત્રીસેક યહોવાહના સાક્ષીઓએ આદાબહેનને મદદ કરી છે. તેઓ હજુ પણ તેમને મદદ કરે છે. તેમની સાથે બાઇબલ વાંચે છે, આપણા બીજાં પ્રકાશનો પણ વાંચી આપે છે. મંડળમાં શું થઈ રહ્યું છે એ જણાવે છે. તેમની સાથે પ્રાર્થના પણ કરે છે.

ત્યાંના એક વડીલ જણાવે છે: “બધા રાજીખુશીથી આદાબહેનનું ધ્યાન રાખે છે. ઘણાને આદાબહેનના વર્ષોના અનુભવો સાંભળવાથી ખૂબ જ ઉત્તેજન મળ્યું છે. તેઓ આદાબહેનનું ધ્યાન રાખ્યા વગર કઈ રીતે રહી શકે!”

[પાન ૧૬ પર ચિત્ર]

શું આપણે વૃદ્ધ માબાપને વહાલથી બોલાવીએ છીએ?

[પાન ૧૮ પર ચિત્ર]

મંડળમાં વૃદ્ધ ભાઈબહેનોને બધા જ પ્રેમ બતાવી શકે